હઝરત ઈમામે ઝમાના અલયહિસ્સલામની સલામતિ માટે સદકો
આજના વિજ્ઞાન અને પ્રગતિશીલ યુગમાં જ્યાં વિજ્ઞાનીકોએ મોટાભાગની એટલી બિમારીઓનો ઈલાજ મેળવી લીધો છે કે જે જીવલેણ ગણવામાં આવતી અને જેનો ઈલાજ શકય ન હતો. આ જ વિજ્ઞાનિકોએ નવા નવા મશીનો અને જીવ બચાવનાર દવાઓની પણ શોધ કરી છે. પરંતુ એ સાંભળીને આશ્ર્ચર્ય થાય છે કે જ્યારે મુસલમાન એમ કહે છે કે શું એ શકય છે કે થોડા પૈસા સદકો કાઢીને ઈન્સાનની ઉમરમાં વધારો કરી શકાય છે અથવા તેની રોઝીમાં વધારો કરી શકાય છે અથવા જીવન બચાવી શકાય છે?
આ લેખમાં અમે એ દર્શાવવાની કોશીશ કરીશું કે ખરેખર સદકો શું છે અને આપણે ઈમામે ઝમાના (અ.સ.)ની સલામતી માટે સદકો શા માટે કાઢવો?
સદકો, સદકા શબ્દથી બનેલો છે જેનો અર્થ છે મુત્તકી, સાચુ બોલનાર, ખયરાત આપવી કે ઝકાત કાઢવી. આપણી ચર્ચા ત્રીજો અર્થ ‘ઝકાત કાઢવી’ ઉપર આધારિત છે. શું સદકો કાઢવાથી ખરેખર કંઈ ફાયદો થાય છે? આ સવાલનો જવાબ દેવા માટે આપણે ઈતિહાસના પાનાઓ ઉલટાવવા પડશે. ઈતિહાસના પુસ્તકોમાં ઘણા પ્રસંગોનો અભ્યાસ કર્યા પછી અમને એક ચોખ્ખો પ્રસંગ મળે છે. જેથી જાણી શકાય છે કે સદકો દેવાથી ફાયદો થાય છે પ્રસંગ આ રીતે છે:
હ. ઈસા (અ.સ.) તેમના હવારીઓ સાથે એક મકાન પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે મકાનમાં લગ્ન પ્રસંગે ખુશી મનાવાઈ રહી હતી. હ. ઈસા (અ.સ.) એ તે મકાન તરફ ઈશારો કરીને તેના સાથીઓને કહ્યું: કાલે આ જ ઘરવાળા દુ:ખ, દર્દ, બલા અને મુસીબતમાં સપડાએલા હશે. બીજા દિવસે હઝરત ઈસા (અ.સ.)ના સાથીઓએ તેમને જાણ કરી કે તે મકાનમાં એવો કોઈ પ્રસંગ નથી બન્યો જેની આગાહી આપે કરી હતી. હ. ઈસા (અ.સ.) એ જાણવા માટે તે મકાન પર તશરીફ લઈ ગયા કે તે ઘરવાળાએ કયુ કાર્ય કર્યુ હતું કે મૌતની બલા ટળી ગઈ. મકાનની નવી નવેલી દુલ્હને પ્રસંગ વર્ણવ્યો. તેણીએ કહ્યું કે ગઈ રાત્રે એક ફકીર આ મકાન પર આવ્યો હતો. તેને મેં એક રોટલી આપી હતી. જ્યારે આ કહી ચૂકી તો હ. ઈસા (અ.સ.) એ તેના બીછાનાને ઉપાડયું, જેના ઉપર તે આગલી રાત પસાર કરી ચુકી હતી. લોકોએ જોયું કે એક સાપ છે જેના મોઢામાં એક રોટલી છે, તેના ઉપર સુતો છે, તે સમયે હ. ઈસા (અ.સ.)એ તે લોકોને સંબોધન કરીને કહ્યું કે રોટલીના રૂપમાં આપેલા સદકાની આ અસર હતી કે મૌતની બલા ટળી ગઈ.
મઅસુમીન (અ.સ.)ની હદીસોનો અભ્યાસ કરવાથી આપણને જાણવા મળે છે કે સદકો લોકોને કઈ રીતે લાભ પહોંચાડે છે. સદકાના ફાયદાને લગતી જે હદીસોની મઅસુમીન (અ.સ.)થી નોંધ કરવામાં આવી છે તે તમામ હદીસોની ચર્ચા આ લેખમાં થઈ શકે નહિ તેથી થોડી હદીસો પેશ કરીએ છીએ. (મન લા યહઝરહુલ ફકીહ, હદીસ 1729, પા. 34)
ઈમામ સાદિક (અ.સ.) ફરમાવે છે: અલ્લાહ સુબ્હના અવ્વલ સમયમાં સદકો આપનારને દિવસમાં આસમાન ઉપરથી ઉતરનારી તમામ મુસીબતોથી દૂર રાખશે અને તેવી જ રીતે સાંજના અવ્વલ સમયે સદકો આપનારને રાત્રીના ઉતરનાર બધી મુસીબતોથી દૂર રાખશે. (સદર, હદીસ 1733, પા. 34)
હઝરત ઈમામ અલી (અ.સ.) ફરમાવે છે: તમે સદકો આપો અને સીલે રહેમી કરો જેથી તમારા ગુનાહ માફ કરી દેવામાં આવે અને અલ્લાહ તમને તેના ફઝલો કરમથી નવાજે. (ગોરરૂલ હકમ)
સદકો આપવાના ફાયદા સંક્ષિપ્તમાં બયાન કરવા માટે અમે અહીં રસુલે ખુદા (સ.અ.વ)ની એક હદીસ નકલ કરીએ છીએ.
પયગમ્બરે અકરમ (સ.અ.વ.) ફરમાવે છે: અલ્લાહની સિવાય કોઈ ખુદા નથી. સદકો ઈન્સાનને બિમારીમાં સપડાય જવાથી, બળી જવાથી, ડૂબી જવાથી, પડી જવાથી કે ગાંડપણમાં સપડાય જવાથી દૂર રાખે છે – નજાત અપાવે છે. તે પછી રસુલે અકરમ (સ.અ.વ.) એ સિત્તેર મુસીબતો કહી જેનાથી માનવી સદકો આપવાથી મૂકિત મેળવી શકે છે. (મનલા યહઝરહુલ ફકીહ, હદીસ 1734, પા. 35)
સદકાનો અર્થ અને સમજ અને તેના ફાયદાઓ જાણી લીધા પછી એક પ્રશ્ન જે આપણા મનમાં ઉભો થાય છે તે એ છે કે સદકો આખર ઈમામ, ઈમામ વલીએ અસ્ર (અ.સ.)ની સલામતી માટે (શા માટે)?
કુદરતી પ્રેરણા મુજબ ઈન્સાનનું રોજ બરોજનું જીવન, તેના સંબંધો અને તેના કાર્યોનો આધાર તેના પ્રેમ અને મોહબ્બત ઉપર છે આ પ્રેમ અને મોહબ્બત દુનિયાના હોઈ શકે છે તેમ આખેરતના પણ.
આપણે જાણીએ છીએ કે ‘ઈસ્લામ’અલ્લાહનો અંતિમ અને સંપૂર્ણ ધર્મ છે જે પ્રેમ, મોહબ્બત અને ભાઈચારા ઉપર છે. સુરએ બકરહની 165મી આયતમાં અલ્લાહ તઆલા ફરમાવે છે: અને જે લોકો ઈમાનદાર છે તે અલ્લાહની મોહબ્બતમાં ભરપૂર છે.
અહીં એક મુદ્દો જે વિચાર માગી લે છે તે એ છે કે કોઈ વ્યકિત કોઈ વસ્તુ પ્રત્યે મોહબ્બત પ્રદર્શિત કરે તો તેને સંબંધિત દરેક વસ્તુથી મોહબ્બત કરે છે.
આપણે આપણા રોજબરોજના જીવનમાં જોઈ છીએ કે એક વ્યકિત જે કોઈ ખાસ વિષય દાખલા તરીકે એન્જીનીયરીંગનો શોખ ધરાવે છે તો તે ન માત્ર પોતાના ખાસ વિષયના ક્ષેત્રમાં દિલચસ્પી ધરાવે છે, બલ્કે તેને લગતા બીજા છુટા છવાયા નાના મોટા લેખો વિગેરેની પણ માહિતી રાખે છે.
ઉપર દર્શાવેલ સિધ્ધાંત અન્વયે અલ્લાહ જલ્લ જલાલહુની દ્રષ્ટિમાં સૌથી વધુ પ્યારા અને પસંદ હસ્તી આપણા રસુલે ખુદા (સ.અ.વ.) અને તેમની અહલેબય્ત (અ.સ.) છે. રસુલે ખુદા (સ.અ.વ.)ની એક હદીસમાં છે કે તે શખ્સનું ઈમાન અને અકીદો આપણા રસુલે ખુદા (સ.અ.વ.) અને તેમની અહલેબય્ત (અ.સ.) છે. રસુલે ખુદા (સ.અ.વ.)ની એક હદીસમાં છે કે તે શખ્સનું ઈમાન અને અકીદો સંપૂર્ણ નથી જે મને પોતાના ખુદથી વધુ, મારી અહલેબય્તને પોતાના કુટુંબીજનોથી વધુ અને મારા વંશને પોતાના વંશથી વધુ અઝીઝ અને મેહબુબ નથી રાખતો.
આ હદીસથી એ સ્પષ્ટ થાય છે કે સાચા મુસલમાન માટે આ ફરજ અને જરૂરી છે કે રસુલે ખુદા (સ.અ.વ.) અને તેની પવિત્ર અહલેબય્ત સાથે મોહબ્બત રાખે. ખાસ કરીને આપણા આજના વર્તમાન યુગમાં આપણા આકા અને મૌલા ઈમામ કાએમ અજ્જલલ્લાહો તઆલા ફરજની સાથે મોહબ્બત રાખે. કારણકે રસુલ (સ.અ.વ.)ના વંશજમાં ઈમામ અસ્ર (અ.સ.)થી વધુ કોઈપણ આપની નજદીક નથી.
ઈમામ મહદી (અ.સ.)થી એક હદીસ મળે છે, જેમાં આપે ફરમાવ્યું છે કે મારા પિદરે બુઝુર્ગવારે ફરમાવ્યું: એ મારા પુત્ર સાંભળો, ફરમાબરદાર અને નિર્મળ લોકોના હૃદય તમારી તરફ એ રીતે ઝુકશે જે રીતે પક્ષીઓ પોતાના માળા તરફ પાછા ફરે છે. (કમાલુદ્દીન, પા. 228)
પરંતુ માત્ર જીભથી આ કહેવું પૂરતું નથી કે આપણે પયગમ્બરે અકરમ (સ.અ.વ.) અને અઈમ્મએ મઅસુમીન (અ.સ.) સાથે મોહબ્બત રાખીએ છીએ. મોહબ્બતની સાબિતી આપણું ચારિત્ર્ય, આપણી રીતભાત, બીજા સાથેનું આપણું વર્તન વિગેરે છે.
આશિક તેના માશુકની સલામતી અને સફળતાની દોઆ કરે તે સ્વાભાવિક છે. આશિક તેના માશુકનું રક્ષણ બે પ્રકારે કરી શકે છે, સીધે સીધુ અથવા કોઈ માધ્યમ થકી. સીધેસીધું એટલે ખુદ તેનું રક્ષણ કરે અને કોઈ માધ્યમ થકી એટલે પોતાના માશુક માટે બીજા કોઈ મારફતે કંઈક બંદોબસ્ત કરે.
આ સમયમાં અત્યારે આપણે આપણા આકા અને મૌલાને નથી જોઈ શકતા એટલે મુલાકાત નથી કરી શકતા, કારણકે ગયબતના પરદામાં છે. આ કારણથી આપણે એ નથી જાણી શકતા કે આકા કઈ સ્થિતિમાં છે. પરંતુ તેથી આપણે નિરાશ ન થવું જોઈએ, કારણકે આપણા માટે તેમની મદદ કરવાનો બીજો માર્ગ મૌજુદ છે. આ બીજો માર્ગ માધ્યમો દ્વારા છે. આ માધ્યમના માર્ગ પૈકી એક માર્ગ સદકો આપવાનો છે જેની ચર્ચા આપણે આ લેખમાં કરી રહ્યા છીએ. એટલે હ. ઈમામ મહદી (અ.સ.)ની સલામતિ માટે સદકો આપવો.
હ. અલી (અ.સ.) સદકો આપવાના મહત્વ અંગે ફરમાવે છે: સદકો બલા અને આફતનો નાશ કરે છે.
ઈતિહાસના પુસ્તકોનો અભ્યાસ કરવાથી જણાય છે કે ઈસ્લામના લેખકોએ આ વિષય ઉપર ઘણું બધું લખ્યું છે. સૈયદ ઈબ્ને તાઉસ (રહ.) સાતમી સદી હીજરૂરીના એક બુઝુર્ગ શીઆ આલીમ થઈ ગયા. તેમણે તેને વસીય્યતમાં ફરમાવ્યું. ઈમામ (અ.સ.)ની જરૂરતોને પોતાની જરૂરત પર અગ્રતા આપો. તમારી અને તમારા કુટુંબીજનોની તરફથી સદકો આપતા પહેલા તે પૂર જમાલ અને મુકદ્દસ હસ્તી વતી સદકો આપો. પોતાના માટે દોઆ કરતા પહેલા ઈમામ (અ.સ.) માટે દોઆ કરો. ટૂંકમાં એ કે પોતાના દરેક મનપસંદ કાર્યમાં તે પવિત્ર હસ્તીને આગળ કરો કારણકે આ કાર્યો તમારા માટે તે હઝરત (અ.સ.)ના લક્ષનું કારણ બનશે અને તેમની ઈનાયતો અને મહેરબાનીઓ તમારી ઉપર વધુ થશે.
અહીં એક ખટકતો સવાલ એ પૈદા થાય છે કે જ્યારે ખુદાવંદે મોતઆલે આપ (અ.સ.)ને પોતાની ઈનાયતોથી નવાઝયા છે તો પછી તેમને આપણા સદકાના થોડા પૈસાની શી જરૂરત?
આ સવાલનો જવાબ બિલ્કુલ સહેલો છે અને નકારમાં છે. એટલે આપ (અ.સ.)ને તેની કોઈ જરૂરત નથી. પરંતુ જેમકે અમે આગળના ફકરામાં લખી ચૂકયા છીએ કે જ્યારે આપ કોઈ વ્યકિતથી મોહબ્બત કરો છો તો તે માટે આપનું ચારિત્ર્ય, લેવડ દેવડ, રીત-રસમ વિગેરેથી તે મોહબ્બત પ્રદર્શિત થાય છે. એક પૈસો સદકો આપીને ઈમામે ઝમાન (અ.સ.) સાથે આપણે પૂર ખુલુસ મોહબ્બત પ્રદર્શિત કરીએ છીએ અને રસુલે અકરમ (સ.અ.વ.)ની તે હદીસની શર્તોને પૂરી કરીએ છીએ જેમાં આપે ફરમાવ્યું: તે શખ્સનું ઈમાન સંપૂર્ણ નથી થતું જે પોતાને મારાથી વધુ ચાહે છે.
અને ઈમામે ઝમાના (અ.સ.)ના એ કથનને પણ યાદ રાખી લઈએ જેમાં તે હઝરત (અ.સ.)એ ફરમાવ્યું: મારા ઝુહુરમાં ઝડપ કરવા માટે વધુમાં વધુ દોઆ કરો. બેશક તેમાં તમારી સફળતા છે. આવી ઘણી દોઆઓ અઈમ્મએ મઅસુમીન (અ.સ.) એ બયાન ફરમાવી છે જે ઈમામ (અ.સ.)ની ગયબતમાં પડવી જોઈએ. (વધુ વિગત માટે શયખ અબ્બાસ કુમ્મી (રહ.) ની કિતાબ મફાતિહુલ જીનાન જુઓ)
ઈમામ મહદી (અ.સ.)એ ખુદા આપણને (પોતાના શીઆઓને) પોતાના ઝુહુરમાં ઝડપ કરવા માટે વધુમાં વધુ દોઆએ કરવાનો હુકમ ફરમાવ્યો છે. જો કે તે હઝરત (અ.સ.)ને આપણી દોઆઓની કંઈજ જરૂર નથી. આપણી દોઆઓ તે હઝરત (અ.સ.) સાથેની આપણી મોહબ્બતનું પ્રતિક છે.
હ. મહદી (અ.સ.)ની સલામતી માટે સદકો આપવાનું મહત્વ સમજ્યા પછી હવે એક બીજો સવાલ દિલમાં પૈદા થાય છે તે એ કે તે સદકાની રકમ કયાં ખરચવી આ અંગે ઈમામ સાદિક (અ.સ.)થી એક રિવાયત છે કે જો કોઈપણ વ્યકિત નઝર કે હદીયો અમારા સુધી ન પહોંચાડી શકે તો તે અમારા પરહેઝગાર શીઆઓને આપી દે. તેને આ કાર્યથી એજ બદલો મળશે જે સીધે સીધો અમને આપવાથી મળે છે.
(મન લા યહઝરહુલ ફકીહ, પા. 34)
અંતમાં ખુદાવંદે આલમ પાસે દોઆ છે કે આપણને વધુમાં વધુ તૌફિક આપે કે આપણે ઈમામે ઝમાના (અ.સ.) સાથે મોહબ્બત તેમની સલામતી માટે સદકો આપીને પ્રદર્શિત કરીએ અને આપણે એવા કાર્યો બજાવી લાવીએ જે તે હઝરત (અ.સ.)ની નજદિકીનું કારણ બને.
Comments (0)