ઇમામ ઝયનુલ આબેદીન(અ.સ.)ની શાનમાં ફરઝદકના કસીદાઓ

બની ઉમય્યાના ખલીફા હિશામ બિન અબ્દુલ મલીક હજ માટે ગયો અને તવાફ પછી તેણે હજરે અસ્વદને બોસો દેવાની ઇચ્છા જાહેર કરતા પોતાની પુરી દુન્યવી શાનો શોકતની સાથે ચાલવા લાગ્યો, પરંતુ લોકો તવાફ અને અલ્લાહની તસ્બીહમાં એટલા મશ્ગૂલ હતા કે બાદશાહને હજરે અસ્વદ તરફ જવા ન દીધો અને હિશામના ગુલામો પણ  લાચાર નજર આવ્યા.  પછી હિશામ પાછો ફરી ગયો અને ઉંચા તખ્ત ઉપર જઇને બેઠો અને હાજીઓને જોવા લાગ્યો. તે જ સમયે ઇમામ ઝયનુલ આબેદીન(અ.સ.) મસ્જીદુલ હરામમાં તશ્રીફ લાવ્યા અને લોકોએ ઇમામ(અ.સ.)ને રસ્તો આપવાનું શરૂ કરી દીધુ, આ જોઇને હિશામ  નવાઇ  પામ્યો. કોઇએ પુછ્યુ કે આ શખ્સીયત કોણ છે? હિશામે જાણવા છતા પણ અજાણ બનીને કહ્યુ કે ‘હું નથી જાણતો કે તે કોણ છે અને  લોકો શા માટે તેમની આજુ-બાજુ જમા થયા છે.’ ફરઝદક કે જેઓ ત્યાં તે સમયે મૌજૂદ હતા, જવાબ આપ્યો: પરંતુ હું જાણું છું કે આ શખ્સીયત કોણ છે, આટલુ કહીને તેમણે એક લાંબો કસીદો બયાન કર્યો:

યા સાએલી  અય્ન હલ્લલ્ જૂદો વલ્ કરમો

ઇન્દી બયાનુન્ એઝા તુલ્લાબોહૂ કદેમૂ

એ જૂદો કરમ, શરાફત અને બુઝુર્ગીના મરકઝના બારામાં સવાલ કરવાવાળા, આનો સ્પષ્ટ જવાબ મારી પાસે છે, અગર સવાલ કરવાવાળો મારી પાસે આવે.

હાઝલ્લઝી તઅ્રેફુલ બત્હાઓ વત્અતહૂ

વલ્ બય્તો યઅ્રેફોહૂ વલ્ હિલ્લો વલ્ હરમો

તેઓ તે છે, જેમને મક્કાની જમીન તેમના કદમોના નિશાન પરથી ઓળખી લેય છે. ખુદાનું ઘર (ખાનએ કાબા), હરમ અને હરમની બહારની જમીન તેમને ઓળખે છે.

હાઝબ્નો ખય્રે એબાદિલ્લાહે કુલ્લેહીમ

હાઝત્ તકીય્યુન નકીય્યુત્ તાહેરૂલ્ અલમો

તેઓ ખુદાના બેહતરીન બંદાઓના ફરઝંદ છે.  તેઓ પરહેઝગાર પાક અને પાકીઝા અને હિદાયતના પરચમ છે.

હાઝલ્લઝી અહ્મદુલ્ મુખ્તારો વાલેદોહૂ

સ્વલ્લે અલય્હે એલાહી મા જરલ્ કલમો

તેઓ તે છે કે જેમના પિતા અલ્લાહના પસંદીદા રસૂલ અહમદે મુખ્તાર(સ.અ.વ.) છે, જેના પર ખુદા હંમેશા દુરૂદ અને સલામ મોકલે છે.

લવ્ યઅ્લમુર્ રૂક્નો મન્ કદ્ જાઅ યલ્સેમોહૂ

લ ખર્ર યલ્સેમો મિન્હો મા વતેઅલ્ કદમો

અગર હજરે અસ્વદને ખબર પડી જાય કે કોણ તેનો બોસો લેવા માટે આવી રહ્યું છે, તો આપો-આપ પોતાને જમીન પર પછાડીને એમના કદમોનો બોસો લેતે.

હાઝા અલીય્યુન રસૂલુલ્લાહે વાલેદોહૂ

અમ્સત્ બે નૂરે હોદાહો તહ્તદિલ્ ઓમમો

આ અલી(અ.સ.)છે અને અલ્લાહના રસૂલ (સ.અ.વ.) તેમના વાલિદ છે. તેમની હિદાયતથી ઉમ્મતો હિદાયત હાંસિલ કરે છે.

હાઝલ્લઝી અમ્મોહુત્ તય્યારો જઅફરૂન્

વલ્ મક્તૂલો હમ્ઝતો લય્સુન હુબ્બોહૂ કસમુન્

જનાબે જઅફરે તય્યાર અને જનાબે સય્યદુશ્શોહદા હમ્ઝા તેમના કાકા છે. તેઓ શેરે ઇલાહી છે કે બહાદુર અને દિલેર જેમની કસમ ખાય છે.

હાઝબ્નો સય્યેદતિન્ નિસ્વાને ફાતેમત

વબ્નુલ વસીય્યીલ્ લઝી ફી સય્ફેહી નેકમુન્

તેઓ ઔરતોના સરદાર જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ના ફરઝંદ છે અને વસીય્યે પયગંબરના ફરઝંદ છે, જેમની તલ્વારમાં (મુશ્રીકો અને કાફીરોની) મૌત છુપાએલી છે.

એઝા રઅત્હો કુરય્શુન્ કાલ કાએલોહા

એલા મકારેમે હાઝા યન્તહિલ્ કરમો

કુરૈશ તેમને જોઇને કબુલ કરે છે કે શરાફતો અને બુઝુર્ગીઓ તેમની શખ્સીયત ઉપર પૂર્ણ થાય છે.

યુન્મી એલા ઝિર્વતિલ્ ઇઝ્ઝીલ્ લતી કસોરત્

અન્ નય્લેહા અરબુલ ઇસ્લામે વલ્ અજમો

તેઓ ઇઝ્ઝતની તે બુલંદી ઉપર છે, જ્યાં અરબ અને અજમ પહોંચવાથી અસમર્થ છે.

વ લય્સ કવ્લોક મન્ હાઝા બે ઝાએરેહિલ્

અરબો તઅ્રેફો મન્ અન્કર્ત વલ્ અજમો

(અય હિશામ!) તારૂ આ કહેવું કે ‘આ કોણ છે?’ તેનાથી તેમનું કોઇ નુકસાન નથી. જેને તું નથી ઓળખતો તેને અરબ અને અજમ ઓળખે છે.

યુગ્ઝી હયાઅન્ વ યુગ્ઝ મિન્ મહાબતેહી

ફમા યોકલ્લમો ઇલ્લા હીન યબ્તસેમો

તેઓ હયાથી આંખો ઝુકાવી રાખે છે. લોકો તેમની હયબતથી નજર ઉઠાવીને તેમને જોઇ નથી શકતા. તેમનાથી વાત-ચીત ત્યારે જ શક્ય છે, જ્યારે તેમના હોઠો ઉપર મુસ્કુરાહટ હોય.

યન્જાબો નૂરૂદ્ દોજા અન્ નૂરે ગુર્રતેહી

કશ્ શમ્સે યન્જાબો અન્ ઇશ્રાકેહઝ્ ઝોલમ્

તેમની પેશાનીના નુરથી અંધકાર દૂર થઇ જાય છે. જે રીતે સૂરજથી અંધકાર દુર થઇ જાય છે.

મા કાલ લા કત્તો ઇલ્લા ફી તશહ્હુદેહી

લવ્લત્ તશહહોહદો કાનત્ લાઓહૂ નઅમ્

તેઓ એટલા સખી છે, અગર તશહ્હુદમાં ‘લા’(નહી) ન હોતે તો તેમની ઝબાને મુબારકથી ક્યારેય ‘લા’જારી ન થતે.

મુશ્તક્કતુન્ મિન્ રસુલિલ્લાહે નબ્અતોહૂ

તાબત્ અનાસેરોહૂ વલ્ ખીમો વશ્ શેયમો

તેઓનું મૂળ રસુલુલ્લાહ(સ.અ.વ.)ની પવિત્ર ઝાત છે. પાક  અને પાકીઝા અખ્લાક બેહતરીન આદતો અને રીતભાતવાળો કિરદાર.

હમ્માલો અસ્કાલે અક્વામિન એઝા ફદહૂ

હુલ્વુશ્ શમાએલે તહ્લુ ઇન્દહૂ નેઅમુન્

કૌમની હિદાયતનો ભારે બોજ તેમણે પોતાના પીઠ ઉપર ઉપાડેલો છે, જેને ઉઠાવવાથી પહાડો ઇન્કાર કરે છે.

ઇન્ કાલ કાલ બેમા યહ્વ જમીઓહુમ્

વ ઇન્ તકલ્લમ યવ્મન્ ઝાનહુલ કલેમો

અગર તેઓ પોતાના હોઠોને ખોલે તો બધા તેમની વાતને તસ્લીમ કરે છે, તેમની વાતચિત ફસાહત અને બલાગતની ઝીનત છે.

હાઝબ્નો  ફાતેમત ઇન્ કુન્ત જાહેલહૂ

બે જદ્દેહી અમ્બેયાઉલ્લાહે કદ્ ખતમૂ

અગર તુ તેમને નથી જાણતો તો જાણી લે કે તેઓ ફાતેમા(સલામુલ્લાહે અલય્હા)ના ફરઝંદ છે. તેમના નાના ઉપર નબુવ્વત અને રિસાલત ખત્મ થઇ.

અલ્લાહો ફઝ્ઝલહૂ કેદમન્ વ શર્રફહૂ

જરા બેઝાક લહૂ ફી લવહેહિલ કલમો

ખુદાએ તેમને અવ્વલીન અને આખરીન ઉપર ફઝીલત અને શરફ અતા કર્યો છે. લવ્હે મહફૂઝના કલમે તેમના બારામાં આ લખ્યું છે.

મન જદ્દોહૂ દાન ફઝલુલ્ અંબીયાએ લહૂ

વ ફઝ્લો ઉમ્મતેહી દાનત લહલ્ ઓમમો

આ તે છે, કે જેમના નાનાના ફઝાએલની સામે તમામ અંબીયા(અ.મુ.સ.)ના ફઝાએલ ઓછા છે. તેમની ઉમ્મતને પણ તમામ અંબીયા(અ.મુ.સ.)ની ઉમ્મત ઉપર ફઝીલત હાંસિલ છે.

અમ્મલ્ બરીય્યત બિલ્ એહસાને વન્કશઅત્

અન્હલ્ અમાયતો વલ્ ઇમ્લાકો વઝ્ ઝોલમો

તેમની બક્ષીશ અને અતાએ તમામ મખ્લુકાતને ઘેરી લીધી છે. ગુમરાહી, ભૂખમરો અને અંધકાર તેમનાથી ખૂબ જ દૂર છે.

કિલ્તા યદય્હે ગેયાસુન્ અમ્મ નફ્અહોમા

યસ્તવ્કેફાને વલા યઅ્રરૂહોમા અદમુન્

તેમના બંને હાથો ખુદાની રહેમતના વાદળોની જેમ છે, જેનાથી દરેક લોકો ફાયદો હાંસિલ કરે છે. અહીં મહેરૂમીને અને વંચિતતાને કોઇ સ્થાન નથી.

સહ્લુલ્ ખલીકતે લા તુખ્શા બવાદેરોહૂ

યઝીનોહૂ ખસ્લતાનિલ  હિલ્મો વલ્ કરમો

તેઓ એવા નરમ અને નેક છે કે સખ્તાઇની કોઇ શક્યતા નથી. તેઓએ નમ્રતા અને શરાફતને ઝીનત આપી છે.

લા યુખ્લેફુલ્ વઅ્દ મય્મૂનન્ નકીબતોહૂ

રહ્બુલફેનાએ  અરીબુન્ હીન યુઅ્તરમો

તેઓ એટલા બાબરકત છે કે ક્યારેય વાયદો તોડતા નથી. તેમની બારગાહ દરેક લોકો માટે પનાહગાહ છે.

મિમ્ મઅ્શરિન્ હુબ્બોહુમ્ દીનુન્ વ બુગ્ઝોહુમ્

કુફરૂન્ વ કુર્બોહુમ્ મન્જા વ મુઅ્તસમુન્

તેઓ તે બુઝુર્ગ ખાનદાનના ફરઝંદ છે, જેમની મોહબ્બત દીન છે અને તેમની દુશ્મની કુફ્ર છે અને તેમની કુરબત નજાત અને સઆદતનું કારણ છે.

યુસ્તદ્ફઉસ્સૂઓ વલ્ બલ્વા બે હુબ્બેહિમ્

વ યુસ્તઝાદોબેહિલ એહસાનો વન્ નેઅમો

તેમની મોહબ્બત અને વિલાયતથી દરેક ફિત્ના અને બુરાઇ દૂર થઇ જાય છે, તેમની બક્ષીશ અને અતા કરવામાં સતત વધારો થતો રહે છે.

મુકદ્દમુન્ બઅ્દ ઝિકરિલ્લાહે ઝિક્રોહુમ્

ફી કુલ્લે ફરઝિન્ વ મખ્તુમુન્ બેહિલ કલેમો

ખુદાના નામ પછી દરેક શરૂઆત અને અંતમાં તેમનું નામ લેવામાં આવે છે.

ઇન ઉદ્દ અહ્લુત્તોકા કાનૂ અઇમ્મતહુમ્

અવ્ કીલ મન્ ખયરો અહલિલ્ અર્ઝે કીલ હુમ

અગર મુત્તકીઓનો ઝિક્ર કરવામાં આવે તો તેઓ મુત્તકીઓના સરદાર છે. અગર પુછવામાં આવે કે પુરી દુનિયામાં સૌથી બહેતરીન વ્યક્તિ કોણ છે? તો બસ તેમનું નામ લેવામાં આવશે.

લા યસ્તતીઓ જવાદુન્ બઅ્દ ગાયતેહિમ્

વલા  યોદાનીહિમ કવ્મુન્ વ ઇન્ કરોમૂ

તેમની સખાવત પછી કોઇની સખાવતનો ઝિક્ર કરી શકાતો નથી.  કોઇપણ કૌમનો શરીફ અને બુઝુર્ગ વ્યક્તિ તેનો સમોવડીયો નથી.

હોમુલ ગોયૂસો એઝા મા અઝ્મતુન્ અઝમત્

વલ્ ઓસોદુશ્ શરા વલ્ બઅ્સો મુહ્તદેમુન્

દુષ્કાળના સમયમાં તેઓ બારાને રહેમત છે અને જંગ શરૂ થઇ જાય તો તેઓ મયદાનના બહાદુર છે.

યઅ્બ લહુમ્ અન્ યહુલ્લઝ્ ઝમ્મો સાહતહુમ

ખીમુન્ કરીમુન્ વઅયદિન્ બિન નદય હૂઝ્મુન્

એવા બુઝુર્ગ છે કે નિષ્ફળતા તેમની બારગાહમાં કદમ રાખી નથી શકતી. જેની રહેમતથી વરસાદની જેમ હંમેશા ફાયદો પહોંચતો રહે છે.

લા યક્બેઝુલ્ ઉસ્રો બસ્તન મિન અકુફ્ફેહિમ્

સિય્યાને ઝાલેક ઇન અસ્રવ્ વ ઇન અદેમુ

તંગીએ ક્યારેય  તેમના વુજૂદને મુતઅસ્સીર નથી કર્યુ, તંગી અને વિપુલતા તેમને ત્યાં એક જેવી છે.

અય્યુલ કબાએલે લય્સત્ ફી રેકાબેહિમ્

લે અવ્વલીય્યતે હાઝા અવ્ લહૂ નેઅમુન્

તે કયુ કુટુંબ અને કબીલો છે, જેના પર તેમનો અને તેમના બુઝુર્ગવારોનો એહસાન ન હોય?

મન્ યઅ્રેફુલ્લાહ યઅ્રેફો અવ્વલીય્યત ઝા

ફદ્ દીનો મિન્ બય્તે હાઝા નાલહુલ્ ઓમમુન્

જે ખુદાની મઅરેફત રાખે છે, તે તેમના પૂર્વજોની મઅરેફત રાખે છે. લોકોએ તેમનાજ પવિત્ર ઘરથી દીન અને હિદાયત હાંસિલ કરી છે.

બોયૂતોહુમ્ ફી કુરૈશિન્ યુસ્તઝાઓ બેહા

ફીન્ નાએબાતે  વ ઇન્દલ હુક્મે ઇન્ હકમૂ

કુરૈશમાં ફક્ત તેઓનું ઘર છે, જ્યાં લોકોની મુશ્કેલીઓ દૂર થાય છે. આ જ ઘરમાં સાચા અને હકીકી ફૈસલાઓ કરવામાં આવે છે.

ફ જદ્દોહૂ મિન કુરૈશિન્ ફી અરૂમતેહા

મોહમ્મદુન વ અલીય્યુન્ બઅ્દહૂ અલમુન્

તેમના જદ્દે બુઝુર્ગવાર હઝરત મોહમ્મદ(સ.અ.વ.) અને તેમના પછી બીજા જદ્દે બુઝુર્ગવાર હઝરત અમીરૂલ મોઅમેનીન અલી(અ.સ.) છે, જેઓ ઇમામ અને હિદાયતના પરચમ છે.

બદરૂન્ લહૂ શાહેદુન્ વ શેઅબુન્ મિન ઓહોદિન્

વલ્ ખન્દકાને વ યવ્મુલ્  ફત્હે કદ્ અલેમૂ

તેમની બહાદૂરી, કુરબાની અને ખુલૂસ પર જંગે બદ્ર, ઓહદની પહાડી, જંગે ખંદક, ફત્હે મક્કા બધા ગવાહ છે.

વ ખયબરો હુનૈનુન્ યશ્હદાને લહૂ

વ ફી કોરય્ઝત યવમુન્ સય્લમુન્ કતેમુન્

ખયબર અને હુનૈન તેમની મહાનતાનો કસીદો પડે છે. જંગે બની કુરૈઝ અને જંગે તબુક તેમના વખાણ કરે છે.

(બેહારૂલ અન્વાર ભાગ:46, પાના:124-128 હદીસ નંબર: 17) (મનાકીબે ઇબ્ને શહ્રે આશૂબમાંથી) (હિલયતુલ અવ્લીયા અને અલ અગાની)

અમારી ખુલૂસતાભરી સલામ તે બુઝુર્ગ મરતબા શાએરે એહલેબૈત પર!

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *