ઇમામે ઝમાના (અજ.)ની જુમ્આના દિવસની ઝિયારતની સમજૂતિ
ગયા અંકમાં આપણે ઇમામે ઝમાના (અ.સ.)ની જુમ્આના દિવસની ઝિયારતની સમજુતીની શરૂઆત કરી હતી. હવે આપણે આ ઝિયારતની વધુ સમજણ જોઇએ.
‘સલામ થાય આપ ઉપર અય ખુદાના સર્જનોની રખેવાળી કરનાર અને જવાબદાર.’
‘અય્ન’ શબ્દનો અર્થ છે આંખ (સુરએ માએદાહ, 54) તેનાથી જ તેનો બીજો અર્થ કાઢવામાં આવે છે જેમકે ઝરણું (સુરએ બકરહ:60). કુરઆને શરીફમાં આ શબ્દનો ઉપયોગ ઉપરોક્ત બંને અર્થોમાંજ થયો છે. આમ તો તેના ઘણા જુદા જુદા અર્થો થાય છે. અરબી ભાષાના મશ્હૂર સાહિત્યકાર રાગીબ ઇસ્ફહાની મુજબ તેનો મૂળ અર્થ આંખ થાય છે તથા બીજા અર્થમાં તેનો ઉપયોગ મૂળ અર્થથી લીધેલ છે તેથી તેમના મત મુજબ અય્નનો અર્થ ઝરણું એ સમાનતાને લીધે લેવામાં આવે છે કે જેવી રીતે આંખમાંથી આંસુ ઉભરાય છે તેવી જ રીતે ઝરણાંમાંથી પાણી ઉભરાય છે. (વધુ વિગત માટે ‘અલ મફરદાત’માં જુઓ)
ઝિયારતના આ વાક્યમાં ઇમામે ઝમાના (અ.સ.)ને ખુદાની આંખના લકબ વડે યાદ કરવામાં આવ્યા છે. કુરઆને મજીદમાં ખુદાવંદે તઆલાએ પોતાની આંખનો ઉલ્લેખ કર્યો છે. ફરમાન છે કે:
“અને અય રસુલ તમે તમારા પરવરદિગારના હુકમના ઇન્તેઝારમાં ધીરજ રાખો બેશક તમો અમારી નજરની સામે છો.
(સુરએ તૂર : 48)
સ્પષ્ટ છે કે ઇસ્લામી તવહીદનું અમલીકરણ એ છે કે અલ્લાહ તબારક વ તઆલા દરેક પ્રકારની સામ્યતા અને શારિરીક રૂપથી પાક અને મુક્ત છે. આથી આંખને તેની સાથે જોડવી તે માનવાચક વધારો છે જેમકે ….. ખાનએ કાબાને અલ્લાહે પોતાનું ઘર અને હઝરત સાલેહ (અ.સ.)ની ઊંટણીને પોતાની ઊંટણી કહી છે.
એહલેબય્ત (અ.સ)ની ભરોસાપાત્ર હદીસો મુજબ મઅસુમો અલ્લાહની આંખ છે. જે અલ્લાહના સર્જન ઉપર દેખરેખ રાખે છે. આ સમૂહમાં હદીસો તો ઘણી છે. પરંતુ માનનીય વાંચકો સમક્ષ બરકતરૂપે બે હદીસો રજુ કરીએ છીએ. અલ્લામા શયખ મોહમ્મદ બાકિર મજલીસીએ તેમની મશ્હૂર કિતાબ બેહારૂલ અન્વારમાં એક સંપૂર્ણ પ્રકરણ આ વિષય ઉપર લખ્યું છે. તેમાં 63 હદીસોની નોંધ કરી છે.
1. ખિસેમાનું બયાન છે કે મેં ઇમામ સાદિક (અ.સ.)ને અલ્લાહ અઝઝ વ જલ્લના આ ફરમાન બાબતે પુછયું :
“દરેક વસ્તુનો નાશ થઇ જનાર છે સિવાયકે ખુદાનો ચહેરો.
તો આપ (અ.સ.)એ ફરમાવ્યું :
‘વજહ (ખુદાના ચહેરા)થી મુરાદ ખુદાનો દીન અને રસુલ (સ.અ.વ.) અને અમીરૂલ મોઅમેનીન (અ.સ.)નો દીન છે અને તેમનો ચહેરો છે અને તેમની આંખો છે તેમના બંદાઓની દરમ્યાન.’
(બેહારૂલ અન્વાર, ભા-24, પા. 197, હદીસ નં. 23, શૈખ સદૂક (રહ.)ની તૌહીદ, પા. 140 ઉપરથી નોંધવામાં આવી છે.)
(આ વાત આપના ધ્યાનમાં રહે કે ખુદાનો ચહેરો શારિરીક નથી. અહિં મઅસુમ ઇમામો (અ.સ.)ને અલ્લાહનો ચહેરો એટલા માટે કહેવામાં આવ્યો છે કે તે પવિત્ર હસ્તીઓ થકી જ માનવી તેના સર્જનહારની તરફ વળે છે.)
2. ઇમામ સાદિક (અ.સ.) ફરમાવે છે :
‘બેશક અમીરૂલ મોઅમેનીન (અ.સ.)એ ફરમાવ્યું : હું અલ્લાહનું ઇલ્મ છું …… અને તેની જોવાવાળી આંખ.’
(બેહારૂલ અન્વાર, ભાગ – 24, પાના નં. 198, હદીસ નં. 25 નકલ તૌહીદ – શૈખ સદૂક કૃત પાના નં. 152, 155)
તારણ એ કે આજના સમયમાં આપણા ઇમામે ઝમાના (અ.સ.) એહલેબય્ત (અ.સ.)ના પ્રતિનિધિ છે અને અલ્લાહ તઆલાની એ આંખ છે જે તેના સર્જન ઉપર દેખરેખ રાખે છે.
‘સલામ થાય આપના ઉપર અય અલ્લાહના નૂર કે જેમના થકી હિદાયત પામનારાઓ હિદાયત મેળવે છે અને જેમના થકી મોઅમીનોની મુસીબત દૂર થાય છે.’
શીઆ અને સુન્ની વિદ્વાનો સર્વ સંમત છે કે પયગમ્બરે ઇસ્લામ (સ.અ.વ.) અને એહલેબય્ત (અ.સ.) ખુદાના નૂર છે. જેમના થકી લોકોની હિદાયત કરવામાં આવે છે.
કુરઆને કરીમમાં સુરએ નૂરની આયત અને તેની તફસીર જુઓ.
“અલ્લાહ આકાશ તથા ઝમીનનું નૂર છે; તેના નૂરનો દાખલો એક ગોખલાના જેવો છે જેમાં એક દીવો બળતો હોય, અને તે દિવો કાચના એક ફાનસમાં (મૂકેલો) હોય, અને તે ફાનસ એવું હોય જેવો કે એક ઝગમગતો તારો, અને તે ઝૈતુનના મુબારક વૃક્ષના તેલથી રોશન થએલો હોય, જે ઝાડ ન પૂર્વ(નું) છે ન પશ્ર્ચિમ(નું) બહુજ નજીકમાં છે કે તેનું તેલ પોત મેળે રોશન થઇ જાય, (પછી) ભલેને તેને આગ અડકે પણ નહિં. નૂર ઉપર નૂર છે; અલ્લાહ જેને ચાહે છે તેને પોતાના નૂર તરફનો માર્ગ દેખાડી દે છે; અને અલ્લાહ લોકો માટે (આવા સ્પષ્ટ) દાખલા વર્ણવે છે; અને અલ્લાહ દરેક વસ્તુનો જાણકાર છે.
(સુરએ નૂર : 35)
આ આયતની તફસીરમાં મશ્હૂર સુન્ની આલિમ ઇબ્ને મગાઝેલી શાફેઇ તેની કિતાબ અલ મનાકિબમાં રિવાયતની નોંધ કરે છે કે અલી બીન જઅફર ફરમાવે છે કે મેં ઇમામ અબુલ હસન (અ.સ.) પાસેથી અલ્લાહ અઝઝ વ જલ્લનું આ ફરમાન ‘કમીશ્કાતીન ફીહા મીસબાહુન’ના બારામાં સવાલ કર્યો. તો આપ (અ.સ.)એ જવાબ આપ્યો.
‘મિશ્કાત (ગોખલા)થી મુરાદ જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) છે અને મિસ્બાહ (ચિરાગ)થી મુરાદ ઇમામ હસન અને ઇમામ હુસૈન (અ.સ.) છે. અને કાચ ચમકતા સિતારાની જેમ હોવાથી મુરાદ જનાબે ફાતેમા (સ.અ.) દુનિયાની તમામ સ્ત્રીઓ વચ્ચે એક ચમકતા સિતારાની માફક છે. ‘યુકદો મીન શજરતીન મોબારકતીન’ થી મુરાદ હઝરત ઇબ્રાહીમ (અ.સ.) છે. ‘લા શરકીય્યતીન વલા ગરબીય્યતીન’ એટલે હઝરત ઇબ્રાહીમ (અ.સ.) ન યહુદી હતા, ન ઇસાઇ. યકાદો ઝય્તોહા યુઝીઓ’ ખુદ તે તેલ નજદિક છે કે પોતે પ્રકાશ આપવા લાગે અર્થાંત ટૂંક સમયમાં તેમાંથી ઇલ્મી ચર્ચાનો સ્ત્રોત નિકળશે વ લવ લમ તમસસ્હો નારૂન અલા નુરીન’ ભલે પછી તેને આગ ન પણ સ્પર્શે તો પણ તે નૂર ઉપર નૂર છે અર્થાંત તેમાંથી એક પછી એક ઇમામ થશે. ‘યહદીલ્લાહો લેનૂરેહી મંય્યશાઓ’ અલ્લાહ જેને ચાહે છે તેને પોતાના નૂરની તરફ માર્ગદર્શન આપે છે અર્થાંત અલ્લાહ જેને ચાહે તેને અમારી વિલાયત અને ઇમામત તરફ માર્ગદર્શન કરે છે.’
(મનાકીબે ઇબ્ને મગાઝેલી, પાના નં. 317)
આ રિવાયત તો એહલે સુન્નતની કિતાબોમાંથી છે. જ્યારે શીઆ રિવાયતો તો અસંખ્ય છે. તેમાંની એક હદીસ આપની ખિદમતમાં રજુ કરીએ છીએ.
જાબીર ઇબ્ને અબ્દુલ્લાહ અન્સારી (રહ.) કહે છે કે જ્યારે હું કુફાની મસ્જીદમાં દાખલ થયો ત્યારે અમીરૂલ મોઅમેનીન (અ.સ.) પોતાની આંગળીથી કાંઇક લખી રહ્યા હતા અને સ્મિત કરી રહ્યા હતા. મેં સવાલ કર્યો :
‘અય અમીરૂલ મોઅમેનીન! આપની મુસ્કુરાહટનું કારણ શું છે?’
આપ (અ.સ.)એ ફરમાવ્યું :
‘મને આશ્ર્ચર્ય થાય છે એ શખ્સ ઉપર જે આ આયતની તિલાવત કરે અને જે તેની મઅરેફતનો હક છે તે ન જાણે.’
મેં પુછ્યું : ‘અય અમીરૂલ મોઅમેનીન, કઇ આયત?’
આપ (અ.સ.)એ ફરમાવ્યું :
‘ખુદાના આ ફરમાન
‘અલ્લાહો નૂરૂસ્સમાવાતે વલ અરઝે મસલો નૂરેહી કમીશ્કાતીન’માં મીશ્કાતીનથી મુરાદ હઝરત મોહમ્મદ (સ.અ.વ.) છે ‘ફીહા મીસ્બાહ’ હું જ તે ચિરાગ છું. ‘ફી ઝોજાજતીન’ કાચથી મુરાદ (ઇમામ) હસન અને હુસૈન (અ.સ.) છે. ‘કઅન્નહા કવ્કબુન દુર્રીયુન’થી મુરાદ અલી બીન હુસૈન (અ.સ.) છે. ‘યૂકદો મીન શજરતીન મોબારકતિન’ મોહમ્મદ બીન અલી (અ.સ.) છે. ‘ઝય્તૂનતિન’ જઅફર બીન મોહમ્મદ (અ.સ.) છે. ‘લા શરકીયતિન’ મુસા બીન જઅફર (અ.સ.) છે. ‘વલા ગરબીયતિન’ અલી બીન મુસર રેઝા (અ.સ.) છે. ‘યકાદો ઝય્તોહા યુઝીઓ’ મોહમ્મદ બીન અલી (અ.સ.) છે. ‘વ લવ લમ તમ્સસ્હો નારૂન’ અલી બીન મોહમ્મદ (અ.સ.) છે. ‘નૂરૂન અલા નૂરીન’ અલ હસન બીન અલી (અ.સ.) છે. યહદીલ્લાહો લેનૂરેહી મંય્યશાઓ’ અલ કાએમ અલ મહદી (અ.સ.) છે.’
(ગાયતુલ મરામ, સૈયદ હાશીમ બહરાની કૃત, પાના નં. 318)
આ રિવાયત નૂરની આયતની બાતેની તફસીર છે. મરહુમ શેખ હાદી તેહરાની (અ.મ.)એ તેની ઉપર ‘રિસાલતુન નૂરીય્યહ’ નામનો એક સંપૂર્ણ લેખ લખેલ છે. જે વાંચકોને વિગતવાર જાણકારી દરકાર હોય તેઓ આ લેખનો અભ્યાસ કરે.
અલ્લામા મજલીસીએ બેહારૂલ અન્વારના 18માં પ્રકરણમાં 42 હદીસોની નોંધ કરી છે જેમાં દર્શાવવામાં આવેલ છે કે મઅસુમ ઇમામો (અ.સ.) અલ્લાહના નૂર છે. વધુ વિગતો માટે જુઓ ભાગ – 23, પાના નં. 304. આ પ્રકરણની એક હદીસ વાંચકોની ખિદમતમાં રજુ કરીએ છીએ. અબુ ખાલિદે કાબુલીએ ઇમામ મોહમ્મદ બાકિર (અ.સ.)ને કુરઆને કરીમની આ આયત
“તો પછી ઇમાન લાવો અલ્લાહ ઉપર તથા તેના રસુલ ઉપર તથા તે નૂર ઉપર કે જેને અમોએ ઉતાર્યંુ છે.
(સુરએ તગાબુન, આયત નં. 8)
ના બારામાં સવાલ કર્યો. ઇમામ (અ.સ.)એ જવાબ આપ્યો.
‘અય અબુ ખાલિદ! ખુદાની કસમ! નૂરથી મુરાદ આલે મોહમ્મદ (સ.અ.વ.)ના ઇમામો છે. કયામતના દિવસ સુધી ખુદાની કસમ તેઓજ અલ્લાહના નૂર છે જેમને ઉતારવામાં આવ્યા છે. ખુદાની કસમ! તેઓ આસમાનો અને જમીનોમાં અલ્લાહના નૂર છે. અય અબુ ખાલિદ! ખુદાની કસમ, ઇમામનું નૂર મોઅમીનોના દિલોમાં દિવસના ચમકતા સૂરજ કરતા વધુ પ્રકાશિત છે. ખુદાની કસમ, તેઓ (ઇમામો) મોઅમીનોના દિલોને પ્રકાશિત કરે છે. અલ્લાહ જેનાથી ચાહે તેનાથી પોતાના નૂરને છુપાવી દે છે. જેના પરિણામ સ્વરૂપ તેઓના દિલ કાળા અને અંધકારમય થઇ જાય છે. અય અબુ ખાલિદ! ખુદાની કસમ, કોઇ પણ વ્યક્તિ અમારી સાથે તે સમય સુધી મોહબ્બત નહિં કરે અને અમારી વિલાયતને નહિં સ્વિકારે જ્યાં સુધી અલ્લાહ તેઓના દિલોને પાક અને સાફ ન કરી દયે, અને અલ્લાહ કોઇ શખ્સનું દિલ ત્યાં સુધી પાક અને સાફ નથી કરતો જ્યાં સુધી તેઓ અમને તસ્લીમ ન કરે અને જ્યારે તે અમને તસ્લીમ કરશે તો અલ્લાહ તેઓને કડકાઇ ભર્યા હિસાબથી સુરક્ષિત રાખશે અને કયામતના મોટા અને ભયાનક ડરથી તેઓને બચાવી લેશે’.
(બેહાર, ભાગ – 23, પાના નં. 308, હદીસ નં. પ. હવાલો તફસીરે અલી બીન ઇબ્રાહીમ કુમ્મી : ઉપરોક્ત આયત હેઠળ)
સ્પષ્ટ છે કે જ્યારે ઇમામો (અ.સ.) નૂર છે અને તે રૂહાની નૂર છે જે નૂરોના અસ્તિત્વથી અનંત રીતે પ્રખર અને સિદ્ધ છે તેથી આ રૂહાની નૂરની અસર પણ એટલી જ શક્તિશાળી છે. આ અસરોમાંની બે અસર વિષે ઝિયારતના આ વાક્યમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલેકે આ નૂર થકી લોકોની હિદાયત થાય છે અને મોઅમીનો (જેઓ હિદાયત પામેલા છે) તેઓને વિશાળતા (કુશાદગી) આપવામાં આવે છે. વિશાળતા માટે ‘ફરજ’ શબ્દનો ઉપયોગ થયો છે. તથા રિવાયતોમાં આપણને ઘણી તાકીદ કરવામાં આવી છે કે આપણે આ વિશાળતા એટલે કે ‘ફરજ’નો ઇન્તેઝાર કરીએ. જેમકે ઇમામ સાદિક (અ.સ.) ફરમાવે છે
‘વિશાળતાનો ઇન્તેઝાર કરો અને અલ્લાહની રહેમતથી માયુસ ન થાવ. કારણકે અલ્લાહની નજીક વિશાળતાનો ઇન્તેઝાર કરવો તે સૌથી પ્રિય અમલ છે.’
(બેહાર, ભા : 52, પા. 124, હ. 7)
આ હદીસથી સ્પષ્ટ છે કે વિશાળતાનો ઇન્તેઝાર તે એક માત્ર શ્રેષ્ઠ બાબત નથી પરંતુ અલ્લાહ તઆલાની નજીક સૌથી શ્રેષ્ઠ અને પ્રિય અમલ પણ આ જ છે. વિશાળતા આ દુનિયામાં ફક્ત અને ફક્ત ઇમામ (અ.સ.)ના ઝુહુર પછી જ મળશે અને આખેરતમાં વિશાળતા માત્ર તે લોકોને જ મળશે જેઓ ઇમામો (અ.મુ.સ.)ની ઇમામત, વિલાયત અને સરપરસ્તિનો સ્વિકાર કરતા હશે.
અલબત્ત એ બાબત ધ્યાનમાં રાખીએ કે રૂહાની વિશાળતા માટે બાહ્ય સાધનોની જરૂર નથી પરંતુ નફસની પાકીઝગી અને એહલેબય્તે અત્હાર (અ.મુ.સ.) સાથે તમસ્સુક જ પૂરતું છે. જેમકે આ હદીસમાં સ્પષ્ટ છે કે ઇમામ (અ.સ.)એ ફરમાવ્યું :
‘જુઓ વિશાળતાના જલ્દી થવા માટે વધુમાં વધુ દોઆ કરો કારણકે એ જ (દોઆ) તમારા માટે વિશાળતા છે.’
આવો ! આપણે સૌ સાથે મળીને ખુદાવંદે મોતઆલની બારગાહમાં દોઆ કરીએ કે,
પરવરદિગાર! આપણા વલી, હઝરત હુજ્જત ઇબ્નીલ હસન (અ.સ.)ના ઝુહુરમાં જલ્દી કરે! ઇલાહી આમીન.
Comments (0)