અસ્સલામો અલયક યા કતીલલ અબરહ
બે અબી અન્ત ઉમ્મી યા જદ્દાહ! ‘અય જદ્દે બુઝુર્ગવાર, જો મારી આંખોના તમામ અશ્રુઓ સુકાઈ જાય તો હું રકતના અશ્રુઓથી રૂદન કરીશ.’
હઝરત સૈયદુશ્શોહદા અલયહે સલાતુસ્સલામની હૃદયદ્રાવક શહાદત અને કરબલાની કરૂણ ઘટનાઓ ઉપર એ ઈમામે અસ્ર (અ.સ.) નું રૂદન, જે ઝમાનાના માલિક અને આકા છે. ઝમાનાની ગતિ જે ઈમામની પરવાનગી વગર આગળ વધવી શકય નથી. સમગ્ર ઝમાનાની પ્રગતિ તેના ઈશારાથી થઈ રહી છે. ખુદાવંદે આલમે જ તેના પ્રતિનિધિ અને પોતાના ‘ખલીફા’ને આ અધિકાર અર્પણ કર્યો છે. તેથી જ તો મઅસુમીન અલયહેમુસ્સલામના સ્પષ્ટ માર્ગદર્શનના આધારે આપણે ઝીયારતમાં આ મુજબનું સંબોધન કરીને યાદ કરીએ છીએ. ‘અસ્સલામો અલયક યા સાહેબઝઝમાન.’ ઝિયારતમાં પઢવામાં આવતું આ વાકય ઝિયારતના લખાણની શોભા માટે નથી પરંતુ એ એક હકીકત છે કે ઈમામ (અ.સ.) ના હાથોમાં ઝમાનાની લગામ (અંકુશ) છે. જે રીતે સૃષ્ટિની નાની મોટી તમામ વસ્તુઓ એટલું જ નહિં કણે કણે તેમના તાબેદાર અને હુકમને અનુસરનારા છે, તેવી જ રીતે ઝમાં વ મકાન (કાળ અને સ્થળ) પણ તેમના હુકમના પાબંદ છે. નૂરે મોહંમદી (સ.અ.વ.), પ્રથમ મખ્લુક જેનું અસ્તિત્વ ઝમાન અને મકાનની પહેલાથી અસ્તિત્વ ધરાવે છે. ‘લવલાક’ની હદીસ માટે બધા આલિમો એકમત છે. કારણકે ઝમાન અને મકાનનું ઈમામે વકત અલયહીસ્સલાતો વસ્સલામના કાબુમાં હોવું એ દીની તર્ક બધ્ધતાની દ્રષ્ટિએ સ્પષ્ટ હકીકત છે, જેનો ઈન્કાર કરી શકાય તેમ નથી. જે કાંઈ ફીલોસોફીપુર્ણ ભ્રમ નથી. કાળ ભલે તે ભૂતકાળ હોય, વર્તમાનકાળ હોય કે ભવિષ્યકાળ હોય તે ત્રણેય કાળ ઈમામ અલયહીસ્સલામના તાબામાં છે. ઈમામ (અ.સ.) ની ઈચ્છા હોય તે કાળને પોતાની સામે લાવી શકે છે. કારણકે તેઓ ઝમાનાના માલિક છે. આકા છે. ઝમાનો તેમનો ગુલામ છે. તેઓ (અ.સ.) ના હુકમની નાફરમાની કરી શકવા માટે ઝમાનાની કોઈ મજાલ નથી. ખુદાનો હુકમ પણ એજ છે. જો આમ ન હોત તો મઅસુમીન (અ.સ.) કયારેય તેઓને ‘સાહેબઝઝમાન’ના લકબ વડે યાદ ન કરત. આવા સંપૂર્ણ શાસનના સત્તાધિકારી હોવા છતાં પણ જ્યારે તેઓ હીજરી સન 61 ના મોર્હરમની દસમી તારીખે ખાસ કરીને અસ્રે આશુરના સમયે બનેલા બનાવોને હુકમ આપતી વખતે આપના જીગરના ટુકડે ટુકડા થઈ ગયા હશે એ વાતમાં કોઈ શંકાને સ્થાન રહેતું નથી. ખાસ કરીને જ્યારે આપ (અ.સ.) આપ (અ.સ.) ના જદ્દે મઝલુમને અસ્રે આશુરના સમયે એકલા અટુલા આપ (અ.સ.) ના પવિત્ર શરીરને ઝખ્મોથી વિંધાયેલું, આપના ફાટેલા હોઠ; આપની જીભ તૃષાને કારણે સુકાએલી, બિલ્કુલ સુકાઈ ગયેલું મુખ (મોઢામાં જરાય ભીનાશ નહીં)… એ હાલતમાં હાય મારા મઝલુમ ઈમામ, મારા ગરીબુલ વતન આકાએ પોતાના સાથીઓની શહાદત વેળાએ કઈ રીતે આમ કહ્યું હશે! યા અબ્તાલસ્સફા વ યા ફુરસાનલ હયજાઅ… મારા શેર દિલ બહાદુરો, મારા શેહસવાર (શ્રેષ્ઠ ઘોડેસવાર યોધ્ધાઓ) તમારો ઈમામ અને આકા તમને બોલાવી રહ્યો છે અને તમો જવાબ નથી આપતા! પ્યાસની હાલતમાં આ સંબોધન પણ હઝરત સૈયદુશ્શોહદાની મહાન જેહાદ હતી.
આ બધા ગમ અંગેઝ બનાવો દુખ અને શોકથી ભરપુર બાબતો હૃદયને હચમચાવી દેવા માટે અને હોશો-હવાસ ગુમ થઈ જવા માટે પૂરતી છે. જ્યારે ઈમામે ઝમાના અલયહીસ્સલામ સદીઓ લાંબી આયુષ્યમાં, ભૂતકાળ સામે લાવીને જોતા હશે ત્યારે એક ઠંડો નિશ્વાસ નાખીને તડપી કહેતા હશે:-
‘જદ્દે મઝલુમ! જો મારી આંખોના તમામ આંસુઓ સુકાઈ જશે તો હું રકતના આંસુઓથી રૂદન કરીશ.’ – આકા! અય મારા યુગના ઈમામ (અ.સ.) શું ખૂને જીગર વહાવી દેવા પછી રૂદનનો હક અદા થઈ શકશે ખરો? નહિં, ઝહુરના સમય સુધી રડતો રહું, ખુને દિલ અને ખુને જીગર વહાવતો રહું તો પણ ગીર્યા રૂદનનો હક અદા થઈ શકશે નહિં – તેથીજ તો અર્શ ઉપર આપના જદ્દે મઝલૂમનું નૂરે મુબારક જોઈને હઝરત આદમ અલયહીસ્સલામનું હૈયુ ભરાઈ આવ્યું હતું. જ્યારે જ્યારે તેઓ (અ.સ.) એ ખુદાના હુકમથી પંજેતનના નામોના સદકા અને વસીલાથી પોતાની તૌબા કબુલ થવા માટે દોઆ કરી ત્યારે નામે હુસૈન (અ.સ.) આવતું ત્યારે કાંપી જતા હતા. તેમના દિલની સ્થિરતા બેચૈનીમાં પરિવર્તિત થઈ જતી, તેઓ (અ.સ.) ની આંખોમાંથી અશ્રુઓનો સમુદ્ર વહેવા લાગતો. ખુદાયા, પંજેતનમાંથી પહેલા ચાર નામો ખુશી અને આનંદનો સંદેશો લાવે છે. પરંતુ હાય, જ્યારે પાંચમું નામ લઉં છું ત્યારે દિલ ગમમાં ડૂબી જાય ચે. દિલ ધડકવા લાગે છે, દિલ કાબુ બહાર જઈને રડવા લાગે છે. ખુદાયા, આ કોનું નામ છે? આ વાકેએ કરબલા બનવાના હજારો અને લાખો વર્ષ પહેલા ‘બઝમે તૌહીદ’માં મજલીસોનો સિલસિલો શરૂ થઈ જાય છે. મજલીસ! હા એજ મજલીસ જેણે આપણે મામુલી અને હકીર સમજીએ છીએ. એ મજલીસોનો એહતેરામ આપણા દિલોમાંથી જઈ ચુકયો છે. હવે તો મજલીસ માત્ર ‘લટાર મારવાની જગ્યા’ બની ગઈ છે. ખુદારા, એ મજલીસોની અહેમીયત અને આદર જાળવો.
આ મજલીસો બારગાહે મઅસુમીન (અ.સ.) અને બારગાહે અદબ છે. અહિં ઈમામ હુસૈન અલયહીસ્સલામ ઉપર ગીર્યા – રૂદન કરવામાં આવે છે. ‘કતીલુલ અબરહ’ ઉપર રડવામાં આવે છે. ઈમામ હુસૈન (અ.સ.) ઉપર રૂદન કરવું એ સુન્નતે અંબિયા (અ.સ.) છે. સુન્નતે ખરૂય્લ વરાઅ હઝરત મોહમ્મદ મુસ્તફા (સ.અ.વ.) છે. તેથી આ મજલીસોને મામુલી અને હકીર ન સમજો. આ મજલીસોમાં રસુલ અને આલે રસુલ (સ.અ.વ.) ને દિલના ઉંડાણથી ગમ અને શોકપૂર્ણ પૂરસો દેવાય છે. જો આ ગમની મહેફીલમાં જરા પણ બેઅદબી અને અનાદર થવાની કલ્પના પણ શામીલ થશે તો તેના પરિણામની ખબર છે? ‘કુશ્તએ ગીર્યા’ના ગમમાં ફર્શે અઝા ઉપર બેસીને ખુલુસે દિલથી ગીર્યા – રૂદન કરવું એ આખેરતની નજાત માટેની જામીનગીરી છે.
મઅસુમીન અને મઅસુમએ કોનૈન અલયહેમુસ્સલાતો વસ્સલામની તકલીફો અને મુસીબતોની કયારેય મજાક ન કરવી જોઈએ. નહીંતર આપણે બધા શીઆયાને આલેમોહમ્મદ (અ.મુ.સ.) એ આલે મોહમ્મદ (અ.મુ.સ.) ની હાજરૂરીમાં જવાબ આપવો પડશે.
હા, તો જ્યારે ઈમામે ઝમાના અલયહીસ્સલામ પોતાના દાદા હઝરત ઈમામ હુસૈન અલયહીસ્સલામની મઝલુમીયત અને નિસહાયતાને નિહાળતા હશે, ખાસ કરીને જ્યારે તે સબ્ર અને અડગતાના પર્વત સમા મહા માનવને એકલતાની પરિસ્થિતિમાં એવું કહેતા સાંભળતા હશે કે:
‘અના કતીલુલ – અબરહ’
હું આંસુઓથી કત્લ થયેલ છું, હું કુશ્ત એ અશ્ક (આંસુઓથી કત્લ પામેલ) છું. આહ કુશ્ત-એ ગીર્યા કયારેક હુરની લાશ ઉપર જઈને કહેતા કે અય હુર તું તો મારો મહેમાન હતો તને હું એક ઘુંટડો પાણી પણ ન પીવરાવી શકયો. કયારેક હબીબની ઝખ્મોથી વીંધાયેલી મય્યત ઉપર જતા અને કહેતા: હબીબ તારો બચપણનો મિત્ર તને બોલાવે છે. મારી હાલતા તો જો હબીબ! હું એમ વિચારૂ છું કે હું મારા બાળગોઠિયાની સાથે એટલું પણ નથી કરી શકતો કે તેને તેના અંતિમ વખતે પાણીનું એક ટીપું પીવરાવી શકું! તેઓ (અ.સ.) એક એક શહીદની સામે જઈને ગીર્યા – રૂદન કરતા નજરે પડતા હશે. જેમાં તેમના ભત્રીજા, ભાણેજ, કાસિમ અને ઔનો – મોહમ્મદ, કડીયલ જવાન પૂત્ર અલી અકબર (અ.સ.) જેની ભરપુર યુવાની અને યુવાન પુત્રની લાશની સામે ભૂખ્યો – તરસ્યો, નિસહાય પિતા, સમોવડિયો ભાઈ, કુવ્વતે બાઝુ, હઝરત અબુલ ફઝલ, આ બધી સ્થિતિમાં મૌલાની ઉપર શું વિત્યું હશે? એ સંજોગોમાં ઈમામે ઝમાના અલયહીસ્સલામ, મુખ આસમાન તરફ ઉઠાવીને જોતા હશે અને હસરત અને અફસોસની હાલતમાં આપ (અ.સ.) ના હોઠ ઉપર આ શબ્દો નીકળતા હશે.
‘વાજદ્દાહ, વગુરબતહ’
હુસયને મઝલુમ (અ.સ.)ની મુસીબત ઉપર ગીર્યા કરવા વિશેની એટલી રિવાયતો અઈમ્મએ મઅસુમીન અલયહેમુસ્સલામથી વારીદ થઈ છે જે હદ્દે તવાતુર સુધી પહોંચેલી છે. આ વાતની પરાકાષ્ઠા એ છે કે ગમે હુસૈન (અ.સ.) માં રૂદન કરનારની આંખમાં માખીના પગ જેટલા આંસુ નીકળી આવે તો તે આતિશે જહન્નમની ગરમીને બુઝાવવા માટે પુરતા છે. જ્યારે માણસને કોઈ મુસીબતની અસર થાય ત્યારે જ તેની આંખોમાં આંસુ આવે છે. અને એ તાસીર મુસીબત ઉઠાવનાર સાથેની મોહબ્બતનો પૂરાવો છે. એટલુંજ નહીં, એ તાસીર એ હદ સુધી પહોંચે છે કે તેનાથી આગળ વધે છે અને તેનાથી ઝાલિમો અને જાબિરો સાથે બુગ્ઝ અને અદાવતની લાગણી પૈદા થઈ જાય છે. અઈમ્મએ મઅસુમીન અલયહેમુસ્સલામ (ભવિષ્યમાં બનનારા) બનાવો અને પરિસ્થિતિની સૌથી વધારે અને સારી જાણકારી ધરાવતા હતા. જે કરવા પ્રત્યેની તેઓ હંમેશા પ્રેરણા આપતા હતા અને હંમેશા પોતાના હેતુ પાર પાડવા માટેની કોશિષમાં પણ રહેતા. તેઓ હંમેશા એ વાતની કોશિષ કરતા હતા કે જેનાથી અલ્લાહ તઆલા અને રસૂલ (સ.અ.વ.) ના દુશ્મનોથી ઉમ્મત સુરક્ષિત રહે. આ કારણોસર ઈમામે મઝલુમ અલયહીસ્સલામની મુસીબતો ઉપર રૂદન કરવાનો હુકમ આપવામાં આવ્યો અને મુસીબતોનું વર્ણન થશે ત્યારે દુશ્મને ખુદા અને રસૂલ (સ.અ.વ.) ના ઝુલ્મો – સિતમ અને આંતરિક દુષ્ટતાનો ઉલ્લેખ કરવો અનીવાર્ય થઈ જશે. જેનાથી ઈન્સાનના નફસ પ્રભાવિત થશે. આમ ઈમામે હુસૈન (અ.સ.) ના આ કૌલનો નીચોડ એ છે કે:-
‘અના કતીલુલ અબરતે લા યુઝકુરની મુઅમેન ઈલ્લસ તઅબર’
હું કુશ્તએ ગીર્યા છું. મોઅમીન જ્યારે પણ મારો ઝીક્ર કરે છે ત્યારે તેની આંખો આંસુથી ભરાઈ જાય છે. (કામિલુઝ ઝિયારત) આમ જ્યારે મોઅમીન મોહબ્બતે હુસૈન અલયહીસ્સલામમાં માતમ કરે છે અને ગમમાં ડૂબી જાય છે તો તેનું કારણ ઈમામ હુસૈન અલયહીસ્સલામ ઉપર મુસીબતોના પહાડ તુટી પડયા હતા તે હોય છે. અને તે ગમમાં મોઅમીનનું દિલ શેકાઈ જાય છે અને તેનો ગમ પરાકાષ્ઠાએ પહોંચી જાય છે.
ઈમામ (અ.સ.) નું આ વાકય ‘અના કતીલુલ અબરહ’ કહેવા પાછળનો આશય શું ફકત એટલોજ હતો કે હઝરત (અ.સ.)ની શહાદત માટે ગીર્યા – રૂદન કરવામાં આવે, જેથી આખેરતમાં તેનું વળતર મળી જાય? શું આપની શહાદત ઉપર રૂદન કરવાનો આખેરતમાં બદલો મળી જાય તે સિવાયનો બીજો કોઈ હેતુ ન હોય તે શકય છે ખં? એવું કેમ હોઈ શકે? અત્રે બીજી અસરો પણ છે જે એ સિવાયની અને તેનાથી ઉચ્ચ છે. (1) એક તો એ છે કે એ ગીર્યા રૂદનથી શરીયતે ઈલાહીયહને એક નવી ઝિંદગી મળી છે. (2) બીજો હેતું એ છે કે હિદાયતના માર્ગમાં જે કંઈ અધુરાશ આવી ગઈ હોય તે દૂર થઈ જશે અને ઉમ્મતની ઈસ્લાહ સાર્વતીક રીતે થઈ જશે. અને તેની સાથો સાથ જે તે યુગમાં સત્તાધિશોના ઝુલ્મો સિતમ, અતિરેક વગેરે અને સત્તાધિશોની પોતાની લાલચ, લોભ, વગેરેનો રહસ્ય સ્ફોટ થઈ જશે.
આ ઉપરાંત ઈમામે મઝલુમની શહાદતના ઝીક્ર અને તેની ઉપર ગીર્યા અને ‘બુકા’ની સાથે એટલો ઉંડો સંબંધ છે કે જ્યારે પણ તેઓ પર પડેલી મુસીબતો અને સંકટોનું વર્ણન થશે ત્યારે મોઅમીનોની આંખોમાંથી અશ્રુઓની ધારા વહેવા લાગશે. તેમના દિલોમાં છુપાએલી મોહબ્બત વ્યકત થશે, તેથી જ આપે ફરમાવ્યું:
‘અના કતિલુલ અબરહ’
આવો જરા ઈમામે રઝા અલયહીસ્સલાતો વસ્સલામની હઝુરમાં જઈને ગમે હુસૈન પર રડવાનો શું બદલો મળે છે તે વાત જાણીએ. આપ (અ.સ.) એમ ફરમાવતા સાંભળવા મળશે કે:
‘જે લોકો અમારી ઉપર પડેલી મુસીબતોને યાદ કરીને તેની ઉપર ગીર્યા રૂદન કરે, તે લોકો કયામતના દિવસે અમારી સાથે હશે, અમારા દરજ્જામાં હશે અને જે લોકો અમારી મુસીબતો બયાન કરીને પોતે રડે અને બીજા લોકોને પણ રડાવે તો તેવા લોકોની આંખો એ દિવસે નહીં રડે, જે દિવસે બીજી બધી આંખો રડતી નજરે પડતી હશે, અને જે માણસ એ મજલીસમાં બેસે જેમાં અમારા હુકમનું બયાન થતું હોય તો જે દિવસે બીજા બધા દિલો મુર્દા નજરે પડતા હશે તે દિવસે તેનું દિલ જીવંત નજરે પડશે.’
ગમે હુસૈન અલયહીસ્સલામમાં વહેતા આંસુઓની કદ્રો – કિંમત અને તેનું વજન કેટલું છે તેનો અંદાજ આપણે કાઢી શકતા નથી. એ વાત સમજી લ્યો કે ઈમામે સાદિક અલયહીસ્સલામે ‘અબાન ઈબ્ને તગલબ’ દ્વારા આંસુઓની અહમીયત બયાન ફરમાવી છે. આપે ફરમાવ્યું:
‘અમો એહલેબૈત ઉપર જે મસાએબ અને સિતમ કરવામાં આવ્યા હતા તેની ઉપર કોઈ ગમગીન થાય અને આહો ભરે તો તે તસ્બીહ છે. અમારા માટે (રંજીદા) શોક-મગ્ન થવું ઈબાદત છે અને અમારા રહસ્યોને ગુપ્ત રાખવા રાહે ખુદામાં જેહાદ છે. પછી આપે ફરમાવ્યું:
આ હદીસ સોનેરી અક્ષરોએ લખવી જોઈએ.
જ્યારે અબી અબ્દીલ્લાહ ઈમામ સાદિક અલયહીસ્સલામની હુઝુરમાં ઈમામ હુસૈન અલયહીસ્સલામનું નામ લેવામાં આવતું તો તે દિવસે એ હઝરત (અ.સ.)ને કોઈ હસતા નહીં જોતા એટલે સુધી કે રાત પડી જતી (ત્યાં સુધી આપ શોકમગ્ન રહેતા હતા.) આપ ફરમાવતા: ‘અલ હુસયનો અબરતો – કુલ્લે મુઅમીન.’
એટલે કે: ઈમામ હુસયન (અ.સ.) (ની મુસીબતો) તમામ મોઅમીનોના ગીર્યા માટેનું કારણ છે. જ્યારે પણ ઈમામ હુસયન (અ.સ.) નો ઉલ્લેખ થાય છે ત્યારે મોઅમીનોના ચક્ષુઓ આંસુઓથી ચમકી ઉઠે છે. ઈમામ હુસયન (અ.સ.) ના નામની સાથે જ કરબલાનો બનાવ નજરો સમક્ષ તરી આવે છે. કયારેક કલ્પના કરબલાથી કુફાના બજારમાં પહોંચી જાય છે. તો કયારેક કલ્પનાની સવારી ઝીયાદના દરબારમાં પહોંચી જાય છે. જ્યાં ઝીયાદ શણગારેલા તખ્તની ઉપર બેઠો છે અને નબી (સ.અ.વ.) ના કુટુંબની સ્ત્રીઓ ઉઘાડા માથે, બાવડાઓમાં દોરડા બંધાયેલી હાલતમાં, માથા ઝુકાવીને તુર્ક અને દૈલમની કનીઝોની જેમ બેસેલી દૃષ્ટિ ગોચર થાય છે. પછી શામનો ભરેલો બજાર ઈમામ ઝયનુલ આબેદીન (અ.સ.) યઝીદના દરબારમાં સાંકળોથી બંધાયેલા માથુ નમાવીને ઉભેલા નજરે પડે છે અને તેમની માતાઓ, બહેનો, ફોઈઓને તે નજીસ (લાઅનતુલ્લાહ) ના દરબારમાં ‘બે-મકના’ અને ‘બે-ચાદર’ (હિજાબ અને મકના વગર) ઉભી રાખવામાં આવી છે. ત્યારે તેઓ ઠંડા નિશ્વાસ નાખીને ફરમાવતા હતા.
ઓકાદો – ઝલીલન – ફી દમીશ્ક કઅબ્બની – મેનઝ ઝન્જ – અબ્દુન – ગાબ – અન્હો – નસીરો.
Comments (0)