કબરોની ઝિયારત અને વહાબીય્યત

દરેક જમાનામાં, દરેક જગ્યાના લોકોમાં પોતાના બુઝુર્ગોની ઝિયારત અને તેઓનું સન્માન કરવું તે એક સારી પ્રણાલી રહી છે. આ કામને ફઝીલત અને શરફનો દરજ્જો આપવામાં આવે છે. ઝવ્વારનો આ અમલ સર્વસ્વિકૃત હોય છે અને તેની અઝમતના કારણે લોકો તેનું સન્માન કરતા આવ્યા છે. આ પ્રણાલિકા દરેક ધર્મ અને કૌમના વિદ્વાનોમાં જોવા મળે છે. ભૂતકાળ હોય કે વર્તમાન – દરેક જમાનામાં લોકો પોતાના બુઝુર્ગોની ઝિયારતને ભલાઇ અને બરકતનું કારણ સમજે છે. અબુ હાતિમ કહે છે, અબુ મસહર અબ્દુલ્લાહ દમીશ્કી ગસ્સાની જેનું મૃત્યુ 218માં થયું, જ્યારે તે મસ્જીદે જવા માટે ઘરેથી નીકળતો હતો ત્યારે લોકો એક પછી એક ક્રમવાર સલામ કરતા હતા અને તેના હાથને ચૂમતા હતા….. અબુ સઇદ કહે છે : અબુલ કાસીમ સઅદ ઇબ્ને અલી શયખે હરમ ઝન્જાની જેનું મૃત્યુ 471માં થયું, જ્યારે તે ખુદાના હરમ માટે નીકળતો હતો ત્યારે લોકો તવાફ માટે તેને જગા કરી આપતા હતા અને હજરે અસ્વદથી વધુ તેનો હાથ ચૂમતા હતા. ઇબ્ને કસીરે પોતાના ઇતિહાસના પુસ્તકના પા.નં. 12થી20 સુધીમાં લખ્યું છે કે લોકો તેનાથી બરકત મેળવતા હતા અને હજરે અસ્વદ કરતા વધારે તેના હાથોને ચૂમતા હતા.

અબુ ઇસ્હાક ઇબ્રાહીમ ઇબ્ને અલી શિરાઝી (મૃત્યુ 476) જ્યારે કોઇપણ શહેરમાંથી પસાર થતો હતો તે શહેરના લોકો પોતાની સ્ત્રીઓ અને બાળકો સાથે ઘરની બહાર નીકળતા અને તેની પાસેથી બરકત મેળવતા હતા. ઘોડાની લગામને (રકાબને) સ્પર્શ કરતા હતા અને ઘણી વખત તેના ઘોડાના પગ નીચેની માટીને લેતા હતા. જ્યારે તે સાદાહ શહેર પહોંચ્યો ત્યારે સાદાહના લોકો તેની પાસે આવ્યા અને જ્યાંથી તે પસાર થતો ત્યાં લોકો તેની ઉપર કિંમતી વસ્તુઓ નિછાવર કરતા હતા. આ પ્રસંગોથી જણાય છે કે દીનદાર લોકો પોતાના સદગુણી મરહુમો પાસેથી બરકત મેળવવી અને તેઓની કબરોની ઝિયારતનો લાભ મેળવવો તેને પોતાના ઇમાનનો એક ભાગ સમજતા હતા. દીને પણ તેની પરવાનગી આપી છે અને તેની મનાઇ નથી કરી. તો પછી એવું કઇ રીતે શક્ય છે કે નબીઓ અને રસુલો (અ.સ.) પાસેથી બરકત મેળવવી જાએઝ કેમ ન હોય? હવે જે લોકો આ દાવો કરે છે કે નબીઓ (અ.સ.) અને નબી સિવાયના લોકોની કબરોની ઝિયારત હરામ અને નાજાએઝ છે તો તેઓનો આ દાવો ખોટો અને બાતિલ છે. આમ કરવાથી નબીઓ(અ.સ.) બીજા લોકોની સરખામણીમાં ઉતરતી કક્ષાના હોય તેમ જાહેર થાય છે. જે ખરેખર કુફ્ર છે. તેથી બેશક જે કોઇ નબી (સ.અ.વ.)ને તેમના હોદ્દા ઉપર સન્માનીત ન ગણે તે ખરેખર કાફર છે.

કબરોની ઝિયારત માટે શંકાઓ

ઇબ્ને તયમીયા, જે વહાબીઓમાં મોજદ્દદના લકબથી ઓળખાય છે, તેણે ઝિયારતની વિરોધમાં લખ્યું છે આ પ્રકારની ઝિયારત માટે જવું બીદઅત અને શીર્કનું કારણ છે. જેની દલીલમાં એક હદીસ બનાવી છે જે ત્રણ રીતથી નોંધાએલી છે.

(1)لَاتَشُدُّ الرِّ حَالَ اِلَّا اِلٰی ثَلٰثَۃِ مَسَاجِدً:

مَسْجِدِی ہٰذَا وَ مَسْجِدِ الْحَرَامِ وَ الْمِسْجِدِ الْاَقْصٰی

સફર ન કરો સિવાય કે ત્રણ મસ્જીદો માટે મારી આ મસ્જીદ, મસ્જીદે હરામ અને મસ્જીદે અક્સા

(શેફાઉસ્ સેકામ ફી ઝિયારતીલ કોબુર)

(2)اِنَّمَا یُسَافِرُ اِلٰی ثَلَاثَۃِ مَسَاجِدِ: مَسْجِدُ الْکُوْفَۃِ وَ مَسْجِدِیْ وَ مَسْجِدِ ایلیا

મુસાફરી માત્ર ત્રણ મસ્જીદોની તરફ કરી શકાય છે. મસ્જીદે કુફા, મારી મસ્જીદ અને મસ્જીદે ઐલીયા.

(વફા ઉલ વફા, ભાગ – 4, પા. 1336)

(3)تَشُدُّ الرِّحَالَ اِلٰی ثَلَاثَۃَ مَسَاجِدٍ

ત્રણ મસ્જીદોની તરફ સફર કરવામાં આવે છે.

આ જ દલીલના કારણે કબરોની ઝિયારત હરામ હોવાનો ફતવો જાહેર કરવામાં આવ્યો છે.

હિદાયતુસ સુન્નીય્યાહમાં કબરોની ઝ્યિારતો અંગે જે હદીસો આવી છે તેનો પણ ઇન્કાર કરવામાં આવ્યો છે અને કહે છે :

اِنَّ الْاَحَادِیْثَ الَّتِیْ رَوَاہَا الدَّارَ قُطْنِیْ فِی زِیَارَۃِ قِبْرِہٖ کُلَّہَا مَکُذُوْبَۃٌ مَوْضُوْعَۃٌ عِنْدَ غَالِبِ اَہْلِ الْمَعْرِفَۃِ مِنْہُمْ۔۔۔

ઝિયારત અંગે જેટલી પણ હદીસો આવી છે તે બધી મનઘડત છે અને એહલેસુન્નતના આલીમોમાં માત્ર દાર કુત્નીએ તેને જાએઝ લખ્યું છે જ્યારે કે બાકીના હદીસકારો તેના વિરોધી છે.

શંકાઓના જવાબો : ઝિયારતના જાએઝ હોવાના સબંધમાં ઘણી દલીલો રજુ કરી શકાય તેમ છે. ટૂંકાણને ઘ્યાનમાં રાખીને આપણે અમૂક દલીલોની ચર્ચા કરીશું.

  1. કુરઆન

કુરઆને કરીમમાં અલ્લાહ (ત.વ.ત.) ફરમાવે છે.

وَلَوْ اَنَّھُمْ اِذْ ظَّلَمُوْٓا اَنْفُسَھُمْ جَاۗءُوْكَ فَاسْتَغْفَرُوا اللہَ وَاسْتَغْفَرَ لَھُمُ الرَّسُوْلُ لَوَجَدُوا اللہَ تَوَّابًا رَّحِـيْمًا۝۶۴

અગર તે લોકો કે જેમણે પોતાના પર ઝુલ્મ કર્યો હતો તારી પાસે આવી જતે અને અલ્લાહથી માફી માગતે અને રસુલ પણ તેમના માટે ક્ષમા યાચતે તો તેઓ ખચીતજ અલ્લાહને મોટો તૌબા કબુલ કરનાર (અને) દયાળુ પામતે.

(સુરએ નિસા : 64)

ઝિયારતનો અર્થ થાય છે હાજર થવું. રૂબરૂ હોવું. શબ્દો બદલીને કહી શકીએ છીએ કે ઝિયારતનો અર્થ છે આવવું. ચાહે પછી તે ઇસ્તીગફાર માટે હોય કે બીજી કોઇ જરૂરતના માટે. ઝિયારતનો અર્થ  પોતાની જાતને સોંપી દેવા, સમર્પીત કરી દેવા અથવા હવાલે કરી દેવાનો નથી. જ્યારે રસુલ (સ.)ની પાસે હાજર થવું એટલે કે ઝિયારત કરવી તે સાં છે. કુરઆનની આયતના આધારે ચાહે જીંદગીમાં હાજર થવું અથવા મૌતની પછી, બન્ને પરિસ્થિતિઓમાં ઝિયારત સારી છે. સુબકી મસહદી થકી હિકાયત કરતાં પોતાના પુસ્તક વફા ઉલ વફા ભા.-2માં લખે છે કે વિદ્વાનોએ આ આયતથી મૌત અને હયાત, બન્ને સ્થિતિને જાણી છે અને કબરોની ઝિયારતને મુસ્તહબ ગણી છે અને હિકાયત વર્ણવી છે. અને આ હિકાયતને ચાર મઝહબોના બુઝુર્ગોએ નોંધ કરી છે. તેમનાથી ઇબ્ને અસાકીરે પોતાની તારીખમાં, ઇબ્ને જવ્ઝીએ મુશીરે ગીરામુસ સાકીનમાં મોહમ્મદ ઇબ્ને હરબે હેલાલીથી નોંધ કરી છે.

હું મદીનામાં દાખલ થયો. નબી (સ.અ.વ.)ની કબર ઉપર જઇને ઝિયારત કરી અને કબર મુબારકની સામે બેઠો. તેવામાં એક અરબ આવ્યો. રસુલની ઝિયારત પુરી કરીને રસુલ (સ.અ.વ.) ને સંબોધીને કહેવા લાગ્યો : એ કબરે રસુલ (સ.અ.વ.), અલ્લાહે આપની ઉપર સાચી કિતાબ ઉતારી અને તે કિતાબમાં ફરમાવ્યું :

અગર તે લોકો કે જેમણે પોતાના પર ઝુલ્મ કર્યો હતો તારી પાસે આવી જતે અને અલ્લાહથી માફી માગતે અને રસુલ પણ તેમના માટે ક્ષમા યાચતે તો તેઓ ખચીતજ અલ્લાહને મોટો તૌબા કબુલ કરનાર (અને) દયાળુ પામતે.

(સુરએ નિસા : 64, કશ્ફુલ ઇરતેયાબમાંથી વર્ણવતા, પા. 362)

  1. સુન્નત

સમહદીએ વફા – ઉલ – વફાના ભાગ – 3, પા. 394 – 403 માં અને બીજા લોકોએ પણ આ પહેલા ઘણી હદીસો નોંધી છે. આપણે સમહદીની થોડી રિવાયતો રજુ કરીશું, સનદોની વિસ્તૃતતાને નઝર અંદાજ કરીને સમહદીએ વર્ણવી છે.

  1. દારેકુત્ની અને બયહાકીએ……. નાફેઅથી અને નાફેએ ઇબ્ને ઉમરથી કે રસુલ (સ.અ.વ.) એ ફરમાવ્યું :

مَنْ زَارَ قَبْرِیْ وَجْبَتْ لَہٗ شَفَاعَتِیْ۔۔۔

જે મારી ઝિયારત કરે તેના માટે મારી શફાઅત વાજીબ છે.”

(કશફુલ ઇરતિયાબ, પા. 363)

  1. સુયુતીએ જામેઉસ્ સગીરમાં, એહમદે પોતાની મુસનદમાં, અબી દાઉદે પોતાની તિરમીઝી અને નેસાઇએ હારીસથી આ રિવાયત નકલ કરી છે કે રસુલ (સ.અ.વ.) એ ફરમાવ્યું :

مَنْ زَارَ قَبْرِیْ بَعْدَ مَوْتِیْ کَمَنْ زَارَنِیْ فِیْ حَیَاتِیْ

જેણે મારી કબરની ઝિયારત મારા મરવા પછી કરી તે એવું છે જાણે કે તેણે મારી ઝિયારત મારી હયાતીમાં કરી.”

એક બીજી હદીસમાં  وَ مَنْ لَّمْ یَزُرُنِیْ فَقَدَ جَفَانِیْ ના શબ્દ પણ જોવા મળે છે. એટલે “જેણે મારી ઝિયારત નથી કરી તેણે મારી સાથે અન્યાય કર્યો.”

  1. અબુલ ફતહ અઝદીએ હારૂન ઇબ્ને કઝાઅતાથી રિવાયત નકલ કરી છે કે રસુલુલ્લાહ (સ.અ.વ.)એ ફરમાવ્યું:

مَنْ حَجَّ حِجَّۃَ الْاِسْلَامِ وَ زَارَ قِبْرِیْ وَ غَزَا غُزْوَ ۃً وَ صَلّٰی فِیْ بَیْتِ الْمُقَدَّسِ لَمْ یُسْئَلِ اللہُ عَزَّوَ جَلَّ فِیْمَا افْتَرَضَ عَلَیْہ

જે માણસે વાજીબ હજ અદા કરી અને મારી ઝિયારત કરી અને જેહાદ કરી અને બયતુલ મુકદ્દસમાં નમાઝ પડી, અલ્લાહ તેને તેની વાજીબાતના વિષે સવાલ નહિ કરે.

આ સિવાય પણ ઘણી હદીસો નોંધાએલી છે. રેસાએલે હદીયતુસ્-સન્નીયહના લેખકનું એ કહેવું હકીકતથી ઘણું દૂર છે કે આ હદીસો ખોટી છે. કારણ કે હદીસોને જાણનારા અને નિષ્ણાંત લોકો તેમની સચ્ચાઇને સ્વિકારે છે. બીજું તેનું એ કહેવું પણ ખોટું છે કે આ હદીસોને માત્ર દારે કુત્નીએ જ નોંધ કરી છે. જ્યારે કે ઇમામ અહમદ, અબુ દાઉદે તીરમીઝી, નેસાઇ, ઇબ્ને જવઝી વિગેરે સર્વોએ નોંધ કરી છે. અને આ વાતને ખુદ વહાબી લોકોએ પણ સ્વિકારી છે. તેનું એ કહેવું પણ ખોટું છે કે કબરોની ઝિયારતના અનુસંધાનમાં બધા મોટા આલીમો વિરોધમાં છે. કારણ કે સુન્નીઓના બધા ઇમામોએ ઝિયારત સંબંધિત હદીસોની નોંધ કરી છે. અને ઝિયારતને મુસ્તહબ ગણી છે. અને આ વિષય ઉપર ઘણા પુસ્તકો લખ્યા છે. તે સિવાય ઇબ્ને તયમીયા અને તેના વડીલોએ એ પણ સ્વિકાર્યું છે કે રસુલ (સ.અ.વ.) મૃત્યુ પછી પણ લોકોને સલામનો જવાબ આપે છે. સબકી કહે છે કે સમહુદીએ ઝિયારત વિષે દલીલો કર્યા પછી વર્ણવ્યું છે કે રસુલ (સ.અ.વ.) તેમની કબ્રના પાસે કરેલી સલામને સાંભળે છે અને તેની હાજરીને જાણીને સલામનો જવાબ આપે છે. એક જ દલીલ પુરતી છે કે લોકો પૈસા ખર્ચીને દુનિયાના ખૂણે ખૂણામાંથી રસુલ (સ.અ.વ.) ની ઝિયારત માટે આવે અને આ જ રિવાયતથી لَا تَشُدُّ الرِّحَالવાળી હદીસની દલીલની હયસીયત પણ જાહેર થાય છે.

  1. ઇજમાઅ : (એકમત હોવું)

રસુલ (સ.અ.વ.) ના જમાનાથી લઇને આજ સુધી વહાબીયોની સિવાય તમામ મુસલમાનો સર્વસંમત અને એકમત છે કે નબીઓ, વલીઓ, નેક બંદાઓ બલ્કે તમામ મોઅમીનોની કબરોની ઝિયારત મુસ્તહબ છે. હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ના સહાબીઓ, તાબેઇન (જેમણે રસુલ (સ.અ.વ.)ના સાથીદારોને જોયા હોય) અને તાબેઇનના તાબેઇન તેમનાથી લઇને આજ સુધી કબરોની ઝિયારત જાએઝ હોવાને બદીહીયાત (દલીલની જરૂર ન પડે તેવી બાબત)માં ગણના થાય છે. અને દુનિયાના બધા લોકો ચાહે પછી તે આલીમ હોય કે જાહીલ, ઘરડા હોય કે જવાન, સ્ત્રી હોય કે પુરૂષ, યુવાન હોય કે બાળક, બધાએ જીભથી અને અમલથી આ વાતને કબુલ કરી છે. અને તેના વિરોધીની હેસીયત તેના જેવી છે જે જરૂરી અને દેખીતી વાતનો ઇન્કાર કરે.

સમહદી એ વફા ઉલ વફાના ભાગ – 2 પાના નં. 412 ઉપર સબકીના હવાલાથી નોંધ કરી છે.

સબકીએ વર્ણવ્યું છે કે કબરોની ઝિયારત મુસ્તહબ છે, આ વાત ઉપર આલીમોના સમૂહનો ઇજમાઅ છે. જેમ કે નવઇએ વર્ણવ્યો છે બલ્કે અમૂકનુ એ કહેવું છે કે તેઓની ઝિયારત વાજીબ છે. સમહદી એ વફા ઉલ વફાના ભાગ – 2, પાના નં. 410 ઉપર નોંધ કરી છે કે ભૂતકાળમાં અમૂક લોકોએ એવું કેવી રીતે માની લીધું કે રસુલ (સ.અ.વ.) ની કબરની ઝિયારત કરવાની મનાઇ છે. જ્યારે કે આલીમો આ બાબતે એકમત છે કે મોઅમીનોની કબરની ઝિયારત મુસ્તહબ છે. તેથી આ મુજબ તો રસુલ (સ.અ.વ.) ની ઝિયારત પણ મુસ્તહબ છે.

તકીયુદ્દીન અબુલ હસન સબકી પોતાની મશ્હુર કિતાબ શફાઉસ્સેકામ જે આ વિષય ઉપર લખાએલી છે તેની પ્રસ્તાવનામાં લખે છે, સય્યદુલ મુરસલીન (સ.અ.વ.)ની ઝિયારત અને દુનિયાના ખૂણે ખૂણામાંથી રસુલ (સ.અ.વ.) ની ઝિયારત માટે આવવું તે રબ્બુલ આલમીનની નજદિકીનો મહાન વસીલો છે તે વાત મુસલમાનોમાં મશ્હુર છે. ભલે પછી તે પૂર્વમાં રહેનારા હોય કે પછી પશ્ર્ચિમમાં, ચાહે તે પહેલાના ઝમાનાના હોય કે આજના ઝમાનાના હોય અને જે લોકો આજે આ બાબતમાં શંકા કરી રહ્યા છે તેઓને શયતાનના વસવસાએ ઘેરી લીધા છે. આવા લોકોનો અંજામ હલાકત અને બરબાદી સિવાય બીજો કાંઇ નથી.

ઇબ્ને હજરે મક્કી પોતાના પુસ્તક ‘જૌહરુલ મુનઝ્ઝમ ફી ઝિયારતે કબ્રીલ મુકર્રમ’માં લખે છે જેમ કે તેનાથી વર્ણવવામાં આવ્યું છે કે ‘કશફુલ ઝનુન’ના કર્તાએ કબરની ઝિયારત જાએઝ હોવા ઉપર ઘણી દલીલો આપી છે. તેમાંની એક ઇજમાઅ છે. તે પછી તે લખે છે કે : “જો કોઇ વિરોધ કરે અને કહે કે, એવું કેવી રીતે બની શકે કે નબીની કબરની ઝિયારત અને ઝિયારત માટે મુસાફરી કરવી અને તેઓની પાસેથી હાજતો તલબ કરવા ઉપર ઇજમાઅનો દાવો કરે છે જ્યારે કે ઇબ્ને તયમીયા તે બધાથી વિરૂદ્ધ છે. તો હું કહીશ કે ઇબ્ને તયમીયા કોણ છે જેની વાતને માનીએ અથવા દીનમાં જેની વાત ઉપર ભરોસો કરીએ. શું ઇબ્ને તયમીયા એ વ્યક્તિ નથી કે જેના બારામાં આલીમો માને છે કે તે ગુમરાહ છે, અપમાનની રીદા ઓઢી રાખી છે જે બીજાઓની ઉપર જૂઠ બાંધે છે અને આક્ષેપ કરે છે.

4 સિરત

વફા ઉલ વફા , ભાગ-2, પાના નં. 410 ઉપર સમહદીએ મુસલમાનોની સિરત વિષે લખ્યું છે કે ઇતિહાસકારો અને હદીસકારોએ એવા ઘણા પ્રસંગો લખ્યા છે જેમાં પયગમ્બર (સ.અ.વ.)ના સહાબીઓ કબરની ઝિયારત માટે જતા હતા. એટલે સુધી કે ખુદ પયગમ્બર (સ.અ.વ.) પણ કબ્રની ઝિયારત માટે જતા હતા. ઇબ્ને માજા અને નેસાઇ એ અબુ હુરેયરાથી વર્ણવ્યું છે પયગમ્બર (સ.અ.વ.) એ પોતાની માતાની કબરની ઝિયારત કરી અને એ પણ સાબિત થએલી હકીકત છે કે રડ્યા, અને તેમના રડવાના લીધે આસપાસના બધા લોકો રડવા લાગ્યા.

(અલ હદીસ)

એ પણ સાબિત છે કે રસુલ (સ.અ.વ.) બકીઅના કબ્રસ્તાનમાં અને ઓહદના શહીદોની ઝિયારત કરતા હતા. તદ્ઉપરાંત મુસ્લિમે રિવાયત કરી છે : જ્યારે રસુલ (સ.અ.વ.) રાત્રે આયશાની પાસે રહેતા ત્યારે રાતના પાછલા પહોરમાં બકીઅ જતા અને ફરમાવતા

اسلام علیکم دار قوم مؤمنین و آتاکم ما توعدون

ઇબ્ને અબ્બાસથી રિવાયત છે કે જે માણસ પોતાના મોઅમીન ભાઇની કબર પાસેથી પસાર થાય અને તે મોઅમીન આ માણસને દુનિયામાં ઓળખતો હતો જ્યારે તે સલામ કરે છે ત્યારે તે માણસ પણ સલામનો જવાબ આપે છે અને ઓળખે છે. એક બીજી રિવાયતમાં આવ્યું છે જે માણસ દર શુક્રવારે પોતાના મા – બાપની ઝિયારત કરે અથવા તેમાંથી કોઇપણ એકની ઝિયારત કરે તો અલ્લાહ તેને નેક કામ કરનાર ગણશે ભલે પછી તે દુનિયામાં મા બાપનો આક થએલો હોય.

આ ઉપરાંતની ઘણી હદીસોમાં આવેલું છે કે હઝરત ફાતેમા ઝહરા (સ.અ.) દર બીજા કે ત્રીજા દિવસે પોતાના કાકા હમઝા (ર.અ.)ની ઝિયારત માટે જતા હતા. વિસ્તૃત માહિતી માટે અલ્લામા સય્યદ મોહસીન અમીનની ‘કશફુલ ઇરતેયાબ’ જુઓ.

5 અક્લ

દરેક માણસની અક્લ એ હકીકતનો સ્વિકાર કરે છે કે અલ્લાહ જેને મહાન બનાવે તેનું સન્માન કરવું જોઇએ. ઝિયારત પણ એક પ્રકારનું સન્માન છે. રસુલ (સ.અ.વ.) ની ઝિયારત અથવા બીજી કોઇ રીતથી સન્માન કરવું તે અલ્લાહની નિશાનીનું  સન્માન છે અને અલ્લાહની નિશાનીઓનું સન્માન કરનાર હકીકતમાં પરહેઝગાર છે. બુદ્ધિ આ બધી બાબતોનું સમર્થન કરે છે અને ક્યારે પણ તેને ખરાબ નથી કહેતી. હવે ઇબ્ને તયમીયાએ જે હદીસને દલીલના રુપે રજુ કરી છે તેનો સવાલ છે તો તે અંગે આલીમોએ જુદા જુદા જવાબો આપ્યા છે.

  1. આ ત્રણ હદીસમાં حرف استثنا(અપવાદ દર્શાવનાર હર્ફ) નો ઉપયોગ થયો છે. અને استثنا (અપવાદ) તે مستثنی (મશ્હુર બાબત)ના અસ્તિત્વથી ખાલી નથી અને જ્યારે હદીસમાં مستثنی મૌજુદ નથી તો માનવું પડશે કે مستثنی છુપાએલું છે આ રીતે હદીસનો અર્થ બે રીતે કરવામાં આવશે.

અ. મસ્જીદોમાંથી આ ત્રણ મસ્જીદની સિવાય બીજી કોઇ જગ્‌યાએ મુસાફરી કરી નથી શકાતી.

બ. કોઇપણ જગ્યાએ આ ત્રણ મસ્જીદો સિવાય બીજી કોઇ જગ્યાએ મુસાફરી કરી શકાતી નથી.

જો આપણે બીજા અર્થને માની લઇએ તો હદીસ એ બાબતની મનાઇ કરે છે કે આ ત્રણ મસ્જીદો સિવાય બીજી જગ્યાએ જવું નાજાએઝ છે શરીઅતની વિરૂદ્ધ છે. પરંતુ હદીસ એવું ક્યાં બતાડે છે કે આ ત્રણ મસ્જીદો સિવાય સફર કરવાની મનાઇ છે. એટલે કે મદ્રેસા, ઇમામવાડા, કારખાના, શહીદો અને વલીઓની કબરો વિગેરે… આ એક અજબ વાત છે કે કોઇ આ હદીસથી કબરોની તરફ સફર કરવાનું હરામ ગણાવે.

જો આપણે પહેલો અર્થ લઇએ તો આ હદીસનો અર્થ એ હોય શકે છે કે આ આ મસ્જીદો સિવાય બીજી મસ્જીદોની તરફ સફર કરવાની મનાઇ કરવામાં આવી છે તે હરામ હોવાના કારણે નથી બલ્કે આ મસ્જીદોમાં સવાબ વધુ છે તે કારણે તેને છોડીને બીજી મસ્જીદ તરફ જવામાં ફઝીલત નથી. પરંતુ જો કોઇ બીજી મસ્જીદ તરફ અલ્લાહની ઇબાદત માટે જાય તો તેનું આ કાર્ય હરામ નથી.

ત્રીજું એ કે હદીસ ચાહે નસ હોય અથવા જાહેર; બન્ને સંજોગોમાં હદીસનો અર્થ બીજી હદીસોના અર્થો ઉપર આધારિત હોય છે. જ્યારે બીજી સાચી હદીસો સૂચવે છે કે ખુદ રસુલ (સ.અ.વ.) મસ્જીદે કુબા ક્યારેક ચાલીને તો ક્યારેક સવાર થઇને જતા હતા અને તેમાં નમાઝ પડતા હતા. તેથી આ હદીસ અને હદીસે تشد الرحال કેવી રીતે સુસંગત થઇ શકે છે?

એ ઉપરાંત એ કહેવું પણ ખોટું ગણાશે કે આ હુકમ નબી (સ.અ.વ.) માટે ખાસ ન હતો. તો પછી એ માનવું પડશે કે આ હદીસ સાચી નથી  અથવા તો આ હદીસને સાચી રીતે વર્ણવવામાં આવી નથી ખાસ કરીને જ્યારે રિવાયતનો રાવી અબુ હરયરા હોય. કદાચ આ જ કારણે ઇબ્ને તયમીયાએ આ તકલીફને દૂર કરવા માટે નિરર્થક કોશીશ કરતા કહ્યું છે : મદીનાવાસીઓનું મસ્જીદે કુબામાં જવું મુસ્તહબ છે. ઇબ્ને તયમીયાને એક સવાલ કરશું કે શું રસુલ (સ.અ.વ.) માત્ર મદીનાના લોકો માટે આવ્યા હતા અથવા એ કે રસુલ (સ.અ.વ.)ની વાતો અને કાર્યો માત્ર મદીના વાસીઓ માટે હુજ્જત છે, અથવા ઇસ્લામ માત્ર મદીનાના લોકો માટે આવ્યો હતો.

જો આપણેمستثنی    નો અર્થ  કરીશું તો કોઇ મુસલમાન એ વાત માનશે કે મુસલમાનો માટે આ ત્રણ મસ્જીદો સિવાય કોઇ જગ્યાએ સફર કરવી જાએઝ નથી? શું કોઇ આલીમ આ ફતવો આપશે? પછી એ સવાલ પણ ઊભો થશે કે નબી (સ.અ.વ.) અને નબી (સ.અ.વ.)ના સહાબીઓ હજ અને હજ સિવાયની બીજી જગ્યાની મુસાફરી કરતા હતા કે નહિ. જ્યારે આયતો અને સાચી રિવાયત સફર કરવા માટે પ્રોત્સાહન આપે છે. પછી તે અલ્લાહના માર્ગમાં હોય, જેહાદ, સીલે રહેમ, મા બાપ્ની ઝિયારત કે ઇલ્મ મેળવવા માટે હોય. અલ્લાહ તઆલા સુરા તવબાની 122મી આયતમાં ફરમાવે છે:

فَلَوْ لَا نَفَرَ مِنْ کُلِّ فِرْقَۃٍ مِّنْہُمْ طَآئِفَۃٌ لِّیَتَفَقَّہُوْافِی الدِّیْنِ وَ لِیُنْذِرُوْا قَوْمَہُمْ اِذَا رَجَعُوْآ اِلَیْہِمْ لَعَلَّہُمْ یَحْذَرُوْنَ

માટે તેમના દરેક ટોળામાંથી એક નાનકડો જથ્થો હેતુસર શા માટે નીકળતો નથી કે તે દીનનું જ્ઞાન પ્રાપ્ત કરે અને જ્યારે તે પાછો ફરે ત્યારે પોતાની કૌમને ડરાવે કે જેથી તેઓ પણ (દુષ્ટ કાર્યો કરતા) સાવધ રહે.

આ ઉપરાંત રોઝી મેળવવા માટે સફર કરવાનું કહેવામાં આવ્યું છે. અમારી વાતને ‘અહયાએ ઓલુમ’ ગઝ્ઝાલીના આ કૌલથી પૂરી કરીએ છીએ. તે કહે છે કે બીજા પ્રકારની સફર જે ઇબાદત માટે હોય જેમ કે હજ, જેહાદ અને તેમાં જ નબીઓ (અ.સ.)ની કબરોની ઝિયારત માટે સફર કરવી, અસહાબો, તાબેઇન, બીજા આલીમો અને નેક બંદાઓની કબરોની ઝિયારત કરવી જીંદગીમાં સવાબ હતો અને તેવી જ રીતે તે દરેક વ્યક્તિની ઝિયારત કે જેમની ઝિયારત તેમના મરવા પછી પણ સવાબ છે તે હેતુ માટે સફર કરવી જાએઝ છે અને હદીસ تشد الرحال તેનાથી નથી રોકતી.

માલીકે હકીકીની બારગાહમાં હાથોને ઊંચા કરીને દોઆ કરીએ છીએ કે અય અલ્લાહ હઝરત હુજ્જતના સદકામાં આપણને આ શંકાઓને દૂર કરવાની તૌફિક આપે. આપણને રસુલ (સ.અ.વ.) અને પવિત્ર ઇમામો (અ.સ.)ની ઝિયારત નસીબ કરે અને આ વસીલાથી આપણી મગફેરત કરે….

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *