કુરઆનની તફસીરોમાં ઇમામ મહદી (અજ.)ના લકબો

કુરઆને મજીદ આપણા નબીએ કરીમ હઝરત મોહમ્મદ મુસ્તુફા (સ.અ.વ.)ના મોઅજીઝાઓમાંનો એક મોઅજીઝો છે. આ કિતાબ અલ્લાહના કલામ છે, જેના શબ્દો વખતો વખત આં હઝરત (સ.અ.વ.)ના પવિત્ર મુખેથી નીકળ્યા છે. અગર કુરઆનમાં આ હોત…… કુરઆનમાં તે હોત……….નો અવકાશ દુનિયાના સર્જનહારના કલામમાં જરાપણ નથી. તેનું કારણ એ છે કે સર્જનહારે કુરઆનને બધા ઇલ્મોનો સંગ્રહ બનાવ્યો છે. દુનિયાના સર્જનહારે પોતાના વક્તૃત્વભર્યા કલામમાં તે બધી માહિતીઓને ભરી દીધી છે જેની જરૂરત માનવીને હોય છે અથવા હોય શકે છે. આ ઉપરાંત બધા મુસલમાનો એ વાત ઉપર એકમત છે કે જે અકીદો કુરઆનમાં છે તે ઇસ્લામી અકીદો છે અને તે જ સાચો દીન છે. એ બાબત સ્પષ્ટ છે કે પોતાના અમૂક પાનાઓમાં બધુ ઇલ્મ આવરી લેતી કિતાબ સહેલી ન હોય. તેના અર્થો દરેક વ્યક્તિની સમજમાં આવી શકે નહિં. તેથી  જેવી રીતે દરેક પુસ્તક શીખવા અને સમજવા માટે એક શિક્ષકની જરૂર હોય છે તેવી જ રીતે કુરઆનની તાલિમ, તેની સમજૂતી અને અર્થઘટન કરવા માટે મોઅલ્લીમ અને તફસીરકારની જરૂર છે. જેનો બંદોબસ્ત પણ હક તઆલાએ કર્યો છે. કુરઆનના ઇલ્મોની સ્પષ્ટતા માટે અલ્લાહે ઇલ્મ અને હિકમત ધરાવતી શખ્સીયતોની નિમણુંક કરી અને આ જ હઝરાત અલ્લાહના ઇલ્મોના ખજાનાની ચાવીઓ છે. ‘ખાઝેનો કુલ્લે ઇલ્મિન વ ફાતેકો કુલ્લે રત્કિન’ એટલે કે આ શખ્સીયતો દરેક ઇલ્મના ખજાના છે અને દરેક બંધન (એટલે કે ઇલ્મી ગુંચવણો)ને ઉકેલનાર છે. તેથી જરૂરી છે કે  કુરઆનના અર્થોને સમજવા માટે અને તેની તફસીર અને તાવીલ જાણવા માટે એ પાક અને પવિત્ર હસ્તીઓના દરવાજા ઉપર માથું ટેકવી દેવું જોઇએ. જેથી તેઓ આપણને કુરઆને કરીમના સાચા ઇલ્મથી માહિતગાર કરે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ કુરઆનમાં ક્યારેક ‘રાસેખૂન ફીલ ઇલ્મે’ તો ક્યારેક ‘અહલે ઝિક્ર’ અને ક્યારેક ઇમામે મોબીન કહીને તે બુઝુર્ગોની ઓળખાણ આપી છે. તેથી કુરઆનની તફસીર અને તાવીલ માત્ર આ હઝરતો થકી જ શક્ય છે.

આથી આપણે આ ચર્ચામાં માત્ર ઇમામો (અ.સ.)ના કથનોથી જ લાભ લેશું. કારણકે એહલેબય્ત (અ.સ.)ની તફસીર જ કુરઆને કરીમનું સાચું અર્થઘટન છે. ખરેખર જોવા જોઇએ તો સંપૂર્ણ કુરઆન જ એહલેબય્ત (અ.સ.)ના વખાણ અને તેમની પ્રસંશા છે. પરંતુ અમે આ લેખમાં તે આયતો રજુ કરીશું કે જેમાં સ્પષ્ટ રીતે એ પ્રતિભાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે કુરઆનના હુકમો અને કાયદાઓને સ્થાપશે અને તેની આયતો શું સૂચવે છે તે સ્પષ્ટ કરશે. કુરઆનના આ વારસદારને અલ્લાહે ઘણા બધા લકબોથી યાદ કર્યા છે. જેમાંના થોડા અહિં ટૂંકાણમાં રજુ કરવામાં આવ્યા છે.

(1) સીધો રસ્તો

“(હે રસુલ!) તું કહે કે દરેક જણ (પોતાના કાર્યના પરિણામની) વાટ જોઇ રહ્યો છે માટે તમે પણ વાટ જુઓ; પછી નજીકમાં તમે જાણી લેશો કે સીધા માર્ગવાળા અને હિદાયત પામેલા કોણ છે.

(સુરએ તાહા  : 135)

તફસીર :

હઝરત ઇમામ મુસા કાઝિમ (અ.સ.) આ આયતની તફસીરમાં ફરમાવે છે :

‘અસ્સેરાતુસ સવા (સીધા રસ્તા)થી મુરાદ (હઝરત) કાએમ (અ.સ.) છે અને હિદાયતથી મુરાદ તેમની તાબેદારી તરફ હિદાયત છે. તેનું ઉદાહરણ અલ્લાહની કિતાબમાં આ રીતે મળે છે.’

“અને જે તૌબા કરે તથા ઇમાન લાવે તથા સત્કાર્યો કરે; પછી સન્માર્ગે ચાલે તો તેના માટે નિસંશય હું મોટો ક્ષમાવાન છું.

(સુરએ તાહા : 82)

પછી આપ (અ.સ.)એ ફરમાવ્યું :

‘હિદાયત મેળવે છે અમારી તાબેદારી તરફ.’

(અલ બુરહાન, ભાગ – 3, પાના નં. 50, અલ મોહજ્જહ, પાના નં. 137, ગાયતુલ મરામ, પાના નં. 455)

આ આયતની તફસીરમાં ઇમામ કાઝિમ (અ.સ.)એ ઇમામે ઝમાના (અ.સ.)ને હિદાયતનો સીધો માર્ગ સૂચિત કર્યા છે અને તેમની તાબેદારી તરફ અલ્લાહ લોકોને હિદાયત કરે છે. તેનું કારણ એ છે કે ઇમામે ઝમાના (અ.સ.) આ જમીન ઉપર અલ્લાહની હુજ્જત છે અને તેમની તાબેદારી અને મઅરેફત જ અલ્લાહની તાબેદારી અને મઅરેફત છે. મઅસુમ ઇમામોની હદીસોમાં આ વાક્ય જોવા મળે છે.

‘અમારા થકી જ અલ્લાહની ઇબાદત થાય છે અને અમારા થકીજ અલ્લાહને ઓળખવામાં આવે છે.’

ઝિયારતે જામેઆમાં આપણે પઢીએ છીએ :

‘જે ખુદાની તરફ જવા ઇચ્છે છે તે આપની તરફ વળે છે.’

તેથી આ બાબત સ્પષ્ટ થાય છે કે જો અલ્લાહની મઅરેફત પ્રાપ્ત કરવી હોય તો તેમની મઅરેફત પ્રાપ્ત કરવામાં આવે અને જો અલ્લાહ તરફ વળવું હોય તો તેમના તરફ વળવું જોઇએ. અલ્લાહના અવ્લીયાની એ ખાસીયત રહી છે કે તેઓ હંમેશા પોતાના ઝમાનાના ઇમામની તરફ રજુ થતા હતા. પછી ચાહે તે જનાબે સલમાને ફારસી (રહ.) હોય, જનાબે અબુઝર (રહ.) હોય, જનાબે હબીબ ઇબ્ને મઝાહિર (રહ.) હોય કે પછી જનાબે અલી બીન યકતીન (રહ.) હોય. આ બધા ઇમામની વિલાયત ધરાવનારાઓ પોતાના ઝમાનાના વજહુલ્લાહની તરફ દરેક સમયે રજુ થતા હતા. દોઆએ નુદબામાં આ જ કારણથી પોકાર કરનાર આ ઝમાનાના વજહુલ્લાહને આ વાક્યોથી પોકારે છે.

‘ક્યાં છે અલ્લાહનો તે ચહેરો જેની તરફ ખુદાના વલીઓ વળે છે.’

દોઆએ નુદબામાં જ મઅસુમોના માટે આ વાક્ય આવેલું છે.

‘તે (ઇમામો) તારી તરફ દોરી જનારા માર્ગો છે, તારી ખુશી પ્રાપ્ત કરવાના માધ્યમો છે.’

આ ઝમાનામાં તે માર્ગ ઇમામે ઝમાના (અ.સ.) છે. આ કારણથી જ કુરઆનમાં આપના માટે ‘અસ્હાબે સેરાતુસ્સવા’ના લકબનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

(2) અલ્લાહનું નૂર

“તેઓ તો આ ચાહે છે કે અલ્લાહના નૂરને પોતાના મોઢેથી (ફૂંકો મારી) હોલવી નાખે; પણ અલ્લાહ પોતાના નૂરને સંપૂર્ણ કરી રહેનાર છે, પછી ભલેને નાસ્તિકોને અણગમતું કેમ ન લાગે.તે એજ છે જેણે તેના રસુલ(સ.અ.વ.)ને હિદાયત અને દીનેહકની સાથે મોકલ્યા. જેથી તે તેને તમામ ધર્મો ઉપર સર્વોપરિ કરી દે. પછી ભલેને મુશ્રીકોને તે ન ગમે.

(સુરએ સફ : 8 – 9)

તફસીર :

ઇમામ મુસા કાઝિમ (અ.સ.) આ આયતની તફસીર મોહમ્મદ બીન ફુઝૈલને આ રીતે વર્ણવે છે :

‘તે લોકો ફૂંક મારીને અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ની વિલાયતને બુજાવી નાખવા માગે છે.’

ફુઝૈલે પુછયું : ‘જો કે અલ્લાહ પોતાના નૂરને પરીપૂર્ણ કરશે તેનો અર્થ શું છે?’

હઝરત (અ.સ.)એ ફરમાવ્યું :

‘અલ્લાહ ઇમામતના (નૂરને) સંપૂર્ણ કરશે. જેમકે તેનું ફરમાન છે કે જે લોકો અલ્લાહ ઉપર તેના રસુલ ઉપર અને તે નૂર ઉપર ઇમાન લાવ્યા જે અમે ઉતાર્યંુ છે, અહિં નૂરથી મુરાદ ઇમામ છે.’

ફુઝૈલે ફરી પુછયું : “તે એ જ છે કે જેણે પોતાના રસુલને હિદાયત અને સાચા દીનની સાથે મોકલ્યા. તેનો અર્થ શું છે?

હઝરત (અ.સ.)એ ફરમાવ્યું :

‘તેનાથી મુરાદ એ જ છે કે જેણે પોતાના રસુલને તેના વસીની વિસાયત માટે હુકમ આપ્યો, એજ દીને હક છે.’

ફુઝૈલે ફરી સવાલ કર્યો : “જેથી તેને બધા ધર્મો ઉપર સર્વોપરિ કરી દે.

તેનો શું અર્થ છે? ફરમાવ્યું :

‘જેથી કાએમ (અ.સ.)ના કયામ દ્વારા તેને બધા ધર્મો ઉપર સર્વોપરિ બનાવે.’ પછી આપે ખુદ ફરમાવ્યું : ‘અને અલ્લાહ ફરમાવે છે, જો કે અલ્લાહ પોતાના નૂરને પરિપૂર્ણ કરશે. આ નૂર વિલાયતે કાએમ છે. પછી ભલે કાફિરોને અલી (અ.સ.)ની વિલાયત ખરાબ કેમ ન લાગતી હોય.’

(અલ – કાફી, ભાગ – 1, પાના નં. 432)

આ આયતના વધુ ખુલાસા માટે ઇમામ સાદિક (અ.સ.)ના આ વાક્યો પૂરતા છે.

‘અલ્લાહની કસમ! આ આયતની તાવીલ (અર્થઘટન) હજી સુધી થઇ નથી અને જ્યાં સુધી કાએમ (અ.સ.) જાહેર નહિં થાય ત્યાં સુધી થશે પણ નહિં. તેથી તેઓ જ્યારે જાહેર થશે ત્યારે કાફિરોનું અસ્તિત્વ નહિં રહે અને ન કોઇ ઇમામતમાં શિર્ક કરનાર  હશે. પરંતુ આપનું જાહેર થવું તેઓને ગમશે નહિં.’

(કમાલુદ્દીન, ભાગ – 2, પાન નં. 670)

સામાન્ય રીતે બધા ઇમામો (અ.સ.) અલ્લાહના નૂર છે. પરંતુ કુરઆનમાં ઇમામ મહદી (અ.સ.) માટે આ લકબનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કદાચ એટલા માટે કે જ્યારે તેમનો ઝુહુર થશે અને તેઓ (અ.સ.) કયામ કરશે ત્યારે અલ્લાહ આપના થકી આ દુનિયાને પ્રકાશિત કરશે. જમીન ઉપર માત્ર ઇસ્લામની બોલબાલા હશે. આ રીતે જમીન અંધકારોથી પાક થઇને પ્રકાશિત થઇ જશે.

તે સમયની પરિસ્થિતિ અલ્લાહે આ રીતે બયાન ફરમાવી છે :

“અને જમીન તેના માલિકના નૂરથી પ્રકાશિત થઇ જશે, અને કરણીના લેખ (લોકોની) સામે ધરવામાં આવશે, અને નબીઓ તથા સાક્ષીઓ લાવવામાં આવશે, અને તેમની વચ્ચે યોગ્ય ફેંસલો કરવામાં આવશે અને તેમના ઉપર મુદ્દલ ઝુલ્મ કરવામાં નહિં આવે.

(સુરએ ઝુમર : 69)

ઇમામ સાદિક (અ.સ.) આ આયતની તફસીર આ રીતે બયાન કરે છે .

‘જમીનના પાલનહાર એટલે જમીનના ઇમામ. રાવીએ સવાલ કર્યો. જ્યારે તે ઇમામ જાહેર થશે ત્યારે શું થશે? ફરમાવ્યું : (જ્યારે તેઓ જાહેર થશે) ત્યારે લોકો સૂર્યના પ્રકાશ અને ચંદ્રના નૂરથી બેનિયાઝ થઇ જશે. (કારણકે) આ સૂર્ય અને ચંદ્ર ઇમામના નૂરનો એક નાનકડો ભાગ છે.’

(અસ્સાફી, ભાગ – 4, પાના નં. 331, અલ મોહજ્જહ, પાના નં. 184, નૂરૂસ સકલૈન, ભાગ – 4, પાના નં. 503)

‘અય અલ્લાહ! તેમના નૂર વડે દરેક અંધારાને પ્રકાશિત કરી દે.’

(સલવાત અબુ ઝુર્રાબે ઇસ્ફહાની, સહીફએ મહદવીય્યહ)

(3) વહેતા પાણીનું ઝરણું

“તું કહે કે ભલા તમે જુઓ અગર તમારૂં પાણી ઉંડાણમાં ચાલ્યું જાય તો તમારા માટે વહેતુ પાણી કોણ લઇ આવશે?

(સુરએ મુલ્ક : 30)

તફસીર :

હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) ફરમાવે છે :

‘અય અમ્માર! ખરેખર બુઝુર્ગ અને મહાન અલ્લાહે મારી સાથે વાયદો કર્યો છે કે તે હુસૈન (અ.સ.)ના વંશમાંથી નવ ઇમામોને જાહેર કરશે. તેમાંના નવમાં ગયબતમાં ચાલ્યા જશે. અલ્લાહે ઉપરોક્ત આયત એ જ અર્થમાં લીધી છે.

તેમની એક લાંબી ગયબત હશે. તે સમયમાં એક વર્ગ (ઇમાનથી) ફરી જશે અને બીજો વર્ગ તેમના ઉપર અડગ રહેશે અને જ્યારે ઝમાનાનો છેલ્લો તબક્કો હશે ત્યારે તે જાહેર થશે અને દુનિયાને ન્યાય અને ઇન્સાફથી ભરી દેશે. તે કુરઆનની તાવીલ ઉપર લડશે જેવી રીતે મેં જંગ કરી તેની તન્ઝીલ ઉપર. તેનું નામ મારૂં નામ હશે અને લોકોમાં તેનો દેખાવ સૌથી વધુ મારા જેવો હશે. અય અમ્માર! મારા પછી બહુ જલ્દી ફીત્નો થશે અને જ્યારે એવું બને ત્યારે તમે અલી (અ.સ.) અને તેમના સમૂહનું અનુસરણ કરજો.’

(કિફાયતુલ અસ્ર, પાના નં. 120, અલ બુરહાન, ભાગ – 4, પાના નં. 366, અલ મોહજ્જહ, પાના નં. 228, અલ અવાલીમ, ભાગ – 15, પાના નં. 115)

એક બીજી હદીસમાં ઇમામ મોહમ્મદ બાકિર (અ.સ.) ફરમાવે છે :

આ આયત કાએમ (અ.સ.)ના બારામાં નાઝિલ થઇ છે. આપે વધુમાં કહ્યું :

‘અગર તમે જૂઓ કે તમારા ઇમામ ગાએબ છે અને તમે જાણી ન શકો કે તે ક્યાં છે. તો તમે ક્યાંથી જાહેર ઇમામને જોશો જે તમને જમીન અને આસમાનની ખબરો સંભળાવે અને અલ્લાહના હલાલ અને હરામની જાણકારી આપે. અલ્લાહની કસમ! આ આયતની તાવીલ હજુ થઇ નથી. તેની તાવીલ આ સમયે શક્ય પણ નથી.’

(કમાલુદ્દીન, પાના નં. 33પ, અસ્સાફી, ભાગ – 5, પાના નં. 206, ઇસ્બાતુલ હોદાહ, ભાગ – 3, પાના નં. 497)

પાણી એક એવી ચીજ છે જેની જરૂરત દરેક વ્યક્તિને પડે છે. દુનિયાનો 2/3 કરતા વધારે ભાગ પાણી છે. આ કારણે જ દુનિયામાં જીવન બાકી છે. વૈજ્ઞાનિકો જ્યારે બીજા ગ્રહો ઉપર જીવન શોધે છે ત્યારે ખરેખર તો તેઓ ત્યાં પાણીની શોધ કરવા ચાહે છે. જો કોઇ ઉપગ્રહ ઉપર પાણી હશે તો ત્યાં જીવનનું અસ્તિત્વ હશે. તેનું કારણ એ છે કે પાણી જીવનની નિશાની છે. તેવી જ રીતે જો ક્યાંયથી પાણી અદ્રશ્ય થઇ જાય તો ત્યાંથી જીવનનો નાશ થઇ જાય છે અને તે જગ્યા ઉજ્જડ બની જાય છે.

તેની સાથોસાથ જેવી રીતે સળગતા દિલને પાણી જેટલી ઠંડક પહોંચાડી શકે છે તેવી ઠંડક દુનિયાની બીજી કોઇ પણ વસ્તુ પહોંચાડી શકતી નથી. બસ આજ રીતે જ્યારે દીન ઝુલ્મ અને અત્યાચારના પરિતાપથી સળગીને નાશ પામવાની અણી ઉપર હશે ત્યારે અલ્લાહ તે અદ્રશ્ય ઝરણાને જાહેર કરશે અને મૃત:પ્રાય દુનિયાને આ ઝરણા થકી ફરી જીવંત કરી દેશે. આ ઝરણું હઝરત વલી એ અસ્ર અરવાહોના ફીદાની પવિત્ર હસ્તી છે.

(4) દુનિયામાં અલ્લાહની બાકી રહેનારી હુજ્જત

“જો તમો ઇમાન લાવનારા હોવ તો તમારા માટે અલ્લાહની બાકી રહેલ (હુજ્જત) શ્રેષ્ઠ છે.

(સુરએ હુદ : 86)

એક જબરદસ્ત સુન્ની આલિમ, ઇબ્ને સબ્બાગે માલેકી, ફોસુલુલ મોહિમ્માહમાં એક લાંબી હદીસ છેલ્લા ઝમાનાના ઇમામના ઝુહુરની નિશાનીઓ વિષે ઇમામ સાદિક (અ.સ.)થી નોંધ કરે છે અને તેના અંતમાં લખે છે કે :

‘…તે સમયે આપણા કાએમ (અ.સ.) ઝુહુર કરશે અને ખાનએ કાબાની દિવાલનો ટેકો લઇને ઉભા રહેશે. ખાલિસ મોઅમીનોમાંથી ફક્ત 313 મોઅમીનો તેમની પાસે ભેગા થશે ત્યારે સૌથી પહેલા તેઓ ઉપરોક્ત આયતની તિલવાત કરશે અને ફરમાવશે :

‘હું બકીયતુલ્લાહ છું, આ દુનિયા ઉપર તેનો ખલીફા છું અને તમારા લોકો ઉપર હું તેની હુજ્જત છું.’

તે સમયે લોકો તેમને ‘યા બકીયતુલ્લાહ’ કહીને સંબોધન કરશે.’

(અલ ફોસુલુલ મોહિમ્માહ, પા. 302, કશ્ફુલ ગુમ્માહ, ભા -3, પા. 324, અઅલામુલ વરા, પા. 433, નૂરૂસ સકલૈન, ભા-2, પા. 212, અસ્સાફી, ભા-2, પા. 468)

હઝરત ઇમામ સાદિક (અ.સ.)થી એક હદીસ મળે છે

‘અગર દુનિયાના પટ ઉપર (અલ્લાહની) હુજ્જત ન હોત તો દુનિયાનો તેના રહીશો સાથે ધ્વંસ થઇ જાત.’

બીજી હદીસોથી પણ આજ વાત સ્પષ્ટ થાય છે કે દુનિયાનું અસ્તિત્વ છે તો ફક્ત ખુદાની હુજ્જતના લીધે. અર્થાંત આલે મોહમ્મદ (સ.અ.વ.)માંથી એક વ્યક્તિ એવી હશે જે દુનિયામાં અલ્લાહની હુજ્જત હશે. હિજરી સન 260માં જ્યારે ઇમામ હસન અસ્કરી (અ.સ.)ની શહાદત થઇ ત્યારથી લઇને આજ સુધી આ વિશ્ર્વ ટકી રહ્યું છે અને તેના રહીશો મૌજુદ છે, તે એ વાતની દલીલ છે કે આલે મોહમ્મદ (સ.અ.વ.)માંથી એક વ્યક્તિ છે જેના અસ્તિત્વના પ્રતાપે આજે પણ આ બધું ટકી રહ્યું છે. નહિં તો આ દુનિયા ક્યારની અવકાશમાં વિખેરાઇ ગઇ હોત. આ બરકતવાળા અસ્તિત્વને આંખો હંમેશા શોધ્યા કરે છે.

‘ક્યાં છે એ બકીયતુલ્લાહ? જે હાદીઓના વંશમાંથી છે, જેમના વગર જમીન ક્યારેય ખાલી નથી રહેતી.’

(દોઆએ નુદબા)

(5) મઝલુમના વલી

“અને જે કોઇ જીવ – કે જેનું મારી નાખવું અલ્લાહે હરામ કર્યંુ છે, તેને અન્યાયી રીતે મારી ન નાખો સિવાય કે ન્યાયી રીતે; અને જે કોઇ નિર્દોષ (હોવા છતાં) માર્યો જશે તો અમે તેના વારસને અવશ્ય સત્તા આપીશું, પણ તે ખૂન (નો બદલો લેવા)માં હદ બહાર જાય નહિં; (કેમ કે) નિસંશય તેની સહાય કરવામાં આવી છે.

(સુરએ બની ઇસ્રાઇલ : 33)

તફસીર :

હઝરત ઇમામ મોહમ્મદ બાકિર (અ.સ.) ફરમાવે છે:

‘તે હુસૈન ઇબ્ને અલી (અ.સ.) છે જે મઝલુમ કત્લ કરી નાખવામાં આવ્યા. અમે તેમના વારસદારો છીએ અને કાએમ અમારામાંથી છે જ્યારે તે કયામ કરશે ત્યારે (ઇમામ) હુસૈન (અ.સ.)ના ખૂનનો બદલો લેશે….. (આ આયતમાં) ‘અલ મકતુલ’થી મુરાદ ઇમામ હુસૈન (અ.સ.) છે અને તેમના વલી કાએમ છે અને કત્લમાં ‘ઇસ્રાફ’થી મુરાદ તેને કત્લ કરવામાં આવે જે આપના કત્લમાં સાથે ન હતો. ‘ખરેખર તેમની મદદ કરવામાં આવશે.’ અર્થાંત : આ દુનિયા તે સમય સુધી નાશ નહિં પામે જ્યાં સુધી મોહમ્મદ (સ.અ.વ.)ના વંશમાં એક વ્યક્તિની મદદદ કરવામાં ન આવે. જેથી તે દુનિયાને ન્યાય અને ઇન્સાફથી એવી રીતે ભરી દે જેવી રીતે તે ઝુલ્મ અને અત્યાચારથી ભરાએલી હશે.’

(અલ અયાશ, ભાગ – 2, પાના નં. 290, અલ મોહજ્જહ પાના નં. 128, અલ બુરહાન, ભાગ – 2, પાના નં. 419, નૂરૂસ સકલૈન, ભાગ – 3, પાના નં. 163)

ઇન્સાનિય્યતની ઇતિહાસના પાનાઓ મઝલુમોની દાસ્તાનોથી ભરપૂર છે. પરંતુ મઝલુમીય્યતની પરાકાષ્ઠાનું બીજું નામ કરબલા છે. ખુદાવંદે મોતઆલ ન ઝુલ્મ કરે છે ન તો ઝુલ્મને પસંદ કરે છે. બલ્કે તે દરેક થનાર ઝુલ્મોનો બદલો લેશે.

“અને નજીક (ના સમય)માંજ તે લોકો કે જેમણે ઝુલ્મ કર્યો છે જાણી લેશે કે તેઓ કઇ છેવટની જગ્યાએ પાછા ફરશે.

(સુરએ શોઅરા : 227)

ખરેખર સય્યદુશ્શોહદાના કત્લનો બદલો લેવા માટે મોઅમીનો વ્યાકુળ છે અને હુસૈન (અ.સ.)ના વારસદારના ઝુહુરનો ઇન્તેઝાર કરી રહ્યા છે કે જ્યારે તેઓ ઝુહુર ફરમાવશે ત્યારે આપની સાથે મળીને નિર્દોષના ખૂનનો બદલો લેવામાં આવે. દોઆએ નુદબામાં આપણે હુસૈન (અ.સ.)ના વારસદારને આ રીતે પોકારીએ છીએ.

‘ક્યાં છે કરબલાના શહીદોના ખૂનનો બદલો લેનાર?’

(6) સંકટમાં સપડાએલા જેની દોઆ કબુલ થાય છે

“ભલા તે કોણ છે કે જે વ્યાકુળ થયેલા (હૃદયો) જ્યારે તેને પોકારે છે ત્યારે જવાબ આપે છે અને (તેનાં) સંકટોનું નિવારણ કરે છે, અને તેમને પૃથ્વીમાં (આગલા લોકોના) વારસ બનાવે છે; ભલા અલ્લાહની સાથે બીજો પણ કોઇ માઅબૂદ છે? (હરગીઝ નહિં) છતાં તમે બહુ જ ઓછી નસીહત અને બોધપાઠ લ્યો છો.

(સુરએ નમલ : 62)

તફસીર :

હઝરત ઇમામ સાદિક (અ.સ.) ફરમાવે છે :

‘આ આયત કાએમે આલે મોહમ્મદ (અ.સ.)ના બારામાં ઉતરી છે. અલ્લાહની કસમ! એ જ પરેશાન છે જે મકામે ઇબ્રાહીમની નજીક બે રકાત નમાઝ અદા કરશે અને અલ્લાહ પાસે દોઆ કરશે ત્યારે અલ્લાહ તેમની દોઆ કબુલ કરશે અને તેમની મુસીબતને દૂર કરીને તેમને જમીન ઉપર ખલીફા બનાવશે.’

(અસ્સાફી, ભાગ – 4, પાના નં. 71, ઇસબાતુલ હોદા, ભાગ – 3, પાના નં. 553, અલ બુરહાન, ભાગ – 3, પાના નં. 208, નૂરૂસ સકલૈન, ભાગ – 4, પાના નં. 94)

આમ તો અલ્લાહ દરેક દુ:ખી અને પરેશાન દિલના અવાજને સાંભળે છે અને તેની ફરિયાદ દૂર કરે છે. પરંતુ અમૂક દુ:ખી અવાજો એવા છે જેને ક્યારેય પણ નકારતો નથી. ઇમામે ઝમાના (અ.સ.)એ મઝલુમ અને પરેશાન છે કે જેમના દિલ ઉપર કરબલાની ઘટનાઓના ઝખમ હોવાની સાથોસાથ ચાહનારાઓની પરેશાનીઓનો સદમો પણ છે. આ ઉપરાંત ઇસ્લામના દુશ્મનો થકી ઇસ્લામ અને મુસલમાનોને પહોંચાડવામાં આવતા નુકશાન બદલ પણ આપનું દિલ ગમગીન છે. એક શીઆ કે જેને ઇમામ (અ.સ.)ની મુલાકાતનું સૌભાગ્ય પ્રાપ્ત થયું તે કહે છે કે મેં ઇમામ (અ.સ.)ની આંખોની નીચે ઝખ્મોનું નિશાન જોયું. તેનું કારણ ઇમામ (અ.સ.)ને પુછયું તો આપે ફરમાવ્યું :

‘મારા શીઆઓને કહી દેજો કે મારા રૂદન માટે મારા બુઝુર્ગ દાદાનો ગમ ઓછો નથી કે હું તેઓના આમાલ જોઇને પણ ગિર્યા અને ઝારી કરૂં.’

કદાચ એટલાં જ માટે આપને કુરઆને ‘મુઝતરરૂલ મોજાબ’થી યાદ કર્યા છે.

અહિં ટૂંકાણ સાથે કલમ રોકીને અલ્લાહ તઆલા પાસે હાથ ફેલાવીને દોઆ કરીએ કે પરવરદિગાર તેના વલીના ઝુહુરમાં જલ્દી કરે. જેથી તેઓ કરબલાના શહીદોના ખૂનનો બદલો લ્યે. જે પોતાના દોસ્તોને ઇઝઝત બક્ષે અને દુશ્મનોને ખાસ કરીને જેમણે કુરઆનની તફસીરમાં ખયાનત કરી છે તેઓને અપમાનિત અને બેઇજ્જત કરે. આમીન…..

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *