મઝલૂમ ઇમામ હુસયન (અ.સ.)ની ઝિયારતે વારેસા અને તેનો ભાવાર્થ
મોહર્રમુલ હરામના ગયા અંક (હિ. 1424)માં આપણે ઝિયારતે વારેસાની સમજુતીનો સિલસિલો શરૂ કર્યો હતો. હવે આ અંકમાં આગળ વધીએ છીએ.
(13)
اَشْھَدُ اَنَّکَ قَدْ اَقَمْتَ الصَّلوٰۃَ وَاٰتَیْتَ الزَّکوٰۃَ وَ اَمَرْتَ بِالْمَعْرُوفِ و نَھَیْتَ عَنِ الْمُنْکَرِ وَ اَطَعْتَ اللّٰہَ وَ رَسُوْلَہٗ حَتّٰی اَتیٰکَ الْیَقِیْنَ
“હું ગવાહી આપું છું કે આપે નમાઝ કાએમ કરી, ઝકાત અદા કરી, અમ્ર બીલ મઅરૂફ અને નહી અનીલ મુન્કર કર્યું. અલ્લાહ અને તેના રસુલની તાબેદારી કરી. ત્યાં સુધી કે આપ શહીદ થઇ ગયા.:”
اَشْھَدُ
હું ગવાહી આપું છું. આ શબ્દનું મૂળ شَہِدَ અથવા شَہَادت છે એટલે કે સાક્ષી આપવી. દીને ઇસ્લામમાં ગવાહી આપવાનું ઘણું મહત્વ છે. આવો, શહાદત અથવા સાક્ષી આપવા ઉપર એક ઉડતી નજર નાખીએ.
(અ) સાક્ષી આપવાની પ્રેરણા:
કુરઆને મજીદ અને અહલેબયત (અ.સ.) ની રિવાયતોમાં મોઅમીનોને હુકમ આપવામાં આવ્યો છે કે તે ન્યાય અને સચ્ચાઇની સાક્ષી આપે અને આ સાક્ષી ફી સબીલિલ્લાહ (અલ્લાહની ખુશી ખાતર) આપે. અલ્લાહ તઆલાનો ઇરશાદ છે :
وَ اَقِیْمُوْا الشَّھَادَۃَ لِلّٰہ
“અને તમે સૌ અલ્લાહના માટે ગવાહી કાયમ કરો.”
(સુરએ તલાક: 2)
وَلاَ یَاْبَ الشُّھَدَآئُ اِذَا مَا دُعُوْا
“અને ગવાહોને જ્યારે ગવાહી દેવા માટે બોલાવવામાં આવે ત્યારે તેઓ ઇન્કાર ન કરે.”
(સુરએ બકરહ: 282)
કુરઆને કરીમના આ અર્થઘટનને સમજાવતા રસુલે અકરમ (સ.અ.વ.) ફરમાવે છે :
“જે કોઇ સાચી ગવાહી આપશે એ નિય્યતથી કે કોઇ મુસલમાનનો હક અદા થાય, તેને કયામતના દિવસે એવી સ્થિતિમાં લાવવામાં આવશે કે તેના ચહેરા ઉપરથી એવું નુર પ્રસરશે કે જ્યાં સુધી નજર પહોંચશે ત્યાં સુધી નૂર જ નૂર દેખાયા કરશે અને લોકો તેને તેના નામ અને વંશવેલાથી ઓળખશે.”
(બેહારૂલ અન્વાર: ભાગ – 104, પા. 311, હ. 09)
સુરાએ બકરહની આયતની સમજણ આપતા ઇમામ સાદિક (અ.સ.) કહે છે :
“કોઇ પણ વ્યક્તિ માટે એ વાત યોગ્ય નથી કે જ્યારે તેને ગવાહી આપવાની દાવત આપવામાં આવે તો તે કહે કે હું તમારા માટે ગવાહી નહિ આપું.”
(તફસીરે અય્યાશી, ભાગ – 1, પા. 156 હ. 524)
“અને જ્યારે તમને ગવાહી આપવા માટે બોલાવવામાં આવે ત્યારે જવાબ આપો.”
(અત્તેહઝીબ, ભાગ – 6, પા. 275, હ. 752)
(બ) ગવાહીને છુપાવવી:
જે રીતે સકલયન મુબારકયને (કુરઆન અને એહલેબયત અ.સ.) ગવાહી આપવાની પ્રસંશા અને વખાણ કર્યા છે એ જ રીતે ગવાહી છુપાવવાની ટીકા પણ કરવામાં આવી છે. કુરઆને કરીમનું એઅલાન છે.
وَمَنْ اَظْلَمُ مِمَّنْ کَتَمَ شَھَادَۃً عِنْدَہٗ مِنَ اللّٰہِ
“અને એથી વધુ ઝાલીમ કોણ હશે કે જે અલ્લાહ પાસેથી પોતાને મળેલી સાબેતીઓને સંતાડે?”
(સુરએ બકરહ : 140)
وَلَا تَکْتُمُوا الشَّہَادَۃَ۰ۭ وَمَنْ یَّکْتُمْہَا فَاِنَّہٗٓ اٰثِمٌ قَلْبُہٗ۰ۭ وَاللہُ بِمَا تَعْمَلُوْنَ عَلِیْمٌ۲۸۳ۧ
“અને તમે ગવાહીને ન છુપાવો અને જે તેને છુપાવી રાખે તે ગુનેહગાર (પાપી) દિલવાળો છે અને જે કાંઇ તમે કરો છો તે અલ્લાહ તઆલા સારી રીતે જાણે છે.”
(સુરએ બકરહ : 283)
રસુલ (સ.અ.વ.) ફરમાવે છે :
‘‘અને જે ગવાહી છુપાવે અથવા ખોટી ગવાહી આપે જેના કારણે કોઇ મુસલમાનનું ખૂન વહે અથવા તેનો માલ લઇ લેવામાં આવે, કયામતના દિવસે તેને (ગવાહી છુપાવનારને) એ હાલતમાં લાવવામાં આવશે કે તેના ચહેરામાંથી એવું અંધારૂ ફટશે કે નજર પહોંચે ત્યાં સુધી કાંઇ દેખાશે નહિ અને તેના આખા ચહેરા ઉપર ઉઝરડાના નિશાન હશે અને લોકો તેને તેના વંશ અને કૂળથી ઓળખશે.
(તફસીરે નુરૂસ્-સકલયન, ભાગ – 1, પા. 301, હ. 1206)
ઇમામ બાકીર (અ.સ.) ફરમાવે છે કે :
ઉપર રજુ કરેલ આયતમાં “તે ગુનેહગાર (પાપી) દિલવાળો છે. તેનો અર્થ છે તેનું દિલ કાફિર છે.”
(ઉપર મુજબ, હ. 1207)
(ક) ગવાહીની રીત:
જ્યારે મુરસલે આઝમ પાસે ગવાહીના નિયમો અંગે પૂછવામાં આવ્યું તો આપે ફરમાવ્યું :
“શું તમે સૂરજને જૂઓ છો ? જો કોઇ વાત સૂર્યની જેમ પ્રકાશિત હોય તો ગવાહી આપો નહિ તો નહિ.”
(વસાએલુશ્શીયા, ભાગ – 18, પા. 250, હ. 3)
સાદિકે આલે મોહમ્મદ (અ.સ.) નો હુકમ છે :
“કોઇ બાબતની ગવાહી ત્યાં સુધી ન આપો જ્યાં સુધી તમે હથેળીની જેમ તે બાબતથી જાણકાર ન હો.”
(અલ કાફી, 7/383, હ. 3)
ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં રાખીને આપણે આ ઝિયારત અને બીજી ઝિયારતો બરાબર પડીએ તે જરૂરી છે. કારણ કે તેમાં આપણે અહલેબયત (અ.સ.) ની હક્કાનિય્યત (સાચા હોવાની) અને ઇમામતની ગવાહી આપીએ છીએ. આ ઝિયારતો ન પડવી તે ગવાહી છુપાવવા બરાબર છે અને સૌથી મહત્વનું એ છે કે જે બાબતોની ગવાહી આપી રહ્યા છીએ તે પુરી રીતે જાણી લેવી. બીજા શબ્દોમાં તેઓની મઅરેફત એ રીતે રાખે જે રીતે મઅરેફત રાખવાનો હક છે.
اَنَّکَ
اَنَّ અક્ષર ‘مُشَبَّھَۃٌ બીલ ફેઅલ’ છે જેનો તાકીદના માટે ઉપયોગ થાય છે. અને આગળના વાક્યની સમજુતી આપે છે. کَ સર્વનામ છે. જે વ્યક્તિને સંબોધન કરવામાં આવ્યું હોય જેનો અર્થ છે. ‘આપ’ અથવા ‘તમે’.
قَدْ
આ પણ તાકીદનો અક્ષર છે.
اَقَمْتَ
આપે કાયમ કરી. આ ભૂતકાળનું રૂપ છે. જેનું મૂળરૂપ છે, ‘قَوَمَ’
الصَّلوٰۃَ
صَلوٰۃ ‘બાબે તફઇલ’નું ‘મસદર’ છે જેનું ભૂતકાળ صَلّٰی અને વર્તમાન یُصَلّٰی છે. અને કર્તા مُصَلِیّ છે. اَنَّکَ قَدْ اَقَمَتَ الصَّلوٰۃَ ‘યકીનથી અને બેશક આપે નમાઝ કાયમ કરી’ ઝીયારતનું આ વાક્ય ઇસ્લામમાં નમાઝના મહત્વનું સર્વશ્રેષ્ઠ સૂચક છે. જે લોકો નમાઝને છોડી દે છે તેઓને તો છોડી દઇએ પરંતુ જે તેને હલ્કી સમજે છે તેઓને પણ મઅસુમો (અ.સ.)ની શફાઅત નસીબ નહિ થાય.
જરૂરી એ છે કે નમાઝ તેની બધી શરતોની સાથે અદા કરવામાં આવે, સમયની પાબંદી, આજેઝી અને ગળગળાપણ શ્રદ્ધા અને શાંતચિત્તે ધ્યાન રાખવું વિગેરે. આ અનુસંધાનમાં ઇમામ ઝયનુલ આબેદીન (અ.સ.) ફરમાવે છે કે “નમાઝનો હક એ છે કે જાણી લો કે નમાઝ ખુદા સુધી પહોંચવાનો વસીલો છે. તેથી તમે જ્યારે આ જાણી લીધું તો તમારે નમાઝમાં એક તુચ્છ, આશાથી ભરપુર, ફકીર, ડરી ગએલા વિલાપ કરતા બંદાની જેમ, જે એક મહાન માલિક અને સર્જનહારની બારગાહમાં ઊભો હોય તે પ્રકારનું વર્તન કરવું જરૂરી છે. શાંત ચિત્તે, આજીજી કરીને અને કરગરીને ખભાને નીચે ઢાળી દઇને શ્રેષ્ઠ અંદાજથી દોઆ અને મુનાજાત કરતા કરતા અને તેની પાસેથી પોતાની ગરદનની આઝાદી માગતા માગતા, તે ગરદન જેને ગુનાહોએ ઘેરી લીધી હોય અને જેને ભયે હલાક કરી દીધી હોય. અને કોઇ શક્તિ કે તાકત અલ્લાહની સિવાય નથી.”
(તોહફુલ ઓકુલ, પા. 258)
નમાઝને સુસ્તી, આળસ, ઊંઘ અને ઘેનમાં અદા ન કરવી જોઇએ. ખરેખર ઇમામ હુસયન (અ.સ.) એ જે નમાઝો અદા કરી તે એ રીતની હતી જે તેઓનો હક હતો.
وَ اٰتَیْتَ الزَّکوٰۃَ
અને આપે ઝકાત આપી. આ બીજી ગવાહી છે જે આપણે તેમના બારામાં આપીએ છીએ. શબ્દ زکوۃ મૂળશબ્દ زکو માંથી લેવામાં આવ્યો છે. ફણસવું અને ફુલવું. કુરઆને મજીદમાં મોટાભાગે ઝકાત શબ્દ તહારત અને પાકીઝગીના અર્થમાં આવ્યો છે. જેમ કે
قَدْ اَفْلَحَ مَنْ زَکَّاھَا
“જેણે પોતાના નફ્સને પાક અને પાકીઝા બનાવ્યો તે નજાત (મુક્તિ) મેળવશે.”
(સુરએ શમ્સ : 9)
وَلَوْلاَ فَضْلُ اللّٰہِ عَلَیْکُمْ وَرَحْمَتُہٗ مَازَکٰی مِنْکُمْ مِنَّ اَحَدٍ
“અને જો ખુદાની મહેરબાની અને રહેમત તમારા ઉપર ન હોત તો તમારામાંથી કોઇ એક પણ પાક અને સાફ ન હોત.”
(સુરએ નુર : 21)
ક્યારેક આ શબ્દ પ્રસંશાના અર્થમાં પણ વપરાયો છે. ગમે તેમ, અહિં زکوٰۃ નો અર્થ શરીઅતની ફરજ અને ટેક્ષ છે જે ખુદાએ તેના હયસીયત ધરાવતા બંદાઓ ઉપર વાજીબ કર્યા છે. કુરઆનમાં અલ્લાહ તઆલાએ અસંખ્ય જગ્યાએ ઝકાત આપવાનો હુકમ કર્યો છે.
وَ اٰتُوْا الزَّکوٰۃَ
“અને તમે ઝકાત અદા કરો.”
અફસોસ એ વાતનો છે કે ઉમ્મતના મોટાભાગના લોકો આ મહત્વની ફરજ પ્રત્યે દુલક્ષ સેવે છે. આ જ વાતને ઇમામ સાદિક (અ.સ.)એ સુંદર રીતે એક હદીસમાં કહી છે.
مَا فَرَضَ اللّٰہُ عَزَّ ذِکْرُہُ عَلیٰ ھٰذِہِ الاُمَّۃِ اَشَدَّ عَلَیْھِمْ مِنَ الزَّکوٰۃِ وَ مَا تَھْلِکُ عَامَّتُھُمْ اِلاَّ فِیْہَا ۔
(અમાલી-શૈખતુસી, પા. 693, હ. 1474)
“અલ્લાહે ઝકાતથી વધુ કડક અને મુશ્કેલ ફરજ આ ઉમ્મત ઉપર વાજીબ નથી કરી. અને આ ઉમ્મતના મોટાભાગના લોકોની તબાહીનું કારણ આ ઝકાત જ છે.”
(મશ્કુતલ અનવાર, પા. 46)
એટલે જેણે ઝકાત ન આપી તેની નમાઝ પણ કબુલ થવાને પાત્ર નથી. યકીનથી આ ઝકાતને માલદાર અને હયસીયત ધરાવતા લોકોને માટે એક કસોટી ગણવામાં આવે છે. પરંતુ મોટાભાગના લોકો તેનાથી મોઢું ફેરવી લે છે.
ઝકાતના ફાયદાઓ
ઝકાત અદા કરવાના ઘણા ફાયદાઓ છે. અમે તેમાંના થોડા નીચે દર્શાવીએ છીએ.
(1) ઝકાત ન આપવનાના કારણે જમીન પોતાની બરકતો અને નેઅમતોને રોકી લે છે. ઇમામ મોહમ્મદ બાકીર (અ.સ.) ફરમાવે છે : ‘‘અમે રસુલ (સ.અ.વ.) ની કિતાબમાં જોયું છે કે જ્યારે ઝકાત આપવામાં નથી આવતી ત્યારે અનાજ, ફળ અને ખાણોમાંથી જમીન પોતાની બરકતોને રોકી લે છે.
(કાફી, 2/374, હ. 2)
(2) ઝકાત આપવાનો બીજો ફાયદો એ છે કે આપણા માલ દૌલતમાં વધારો અને લાભ થાય છે. રસુલ (સ.અ.વ.) ફરમાવે છે : “જ્યારે તમે ઇચ્છો કે અલ્લાહ તમારા માલમાં વધારો કરે ત્યારે તમારે તે માલમાંથી ઝકાત અદા કરવી જરૂરી છે.”
(બેહાર, 96/23, હ. 54)
યકીનથી તેમાં જરાપણ શંકાને સ્થાન નથી કે ઝકાત આપવાથી માલમાં ક્યારે પણ કમી નથી થતી. આ બાબતની તાકીદ ઇમામ હસન મુજતબા (અ.સ.) એ પણ કરી છે.
(બેહાર, 96/23, હ. 56)
દરેક વસ્તુ માટે ઝકાત છે
મઅસુમો (અ.સ.) ની રિવાયતોમાં દર્શાવવામાં આવ્યું છે કે દરેક વસ્તુ ઉપર ઝકાત છે. નીચે દર્શાવેલ યાદીમાં ડાબી બાજુ અલ્લાહની તરફથી બક્ષવામાં આવેલ નેઅમત અને જમણી બાજુએ તેની ઉપરની ઝકાત લખવામાં આવી છે.
ખુદાની નેઅમત | ઝકાત |
શક્તિ | ઇન્સાફ ન્યાય |
રૂપ અને સૌંદર્ય | શીલ-પવિત્રતા |
સલામતિ અને તંદુરસ્તી | અલ્લાહના હકમોના ફરમાંબરદારી અનુસરણમાં મગ્ન રહેવું |
બહાદુરી | અલ્લાહની રાહમાં જેહાદ |
તંદુરસ્ત શરીર | રોઝા |
જ્ઞાન અને ડહાપણ | બીજા લોકોને શિક્ષણ આપવું |
જો આપણે ઇમામ હુસયન (અ.સ.) અને અહલેબયત (અ.સ.) ના શીયા હોવાનો ગર્વ કરીએ છીએ તો આપણે પણ અલ્લાહે વાજીબ કરેલી આ ફરજને એ જ રીતે પુરી કરવાની કોશીશ કરીએ જે રીતે આપણા મૌલાએ કરી હતી. આ જ તાબેદારી અને અનુસરણ છે. જે આપણને આપણા ઇમામની ઘણી જ નજદિક લઇ જશે અને આપણા દરજ્જાઓને ઉચ્ચ કરવામાં સહાયરૂપ થશે.
اَشْھَدُ… اَمَرْتَ بِالْمَعْرُوْفِ وَ نَھَیْتَ عَنِ الْمُنْکَر
“હું ગવાહી આપું છું કે આપે મઅરૂફ અને નેકીનો હુકમ આપ્યો અને મુનકર અને બુરાઇઓથી લોકોને રોક્યા. ‘અમ્ર બીલ મઅરૂફ અને નહિ અનિલ મુનકર’ ઇમામ હુસયન (અ.સ.)નું પવિત્ર જીવન આ વાજીબાતનું દ્રષ્ટાંત છે. આ જ સિદ્ધાંતોની પાબંદીમાં ઇમામ (અ.સ.) એ જીવન પસાર કર્યું અને આ જ હેતુ માટે શહિદ થયા. પોતાના ભાઇ મોહમ્મદ બીન હનફીયાને વસીયત કરતા ફરમાવ્યું :
“હું ન તો ઘમંડના કારણે જઇ રહ્યો છું ન તો જીદના કારણે. મેં તો આ સફર (કરબલાની સફર)નો નિર્ણય માત્ર એટલા માટે કર્યો છે કે હું ‘અમ્ર બીલ મઅરૂફ’ અને ‘નહિ અનિલ મુન્કર’ બજાવી લાવું.”
શું આપણે આપણી જીંદગીમાં આ ફરજ પર અમલ કરીએ છીએ? ખરેખર જો આપણે સમાજ પ્રત્યેની આ મહત્વની ફરજ પુરી કરીએ તો સમાજમાં એવા ઘણા ગુનાહો છે જે મોટા ભાગે ઓછા થઇ જશે અને બાતીલ પોતાનું માથું ઉચકતા પહેલાંજ નાશ પામશે. કુરઆને કરીમનો હુકમ છે.
وَلْتَکُنْ مِّنْکُمْ اُمَّۃٌ یَّدْعُوْنَ اِلَى الْخَیْرِ وَیَاْمُرُوْنَ بِالْمَعْرُوْفِ وَیَنْہَوْنَ عَنِ الْمُنْکَرِۭ وَاُولٰۗىِٕکَ ھُمُ الْمُفْلِحُوْنَ۱۰۴
“અને તમારામાંથી એક જમાત એવી હોવી જોઇએ જે ભલાઇની તરફ દાવત આપે અને સારા કાર્યોનો હુકમ કરે અને ખરાબ કાર્યોથી રોકે અને આજ લોકો મુક્તિ અને છુટકારો મેળવનારા છે.”
(સુરએ આલે ઇમરાન : 104)
એક બીજી જગ્યાએ ‘અમ્રબીલ મઅરૂફ’ અને ‘નહિ અનિલ મુન્કરને’ ઇમાનવાળાઓના ગુણ અને મહત્વ દર્શાવવામાં આવ્યા છે.
وَالْمُؤْمِنُوْنَ وَالْمُؤْمِنٰتُ بَعْضُہُمْ اَوْلِیَاۗءُ بَعْضٍ۰ۘ یَاْمُرُوْنَ بِالْمَعْرُوْفِ وَیَنْہَوْنَ عَنِ الْمُنْکَرِ
‘‘મોઅમીન પુરૂષ અને સ્ત્રી આપસમાં એક બીજાના દોસ્ત છે તેઓ ભલાઇઓનો હુકમ આપે છે અને બુરાઇઓથી રોકે છે.
(સુરએ તૌબા : 71)
પયગમ્બરે ઇસ્લામ (સ.અ.વ.) ફરમાવે છે :
“જે માણસ ‘અમ્ર બીલ મઅરૂફ’ અને ‘નહિ અનિલ મુન્કર’ની ફરજને પુરી કરશે તે દુનિયામાં અલ્લાહ અને તેના રસુલના વારસદાર છે.”
(મુસ્તદરકુલ વસાએલ, 12/179, હ. 138117)
બીજી હદીસમાં ફરમાવે છે :
“બેશક ! અલ્લાહ અઝઝ વ જલ્લ તે નબળા મોમીનનો તિરસ્કાર કરે છે, જેનો કોઇ દીન (ધર્મ) નથી. આપ (અ.સ.)ને સવાલ કરવામાં આવ્યો : ‘‘અને તે નબળો મોમીન કોણ છે કે જેનો કોઇ ધર્મ નથી? આપે (અ.સ.) જવાબમાં ફરમાવ્યું કે : ‘‘જે લોકોને બુરાઇઓથી ન રોકે.”
(કાફી, 5/59, હ. 15)
نھی عن المنکر ના અદના (ઓછામાં ઓછા) મરતબાઓ :
એક મોઅમીન હોવાના લીધે જ્યાં પણ આપણે જોઇએ કે અલ્લાહ તઆલાના હુકમની નાફરમાની થઇ રહી છે. ત્યાં આપણે તેને રોકવાની કોશીશ કરવી જોઇએ. આ માટે પયગમ્બર (સ.અ.વ.) નું કથન છે.
“તમારામાંથી જે કોઇ વ્યક્તિ બુરાઇને જુએ તો તેણે તેને રોકી દેવી જોઇએ અને જો પોતાના હાથોથી રોકવાની શક્તિ ન ધરાવતો હોય તો તેણે પોતાની જીભથી મનાઇ કરવી જોઇએ અને જો તેટલી તાકત પણ તેનામાં ન હોય તો તેણે દિલથી તિરસ્કાર કરવો જોઇએ અને આ ઇમાનનો સૌથી હલ્કા પ્રકારનો દરજ્જો છે.”
(મુન્તખબ મીઝાનુલ હિકમત, પા. 435)
અમીરૂલ મોઅમનીન (અ.સ.) ફરમાવે છે :
“જે પોતાના દિલથી, હાથથી અને જીભથી બુરાઇનો તિરસ્કાર ન કરે તે જીવતા (લોકોની) ની વચ્ચે મૃત્યુ પામેલા સમાન છે.”
(અત્તહઝીબ, ભાગ – 6, પા. 181, હ. 374)
وَ اَطَعْتَ اللّٰہَ وَ رَسُوْلَہٗ
અને આપે અલ્લાહ અને તેના રસુલની તાબેદારી કરી. બીજા માઅસુમ ઇમામો (અ.સ.) ની જેમ સય્યદુશ્શોહદા ઇમામ હુસયન (અ.સ.) પણ અલ્લાહ અને તેના રસુલ (સ.અ.વ.)ની તાબેદારી અને ફરમાબરદારીના સ્વરૂપે હતા. જાણે કે આપે કુરઆને કરીમની આયત,
یَا اَیُّھَا الَّذِیْنَ اٰمَنُوْا اَطِیْعُوا اللّٰہُ وَ اَطِیْعُوْا الرَّسُوْلَ
ના જીવંત ઉદાહરણ હતા. અનુસરણ કરવાના આ માર્ગમાં ટીકાખોરોની ટીકાની આપે પરવા ન કરી. તે સિવાય આપે લોકોની ચાહના મેળવવા માટે ક્યારેય અલ્લાહની નાફરમાની નથી કરી. કોઇ પણ માનવીના અધર્મી હોવાની સૌથી મોટી નિશાની એ જ છે કે તે લોકોની ચાહના મેળવવા માટે પોતાના સર્જનહારની નાફરમાની કરતો હોય છે. તેથી આપણી શરઇ ફરજ એ છે કે જ્યારે આપણે કોઇ એવી સ્થિતિમાં મૂકાઇ જઇએ જ્યાં એક બાજુ ખુદાની નાફરમાની અને બીજી બાજુ આપણા દોસ્તો, સબંધીઓ, સગાવહાલાઓની ખુશી, તો જરાપણ અચકાયા વગર ખુદાના ગુનાહ અને ના ફરમાનીથી દુર રહેવું જોઇએ. એટલું જ નહિ પરંતુ પોતાના દોસ્ત બિરાદરો અને સગા સબંધીઓને તેના કાર્યો બુરા હોવાની જાણ કરે અને તેઓને ગુનાહ કરવાથી રોકે. જો ખુદા ન કરે ને આપણે પણ તેઓના કાર્ય સાથે સંમત હોઇએ તો તેઓના ગુનાહો અને અપકૃત્યોમાં સરખે સરખા ભાગીદાર હશું.
اَلرَّاضِیْ بِفِعْلِ قَوْمٍ کَالدَّاخِلِ مَعَھُمْ
“એટલે કે જો કોઇ (શખ્સ) કોઇપણ કૌમના (કે જૂથના) કાર્યથી ખુશ છે તો તે એવું છે કે તે (શખ્સ) તેઓની સાથે તેમના કામમાં ભાગીદાર છે.”
ઇમામ હુસયન (અ.સ.) એ માત્ર ખુદાની તાબેદારીના માર્ગમાં પોતાની, પોતાના કુટુંબીજનોની, દોસ્તો અને મદદગારોની કુરબાની રજુ કરી તેથી દુનિયા જાણી લે કે ઇસ્લામનું મુલ્ય હુસયનની દ્રષ્ટિમાં કેટલું વિશેષ મહત્વ ધરાવે છે.
حتّٰی اَتَاکَ الْیَقِیْنَ
ત્યાં સુધી કે આપને મૃત્યુ ન આંબી ગયું. એટલે કે પોતાના જીવનના અંત સુધી ઇમામ હુસયન (અ.સ.) એ નમાઝને પ્રસ્થાપિત કરી, ઝકાત અદા કરી, ‘અમ્ર બીલ મઅરૂફ’ અને ‘નહિ અનિલ મુન્કર’ની ફરજ પુરી કરી અને અલ્લાહ અને તેના રસુલની તાબેદારી કરી. જે સૂચવે છે કે ઇમામ હુસયન (અ.સ.) કુરઆને કરીમની આ આયતના સચ્ચાઇની પ્રતિકરૂપે હતા. “અને તારા પરવરદિગારની એટલી ઇબાદત કર કે તને યકીન (મૃત્યુ) આવી જાય.”
(સુરએ હિજ્ર)
મૃત્યુને ‘યકીન’ કહીને કેમ યાદ કરવામાં આવ્યું છે? સાહિત્યકારોનો દ્રષ્ટિકોણ એ છે કે ‘યકીન’ શબ્દનો મૃત્યુના માટે ઉપયોગ કરવાના બે કારણો દેખાય છે. પહેલું એ કે ‘યકીન’ એ બાબતને કહે છે કે જેનું થવું નિશ્ર્ચિત હોય. જેમાં શંકા કે ભૂલની કોઇ શક્યતા ન હોય. બીજું, મૃત્યુ હકીકત અને પ્રસંગને ખુલ્લો કરશે એટલે કલ્પ્ના અને વિચાર નિશ્ર્ચિતતામાં પરિણમશે. તેથી કુરઆને મજીદમાં મૃત્યુ વિષેના લખાણમાં કહેવામાં આવે છે.
لَقَدْ کُنْتَ فِیْ غَفْلَۃٍ مِّنْ ھٰذَا فَکَشَفْنَا عَنْکَ غِطَاۗءَکَ فَبَصَرُکَ الْیَوْمَ حَدِیْدٌ۲۲
“નિશ્ર્ચિત રીતે તું તેનાથી ભ્રમમાં હતો પરંતુ અમે તારી સામેથી પરદો હટાવી લીધો. તે થકી આજે તારી દ્રષ્ટિ ઘણી તેજ છે.”
(સુરએ કાફ : 22)
(14)
فَلَعَنَ اللّٰہُ اُمَّۃً قَتَلَتْکَ وَ لَعَنَ اللّٰہُ اُمَّۃً ظَلَمَتْکَ وَ لَعَنَ اللّٰہُ اُمَّۃً سَمِعَتْ بِذٰلِکَ فَرَضِیَتْ بِہِ یَامَوْلاَیَ یَا اَبَا عَبْدِ اللّٰہِ
“ખુદાની લઅનત થાય તે ઉમ્મત ઉપર જેણે આપને કતલ કર્યા. અને ખુદાની લઅનત થાય તે ઉમ્મત ઉપર જેણે આપની ઉપર જુલ્મ કર્યો અને ખુદાની લઅનત થાય તે ઉમ્મત ઉપર જે સાંભળતા રહ્યા અને તેની ઉપર રાજી રહ્યા. એ મારા મવલા ! એ અબુ અબ્દીલ્લાહ”
લઅનતનો અર્થ છે આપણાથી દૂર કરવું અને ભગાડી દેવું અલ મુન્તઝર હિ. 1414ના મોહર્રમના અંકમાં ઇસ્લામમાં લઅનત મોકલવાની ફઝીલત, મહત્વ અને નિયમો આપવામાં આવ્યા હતા. વાંચકોને વિનંતી કરવામાં આવે છે કે તે અંકમાંથી અભ્યાસ કરે.
1, તેથી અલ્લાહ ફરમાવે છે :
اٰۗمِّیْنَ الْبَیْتَ الْحَرَامَ
‘‘ખાન-એ-કાબાનો ઇરાદો કરનારા
(સુરએ માએદહ : 2)
જાહેર રીતે તે લોકો જેમણે કરબલામાં મઝલુમ ઇમામ (અ.સ.)ને શહીદ કર્યા તેઓ મુસલમાન ન હતા તે છતાં ઈસ્લામની ઉમ્મતમાં હોવાનો દાવો કરતા હતા.
ખરેખર તો આ તે લોકો જ હતા જેમણે સાક્ષી હોવાનો (શહાદતયન) સ્વિકાર કર્યો હતો. પરંતુ તેઓના દિલોમાં ઇમાન દાખલ થયું ન હતું. પયગમ્બર (સ.અ.વ.) એ અનેક પ્રસંગે શંકા જાહેર કરી હતી કે મને ભય છે કે મારી ઉમ્મત ગેરમાર્ગે દોરવાય ન જાય. આ તે લોકો હતા જેમણે એક સાચા માર્ગ ઉપરથી ભટકી ગએલા માણસને પોતાનો માર્ગદર્શક બનાવ્યો. હરામનું અનુસરણ કર્યું. દિલની ઇચ્છાઓને તાબે થયા. શારીરિક વાસનાના પુજારી બન્યા. જ્ઞાન મેળવ્યા પછી અજ્ઞાનતાને અપનાવી દંભનો આંચળો ઓઢી લીધો. હરામની આવક મેળવીને ખુશી થતા હતા અને અભિમાન કરતા હતા. વ્યાજ ખાઇને પોતાનું પેટ ભરતા હતા. મોટી મોટી આશાઓ રાખતા હતા. લોકોના હક અને ઇમામના હકને ભરપાઇ કરવાની મનાઇ કરતા હતા. આખેરતને ભૂલી ગયા હતા. દંભ અને ખોટા દેખાવો કરવાનું તેઓએ જીવનમાં વણી લીધું હતું. ભાષાના શુદ્ધ પરંતુ દિલના કાળા હતા. દુનિયાદારીમાં સંપૂર્ણ રીતે ડૂબી ચૂક્યા હતા. શું આ બધા ઇસ્લામના ગુણ છે? શું આ વિશેષતાઓ ઉમ્મતે મોહમ્મદીયાની છે? નહિ. ક્યારેય નહિ કારણ કે ‘ઉમ્મત’ જે શાબ્દિક રીતે એકવચન છે પરંતુ બહુવચન માટે વપરાય છે, તેના અર્થ ‘મકસદ’ છે. શબ્દ ‘امَّۃ’ ના ‘امَّ’ શબ્દથી બન્યો છે. اَمَّہٗ એટલે قَصَدَہٗ એટલે કોઇ વ્યક્તિ કે જમાત, ઉમ્મત ત્યારે કહેવાય જ્યારે તે પોતાના ઇમામના દીન અને મઝહબ પર હોય તો શું આ દીન અને મઝહબ રસુલ (સ.અ.વ.) નો દીન હતો?
શું રસુલ (સ.અ.વ.) એ વાતથી રાજી થશે કે તેમના પ્યારા નવાસાને ત્રણ દિવસ ભૂખ્યા અને તરસ્યા રાખીને શહીદ કરવામાં આવે? નહિ બલ્કે આ ઉમ્મત કાફીરો અને દંભીઓની ઉમ્મત છે. કારણ કે તેઓએ એક એવો અપરાધ કર્યો છે અને એક એવો અત્યાચાર કર્યો છે કે ખુદાની લઅનત થાય આ ઉમ્મત ઉપર. અહિં એક મહત્વનો મુદ્દો એ છે કે જે લોકોએ આ જુલ્મ કરનારાઓ કે જે લોકો માફીને પાત્ર નથી, તે લોકોના અપરાધો અંગે એક અંશ જેટલો પણ આનંદ જાહેર કર્યો, દલીલ કરવાની કે ભેળસેળ કરવાની કોશિશ કરી, તેઓ પણ આ પાશવતામાં એટલા જ ભાગીદાર છે અને પરવરદિગારની લઅનતને પાત્ર છે.
‘એ મારા મવલા!’ મવલાના અર્થ ઉપર આપણે ગદીરના વિશેષાંકમાં વિગતવાર ચર્ચા કરી હતી. આપને નમ્ર વિનંતી છે કે આપ તે લેખને ફરીને વાંચશો. જેથી ઇમાન તાજુ થાય. ટૂંકમાં એકે જો આપણે એ વાતનો દાવો કરીએ છીએ કે ઇમામ હુસયન (અ.સ.) આપણા મવલા છે અને આપણે તેમના નોકર અને ગુલામ છીએ, તો આપણી જવાબદારી છે કે આપ (અ.સ.)ના બોધ વચનો, કાર્યો, જીવન ચરિત્ર વિગેરેની માહિતી વ્યવસ્થિત રીતે મેળવીએ અને પછી તેની ઉપર અમલ કરવાના પ્રયત્ન કરીએ. જેથી આપ (અ.સ.)ના સાચા શીયા બની શકીએ. કદાચ એવું ન બને કે જે અવગુણો કરબલાના જલ્લાદોમાં જોવા મળે છે, આપણે તેવા અવગુણોમાં ફસાઇ પડીએ. જો આપણી ગણતરી ઇમામ હુસયન (અ.સ.) ના શીયાઓમાં થાય તેવી આપણી ઇચ્છા હોય તો આપણા મઅસુમ ઇમામો (અ.સ.)એ આપણને જે શિક્ષણ આપ્યું છે તે ગુણો અને સિદ્ધિઓ પ્રાપ્ત કરવાની કોશીશ કરીએ.
(ક્રમશ:)
اللهم عجل لوليک الفرج و اجعلنا من انصاره و اعوانه
Comments (0)