ઇમામે ઝમાના (અજ.)ની જુમ્આના દિવસની ઝિયારતની સમજૂતિ

(ગયા અંકથી આગળ)

(૪) “સલામ થાય આપ ઉપર અય શ્રેષ્ઠ ગુણો ધરાવનાર, ખુદાનો ખૌફ ધરાવનાર.’

આ વાક્યમાં ઇમામે અસ્ર હઝરત મહદી (અજ.)ના બે લકબો રજુ કરવામાં આવ્યા છે. એક મોહઝઝબ અને બીજો ખાએફ. શબ્દ મોહઝઝબ બાબે તફઇલનું ઇસ્મે મફઉલ છે. અને તેનો મૂળ શબ્દ “હઝબ’ છે. ડીક્ષનરીમાં “મોહઝઝબ’નો અર્થ છે સંસ્કારી, પવિત્ર, શિક્ષિત, કેળવણી યુક્ત, પાક અને કોઇપણ ક્ષતિ વગરના અને તે વ્યક્તિ કે જે બહેતરીન અખ્લાક અને સિફતોથી સુશોભિત છે. ખરેખર આ બધા ગુણો ઇમામે ઝમાના (અજ.) સાથે સુસંગત છે. આપ તે પાક અને પવિત્ર હસ્તી છે કે જે કિસાઅના અસ્હાબના જાનશીન છે જેમની પાકીઝગી અને પવિત્રતાનું એલાન ખુદાવંદે આલમે કુરઆને કરીમમાં કર્યું છે. (સુરએ અહઝાબ : ૩૩) આપ તે છો કે જેમના કેળવણી આપનાર પરવરદિગારે આલમ છે અને તે પવિત્ર હસ્તી કે જેમાં ન ક્યારેય પણ કોઇ ત્રૂટી હતી ન કોઇ ત્રૂટીનો અવકાશ છે.

બીજી સિફત કે જેની વાત આ વાક્યમાં કરવામાં આવી છે તે છે “ખાએફ’ એટલે કે અલ્લાહનો ડર રાખનાર. અરબી વ્યાકરણની દ્રષ્ટિએ “ખાએફ’ કર્તા વાચકનામ છે. જે “ખવફ’થી બન્યુ છે. જેને ખાસ અર્થમાં “અજવફે વાવી’ કહે છે.

(અ) ખુદાના ડરનું મહત્ત્વ:

કુરઆને મજીદ ઇમાન ધરાવનારાઓની સિફતો અને ખાસીયતો દર્શાવતા ફરમાવે છે.

“તેઓ પોતાના પડખાને સુવાની પથારીથી ખાલી કરે છે. તેઓ પોતાના પરવરદિગારને ખૌફ અને આશાની હાલતમાં પોકારતા રહે છે, અને અમોએ તેમને જે કાંઇ આપ્યું છે તેમાંથી (અમારી રાહમાં) ખર્ચતા રહે છે.

(સુરએ સજદહ : ૧૬)

પરહેઝગારોના ઇમામ હઝરત અલી બીન અબી તાલિબ (અ.સ.) ફરમાવે છે.

“એટલે કે ખુદાનો ડર ખુદાને ઓળખતા વ્યક્તિઓનું પહેરણ છે.’

બીજા શબ્દોમાં તે લોકો કે જેઓ ખરેખર ખુદાની મઅરેફત ધરાવે છે અને તેની ભવ્યતા, કુદરત અને બુઝુર્ગીથી સારી પેઠે માહિતગાર છે તેઓ દરેક પળે, દરેક સમયે અને હંમેશા તેનાથી ડરશે અને ક્યારેય પણ તેની વિરૂદ્ધમાં અજુગતી વર્તણુંક કે અશોભનીય કામ નહિં કરે.

હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) ફરમાવે છે.

“અલ્લાહની નજીક સૌથી વધુ ઉચ્ચ દરજ્જો એ લોકો ધરાવે છે જે તેનાથી સૌથી વધુ ડરે છે’

(બેહારૂલ અન્વાર, ભાગ-૭૭, પા. નં. ૧૮૦, હદીસ નં. ૧૦)

(બ) ડર પોતે અલ્લાહને ઓળખવાની નિશાની છે:

મૌલાએ કાએનાતની ઉપર દર્શાવેલી હદીસોથી સ્પષ્ટ થાય છે કે ખૌફનો સંબંધ મઅરેફત અને ઇલ્મની સાથે છે. કુરઆને કરીમમાં ફરમાન છે.

“અલ્લાહના બંદાઓમાંથી માત્ર જ્ઞાનિઓજ (અને મઅરેફત રાખનારાઓ) અલ્લાહથી ડરતા રહે છે;      (સુરએ ફાતિર : ૨૮)

અલ્લાહ તરફ દઅવત આપનાર અને સેરાજે મોનીર હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) ફરમાવે છે.

“જે જેટલો ખુદાને ઓળખશે તેટલોજ ખુદાથી ડરશે.’

(બેહારૂલ અન્વાર, ભાગ-૭૦, પાના નં. ૩૯૩, હદીસ નં. ૬૪)

બાકેરૂલ ઓલુમ હઝરત ઇમામ બાકિર (અ.સ.) ફરમાવે છે :

“હિકમત દાઉદની ઔલાદમાં છે. અય આદમના પુત્ર! તારૂં દિલ સખત થઇ ચૂક્યું છે કારણકે તું અલ્લાહની ભવ્યતા અને બુઝુર્ગીને ભૂલી ચૂક્યો છો. અગર તું અલ્લાહનું ઇલ્મ અને તેની મહાનતાની મઅરેફત રાખતો હોત તો તું હર પળ તેનાથી ડરતો રહેત.’

(આમાલી શેખ અબુ જઅફર તુસી, પા. નં.૨૦૩, હદીસ નં.૩૪૬)

(ક) ડરનારની નિશાનીઓ :

ખુદાનો ડર રાખનારાઓની અમૂક નિશાનીઓ છે;

કુરઆને મજીદમાં એલાને હક થાય છે.

“અને જે પોતાના પરવરદિગારની હજૂરમાં ઉભા થવાથી ડર્યો હશે તથા નફસને મનોકામનાથી અટકાવતો રહ્યો હશે તો નિસંશય જન્નતજ તેનું ઠેકાણું હશે.

(સુરએ નાઝેઆત : ૪૦-૪૧)

હઝરત અમીરૂલ મોઅમેનીન (અ.સ.) ફરમાવે છે :

“બેશક, અલ્લાહના અમૂક બંદાઓ એવા છે કે જેમના દિલો અલ્લાહના ડરથી ચૂરચૂર થઇ ચૂક્યા છે. જેના કારણે તેઓ વધુ વાત કરવાથી દૂર રહે છે. જ્યારે કે તેઓ ઉચ્ચ વક્તૃત્વ ધરાવનાર, સાહિત્યના નિષ્ણાંત, બુદ્ધિશાળી, શરીફ ખાનદાન ધરાવનાર છે. તેઓ પોતાના પાક અને પવિત્ર કાર્યો થકી ખુદાની તરફ ઝડપથી આગળ વધી રહ્યા છે. ખુદાની રાહમાં તેઓ પોતાના વધુ કાર્યોને પણ ઓછા સમજે છે અને તેઓ ઓછા આમાલ અને ઉણપથી નારાજ થઇ જાય છે. તેઓ પોતાને ખુદને લોકોમાં સૌથી હલ્કા ગણે છે જ્યારે કે તેઓ હોંશિયાર અને નેકી કરનારાઓ છે.’

(બેહારૂલ અન્વાર, ભાગ – ૬૯, પાના નં. ૨૮૬, હ. ૨૧)

અગર આપણે આ હદીસ કે જે બાબે મદીનતુલ ઇલ્મના મુબારક મુખેથી આપણા સુધી પહોંચી છે તેની ઉપર વિચાર કરીએ તો આપણને જણાય આવશે કે આજે આપણા સમાજમાં આવા લોકોની કેટલી અછત છે કે જેમાં ખરેખર ખુદાનો ડર જોવા મળે. એવા લોકો કે જેઓ ખુદાના ડરથી મુંગા થઇ ગયા છે. તે વ્યક્તિઓ કે જે ખરેખર તો સુંદર વક્તૃત્વવાળા, સાહિત્યના નિષ્ણાંત, બુદ્ધિશાળી અને સમજદાર છે. તે લોકો કે જેઓ નેક કામોના શરીરો છે. તે લોકો કે જેઓ દિવસ અને રાત, સવાર અને સાંજ દીનની ખિદમત કરવા છતાં પોતાના આમાલને ખૂબજ ઓછા સમજે છે અને જ્યારે તેઓ કોઇ ખિદમત ખરેખર કોઇ કારણસર ન કરી શકે તો તેઓ પોતાના નફસથી નારાજ થઇ જાય છે અને પોતાની ટીકા કરે છે. હોંશિયાર અને કાર્યદક્ષ હોવા છતાં તેઓ પોતાની ગણતરી સૌથી હલ્કા બંદાઓમાં કરે છે! અલ્લાહો અકબર! આપણા મઅસુમ ઇમામો આપણી પાસેથી શું અપેક્ષા રાખે છે અને આપણો સમાજ કેવો થઇ ગયો છે!!!

(ડ) જે અલ્લાહથી ડરે છે તેનાથી દરેક ચીઝો ડરે છે :

અલ્લાહે પોતાના નેક બંદાઓ ઉપર જે મહેરબાનીઓ કરી છે તેમાંની એક એ છે કે તેણે પોતાના બીજા સર્જનોમાં પોતાના નેક બંદાઓનો રૂઆબ અને ડર નાખી દીધા છે. ખુદાવંદે આલમ પોતાની હિકમતભરી કિતાબમાં સ્પષ્ટપણે એલાન કરી રહ્યો છે કે “અમે કાફીરો અને મુશ્રિકોના દિલોમાં મોઅમીનોનો ડર નાખી દીધો છે.

(જુઓ સુરએ આલે ઇમરાન : ૧૫૧, સુરએ અન્ફાલ : ૧૨)

સાદિકે આલે મોહમ્મદ હઝરત ઇમામ જઅફર સાદિક (અ.સ.) ફરમાવે છે :

“જે અલ્લાહથી ડરે છે અલ્લાહ દરેક ચીજને તેનાથી ડરાવે છે અને જે અલ્લાહથી નથી ડરતો તેને અલ્લાહ દરેક ચીજથી ડરાવે છે.’

(અલ કાફી, ભાગ – ૨, પાના નં. ૬૮, હ. ૩)

બીજા શબ્દોમાં કહીએ તો આપણે ખુદા સિવાય બીજા કોઇથી ડરવું ન જોઇએ અને ન તો કોઇ બીજાના દરવાજે માથું નમાવવું જોઇએ. કારણકે શયતાનનું એક તરકટ એ છે કે તે અલ્લાહના નેક બંદાઓને દુનિયાની ચીજોથી ડરાવતો રહે છે. પરંતુ અલ્લાહના નેક બંદાઓ તેની આ છેતરપીંડીનો શિકાર થતા નથી.

ખુદાવંદે આલમે કુરઆને કરીમમાં આપણને ચેતવ્યા છે કે:

“આ તો માત્ર શૈતાન છે, જે પોતાના મિત્રોથી તમને ડરાવ્યા કરે છે. માટે અગર તમે મોઅમીન હો તો તેમનાથી ડરો નહિં, કેવળ મારાથીજ ડરતા રહો.

(સુરએ આલે ઇમરાન : ૧૭૫)

ડરના અનેક પ્રકારો છે. જેવા કે ખશીયા, વજલે રહબા, હયબત. જે વાંચકો તેની વિગત જાણવા માંગતા હોય તેમણે કિતાબુલ ખેસાલ, (લેખક : મરહુમ શૈખ સદુક અ.ર.) પા. ૨૮૧ બેહારૂલ અન્વાર, (લેખક અલ્લામા મજલીસી અ.ર.) ભાગ – ૭૦, હ. ૩૨૩, પ્રકરણ : ૫૯, પ્રકરણ અલ ખવ્ફ વરરેજા અને ભાગ – ૬૯, હિકાયાતુલ ખાએફીન)

આ ચર્ચાના બીજા પણ ઘણાં પ્રકરણો છે. પરંતુ ટૂંકાણને દ્રષ્ટિ સમક્ષ રાખીને ડરની ચર્ચાને અહિંજ પૂરી કરીએ છીએ.

(૫) “સલામ થાય આપ ઉપર અય સરપરસ્ત, અય નસીહત કરનાર’.

આ વાક્યમાં  ઇમામે ઝમાના (અજ.)ને બે લકબોથી યાદ કરવામાં આવ્યા છે. એક “વલી’ અને બીજું “નાસેહ’.

“વલી’ અરબી ભાષામાં ભાગ્યેજ કોઇ શબ્દ આટલો વિશાળ અર્થ ધરાવતો હશે. ઇદે ગદીરના ખાસ અંકમાં અમે શબ્દ “મૌલા’ (જેનું મૂળરૂપ “વલી’ છે) ઉપર વિસ્તૃત ચર્ચા કરી ચૂક્યા છીએ. “વલી’ અરબીમાં ફઇલના વજન ઉપર છે. જે  સીગએ મોબાલેગાહ છે. આ અલ્લાહ તઆલાના નામોમાંથી એક નામ છે. “વલી’નો અર્થ થાય છે જેને બાબતોનો અધિકાર સોંપવામાં આવ્યો છે તે સરપરસ્ત, માલિક, મેનેજર, શક્તિ ધરાવનાર, અમીર, સુલતાન, મુખ્ય અધિકારી વિગેરે છે. અરબીના સાહિત્યકારો જેવા કે ઇબ્ને મન્ઝુર, ઇબ્ને અસીર, ઇબ્ને સીક્કીત, સીબુવીયા, દરેકે તેના ઉપર વિસ્તારપૂર્વક ચર્ચા કરી છે. અગર આપણે આ અર્થની ઉપર વિચાર કરીએ તો બધા અર્થો એક હકીકત તરફ ઇશારો કરે છે. અર્થાંત એ ઝાત કે જે સંપૂર્ણ અધિકાર અને વહીવટ કરવાનો હક ધરાવે છે. ખરેખર ઇમામે ઝમાના (અજ.)ની પવિત્ર હસ્તી આ બધા ગુણોથી સર્વ સંપ્ન્ન છે.

“નાસેહ’ કર્તા છે. અર્થાંત નસીહત કરનાર. આ વાક્યમાં આપણા ઇમામને આ સદ્ગુણથી યાદ કરવામાં આવ્યા છે. પવિત્ર ઇસ્લામમાં નસીહત અને હિદાયતની ઘણી તાકીદ કરવામાં આવી છે.

(૧) નસીહતનું મહત્ત્વ :

પયગમ્બે ઇસ્લામ (સ.અ.વ.)એ ફરમાવ્યું :

“ખુદાની નજીક સૌથી વધુ ઉચ્ચ સ્થાન અને મરતબો એ માણસ ધરાવે છે કે જે ખુદાના બંદાઓને નસીહત કરવામાં સૌથી વધુ પ્રયત્નશીલ હોય છે.’

(અલ કાફી, ભાગ – ૨, પાના નં. ૨૦૮, હ. ૫)

નસીહત કરવાથી એક બીજા સાથેની મોહબ્બતમાં વધારો થાય છે. કારણકે દરેક મોઅમીન બીજા મોઅમીનનો ઇમાનની દ્રષ્ટિએ ભાઇ છે. તેથી દરેકની ફરજ છે કે પોતાના ભાઇને નસીહત અને હિદાયત કરતો રહે. નસીહતનો પાયો જ મોહબ્બત છે. જે ઇર્ષાળુ હશે તે ક્યારેય પણ બીજાને સારી નસીહત નહિં કરે અને કોઇનું ભલું નહિં ઇચ્છે.

(૨) નસીહત કરનારની નિશાનીઓ :

પયગમ્બરે ઇસ્લામ (સ.અ.વ.)એ ફરમાવ્યું :

“નસીહત કરનાર અને શુભેચ્છકની ચાર નિશાનીઓ છે.

(૧) તે જ્યારે પણ ફેંસલો કરે છે ત્યારે સચ્ચાઇની સાથે હોય છે.

(૨) પોતાના તરફથી બીજાને હક આપે છે.

(૩) જે પોતાના માટે ઇચ્છે છે એજ બીજા માટે પણ ઇચ્છે છે.

(૪) કોઇના ઉપર વધારે મહેરબાન અને કોઇના હકને ઓળવી જતો નથી.’

(તોહફુલ ઓકુલ, લેખક : ઇબ્ને શોએબ હર્રાની, પાના નં. ૨૦)

ખરેખર આજે આપણા ઝમાનાના ઇમામ (અજ.)થી વધીને આપણને કોઇ નસીહત કરનાર અને મદદ કરનાર મળી શકતા નથી. આપ (અ.સ.) આપણી મદદ કરે છે. તેથી આપણી જવાબદારી એ છે કે આપણે તેમની નસીહતોને કબુલ કરીએ અને તેમને અનુસરીએ. એવું ન બને કે આપણે આ આયતના સમાનાર્થી બની જઇએ.

“અગર અલ્લાહ તમને ગુમરાહીના રસ્તા પર છોડી દે તો પછી હું તમને નસીહત આપવા ચાહું તો પણ મારી નસીહત તમને કાંઇ લાભ પહોંચાડશે નહિં.

(સુરએ હુદ : ૩૪)

શક્ય છે કે અમૂક લોકોના મનમાં એવો સવાલ પૈદા થાય કે ઇમામ (અ.સ.) ગયબતમાં રહીને કેવી રીતે નસીહત કરી શકે? તો તેનો એજ જવાબ છે જે એ સવાલનો છે કે ગાએબ ઇમામનો શું ફાયદો છે? પરંતુ એક વાત ધ્યાનમાં રહે કે ગયબત આપણી તરફથી છે ઇમામ (અ.સ.)ની તરફથી નથી. જેમકે ઇમામ ઝયનુલ આબેદીન (અ.સ.)એ ફરમાવ્યું કે:

ગયબતે કુબરામાં અમૂક એવા મુખ્લીસ લોકો હશે જેનો અકીદો એટલો મજબુત હશે કે તેઓ માટે ગયબત દેખાવા બરાબર હશે. આજ સાચા મોમીન છે અને અમારા સાચા શીઆ છે. આ એ વ્યક્તિઓ છે જે લોકોને ખુદાના દીનની તરફ દા’વત આપે છે જાહેરી રીતે અને ખામોશીથી પણ.’

આવો આપણે સૌ સાથે મળીને દોઆ કરીએ કે અલ્લાહ તઆલા આપણને સૌને આ તૌફીક આપે અને આપણો સમાવેશ આ વ્યક્તિઓમાં થાય. (ક્રમશ:)

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *