ઇન્તેઝારની અસરો, બરકતો અને આવશ્યકતાઓ

ઇન્તેઝાર એક એવો શબ્દ છે જેનો અર્થ અને મતલબ ઇન્સાનના અસ્તિત્વ ઉપર છવાએલો છે. ઇન્સાન પોતાની વ્યક્તિગત પરિસ્થિતિમાં જે પરિવર્તનોથી ઘેરાયેલો છે તે જૂએ છે કે તે દરેક સ્થિતિમાં ઇન્તેઝારનો મોહતાજ છે. એક શ્ર્વાસ જે બહાર નિકળે છે અને બીજા શ્ર્વાસને અંદર લેવા માટે ઇન્તેઝારની એક પળ પસાર થાય છે. શ્ર્વાસની આ આવન જાવન ઉપર વિચાર કરવામાં આવે તો જણાશે કે આ બંને શ્ર્વાસની વચ્ચે જો ઇન્તેઝારનો ગાળો બરાબર ન જળવાય  તો ઇન્સાનમાં જીવલેણ બિમારી પ્રવેશી શકે છે.

માનવીનું જીવન શ્ર્વાસોશ્ર્વાસ ઉપર આદ્યારિત છે અને શ્ર્વાસોનો આધાર નફસોના ઇન્તેઝારની નિયમિતતા ઉપર છે. આ સિદ્ધાંત મુજબ માનવીનું અસ્તિત્વ બે તત્વો ઉપર આધારિત છે. એક શ્ર્વાસની આવનજાવન અને બીજી  શ્ર્વાસની આવન જાવન દરમ્યાનનો ઇન્તેઝાર.

બુદ્ધિ અને ઇન્તેઝાર:

માનવીનું અસ્તિત્વ બુદ્ધિના કારણે ઉચ્ચતા ધરાવે છે અને ઇન્તેઝાર હંમેશા તેની સાથે સાથે તેને સહાય કરે છે. માનવીની બુદ્ધિ ધીરે ધીરે વિકાસની શક્તિ મેળવીને પ્રગતિના શિખરોને સર કરે છે. આ તબક્કાવાર પ્રગતિ તેના પાલવમાં કયફીયતના શરૂઆતના દરજ્જાઓને શણગારે છે, સંવારે છે, આકર્ષક બનાવે છે અને ખરાબીથી તેને પાક કરે છે. જેવી રીતે એક ર્માં પોતાના બાળકને શરૂઆતના સમયગાળામાં ઉછેરતી વખતે કામ કરે છે અને પછી તે એ પરિણામનો ઇન્તેઝાર કરે છે કે હવે તે ઉચ્ચ સ્થાન પર જઇ શકે છે.

તેવી જ રીતે ઇન્સાન રૂહાનીય્યતની વિકાસની અનુભુતિ કરે છે અને જેમ જેમ તે મોટો થતો જાય છે તેમ તેમ તેની બુદ્ધિની રોશની વધે છે. તેનામાં ઉચ્ચ શિખરો સર કરવાની તાકત આવે છે અને તે ભૌતિક રીતે તો અન્ય વ્યક્તિઓની સાથે હોય છે પરંતુ બાતેની રીતે તે ઉચ્ચ દરજ્જા ઉપર બિરાજે છે. જ્યાંથી તે દુનિયાદાર અને અણગમતા માનવીઓની ખરાબીઓને જૂએ છે તેમજ પોતામાં તથા તેઓમાં એક પ્રકારનો તફાવત મેહસુસ કરે છે.

આ રૂહાનિય્યતની પ્રગતિ ધીરે ધીરે થાય છે અને શરૂઆતના તબક્કામાં હોય છે. પછી ઇલ્મ અને પરહેઝગારીની સહાયથી એક જુદી દુનિયાને પોતાની આજુબાજુ નિહાળે છે. તેની દુનિયા વિશાળ બનતી જાય છે જેની શરત એ છે કે હિદાયત સાચી હોય. તેની પરહેઝગારીમાં ચારે તરફનું સામાજીક વાતાવરણ તેની પરહેઝગારીમાં તેની પાછળ ન પડી જાય અને તેને ઉચ્ચ મંઝીલ સુધી પહોંચવાના પગથીયાઓ ઉપરથી પગને નીચેથી પકડીને ખેંચવાની હરકત કરવા ન લાગે. આવું વારંવાર બને છે. નહિં તો જનાબે અબુઝરને એક હદપારીની સખત મુશ્કેલ કસોટીમાંથી પસાર થવું ન પડતું અને ઇમામ હુસૈન (અ.સ.)નું આ ઐતેહાસિક વાક્ય અદા ન થાત. “ચાચા જે દોલતમંદોની પાસે છે તેની આપને જરૂરત નથી અને જે આપની પાસે છે તે તેઓના નસીબમાં નથી.’ (અર્થાંત : ઇન્તેઝાર કરો.)

આ સંઘર્ષભર્યા જીવનમાં અડગ અને શ્રેષ્ઠ ઇન્તેઝાર, અજ્ઞાન અને નબળી વ્યક્તિઓના બનેલા ટોળાના શોર બકોરને દબાવી દે છે. શયતાનના બહેકાવવાની બધી ચાલબાજીઓ, ફરેબકારીઓ અને ફીત્નો ફેલાવવાની જાળના બધા તાણાવાણાને તોડી નાખીને ઇચ્છનીય વ્યક્તિનો માર્ગ સરળ અને પ્રકાશિત કરી દે છે. ધીરે ધીરે શ્રેષ્ઠતા જે માનવીના સર્જનનું કારણ છે તેનું નૂર તેના લલાટ ઉપર પ્રકાશ આપવા લાગે છે. ઉમર બીન ઓબૈદે આશ્ર્ચર્ય પામીને છેવટે હિશામને પૂછીજ લીધું કે તમે ક્યાંક હિશામ બીન હકમ તો નથીને? અબુ બસીર કે જેઓ અંધ હતા, જ્યારે તેમને પૂછવાવાળાએ પુછયું કે: શું આપે ઇમામ સાદિક (અ.સ.)ને જોયા છે? ત્યારે તેમણે જવાબ આપ્યો. શું એ શક્ય છે કે તમે મસ્જીદના દરવાજા ઉપર ઉભા રહીને મને સવાલ કરી રહ્યા છો અને આ સમયે મારા ઇમામ અહિં પોતાની ઇબાદતમાં મશ્ગુલ ન હોય.

આવી વ્યક્તિઓ કે જેની ચર્ચા ઉપર કરવામાં આવી છે તે જાહેરમાં તો આપણી સાથે હોય છે. તેઓની રહેણી કરણી પણ આપણી જેવી હોય છે. તેઓની વાતચીત પણ આપણી જેવીજ હોય છે. ટૂંકમાં ચાલ ચલન, બેઠક-ઉઠક આપણા રીત રિવાજની જેમજ હોય છે પરંતુ તેઓની બુદ્ધિ વધુ પ્રકાશિત અને સતેજ હોય છે અને તેઓ ઇન્તેઝારના ખરા અર્થને જાણતા હોય છે….. તેઓનો પોતાનો એક કબીલો પણ હોય છે. તેઓ પોતાના અસ્તિત્વની જુદી જુદી અસરો અને બરકતો ધરાવે છે. જેવા કે અલી બીન મેહઝીયાર, મુકદ્દસે અર્દબેલી, સૈયદ ઇબ્ને તાઉસ વિગેરે. આ પ્રકારના લોકોની એક લાંબી યાદી છે.

ઇન્તેઝાર અને મઅરેફત :

અરબોની થોડી વ્યક્તિઓ એક જગ્યા ઉપર બેઠી હતી. ત્યાં હબીબ ઇબ્ને મઝાહીર, રૂશૈદે હુજરી અને મીસમે તમ્મારે એક બીજાની શહાદતોની નિશાનીઓને અમૂક પ્રતિકરૂપે રજુ કરી. ત્યારે સાંભળનારાઓ કહેવા લાગ્યા કે આ લોકો સૌથી વધુ ખોટા છે. અહિં રોકાઇને આ ત્રણેય વ્યક્તિઓ વિચાર કરવાનું સૂચન કરી રહ્યા છે કે એક સમૂહ અડગ રહેવાની અને ઇન્તેઝારની વાત કરીને નીચેના દરજ્જાના લોકોને પોતાના કબીલાના લોકોની સફળતાની સનદ આપી રહ્યા હતા. અર્થાંત સમજાવી રહ્યા હતા કે અમે અમારી શહાદતનો ઇન્તેઝાર કરી રહ્યા છીએ અને તે લોકો એ છે કે જેઓ નફા અને નુકસાનથી અજાણ થઇને અંધારામાં ભટકી રહ્યા છે. અલ્લામા ઇકબાલના શબ્દોમાં:

“તુ અપના રિઝક ઢુંઢતી હૈ ગર્દે રાહ મેં,

મેં તો સેપહર ભી નહિં લાતા નિગાહ મેં.’

અશરફ (શ્રેષ્ઠ) અને અરઝલ (નિમ્ન)ને જુદી પાડતી નિશાની ઇન્તેઝાર છે. માનવીના સર્જનમાં નીચતા સુધી જવાની પણ આવડત છે તેમજ સૌથી ઉચ્ચ સ્થાન (અશરફીયત) ઉપર બિરાજવાની પણ તાકત છે. ઉડાન ભરવાની પણ આવડત તેમાં રહેલી છે. કુરઆને મજીદે તેના માટે ધીરજ ધરવાની તલ્કીન કરી છે અને હકની ઉપર અડગ રહેવાની પણ હિદાયત કરી છે. હક ઉપર અડગ રહેવું અને ધીરજ ધરવાનું મૂળ ઇન્તેઝાર છે. યમનની જીત પછી સલમાને ફારસીએ ઝોહયરે કૈનને કરબલામાં શહીદ થવાના ખુશખબર આપ્યા હતા. પરંતુ યમનની જીત અને કરબલાના જંગ વચ્ચે એક લાંબો સમયગાળો હતો. દરેક ડગલે ઇન્તેઝારનું પગથીયું હતું. જે બલંદી તરફ માટીના અસ્તિત્વને લઇ જઇ રહ્યું હતું. ઇન્તેઝારની અસરો અને બરકતોના વાદળો ત્યાંજ વરસે છે જ્યાં અશરફીયતની ફળદ્રુપતા આ વરસાદના વાદળોને પોતાની તરફ આકર્ષે છે.

આ ફળદ્રુપતા, આ વિકાસ, આ આકર્ષણ, કેવી રીતે અસ્તિત્વમાં આવ્યા છે. તેના માધ્યમો અને કારણો હોય છે અને તેની જરૂરતો હોય છે જે પ્રાપ્ત કરવા પડે છે. જેના માટે કઠોર પરિશ્રમ અને મહેનતની જરૂર હોય છે. ધીરજ અને સબ્રની જરૂરત પડે છે. ત્યાગ અને કુરબાની માટે હંમેશા તૈયાર રહેવું પડે છે. ખુદાની બારગાહમાં દિવસ અને રાત મુનાજાત કરવી પડે છે, પરહેઝગારીને અપનાવવામાં તકલીફો અને મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે છે.

ઇન્તેઝારની આવશ્યકતાઓ :

ટૂંકમાં ઇન્તેઝારની આ પૂરબહાર દુનિયામાં તેના ખુશ્બુભર્યા વાતાવરણમાં શ્ર્વાસ લેવા માટે પોતાના અસ્તિત્વને, પોતાના વિચારોને અને પોતાના ચારિત્ર્યને પવિત્રતાના બીબામાં ઢાળવા માટે માનવીએ ઘણી બધી આવશ્યક્તાઓ અને શરતોને આધિન જીવન જીવવું પડે છે.

આપણે અહિં સમગ્ર આવશ્યકતાઓ પૈકી અમૂકની ચર્ચા કરીશું. જ્યારે ઇન્તેઝારની બરકતો અને તેની અસરોની ઓળખની એક ખૂબજ ટૂંકી છણાવટ થઇ ગઇ અને ન્યાય પ્રિય ઇન્સાનનું અંત:કરણ તેને સ્વિકારી રહ્યું છે ત્યારે જોવાનું એ છે કે સબ્રને પગલે પગલે ઇન્તેઝારની દરેક વખતે બેચેની અને પરેશાનીની હાલતનો ઇલાજ કેવી રીતે થઇ શકે. કુરઆને કરીમમાં ફરમાન છે : “ખુદા તે છે જે માનવીના દિલમાં સાંત્વન ઉતારે છે. મઅસુમ ઇમામો (અ.સ.)એ આપણને તેનું માર્ગદર્શન આપ્યું છે. આપણને તેની તાલિમ આપી છે. આપણને તેની પ્રકૃતિથી પરિચિત કર્યા છે. આપણને તેના તબક્કાઓ સર કરવા માટે એક સંપૂર્ણ તાલિમી કોર્ષ અને તબક્કાવાર અમલની હિદાયત કરી છે અને તેની વ્યવસ્થા દરેક યુગમાં જાળવી રાખી છે. આપણી ઉપર મઅસુમ ઇમામોનો આ એહસાન છે કે જેમણે તેની આવશ્યક્તાઓ પણ અતા કરી છે અને ઉપર જેની ચર્ચા થઇ ચૂકી છે તેવા ઉદાહરણરૂપ કારકીર્દીની ઉંચાઇઓની સફર પણ કરાવી છે તથા ઇન્તેઝાર કરનારાઓના વર્તનની રીતભાત પણ આપી છે. આથી આપણે આજે ૧૪૦૦ વર્ષથી હજારો ઝુલ્મ હેઠળ મોતના તોફાનોમાં ઘેરાએલા હોવા છતાં પોતાના ઇમામ કાએમ (અ.સ.)ના રક્ષણ હેઠળ શાંતિ અને સાંત્વનથી જીવી રહ્યા છીએ અને મૃત્યુથી નિર્ભય રહીએ છીએ. આપણા માટે ઇમામે ઝમાના (અ.સ.) ઇન્તેઝારનું કેન્દ્ર છે. આપણા માટે તેમના ઝુહુરની કલ્પના કેટલા સુંદર દ્રષ્યો ઉભા કરી દે છે. આવો! આપણે જોઇએ કે આપણે ઇન્તેઝારની કઇ કઇ તાલિમી અને તરબીયતના તબક્કાઓમાંથી પસાર થવું જોઇએ કે ઇમામ (અ.સ.)નો પગરવ આપણને સંભળાવા લાગે અને આપણે ઇલાહી પંખીની પાંખોની હિંમત અને હોંસલાને પણ પાછળ રાખી દઇએ.

પહેલો તબક્કો :

ઇમામે ઝમાના(અ.સ.)ની યાદ અને તેમની પસંદગીની મુજબ થવું:

યાદોનો સંબંધ ભૂતકાળ અને વર્તમાનકાળ સાથે હોય છે અને કોઇની પસંદને પોતાની પસંદગીનું ધોરણ ઠેરવવું તે વર્તમાનથી ભવિષ્ય તરફનું પ્રયાણ છે.

યાદ : ઇમામ (અ.સ.)ને યાદ કરવા – જીંદગીના અમૂક સમયે અમૂક જગ્યા ઉપર અમૂક લોકોની વચ્ચે એ જાણીને કે ઇમામ (અ.સ.) એક એવી જીવંત હકીકત છે જેમને અલ્લાહે આસમાનની બુલંદીઓ, ઉંચાઇઓ અને વિશાળતા એટલી વધારે બખ્શી છે કે તેમને પોતાની બરકતનું કેન્દ્ર બનાવીને આ દુનિયામાં પોતાના ખલીફા નિયુક્ત કર્યા અને જગત માટે પોતાની નજદિકીના માધ્યમ બનાવ્યા અને એક લાંબી મુદ્દતની ગયબત આપીને પોતાના બંદાઓના ઇમાનને પારખવા માટે એક નિશાન બનાવ્યું જે મંઝીલ પછી મંઝીલ ઇમાનની ઉંડાઇ વધારે હોવાનો હિસાબ આપે છે. તેની ચર્ચા કુરઆને મજીદમાં આ રીતે છે:

“… અને તે (ખુદા) ઇમાન ઉપર ઇમાનની ઉંડાઇને વધારતો રહે છે અને જમીન અને આસમાનનું લશ્કર અલ્લાહ તઆલા માટે છે.

જ્યારે અલ્લાહના આ નૂરની તરફ દિલ ચમકવા લાગે છે અને તેની યાદમાં તાજગી પૈદા થાય છે ત્યારે ઝુહુરના ઇન્તેઝારની ઇબાદત માટે કદમ આગળ ધપવા લાગે છે. આપણા ભૂતકાળની લાંબી સફરની યાદના અજંપાને નજીકના ભવિષ્યમાં ઝુહુરની મંઝીલ સુધી પહોંચવા માટે ખુદને કહીએ છીએ કે કાશ! અગર મને પાંખો હોત તો હું ઉડીને મારા મૌલાના કદમોને ચુમી લેત.

ધીરે ધીરે આ શબ્દ “અમૂક’ વચ્ચેથી હટી જાય છે. હવે અમૂક સમય નહિં બલ્કે હંમેશ, અને અમૂક જગ્યાઓ ઉપર નહિં પરંતુ દરેક જગ્યાએ હવે અમૂક મહેફીલો અને મેળાવડાઓમાં નહિં બલ્કે દરેક જગ્યાએ, દરેક મહેફીલમાં, દરેક સ્થળે આપણી દ્રષ્ટિ સમક્ષ હઝરત હુજ્જત (અ.સ.) હોય છે એ ઇન્તેઝારની સાથે કે હવે ઝુહુર થઇ જાય. હવે આપ આવી જાવ. હાલમાં આપ ક્યાં હશો? આપની સાથે કોણ હશે? આપની દ્રષ્ટિ કઇ તરફ છે? આપની આંગળીઓ કઇ બાજુ ઇશારો કરી રહી છે ? ફરી પાછું દિલ કહે છે કે શક્ય છે કે તે મસીહા કોઇ બિમારના માથા પાસે હશે. કદાચ, હજ દરમ્યાન ગુમ થએલા, કમજોર અને ચાહવાવાળાઓના સમૂહની મદદ માટે પોતાના ખાસ કર્મચારીઓને ગોઠવી રહ્યા હશે. આ રીતે યાદના સિલસિલા ઇન્તેઝારની સાથે ખભે ખભા મેળવીને એક ચાહનારાની જીભ ઉપર આવતા રહે છે.

જીભથી આ કહી દેવું ઘણું સહેલું છે. ઘણું સારૂ લાગે છે. પરંતુ આ પરિસ્થિતિ અને રિતભાતનું નિર્માણ કરવું ઘણું મુશ્કેલ છે. પરંતુ દરેક મુશ્કેલી વધુને વધુ આસાન થઇ જાય છે. અગર આપણું ધ્યાન ઇમામ (અ.સ.)ની પસંદગી, તેમની ખુશ્નુદી અને તેમની રઝા તરફ રહે અને આ ત્યારેજ શક્ય બને છે જ્યારે નફસની ખ્વાહિશો મરી જાય છે અને બુદ્ધિ જાગે છે.

૧. દુનિયાની મોહબ્બતને ત્યજી દેવી:

જે લોકો દુનિયાદારીની મોહબ્બતમાં, નફસની પયરવીમાં, ખ્વાહીશાતમાં રચ્યા પચ્યા રહે છે તેઓ તે શરઇ ઝિમ્મેદારી જે આપણા ઉપર વાજીબ કરવામાં આવી છે તેનાથી બેખબર થઇ જાય છે. તેનાથી એટલા બેદરકાર રહે છે કે શરીઅતનું મહત્ત્વ બાકી રહેતું નથી. આ રીતે અક્કલની હાકેમીયત ખત્મ થઇ જાય છે. શું આવી વ્યક્તિઓની મુશ્કેલીઓ દૂર થઇ શકે છે? શું તેઓ એક પળ માટે પણ વિચારી શકે છે કે તેઓ ઇમામે ઝમાના (અ.સ.)ની પસંદગી અને ખુશ્નુદીની કાળજી લેવા માટે આગળ વધી શકે છે?

ક્યાં તે પવિત્ર હસ્તી જે નજાતનું માધ્યમ છે, અને ક્યાં હલ્કી દુનિયા મેળવવાનો સંઘર્ષ. માનવી કેટલો મોટો થઇ જાય છે જ્યારે અક્કલના મોતીના પ્રકાશમાં અને આજુબાજુના માહોલથી મુક્ત થઇને માત્ર વિચાર કરે છે અને કહે છે : અફસોસ! અગર કાશ હું ઇમામે ઝમાના (અ.સ.)ના ગુલામોમાં દાખલ થઇ જતે. અહિંથીજ માટી નરમ થઇ જાય છે અને માનવીની ફિત્રતની ખેતીમાં મોહબ્બતનો લીલોછમ પાક લહેરાવા લાગે છે.

જેમ કે હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) ફરમાવે છે:

“સૌથી વધુ ઇબાદત ગુઝાર એ શખ્સ છે જે વાજીબ બાબતો ઉપર અમલ કરે છે.’

(ઉસુલે કાફી)

ઉસુલે કાફીની બીજી એક રિવાયત છે જેમાં ઇમામ સાદિક (અ.સ.) ફરમાવે છે.

“જે અલ્લાહની મઅરેફત ધરાવે છે તે અલ્લાહથી ડરે છે અને જે અલ્લાહથી ડરે છે તેનું દિલ દુનિયાથી ઉઠી જાય છે.’

હઝરત અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.) નહજુલ બલાગાહમાં ફરમાવે છે :

“આગાહ થઇ જાઓ કે તમારો ઇમામ દુનિયાની સંપત્તિમાં બે જુના કપડાં અને ખાવા માટે બે રોટલી ઉપર સંતોષ માને છે. આગાહ થઇ જાવ કે તમે આ પ્રકારનું જીવન પસાર નથી કરી શકતા. પરંતુ તમે પરહેઝગારી અને તેના માર્ગ ઉપર ચાલવાની કોશિશ કરીને અને પાક દામની અને દીનના હુકમોમાં મજબુત રહીને મારી મદદ તો કરી શકો છો.’

આ સૌથી વધુ સુંદર વાક્યો આપણી આર્થિક, સામાજીક અને સાંસ્કૃતિક ઝીંદગી પર પ્રકાશ પાડે છે. અગર આપણા જીવનની રહેણી કરણી આ રીતની હોય તો ઇમામ (અ.સ.)ના દરનું અંતર દૂર થઇ જશે.

૨. ઇમામ (અ.સ.) સાથે જોડાઇને રહેવું :

આ વિષય ઇમામ (અ.સ.)ની મદદ અને તેમની ખિદમતની તમન્નાનો છે. આ એક વિસ્તૃત વિષય છે. ધીરજની ઘણી મોટી કસોટીના તબક્કાની દાસ્તાન છે. બહુ ઓછા ખેડાયેલ માર્ગ ઉપર ચાલવાની મુસાફરી છે. નફસના હિસાબ ઉપર તેની બુનિયાદ છે. ફરફોલા પડેલા પગથી કાંટાઓ ઉપર ચાલવાનો સબક છે. ઇમામ (અ.સ.)ની કેળવણી શાળામાં કસરતનો ક્રમ છે. પરંતુ … પરંતુ… પરંતુ આ માર્ગમાં થોડા ડગ ભર્યા પછી જ એવું મહેસુસ થવા લાગે છે જાણે રૂહુલ કુદસનો અવાજ ક્યાંક દૂરથી આવતો હોય: “મુબારક થાય તમને તમારી આરઝુની રોશન દુનિયા.’

અહિં વાંચકોની સેવામાં એક ઐતેહાસિક પ્રસંગનું ઉદાહરણ રજુ કરીએ છીએ. જેથી ઇમામ (અ.સ.)ની મદદની આરઝુ અગર વધતી જાય તો આ નાસિર અને યાવર જે જેના દિલમાં આ આરઝુએ જન્મ લીધો છે તેની આખેરત કેવી રીતે સુશોભિત થઇ જાય છે. વાતને વધુ સ્પષ્ટ કરી દઉં. કરબલા તૈયાર થઇ રહી હતી, જનાબે ઝયનબ (સ.અ.)એ ઇમામ હુસૈન (અ.સ.)ને કહ્યું: “ભાઇ! દુશ્મનના લશ્કરમાં એક પછી એક ટૂકડીનો વધારો થઇ રહ્યો છે. ભાઇ! શું આપનો કોઇ નાસિર અને મદદગાર નથી આવી રહ્યો?’ આપે જવાબ આપ્યો : “બહેન! આવી રહ્યો છે ઇન્તેઝાર કરો.’ થોડીવાર પછી જનાબે ફીઝઝાએ જનાબે ઝયનબ (સ.અ.)ને ખબર આપ્યા: “બીબી! આપના ભાઇના નાનપણના દોસ્ત હબીબ ઇબ્ને મઝાહીર આવ્યા છે.’ બીબીએ કહ્યું: “ફીઝઝા! હબીબને મારા સલામ પહોંચાડો.’ ફીઝઝાએ હબીબને સંબોધન કરીને કહ્યું : “હબીબ શેહઝાદી ઝયનબ (સ.અ.)  આપને સલામ કહી રહ્યા છે.’ હબીબે પોતાનું માથું જમીન ઉપર પટક્યું અને કહ્યું : “આ નાચીઝ ગુલામ ક્યાં અને શેહઝાદી ઝયનબ (સ.અ.) ક્યાં? હુસૈન (અ.સ.)ની નુસ્રત અને મદદે હબીબને આ મરતબો આપ્યો કે તે સલામ જે ખાતુને જન્નત (સ.અ.)ની પુત્રી સાનીએ ઝહરા (સ.અ.)ના મુબારક હોઠોથી અદા થયા હતા આજ સુધી તે આસમાનમાં ગુંજી રહ્યા છે અને ઇમામ (અ.સ.)ની નુસ્રત અને મદદ કરનારાઓના ઉંચા મરતબાને બતાવી રહ્યા છે. આ સલામ તે ગુલાબ છે જેના ઝીક્રની ખુશ્બુ દરેક મજલીસે અઝામાં ફેલાએલી હોય છે.

આજ ચૌદ સદી પસાર થઇ ગઇ છે. આપણે આપણા ગાએબ ઇમામ (અ.સ.)ને પોકાર કરી રહ્યા છીએ અલ-અજલ, અલ-અજલ અને દોઆ કરીએ છીએ.

“અય અલ્લાહ અમારી ગણતરી તેમના સાથીઓમાં, મદદગારોમાં અને તેમના સાચા શીઆઓમાં કર.’

દોઆ તો કરીએ છીએ પરંતુ જનાબે હબીબ જેવું કલેજું ક્યાંથી લાવવું? અગર તે હિમ્મત અને હોંસલો પૈદા નથી કરી શકતા તો ઓછામાં ઓછું આપણા અમલોને તો ચકાસી લઇએ કે જેથી કરીને ઇમામ (અ.સ.)ને મોઢું દેખાડવાના લાયક તો રહીએ અને ઉઠતા, બેસતાં, જાગતા, સુવાના સમયે, મુસાફરીમાં તેમજ દરેક પ્રસંગે કહેતા રહીએ યા અબા સાલેહ અલ મહદી અદરીકની.

૩. ઇમામ (અ.સ.)ના ઝુહુર માટેની તૈયારી:

શબ્દ તૈયારી શીઆઓમાં ઝુહુરે ઇમામની આસપાસ ફરી રહ્યો છે. દરેક ફીર્કાના લોકો આપનો ઝુહુર થશે તેવી માન્યતા ધરાવે છે. આ એક ફક્ત શીઆઓનો અકીદો છે તેવું નથી બલ્કે આ આખી દુનિયાની માન્યતા છે. દુનિયાની બધી કૌમ મહદી (અ.સ.)ના ઝુહુરના અકીદા ઉપર ઇમાન ધરાવે છે. શીઆઓ અને બીજા ધર્મોમાં ફર્ક માત્ર એટલો છે કે આપણી સામે હકીકત સુર્યથી વધારે સ્પષ્ટ છે. બીજાની જેમ અસ્પષ્ટ કે ધુમ્મસ ભર્યા વાતાવરણમાં શોધખોળ કરતા હોય તેવી નથી.

આવી પરિસ્થિતિમાં જરૂરી છે કે આ કૌમની દરેક વ્યક્તિ ઝુહુર માટે પૂરેપૂરી રીતે તૈયાર રહે અને હંમેશા તૈયારીમાં વ્યસ્ત રહે. જ્યારે ઝુહુરની હકીકત સૂર્યની જેમ સ્પષ્ટ છે ત્યારે દરેક વ્યક્તિને પોતાના ચારિત્ર્ય ઉપર પડેલા ડાઘ ચોખ્ખા દેખાઇ રહ્યા છે અને અગર તેને જોયા પછી પણ ખરાબ દેખાતા ડાઘના ધબ્બા ચારિત્ર્ય પરથી ધોવામાં ન આવે તો આખેરત દુ:સ્વપ્નોમાં ખોવાઇ જશે.

આ કલંકિત ચારિત્ર્યને પાક કરવા માટે અમૂક બુનિયાદી કાર્યો છે.

નફસનો હિસાબ:

ગુનાહની ખૂબ માફી માગવી અને “યા અબા સાલેહ અલ મહદી અદરીકની’ સતત પડતા રહેવું. જ્યારે નફસની ચુંગાલમાં માનવીના વિચારો ફસાઇ જાય છે અને જ્યારે ચારિત્ર્યમાં ખોટ આવવા લાગે છે ત્યારે સાચા રેહબર, અલ્લાહ તઆલાના જાનશીન જેઓ આ દુનિયાના ઉચ્ચ દરજ્જા ઉપર બિરાજેલા છે તે આપણને પડતીમાંથી બચાવી લ્યે છે. નફસની ખ્વાહિશોની ચુંગાલમાંથી મૂક્તિ અપાવે છે અને આપણને એટલા સુપાત્ર બનાવી દે છે કે આપણું જાહેર આપણા બાતિનનું પ્રતિબિંબ બની જાય છે અને આપણે આપણા તકવીની નૂરની અનુભૂતિ કરીએ છીએ. દુનિયાની કસોટીના મૈદાનમાં આટલા ઉચ્ચ અને ઉચ્ચતમ પગથીયાઓ ઉપર એક પછી એક ડગલું આગળ વધવું સહેલું તો નથી પરંતુ અશક્ય પણ નથી. અને જો હિદાયતનો પ્રકાશ સામે હોય તો મુશ્કેલ પણ નથી અમૂક ડગલા આગળ વધ્યા પછી તરત જ રૂહાની આનંદના સિલસિલા શરૂ થઇ જાય છે. ડોક્ટર સૈયદ મોહમ્મદ બની હાશમીએ તેની કિતાબ “સુલુકે મુન્તઝેરાન’માં આ વિષયના અનુસંધાનમાં એવી વાતો કરી છે કે જે મઅસુમ ઇમામો (અ.સ.)ની હદીસોના પ્રકાશમાં છે અને દિલમાં ઉતરે તેવી છે. તેથી તૈયારીના સંદર્ભની આયત અને રિવાયતોમાંથી અમે માત્ર એક ઉપર સંતોષ કરીશું. પરવરદિગાર ફરમાવે છે:

“અય તે લોકો! જેઓ ઇમાન લાવ્યા, સબ્ર કરો, સાબિત કદમ રહો અને સંપર્ક રાખો. અલ્લાહ તઆલાથી ડરતા રહો, કદાચ તમને કામ્યાબી નસીબ થાય.

અહિં ઇમામ સાદિક (અ.સ.) ફરમાવે છે :

“એટલે કે વાજીબાત અદા કરવામાં મજબુતીથી કાયમ રહો અને મુસીબતો અને બલાઓમાં સાબિત કદમ રહો. તેની ઉપર તમારા ઇરાદાઓ અને હિંમત સાથે તમારૂં નિયંત્રણ રાખો. શંકાકુશંકાઓમાં સપડાઇ ન જાવ અને પવિત્ર રસ્તાથી કદમ હટી ન જાય અને આ એજ સમયે શક્ય છે કે જ્યારે ઇમામે વક્ત (અ.સ.) સાથેનો તમારો સંપર્ક મજબુત હશે, અડગ હશે. જેના પરિણામે અલ્લાહનો ભય આપણને દરેક ભયથી બચાવી રાખશે.’

મૌલા અલી (અ.સ.) ફરમાવે છે કે “દરેક માણસનો અમલ તેની બહાદુરીની હિંમતના મૂલ્યો સાથે માપ-તોલ કરવામાં આવશે. જ્યારે અલ્લાહનો ડર પૈદા થઇ જાય છે ત્યારે કોઇનો ડર બાકી રહેતો નથી અને નજાત અને કામ્યાબીના માર્ગ અને માનવ જીવનની બહેતરી માટે ઇમામ (અ.સ.)ની મોહબ્બતના દિપકને પ્રકાશિત રાખે છે.’

તેથી તૈયારી માટે, એડી ઉપર ઉભા રહી તૈયાર રહેવા માટે ઇમામ (અ.સ.)ની નુસ્રત અને મદદના જઝબાને જીવંત રાખવા માટે આપણે પ્રયત્નશીલ રહેવું જોઇએ. પછી જુઓ, કેવી રીતે માનવી માટી પગો હોવા છતાં આસમાનોના માર્ગોને સર કરે છે.

અય કાશ….. અય કાશ…… અય કાશ…..!!!  અલ્લાહની રહેમત વરસે અને આપણા અસ્તિત્વની માટી નરમ થાય, એટલા માટે કે અગર આપણે જો નરમ હોઇએ તો આ માટી ઘણી અમૂલ્ય છે. સાકી અને આપણા મહેબુબ ઇમામના ઇશારાઓ આપણને દેખાવા લાગશે.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *