અબુલ ફઝ્લીલ અબ્બાસ(અ.સ.)ની મહાનતા
અલ્લાહે બળવાખોર ફીરઔનની હિદાયત માટે નબી હ. મુસા (અ.સ.)ને મોકલ્યા. આ ભવ્ય કાર્ય પુરૂ કરવા માટે હ. મુસા(અ.સ.)એ અલ્લાહ પાસે દુઆ કરી.
وَاجْعَلْ لِّیْ وَزِیْرًا مِّنْ اَہْلِیْ۲۹ۙ ہٰرُوْنَ اَخِی۳۰ۙ اشْدُدْ بِہٖٓ اَزْرِیْ۳۱ۙ
“અને (મારી મદદ માટે) મારા કુટુંબમાંથી એકને – મારા ભાઇ હાનને મારો વઝીર (સહાયક) નીમી દે તેના થકી મારી પીઠને મજબૂત કર અને તેને મારા કાર્યમાં ભાગીદાર બનાવ.”
(સુરએ તાહા, 29 – 31)
જ. મુસા(અ.સ.) અલ્લાહના ઉલુલ અઝ્મ પયગમ્બર હતા. કુરઆને કરીમે અઝ્મ (દ્રઢતા મક્કમતા)ને આ રીતે વર્ણવે છે.
وَاِنْ تَصْبِرُوْا وَتَتَّقُوْا فَاِنَّ ذٰلِکَ مِنْ عَزْمِ الْاُمُوْرِ۱۸۶
“પણ જો તમે ધીરજ ધરશો તથા પરહેઝગાર રહેશો તો નિ:સંશય તે મહાન હિમ્મતવાળા (અઝ્મ મક્કમતાવાળા) કાર્યો માંહેનું એક ગણાશે.”
(સુરએ આલે ઇમરાન, 186)
હઝરત લુકમાન(અ.સ.)એ પોતાના પુત્રને આ રીતે નસીહત કરી.
یٰبُنَیَّ اَقِـمِ الصَّلٰوۃَ وَاْمُرْ بِالْمَعْرُوْفِ وَانْہَ عَنِ الْمُنْکَرِ وَاصْبِرْ عَلٰی مَآ اَصَابَکَ۰ۭ اِنَّ ذٰلِکَ مِنْ عَزْمِ الْاُمُوْرِ۱۷ۚ
“હે મારા (વ્હાલા) પુત્ર! નમાઝ પઢ્યા કર, અને (લોકોને) નેકીની આજ્ઞા કર, અને (લોકોને) બદીથી અટકાવ, અને જે સંકટ તારા પર આવી પડે તેને સહન કર; નિ:સંશય આ મહાન હિમ્મતના (અઝીમ) કાર્યો છે.”
(સુરએ લુકમાન, 17)
ઉપરોક્ત આયત સ્પષ્ટપણે દર્શાવે છે કે નમાઝ કાયમ કરવી, સારા કાર્યની ભલામણ કરવી (અમ્ર બીલ મઅફ), ખરાબ કાર્યોથી રોકવું (નહ્ય અનીલ મુન્કર) અને જે આફતો અને તકલીફો આપણા ઉપર પડે, તે બધા ઉપર સબ્ર કરવું આ બધાજ કાર્યો માટે ખૂબજ હિંમત અને મક્કમતાની જરૂર છે.
રસુલે ખુદા(સ.અ.વ.)એ અલ્લાહના હકમથી લોકોની વચ્ચે તેમની નબુવ્વતનું એલાન કર્યું. જ્યારે દાવતે ઝુલ અશીરામાં, રસુલે ખુદા(સ.અ.વ.)એ પોતાના પૈગામની જાહેરાત કરી ત્યારે આપ(સ.અ.વ.)એ એક મદદગાર અને વઝીરની માંગણી કરી. હઝરત અમીરૂલ મોઅમેનીન અલી ઇબ્ને અબી તાલીબ(અ.સ.)એ તેમના કાર્યમાં મદદ અને નુસરતનો વાયદો કર્યો.
ઉપરોક્ત પ્રસંગથી એ વાત સ્પષ્ટ રીતે સાબિત થઇ જાય છે કે આવા મહાન યાદગાર કાર્ય માટે અલ્લાહના સૌથી મહાન નબીઓ અને રસુલોને પણ કોઇ સહકાર આપનાર અને મદદગારની જરૂર હોય છે કે જે નબી(સ.અ.વ.)ના પરિવારમાંથી હોય. જનાબે હાન(અ.સ.) જનાબે મુસા(અ.સ.)ના ભાઇ હતા. જ્યારે કે હઝરત અમીરૂલ મોઅમેનીન(અ.સ.) હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ના ભાઇ હતા.
ઇમામ હુસૈન (અ.સ.) અને અઝીમ કાર્યો :
ઝિયારતે વારેસામાં આપણે નીચે પ્રમાણે પઢીએ છીએ.
أَشْهَدُ أَنَّكَ قَدْ أَقَمْتَ الصَّلَاةَ وَ آتَيْتَ الزَّكَاةَ وَ أَمَرْتَ بِالْمَعْرُوفِ وَ نَهَيْتَ عَنِ الْمُنْكَرِ وَ أَطَعْتَ اللَّهَ وَ رَسُولَهُ حَتَّى أَتَاكَ الْيَقِينُ
“હું ગવાહી આપું છું કે બેશક આપે નમાઝ કાયમ કરી, ઝકાત અદા કરી, નેકીની ભલામણ કરી, બુરાઇથી રોક્યા અને અલ્લાહ અને તેના રસુલ(સ.અ.વ.)ની ઇતાઅત કરી, ત્યાં સુધી કે આપ મૃત્યુને વર્યાં.”
ઉપરોક્ત કાર્યો અંજામ આપવામાં ઇમામ હુસૈન (અ.સ.)નો સબ્ર ખૂબજ મશહર છે. તો પછી શું આ મક્કમતા અને દ્રઢ નિશ્ર્ચયને (અઝ્મને) એક ભાઇ, વઝીર અને સાથીની જરૂર ન હતી કે જે ઇમામ(અ.સ.)ને સહકાર આપે અને તેમની પીઠને મજબૂત કરે?
અલ્લાહે જેવી મહાન જવાબદારી ઇમામ હુસૈન (અ.સ.)ને આપી હતી તેટલાજ મહાન અને ઉચ્ચ દરજ્જાના ભાઇ, વઝીર, હઝરત અબુલ ફઝ્લીલ અબ્બાસ(અ.સ.)ના સ્વરૂપમાં આપને આપ્યા હતા. જ. હારૂન (અ.સ.) અને હઝરત ઇમામ અલી(અ.સ.)ની જેમજ હઝરત અબ્બાસ(અ.સ.) પણ હુજ્જતે ખુદા અને ઇલાહી પ્રતિનિધી સાથે ખભે ખભો મેળવીને રહ્યા. હઝરત અબ્બાસ(અ.સ.) જ. હારૂન (અ.સ.) અને હઝરત અલી(અ.સ.)ની જેમજ ચારિત્ર્ય અને અખ્લાકના ઉચ્ચ શિખર ઉપર હતા. મસ્લેહતે ખુદા પ્રમાણે અગર ઇસ્મત 14 માઅસુમ(અ.સ.) પુરતીજ મર્યાદિત ન હોતે તો તે વાત દૂર ન હતી કે હઝરત અબ્બાસ(અ.સ.) પણ ઇસ્મતનો દરજ્જો પ્રાપ્ત કરતે. ભલે, હઝરત અબ્બાસ(અ.સ.)નું નામ માસુમ હાદીઓની યાદીમાં નથી, પરંતુ તેઓ દરેક ગુનાહ અને ભુલથી સુરક્ષિત જરુર છે. અને તેઓ સંપૂર્ણ વિલાયત ધરાવે છે. અને સમગ્ર સૃષ્ટિ ઉપર તેઓ ખાસ સત્તા ધરાવે છે.
ઇમામ હુસૈન(અ.સ.)ની કુરબાની :
અઇમ્મએ માસુમીન(અ.સ.)ની હદીસો ન તો લાગણીના વહેણમાં કહેલી હોય છે અને ન તો તેમાં અતિશ્યોક્તિ હોય છે. માઅસુમ(અ.સ.)ની વાતનો એક એક શબ્દ વાસ્તવિક્તા ઉપર આધારિત હોય છે અને તેમા અલ્લાહની મરજી શામેલ હોય છે. એહલેબૈત(અ.સ.)ના શિક્ષણો પ્રમાણે ઝમાનાના ઇમામ(અ.સ.), આ સૃષ્ટિનું કેન્દ્ર અને આ દુનિયાનું ધડકતું હૃદય છે, જે કંઇ આ સૃષ્ટિને મળી રહ્યું છે તે ઇમામ(અ.સ.)ના માધ્યમ થકી મળી રહ્યું છે. હઝરત ઇમામ હુસૈન (અ.સ.)ની ઝિયારતના આ વાક્યો કેટલા અર્થસભર છે.
إِرَادَةُ الرَّبِّ فِي مَقَادِيرِ أُمُورِهِ تَهْبِطُ إِلَيْكُمْ وَ تَصْدُرُ مِنْ بُيُوتِكُمْ
“દુનિયાના બધાજ કાર્યોની વ્યવસ્થા અને ગોઠવણીના અનુસંધાનમાં અલ્લાહનો ઇરાદો આપની પાસે આવે છે. અને પછી આપના ઘરમાંથી સાદર થાય છે.”
(મફાતિહલ જીનાન, ફારસી, પા. 423)
આથી જાહેર થાય છે કે ખુદાવન્દે આલમ કોઇ બાબતનો ઇરાદો કરે છે તો તે ઝમાનાના ઇમામ(અ.સ.) દ્વારા પૂરો થાય છે. ઇમામે વક્ત(અ.સ.) ઇલાહી રેહમતો અને નેઅમતોનું માધ્યમ છે.
હ. ઇમામ હુસૈન (અ.સ.) ઝમાનાના ઇમામ અને અલ્લાહની મખલુક ઉપર તેની હજ્જત (દલીલ) હતા. અલ્લાહના બધાજ કાર્યો આપના થકી જાહેર થઇ રહ્યા છે. આપના કારણેજ આ સમગ્ર સૃષ્ટિ ચાલી રહી છે.
આપ આ દુનિયાનું ધડકતું હૃદય છો. હવે ઇમામ હુસૈન (અ.સ.)ના આ શબ્દો ઉપર ધ્યાન આપો અને બતાવો કે છે કોઇ વ્યક્તિ કે જે હઝરત અબુલ ફઝ્લીલ અબ્બાસ(અ.સ.)ની ઉચ્ચતાની કલ્પ્ના પણ કરી શકે?
9મી મોહર્રમની સાંજે ઇબ્ને સઅદે (લ.અ.) પોતાની ફૌજને ઇમામ હુસૈન (અ.સ.)ની ઉપર હુમલો કરવાનો હકમ આપ્યો. ત્યારે ઇમામ હુસૈન (અ.સ.) પોતાના તંબુની સામે પોતાના મુબારક માથાને તલવારથી ટેકાવીને બેઠા હતા, ત્યારે આપની આંખ લાગી ગઇ, આપે હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)ને કહેતા સાંભળ્યા! “નજીકના સમયમાંજ તમે મારી પાસે આવવાના છો. આજ સમયે દુશ્મનની ફૌજ નજીક આવી ગઇ. જનાબે ઝયનબ(સ.અ.)એ જ્યારે સિપાહીઓનો અવાજ સાંભળ્યો, ત્યારે પોતાના ભાઇને કહ્યું: “ભાઇ, દુશ્મનો નજીક આવી ગયા છે. ઇમામ હુસૈન (અ.સ.)એ પોતાના ભાઇ હઝરત અબ્બાસ(અ.સ.)ને ફરમાવ્યું:
اِرْکَبْ بِنَفْسِيْ اَنْتَ يَا اَخِيْ
“હું તમારા ઉપર કુરબાન થાઉં, તમે ઘોડા ઉપર સવાર થાવ અને તે લોકોને નજીક આવવાનો હેતુ પુછો.”
(મક્તલુલ હસૈનુલ, પા. 252)
ઇમામ હુસૈન (અ.સ.)ના આ શબ્દો ઉપર ચિંતન કરીએ. “હું તમારા ઉપર કુરબાન થાવ.” જરા વિચારો કે કાએનાતનો ઇમામ, “ખામીસે એહલેકીસાઅ” (એહલે કીસાઅમાંના પાંચ વ્યક્તિ) જેમના ઉપર કુરબાન થઇ રહ્યા હોય તે અબ્બાસ(અ.સ.)ની મહાનતા શું હશે? અને જનાબે અબ્બાસે અલમબરદાર(અ.સ.) ચારિત્ર્યની કેટલી ઉચ્ચ મંઝીલ ઉપર બિરાજમાન છે કે માઅસુમ ઇમામ(અ.સ.) તેમના ઉપર કુરબાન થઇ રહ્યા છે. અને આ કુરબાન થઇ જવું બીજું કંઇજ નથી પણ અલ્લાહની મરજી અને પસંદગી છે.
અલબત્ત અમૂક લોકોને એ પ્રશ્ર્ન થઇ શકે છે કે આવા વાક્યો તો શોહદાએ કરબલાની ઝિયારતમાં પણ જોવા મળે છે.
بِاَبِيْ اَنْتُمْ وَ اُمِّيْ
“મારા મા બાપ આપના ઉપર કુરબાન.”
અને આ ઝિયારત પણ ઇમામ(અ.સ.)ની તાલીમ કરેલી છે. આ વિરોધના જવાબમાં એટલું કહેવું પુરતુ છે કે આ ઝિયારતમાં ઇમામ જાફર સાદિક(અ.સ.) સફવાનને તાલીમ આપી રહ્યા છે કે જ્યારે તમે ઝિયારત કરો તો આ રીતે કહો. આ તાલીમનો તબક્કો છે. જેમાં વિદ્યાર્થીની ક્ષમતા પ્રમાણે વાત કરવામાં આવે છે. અને અહીં ઇમામ હુસૈન (અ.સ.) કોઇને તાલીમ નથી આપી રહ્યા, પરંતુ પોતે ફરમાવે છે.
જનાબે અબ્બાસ(અ.સ.)નું આ ઉચ્ચ સ્થાન જોઇને તેમના માનનીય પિતા હઝરત અમીરૂલ મોઅમેનીન(અ.સ.)ની વાત યાદ આવે છે.
“મારામાંથી ઇલ્મનો ધોધ વહી રહ્યો છે અને મારી સંપૂર્ણતાની ઉંચાઇ સુધી કોઇની કલ્પના પણ નથી પહોંચી શકતી.”
(નહજુલ બલાગાહ, ખુત્બો નં. 3)
ખરેખર હઝરત અબ્બાસ ‘અબુલ ફઝ્લ’ છે એટલે કે ફઝાએલ (શ્રેષ્ઠતા) અને સંપૂર્ણતાના પિતા બીજા શબ્દોમાં કહીએ તો બધીજ શ્રેષ્ઠતા અને સંપૂર્ણતા તેમનામાં ભેગી થયેલી જોવા મળે છે.
કામીલ (સંપૂર્ણ) ઇમાન :
ઇસ્લામમાં ઇન્સાનનું માન-ઉચ્ચતા તેની પાસે દુનિયાની નેઅમતોના પ્રમાણમાં નથી. પરંતુ તેની ઉચ્ચતાના માપ્નો આધાર તેના કાર્યો, ચારિત્ર્ય, અખ્લાક અને તેનું ઇમાન છે. ઇમાનના કારણેજ અમલમાં વજન પૈદા થઇ જાય છે અને અલ્લાહની નજરમાં ઊંચો દરજ્જો પ્રાપ્ત થાય છે. એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે:
“આલીમનું (ઇમાનવાળાનું) સુઇ જવું, રાતભર જાગીને ઇબાદત કરવાવાળા કરતા બહેતર છે.”
ઇમાનની મંઝીલ દિલ છે. માણસના ઇમાનદાર હોવાનું પ્રમાણપત્ર તેજ આપી શકે છે કે જે દિલના ઊંડાણથી અને તેનામાંથી ઉઠનારા ઇમાનના તોફાની મોજાઓથી માહિતગાર હોય. આપણા પવિત્ર ઇમામો (અ.સ.)ને અલ્લાહે આપેલી શક્તિ વડે તેઓ દરેકની નિયત અને દિલની વાતોથી વાકેફ છે. તેથી કોઇના ઇમાનની સૌથી વધારે ભરોસાપાત્ર અને શ્રેષ્ઠ સાક્ષી માસુમ ઇમામ(અ.સ.)ની ગવાહી છે.
હઝરત અબુલ ફઝ્લીલ અબ્બાસ(અ.સ.) વિષે હઝરત ઇમામ જાફર સાદિક(અ.સ.) ફરમાવે છે.
کَانَ عَمُّنَا الْعَبَّاسُ عَلَيْهِ اَلسَّلاَمِ نَافِذَ الْبَصِيْرَۃِ صُلْبَ الْاِيْمَانِ جَاھَدَ مَعَ اَبِي عَبْدِ اللّٰهِ عَلَيْهِ السَّلاَمُ
“અમારા કાકા અબ્બાસ(અ.સ.)ની દીર્ધદ્રષ્ટી (બસીરત) સંપૂર્ણ હતી અને તેમનું ઇમાન દ્રઢ અને મક્કમ હતું. તેમણે મારા પિતા ઇમામ હુસૈન (અ.સ.)ની સાથે રહીને જેહાદ કર્યો.”
(નફસુલ મહમુમ, પાના નં. 332)
અગર ઇમામ (અ.સ.) કોઇની દીર્ધદ્રષ્ટી અને તેના ઇમાનના વખાણ કરે અને તે ઇમાનવાળાને પોતાની સાથે સંબંધ આપે અને ફરમાવે عمنا العباس (અમારા કાકા અબ્બાસ(અ.સ.)) તો તેનાથી હઝરત અબ્બાસ(અ.સ.)ના ઇમાનની મહાનતાનો અંદાજ આવે છે. ઇમામ સાદિક(અ.સ.) આમ કહેતા ગર્વ અનુભવે છે. તેથી તો તેઓ કહે છે કે “અમારા કાકા અબ્બાસ(અ.સ.)”
આજ તો હઝરત અબ્બાસ (અ.સ.)ની દીર્ધદ્રષ્ટી અને તેમના સંપૂર્ણ ઇમાનનું પરિણામ હતું કે તેઓ મૈદાને કરબલામાં ખાનદાની સગપણ નિભાવવા કે કબીલાના આધારે નહોતા આવ્યા. તેઓ તો પોતાના ઇમાનની શરતોને આધારે આવ્યા હતા. તેઓ ઇમામ હુસૈન (અ.સ.)ને ફક્ત ભાઇ નહોતા સમજતા પરંતુ તેઓ તેમને ઇમામે વક્ત અને હુજ્જતે ખુદા માનતા હતા. પોતાના પિતાના જેમ તેમની હિફાઝતને તેઓ પોતાની જવાબદારી અને ખુદાની ખુશ્નુદી સમજતા હતા. આજ તો કારણ છે કે જ્યારે એક મલઉને આપના જમણા ખભા ઉપર તલવાર મારી અને આપનો જમણો હાથ કપાઇ ગયો ત્યારે આપે ફરમાવ્યું :
“ખુદાની કસમ, ભલે તે મારો હાથ કાપી નાખ્યો છે. હું હંમેશા મારા દીનની મદદ કરતો રહીશ, હું સાચા યકીનવાળા ઇમામ અને પવિત્ર અને અમાનતદાર નબીના નવાસાની હીફાઝત કરતો રહીશ.”
(મકતલુલ હુસૈન , પા. 327)
આ અશઆરનો એક એક શબ્દ હઝરત અબ્બાસ(અ.સ.)ના મહાન ઇમાનની સાક્ષી આપી રહ્યો છે. આવી સખ્ત મુસીબતમાં પણ અગર આપ(અ.સ.)ને કોઇ વસ્તુની ચિંતા છે તો તે ફક્ત અને ફક્ત દીન અને સત્ય અને યકીનવાળા ઇમામ(અ.સ.)ની. અહીં દીનની મદદ અને ઇમામે વક્ત(અ.સ.)ની હિફાઝતની વાત થઇ રહી છે. હઝરત અબ્બાસ(અ.સ.)ના આ શેઅર દરેક ઝમાનાના લોકોને તેમની જવાબદારીઓ તરફ ધ્યાન દોરે છે કે હાથ કપાઇ જવા પછી પણ ઇમામે વક્ત(અ.સ.)ની સુરક્ષાની જવાબદારી પુરી થતી નથી.
સૌથી મહાન દરજ્જો :
જન્નતમાં ફક્ત તેનો દરજ્જો ઊંચો હશે જેનું ઇમાન ઊંચુ હશે. જન્નતમાં શ્રેષ્ઠતા અને ઉચ્ચતાનું માપદંડ ઇમાન અને સારા કાર્યો છે અને ભૌતિક નેઅમતો અને દુનિયાની ઉચ્ચતા નહી. હઝરત ઇમામ ઝયનુલ આબેદીન(અ.સ.) હઝરત અબુલ ફઝ્લીલ અબ્બાસ(અ.સ.) વિષે ફરમાવે છે.
“અલ્લાહ જનાબે અબ્બાસ(અ.સ.) ઉપર રહેમત નાઝીલ કરે. ખરેખર તેમણે ખૂબજ મોટી કુરબાની આપી, દુ:ખો વેઠ્યા અને પોતાની જાનનાં ભોગે પોતાના ભાઇની હિફાઝત કરતા રહ્યા, ત્યાં સુધી કે તેમના હાથ કાપી નાખવામાં આવ્યા. અલ્લાહે તેમના બન્ને હાથોના બદલામાં તેમને બે પાંખો આપી છે જેના વડે તેઓ ફરિશ્તાઓની સાથે જન્નતમાં ઉડે છે. જેવી રીતે જનાબે જાફર બિન અબી તાલીબ(અ.સ.)ને આપ્યા હતા.”
અને ખરેખર અલ્લાહની નઝદીક જનાબે અબ્બાસ(અ.સ.)નું એવું સ્થાન અને મહાનતા છે કે કયામતના દિવસે જેની બધાજ શહીદો ઇચ્છા કરશે.
(નફસુલ મહમુમ, પા. 333, બેહાર, ભાગ 44, પાના નં. 298)
ઇમામ(અ.સ.)એ ફરમાવ્યું :
يَغْبِطُه بِھَا جَمِيْعُ الشُّھَدَائِ يَوْمَ الْقِيَامَۃِ
“કયામતના દિવસે બધાજ શહીદો તેમના તે (દરજ્જા)ની ઇચ્છા કરશે.”
جميع الشھدائ આ શબ્દો ખૂબજ ઊંડો અર્થ ધરાવે છે. તેમનું આ સ્થાન તેમનું ઇમાન અને તેમના ખુલુસની ઓળખાણ કરાવે છે.
અમૂક બીજી વિશેષતાઓ :
શરૂઆતમાં તે વર્ણવી ચૂક્યા છીએ કે હઝરત અબુલ ફઝીલલ અબ્બાસ(અ.સ.) હઝરત ઇમામ હુસૈન (અ.સ.) માટે એવી રીતે હતા જેવી રીતે જનાબે હારૂન(અ.સ.) જ. મુસા(અ.સ.) માટે હતા. અને હઝરત અલી(અ.સ.) જ. રસુલે ખુદા(સ.અ.વ.) માટે, પરંતુ હઝરત અબ્બાસ(અ.સ.)ને એક ખાસ વિશેષતા પ્રાપ્ત થયેલ છે અને આ ભવ્યતામાં હઝરત અબ્બાસ(અ.સ.) બધાથી અલગ તરી આવે છે.
હઝરત રસુલે ખુદા(સ.અ.વ.) ઉપર જાન ફિદા કરવાવાળાઓમાં જનાબે હમ્ઝાને એક ખાસ સ્થાન મળેલ છે. આપને સૈયદુશ્શોહદાના લકબથી યાદ કરવામાં આવે છે. હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)ની સુરક્ષા ખાતર આપે શહાદત કબુલ કરી. હીંદાના હબશી ગુલામે નેઝો મારીને આપને શહીદ કર્યા. આપની છાતી ચીરીને જીગર કાઢવામાં આવ્યું, જેને મલઉના હીંદાએ ચાવ્યું. આપની શહાદતનો રસુલે ખુદા(સ.અ.વ.)ને ઊંડો આઘાત લાગ્યો.
પરંતુ આપનું માથું શરીરથી અલગ કરવામાં ન્હોતું આવ્યું. આપના હાથ કાપવામાં ન્હોતા આવ્યા. આપ ત્રણ દિવસના તરસ્યા ન્હતા. આપ સરદાર હતા પરંતુ તરસ્યા બાળકોને પાણી પીવરાવવાની જવાબદારી આપની ન્હોતી.
જનાબે જાફરે તૈયાર(અ.સ.)ની તે મહાન શહીદોમાં ગણત્રી થાય છે કે રસુલ (સ.અ.વ.)ને તેમની શહાદતથી ખુબજ વધારે દુ:ખ થયું હતું. આપના બન્ને હાથો કાપી નાંખવામાં આવ્યા જેના બદલામાં અલ્લાહે આપને જન્નતમાં બે પાંખો આપી છે. આનાજ કારણે આપને જાફરે તૈયાર કહેવામાં આવે છે.
જનાબે જાફરે તૈયાર(અ.સ.)ના હાથ કપાઇ ગયા હતા પરંતુ માથું શરીરથી અલગ કરવામાં આવ્યું નહોતું. અને તેને નેઝા ઉપર ઉપાડવામાં આવ્યું નહોતું.
હઝરત અલી બિન અબી તાલિબ(અ.સ.)એ જે રીતે હઝરત રસુલે ખુદા(સ.અ.વ.) અને દીને ઇસ્લામનું રક્ષણ કર્યું તેના જેવું બીજું ઉદાહરણ પહેલાથી લઇને છેલ્લે સુધી જોવા મળતું નથી. આપે દરેક લડાઇમાં આગળ પડતો ભાગ ભજવ્યો છે અને દરેક સમયે અને સ્થળે રસુલ (સ.અ.વ.)ની ઢાલ બનીને રહ્યા છે. જંગે ઓહદમાં જ્યારે લોકો રસુલ (સ.અ.વ.)ને એકલા મૂકીને ચાલ્યા ગયા અને જનાબે હમ્ઝા(અ.સ.)ને શહીદ કરી નાંખવામાં આવ્યા ત્યારે એકલા અને અટૂલા આપ(અ.સ.) હતા કે જેઓ બધી બાજુએથી હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)નું રક્ષણ કરતા હતા. આવી પરિસ્થિતિમાં આપની તલવાર તૂટી ગઇ. જીબ્રઇલે અમીન(અ.સ.) આસમાનમાંથી ઝુલ્ફિકાર લઇને આવ્યા. આ લડાઇમાં હઝરત અલી (અ.સ.)ને 70 ઝખ્મ લાગ્યા. જંગે ખંદકમાં આપના માથા ઉપર તલવારનો ઘા લાગ્યો. અને અંતમાં મસ્જીદે કુફામાં ઇબ્ને મુલજીમે તેજ જગ્યાએ ફરી ઝરબત મારી જેના કારણે આપનું માથુ ફાટી ગયું અને દુ:ખોનો પહાડ આપના ઉપર તૂટી પડ્યો.
આ પ્રસંગો અને તે સિવાયના બીજા પ્રસંગોને ધ્યાનમાં રાખીને હઝરત અબ્બાસ(અ.સ.)ની વિશિષ્ટતાઓ ઉપર નજર કરીએ.
હઝરત અબુલ ફઝ્લીલ અબ્બાસ(અ.સ.)ની શુજાઅત અને બહાદુરી દરેકની જીભ ઉપર છે. જ્યારે ઝોહૈરે યાદ અપાવ્યું કે આપના વાલીદની તમન્ના શું હતી. તો આપે આપના શરીરને ઘોડાની પીઠ ઉપર ટટ્ટાર કર્યું જેના કારણે તેની રેકાબ તૂટી ગઇ. આપ(અ.સ.) ઊંચા ઘોડા ઉપર બેસતા હતા, છતા આપ(અ.સ.)ના પગ જમીન પર ઘસડાતા હતા.
જનાબે અબ્બાસ(અ.સ.) પોતાના મસાએબમાં બધાથી અલગ તરી આવે છે. અને આ બધાજ દુ:ખો તેમણે અલ્લાહની ખુશનુદી, ઇમામે વક્ત(અ.સ.)ની ઇતાઅતમાં, માઅરેફત અને ઇમાનની સંપૂર્ણતા સાથે સહન કર્યા. જેમાંથી અમૂકનું નીચે વર્ણન કરીએ છીએ.
7. જેટલા બહાદુરો થઇ ગયા ખાસ કરીને જેમનુ ટુંકમાં વર્ણન અગાઉ કરવામાં આવ્યું તે બધાને મૈદાને જંગમાં પોતાની શુજાઅત અને બહાદુરીની કળા બતાવવાનો મૌકો મળ્યો. પરંતુ જ્યારે જ. અબ્બાસ(અ.સ.) ઝમાનાના ઇમામ હઝરત ઇમામ હુસૈન (અ.સ.)ની પાસે લડવા માટે પરવાનગી લેવા હાજર થયા તો ઇમામ(અ.સ.)એ બાળકો માટે પાણી લાવવાનો હકમ આપ્યો.
(મક્તલુલ હુસૈન , પા. 329)
સ્પષ્ટ છે કે પાણી લેવા જવું અને ફક્ત લડવા જવું તે બન્નેમાં મોટો તફાવત છે. તે સમયે જ. અબ્બાસ(અ.સ.)નો ઇતાઅતનો જઝબો સૌથી મોટી બહાદુરીનું પ્રદર્શન કરે છે. આ રીતે હઝરત અબ્બાસ(અ.સ.)ને પોતાની બહાદુરીની કળા બતાવવાનો મૌકો ન મળ્યો.
“હાએ વોહ જોશે શુજાઅત પર તસરરૂફ ન શય કા
ઉફ વો તૂફાન જીસે ઇઝને રવાની ન મિલા.”
(કાસીમ શુબૈર નસીરાબાદી)
2. જનાબે અબ્બાસ(અ.સ.) પોતાની સકાયતમાં પણ બધા કરતા અજોડ છે. અલબત્ત પાણી પીવરાવવું તેમનો ખાનદાની વારસો છે. હઝરત અબુ તાલીબ (અ.સ.) ખાનએ કાબાના હાજીઓ માટે પીવાનું પાણી પુરૂં પાડતા પરંતુ તેમના દાદામાં અને મૈદાને કરબલામાં ઇમામ હુસૈન (અ.સ.)ના તરસ્યા બાળકો માટે પાણીની વ્યવસ્થા કરવી તે બંનેમાં ઘણો મોટો તફાવત છે. કદાચ આના કારણેજ હઝરત અબ્બાસ(અ.સ.)ને સક્કાએ હરમ કહેવામાં આવે છે. ખૂબ સખત તરસની હાલતમાં તરસ્યા બાળકો માટે પાણીની વ્યવસ્થા કરવી અને પોતાની જીભને પાણીની ઠંડકનો આભાસ પણ ન થવા દેવો.
3. જનાબે જાફરે તૈયાર(અ.સ.)ના હાથ કાપવામાં આવ્યા પરંતુ માથું શરીરથી અલગ કરવામાં નહોતું આવ્યું. હઝરત અબ્બાસ(અ.સ.)ના હાથ પણ કાપવામાં આવ્યા અને માથું પણ શરીરથી અલગ કરવામાં આવ્યું.
4. જ્યારે જનાબે હમ્ઝાની છાતી ઉપર હબશી ગુલામે હુમલો કર્યો ત્યારે તેમની છાતી ઉપર કોઇ મશક ન હતી અને તરસ્યા બાળકોની તરસની ચિંતા તેમના મગજમાં ન હતી. પરંતુ જ્યારે હઝરત અબ્બાસ(અ.સ.)ની છાતી પર દુશ્મનોએ તીર માર્યું ત્યારે તે મશ્કનું બધુંજ પાણી વહી ગયું જેને હ. અબ્બાસ(અ.સ.) બચાવીને લાવી રહ્યા હતા. અને તરસ્યા બાળકો સુધી પહોંચાડવા ઇચ્છતા હતા.
5. હઝરત અલી(અ.સ.)ના મુબારક માથા ઉપર ઇબ્ને મુલજીમે તલવારનો વાર કર્યો. પરંતુ ત્યારે આપ(અ.સ.) સજદામાં હતા ઘોડા ઉપર સવાર નહતા. આપ(અ.સ.)ના હાથ સલામત હતા. જેનાથી તેઓ પોતાનું ફાટેલું (ઝખ્મી) માથું પકડી શક્તા હતા. પરંતુ જ્યારે હઝરત અબ્બાસ(અ.સ.)ના માથા ઉપર ઝરબત વાગી ત્યારે આપ(અ.સ.)ના હાથ પહેલાજ કપાઇ ચુક્યા હતા. છાતી ઉપર તીર હતું અને આપ ઘોડા ઉપર હતા. આવી ઝખ્મી હાલતમાં અલી(અ.સ.)ના લાલનું જમીન ઉપર આવવું ફક્ત તેમની સાથેજ વિશિષ્ટતા ધરાવે છે. આ પણ હઝરત અબ્બાસ(અ.સ.)ની બધા કરતા અલગ તરી આવતી ખુસુસીયત છે.
6. ફુરાત ઉપર જવું, મશ્કમાં પાણી ભરવું અને ખુદ પોતેજ તરસ્યું રહેવું.
7. મૈદાને કરબલાનો દરેક શહીદ ઇમામ હુસૈન (અ.સ.)ની નજરમાં માન અને ચાહતને પાત્ર હતો પરંતુ કોઇની પણ શહાદત ઉપર ઇમામ હુસૈન(અ.સ.)એ આમ નથી ફરમાવ્યું:
اَلْآٰنَ اِنْکَسَرَ ظَھَرِيْ
“હવે મારી કમર તૂટી ગઇ.”
8. દરેક શહીદનું મય્યત ઇમામ હુસૈન (અ.સ.) મૈદાનમાંથી લાવ્યા હતા. પરંતુ હઝરત અબ્બાસ(અ.સ.)નું મુબારક શરીર ત્યાંજ ફુરાતના કિનારે રહેવા દીધું અને કપાએલા હાથો લઇને ખૈમામાં પાછા આવ્યા. આ પણ જનાબે અબ્બાસ(અ.સ.)નું બધા કરતા અલગ હોવું દર્શાવે છે. તેમના મસાએબની જેમ અલ્લાહ તેમનો મરતબો પણ બધા કરતા અલગ રાખવા માંગે છે. આપે એ વાતનું અવલોકન કર્યું હશે કે માઅસુમ(અ.સ.)ના રોઝાની સામે બીજા કોઇનો રોઝો નથી. મદીનામાં રસુલે ખુદા (સ.અ.વ.)નો રોઝો છે અને જન્નતુલ બકીઅમાં માસુમીન(અ.સ.)ની વીરાન કબ્રો છે. આતો નજદવાળાઓનો દેશ છે. મશહદે મુકદ્દસમાં ફક્ત ઇમામ અલી રઝા(અ.સ.)નો રોઝો છે. સામર્રામાં ઇમામ અલી નકી (અ.સ.) અને ઇમામ હસન અસ્કરી (અ.સ.)ના રોઝા છે. કાઝમૈનમાં ઇમામ મુસા કાઝીમ(અ.સ.) અને ઇમામ મોહમ્મદ તકી(અ.સ.)ના રોઝા છે. નજફે અશરફામાં હઝરત અલી બિન અબી તાલીબ(અ.સ.)નો રોઝો છે. ક્યાંય પણ ગેરમાઅસુમ કે ગૈરઇમામનો રોઝો નથી. અલ્લાહ (સુ.વ.ત.)ની નજીક હઝરત અબુલ ફઝ્લીલ અબ્બાસ(અ.સ.)નું એ સ્થાન, શ્રેષ્ઠતા અને મરતબો છે કે ઇમામ હુસૈન (અ.સ.) સાથે જ હઝરત અબ્બાસ(અ.સ.)નો પવિત્ર રોઝો છે. ઝિયારત કરવાવાળાઓનો ખૂબ મોટો સમૂહ અને રોઝામાંથી જાહેર થનારા અગણિત મોઅજીઝાઓ એ વાતના ગવાહ છે કે ખુદાવન્દે આલમ હઝરત અબ્બાસ(અ.સ.)ના સ્થાન અને મરતબાને સ્પષ્ટ રીતે જાહેર કરવા માંગે છે, કારણકે મોઅજીઝાઓ અલ્લાહની પરવાનગી અને તેના રાજીપણા વિના જાહેર થઇ શકતા નથી. અને અલ્લાહ (સુ.વ.ત.) વિના કારણે કોઇના સ્થાનને ઉચ્ચ નથી કરતો. જનાબે અબ્બાસ(અ.સ.)ની આ ભવ્યતા બતાવી રહી છે કે તેમને બધાજ શહીદો ઉપર શ્રેષ્ઠતા પ્રાપ્ત થયેલ છે અને કયામતના દિવસે બધાજ શહીદો તેમની ઉચ્ચતા અને મહાનતા મેળવવાની ઇચ્છા કરશે.
9. દુનિયા તે જગ્યા છે જ્યાં શહીદની કુરબાનીનો પુરે પુરો બદલો મળી શકતો નથી. કયામતમાં કે જ્યાં અલ્લાહ તઆલા દરેકને તેના ઇમાન અને અમલનો પુરેપુરો બદલો આપશે તો પછી કયામતના મેદાનમાં જ. અબ્બાસ(અ.સ.)ની ઉચ્ચતા શું હશે?
કિતાબ “અસરારુશ્શહાદતના લેખકે આ પ્રસંગને અમૂક મોઅતબર વ્યક્તિઓથી લખેલ છે. “જ્યારે કયામતનો હંગામ હશે અને મેહશરવાળા તકલીફોમાં સપડાએલા હશે ત્યારે રસુલે ખુદા(સ.અ.વ.) જનાબે અમીરૂલ મોઅમેનીન(અ.સ.)ને જ. ફાતેમા(સલા.)ની ખીદમતમાં મોકલશે જેથી કરીને તેઓ મકામે શફાઅત ઉપર તશરીફ લાવે. હઝરત અલી(અ.સ.) જનાબે ફાતેમા(સ.અ.)ને પુછશે કે : “તમારી પાસે શફાઅત માટે શું છે? આ મહાન અને ખૌફનાક (ભયંકર) દિવસ માટે આપે શું સંગ્રહ કરી રાખ્યું છે? જનાબે ફાતેમા ઝહેરા(સલા.) જવાબમાં ફરમાવશે.
يَا اَمِيْرَ الْمُوْمِنِيْنَ کَفَّانَا لِاَجْلِ ھٰذَا الْمَقَامِ الْيَدَانِ الْمَقْطَوْ عَتَانِ مِنْ اِبْنِيْ اَلْعَبَّاسِ
“અય અમીરૂલ મોઅમેનીન(અ.સ.) આ દિવસ માટે મારા પુત્ર અબ્બાસ(અ.સ.)ના કપાએલા બે હાથ પુરતા છે.”
(અસરારુશશહાદત, ભાગ 2, પા. 514)
જનાબે ફાતેમા(સલા.) ખાતુને મહેશર છે. પોતે શફાઅત કરવાવાળા અને શફીએ રોઝે મહેશર હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)ના પુત્રી છે. અને “કસીમુલ જન્નતે વન્નાર (જન્નત અને જહન્નમ વહેચવાવાળા) હઝરત અલી(અ.સ.)ના જવઝા છે. જન્નતના જવાનોના સરદારની માતા છે. જ્યારે તેઓ શફાઅત માટે જ. અબ્બાસ(અ.સ.)ના કપાએલા હાથોને પેશ કરે તો તેમની (હ. અબ્બાસ(અ.સ.)નો) મહાનતા કેટલી બુલંદ હશે.
અલ્લાહ તઆલા જનાબે ફાતેમા(સ.અ.)ની મઝલુમીયતના વાસ્તાથી આપણને બધાને કયામતના દિવસે હઝરત અબ્બાસ(અ.સ.)ની શફાઅત નસીબ કરે, અને દુનિયામાં ઇમામે ઝમાના હઝરત હજ્જત ઇબ્નીલ હસનીલ અસ્કરી(અ.સ.)નું રક્ષણ, દુઆ, હિફાઝત અને તબ્લીગ કરવાની શ્રેષ્ઠ અને સંપૂર્ણ તૌફીક અતા કરે.
આમીન…..
Comments (0)