ઇમામ(અ.સ.)ની આંખોમાંથી વરસતા આંસુ
પ્રસ્તાવના:
રડવાની ઐતિહાસિક શરૂઆત હઝરત આદમ (અ.સ.)થી થઇ અને દુનિયાના તમામ મઝહબો અને કૌમોની વચ્ચે જોવા મળે છે. જો કે રડવું મોહબ્બત અને લાગણી દર્શાવી છે, જેથી રડવાના અમુક નફસાની પાસાઓ છે. ઇતિહાસમાં વધુ રડવાવાળાઓના નામ મવજુદ છે. હદીસોમાં પણ તેમનો ઝિક્ર જોવા મળે છે. હઝરત ઇમામ જઅફરે સાદિક(અ.સ.)એ ફરમાવ્યુ:
અલ્ બક્કાઉન ખમ્સતુન્ આદમો વ યઅ્કૂબો વ યુસોફો વ ફાતેમતો બિન્તો મોહમ્મદ(સ.અ.વ.) વ અલીય્યુબ્નુલ હુસૈને ઝયનુલ આબેદીન(અ.સ.)
“સૌથી વધારે રડવાવાવાળી પાંચ વ્યક્તિ છે. હઝરત આદમ(અ.સ.), હઝરત યઅકૂબ(અ.સ.), હઝરત યુસૂફ(અ.સ.), હઝરત ફાતેમા બિન્તે મોહમ્મદ(સ.અ.) અને અલી ઇબ્ને હુસૈન ઝયનુલ આબેદીન(અ.સ.).
(મકારેમુલ અખ્લાક, પાના:315 રવઝતુલ વાએઝીનમાંથી)
હઝરત ઇમામ ઝયનુલ આબેદીન(અ.સ.)એ તેમના પિતા હઝરત સય્યદુશ્શોહદાઅ હઝરત ઇમામ હુસૈન (અ.સ.) ઉપર રડ્યા હતા, તે તેમની ફિતરી કૈફીયતનો ઇઝહાર હતો પરંતુ ઇમામે મઅસૂમનું આ રડવું હકની તબલીગનું માધ્યમ પણ સાબિત થયુ.
તબ્લીગની અસરોની કમાલ એ વાત ઉપર છે કે તે પોતાની વાતને પોતાની લાગણીઓને અને સંબંધોને અન્ય સુધી પહોંચાડવાની કોશિશ કરે છે. આ ફિતરી ચીજને રાજકારણના જાહેરી કારણો, ન તેને ઓળખી શકે છે અને ન તેને દબાવવાની તાકત રાખે છે. પરંતુ જ્યારે કોઇ મહાન વ્યક્તિનું રડવું દિલોને પલ્ટાવી નાંખે છે અને કોઇ ઇન્કેલાબી ચળવળની આગાહી કરે છે, તો તેને દબાવવા માટે અલગ-અલગ પ્રકારના યુક્તિઓનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે તેઓ તેમાં સફળ નથી થતા, તો તેઓ કત્લેઆમનો સહારો લે છે.
ઇમામ સજ્જાદ(અ.સ.)ની સિરતનું જ્યારે વર્ણન કરવામાં આવે છે કે કરબલાથી જ્યારે આપ મદીના આવ્યા હતા. અહીં જ આપ(અ.સ.)ની પવિત્ર જીંદગીના અંતિમ વર્ષો પસાર થયા. આ સમયગાળામાં આપની સિરતમાં એક ફિતરી અમલ જે સૌથી વધારે ઉભરીને સામે આવ્યો, તે આપનું રડવું છે, પરંતુ આપની સિરતમાં તે પ્રકાશિત પાસાઓ જે મનસબે ઇમામત અને રહેબરીના ફરાએઝ ઉપર મબની છે, તેનો ઝિક્ર લોકોના સમૂહની વચ્ચે ઓછો થાય છે. મોઅજીઝા ધરાવનાર શખ્સીયત જનાબે સજ્જાદ(અ.સ.)ની જીંદગીના તે તબક્કાઓ લેખકોની સામે આવે છે, જે તેને સુર્ય કરતા પણ વધારે પ્રકાશિત કરી દે છે કે આપ(અ.સ.)ની રહેબરી અને ઇમામત એક ઇલાહી ઓહદો હતો, જે ઇસ્લામિક તહેઝીબના દરેક પાસાઓને ઘેરી લે છે. દા.ત. એક સમાજમાં એક બીજાથી લેવડ-દેવડનો સિલસિલો, સંબંધો અથવા વ્યવ્હારો હંમેશા થતા રહે છે, જેથી આપ (અ.સ.)એ એક શખ્સ પાસેથી અમુક રકમ ઉધાર લીધી. દેનારે જ્યારે આપ(અ.સ.)થી કોઇની જામિનગીરી ચાહી તો આપ(અ.સ.)એ પોતાની એક અબાનો એક દોરો જમાનત તરીકે તેને આપી દીધી. અમુક સમય પછી આપ(અ.સ.)એ તે શખ્સને બોલાવ્યો અને તેને કહ્યું: ‘મારી અબાના દોરાને પાછો લઇ આવ અને તારી આપેલ રકમ પરત લઇ જા.’ તે સમયગાળામાં પરેશાન હતો કે તેણે તે દોરો કયાં રાખેલો છે, તે ભૂલી ગયો હતો. આપ (અ.સ.)ના ઇસરારના કારણે તેણે તે દોરાને શોધ્યો અને જ્યારે તે મળી ગયો તો તેણે તેને હઝરતની ખિદમતમાં રજુ કરી દીધો, જેના બદલામાં આપ(અ.સ.)એ તેની રકમ પાછી આપી દીધી. જાહેરી રીતે આ એક વાકેઓ છે, પરંતુ વ્યાપારીક ધોરણે આ વાકેઓ કરારનામાના વિષયમાં આવે છે. બીજા વાકેઆને પણ વાંચકો માટે વર્ણન કરવુ જરૂરી છે, જેને આોલમાઓ અને ઝાકેરીન સતત બયાન કરે છે કે જ્યારે હિશામ બિન અબ્દુલ મલીકે હજના સમયે પોતાની આંખોની સામે ખાનએ ખુદામાં ઇમામ સજ્જાદ(અ.સ.)ના આવવાના સમયે લોકોના સમુહને ચીરાતો જોયો, તો પુછ્યું કે આ બુઝુર્ગવાર કોણ છે? તેના જવાબમાં જનાબે ફરઝદકે એક લાંબો કસીદો ઇમામ સજ્જાદ(અ.સ.)ની પ્રશંસામાં રજુ કર્યો, જેને આ અંકના અંતિમ ભાગમાં વાંચકો માટે રજુ કરેલ છે, આ બની ઉમય્યાના ખલીફાના નવાઇ ભરેલા સવાલથી આપ(અ.સ.)ની શખ્સીયતની અસર લોકોના સમુહ ઉપર કેટલી છવાએલી હતી, તે સ્પષ્ટ થાય છે. આ સિવાય જ્યારે આપણી નજર સહીફએ સજ્જાદીયા ઉપર પડે છે, તો કલામની બલાગત અને ફસાહત સાહેબે અકલ માટે ઇલ્મ અને મઅરેફતનું પવિત્ર ઝરણું છે, જે આપની પવિત્ર ઝબાને મુબારકથી જારી થયું છે. આ તમામ કમાલાત અને મોઅજીઝાના હોવા છતા આપનું રડવું ન ફક્ત આ જમાનામાં પરંતુ કયામત સુધી દરેક સમયમાં લોકો પર એવું અસરઅંદાઝ થયું જે તેને વાંચે છે, તે રડવા લાગે છે.
ઇમામ સજ્જાદ(અ.સ.)નું રડવું:
ઇબ્ને કવલીયા, ઇબ્ને શહરે આશુબ અને બીજા ઓલમાઓએ ઇમામ જઅફરે સાદિક(અ.સ.)થી રિવાયત કરી છે કે, ઇમામ અલી ઇબ્નુલ હુસૈન ઝયનુલ આબેદીન (અ.સ.) પોતાના વાલિદે બુઝુર્ગવાર હઝરત ઇમામ હુસૈન (અ.સ.) ઉપર વીશ વર્ષ સુધી રડ્યા અને એક બીજી રિવાયત પ્રમાણે ચાલીશ વર્ષ સુધી રડ્યા. જ્યારે આપ (અ.સ.)ની સામે જમવાનું આવતું તો આપ(અ.સ.) રડતા, જ્યારે આપ(અ.સ.)ની પાસે પાણી લાવવામાં આવતું તો આપ એટલુ રડતા કે પાણી મુઝાફ થઇ જતું.
(જીલાઉલ ઓયૂન(ફારસી), પાના: 836)
એક બીજી રિવાયત પ્રમાણે ઇમામ(અ.સ.)એ ફરમાવ્યું:
“હું એ યાદ કરીને રડુ છું કે, મારા પિતાને તરસ્યા શહીદ કરવામાં આવ્યા અને તેમને તે પાણીથી વંચિત રાખાવામાં આવ્યા કે જેનાથી હિંસક પ્રાણીઓ અને જાનવરો સુધી ફાયદો ઉપાડે છે.
જ્યારે ગુલામે આપ(અ.સ.)ને ફરમાવ્યું કે, આપ એટલુ રડશો કે આપ પોતાની જાતને ખત્મ કરી દેશો? તો ઇમામ(અ.સ.)એ ફરમાવ્યું:
“મેં તો પહેલાજ દિવસે પોતાની જાતને ખત્મ કરી દીધી હતી અને હવે હું મારા પિતા ઉપર રડુ છું.
(જીલાઉલ ઓયૂન(ફારસી), પાના: 836)
ઇમામ(અ.સ.)નો એક આઝાદ કરેલ ગુલામ હતો, જેણે આપ(અ.સ.)ને સવાલ કર્યો: શું તે સમય હજી નથી આવ્યો કે આપ(અ.સ.)નું રડવું ખત્મ થઇ જાય? ઇમામ(અ.સ.)એ ફરમાવ્યું:
“વાય થાય તારા ઉપર! જનાબે યાકૂબ(અ.સ.)ના બાર દિકરા હતા અને તેનો એક દિકરો ખોવાઇ ગયો હતો, તો તેઓ એટલુ સખ્ત રડ્યા કે તેમની આંખો સફેદ થઇ ગઇ અને તે દુ:ખના લીધે આપની કમર ઝુકી ગઇ હતી, જ્યારે કે તેઓ જાણતા હતા કે હઝરત યુસુફ(અ.સ.) જીવંત છે, જ્યારે કે મેં મારા પિતા, મારા ભાઇઓ અને મારા ખાનદાનના 18 લોકોને મારી સામે કત્લ થતા જોયા છે અને એ જોયુ કે કેવી રીતે તેમના કપાયેલા સરોને ફેરવવામાં આવ્યા. તો પછી મારૂ રડવું કેમ ખત્મ થઇ શકે?
(જીલાઉલ ઓયૂન(ફારસી), પાના: 837)
ઇમામ સજ્જાદ(અ.સ.)ના રડવાએ લોકોના ઝમીરને જગાડી દીધુ, જે મુદર્િ થઇ ચુક્યુ હતું. તે આંસુઓના ઝરીએ અને તે રડવાના ઝરીએ જેની તફસીર આસાનીથી બયાન નથી થઇ શકતી, કારણકે આ ગમ ફક્ત લાગણીઓની તસ્કીન માટે વહાવવામાં નથી આવ્યા, ખાસ કરીને જ્યારે તે આંસુ અને નિ:સાસાઓ એક ઇમામ(અ.સ.)ના હોય, કે જે કાએનાતના હકાએકને દુનિયાના દરેક લોકો કરતા વધારે જાણે છે.
ઇમામ સજ્જાદ(અ.સ.)ના આંસુ જ્યારે ઇમામ હુસૈન(અ.સ.)ની કબ્રની માટીથી મળી જતા હતા, તો તેઓ લાંબા સજદા કરતા હતા અને આ સજદામાં આ સજદગાહનો ઉપયોગ કરતા હતા, જે આપ(અ.સ.)ના વાલિદે બુઝુર્ગવારની કબ્રની માટી હતી. વીટી ખાકે કરબલાથી સ્પર્શ કરતી જે હંમેશા આપ(અ.સ.)ના હાથમા રહેતી અને જેના પર લખેલું હતું:
ખઝેય વ શકેય કાતેલુલ હુસૈનીબ્ને અલી
“હુસૈન ઇબ્ને અલી(અ.સ.)નો કાતિલ ઝલીલ અને બદબખ્ત હતો.”
(અલ કાફી, ભાગ:2, પાના: 474)
તો ક્યારેક આંસુઓનો પયગામ વધારે લોકોના ઝમીરને બેદાર કરી દેતો હતો અને ઝુલ્મ અને ઝાલિમથી નફરત પૈદા કરી દેતો હતો.
શહાદતે ઇમામ(અ.સ.):
વાંચકોને વિનંતી છે કે, ઇતિહાસમાં આપ(અ.સ.) ની ઝીંદગીના બારામાં વાંચે અને તમામ વિખરાએલા વાકેઆતને પોતાના દિમાગમાં યાદ રાખે, જે ઇન્સાનની અને સમાજના વિકાસ માટે ખુબજ જરૂરી છે. અમે અમુક વાકેઆતને ઉદાહરણ તરીકે બયાન કર્યા છે, પરંતુ કેવા સંજોગોમાં આપ(અ.સ.)ની શહાદત થઇ તેનું વર્ણન કરવું પણ જરૂરી છે.
મરહુમ શૈખ અબ્બાસ કુમ્મી(અ.ર.)એ પોતાની કિતાબ મુન્તહયુલ અઅમાલમાં બયાન કર્યુ છે કે ઇમામ સજ્જાદ(અ.સ.)ની શહાદતની તારીખમાં ઓલમાઓ વચ્ચે જુદી રિવાયતમાં ઇખ્તેલાફ જોવા મળે છે. જેમાંથી ત્રણ તારીખો ખાસ છે. મશ્હૂર છે કે આ ત્રણ તારીખોમાંથી કોઇ એક તારીખે ઇમામ(અ.સ.)ની શહાદત થઇ. 12 મોહર્રમ, 17 મોહર્રમ અથવા 25 મોહર્રમ. ભરોસાપાત્ર રિવાયતોની બુનિયાદ ઉપર એ વાત જાહેર છે કે આપ (અ.સ.)ને ઝહેરથી શહીદ કરવામાં આવ્યા. ઇબ્ને બાબવય્હ અને બીજા ઓલમાઓ પ્રમાણે વલીદ બિન અબ્દુલ મલિકે (અલ્લાહની લઅનત થાય તેના પર) આપ (અ.સ.)ને ઝહેર આપ્યું અને અમુક ઓલમાઓ પ્રમાણે હિશામ બિન અબ્દુલ મલિકે (અલ્લાહની લઅનત થાય તેના પર) આપ(અ.સ.)ને ઝહેર આપ્યું.
(મુન્તહયુલ અઅમાલ(ફારસી), પાના: 1236)
તફસીરે કુમ્મીમાં હઝરત ઇમામ અલી રેઝા (અ.સ.) થી રિવાયત છે કે જ્યારે હઝરત ઇમામ ઝયનુલ આબેદીન (અ.સ.)ની શહાદતનો સમય નઝદીક આવ્યો ત્યારે ઇમામ(અ.સ.) ત્રણ વખત બેહોશ થઇ ગયા, જ્યારે હોશમાં આવ્યા, તો આપ(અ.સ.)એ ફરમાવ્યું:
અલ્ હમ્દો લિલ્લાહીલ્લઝી સદકના વઅ્દહૂ વ અવરસનલ્ અર્ઝ નતબવ્વઉ મેનલ્ જન્નતે હય્સો નશાઓ ફનેઅ્મ અજ્રૂલ આમેલીન
“તમામ વખાણ અલ્લાહ માટે છે, જેણે અમારાથી કરેલ વાયદાને સાચો કરી દેખાડ્યો અને અમને તેની જમીનના વારિસ બનાવ્યા, કે જેથી અમે જન્નતમાં જ્યાં ઇચ્છીએ આરામ કરીએ અને બેશક! આ અમલ કરવાવાળાનો બેહતરીન બદલો છે. પછી આપ(અ.સ.)ની રૂહ પરવાઝ કરી ગઇ.
(બેહારૂલ અન્વાર, ભાગ:46, પાના:147)
ઇમામ(અ.સ.)નસ વસીય્યત:
હઝરત ઇમામ મોહમ્મદ બાકિર(અ.સ.)એ ઇરશાદ ફરમાવ્યું: જ્યારે ઇમામે ઝયનુલ આબેદીન(અ.સ.)નો આખરી સમય નઝદીક હતો, તો આપ(અ.સ.)એ મને ગળે લગાડ્યો અને ફરમાવ્યુ:
‘અય મારા ફરઝંદ! હું તને તે વસીયત કરી રહ્યો છું, જે મારા પિતાએ તેમની મૌતના સમયે મને કરી હતી અને તેમના પિતાએ તેમને કરી હતી. અય મારા ફરઝંદ! ખબરદાર! એવા શખ્સ ઉપર ઝુલ્મ ન કરવો જેનો અલ્લાહ સિવાય કોઇ નાસીર અને મદદગાર ન હોય.’
(બેહારૂલ અન્વાર, ભાગ:46, પાના:153)
એક રિવાયત પ્રમાણે હઝરત ઇમામ મોહમ્મદ બાકિર (અ.સ.)ને ખબર મળી કે ઇમામ ઝયનુલ આબેદીન (અ.સ.)ની શહાદત બાદ આપ(અ.સ.)ની ઉંટણી ઇમામ (અ.સ.)ની કબ્ર ઉપર પહોંચી અને પોતાની ગરદનનો આગળનો હિસ્સો કબ્રની સાથે ઘસવાનું શરૂ કર્યુ, જમીન પર આળોટવા લાગી અને આંસુ વહાવવા લાગી.
આ સાંભળીને ઇમામ મોહમ્મદ બાકિર(અ.સ.) ત્યાં ગયા અને તેને હુકમ આપ્યો કે પોતાની જગ્યાએ પાછી ચાલી જા, ખુદાવંદે આલમ તને બરકત અતા ફરમાવે. અંતે ઉભી થઇ અને પોતાની જગ્યાએ ચાલી ગઇ. હજુ થોડો સમય પસાર થયો ન હતો કે તે પાછી ઇમામ સજ્જાદ(અ.સ.)ની કબ્ર પાસે આવી અને તેની તે જ હાલત થઇ ગઇ. જ્યારે ઇમામ બાકિર(અ.સ.)ને તેની જાણ થઇ કે વાલિદે બુઝુર્ગવારની ઉંટણી કબ્રે મુબારક ઉપર પહોંચીને બેહારૂલ થઇ રહી છે, તો ફરી કબ્રે મુબારક પાસે તશરીફ લાવ્યા અને તેને પાછુ ફરવાનું કહ્યું અને સબ્રની તલ્કીન કરી, પરંતુ આ વખતે ઉંટણી ખુબજ વધારે ગમનાક હતી અને કબ્રે મુબારકથી પાછી ન ફરી. ઇમામ બાકિર(અ.સ.)એ ઇરશાદ ફરમાવ્યું: અય લોકો! તેને તેના હાલ ઉપર છોડી દો, કારણકે હવે તે આખરી રૂખ્સતના માટે આવી છે. અંતે ત્રીજા દિવસે તે મૃત્યુ પામી. ઇમામ(અ.સ.) ફરમાવે છે કે મારા વાલિદે બુઝુર્ગવાર આ ઉંટણી પર સવારી કરીને હજ માટે જતા અને તેને ક્યારેય ચાબુક ન મારતા ત્યાં સુધી કે પરત મદીના આવી જતા.
(બેહારૂલ અન્વાર, ભાગ:46, પાના:148)
ખુદાયા! તને ઇમામ સજ્જાદ(અ.સ.)ના આંસુઓનો વાસ્તો, મુન્તકીમે ખુને હુસૈન(અ.સ.)ના પૂરનુર ઝુહૂરમાં જલ્દી કર અને અમને તેમની સાથે શોહદાએ કરબલાના નાહક ખૂનનો ઇન્તેકામ લેવાની તૌફીક અતા કર… (આમીન, યા રબ્બલ આલમીન)
Comments (0)