હઝરત અબ્બાસ(અ.સ.) અને તેમના સમયના ઇમામ(અ.સ.)
હઝરત આદમ(અ.સ.)ના સર્જનના સમય ગાળા ઉપર ચિંતન કરવામાં આવે અને તેના પછીના ઝમાના ઉપર ધ્યાન દેવામાં આવે તો ખૂબજ સરળતાથી એ વાત સમજાય છે કે ખુદાવંદે આલમે એક એવી વ્યવસ્થા ગોઠવી છે કે જેમાં એક વ્યક્તિને ‘મુતાઅ’ (જેની ઇતાઅત અને તાબેદારી કરવામાં આવે) તો બીજા વ્યક્તિને ‘મુતીઅ’ (ઇતાઅત અને તાબેદારી કરનારો), એકને ફરમા-રવાં (જેની ફરમાબરદારી કરવામાં આવે છે) તો બીજાને ફરમાબરદાર (અનુસરણ કરનાર) બનાવ્યા. ટૂંકમાં એ કે અમૂક લોકો એવા છે કે જેની ઇતાઅત કરવામાં આવે છે અને બાકીના એવા છે કે જેઓ આવા અમૂક લોકોની તાબેદારી કરે છે. અગર કોઇ આ વ્યવસ્થાનો વિરોધ કરે અને તેનાથી મોઢું ફેરવે તો તે (અલ્લાહની) બારગાહમાંથી ધુત્કારેલો ગણાશે. તેની ગણતરી સરકશ અને બળવાખોરોમાં થશે. તે ગુમરાહ થશે, ઠપકાપાત્ર અને વખોડવાને પાત્ર બનશે. તેને કયામતના દિવસે ઉંધા મોઢે જહન્નમની આગમાં ફેંકી દેવામાં આવશે. અને આનાથી ઉલ્ટું અગર કોઇ વ્યક્તિ આ નિઝામ અને વ્યવસ્થાનું પાલન કરશે તો તે દુનિયા અને આખેરત બન્નેમાં કામિયાબ થઇ જશે.
આ વ્યવસ્થા કાલે પણ હતી, આજે પણ છે અને જ્યાં સુધી આ દુનિયા બાકી રહેશે ત્યાં સુધી તે કાયમ રહેશે. આ દુનિયામાં અમૂક લોકો એવા પણ થઇ ચૂક્યા છે કે જેઓએ ‘મુતાઅ’ અને ‘મુતીઅ’ની આ વ્યવસ્થાનું એટલી હદ સુધી અનુકરણ કર્યું અને ઇતાઅતની તે મંઝીલ સુધી પહોંચી ગયા કે કયામત સુધી તેમના નામ હંમેશા મોખરે રહેશે.
ઇતાઅતની હદો :
દુનિયા અને આખેરતની કામિયાબી માટે અલ્લાહ ઉપર ઇમાન, તેના રસુલ(સ.અ.વ.) ઉપર ઇમાન અને રસુલ(સ.અ.વ.)ના ઉત્તરાધિકારી અને વસીઓ ઉપર ઇમાન એક જરૂરી શરત છે. અને ઇમાનની શરત ઇતાઅત છે.
નબીઓ(અ.સ.) અને વસીઓ(અ.સ.)ની ઇતાઅતનો અર્થ એ છે કે માણસ પોતાના નફસ ઉપર તે મહાન હસ્તીઓને પ્રાથમિકતા આપે. એહલેબૈત(અ.સ.)ના શીયાઓ માટે આ વાત સમજવી ખૂબજ સરળ છે કારણ કે ગદીરના દિવસે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)એ લોકોની સામે આજ વાત રજુ કરી હતી.
اَلَسْتُ اَولٰي بِکُمْ مِنْ اَنْفُسِکُمْ؟ قَالُوْا اَللّٰهُمَّ بَلٰي
“અય મુસલમાનો, શું હું તમારા નફસો (જાન) ઉપર તમારાથી વધારે અધિકાર ધરાવતો નથી? શું હું તમારા ઉપર તમારા કરતા વધારે અધિકાર ધરાવતો નથી?”
તેઓ બધાએ એક અવાજમાં જવાબ આપ્યો :
“અલ્લાહની કસમ, હા”
(અલ ગદીર, અલ્લામા અમીની, ભાગ 1, પા. 8)
ઇસ્લામનો ઇતિહાસ એવા પ્રસંગો તરફ આપણું ધ્યાન દોરે છે કે પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની ઇતાઅતમાં લોકોએ પોતાની જાનની પરવાહ ન કરી. પરંતુ પયગમ્બર(સ.અ.વ.)ની જીંદગીને પ્રથામિકતા આપી અને પોતાની જાતને કુરબાની માટે હાજર કરી દીધી.
આ બાબતમાં હઝરત અમીરૂલ મોઅમેનીન(અ.સ.) બધા કરતા આગળ વધી ગયા. આખી દુનિયામાં આપ (અ.સ.)થી વધીને કોઇએ પણ પયગમ્બર(સ.અ.વ.)ની ઇતાઅત કરી નથી. આપ (અ.સ.) પયગમ્બર(સ.અ.વ.)ને પોતાની જાત કરતા પણ વધારે ચાહતા હતા. જંગે ઓહદમાં (જ્યારે બધા આપને છોડીને ચાલ્યા ગયા ત્યારે) આપ(અ.સ.) રસુલ(સ.અ.વ.)ની આજુ-બાજુ પતંગિયાની જેમ ફરી રહ્યા હતા. દુશ્મનોના તીર, તલવારના ઘા, ભાલાઓ અને પત્થરો પોતાના શરીર ઉપર લઇ રહ્યા હતા જેથી કરીને પયગમ્બર(સ.અ.વ.) સલામત અને સુરક્ષિત રહે. શેઅબે અબી તાલીબમાં ત્રણ વર્ષ સુધી આપ(સ.અ.વ.)ની સુરક્ષાનું કાર્ય અંજામ આપતા રહ્યા. શબે હિજરત આપ(સ.અ.વ.)ના બીછાના ઉપર પોતાની જાનની પરવાહ કર્યા વગર સૂઇ ગયા. અને પયગમ્બર(સ.અ.વ.)ની સલામતી ખાતર દુશ્મનોની તલવારોને પોતાની જાનના બદલામાં ખરીદી લીધી. ઇતાઅતના આ ઉદાહરણને આ પહેલા કોઇ રજુ કરી શક્યુ નથી. અને ન તો રજુ કરી શકશે. હા, અલી(અ.સ.)ના ઘરવાળાઓમાંથી અથવા અલી(અ.સ.)ના ચાહવાવાળાઓમાંથી આવુ ઉદાહરણ કરબલાના મૈદાનમાં જોઇ શકાય છે.
અલી(અ.સ.) હુજ્જતે ઇલાહીની ઇતાઅતના જે ઉચ્ચ સ્થાન ઉપર બિરાજમાન હતા તેજ સ્થાનની કેળવણી પોતાની અવલાદને પણ આપી. મોહમ્મદ બિન હનફીયા હઝત અબુલ ફઝલીલ અબ્બાસ, અને ઝયદ બિન અલીને પોતાના દિકરા કહેતા હતા. તેમના કરતા વધારે ઔલાદે પયગમ્બર હસનૈન(અ.સ.)ને વધારે ચાહતા હતા. આ બન્ને મહાન હસ્તીઓની હિફાઝત માટે પોતાના દિકરીઓને કુરબાન કરવા ચાહતા હતા.
આ લેખમાં અમે હઝરત અબ્બાસ(અ.સ.)ની તે વિશેષતાઓનું વર્ણન કરવા ઇચ્છીએ છીએ કે જેમાં આપ(અ.સ.)એ પોતાની જાન કરતા ઇમામ હુસૈન (અ.સ.)ની જાનને પ્રાથમિકતા અને અગ્રતા આપી હતી. પોતાની જાત કરતાં ઇમામે વક્ત, ઇમામ હુસૈન (અ.સ.)ને વધારે ચાહતા હતા.
અહીં અમે અમૂક પ્રસંગો રજુ કરીએ છીએ જે દર્શાવે છે કે આપ(અ.સ.)ની નજર સમક્ષ ઝમાનાના ઇમામનો શું મરતબો અને સ્થાન હતું.
અમાનનામાને રદ કરવું :
જ્યારે ઇબ્ને ઝિયાદ એ શિમ્ર બિન ઝીલ જવશનને ઉમર બિન સાદના નામથી એમ કહીને પત્ર લખ્યો કે હુસૈન (અ.સ.)ને કત્લ કરી નાખો અથવા તો લશ્કરથી અલગ થઇ જાવ અને લશ્કરની સરદારી શીમ્રને સોંપી ઘ્યો.
જ્યારે આ પત્ર શીમ્રને આપવામાં આવી રહ્યો હતો ત્યારે ઉમ્મુલ બનીનનો ભત્રીજો અબ્દુલ્લાહ બિન અબીલ મહલ બિન હુરરામ પણ ત્યાં હાજર હતો. તેણે ઉભા થઇને કહ્યું કે, “અય અમીર! મારા ફૂઇના દિકરાઓ અબ્બાસ, અબ્દુલ્લાહ, જાફર અને ઉસમાન કે જેઓ અલી બિન અબી તાલીબ(અ.સ.)ના પુત્રો છે તેઓ પણ તેમના ભાઇની સાથે આવ્યા છે. અગર શક્ય હોય તો તેમના માટે અમાનનામું લખી આપો. ઇબ્ને ઝિયાદે કહ્યું. ‘ઘણું સારૂ!’ કેવી આશ્ર્ચર્યજનક વાત છે! અબુલ ફઝ્લીલ અબ્બાસ(અ.સ.)ના મામાનો દિકરો ઇબ્ને ઝિયાદ પાસે પોતાની મેળે અમાનનામું લખાવીને પોતાના ફૂઇના દિકરાઓની મોટી સેવા કરી રહ્યો છે પરંતુ તેને ઇમામે વક્ત, હુજ્જતે ખુદા ઇમામ હુસૈન (અ.સ.)ની કોઇ ચિંતા નથી. પરંતુ શું તેઓ આ અમાનનામાથી ફાયદો ઉપાડશે અને પોતાના ભાઇ, પોતાના આકા અને ‘ઇમામ’ને મૂકીને પોતાની જાન બચાવીને નિકળી જશે?
જ્યારે અબ્દુલ્લાહનો ગુલામ આ અમાનનામું લઇને કરબલા પહોંચ્યો અને ઉમ્મુલ બનીનના દીકરાઓને મળીને તેમને જણાવ્યું કે તમારા મામાના દિકરા ભાઇએ તમારા માટે આ અમાનનામું મોકલ્યું છે, તો કદાચ તે એમ વિચારતો હતો કે આ સાંભળી તેઓના ચહેરા ઉપર રાહતનો અનુભવ નિહાળશે. પરંતુ આખરે તેઓ તો હઝરત અમીરૂલ મોઅમેનીન(અ.સ.)ના દીકરાઓ હતા. તેઓએ તરતજ જવાબ આપ્યો :
“અમારા મામાના દીકરા ભાઇને અમારા સલામ આપજો અને કહેજો કે અમોને ઇબ્ને ઝિયાદના અમાનનામાની કોઇ જરૂર નથી. અલ્લાહની અમાન ઇબ્ને સુમય્યાની અમાન કરતા બહેતર છે.”
આને કહેવાય ઇતાઅત, પોતાની જાન ઉપર, પોતાના નફસ ઉપર ઝમાનાના ઇમામને પ્રાથમિકતા આપવી. આ છે ઇમાનનું ઉચ્ચતમ શિખર.
(તારીખે આશુરા લે. ઇબ્રાહીમ આયતી, પા. 130)
શીમ્ર (લ.અ.)ને જડબાતોડ જવાબ :
જ્યારે શીમ્ર (લ.અ.) કરબલા પહોંચ્યો અને ઇબ્ને ઝિયાદનો પત્ર ઉમરે સાદને આપ્યો અને ઉમરે સાદ અમીરના હકમને માનવા ઉપર રાજી થયો, ત્યારે શીમ્ર કે જે ઉમ્મુલ બનીન સાથે સગપણ ધરાવતો હતો. (અરબોમાં એ રિવાજ છે કે એક જ કબીલાથી સંબંધ ધરાવતા દૂરના સંબંધી પણ બહેનના દિકરા કહેવાય છે. ઉમ્મુલ બનીન શીમ્રના સગા બહેન નહોતા પરંતુ તેના કબીલાના હતા) શીમ્ર ખૈમાની નજીક આવ્યો અવાજ આપી:
اَيْنَ بَنُوْ اُخْتِي عبدُ اللّٰهِ وَ جَعَفَرُ وَا الْعَبَّاسُ وَ عُثْمَانُ؟
“ક્યાં છે મારી બહેનના દિકરાઓ અબ્દુલ્લાહ, જાફર, અબ્બાસ અને ઉસ્માન?”
ઇમામ હુસૈન (અ.સ.)એ ફરમાવ્યું : “અલબત્ત, શીમ્ર (લ.અ.) ફાસીક છે પણ તેને જવાબ આપો.
હઝરત અબ્બાસ(અ.સ.) અને તેમના ભાઇઓએ શીમ્રને પુછ્યું :
“શું ઇચ્છો છો?”
શીમ્ર (લ.અ.) એ કહ્યું :
يَا بَنِيْ اُخْتِيْ اَنْتُمْ آمِنُوْنَ فَلاَ تَقَتُلُوا اَنْفُسَکُمْ مَع اَخِيْکُمُ الْحُسَيْنِؑ وَ اَلْزِمُوْا طَاعَۃَ اَمِيْرِ بِن الْمُوْمِنِيْنَ يَزِيْدَ (ابن معويۃ)
“અય મારી બહેનના દીકરાઓ! તમે બધા અમાનમાં છો. બસ તમે બધા તમારા ભાઇ હુસૈન (અ.સ.)ની સાથે હલાક ન થાવ અને હ. અમીરૂલ મોઅમેનીન યઝીદ (લ.અ.)ની ઇતાઅત કરો.”
આ પણ કસોટીનું સ્થાન હતું : હઝરત અબ્બાસ(અ.સ.)નો જવાબ સાંભળો.
تَبَّتْ یَدَاکَ وَ بِئسَ مَا جِئْتَنَا بِہٖ مِنْ اَمَانِکَ یَا عَدُوَّﷲِ اَتَأْمُرُنَا اَنْ نَتْرُکَ اَخَانَا وَ سَیَّدَنَا الْحُسَیْنَ بْنِ فَاطِمَۃَ وَ نَدْخُلَ فِی طَاعَۃِ اللُّعَنَائِ وَ اَوْلَادِ اللُّعَنَائِ۔
હઝરત અબ્બાસ(અ.સ.) એ ફરમાવ્યું : “તારા હાથ તુટી જાય! અમારા માટે કેટલી ખરાબ અમાન લાવ્યો છે? અય ખુદાના દુશ્મન! તું અમને એવો હકમ આપે છે કે અમે અમારા ભાઇ અને સૈયદો – સરદાર હુસૈન બિન ફાતેમા (સ.અ.)ને છોડી દઇએ અને મલઉન અને લાનતને પાત્રની અવાલદની ઇતાઅત કરીએ?”
આ જવાબ સાંભળી શીમ્ર (લ.અ.) ગુસ્સે થઇને પોતાના લશ્કર તરફ પાછો ફર્યો.
(લોહફ લે. સૈયદ ઇબ્ને તાઉસ, પા. 106, 107)
શીમ્રએ કહ્યું: “પોતાની જાનને પોતાના ભાઇની ખાતર હલાક ન કરો.
હઝરત અબ્બાસ(અ.સ.)એ કહ્યું: “તેઓ ફક્ત મારા ભાઇ નથી પરંતુ તેઓ મારા સૈયદ, સરદાર અને મારા ઇમામ છે. હું મારી જાન આપીને એમની ઇતાઅત કરીશ. હું એમના માટેજ જીવું છું અને એમની ઇતાઅત કરતા કરતા શહાદતના મહાન મરતબા ઉપર પહોંચીશ.
ઇમામે વક્તની મદદ :
જ્યારે આપનો જમણો હાથ કપાયો આપે પોતાના ઝમાનાના ઇમામને મદદ માટે આ રીતે એલાન કર્યું.
وَﷲِ اِن قَطَعْتُمْ یَمِیْنِیْ
اِنِّیْ اُحَامِی اَبَدًا عَنْ دِیْنِی
وَعَنْ اِمَامٍ صَادقِ الیَقِیْنِ
نَجْلِ النَّبِی اَلطَّاہِرِ الاَمِیْنِ
“ખુદાની કસમ અગર તમે મારા જમણા હાથને કાપી નાખો તો પણ હું મારા સાદેકુલ યકીન (સત્યનું યકીન ધરાવનારા) ઇમામ અને પવિત્ર અને અમાનતદાર નબીની અવલાદની હંમેશા મદદ કરીશ.
અને જ્યારે ડાબો હાથ કપાયો તો આપ(અ.સ.)એ ફરમાવ્યું :
یَا نَفْسِ لاَ تَخْشیٰ مِنْ الکُفَّارِ
وَاَبْشِرِیْ بِرَحْمَۃِ الْجَبَّارِ
مَعَ النَّبِیِّ السَّیِّدِ الْمُخْتَارِ
مَعَ جُمْلَۃِ السَّادَاتِ وَالْاَطْہَارِ
قَدْ قَطَعُوا بِبَغْیِہِم یَسَارِیْ
فَاَصْلِہِمْ یَا رَبِّ حَرَّ النَّارِ
“અય મારા નફ્સ, કાફીરોથી ડરીશ નહી. હું તને ખુદાએ જબ્બારની રહેમતની ખુશખબરી આપું છું. (કે તું હોઇશ) તું માલિક અને મુખ્તાર અને સૈયદો સરદાર નબીની સાથે અને તું પાક અને ખૂબજ પવિત્ર નફ્સોની સાથે હોઇશ. બેશક તેઓ તારા ડાબા હાથને દગાથી કાપી નાખશે. બસ અય મારા પરવરદિગાર તું તેમને જહન્નમની ભડકતી આગમાં નાખી દે.”
એક બીજું ઉદાહરણ જુઓ. જ્યારે આપ(અ.સ.) ફુરાત ઉપર પહોંચ્યા અને પાણી ઉપર કબ્જો કરી લીધો અને ખોબામાં પાણી લીધું પણ જ્યારે ઇમામ(અ.સ.)ના ઘરનાઓની તરસ યાદ આવી તો પાણીને ફેંકી દીધું અને કહ્યું:
یَا نَفْسِ مِنْ بَعْدِالْحُسَیْنِ ہُوْنِی
وَ بَعَدَہُ لاَ کُنْتِ اَنْ تَکُوْنِی
ہٰذَا الْحُسَیْنُ وَارِدُ الْمَنُوْنِ
وَ تَشْرَبِیْنَ بَارِدَ الْمَعِیْنِ
تَا اللّٰہِ مَا ہٰذَا فِعَالُ دِیْنِی
“અય મારા નફ્સ, ઇમામ હુસૈન (અ.સ.)ની પછી જીવંત રહેવું અપમાન છે અને તેમના પછી તું શા માટે રહીશ, આ ઇમામ હુસૈન (અ.સ.) દરિયાના કિનારા ઉપર છે. અને તેમનું ગળું સુકાએલું છે અને તું ઠંડુ પાણી પી લેશે! ખુદાની કસમ આ મારા દીનમાંથી નથી.”
અગર આ વાક્યો ઉપર ચિંતન કરવામાં આવે તો હઝરત અબ્બાસ(અ.સ.)ની તે શાન અને મહાનતા સ્પષ્ટ રીતે જાહેર થઇને સામે આવી જાય છે જેનાથી આપ હઝરત(અ.સ.)નું પોતાના ઝમાનાના ઇમામને ‘મોતીઅ’ (અનુસરણ કરનારા) અને ફરમાંબરદાર (સમર્પિત થનારા) હોવુ, ઇમામે વક્ત ઉપર પોતાની જાનને કુરબાન કરી દેવી અને પોતાની જાત ઉપર ઇમામ(અ.સ.)ને પ્રથમિક્તા આપવાથી સાબિત થઇ જાય છે. એટલા માટે જ અઇમ્મા(અ.સ.)ની મુબારક જીભથી વર્ણવવામાં આવેલી આપની ઝિયારતમાં જોવા મળે છે.
اَلسَّلاَمُ عَلَیْکَ اَیُّہَا الْعَبْدُ الصَّالِحُ الْمُطِیْعُ لِلّٰہِ وَلِرَسُوْلِہٖ وَلِاَمِیْرِ الْمُؤْمِنِیْنَ…
“સલામ થાય આપના ઉપર અય અબ્દે સાલેહ (નેક બંદા), અલ્લાહના ‘મોતીઅ’ (અનુસરણ કરનારા) તેના રસુલના ‘મોતીઅ’ અને હઝરત અમીરૂલ મોઅમેનીન(અ.સ.)ના ‘મોતીઅ’….”
અય ખુદા અમોને હઝરત અબ્બાસ(અ.સ.) જેવું ઇમાન અતા કર કે જેના કારણે અમે કસોટીના સમયમાં અમારા ઝમાનાના ઇમામ(અ.સ.) ઉપર અમારી જાન કુરબાન કરી શકીએ. આમીન!!!
Comments (0)