ઝુહુરની પહેલા શીઆઓની સ્થિતિ
મૌલાએ કાએનાત અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલીબ (અ.સ.) ફરમાવે છે ‘અદ દુનિયા સીજનુલ મોઅમીન વ જન્નતુલ કાફિર.’ એટલે દુનિયા મોઅમીન માટે કારાવાસ છે – કૈદખાનું છે, જ્યારે કાફીર માટે બેહિશ્ત અને જન્નત છે. મઅસુમીન (અ.સ.)ની રિવાયત અને હદીસોમાં દુનિયાની મોહબ્બતની નિંદા કરવામાં આવી છે. ઈમાન ધરાવતા લોકોને તેનાથી દૂર રહેવા અને બચવા માટે તાકીદ કરવામાં આવી છે. અઈમ્મએ મઅસુમીન (અ.સ.)એ ત્યાં સુધી ફરમાવ્યું છે કે જેના દિલમાં દુનિયાની મોહબ્બત વસેલી હશે, તેમાં આખેરતની મોહબ્બત આવવી અસંભવ છે. તેનું કારણ એ છે કે ઈન્સાન આ દુનિયાનો શણગાર જોઈને એટલો ઓતપ્રોત થઈ જાય છે કે પોતાના હકીકી પૈદા કરનારને, પોતાના વચન અને પોતાના મકસદને ભુલી જાય છે. તેથી આપણા આકા અલી બીન અબી તાલીબ (અ.સ.) ફરમાવે છે: ‘હે માનવ જે દુનિયામાં મશ્ગુલ થઈ ગયા છે અને મોટી આશાઓએ જેને છેતરી લીધો છે (યાદ રાખ) મૌત બિલ્કુલ અચાનક આવશે અને કબર જ ઈન્સાનના આમાલની પેટી છે.’
પરંતુ માનવી ખુદની અજ્ઞાનતા અને ઝુલ્મના કારણે વિફરીને આગળ વધતો જાય છે. તે એ રીતે ગુનાહ કરે છે જેવી રીતે કે તેણે પોતાના પરવરદિગારને કદી મોઢું જ નથી દેખાડવાનું.
ગમે તેમ મોઅમીન આ છળકપટથી બચવા માટે પોતાની ઈચ્છાઓને નિયંત્રણમાં રાખે છે. પોતાના અરમાનોનું ગળું ટૂંપી દે છે જેથી દુનિયાના સંબંધો તેને પોતાના મકસદથી ચલિત ન કરે. આ માર્ગમાં તેને પાર વગરની મુસીબતો, દુ:ખો અને તકલીફો સહન કરવી પડે છે. જેના કારણે તેના જીવનને કૈદખાના સાથે સરખાવવામાં આવે છે. આ બધી વાતો તો સામાન્ય દિવસો અને સમયની છે. પરંતુ આખર ઝમાનાને દરેક જગ્યાએ એક ખાસ રીતથી યાદ કરવામાં આવ્યો છે. આ તે સમય હશે જ્યારે ઝુલ્મ અને અત્યાચારથી ભરપૂર હશે.’ આ તે સમય હશે જેમાં ફીત્નાથી કોઈ બચી શકશે નહિ. ‘આ ફીત્નાથી બચો જે માત્ર તમારામાંથી ઝુલ્મ કરનારા ઉપર નહિ ઉતરે.’ (અન્ફાલ 25) આવા ભરપૂર કટોકટીના સમયમાં મોઅમીનની સ્થિતિ ખરાબથી વધુ ખરાબ થતી જશે. અઈમ્મએ હોદા (અ.સ.) એ પોતાના કથન મારફતે પોતાના શીઆઓને પેહલેથી ચેતવી દીધા છે કે તે સમયમાં કેવી કેવી પરિસ્થિતિ ઉભી થશે. અને તેનાથી કેવી રીતે બચવું જોઈએ, આવો, આપણે તે રિવાયતોનો અભ્યાસ કરીએ જેમાં આ કથન છે:
પહેલી પરિસ્થિતિ, તિરસ્કાર અને દુશ્મની:
અબાયતુલ અસદી ફરમાવે છે કે મે અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ને ફરમાવતા સાંભળ્યા: ‘તમારી શું સ્થિતિ થશે જ્યારે તમે કોઈ હિદાયત કરનાર ઈમામ વગર અને ન તો કોઈ જોઈ શકાય તેવા માર્ગદર્શકની સાથે હશો (તે પરિસ્થિતિમાં) તમે (શીઆ) એક બીજાથી તિરસ્કાર કરશો, દૂર રહેશો અને દુશ્મની રાખશો.’
(ગયબતે તુસી, પા. 207)
બીજી પરિસ્થિતિ, મતભેદો:
આખર ઝમાનાના ફીત્નાની પકડ એટલી મજબુત હશે કે જ્યાં બે મોઅમીનો અને શીઆ હશે તેઓ વચ્ચે મતભેદ થશે.
અમીરૂલ મોઅમેનીન (અ.સ.) એ માલીક બીન ઝમરાહને ફરમાવ્યું: ‘એ માલિક બીન ઝમરાહ! તમારી શું હાલત થશે જ્યારે આપણા શીઆઓમાં એવો સખત મતભેદ હશે.’ (ગયબતે નોઅમાની, ભાગ-11, પા. 206) આ ફરમાવીને ઈમામ (અ.સ.) એ પોતાની આંગળીઓને એક બીજામાં પરોવીને જાળ બનાવી એ દેખાડવા માટે કે કેવી રીતે શીઆ એક બીજાથી ઝઘડતા રહેશે.
હકીકત એ છે કે આજે એમ કહી શકાય કે મોઅમીનોમાં મતભેદ કરવાનો શોખ પૈદા થઈ ગયો છે.
અમૂક વખતે તો એવું લાગે છે કે લોકો માત્ર બહાનુ શોધતા હોય છે, બહાનુ મળે અને આપસમાં ઝઘડાની શરૂઆત કરે. આશ્ર્ચર્ય તો એ વાતનું છે કે આજના ઝમાનામાં અલી (અ.સ.)ના શીઆઓ અઝાએ હુસયન (અ.સ.) જેવી મહત્વની બાબતોમાં પણ લડે છે. ફીરકાબાજી (તડા પાડવા) તો અમૂક વ્યકિતઓનો ધંધો બની ગયો છે. મોઅમીનોને લડતા જોઈને તેઓને આનંદની લાગણી થાય છે. જ્યારે સૃષ્ટિના સર્જનહારનો હુકમ છે: અલ્લાહની દોરી (એટલે અહલેબય્ત અ.સ. ની મોહબ્બત) તમે સૌ સાથે મળીને મજબુતીથી પકડો અને આપસમાં ભેદભાવ ઉભા ન કરો.
(આલે ઈમરાન, 153)
આ આપસના મતભેદો જ છે જેના કારણે નૂરે કાએનાત એટલે આપણા ઈમામ (અ.સ.) આપણી નજરથી ઓજલ છે અને તેમના ઝુહુરમાં વિલંબ થઈ રહ્યો છે જેમકે શયખ મુફીદ અ.ર.ને મોકલેલ સંદેશામાં આપે ખુદ ફરમાવ્યું કે જો તમારા દિલ એક હોત અને તમે સૌ શીઆ સાથે મળીને રહેતા હોત તો અમારી મુલાકાતમાં વિલંબ અને મોડું ન થાત.
અમીરૂલ મોઅમેનીન (અ.સ.) ફરમાવે છે: તે ખુદાની કસમ, જેની કુદરતના કબ્જામાં મારી જાન છે, તમે આપસમાં એક કોઈ બીજા શીઆઓને નહિ જુઓ ત્યાં સુધી કે તમારામાંના અમૂક બીજાના મોઢા ઉપર થુંકશે અને અમૂક બીજાને જુઠ્ઠા કહેશે.
(બશારતુલ ઈસ્લામ, પા. 50)
વિચારવાની વાત એ છે કે મૌલાએ કાએનાત ખુદાની કસમ ખાઈ રહ્યા છે. આપણ એ જાણીએ છીએ કે ઈમામ જ્યારે કસમ ખાય છે તો ખરેખર તે વાતનું મહત્વ કેટલું વધી જાય છે. જો આપણે આપણા સમાજનું નિરિક્ષણ કરીએ તો શું આપણને આ આગાહીઓ સાચી નથી દેખાતી? ‘અમે તેમની મજલીસોમાં નથી જતા જે અમારા આશુરા ખાનામાં નથી આવતા.’ આ પ્રકારની વાતો ગર્વની સાથે બયાન કરવામાં આવે છે. આટલું જ નહિ બલ્કે ગંદી ગાળો, લડાઈ ઝગડાની પણ નોબત આવી જાય છે. જ્યારે હદીસે કુદસીમાં અલ્લાહ કહે છે ‘જો કોઈએ એક મોઅમીનનું અપમાન કર્યુ, તો જાણે તેણે મારી સાથે લડાઈ કરવાની તૈયારીની જાહેરાત કરી.’ ધીરજ, નમ્રતા, સહનશીલતા, ભુલોને ન ગણકારવી. આ બધી વાતો માત્ર પુસ્તકના પાના ઉપર કૈદ થઈ ગઈ. જ્યારે કે મહાનતા તે આજ ઉચ્ચ ગુણોમાં છે. અહિં દરેક મોઅમીન અને શીઆની ફરજ એ છે કે જો કોઈ કંઈપણ કારણસર બે શીઆઓ કે બે સમુહોને આપસમાં લડાવવાની કોશીશ કરે અથવા ફાટફૂટ પૈદા કરાવે તો તુરતજ વિના વિલંબે તેમના ષડયંત્રને નિષ્ફળ બનાવે, નહિ તો કાલે આપણે ઈમામે ઝમાના (અજ.) ની સામે જવાબ દેવો પડશે. યાદ રાખો ઈબ્લીસ – શયતાન જ્યારે દરેક પ્રપંચમાં નિષ્ફળતાનો સામનો કરે છે ત્યારે તે મતભેદોનો માર્ગ અપનાવે છે.
ત્રીજી પરિસ્થિતિ, હૃદયની કઠોરતા અથવા સંગદીલી:
માનવીના હૃદયની એક વિશિષ્ટતા એ છે કે તે પરિવર્તનશીલ છે. ખરેખર તે કારણે જ દિલને કલ્બ (બદલાવું) કહે છે. ગયબતનો સમય લાંબો હોવાને કારણે ઘણી વખત શીઆ ઝુહુરથી નાઉમેદ થશે અને તે નાઉમેદી અને નિરાશાનું કારણ હશે તેઓના દિલોની કઠોરતા. આવો, પહેલા જોઈએ કે દિલોના કઠોર થવાનો અર્થ શું છે? જ્યારે આપણે કહીએ છીએ કે દિલ કઠોર થઈ ગયું છે એટલે કે દિલ હકીકતનો સ્વિકાર કરવા તૈયાર નથી. અને માનવી પોતાના હઠધર્મી ઉપર અટલ રહે છે. આ જીદમાં સુરજથી વધુ સ્પષ્ટ હકીકતોને પણ નકારી કાઢે છે. તેથી આખર ઝમાનામાં લોકો ખુદ ઈમામે ઝમાના (અ.સ.)ના પવિત્ર વુજુદનો પણ ઈન્કાર કરવાનું શરૂ કરી દેશે. આવો એક ઉંડી દ્રષ્ટિ તે ગુનાહો ઉપર કરીએ જેના કારણે માનવીનું દિલ સખત થઈ જાય છે. ગુનાહો વધી જવા, દુનિયા પ્રત્યેની લાલસા, મૌતને ભુલી જવું અને તેની ચર્ચા ન કરવી, અર્થહીન વાતો કરવી અને સાંભળવી (જેમકે સંગીત), શ્રીમંત લોકોની ખુશામત, ઈબાદતોને છોડી દેવી, માલ અને સંપત્તિ એકઠી કરવામાં મશ્ગુલ રહેવું, લોભ અને કંજુસાઈ કરવી, કતએ રહેમ કરવી અને વચન ભંગ કરવો. જે વ્યકિત ગયબતના ઝમાનામાં દિલની કઠોરતાથી સુરક્ષિત રહેશે, તે જન્નતમાં જવારે મઅસુમીન (અ.સ.)માં જગા મેળવશે.
ચોથી પરિસ્થિતિ, લાચારી:
ઈબ્ન અકબા કહે છે કે મેં અલી (અ.સ.)ને કહેતા સાંભળ્યા: ‘કઅન્ની બેકુમ તજુલુન જવલાનલ એબેલ તબ્તગુન મરઅન વલા તજેદૂનહા યા મઅશરશ શીય્યઅહ’ (ગયબત નોઅમાની ભાગ-3, પા. 192)
તરજુમો: એ શીઆઓ! હું જોઈ રહ્યો છું કે તમે ઉંટોની જેમ ચારાની શોધમાં ડોક ફેરવો છો, પરંતુ તમને નથી મળતો.
ગયબતનો સમય, લાચારીનો સમય અને બેચેનીનો સમય છે. શીઆઓની એ સ્થિતિ થશે કે કયારેક આ તરફ જશે કયારેક પેલી તરફ. કયારેક પૂર્વમાં તો કયારેક પશ્ર્વિમમાં. જે તરફ પાણીની ઝલક જોશે તે તરફ દોડશે. પરંતુ જ્યારે તે નજદિક આવશે ત્યારે તે પાણી નહિ વરાળ હશે. ચારે તરફ નિરાશાથી હતાશ થવા પછી શીઆને એ અનુભૂતી થશે કે તેના આકાના ઝુહુર સિવાય કોઈપણ તેની મુશ્કેલીઓને દુર નહિ કરી શકે. પછી તે અવાજ દેશે અલ અજલ, અલ અજલ યા મવલાયા યા સાહેબઝ ઝમાન. એટલા માટે રિવાયતમાં છે ‘ઝુહુરની નજદીકી માટે વધુમાં વધુ દોઆ કરો કારણકે તેમાં તમારી મૂકિત (નજાત) છે.’
પાંચમી પરિસ્થિતિ, મઝલુમી:
ખુદાવંદે આલમ કુરઆને મજીદમાં ઈરશાદ ફરમાવે છે: અને અમે એ ઈરાદો રાખીએ છીએ કે જે લોકો દુનિયાના પટ ઉપર કમજોર કરી દેવામાં આવ્યા છે, તેમના ઉપર એહસાન કરીએ અને તેઓને દુનિયાના ઈમામ બનાવીએ અને તેઓને દુનિયાના વારસદાર બનાવીએ.
આ આયત ઉપરથી એ જણાય છે કે આખર ઝમાનામાં શીઆઓને કમજોર અને નબળા બનાવી દેવામાં આવશે. તેઓ ઉપર એટલા ઝુલ્મો કરવામાં આવશે કે તે બિલ્કુલ ભાંગી પડશે. પરંતુ પોતાના અકીદામાંથી નહિ હટે. આખી દુનિયા તેને અપમાનિત કરીને ઉતારી પાડવાની કોશીશ કરશે. તેને ન તો સન્માનિત કરવામાં આવશે ન ઈઝઝત. તેથી વિરૂધ્ધ જે લોકો ખરેખર હલ્કા અને ઝલીલ હશે તેને સમાજમાં માન, ઈઝઝત અને પ્રસંશા મળશે. દરેક દિશામાંથી ઝુલ્મના પંજા શીઆઓને જકડી લેશે.
અકરમા બીન સઅસઆ ફરમાવે છે કે અમીરૂલ મોઅમેનીન (અ.સ.) એ ફરમાવ્યું: આ શીઆ તે સમય સુધી આઝાદ નહિ થાય જ્યાં સુધી તેઓની એવી હાલત નહિ થાય જેવી બકરીઓની એક ઝાલીમ અને ભુખ્યા સિંહની સામે થાય છે. જેને સમજમાં નથી આવતું કે કોની ઉપર હુમલો કરે. ન તો તેઓને કોઈ સન્માન આપવામાં આવશે ન તો તેમને કોઈ પીઠબળ હશે જેની ઉપર તેઓ તકિયો કરી શકે. (જેનો તેને આધાર મળી શકે).
દુનિયામાં ચારે તરફથી શોર થશે કે આ લોકોને ઘેરી લો અને થઈ શકે તેટલો તેઓના ઉપર ઝુલ્મ કરો. યતીમ અને લાવારીસ સમજીને એટલો વધુ ઝુલ્મો સિતમ થશે કે દિલની ગહરાઈઓથી તે ચિલ્લાઈ ઉઠશે ‘પરવરદિગાર! બસ હવે સહન નથી થતું’તેથી ખુદાવંદે આલમ પોતાની હુજ્જત મારફતે તેના બધા પ્રશ્નો હલ કરશે.
આવી સ્થિતિમાં જે લોકો પોતાના દીન ઉપર અટલ રહેશે તેની સંખ્યા એટલી હશે જેવી રીતે દાળમાં નમક. જો આપણે ઈચ્છીએ કે આ ફીત્નાઓથી સુરક્ષિત રહીએ અને કસોટીઓમાં સફળ થઈને પાર ઉતરીએ તો એ જરૂરી છે કે આપણે દરેક નમાઝમાં કે નમાઝ પછી દોઆએ ગરીક અથવા દોઆએ હરીક સતત પડીએ જે આ પ્રમાણે છે: ‘યા અલ્લાહો, યા રહમાનો, યા રહીમો યા મોકલ્લેબલ કોલુબે સબ્બીત કલ્બી અલા દીનેક.’ એટલે એ અલ્લાહ, એ રહેમાન, એ રહીમ, એ દિલોને પરિવર્તન કરવાવાળા, મારા દિલને તારા દીનમાં અડગતા અતા ફરમાવ. આમીન.
Comments (0)