જે હુરની મહત્તાને સમજશે એ જ હુર (આઝાદ) થશે.

અંતરિક્ષની વિશાળતામાં, નૂરોની વસ્તીઓમાં એવી થોડી ઉચ્ચ સ્થાન ધરાવતી રૂહો જે સર્જનોમાં સર્વશ્રેષ્ઠ હતી અને જેમને અલ્લાહ તબારક વ તઆલાએ કાએનાતના મકસદની રુહ બનાવી હતી અને જેઓ અલ્લાહ તઆલાની મઅરેફતના માધ્યમો હતી, પોતાના ખાલીકની તસ્બીહ અને તહલીલમાં મશગુલ રહેતી હતી તેથી જ્યારે મઅસુમ ઇમામ (અ.સ.)ને આપની ખિલ્કતના રહસ્ય વિષે પુછવામાં આવ્યું ત્યારે આપે (અ.સ.) ફરમાવ્યું:

“અમોને મલાએકાની ખિલ્કતના પહેલા પેદા કરવામાં આવ્યા હતા. અમો તે છીએ કે જેઓ નિસ્તીમાંથી ઉદભવી રહેલી બીજી નુરાની ખિલ્કતોને નિહાળી રહ્યા હતા.”

જ્યારે આ ધરતીએ તેની તમામ શોભાઓ સાથે આદમ (અ.સ.)ની અવલાદના વસવાટ માટે પોતાનો પાલવ ફેલાવેલો હતો ત્યારે માનવીની જ્ઞાન અને દ્રષ્ટિની જરુરતની વ્યવસ્થા કરવા માટે તેના સંબંધો મઅસુમ ઇમામો (અ.સ.) સાથે મજબુત થયા.

ઇન્સાનની ખિલ્કતમાં ખાલિકે પોતાની મઅરેફતની માટે એક એવું પરિબળ રાખી દીધું કે જે તેની અક્કલ અને સમજણને સજાગ કરતું રહે છે અને તેના રબની તરફ તેનું ઘ્યાન દોરતું રહે છે. માણસે પ્રત્યક્ષ સત્યો ઉપર વિચાર કર્યો અને બુરાઇ અને ભલાઇ વચ્ચેનો ભેદ પારખવા લાગ્યો અને પોતાના નફા-નુકશાનનો હિસાબ કરવા માટે પોતાની પુરી શક્તિથી યથાર્થ પ્રયત્નોને કામે લગાડ્યા.

જ્યારે નફા-નુકશાનની વાત શરુ થઇ તો બુરાઇ અને ભલાઇ વચ્ચે ટક્કર થવા લાગી. લશ્કરો ગોઠવાવા લાગ્યા…. બાદશાહોની સત્તાની લાલસામાં લડાઇના મેદાનમાં ભાલાની અણીઓ ચમકવા લાગી. તલવારો સજાવા લાગી. પાયદળ અને ઘોડેસવારોની કવાયતો થવા લાગી. દેશોમાં વહેંચાએલી દુનિયાની જમીન ઉપરથી ચેન અને શાંતિના ખૈમા વિરાન થઇ ગયા. શાહી મહેલો પર જ્યારે નોબત આવી તો કમજોરોના લોહીથી તેના પાયાઓને મજબુતી અપાવા લાગી. તરછોડાએલા અને નબળા લોકોને અજ્ઞાત અને નિર્જન વિસ્તારોમાં ધકેલી દેવામાં આવ્યા. અત્યાચારીઓની સામે મઝલુમ લોકોનું જાણે કે એક પૂર ઉમટી પડ્યું. એક અજાણ્યો અવાજ, બેહોશ કરી દે તેવો અને અણગમતો, ભયભીત અને ફૂંફાડા મારતો અવાજ, ભયથી ડરામણો અને ઝુલ્મથી ભરપૂર, સહેમાવી દે તેવો અને ધ્રુજવી દે તેવા અવાજે આકાશોની મહેફીલોના એક રહસ્યને ખુલ્લુ કર્યું. આ મલાએકાઓના મોઅલ્લીમ શયતાનનો અવાજ હતો. માસુમ બાળકો આ અવાજના ભયથી માની છાતીથી ચંપાઇ ગયા. મઝલુમ સ્ત્રીઓએ પોતાની આબરૂના રક્ષણમાં પોતાની જાનને નિછાવર કરી દીધી. જવાનોના હાડકાઓ ઝુલ્મની ચક્કીમાં પીસાવા લાગ્યા.

શયતાને જ્યારે પહેલ કરી અને દુનિયામાં ફીરઔન, હામાન અને નમરૂદની ઝુલ્મી અને અત્યાચારી સત્તાઓ ઉભરાવા લાગી, ત્યારે આદિલ અલ્લાહ તબારક વ તઆલાએ ઇબ્રાહીમ (અ.સ.) અને મુસા કલિમુલ્લાહ (અ.સ.) જેવી હસ્તીઓને ઇન્સાનોના ખોળીયામાં માનવતાનો સંદેશ લઇને મોકલ્યા અને ફરિશ્તાઓ થકી તેઓને પોતાના એહકામોથી નવાજતો રહ્યો. આ રીતે આસમાનના રહેનારાઓ દુનિયાના વહાણનું લંગર બની ગયા અને તેને ત્રણેય બાજુઓથી ઘેરેલા દરિયાઇ તોફાનના મોજાઓના થપેડાઓથી બચાવી લીધા. પછી નબીઓનો એક સીલસીલો હતો જે દુનિયાને સ્થિરતા બક્ષવા આકાશમાંથી ઉતરતો રહ્યો. પરંતુ આ ગાફિલ ઇન્સાન પોતાની શયતાની શક્તિઓના નશામાં ક્યાં કોઇનું સાંભળે છે? નમરૂદી, ફીરઔની અને કારૂની સ્વભાવ લઇને એક પછી એક સલ્તનતમાં ઝુલ્મ અને અત્યાચારના નવા નવા ખુણાઓ પૈદા થવા લાગ્યા. રિશ્વતખોરીનું બજાર ગરમ થયું, રાજકારણના ઉંડા અને ગંદા કાવત્રાઓના જાળ પથરાવા લાગ્યા જાહેરી રીતે એવું દેખાવા લાગ્યું જાણે કે આજ જીવનની માલમતા છે. આજ જીવનનો મકસદ છે. આ રીતે જીવન જીવવાનો રસ્તો હાસીલ થાય છે. સચ્ચાઇ, શરાફત, હમદર્દી, દોસ્તી, ઇન્સાનીયત, ભાઇચારો, ત્યાગ અને બલીદાન – ટૂંકમાં બધા હરામ અને હલાલ આ જ રાજકિય વ્યવસ્થા હેઠળ પોતાના પહેરણોને તૈયાર કરીને સમય સુચકતાના લીધે પહેરવા લાગ્યા અને તે બધામાં બનાવટના તાણાવાણા દેખાવા લાગ્યા. પરંતુ અલ્લાહનો વાયદો હતો કે એહલે કિતાબ જેટલું પણ કિતાબમાં બયાન કરેલી હકીકતોને છુપાવશે તો પણ તે તેને જાહેર કરી દેશે અને પોતાની સ્પષ્ટ નિશાનીઓ થકી તેઓની હિદાયત કરશે અને તેઓના દિલોને સાંત્વન આપશે. અને આ રાજકિય અને બુરી શક્તિઓ ચાહે ગમે તે સ્વાંગમાં આવે તે પોતાના ચહેરાની કાળાશને છુપાવી નહિ શકે. જેટલી મોટી તાકાત હશે તેટલી જ લાંબી મુદ્દતની સજા હશે અને ઝિલ્લત ભરી દશાની ચર્ચાઓ જાહેરમાં થશે. અલ્લાહ પોતાના સજાગ બંદાઓને ગુમરાહીના અંધકારમાંથી બહાર કાઢીને અજવાળામાં લઇ આવશે.

રોમથી ઇરાન સુધી શામીઓ અને અરબોની હુકુમતનો નામ પૂરતા ઇસ્લામનો એવો જમાનો હતો જેણે તમામ નમરૂદીઓ અને ફીરઔનીઓના કાળા કરતૂતોને માઇલો દૂર પાછળ રાખી દીધા હતા. મોઆવીયાની ફરેબ, મક્કારી, છેતરપીંડી અને ભરપૂર મોજ શોખ અને અય્યાશીની બજાર એવી ગરમ હતી કે ભૂતકાળના પગથીયા ઘણા નીચા થઇ ગયા હતા. શયતાન તમામ ખબીસ કાર્યોને ઇસ્લામનું લેબલ લગાડીને અમીરો અને રઇસોના મહેલોમાં દાખલ કરી ચૂક્યો હતો. એક લોહીની નદીનું પૂર આવવાનું હતું જેને ઇમામ હસન (અ.સ.)એ સુલેહનો બંધ બાંધીને રોકી દીધું હતું. મોઆવીયાના મરવા પછી યઝીદ એવી રમત રમ્યો જે કયામતની સવાર સુધી આવનારા દરેક યુગના કપાળ ઉપર લોહીભીના શિર્ષકને જાહેર કરતો રહેશે. આવનારી દરેક સવાર કફનમાં પોશીદા નઝર આવશે સૂરજની દરેક કિરણ ન્યાયના કાળજામાં ઉતરતી કોઇ જાલીમના ભાલાની અણી જેવી લાગશે.

સન હિજરી 61ની શરૂઆત થઇ. વરસનો પહેલો મહિનો હતો. પહેલી તારીખ હતી. સમયની મુસાફરીની પહેલી સવારનો ઉદય થયો. જે ફાટેલા પહેરણ સાથે, ફરિયાદ કરતી કરતી, અવકાશી વસ્તીઓમાંથી આવનારી પવિત્ર રૂહોને સાદ પાડતી પાડતી, હ. આદમ સીફવતુલ્લાહને મદદ માટે પોકારતી, હ. નૂહ નબીઉલ્લાહ પાસેથી હોડીનું સાધન મોકલવા માટે, તેમજ હ. ઇબ્રાહીમ ખલીલુલ્લાહ પાસે સબર પર કાએમ રહેવા માટે દુઆ કરવા વિનંતી કરતી, હ. મૂસા કલીમુલ્લાહની હેબતની ચાદર માંગતી તેમજ હ. ઇસા રૂહુલ્લાહને કહેતી હતી કે મુસલ્લો અર્શ ઉપર પાથરી દો. ખાતેમુલ અમ્બીયા-ફખ્રે રિસાલત મોહમ્મદ મુસ્તુફા (સ.અ.વ.)ના નવાસા, ફાતેમા ઝહરા (સ.અ.)ના નૂરે નઝર, હુરના લશ્કર સાથે ટકરાતા નયનવાની પાણી અને ઘાસચારા વગરની વેરાન જમીન ઉપર પહોંચી રહ્યા છે. દસ દિવસની મુદ્દતમાં હક અને બાતીલ દરમ્યાન તે લડાઇ થવાની છે જેમાં ઇમામ હુસૈન (અ.સ.)ની નાનકડી એવી ફૌજના ઉચ્ચતર રુહાની ચહેરાઓ, હજારો-લાખો જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી ફેલાએલી કુફી અને શામી ફૌજની લશ્કરી ટૂકડીઓ સાથે ટકરાશે. અગાઉના નબીઓ આશ્ર્ચર્યમાં ડુબી જશે અને દોઆ માટે હાથો ઉંચા કરશે: માલિક અમારા વારસાના વારીસને સ્પષ્ટ વિજય પ્રાપ્ત થાય. જ્યારે આશુરાની સવારનો ઉદય થયો ત્યારે ઇતિહાસની સૌથી મોટી ફતેહનો દરવાજો ખુલ્યો. હુરે હર્રીયતનો (આઝાદીનો) પરચમ ખભા ઉપર રાખ્યો. પોતાના હાથને પીઠ પાછળ બાંધવાનો હુકમ આપ્યો. આંખો પર પટ્ટી બાંધી દિકરો, ભાઇ અને ગુલામ સાથે ચાલ્યા. તૌબાનો ધણી હર (અ.ર.)એ હતા કે જેણે જમીન ઉપર વસનારી ખાકી મખ્લુકને આસમાનોની વસ્તીઓમાં વસતી નુરાની મખ્લુકને આશ્ર્ચર્યમુગ્ધ કરીને એ સિદ્ધિ પ્રાપ્ત કરી કે આજ સુધી જ. ફાતેમા (સ.અ.)નો રૂમાલ જ. હુર (અ.ર.)ની પેશાનીની હંમેશાની ઝીનતનું એલાન કરી રહ્યો છે. સાચું છે હુર (અ.ર.)એ આ દુનિયામાં વસવાટ કરનાર તૌહિદના ફરઝન્દોની લાજ રાખી લીધી.

આવો! આપણે હુર (અ.ર.)ની તૌબાના કદને સમજવાની કોશીશ કરીએ. હુર (અ.ર.)ની કદર અને કિંમત ઉપર ચિંતન અને મનન કરીએ. હુર (અ.ર.)ના અંત:કરણની વિશાળતા ઉપર દ્રષ્ટિ ફેરવીએ. હિંમત, મક્કમતા, બહાદૂરી અને નિણર્યિકતા જેવા સદ્ગુણોનું આપણા અસ્તિત્વમાં મુલ્યાંકન કરીએ અને હૂર (અ.ર.)ની ઐતેહાસિક કુરબાનીના અરિસામાં આપણી તૌબાને પરખીએ. આપણા અમલોને આ કસોટી ઉપર ચકાસી જોઇએ અને પછી આપણે હુસૈનીઓ કહીએ.

“અમો જમીન પર વસનારી મખ્લુક પણ કોઇ હયસીયત ધરાવીએ છીએ જે અલ્લાહની દ્રષ્ટિમાં મહેબુબ છે.”

nn1

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *