રજઅત
‘રજઅત’ એક એવો અકીદો છે જેને પ્રાચીન મઝહબોના આદીકાળના આલીમો અને તફસીરકારોએ પોત પોતાના ચિંતન અને દ્રષ્ટિકોણ મુજબ ચર્ચાનો વિષય બનાવ્યો છે. “ઇન્કોર્નેશન થિઅરી અથવા “સાઇકલ ઓફ હ્યુમન લાઇફ થિઅરીએ આ જ રજઅતના વિષયને અનુલક્ષીને ચર્ચાને આગળ ધપાવી છે. અને જેટલી ઇન્સાનની બુધ્ધિ અને વિચારશક્તિ હતી, તે તમામ તેના ઉપર ખર્ચી નાખી. આ ચર્ચાના વમળમાં ડુબકીઓ મારવા પછી ઇમામ મહદી(અ.સ.)નો અકીદો એક વિશ્ર્વવ્યાપી અકીદો બનીને ઉભર્યો. અને પરેશાન દુનિયાના માટે દિલનું સુકૂન અને ઇન્સાનિય્યતની બકા માટે એક યુગથી પ્રજવલિત ચિરાગ સાબિત થઇ રહ્યો છે. જે અશક્યને શક્યની તરફ રસ્તો માપવાની પ્રેરણા આપે છે. અને ઝમીરવાળા લોકો આજ રોશનીની તરફ કદમ આગળ વધારતા રહ્યા છે.
આ દિલના સુકૂનને રજઅતની કલ્પનાથી જ એક નવજીવન અથવા બીજા જીવનથી તાકત મળે છે. આ અકીદો ધરાવનારાઓ પાસે મજબુત દલીલો છે, ઇતિહાસના સ્પષ્ટ સાક્ષીઓ છે, આસમાની કિતાબોના સ્પષ્ટ ઇશારાઓ છે અને માઅસુમ ઇમામો(અ.મુ.સ.)નો અતુટ સિલસિલો છે, જેમને પોતાની સીરત પોતાના કિરદાર અને પોતાની હદીસો થકી આ રજઅતના વિષયને એવો મુસદ્દક, સ્પષ્ટ અને મજબુત ધરી બનાવ્યો છે, જેના પર દરેક ઇન્સાફ પસંદ ભરોસો કરી શકે છે. પરંતુ લોકોએ કુરઆન અને હદીસના સ્પષ્ટ માર્ગ પરના દરવાજા પોતાના માટે બંધ કરી લીધા છે, તેથી રજઅતને અશક્ય સમજી બેઠા. ખુદાવંદે આલમની આ ઇનાયત ફક્ત શીઆને અલી પાસે છે, જેને મહાન ઓલમાએ પોતાની મહેનત થકી ઇલ્મના પાણીદાર મોતીની જેમ અતા કરી છે.
આ માટે અમો ઇચ્છીએ છીએ કે પ્રસ્તાવના સ્વરૂપે વાચકોને એહલેબૈત(અ.મુ.સ.)ની એ ખાસ વાતોથી પરીચિત કરી દઇએ કે જે હદીસોની રોશનીમાં અમો રજઅતના વિષય પર આવીશું.
પ્રસ્તાવના:
મૂળ ચર્ચાને શરૂ કરવા પહેલા અમુક જરૂરી મુદ્દાઓ વાચકોની ખિદમતમાં પ્રસ્તાવનારૂપે પેશ કરીએ છીએ. એ વાત ધ્યાનમાં રહે કે પ્રસ્તાવના ભરોસાપાત્ર રિવાયતોની રોશનીમાં તૈયાર કરવામાં આવી છે.
એહલેબૈતે ઇસ્મતો તહારત(અ.મુ.સ.) તરફથી જે કંઇ વારિદ થએલ છે, તેની સામે સર ઝુકાવી દેવુ વાજીબ છે.
તમામ અહકામમાં એહલેબૈતે ઇસ્મત(અ.મુ.સ.) તરફ રુજૂઅ કરવુ વાજિબ છે.
અગર કોઇ હદીસ વિશે શક થાય અથવા બે વિરોધાભાસી હદીસો વર્ણવવામાં આવે, તેનો ઇન્કાર કરવાના બદલે તેને કુર્આન તરફ પલટાવવી જોઇએ.
બે વિરોધાભાસી હદીસોમાં જેના પર શીઆનો ઇજમાઅ (સર્વસંમતિ) હોય અથવા શીઆમાં મશહુર બાબત મુજબ હોય તેનો સ્વિકાર કરવો જોઇએ. જરૂરતના સમયે ભરોસાપાત્ર કિતાબો તરફ રજૂ થવુ જોઇએ.
શબ્દકોષ (ડિક્ષનરી) મુજબ અર્થ:
જૌહરીએ સેહાહમાં અને જે કંઇ કામૂસમાં લખ્યું છે: “ફલાણો રજઅતની માન્યતા ધરાવે છે એટલે કે મરવા પછી દુનિયામાં જીવીત થશે તેથી તેનાથી મુરાદ અને જે તુરંત દીમાગમાં આવે છે, તે એ છે કે કયામત પહેલા અને મૃત્યુ પછી જીવીત થવુ છે.
રજઅતનો પારીભાષિક અને રિવાયતની રોશનીમાં અર્થ:
એહલેબૈત(અ.મુ.સ.)ની રિવાયતોની બુનિયાદ પર શીઆ ઇસ્ના અશરી એ વાત પર અકીદો રાખે છે કે, અલ્લાહ (તબારક વ તઆલા) અમુક લોકોને મૃત્યુ પછી દુન્યામાં એ જ દેખાવની સાથે જીવતા કરશે કે જે પહેલા દુન્યામાં તેમનો દેખાવ હતો. તેઓમાંથી અમુકને અઝાબ કરશે અને અમુકને ઇનામ અને ઇઝ્ઝતથી નવાઝશે. હકને બાતિલ પાસેથી અને મઝલૂમને ઝાલિમ પાસેથી બદલો અને ન્યાય અપાવશે અને આ બધુ ઇમામ મહદી(અ.ત.ફ.શ.)ના કયામના સમયે થશે. રજઅતમાં તેને જ જિવીત કરવામાં આવશે જે ઇમાનના બલંદતરીન દરજ્જા પર ફાએઝ હશે અથવા તો ઉંડી ગુમરાહીમાં હશે.
શીઆ ઇસ્ના અશરી ફિર્કો રજઅતના અકીદામાં સૌથી જુદો તરી આવતો અને એક માત્ર છે. એહલે સુન્નતના કોઇપણ આલિમ આ અકીદો ધરાવતા નથી. અકીદએ રજઅતના હક હોવા વિશે એજ દલીલ છે કે અમારી પાસે જે કંઇ છે, તે અમારી ખુદની તરફથી નથી. બલ્કે કુરઆન અને એહલેબૈત(અ.મુ.સ.)એ જે કંઇ આપ્યું છે, તે જ ધરાવીએ છીએ. કારણ કે તેઓ જ “રાસેખૂન ફિલ ઇલ્મ (ઇલ્મમાં ઊંડા ઉતરેલા) છે. તેઓ જ કુર્આનના તફસીર કર્તા અને કુર્આનના શિક્ષક છે અને તેઓ જ પૈગમ્બરે અકરમ(સ.અ.વ.)ના ઇલ્મના ખરા જાનશીન છે.
રજઅતની સચ્ચાઇ પર દલીલ:
રજઅતની હક્કાનિય્યત ઉપર અઢળક દલીલો જોવા મળે છે. ત્યાં સુધી કે ઇજમાઅ અને તવાતુર થકી એ સાબિત છે કે રજઅતના અકીદાનો “ઝરૂરીયાતે મઝહબ માં શુમાર થાય છે. ક્રમાનુસાર એક એક દલીલો જુઓ. સૌ પ્રથમ ……..
કુર્આને કરીમની રોશનીમાં:
કુર્આને કરીમની બેશુમાર આયતો છે જે સીધે સીધોે અથવા બીજી આયતો કે રિવાયતોના વધારા વડે રજઅતની સચ્ચાઇ પર દલીલ કરે છે.
(૧) સુ. બકરહ : આ.૨૫૯ :
“અવ્ કલ્લઝી મર્ર અલા કર્યતિન વ હેય ખાવેયતુન અલા ઓરુશેહા. કાલ અન્ના યુહઇ હાઝેહીલ્લાહો બઅદ મવ્તેહા. ફ અમાતહુલ્લાહો મેઅ્ત આમિન્. સુમ્મ બઅસહૂ. કાલ કમ્ લબિસ્ત? કાલ લબિસ્તો યવ્મન્ અવ બઅ્ઝ યવમિન્. કાલ બલ લબિસ્ત મેઅ્ત આમિન્. ફન્ઝુર એલા તઆમેક વ શરાબેક લમ્ યતસન્નહુ. વન્ઝુર્ એલા હેમારેક. વલે નજ્અલક આયતન્ લિન્નાસે. વન્ઝુર્ એલલ્ એઝામે કય્ફ નુન્શેઝોહા? સુમ્મ નક્સૂહા લહ્મન્. ફલમ્મા તબય્યન લહુ. કાલ અઅ્લમો અન્નલ્લાહ અલા કુલ્લે શયઇન કદીર
“અથવા તો એ બંદાનો દાખલો કે જે એક ગામડા પાસેથી પસાર થયો કે જે ગામ ઊંધા મોઢે પડેલુ હતુ, તો તેણે કીધુ: “ખુદા તું આ બધાને મૌત બાદ કેવી રીતે જીવીત કરશે? તો ખુદાએ તે બંદાને ૧૦૦ વર્ષ માટે મૌત આપ્યુ અને પછી ફરી જીવિત કર્યો અને પુછ્યું કે તું કેટલો સમય પડ્યો રહ્યો? તેણે કહ્યુ: “એક દિવસ અથવા તેનાથી ઓછુ. ફરમાવ્યુ: “નહીં, સો વર્ષ . જરા તારા ખોરાક અને પીણાને જો તે ખરાબ નથી થયુ. અને તારા ગધેડા તરફ જો તે (સડી ગયો છે.) અમે આજ રીતે તને લોકોના માટે નિશાની બનાવવા માંગીએ છીએ. પછી તે હાડકાઓને જુઓ કે અમે કેવી રીતે તેને જોડીને તેની ઉપર ગોશ્ત ચઢાવીએ છીએ, પછી જ્યારે તેના પર આ વાત સ્પષ્ટ થઇ ગઇ તો તેણે કહ્યુ: “હું જાણુ છું કે અલ્લાહ દરેક ચીજ પર શકિત ધરાવે છે.
આ આયત સ્પષ્ટ રીતે જણાવે છે કે ખુદાએ તે બંદાને ૧૦૦ વર્ષ માટે મૃત્યુ આપ્યુ અને ફરી જીવીત કરીને દુન્યામાં પલ્ટાવ્યો. કુરઆનના ઝાહીરથી જણાઇ આવે છે કે તે વ્યકિત નબીઓમાંથી હતા. કારણકે વહ્યથી સંબોધન કર્યુ અને ખુદાએ તેમની સાથે વાત કરી. અમુક હદીસોમાં છે કે તેઓ જનાબે ઇરમીયા(અ.સ.) પયગંબર હતા. અને અમુકમા જોવા મળે છે કે તેઓ જનાબે ઓઝૈર (અ.સ.) હતા. અને આ હદીસો શીઆ અને સુન્ની બન્નેએ વર્ણવી છે. તેથી એ હદીસોની નોંધ લેતા કે જેમાં કહેવામાં આવ્યું છે કે : “જે ચીજો પહેલાની ઉમ્મતોમાં બની ચૂકી છે, આ ઉમ્મતમાં પણ તેના જેવું જ થશે. તો રજઅત પણ તેજ ચીજોમાંથી છે.
(૨) બીજી જગ્યાએ સુ. બકરહ : આ.૨૫૩ માં
” અલમ્ તર એલલ્લઝીન ખરજૂ મિન્ દેયારેહીમ્ વહુમ ઓલૂફુન હઝરલમવ્તે. ફકાલ લહોમુલ્લાહો મૂતૂ. સુમ્મ અહ્યાહુમ. ઇન્નલ્લાહ લ ઝૂફઝ્લિન્ અલન્નાસે વલાક્ધિન અક્સરન્નાસે લા યશ્કોરૂન.
” શું તમે એ લોકોને નથી જોયા કે જેઓ હજારોની સંખ્યામાં મૌતને ભયે પોતાના ઘરોમાંથી નીકળી ગયા અને ખુદાએ તેમને મૌતનો હુકમ આપ્યો અને ફરી જીવીત કર્યા. કે ખુદા લોકો પર ખૂબજ ફઝ્લ (કૃપા) કરનાર છે. પણ મોટા ભાગના લોકો શુક્ર અદા નથી કરતા.
આ આયત પણ દર્શાવે છે કે ભૂતકાળમાં પણ મૃત્યુ બાદ આ જ દુન્યામાં જીવીત કરવામાં આવેલ છે. તેથી રજઅત એ એક શક્ય નહીં પરંતુ “વાકેઅ થએલ કાર્ય છે, જેનો ઇન્કાર નથી થઇ શકતો. અને જે ચીજો અગાઉની ઉમ્મતોમાં બનેલ છે, તે આ ઉમ્મતમાં પણ બનશે.
કુર્આને કરીમની સ્પષ્ટતાને ધ્યાનમાં લેતા એ કહી શકીએ છીએ કે આ રજઅતની સચ્ચાઇની આ શ્રેષ્ઠ દલીલ છે. હદીસોમાં આવેલ છે કે તે લોકોની સંખ્યા સિત્તેર હજાર હતી. એક લાંબી મુદૄત સુધી ખુદાના હુકમથી મુર્દા રહ્યા, તે પછી તેઓને જીવીત કરવામાં આવ્યા. અને દુન્યામાં પરત આવ્યા પછી પણ એક સમયગાળા સુધી જીવતા રહ્યા.
(૩) “ઇન્ના લ નન્સોરો રોસોલના વલ્લઝીન આમનૂ ફિલ હયાતિદ્દુન્યા વ યવ્મ યકૂમુલ્અશ્હાદ
“બેશક, અમે અમારા રસૂલો અને મો’મિનોની દુન્યવી જીંદગીમાં પણ મદદ કરીએ છીએ. અને તે દિવસે પણ મદદ કરીશુ જ્યારે તમામ સાક્ષીઓ ઉભા થઇ જશે.
(સુ. ગાફિર: ૫૧)
અસંખ્ય રિવાયતો દલીલ પેશ કરે છે કે, અહીં રજઅતનો સમય મુરાદ છે. અને આયતના જાહેરી અર્થથી પણ રિવાયતોની સ્પષ્ટતાને ટેકો મળે છે. કારણકે દુન્યામાં ઘણા બધા નબીઓ, ઇમામો અને મોઅમીનોની મદદ નથી થઇ. અને આયત જાહેર કરે છે કે નુસ્રત અને મદદ આવશે. અને ખુદા વાયદા ખિલાફી નથી કરતો. અને તેને કોઇ ઝુહૂરે હઝરત ઇમામ મહદી (અ.સ.)થી તાવીલ નથી કરી શકતું. કારણકે, તેનાથી પહેલા જરૂરી એ થશે કે આયતના વાસ્તવિક અર્થને કોઇપણ કારણ વગર છોડી દેવામાં આવે અને તેનો મજાઝી અર્થ લેવામાં આવે.
(૪) “કાલુ રબ્બના અમત્તનસ્નતય્ને વ અહ્યયતનસ્નતય્ને ફઅઅ્તરફ્ના બે ઝોનૂબેના. ફહલ એલા ખોરૂજીન્ મિન સબીલ
“તે લોકો કહેેશે કે પરવરદિગાર! તે અમોને બે વાર મૌત આપી અને બે વાર જીવન આપ્યુ. તો હવે અમે અમારા ગુનાહોનો ઇકરાર કર્યો તો શું હવે તેનાથી બચવાનો કોઇ રસ્તો છે?
(સુ. ગાફિર: ૧૧)
આ વિષે ઘણી રિવાયતો વારિદ થઇ છે. કે આ બંનેમાંથી એકનો સબંધ રજઅત સાથે છે. અને એ સ્પષ્ટ છે કે આ અર્થનો ઇરાદો અશક્ય નથી અને ન તો મર્યાદિત કરવા પર દલીલ કરે છે, કે તેના સિવાય કોઇ બીજી જીંદગી કે મૌત નથી. અને કબ્રમાંથી જીવતા થવાને પણ સંપૂર્ણ જીવન નહીં કહેવાય. જેથી કોઇ તેનાથી મુરાદ લેતા કહી શકે કે તેનો અર્થ દુન્યાની મૌત અને કબ્રની અને કયામતની જીંદગી છે.
આ સિવાય ઘણી આયતો છે, જે રજઅતને સાબિત કરે છે.
રજઅત હદીસોની રોશનીમાં :
રજઅત વિશે તવાતૂરે મઅનવીની હદ સુધી રિવાયતો મળે છે. જેનો ઇન્કાર શક્ય નથી. અને ન તો તાવીલ કરી શકાય છે. અલબત્ત રિવાયતો અલગ-અલગ વિષયો ઉપર મળે છે. અમૂક એવી રિવાયતો છે, જેમાં હઝરત રસૂલુલ્લાહ (સ.અ.વ.વ.) અને અઇમ્મએ માસુમીન (અ.મુ.સ.)ની રજઅતની ચર્ચા કરવામાં આવેલ છે, અમુક રિવાયતોમાં ખાસ શીઆની રજઅતનું વર્ણન છે. અમુક રિવાયતોમાં એ લોકોનું રજઅતનું વર્ણન છે જેઓ ઇમાનના ઉચ્ચ દરજ્જા પર હશે. અને જેઓ કુફ્રની બેહદ પસ્તીમાં હશે. પરંતુ રજઅત વિશે એ વાત સ્પષ્ટ રહે કે જેની પણ રજઅતનું વર્ણન કરવામાં આવ્યુ છે. તેનાથી મુરાદ ફક્ત તેમના ગુણો કે તેમની હુકુમત નથી, પરંતુ ખુદ વ્યક્તિની એટલે કે તેની જાતની રજઅત થશે. નહીંતર આ વાત રિવાયત અને રજઅતની હકીકતથી વિરોધાભાસી અને બિલકુલ ખોટી થશે. એટલા માટે કે રજઅતનો સંબંધ આખર ઝમાનાથી છે. અને ગુણો તથા ખાસિયતોની રજઅત આખર ઝમાનાથી મખ્સુસ નથી. બલ્કે આ તો આદમ(અ.સ.)ની ખિલ્કતના સમયથી થતુ આવ્યુ છે. કે દરેક નબી અને વસી પોતાના પહેલાના આવનાર તથા વીતી પયગમ્બરના ગુણો અને ખાસીયતોના જાનશીન હોય છે. બલ્કે તેમના અસ્હાબ પણ પ્રથમ થઇ ચૂકેલા લોકોની ખાસિયતો ધરાવતા હોય છે. રજઅતના પુરાવારૂપે અલગ-અલગ પ્રકારની રિવાયતોના થોડા ઉદાહરણો :-
(૧) ફઝલ બિન હસન તબરસી ” મજમ ઉલ બયાન માં આયત “યવ્મ નહ્શોરો મિન્ કુલ્લે ઉમ્મતીન્ ફવ્જનની તફસીરમાં ફરમાવે છે કે “અઇમ્મહએ માસુમીન(અ.મુ.સ.)થી ઘણી રિવાયતો વારીદ થઇ છે કે હઝરત મહેદી(અ.સ.)ના કયામના સમયે ખુદાવંદે આલમ તેમના મોહીબ્બોમાંથી અમુકને કે જેઓ પહેલા મરી ચૂક્યા હશે, ફરી જીવીત કરશે. જેથી નુસ્રત અને મદદના સવાબનો દરજ્જો મેળવી શકે. અને તેમની હુકુમતની સ્થાપનાથી ખુશ થશે. આ જ રીતે તેમના અમુક દુશ્મનોને પણ જીવીત કરશે. જેથી અઝાબનો અમુક ભાગ તેમને ચખાડવામાં આવે. અને હઝરતના શીઆઓના હાથે કત્લ થશે. તેઓ આ હુકુમતમાં ઝલીલ થશે.
(અલ અયકાઝ, પાના: ૨૫૦)
(૨) સઅદ બિન અબ્દુલ્લાહ ‘મુખ્તસરૂલ્ બસાએર’માં સનદના સિલસિલા સાથે બકીર બિન અઅ્યોનથી વર્ણવે છે; રાવી કહે છે: “હું જેની વાતમાં જરા પણ શક નથી કરતો તે એટલે કે ઇમામ બાકિર(અ.સ.) ફરમાવે છે: “પયગમ્બરે અકરમ(સ.અ.વ.) અને અમીરૂલ મોઅમેનીન(અ.સ.) રજઅત ફરમાવશે.
(અલ અયકાઝ, પાના: ૩૭૯)
(૩) અલી બિન ઇબ્રાહીમ અબુ બસીરથી વર્ણવે છે; કે ઇમામ સાદિક(અ.સ.)એ એક હદીસના સંદર્ભમાં ફરમાવ્યું: “પયગમ્બરે અકરમ(સ.અ.વ.)એ હઝરત અલી(અ.સ.)ને ફરમાવ્યું: ખુદાવંદે આલમ તમોને આખર ઝમાનામાં શ્રેષ્ઠ રૂપમાં જીવીત કરશે. એવી હાલતમાં કે તમારા હાથમાં એક આહન (લોખંડનું હથીયાર) હશે અને જેનાથી તમે તમારા દુશ્મનોને મજા ચખાવશો.
(અલ અયકાઝ, પાના: ૨૫૭)
(૪) ઇમામ સાદિક(અ.સ.)એ આયત…
“વ ઇઝ અખઝલ્લાહો મિસાક્ધનબીય્યીન લમા આતય્તોકુમ મિન્ કેતાબીન્ વ હિકમતીન્ સુમ્મ જાઅકુમ રસૂલુમ્મુસદ્દેકુન્ લેમા મઅકુમ લતુઅ્મેનુન્ન બેહી વલ તન્સુરુન્નહૂ.
“તે સમયને યાદ કરો જ્યારે તમામ અંબીયા (અ.મુ.સ.)થી ખુદાએ વાયદો લીધો કે અમે તમોને જે કિતાબ અને હિકમત આપી રહ્યા છીએ, તેના પછી એ રસૂલ આવી જાય જે તમારી કિતાબની તસ્દીક કરવાવાળો હોય તો તમે બધા તેના પર ઇમાન લાવજો અને તેની મદદ કરજો.
(સુ. આલે ઇમરાન: ૮૧)
આ આયતની તફસીરમાં:
“હ. આદમ(અ.સ.)ના સમયથી લઇને અત્યાર સુધી ખુદાવંદે આલમે કોઇ પયગંબરને નથી મોકલ્યા, પરંતુ તેઓ ફરીવાર દુન્યામાં આવશે અને પયગંબરે અકરમ(સ.અ.વ.વ.)અને હઝરત અમીરૂલ મો’મેનીન(અ.સ.)ની મદદ કરશે.
(અલ અયકાઝ, પાના: ૨૩૨)
શૈખે તૂસી કિતાબે ગયબતના અંતિમ ભાગમાં મુફઝ્ઝલ બિન ઉમરથી નકલ કરે છે. રાવીએ કહ્યુ કે હઝરત ઇમામ જાફરે સાદિક(અ.સ.)ની ખિદમતમાં હઝરત ઇમામ મહદી(અ.સ.) અને તેમના ઇન્તેઝારમાં દુન્યાથી ચાલ્યા જનાર લોકોની ચર્ચા થઇ રહી હતી, તો ઇમામ(અ.સ.)એ ફરમાવ્યુ: “જ્યારે તેઓ કયામ કરશે, તો મોઅમીનની કબ્રની નજીક તશ્રીફ લાવશે અને કહેશે “એ શખ્સ! તારા ઇમામ જાહેર થઇ ચુક્યા છે. અગર તુ ચાહે તો તેમની સાથે થઇ જા અને જો ચાહે તો તારા પરવરદીગારના લુત્ફો કરમના પડોશમાં આરામ કર.
રજઅત વિશે અસંખ્ય રિવાયતો છે, જેનાથી સાબિત થાય છે કે રજઅતનો અકીદો ન સિર્ફ એક સહીહ અને ઇલાહી અકીદો છે, બલ્કે શીઆ મઝહબની ઝરૂરીયાતમાંથી છે. અને એ કે શીઆ આ અકીદામાં એક અને માત્ર એક જ છે. આ વિશે તબરસી એ એહતેજાજમાં અને નજાશીએ કિતાબે રેજાલમાં એક દિલચશ્પ રિવાયત વર્ણવી છે. નજાશીએ લખ્યુ છે કે, મોમીને તાક જેઓ ઇમામ સાદિક(અ.સ.)ના અસ્હાબમાંથી હતા. જેમનું ઇલ્મ, તકવા અને ખ્યાતિ લાજવાબ છે. અબુ હનીફાની સાથેનો મોમિને તાકનો બનાવ નક્લ થયો છે કે, એક દિવસ અબુહનીફાએ તેમને કહ્યુ : “તમે રજઅત પર અકીદો રાખો છો? તેમણે કહ્યું : “બેશક. અબુહનીફા : “તમારા ખિસ્સામાંથી મને ૫૦૦ દીનાર કર્ઝ આપો. જ્યારે રજઅતમાં દુન્યામાં આવીશ ત્યારે પરત કરી દઇશ.
મોમિને તાકે તુરંતજ કહ્યુ :”એ વાત માટે કોઇ સાક્ષી લાવો કે તુ ઇન્સાનના સ્વરૂપે પરત આવીશ. મને ડર છે. કે ક્યાંક કોઇ બીજા સ્વરૂપે ન આવે કે હું મારા પૈસા વસુલ ન કરી શકુ.
દુઆઓ અને ઝિયારતોમાં રજઅતનું વર્ણન :
અગર મખ્સુસ આઅમાલ અને વિવિધ દુઆઓ અને ઝિયારતોનો અભ્યાસ કરવામાં આવે તો તેમાં રજઅતનું વર્ણન મળે છે. અને એ પણ કે તેના પર અકીદો રાખવાની તાકીદ કરવામાં આવી છે.
(૧) શૈખે તૂસી કિતાબ મિસ્બાહમાં માહે રજબના આઅ્માલમાં જ. હુસૈન બિન રવ્હથી વર્ણવે છે : માહે રજબમાં જે પણ ઝિયારતના સ્થળે હો આ રીતે કહો ….. “દુરૂદ અને સલામ અને ખુદાની બરકત થાય આપ પર ત્યાં સુધી કે ફરી આપની ખિદમતમાં હાજર થઉ અને આપની રજઅતમાં કામ્યાબ થઉ. અને આપના લશ્કરવાળામાં ગણાઉ.
(૨) ઝિયારતે ઇમામ હુસૈન(અ.સ.):
શૈખે કુલૈની(અ.ર.)એ ઝિયારતે ઇમામ હુસૈન (અ.સ.) ના પ્રકરણમાં રાવીથી વર્ણવ્યુ છે.: ઇમામ સાદિક (અ.સ.)એ ફરમાવ્યુ: “જ્યારે ઇમામ હુસૈન(અ.સ.)ની કબ્ર પાસે જાઓ તો કહો
“અન્ની બેકુમ્ મોઅ્મેનુન વ બે એયાબુમ મૂકેનુન્.
“ગવાહી આપુ છુ કે, હું આપ પર ઇમાન રાખુ છું અને આપની રજઅત પર યકીન રાખુ છું
ઇબ્ને કવલવીયે આ રિવાયતને કિતાબે મઝારમાં પણ વર્ણવી છે.
(૩) ઝિયારતે જામેઆ:
શૈખે સદૂક(અ.ર.)એ કિતાબ ફકીહ અને ઓયૂનમાં અને શૈખે તૂસીએ તહઝીબમાં સાચી સનદો સાથે વર્ણવ્યુ છે. ઇમામ અલી નકી(અ.સ.)ઝિયારતે જામેઆમાં ફરમાવ્યુ :
“મોઅ્તરેફુન્ બેકુમ્ વ મૂઅ્મેનુન્ બે એયાબેકુમ મુસદ્દેકુન્ બે રજઅતેકુમ્, મુન્તઝેરૂન્ લે અમ્રેકુમ … વ યુહ્શરો ફી ઝુમ્રતેકુમ વ યકુર્રો ફી રજઅતેકુમ.
“આપના મકામ અને દરજ્જાનો સ્વિકાર કરૂ છું, આપની રજઅત પર ઇમાન રાખુ છું, આપના ફરી આવવાની તસ્દીક કરૂ છું. અને આપની હુકુમત અને સલ્તનતના ઇન્તેઝારમાં જીવન વિતાવી રહ્યો છું…. ખુદા એ લોકોમાં રાખે કે જેમાં આપના ચાહવાવાળા ઓનો શુમાર થશે. આપની સલ્તનત અને હુકુમતમાં તેઓ હુકુમત કરશે.
રોઝે જુમ્આના અઅ્માલ :
શૈખે તૂસીએ કિતાબ મિસ્બાહમાં લખ્યુ છે. “ઇમામ સાદિક(અ.સ.) ફરમાવે છે : “જે દૂરથી હઝરત રસૂલે ખુદા(સ.અ.વ.વ.) અથવા અમીરૂલ મો’મેનીન(અ.સ.) અથવા જનાબે ફાતેમા(અ.સ.) યા અમારામાંથી કોઇની પણ ઝિયારત કરવા ચાહે તો ગુસ્લ કરીને કહે:
“ફ મઅકુમ મઅકુમ લા મઅ અદુવ્વેકુમ ઇન્ની લ મિનલ કાએલીન બે ફઝ્લેકુમ મુકિર્રુન બે રજ્અતેકુમ્ લા ઉન્કેરો લિલ્લાહે કુદ્રતો
“હું આપની સાથે છું, આપની રજઅતનો ઇકરાર કરૂ છું. ખુદાની કુદરતનો ઇન્કાર નથી કરતો.
રજઅતના અકીદા સામે વાંધાઓ :
એહલેબૈત(અ.મુ.સ.)ની હદીસોના અર્થને ન સમજવાને લીધે અકીદાએ રજઅતનો ઇન્કાર કરનારાઓએ યાતો સદંતર ઇન્કાર કરી દીધો યા તો તે રિયાયતોની તાવીલ અને સમજુતી આપવા પર મજબુર થઇ ગયા છે. જ્યારે કે તમામ અઇમ્મહએ માસૂમીન(અ.મુ.સ.) અને તમામ શીઆ આલિમોની રજઅત પર સર્વસંમતિ અને મજબુત અકીદો છે. રજઅતના અકીદાનો ઇન્કાર કરનારાઓના અમુક વાંધાઓ અને તેના જવાબો રજુ કરીએ છીએ. :
વિરોધ : ૧) અહમદ અમીને તેની કિતાબ “ફજરૂલ ઇસ્લામમાં લખ્યુ છે: “રજઅતના અકીદાને લીધે શીઆ મઝહબમાં પણ યહુદિય્યત જાહેર થઇ રહી છે.
જવાબ: “અગર રજઅતના અકીદાને લીધે શીઆ મઝહબમાં યહુદિય્યત જાહેર થઇ રહી છે, તો સૌ-પ્રથમ ખુદ કુર્આનામાં યહુદિય્યત જાહેર થઇ ચુકી છે. એ માટે કે એક, બે નહીં બલ્કે અસંખ્ય આયતો રજઅતના સમર્થનમાં દલીલરૂપ છે. જે વર્ણવી ચુક્યા છીએ.
કિતાબ ફજરૂલ ઇસ્લામના લેખકના કહેવા મુજબ તો ઇસ્લામના ઘણા બધા એહકામ અને અકીદાઓમાં યહુદિય્યત અને નસ્રાનિય્યત જાહેર થાય છે. એટલા માટે કે પયગમ્બરે અકરમ(સ.અ.વ.)એ આસમાની શરીઅતની ઘણી બધી વાતોની તસ્દીક કરી છે. આમ તો અમુક ઇસ્લામી અકીદામાં યહુદિય્યત અને નસ્રાનિય્યતનું જાહેર થવુ નિશ્ર્ચીત છે. પરંતુ જ્યારે પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ને એ ઇસ્લામમાં કોઇ ઐબ કે ખામી ન જણાઇ તો તેના ઉમ્મતીની શું વિસાત છે કે આંહઝરત (સ.અ.વ.)થી અલગ વિચાર ધરાવે?
વિરોધ : ૨) રજઅત અશક્ય છે: રજઅતનો ઇન્કાર કરનારાઓનું મૂળ કારણ આ જ છે કે તેઓ રજઅતને અશક્ય સમજે છે. કારણ કે ઘણી કમઝોર અક્લમાં આ રીતની વાતો નથી આવતી.
જવાબ: (અ) કોઇ ચીઝને અશક્ય ગણવી એ કોઇ શરઇ કે અકલી દલીલ નથી અને તેમાં મૂળ દલીલનો સામનો કરવાની શક્તી નથી હોતી.
(બ) મૂળ રજઅત અશક્ય નથી બલ્કે શક્ય છે. કારણ કે રજઅત કુર્આને કરીમની રોશનીમાં થાય છે અને કોઇ ચીજનું બનવુ એ તેના શક્ય હોવાની મોટી દલીલ છે.
(ક) એહલેબૈત(અ.મુ.સ.)નો ફઝ્લો કરમ હોય તો આવી ચીજ કોઇ મહત્વ નથી ધરાવતી. અને ખુદાવંદે આલમની કુદરતની સામે બિલકુલ સહીહ છે. હાફીઝ રજબ બરસીએ કિતાબની શરૂઆતમાં અઇમ્મહ(અ.મુ.સ.)ના ફઝાએલ વિશે અજીબો ગરીબ હદીસો વર્ણવી છે. તેઓ લખે છે: “એક માણસ કે જેનું દિલ બીમાર હતુ, તેણે હદીસનો ઇન્કાર કરી દીધો. મેં કહ્યુ: “ખુદાની કુદરતનો ઇન્કાર કરે છે યા તેની નેઅમતનો યા માસુમ ઇમામનો ઇન્કાર કરે છે? જો ખુદાની કુદરતનો ઇન્કાર કરે છે, તો જરા દરીયાના એ મહાન જાનવરને જુઓ, જે સુલૈમાન(અ.સ.)ના સુફરા પરના એક મહીનાનો ખોરાક એક જ વારમાં ગળી ગયુ. અને કહ્યુ: આ તો અમારા દરરોજના ખોરાકમાંથી એક નાનકડો હિસ્સો હતો. જ. સુલૈમાન(અ.સ.)એ આશ્ર્ચર્યથી પૂછ્યુ: “શું દરિયામાં તારા જેવા અન્ય જનાવરો પણ છે? તેણે કહ્યુ: “દરિયામાં મારા જેવા હજારો જાનવરો મૌજુદ છે. જ. સુલૈમાન(અ.સ.)એ કહ્યુ: “અલ્લાહ મહાન બાદશાહ છે, જે હર ઐબથી પાક છે. અને એવી ચીજો પણ પૈદા કરે છે કે જેની બીજાને ખબર પણ ન હોય.
વિરોધ : ૩) રજઅત વિશેની હદીસો ભરોસાપાત્ર કિતાબોમાં નથી અને ન તો એટલી હદ સુધી છે કે જેનાથી યકીન અને ઇમાન પૈદા થઇ શકે?
જવાબ: રજઅતની પુષ્કળ હદીસો ભરોસાપાત્ર આલિમોની કિતાબોમાં મૌજૂદ છે, બલ્કે તવાતૂરે મઅનવીની હદ સુધી જોવા મળે છે. જેના વિશે અલ્લામા તબાતબાઇએ મીઝાનમાં લખ્યુ છે. કે “એહલેબૈત (અ.મુ.સ.)થી રિવાયતો તવાતુર સાથે મળે છે.
શૈખે હુર્રે આમેલીએ કિતાબ અલ અયકાઝમાં અસંખ્ય ભરોસાપાત્ર અને પ્રાચીન આલિમોના નામો અને કિતાબોનો ઉલ્લેખ કર્યો છેે.
તેમજ અલ્લામા મજલીસીએ લખ્યુ:
“વ એઝા લમ્ યકુન્ મિસ્લો હાઝા મુતવાતેરન્ ફ ફી અય્યો શયઇન યુમ્કેનો દઅ્વત્તવાતૂરે
“જ્યારે આના જેવુ તવાતૂર નહીં હોય તો પછી કઇ ચીજમાં તવાતુરનો દાવો કરવામાં આવશે?
આથી સ્પષ્ટ થાય છે કે રજઅત વિશે જે રિવાયતો મળે છે, તેનો હરગીજ ઇન્કાર નથી થઇ શકતો.
(સંદર્ભ: અલ અયકાઝો મેનલ હજઅતે બિલ બુર્હાને અલર્રજઅતે, શૈખ હુર્રે આમેલી, આયતુલ મઆરીફુલ એલાહિય્યહ. બેહારુલ અન્વાર, ભાગ: ૫૩)
Comments (0)