ઇમામે ઝમાના(અ.ત.ફ.શ.)ની જુમ્આના દિવસની ઝિયારતની સમજણ
અસ્સલામો અલય્ક અજ્જલલ્લાહો લક મા વઅદક મેનન્ નસ્રે વ ઝોહૂરિલ અમ્રે
સલામ થાય આપ પર, આપના માટે જે કાંઇ આપથી મદદ અને હુકુમતના ઝાહીર થવાનો વાયદો કર્યો છે તેમાં અલ્લાહ જલ્દી કરે.
આ વાક્યમાં ‘અજ્જલ’ જો કે ભૂતકાળનું રૂપ છે પરંતુ જેવી રીતે અગાઉના વાક્યમાં ‘સલ્લા’ ફેઅલે માઝી હોવા છતા દુઆના અર્થમાં ઉપયોગ થયો છે. તેવી જ રીતે ‘અજ્જલ’ ‘અજલ’માંથી બનેલ છે. ‘અજલ’ એટલે જલ્દી કરવી, અને ‘અજ્જલ’એ બાબે તફઇલના માઝીનો પ્રથમ સીગો છે. રાગીબ ઇસ્ફહાની પોતાની કિતાબ ‘અલ મુફરદાતમાં લખે છે કે ‘અજાલતો’ નો મતલબ છે સમય આવવા પહેલા કોઇ ચીજની માંગણી કરવી અને તેનો ઇરાદો કરવો. ઝિયારતના આ વાક્યમાં ઝાએર દુઆ કરી રહ્યો છે કે પરવરદિગાર આપના ઝુહૂર અને આપની નુસ્રતમાં જલ્દી કરે. આગળ વધવા પહેલા આવો, આ શબ્દ (એટલે કે ‘અજલ’ અને ‘તઅજીલ’) પર થોડી ચર્ચા કરીએ :-
(અ) ઇમામે ઝમાના (અ.ત.ફ.શ.)ના જલદી ઝુહૂર માટે દુઆ કરવાની ફઝીલત :-
જે શખ્સ હઝરત વલીએ અસ્ર(અ.ત.ફ.શ.)ના ઝુહૂરના ઇન્તેઝારમાં પોતાનું જીવન પસાર કરે છે તેની સૌથી ઉંચી આરઝુ ઇમામે મુન્તઝરની ખુશ્નુદી છે. જે બાબત તેને સૌથી વધારે તકલીફ પહોંચાડે છે અને જે તેમના માટે સખ્ત છે, તે એ મુશ્કેલીઓ અને પરેશાનીઓ છે જે ઇમામે ઝમાના(અ.ત.ફ.શ.)ને ગયબતના સમયમાં પહોંચે છે તેથી તેના માટે સૌથી મહત્વની જવાબદારી એ છે કે તે એવા દરેક કાર્યો કરવાની કોશિશ કરે જેનાથી ઇમામ(અ.સ.)નો રંજો ગમ અને પરેશાનીઓ દૂર થાય. તે કોશિષ કરે છે કે આ કાર્યમાં જરાયે બેદરકારી ન દાખવે.
આ બાબતને ધ્યાનમાં રાખ્યા પછી એ જાણી લેવુ ખૂબ જ જરૂરી છે કે હઝરત વલીએ અસ્ર(અ.ત.ફ.શ.) માટે પરેશાનીઓનો બેહતરીન અને ઉત્તમ ઉકેલ ખુદાવંદે આલમના તરફથી ઝૂહુર માટેની રજા છે અને અન્ય તમામ અંબિયા, અવ્લીયાએ ઇલાહી અને મોઅમેનીન તથા મોઅમેનાતની પણ. પરેશાનીઓનો ઉકેલ ઇમામ(અ.સ.)નો ઝુહુર છે. આ મક્સદને હાંસિલ કરવા માટે અસરકારક વસીલો દુઆ છે. ગયબતના ઝમાનામાં ઝુહુર જલ્દી થવા માટે દુઆ કરવી તે આ હઝરતની માઅરેફત અને મોહબ્બતની જરૂરીયાત અને નિશાની છે કે જેના વગર મોહબ્બત અને માઅરેફત અને વિલાયતનો દાવો ખોખલોે છે. આ સુન્નતે હસનાની ખુદ ઇમામે ઝમાના(અ.ત.ફ.શ.)એ પોતાની વિલાદતના સમયે પોતાના દોસ્તોને તાઅલીમ કરી કે જ્યારે આપ(અ.સ.) તરત જ સજ્દામાં ચાલ્યા ગયા અને શહાદતની આંગળીને આસ્માનની તરફ ઉંચી કરી અને તમામ ગવાહીઓ આપ્યા પછી ખુદાવંદે આલમ પાસે આવી રીતે દુઆ કરી:
“…પરવરદિગાર જે વાયદો તે મારાથી કર્યો છે તેને પુરો કરી દે
(બેહારૂલ અન્વાર, ભાગ-૫૧, પાના:૧૩)
ઇમામ હસન અસ્કરી(અ.સ.) ફરમાવે છે:
“યા અહ્મદુબ્નો ઇસ્હાકે વલ્લાહે લયગીબન્ન ગયબતન્ લા યન્જુ ફીહા મેનલ્ હલકતે ઇલ્લા મન્ સબ્બતહુલ્લાહો અઝ્ઝ વ જલ્લ અલલ્ કવ્લે બે એમામતહી વ વફ્ફકહુ ફીહા લીદ્ દોઆએ બે તઅ્જીલે ફરજેહી
“અય એહમદ ઇબ્ને ઇસ્હાક! ખુદાની કસમ! તે (હઝરત ઇમામ મહદી(અ.સ.) ગયબતમાં જશે અને કોઇ ગયબતના દોરમાં હલાકતથી બચશે નહી સિવાય તે કે જેને અલ્લાહ અઝ્ઝ વ જલ્લ તેમની ઇમામતના અકીદા પર સાબીત કદમ રાખે અને તે સમયમાં તેમના ઝૂહુરમાં જલ્દી માટે દુઆ કરવાની તૌફીક આપે.
(કમાલુદ્દીન, પ્રકરણ-૩૮, ભાગ-૧)
(બ) તઅજીલ અને તસ્લીમ(સમર્પિત થવુ)માં વિરોધાભાસ નથી
તઅજીલ એટલે ઝૂહુરમાં જલ્દી થવા માટે દુઆ કરવી. અહી એક સવાલ પૈદા થાય છે કે શું ઝૂહુરમાં જલ્દી થાય તેના માટે દુઆ કરવી એ ઇલાહી કઝા અને કદ્રને સમર્પિત થવાની વિરૂધ્ધ નથી? આનો જવાબ આ રીતે છે -ઝૂહુરમાં જલ્દી થવાની દુઆ એ ખુદાવંદે આલમની અનંત કુદરત અને ઇખ્તેયારમાં અકીદાનુ પરિણામ છે. દુઆનો હુક્મ તો ખુદ અલ્લાહે આપ્યો છે, દુઆ કરવી બંદાનુ કામ છે, તકદીર બનાવવી અલ્લાહનુ કામ છે. અને પછી તક્દીર સામે સમર્પિત થઇ જવુ એ બંદાની જવાબદારી છે. અહીં કોઇ પણ પ્રકારનો વિરોધાભાસ જોવા નથી મળતો. એક ઉદાહરણથી આ બાબત સ્પષ્ટ થઇ જશે – એક શખ્સ કોઇ બિમારીમાં સપડાઇ છે, સગા વ્હાલાઓ અને દોસ્તો તેની તંદુરસ્તી માટે દુઆ કરે છે, પરંતુ તે શખ્સ મૃત્યુ પામે છે, સગા વ્હાલાઓ ઇલાહી તકદીર (એટલે કે બિમારના મૃત્યુ)ને સંપૂર્ણ રીતે સમર્પિત થાય છે. શું અહીં કોઇ વિરોધાભાસ જોવા મળે છે? હરગીઝ નહી. મરીઝની શફા માટે દુઆ ન કરવી તે તસ્લીમ નહી પરંતુ તકબ્બુર અને ખુદાથી બેનિયાઝ હોવાની નિશાની છે.
(ક) તઅજીલ અને ઇસ્તેઅજાલમાં ફર્ક
રિવાયતમાં તઅજીલના વખાણ કરવામાં આવ્યા છે જેમકે ઇમામે ઝમાના(અ.ત.ફ.શ.) ફરમાવે છે:
“વ અક્સેરૂદ્ દોઆઅ બે તઅજીલીલ્ ફરજે ફ ઇન્ન ઝાલેક ફરજોકુમ
“ઝૂહુરમાં જલ્દી થવા માટે વધારેમાં વધારે દુઆ કરો કારણ કે તેમાં જ તમારા પ્રશ્ર્નોનો હલ છે.
(મિક્યાલુલ મકારીમ, ભાગ-૨)
આનુ કારણ એ છે કે ઇન્સાને ક્યારેય પણ ઇમામે ઝમાના(અ.સ.)ના ઝુહુરથી નિરાશ અને નાઉમ્મીદ થવુ ન જોઇએ. સવાર-સાંજ તેની નજરો પોતાના આકાના આગમનની પ્રતિક્ષામાં રહે અને તેના આવવાની દુઆ કરતા રહે. ઝૂહુરને નજદીક ગણવુ એ એ વાતની નિશાની છે કે ઇન્તેઝાર કરનારને ઇલાહી વાયદા પર સંપુર્ણ યકીન છે.
ઇસ્તેઅજાલ શું છે?
રિવાયતમાં ઘણી વખત મઅસુમીન(અ.સ.)એ ઉતાવળ કરવાની અને ઉતાવળ કરવાવાળાની મઝમ્મત કરી છે. જેમ કે ઇમામ સાદિક(અ.સ.)એ ફરમાવ્યુ:
“હલકતીલ્ મહાઝીરો
“મહાઝીર હલાક થઇ ગયા
રાવીએ પૂછ્યુ: મહાઝીર કોણ છે?
આપ(અ.સ.)એ ફરમાવ્યુ: ‘અલ્ મુસ્તઅજેલુન’ એટલે કે જલ્દી કરવાવાળા અને પછી ઇમામ(અ.સ.)એ ઉમેરો કરતા કહ્યુ: ‘વ નજલ્ મોકર્રબૂન’ અને ઝૂહુરને નજદીક ગણવાવાળા નજાત પામ્યા.
(ગયબતે નોઅમાની, પ્રકરણ-૧૧, હદીસ: ૫)
આવો આ ખુબસુરત હદીસનું પૃથક્કરણ કરીએ ‘મહાઝિર’ ‘મિહઝર’નું બહુવચન છે. અને ‘મિહઝર’નો મતલબ ઝડપથી દોડવાવાળો ઘોડો. અહીં એ લોકો છે જેઓ જલ્દી કરે છે. ‘અલ મુસ્તઅજેલુન’નું મસ્દર ‘ઇસ્તેઅજાલ’ છે. જે હકીકતમાં ઝુહૂરે ઇમામ(અ.સ.)ના વિશે તકદીરે ઇલાહી પર રાઝી ન હોવાના અર્થમાં છે. ૫રંતુ ઝૂહૂરને નજદીક ગણવું એ ખુદ તસ્લીમ જ છે. કારણકે ખુદા એ બાબતથી રાજી છે. અને અઇમ્મા(અ.મુ.સ.)એ તેનો હુકમ આપ્યો છેે. અને એક ક્ષણ માટે પણ ઝૂહૂરને દૂર સમજવું એ ગુનાહે કબીરામાંથી છે. કારણકે આ કાર્ય રહેમતે ખુદાથી માયૂસીની નિશાની છે.
અલબત્ત અહીં એક યાદ દેહાની આપવી જરૂરી છે કે, ઝૂહૂરને નઝદીક ગણવાનો મતલબ હરગીઝ એવો નથી થતો કે, આપણે હઝરતના ઝૂહૂરનો સમય નક્કી કરીએ. કારણકે રિવાયતોમાં આવા શખ્સને જુઠ્ઠો કહેવામાં આવ્યો છે. આથી એ લોકો કે જેઓ નિશાનીઓ બયાન કરીને લોકોને કહે છે કે ઝૂહુર આજે અથવા કાલે અથવા આ જુમ્આના થશે, તેઓ પોતે ગુમરાહ છે અને લોકોને પણ ગુમરાહ કરી રહ્યા છે. કારણ કે આ રીતે સમયનુ નક્કી કરવુ એ નાઉમ્મીદી અને માયુસીનુ સબબ બની શકે છે.
(ડ) વખાણને પાત્ર ઉતાવળ અને વખોડવા લાયક ઉતાવળ.
વાત પુરી કરતા પહેલા જરૂરી છે કે રાગિબ ઇસ્ફહાનીએ ‘અજલ’ શબ્દના બારામાં જે ગુફ્તગુ કરી છે તેનો જવાબ આપીએ. રાગિબ કહે છે “અને કારણ કે આ એટલે કે ‘અજલ’ નફ્સાની ખ્વાહીશાતની માંગનુ પરિણામ છે, એટલા માટે કુરઆને મજીદના તમામ મવકા પર આ મઝમ્મતને પાત્ર બની ગયુ છે ત્યાં સુધી કે કહેવત પડી ગઇ કે ‘અલ્ અજ્લતો મેનશ્ શયતાને’ ‘જલ્દીનુ કામ શયતાનનુ છે’ પોતાની વાતના ટેકામાં તે કુરઆને કરીમની બે આયતોનો હવાલો પણ આપે છે. પરંતુ રાગિબ એ ભુલી રહ્યો છે કે કુરઆને કરીમમાં ‘અજલ’ નો એક સમાનઅર્થી પણ ઉપયોગ થયો છે અને તેના વખાણ પણ કરવામાં આવ્યા છે. જેમકે ઇરશાદ થાય છે કે ‘વ સારેઉ એલા મગ્ફેરતે મીર રબ્બેકુમ’ મતલબ ‘દોડો! ઝડપથી પોતાના પરવરદિગારની મગ્ફેરત તરફ’
(સુ. આલે ઇમરાન, આયત : ૧૩૩)
‘વ યોસારેઉન ફીલ્ ખય્રાતે’ ‘અને તેઓ નેકીઓની તરફ ઝડપથી દોડે છે’
(સુ. અંબિયા, આયત : ૯૦)
આ આયતમાં હઝરત ઝકરીયા(અ.સ.) તેમની પત્નિ અને તેમના ફરઝંદ હઝરત યહ્યા(અ.સ.)ના વખાણ કરવામાં આવી રહ્યા છે, કે તેઓ નેક કામોની તરફ ઝડપથી દોડે છે.
આથી તઅજીલ, ઉજલત અને સુરઅત અગર નેક કામો તરફ હોય તો તેમાં કોઇ બુરાઇ નથી. ખુદ કુરઆને કરીમે મોઅમીનોને હુક્મ આપ્યો છે કે ‘ફસ્તબેકુલ્ ખય્રાત’ ‘નેકીની તરફ દોડો’
(સુ. બકરહ, આયત : ૧૪૮)
(ઇ) ઝૂહુર માટે દુઆ કે દુન્યવી હુકુમતની તમન્ના
આ ચર્ચાને પૂર્ણ કરીએ તે પહેલા એ બાબત તરફ ધ્યાન દોરી દઇએ કે ઇમામ(અ.સ.)ના ઝૂહુરના ઇન્તેઝારનો મતલબ એ હરગીઝ નથી કે ઇન્સાન દુન્યવી હુકુમત અને ભૌતિક સત્તાની આશા રાખીને બેસી જાય, બલ્કે હેતુ એ છે કે એહલેબૈતે અત્હાર (અ.મુ.સ.) અને તેમના ચાહવાવાળાઓના ગમ અને પરેશાની દૂર થાય. ભલેને પછી ઝૂહુર બાદ આપણને કોઇ હોદ્દો કે ખુરશી મળે અથવા ન મળે. જનાબ અબુ બસીરે ઇમામ સાદિક (અ.સ.)થી સવાલ કર્યો ‘જોઇલ્તો ફિદાક મતલ્ફરજો?’ ‘મારી જાન તમારા પણ કુરબાન થાય, ફરજ-ઝૂહુર કયારે થશે?’ ઇમામ સાદિક(અ.સ.)એ પુછ્યુ: “યા અબા બસીર, અન્ત મિમ્મંય યોરીદુદ્ દુનિયા? “અય અબુ બસીર, શું તુ એ લોકોમાંથી છે જે દુનિયા ચાહે છે? ‘મન્ અરફ હાઝલ્ અમ્ર ફકદ્ ફરજ અન્હો બે ઇન્તેઝારેહી’ એટલે કે ‘જે કોઇ આ અમ્ર (ઇમામત અને વિલાયત)ની માઅરેફત હાસિલ કરી લે તેનો ઇન્તેઝાર જ તેના માટે ફરજનુ કારણ બનશે.
(ગયબતે નોઅમાની, પ્રકરણ:૨૫, હદીસ:૩)
ઝિયારતના આ જુમ્લામાં બીજો એક શબ્દ ‘વઅદ’ છે. ઇમામે અસ્ર(અ.સ.)નો ઝૂહુર અલ્લાહનો વાયદો છે, અને અલ્લાહ ક્યારેય પણ વાયદાનુ ઉલ્લંધન નથી કરતો. ઝૂહુરના સમયમાં બદાઅ થઇ શકે છે, પણ ખુદ ઝૂહુરમાં બદાઅ નથી થઇ શકતી. કારણ કે ઝૂહુર અલ્લાહનો વાયદો છે. અબુ હાશીમ જાફરીએ જવાદુલ્ અઇમ્માઅ, હઝરત ઇમામ મોહમ્મદ તકી(અ.સ.)થી સવાલ કર્યો કે ‘શું કયામે કાએમમાં બદાઅ થઇ શકે છે? ઇમામ(અ.સ.)એ જવાબમાં ફરમાવ્યું:
“ઇન્નલ્ કાએમ મેનલ્ મીઆદે વલ્લાહો લા યુખ્લેફુલ્ મીઆદ
“બેશક! કાએમ(અ.સ.)નો કયામ અલ્લાહના વાયદામાંથી છે અને ખુદાવંદ ક્યારેય પણ વાયદા ખિલાફી નથી કરતો.
(ગયબતે નોઅમાની, પ્રકરણ:૧૮, હદીસ:૧૦)
હવે સવાલ એ થાય છે કે, આ જુમ્લાની રોશનીમાં અલ્લાહ તઆલાએ કઇ ચીઝનો વાયદો ઇમામે અસ્ર(અ.સ.)થી કર્યો છે? અહીં બે ચીઝોનો ઉલ્લેખ છે, એક અલ્લાહની મદદ અને બીજુ ઝૂહુરનો હુકમ. ઝૂહુરે અમ્ર એટલે આલે મોહમ્મદ(અ.મુ.સ.)ની હુકુમતના બારામાં આ પહેલાના અલ-મુન્તઝરના અંકોમાં ઉલ્લેખ થઇ ચુક્યો છે, આથી અમે અમારી વાત ફક્ત ઇલાહી મદદ પુરતી સિમિત રાખીશું.
નુસરતે ઇલાહી (ઇલાહી મદદ)
આ વિષય એવો છે કે અગર તેની સાથે ન્યાય કરવામાં આવે તો એક સંપૂર્ણ કિતાબ પણ ટૂંકી પડે, પરંતુ લેખની મર્યાદા અને ટૂંકાણને ધ્યાનમાં રાખતા અમે આપણી ચર્ચાને કુરઆને કરીમની અમુક આયતો પુરતી સિમિત કરીશું.
(૧) જેને ઇલાહી મદદ મળી તે કામ્યાબ થઇ ગયો:
“વ નસર્નાહુમ્ ફ કાનૂ હોમુલ ગાલેબીન
“અને અમે તેમની મદદ કરી, તેથી તેઓ જ ગાલીબ રહ્યા.
(સુ. સાફ્ફાત, આયત : ૧૧૬)
(ર) અલ્લાહ તઆલા જેની ચાહે તેની મદદ કરે છે:
“વલ્લાહો યોરીદો બે નસ્રેહી મંય યશાઓ…
“અને અલ્લાહ જેને ચાહે તેને પોતાની મદદથી ટેકો આપે છે.
(સુ. આલે ઇમરાન, આયત : ૧૧૩)
(આયતે કરીમાના આ નાના એવા હિસ્સામાં હજારો અર્થો છુપાએલા છે. કમઝોરે ક્યારેય પણ અલ્લાહની મદદથી માયૂસ ન થવું, અને તાકાતવાને પણ ક્યારેય પોતાની શક્તિ, દૌલત, માલ પર ઘમંડ ન કરવું જોઇએ.)
(૩) અલ્લાહ તઆલાની મદદ જબરદસ્ત છે:
“વ યન્સોરકલ્લાહો નસ્રન્ અઝીઝા
“અને, અલ્લાહ આપ(સ.અ.વ.)ની જબરદસ્ત મદદ કરશે.
(સુ. ફત્હ, આયત : ૩)
(૪) જ્યારે અલ્લાહ મદદ કરે છે તો કોઇપણ આપણા પર ગાલીબ નથી બની શકતુ:
“ઇન્ યન્સુર્કોમુલ્લાહો ફલા ગાલેબ લકુમ, વ ઇન્ યખ્ઝુલ્કુમ ફમન ઝલ્લઝી યન્સોરોકુમ મિમ્ બઅ્દેહી, વ અલલ્લાહે ફલ્ યતવક્કલિલ મોઅમેનુન
“અગર, અલ્લાહ તમારી મદદ કરે, તો તમારી ઉપર કોઇ ગાલીબ થઇ શકતુ નથી, અને અગર તે તમને છોડી દે તો, તેના પછી કોણ છે જે તમારી મદદ કરે? મોઅમીનોએ અલ્લાહ ઉપર જ ભરોસો રાખવો જોઇએ.
(સુ. આલે ઇમરાન, આયત : ૧૬૦)
(૫) વાસ્તવીક મદદ ફકત અલ્લાહની મદદ છે:
“વ મા નસ્રો ઇલ્લા મિન ઇન્દિલ્લાહીલ અઝીઝીલ હકીમ
“અને મદદ નથી સિવાય શકિતશાળી અને હિકમતવાળા અલ્લાહ તરફથી
(સુ. આલે ઇમરાન, આયત : ૧૨૬)
(૬) ઇલાહી મદદ તલબ કરવી એ સુન્નતે અંબિયા હતી:
“કાલ રબ્બિનસુરની બેમા કઝ્ઝબુન
“(હઝરત નૂહ(અ.સ.)એ દુઆ કરી) અય મારા પરવરદિગાર! આ કૌમના જુઠલાવવા પર મારી મદદ કર
(સુ. મોઅમેનૂન, આયત : ૨૬)
“કાલ રબ્બે ઉન્સુરની અલલ કવ્મિલ મુફ્સેદીન
(હઝરત લૂત(અ.સ.)એ દુઆ કરી) પરવરદિગાર આ ફસાદ કરનાર કૌમ પર મારી મદદ કર
(સુ. અનકબૂત, આયત : ૩૦)
“અમ્ હસિબતુમ અન્ તદ્ખોલુલ્ જન્નત વ લમ્મા યઅ્તેકુમ મસલુલ્લઝીન ખલવ્ મિન કબ્લેકુમ, મસ્સત્હોમુલ બઅ્સાહો વઝ્ઝર્રાઓ વ ઝુલ્ઝેલૂ હત્તા યકૂલર્ રસૂલો વલ્લઝીન આમનૂ મઅહૂ મતા નસ્રૂલ્લાહે અલા ઇન્ન નસ્રલ્લાહે કરીબુન
“શું તમે એવુ વિચારીને બેઠા છો કે જન્નતમાં જશો? જ્યારેકે હજી સુધી તમારી ઉપર એ હાલત નથી આવી જે તમારા પહેલાના લોકો ઉપર આવી હતી, તેઓને મુસીબતો અને નુકસાનો પહોંચ્યા હતા, અને તેઓને ત્યાં સુધી હલાવવામાં આવ્યા કે રસુલ અને તેમની સાથે ઇમાન લાવનારાઓ કહેવા લાગ્યા કે અલ્લાહની મદદ ક્યારે આવશે? જાણી લ્યો કે અલ્લાહની મદદ નજીક જ છે.
(સુ. બકરહ, આયત : ૨૧૪)
(૭) નુસ્રતે ઇલાહી હાંસિલ કરવાના માધ્યમો:
કુરઆને કરીમમાં જુદી જુદી આયતોમાં આ માધ્યમોનું વર્ણન છે, જેના થકી ઇન્સાનિયત ઇલાહી મદદની હકદાર બને છે. તે માધ્યમો ટુંકાણમાં નીચે મુજબ છે.
(અ) ઇમાન :
ખુદાવંદે કરીમે કુરઆને કરીમમાં વાયદો કર્યો છે કે, તે ઇમાન ધરાવનારાઓની મદદ કરશે. એટલુ જ નહી બલ્કે તેણે આ કાર્યને પોતાની જવાબદારી કરાર દીધી છે.
“વ કાન હક્કન અલય્ના નસ્રૂલ મોઅમેનીન
“અમારી ઉપર મોઅમેનીનોની મદદ કરવી લાઝિમ છે.
(સુ. રૂમ, આયત : ૪૭)
(બ) અલ્લાહની મદદ કરો, અલ્લાહ તમારી મદદ કરશે :
હક વાયદાનું એ’લાન થઇ રહ્યુ છે.
“યા અય્યોહલ્લઝીન આમનૂ ઇન્ તન્સોરૂલ્લાહ યન્સુર્ કુમ, વ યોસબ્બિત્ અક્દામકુમ
“અય ઇમાન લાવનારાઓ! અગર તમે અલ્લાહની મદદ કરશો તો તે તમારી મદદ કરશે, અને તમને સાબિત કદમ રાખશે.
(સુ. મોહમ્મદ, આયત :૭)
આ આયતે કરીમામાં અલ્લાહની મદદ હાસિલ કરવા માટે ઇમાનની સાથે એક વધારાની શર્ત રાખવામાં આવી, અને તે છે અલ્લાહની મદદ કરવી. હવે સવાલ એ પૈદા થાય કે પરવરદિગારે આલમ જે તમામ આલમીનથી બે-નિયાઝ છે, તેને શું આપણી મદદની જરૂર છે? શું તે આપણી મદદનો મોહતાજ છે? હરગીઝ નહી, પરંતુ અહીં અલ્લાહની મદદ કરવાનો મતલબ અલ્લાહની હુજ્જતની મદદ અને નુસ્રત કરવી તે છે, એટલે કે ઇમામે ઝમાના(અ.સ.)ની મદદ અને નુસ્રત કરવી, દીને ઇલાહીની મદદ કરવી. જે લોકોએ મૈદાને કરબલામાં હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ની મદદ કરી અને તેમના માટે પોતાની જાનો કુરબાન કરી દીધી, તેઓએ હકીકતમાં દીને ખુદાની મદદ કરી, એટલા માટે ઝિયારતમાં આપણે તેમને આવી રીતે સલામ કરીએ છીએ-
“અસ્સલામો અલય્કુમ યા અન્સાર દીનીલ્લાહે, અસ્સલામો અલય્કુમ યા અન્સાર રસૂલિલ્લાહે
“સલામ થાય આપ સૌ પર (અય શોહદાએ કરબલા) અય અલ્લાહના દીનના મદદગાર, સલામ થાય આપ સૌ પર અય અલ્લાહના રસૂલના મદદગાર
એ બાબત નજરમાં રહે કે, જેવી રીતે અલ્લાહ કોઇની મદદનો મોહતાજ નથી, તેવી જ રીતે પયગંબરે ઇસ્લામ (સ.અ.વ.) અને અઇમ્મએ મઅસૂમીન(અ.મુ.સ.) પણ કોઇના મોહતાજ નથી. કારણકે આ એ હઝરાત છે જેમને અલ્લાહ તઆલા તરફથી વિલાયતે તકવીની અતા કરવામાં આવે છે. એટલે કે આ તમામ આલમે ઇમ્કાન પર અમર્યાદીત ઇખ્તેયાર રાખે છે. પરંતુ અલ્લાહ તઆલાએ તેમની મદદ અને નુસ્રતને ઇન્સાનો માટે ઇમ્તેહાન અને આઝમાઇશનો વસીલો બનાવ્યો છે. જેણે તેમની મદદ કરી તેણે અલ્લાહની મદદ કરી અને અલ્લાહના દીનની મદદ કરી અને તેની મદદ બેહતરીન ઇબાદત છે.
(ક અને ડ) સબ્ર અને તકવા :
કુરઆને કરીમમાં છે :
“બલા ઇન તસ્બેરૂ વ તત્તકૂ વ યાઅતુકુમ મિન ફવ્રેહિમ, હાઝા યુમ્દિદકુમ રબ્બોકુમ, બે ખમ્સતે આલાફિમ મેનલ મલાએકતે મોસવ્વેમીન
“હાં! અગર તમે સબ્ર અને પરહેઝગારી કરો અને આ લોકો એજ સમયે તમારી પાસે આવી જશે તો તમારો પરવરદિગાર તમારી મદદ પાંચ હજાર ફરિશ્તાઓથી કરશે, જે નિશાનેદાર હશે.
(સુ. આલે ઇમરાન, આયત : ૧૨૫)
અગર કોઇ મોઅમિન આ સિફાતો ધરાવે તો ખુદાવંદે આલમ પોતાના વાયદા પ્રમાણે તેની જરૂર મદદ કરશે.
તો પછી હઝરત બકિય્યતુલ્લાહીલ અઅ્ઝમ ઇમામે ઝમાના(અ.ત.ફ.શ.) જેમનામાં આ તમામ સિફાતો પોતાના કમાલ અને સંપૂર્ણતાની ટોચ સુધી પહોંચેલી છે તો ખુદા ચોક્કસ તેમની મદદ કરશે, અને તેઓની મદદ પણ કરશે જે તેમના મદદગાર હશે. (અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણા સૌનો શુમાર તેમના નાસિરો મદદગારમાં ફરમાવે. આમીન યા રબ્બલ આલમીન)
(વધુ આવતા અંકે ઇન્શાલ્લાહ)
Comments (0)