ઈમામ હુસૈન(અ.સ.) – રબ્બુલ આલમીનના પસંદ કરાએલા

ઈમામ હુસૈન(અ.સ.) – રબ્બુલ આલમીનના પસંદ કરાએલા

ખુદાવંદે આલમને કાએનાતની દરેક ચીજનું ઈલ્મ છે. વિશાળ દુનિયાનો એક કણ પણ અલ્લાહની નિગાહોથી છુપો નથી. ખુદાવંદે આલમે પોતાના ખાસ રહેમ અને કરમથી ઇન્સાનને પેદા કર્યો. તેને અશરફુલ મખ્લુકાત બનાવ્યો. ઇન્સાનને શક્તિ અને ઇખ્તીયારની બેમિસાલ અને અજોડ નેઅમત અતા ફરમાવી. ઇન્સાનને સામાન્ય મખ્લુકાત તો ઠીક પરંતુ અર્શનશીન અને હામેલાતે અર્શનો ઝીક્ર કર્યો છે. એ મુકદ્દસ ઝાતો છે જે લવ્હ અને કલમનુ શીર્ષક છે અને લવ્હ અને કલમના ઇત્મામ પર આખરી હુજ્જતની ચમકતી નુરાની મોહર છે અને તેની બુનિયાદ પર અલ્લાહ તઆલાનો ફેંસલો યવ્મુદ્દીનમાં સંભળાવવામાં આવશે.

તરક્કીના બેમિસાલ રસ્તાને પસાર કરવા માટે કાયદાઓ અને સિદ્ધાંતો નક્કી કર્યાં. રસ્તાઓ મુકરર કર્યાં. ઇન્સાન પ્રગતિના આ રસ્તાથી ગુમરાહ ન થાય તે માટે એવા રેહનુમા નિયુક્ત કર્યાં. આવા રેહનુંમાઓને ઈલ્મ અને જાણકારી આપી અને પોતાની મશીય્યતથી ભરપુર મખ્સુસ કર્યાં કે દિલોમાં ઇન્સાનની જબરજસ્ત મહોબ્બત અને શફકત પણ કરાર દીધી. તેમને ઇન્સાનની તરરક્કીનો હરીસ (ઈચ્છુક) રઉફ અને રહીમ કરાર દીધા. બસ એક શરત રાખી દીધી કે તરક્કી અને સંપૂર્ણતા તમામ અસ્બાબ અને વસીલાઓ ખુદા ઉપલબ્ધ કરાવશે. રસ્તો અલ્લાહ તૈયાર કરશે, અજ્ર અને સવાબ અલ્લાહ આપશે પરંતુ આ રસ્તો ઇન્સાને પોતાના ઇખ્તીયારથી પસાર કરવો પડશે. તે નમાઝે સુબ્હ માટે આંખ ખોલી દેશે પરંતુ પથારીમાંથી ખુદ ઇન્સાને ઉઠવું પડશે, બસ આપણા ઉઠવા ઉપર બધું આધારીત છે.

પરંતુ ઇન્સાને પોતાના ઇખ્તીયારથી તરક્કી અને સંપૂર્ણતાનો રસ્તો અપનાવ્યો નથી. રેહમાનની બદલે શૈતાનની વાત માની. ખુદાઈ રેહનુમાઓને છોડીને શૈતાનની ગુમરાહીઓ પર ભરોસો કર્યો. રબનો રસ્તો છોડીને દુશ્મનનો રસ્તો અપનાવ્યો. પછી આ ગુમરાહીમાં એટલો બધો આગળ નીકળી ગયો કે ખુદ પોતાના ખાલિકનો દુશ્મન થઇ ગયો. પોતાના રાઝીકનું નામો નિશાન મીટાવવા માટે તૈયાર થઇ ગયો અને પોતાની બદબખ્તીથી આ નક્કી કરી બેઠો કે હું ખુદાના આ દીન અને શરીઅતનું નામ અને નિશાન મિટાવી દઈશ. પોતાના ચેહરા પર બેઠેલી એક માખીને ઉડાવવા માટે લાચાર ઇન્સાન ખુદાઈનો દાવો કરી બેઠો. ખુદાના નુમાઈન્દાઓને કત્લ કરવા અને તેમને નીસ્તોનાબુદ કરવા માટે તૈયાર થઇ ગયો.

ઇન્સાનની તમામ નાફરમાનીઓ સરકશીઓ અને બગાવતો હોવા છતાં ખુદાવંદે રહીમ અને કરીમ અને રઉફ અને હલીમની દયા અને રહેમ અને કરમ અને મેહરબાનીઓમાં કોઈ પણ બદલાવ ન આવ્યો. ખુદા તે સરકશ ઇન્સાનને ચાહતો રહ્યો અને તેની હિદાયત અને તેની તરક્કીના માટે સારામાં સારી વ્યવસ્થા અને માધ્યમો ઉપલબ્ધ કરતો રહ્યો.

લેખકનો બયાન કરવાનો વિષય ઈમામ હુસૈન (અ.સ.) મશીય્યતે ઇલાહીના ચૂટેલા છે. જેની ખાસિયતોને મહત્વતાના હેઠળ પ્રસ્તાવનામાં મોહમ્મદે મુસ્તુફા(સ.અ.વ.)ના માનનીય નામનો ઝીક્ર આવ્યો. જેના માટે ડો. ઇકબાલે કહ્યું છે:

કી મોહમ્મદ(સ) સે વફા તુને, હમ તેરે હૈ,

યે જહાં ચીઝ હે ક્યાં, લવ્હ વ કલમ તેરે હૈ.

કહેવાનું તાત્પર્ય એ છે કે ખાતેમુલ અમ્બીયા (સ.અ.વ.)ને મુસ્તુફાના નામથી આમ મુસલમાન પણ યાદ કરે છે. ઈમામ હુસૈન(અ.સ.), રસુલે અકરમ (સ.અ.વ.)ના ગોશ્ત અને ચામડી છે. આથી દુનિયા પર જ નહિ પરંતુ દુનિયાઓની ક્ષિતિજ પર હંમેશા છવાઈ જવાવાળા હુસૈન(અ.સ.) એ જ મુસ્તફવી છે, એટલે જ ખાલીકે કાએનાતે તેમને પોતાની રેહમતના પસંદીદા કરાર દીધા છે.

અલ્લાહને માલુમ હતુ, આ સૌથી ઉચ્ચ અને અફઝલ રેહનુમાના દુશ્મનો અગાઉના તમામ ઝમાનાઓથી અલગ હશે. તેઓ આ દીનને દરેક રીતે મિટાવવાની કોશિશ કરશે.

આ દીની બરબાદીમાં બીજાઓ સાથે એ લોકો પણ શામિલ થશે જે પોતાને પોતાના સાબિત કરાવવામાં લાગેલા. આ કામ એક દિવસમાં દેખાશે નહિ. તેના માટે ખુબ જ બારીક કાવતરાઓ રચવામાં આવશે. કાંઇક એવી રીતે દીનને બરબાદ કરી નાખવામાં આવશે કે લોકોને એહસાસ પણ નહિ થાય. નમાઝ અને રોઝા એવી જ રીતે શરુ રેહશે, મસ્જીદો અને દીની કામો એવી જ રીતે આબાદ રેહશે પરંતુ વધારે આબાદ હશે પરંતુ ખુદાના દીનનુ દુર દુર સુધી કોઈ નામોનિશાન નહિ હોય. નમાઝ હશે રંતુ દિલમાં ખુદા નહી હોય. સજ્દાઓ હશે પરતું અઝમતે ખુદાનો એહસાસ નહિ હોય. ફરિશ્તાઓએ આ જ દ્રશ્યને જોઈને ખુદાની બારગાહમાં અરજ કરી હતી. શું આ જમીનમાં એ લોકોને બનાવીશ જે ઝમાનામાં ખુંરેજી કરશે, ફસાદ ફેલાવશે? ફરિશ્તાઓ, કાબિલ, ફીરૌન, કારુન, મોઆવિયા, યઝીદ, હિશામ બિન અબ્દુલ માલિક, મન્સુરદવાનકી, મુતવક્કીલ, અબ્બાસી, સદ્દામ અને સલમાન રુશ્દીને જોઇને આ ફરિયાદ કરી રહ્યા હતા. ખુદાવંદે આલમ સૈયદુશ્શોહદા હઝરત ઈમામ હુસૈન(અ.સ.)ને જોઈને ફરમાવી રહ્યો હતો – ઇન્ની અઅ્લમો મા લા તઅલમુન – જે હું જાણું છુ તે તમે નથી જાણતા.

તે ખુદા શું એ છે જે પોતાના દુશ્મનોના કાવતરાઓથી પરાજિત થઇ જાય અને જે પોતાના પ્લાનને સંપૂર્ણ ન કરી શકે?

ખુદાવંદે આલમે પહેલેથી જ આ જાણતો હતો. હલકા સ્વભાવના અને ખરાબ તીનત વાળા પોતાના ઈરાદાઓ અને ઇખ્તીયારથી ખુદાના આખરી દીનને સંપૂર્ણ રીતે નાબુદ કરવાની કોશિશ કરશે. આ ખરાબ કરવાની કોશીશો અગાઉની ઉમ્મતોના મુકાબલામાં વધારે સુવ્યવસ્થિત અને મજબૂત હશે. પરંતુ આ આખરી મઝહબ અને આ કામીલ અને તમામ દીની હિફાઝતનો કંઈક એવો ઇન્તેઝામ કરવામાં આવે કે દુશ્મનની તમામ સાજીશો તમામ કાવતરાઓ પાણી ઉપર નિશાનની જેમ સાબિત થાય અને ખુદાવંદના ઈરાદાની સામે એક પાણીના પરપોટાથી વધારે કમઝોર કરાર થાય.

યઝીદ અને તેના ખાનદાનના અને તેની પહેલાના લોકોએ આલમે ઝરમાં પોતાના ઇખ્તીયારથી ખુદાની મુખાલેફ્ત કરીને પોતાના ઈરાદાને જાહેર કરી દીધો હતો. ખુદાવંદે આલમે તેનાથી પહેલા દીની હિફાઝતનો બેહતરીન ઇન્તેઝામ કરી દીધો હતો અને તે સય્યદુશ્શોહદા હઝરત ઈમામ હુસૈન(અ.સ.)નુ પસંદ કરવું હતું. હઝરત ઈમામ હુસૈન(અ.સ.) આ દુનિયામાં આવ્યા પછી ઈમામ નથી બન્યા, પરંતુ ખુદાએ પહેલેથી જ તેમને ઈમામ બનાવ્યા હતા. આ દુનિયામાં વિલાદતની પહેલા આલમે નુરમાં તેમની નુરાની ખિલ્કત, આલમે અનવારમાં એક મુદ્દત સુધી રહેવું, અમ્બીયા(અ.મુ.સ.)ની કબુલ થયેલી દુઆઓમાં તેઓનો વાસ્તો, દુનિયામાં માદ્દી વિલાદત, હમલ, મુદ્દતે હમલ, દૂધ પીવડાવવાની મુદ્દત, બચપન, જવાની, સફર, હિજરત, શહાદત બધું એક પ્લાનિંગ પ્રમાણે હતું. હરગીજ દિલમાં એ ખયાલ ના આવે કારણ કે આ બધું એક યોજના બધ્ધ હતું એટલે હઝરત ઈમામ હુસૈન(અ.સ.)ને આ બધું અંજામ દેવાનું હતું, નહિ હરગીજ એવું નથી પરંતુ આ બધું હઝરત ઈમામ હુસૈન(અ.સ.)એ પોતાના ઈરાદા અને ઇખ્તીયારથી કર્યું. ખુદા અને રસુલની ખુશનુદીના માટે કર્યું. હવે નીચે મુજબ હઝરત ઈમામ હુસૈન(અ.સ.)ની નુરાની ખીલ્કત અને તેમના બાદના અમુક તબક્કાઓના જવાબોની રોશનીમાં પેશ કરવાની ખુશનસીબી હાસિલ કરી રહ્યા છીએ. કારણ કે આ એ ઉચ્ચ અને બુલંદ મંજીલો છે જ્યાં અકલની પહોચ નથી.

એહલેબૈત(અ.મુ.સ.) ઈલ્મે ઇલાહીના ખજાચી

ખુદાવંદે આલમનુ તમામ ઉલુમ એહલેબૈત (અ.મુ.સ.)ની પાસે છે. ફક્ત આ જ લોકો ઇલાહી ઉલુમના દરવાજા છે, જે તેમના દરથી મળે તે જ હક છે. આ આધારે એહલેબૈત(અ.મુ.સ.)થી મન્કુલ દુઆઓ અને ઝીયારતો, ઇલાહી ઉલુમના નમુના છે. ખુદાવંદે આલમની હકીકી મઅરેફ્તનો હકીકી ઝરીઓ દુઆઓ છે અને એહલેબૈત(અ.મુ.સ.)ની મઅરેફતનો મોઅતબર તરીન રસ્તો ઝિયારતો છે. ઝિયારતોમાં ઝિયારતે જામેઆને ખાસ ખુસુસિયત અને મહત્વતા મળેલી છે. આ ઝિયારતમાં એહલેબૈત(અ.મુ.સ.)ની ખીલ્કતના બારામાં વર્ણન થયું છે.

હઝરત ઈમામ હુસૈન(અ.સ.) નુરી ઝાત:

ખલક કોમુલ્લાહો અન્વારન ફ જઅલકુમ્ બે અર્શેહી મોહ્દેકીન

ખુદાવંદે આલમે આપને નૂર ખલ્ક કર્યાં અને આપને પોતાના અર્શ પર કરાર આપેલ છે.

(બેહારુલ અન્વાર, ભાગ: 99 પાના: 129)

એટલે જયારે ખુદાએ એહલેબૈત(અ.મુ.સ.)ને ખલ્ક કર્યાં તો નૂર ખલ્ક કર્યાં, નહિ કે પહેલા પૈદા કર્યાં અને બાદમાં નૂર બનાવ્યા, નૂરી ખલ્ક કર્યાં. એહલેબૈત(અ.મુ.સ.)ની ઝાત નૂરી છે. ઈમામ હુસૈન(અ.સ.) નૂરી ઝાત છે, તે હિદાયતના ચિરાગ છે.

એહલેબૈત(અ.મુ.સ.)ના નૂરાની ખીલ્કતના બારામાં રિવાયતો પુષ્કળ છે. લેખના ટૂંકાણે ધ્યાનમાં રાખતા ફક્ત એક રિવાયત પેશ કરવાની ખુશનસીબી હાસિલ કરીએ છીએ.

અનસ ઇબ્ને માલિકની રિવાયત છે, એક દિવસ નમાઝે સુબ્હના પછી હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) મેહરાબમાં ક્યામ ફરમાવી રહ્યા હતા. આપનો વજુદે મુબારક ચૌદમીા ચાંદની જેમ રોશન અને મુનવ્વર હતું. અમે આ(સ.અ.વ.) ખિદમતમાં અરજ કરી, અગર યોગ્ય હોય તો આ આયતની તફસીર બયાન ફરમાવી દયો.

ફ ઉલાએક મઅલ્લઝીન અન્અમલ્લાહો અલય્હીમ મેનન્નબીય્યીન વસ્સીદ્દીકીન વશ્શોહદાએ વસ્સાલેહીન

આ એ લોકોની સાથે હશે જેના ઉપર ખુદાએ નેઅમતો અતા કરી છે, તે અમ્બીયા, સિદ્દીકીન, શોહદા અને સાલેહીન છે.

(સુ. નીસા 69)

રસુલે ખુદા(સ.અ.વ.)એ ફરમાવ્યું:

નબીઓથી મુરાદ હું છું, સિદ્દીકીનથી મુરાદ અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.) છે, શોહદાથી મુરાદ મારા કાકા હઝરત હમ્ઝા છે, સાલેહીનથી મુરાદ મારી બેટી ફાતેમા(સ.અ.) છે અને તેમના બે ફરઝંદ હસન અને હુસૈન (અ.મુ.સ.) છે.

તે સમયે જનાબે અબ્બાસ મસ્જીદના એક ખૂણાથી ઉભા થઇ હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)ની ખિદમતમાં સામે આવીને બેસી ગયા અને અરજ કરી, અય અલ્લાહના રસુલ શું હું, આપ, અલી, ફાતેમા, હસન અને હુસૈન એક જ સ્ત્રોતથી નથી? રસુલે ખુદા (સ.અ.વ.) એ ફરમાવ્યું

અય કાકા તેના પછી શું છે? અબ્બાસ એ કહયું જયારે આપે એ લોકોનો ઝીક્ર કર્યો તો મારો ઝીક્ર કર્યો નહિ, જયારે તેમને શરફ અને ઇઝ્ઝત આપી, મને એ શરફ અને ઇઝ્ઝત આપી નહિ. હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)એ ફરમાવ્યું:

અય કાકા આપની વાત યોગ્ય છે. હું, આપ, અલી, હસન અને હુસૈન (અ.સ.) એક જ નૂર અને એક જ ખાનદાનથી છીએ.

પરંતુ જયારે ખુદાએ અમને પૈદા કર્યાં તે સમયે ન તો આસમાનની છત હતી, ન તો ઝમીનનુ ફર્શ, ન તો અર્શ વુજુદમાં હતું, ન તો જન્નત અને જહન્નમ. અમે એ સમયે ખુદાની તસ્બીહ કરી જયારે તસ્બીહનુ વુજુદ ન હતું, એ સમયે તેની તક્દીસ કરી જયારે તક્દીસનુ વુજુદ ન હતું, જયારે ખુદાએ મખ્લુકાતને પૈદા કરવાનો ઈરાદો કર્યો.

મારા નૂરને ચીર્યુ તેનાથી અર્શને પૈદા કર્યું. અર્શનુ નૂર મારા નૂરથી છે અને મારું નૂર અલ્લાહના નૂરથી છે. હું અર્શથી અફઝલ છું.

પછી અલી ઇબ્ને અબી તાલિબ(અ.સ.)ના નૂરે ચીર્યુ તેનાથી મલાઈકાને પૈદા કર્યાં મલાઈકાનુ નૂર અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.)ના નૂરથી છે અને અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.)નુ નૂર ખુદાના નૂરથી છે. અલી ઇબ્ને અબી તાલિબ(અ.સ.)નુ નૂર મલાઈકાના નૂરથી અફઝલ છે.

મારી બેટી ફાતેમાના નૂરને ચીર્યુ અને તેનાથી આસમાનો અને જમીનોને પૈદા કર્યાં, આસમાનો અને જમીનનું નૂર મારી બેટી ફાતેમાના નૂરથી છે અને ફાતેમાનુ નૂર ખુદાના નૂરથી છે અને ફાતેમા આસમાનો અને જમીનોથી અફઝલ છે.

પછી હસન(અ.સ.)ના નૂરને ચીર્યુ, તેનાથી સુરજ અને ચાંદ પૈદા કર્યાં, સુરજ અને ચાંદનુ નૂર હસન(અ.સ.)ના નૂરથી છે અને હસન(અ.સ.)નુ નૂર ખુદાના નૂરથી છે અને હસન(અ.સ.)સુરજ અને ચાંદથી અફઝલ છે.

પછી હુસૈન(અ.સ.)ના નૂરને ચીર્યુ અને તેનાથી જન્નત અને જન્નતની હૂરો પૈદા કરી, જન્નત અને હુરુલ ઇન હુસૈન(અ.સ.)ના નૂરથી છે અને હુસૈન(અ.સ.)નુ નૂર ખુદાના નૂરથી છે અને હુસૈન(અ.સ.) જન્નત અને હુરુલઈનથી અફઝલ છે.

(બેહારુલ અન્વાર ભા. 25 / હ. 30 / પેજ 16)

આ હદીસથી સ્પષ્ટ થાય છે કે એહલેબૈત (અ.મુ.સ.) તમામ કાએનાતથી અફઝલ છે. જન્નત અને હુરુલ ઇન ઈમામ હુસૈન(અ.સ.)ના નૂરથી પૈદા થયા છે એટલા જ માટે શાયદ ઈમામ હુસૈન(અ.સ.) થી સંબંધિત દરેક કદમ ઉપર જન્નત છે. ઝીયારત પર જન્નત, ગીર્યા પર જન્નત, એક બુંદ આંસુ પર જન્નત, ઝાએરીન એ સય્યદુશ્શોહદાની ખિદમત પર જન્નત.

એક અન્ય હદીસમાં હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)એ જનાબે સલમાનને ફરમાવ્યું:

અય સલમાન! ખુદાએ મને પોતાના અત્યંત પાક અને પાકીઝા નૂરથી પૈદા કર્યો પછી તેને મને બોલાવ્યો અને મેં ખુદાની ઇતાઅત કરી, ખુદાએ મારા નૂરથી અલી(અ.સ.)ને પૈદા કર્યાં તેમને પણ પોતાની ઇતાઅતની દાવત આપી તેઓએ પણ ઇતાઅત કરી, મારા નૂર અને અલી(અ.સ.)ના નૂરથી ફાતેમા(સ.અ.)ને પૈદા કર્યાં ખુદાએ તેમને પણ દાવત આપી તેઓએ પણ ઇતાઅત કરી. ખુદાએ અલી(અ.સ.) અને ફાતેમા(સ.અ.)ના નૂરથી હસન(અ.સ.) અને હુસૈન(અ.સ.)ને પૈદા કર્યાં, તેઓ બન્નેને દાવત આપી અને તેઓ એ પણ ઇતાઅત કરી. પછી ખુદાએ પોતાના પાંચ નામોથી અમારા નામ રાખ્યા. ખુદા તું મેહમૂદ છે અને હું મોહમ્મદ, ખુદા અલ્ અલી છે અને આ અલી, ખુદા ફાતીર છે અને આ ફાતેમા, ખુદા મોહસીન છે અને આ હસન, ખુદા કદીમુલ એહસાન છે અને આ હુસૈન.

પછી ખુદાએ હુસૈન(અ.સ.)ના નૂરથી નવ ઈમામો પૈદા કર્યાં. તેઓ બધાને બોલાવ્યા અને દરેકે તેની ઇતાઅત કરી. આ બધું એ સમયે થયું જયારે ન આસમાનનું છત હતું અને ના ઝમીનું ફર્શ, ન હવાનુ પસાર થવું હતું ન પાણીનુ વુજુદ ન તો કોઈ મલક હતો ન કોઈ ઇન્સાન બસ અમે તેમના ઇલ્મના અન્વારમાં નૂરો હતા. તેની તસ્બીહ કરતા હતા. તેની વાત સાંભળતા હતા અને તેની ઇતાઅત કરતા હતા.

જનાબે સલમાનનુ બયાન છે, મેં અરજ કરી કે અય અલ્લાહના રસુલ મારા વાલેદૈન આપ ઉપર કુરબાન તેના માટે શું છે, જે આ લોકોની મઅરેફત રાખતો હોય? ફરમાવ્યું:

અય સલમાન! જે તેમના હકની મઅરેફત રાખશે અને તેમની પૈરવી કરશે અને તેમના દોસ્તોને દોસ્ત રાખશે અને તેમના દુશ્મનોથી બરાઅત કરશે ખુદાની કસમ તે અમારામાંથી છે જ્યાં અમે હશું ત્યાં તેઓ હશે, જ્યાં અમે રેહશું ત્યાં તેઓ રેહશે.

(બેહારુલ અન્વાર ભા. 25 / હ 9 / પા. 6)

આ હદીસથી સ્પષ્ટ થાય છે હઝરત ઈમામ હુસૈન(અ.સ.)નુ નામ ખુદાના નામ ‘મોહસીન’થી છે. અરબી ભાષામાં કાયદો છે, જે શબ્દ જે શબ્દથી નીકળતો હોય તેમાં તે શબ્દની ખુસુસિયાત જોવા મળે છે. આ ખુદાના નામ ‘મોહસીન’ની અસર છે કે હઝરત ઈમામ હુસૈન(અ.સ.)નો એહસાન અને લુત્ફો કરમ દરેકના માટે છે. શું ગુનેહગાર કે શું ઇતાઅત ગુજાર દરેકના માટે છે. ચાહે તે ગુનેહગાર હોય કે ઇતાઅત ગુજાર, ચાહે તે અમીર હોય કે ફકીર, ચાહે તે બાદશાહ હોય કે પ્રજા, પછી તે આલીમ હોય કે જાહિલ, શહેરનો રહેવાસી હોય કે ગામડાનો રહેવાસી, મુસાફર હોય કે સ્થાનિક હોય, ઝમીનવાળો હોય કે આસમાન વાળો હોય, ઇન્સાન હોય કે જાનવર હોય, કે દરિંદો હોય કે પરીન્દો હોય, દરિયો હોય કે ખીણ હોય, સમુન્દર હોય કે નદી હોય, તળાવ હોય, દરેકના માટે શામિલ છે. લુત્ફની વાત તો એ છે કે જેટલો વધુ લુત્ફો કરમ સામાન્ય થતો જાય છે એટલો જ એનો સંગ્રહ વધતો જાય છે

બે અબી અન્ત વ ઉમ્મી યા અબા અબદીલ્લાહ, બે અબી અન્ત વ ઉમ્મી યબ્ન રસુલીલ્લાહ.

ઈમામ હુસૈન(અ.સ.)ની વિલાદત:

હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)ના ફુફી જનાબે સફિયા બીન્તે અબ્દુલ મુત્ત્લીબ જયારે હઝરત ઈમામ હુસૈન(અ.સ.)ની વિલાદત થઇ તો કહે છે કે હું ત્યાં મૌજુદ હતી. હજુ વિલાદતના ઉમુર અંજામ આપી રહી હતી. નબી અકરમ(સ.અ.વ.)એ ફરમાવ્યું કે અય ફુઈ આ નૂરે નઝર મને આપી દયો, મેં અરજ કરી અય અલ્લાહના રસુલ મેં હજી તેને ગુસ્લ નથી આપ્યું હજી સાફ નથી કર્યાં. હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)એ ફરમાવ્યું અય ફુઇ આપ તેમને શું પાક અને સાફ કરશો જેને ખુદાવંદે આલમે પાક અને સાફ પૈદા કર્યાં છે.

(અમાલી એ સદક, પાના: 117, અવાલીમના હવાલાથી, ભાગ:17, પાના: 12)

હઝરત ઈમામ હુસૈન(અ.સ.)ની વિલાદતના સમયે જે નિશાનીઓ જાહેર થઇ જે મોઅજેઝાત અને કરામતો જાહેર થઇ છે, તે એક વિગતવાર ચર્ચા છે.

ઈમામ હુસૈન(અ.સ.)ની રઝાઅત – દૂધ પીવા વિષે.

હઝરત ઈમામ જાફરે સાદિક(અ.સ.)ની રિવાયત છે:

હઝરત ઇમામ હુસૈન(અ.સ.)એ ન તો જનાબે ફાતેમા(સ.અ.)નુ દૂધ પીધું છે અને ન તો બીજી કોઈ ખાતુનનુ. હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)તશરીફ લાવતા હતા અને પોતાનો અંગુઠો તેમના મુબારક દહેનમાં રાખતા હતા અને તે ચૂસતા હતા જે બે અથવા ત્રણ દિવસના માટે કાફી થઇ જતું હતું.

આના આધારે હઝરત ઈમામ હુસૈન (અ.સ.)નુ ગોશ્ત અને ખૂન હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)ના ગોશ્ત અને ખૂનથી બન્યું હતું. જનાબે ઈસા(અ.સ.) અને હઝરત ઈમામ હુસૈન(અ.સ.)સિવાય કોઈ પણ 6 મહિનામાં પૈદા નથી થયું.

(કાફી ભાગ: 1, હદીસ: 4, પાા: 464, અવાલીમ, ભાગ: 17 પાના: 25 ના હવાલાથી/સંદર્ભથી)

આવી એક રિવાયત હઝરત ઈમામ અલી રેઝા (અ.સ.)થી પણ વારીદ થઇ છે.

(ઉપર પ્રમાણે સંદર્ભ)

હઝરત ઈમામ હુસૈન(અ.સ.)નુ નૂર હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)ના નૂરથી છે અને આપનું ગોશ્ત અને ખૂન હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)નુ ગોશ્ત અને ખૂન છે. આપની નૂરાની ખિલ્કત પણ હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)થી આપનો જિસ્માની વિકાસ પણ હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)થી છે. તો હવે આપનો એહતરામ અને માન હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)નો એહતેરામ અને માન, અને આપની તૌહીન અને આપને અઝીય્યત દેવી હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)ની તૌહીન અને અઝીય્યત છે. આપનું કત્લ હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)નુ કત્લ છે અને આપની કબરે મુતહ્હરની બેહુરમતી હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ની કબરે મુતહ્હરની બેહુરમતી છે. આ(અ.સ.)ના ઝાએરીનને અઝીય્યત દેવી, આપ(અ.સ.) ઉપર મેણા ટોણા મારવા આપ(અ.સ.) સતાવવા હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ને અઝીય્યત દેવા બરાબર છે. રિવાયતમાં મળે છે કે જેવી રીતે જેણે હઝરત ઈમામ હુસૈન(અ.સ.)ની ઝીયારત કરી તેણે હઝરત રસુલે ખુદા (સ.અ.વ.), હઝરત અલી(અ.સ.), હઝરત ફાતેમા(સ.અ.)ની ઝીયારત કરી.

ઈમામ હુસૈન(અ.સ.)નો લિબાસ:

જનાબે ઉમ્મે સલમાનુ બયાન છે મેં જોયું હઝરત રસુલે ખુદા(સ.અ.વ.), ઈમામ હુસૈન (અ.સ.)ને નવો લિબાસ પેહરાવી રહ્યા છે પરંતુ આ દુનિયાનો લિબાસ નથી. મેં હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)ની ખિદમતમાં અરજ કરી અય અલ્લાહના રસુલ! આ કયો લિબાસ છે? ફરમાવ્યું ‘આ મારા રબે હુસૈન(અ.સ.)ના માટે હદીયો મોકલ્યો છે’તેનો દોરો જીબ્રઈલની પાંખના રૂ માંથી બનાવવામાં આવ્યો છે તેમને આ લિબાસ પેહરાવી રહ્યો છુ અને તેમને સજાવી રહ્યો છુ આજે શણગારનો દિવસ છે અને હું તેમનાથી મોહબ્બત કરુ છું.

(બેહાર ભાગ: 43, હદીસ: 38, પાના 271, અવાલીમ, ભાગ: 17, પાના: 34 ના હવાલાથી)

જયારે આપની ખિલ્કત નૂરાની અને આસમાની છે તો આપનો લિબાસ પણ નૂરાની અને આસમાની હોવો જોઈએ જ.

જીબ્રઈલ(અ.સ.)ની લોરીઓ (હાલરડુ):

એક દિવસ હઝરત જીબ્રઈલ હઝરત જનાબે ઝેહરા(સ.અ.)ની ખિદમતમાં નાઝીલ થયા અને તે સમયે તેઓ આરામ ફરમાવી રહ્યા હતા અને ઈમામ હુસૈન(અ.સ.) તેઓની ગોદમાં રડી રહ્યા હતા. જનાબે જીબ્રઈલ ઈમામ હુસૈન(અ.સ.)ને લોરીઓ દેવા લાગ્યા અને રમાડવા લાગ્યા હા, ત્યાં સુધી કે જનાબે ઝેહરા(સ.અ.) જાગી ગયા અને જોયું કે લોરીઓની અવાજ આવી રહી છે અને કોઈ દેખાય નથી રહ્યું. હઝરત રસુલે ખુદા(સ.અ.વ.) એ બતાવ્યું કે જીબ્રઈલ હતા.

(બેહાર ભાગ: 44/188, અવાલીમ, ભાગ: 17, પાના: 43 ના હવાલાથી)

ફરીથી જીવતા કરવું:

અબુ ખાલીદ કાબુલીનુ બયાન છે કે અમે લોકો ઈમામ હુસૈન(અ.સ.)ની ખિદમતમાં હાજર હતા. હઝરત ઈમામ હુસૈન(અ.સ.)ની ખિદમતમાં એક જવાન રડતો રડતો આવ્યો. હઝરત ઈમામ હુસૈન (અ.સ.) એ તેને રડવાનું કારણ પુછ્યું તો તેણે કહ્યું કે મારી વાલેદાનો ઇન્તેકાલ થઇ ગયો છે અને તેઓએ કોઈ વસીયત નથી કરી, તેઓની પાસે ઘણો બધો માલ હતો. તેઓએ મને હુકમ દીધો છે કે હું આપને બતાવ્યા વગર કાંઈ ન કરૂ. હઝરત ઈમામ હુસૈન(અ.સ.)એ ફરમાવ્યું કે ઉભા થાવ ચાલો આપણે એ ખાતૂનના ઘરે જઈએ. અમે લોકો હઝરત ઈમામ હુસૈન(અ.સ.)ની સાથે તે ખાતૂનના ઘરે ગયા જોયું કે ખાતૂન બિસ્તર ઉપર મરેલી હાલતમાં પડી હતી.

હઝરત ઈમામ હુસૈન(અ.સ.) ત્યાં તશરીફ લઇ ગયા અને દોઆ કરી જેથી તે જીવતા થાય અને વસીયત કરે. ખુદાએ તેને જીવતી કરી અને તે બેઠી થઇ અને કલમો પડવા લાગી. તેણે જયારે હઝરત ઈમામ હુસૈન(અ.સ.)ને જોયા તો અરજ કરી મૌલા ઘરમાં તશરીફ લાવો અને હુક્મ આપો. હઝરત ઈમામ હુસૈન(અ.સ.) ઘરની અંદર તશરીફ લઇ ગયા અને તેને ટેકો આપીને બેસાડી અને ફરમાવ્યું જે વસીયત કરવા ચાહતી હોય એ વસીયત કર, ખુદા તારી ઉપર રહેમ કરે.

તેણે અર્જ કરી અય ફરઝંદે રસુલ! મારી પાસે આ માલ છે અને આ જગ્યા પર છે અને તેમાંથી 1/3 હિસ્સો આપના માટે જેવી રીતે ચાહો આપના ચાહવાવાળા માટે ઉપયોગ કરો. અગર આપ જાણતા હો કે આ આપના ચાહવાવાળા અને દોસ્તોમાંથી છે, તો બાકીનો 2/3 હિસ્સો મારા આ ફરઝંદ માટે છે અને અગર આપનો મુખાલિફ છે તો તમામ માલ આપનો છે કારણ કે મોઅમેનીનના માલ ઉપર મુખાલેફીનનો કોઈ હક નથી. તેના પછી તેણે હઝરત ઈમામ હુસૈન(અ.સ.)થી દરખાસ્ત કરી કે આપ તેના કાર્યો બજાવી લાવે અને તેની નમાઝે જનાઝા પઢાવે અને તેના પછી તે મૃત્યુ પામી.

(બેહાર ભાગ: 44, હદીસ: 3, પાના: 180, અવાલીમ, ભાગ:17, પાના: 50 ના હવાલાથી)

આ વાકેઆથી એ ખાતૂનનુ ઈમાન અને એહલેબૈત(અ.મુ.સ.) પ્રત્યેની મોહબ્બતનો અંદાજો થાય છે, ફરઝંદ છે પરંતુ અગર મુખાલીફે એહલેબૈત હોય તો તેનો માલ ઉપર કોઈ હક નથી.

બિમારની શિફા:

જનાબે ઝોરારાહ ઈબ્ન અઅયો હઝરત ઈમામ જાફરે સાદિક(અ.સ.)થી રિવાયત કરી છે કે એક શખ્સ ખુબ જ તાવની અંદર મુબ્તેલા હતો. હઝરત ઈમામ હુસૈન(અ.સ.) તેની અયાદત કરવા માટે તશરીફ લઇ ગયા જેવા હઝરત ઈમામ હુસૈન(અ.સ.) તેના ઘરમાં કદમ મુબારક રાખે છે, તુરત જ તેનો તાવ ઉતરી જાય છે. અરજ કરી ખુદા એ જે કઈ આપને અતા કર્યું છે, તેના ઉપર હું સંપૂર્ણ યકીન રાખું છું, આપના આવવાથી મારો તાવ ચાલ્યો ગયો છે.

હઝરત ઈમામ હુસૈન(અ.સ.)એ ફરમાવ્યું: ખુદાની કસમ ખુદાએ કોઈ એવી ચીઝ પૈદા નથી કરી જેને અમારી ઇતાઅતનો હુકમ ન દીધો હોય. આ સમયે અમે લોકોએ એક અવાઝ સાંભળી અને એ શખ્સ દેખાણો નહિ તેણે કહ્યું લબ્બૈક હઝરત ઈમામ હુસૈન(અ.સ.)એ ફરમાવ્યું શું અમીરુલ મોઅમેનીન (અ.સ.)એ તને હુકમ નથી આપ્યો કે તું ફક્ત દુશ્મનો અથવા ગુનેહગારોની પાસે જ જઈશ, જેથી તેઓના ગુનાહોનો ક્ફ્ફારો થાય આ તું કોની પાસે આવ્યો એમ કહ્યું. રિવાયતમાં છે બીમારનુ નામ અબ્દુલ્લાહ ઈબ્ને શદ્દાદ અલ હાદી અલ આઅલીશી લખ્યું છે.

(મનાકીબ ઇબ્ને શેહરે આશોબ 3/310, અવાલીમ, ભાગ: 17, પાના: 48 ના હવાલાથી)

પૂરી કાએનાત એહલેબૈત(અ.મુ.સ.)ની વિલાયતને તસ્લીમ કરે છે અને તેમના હુકમને તાબે છે, સિવાય અમુક બદબખ્ત ઇન્સાનોના.

હઝરત ઈમામ હુસૈન(અ.સ.)ની ઈબાદત:

હઝરત ઈમામ ઝૈનુલઆબેદીન(અ.સ.) ફરમાવતા હતા કે:

મારા વાલીદ રોજ એક હઝાર રકાત નમાઝ પઢતા હતા.

(અવાલીમ જી. 17 પે.61)

હઝરત ઈમામ હુસૈન(અ.સ.) જયારે વઝુ કરતા ત્યારે આપનો રંગ બદલાય જતો હતો, સાંધે સાંધા કાંપવા લાગતા હતા. જયારે આપથી આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો તો આપે ફરમાવ્યું કે જે શખ્સ માલીકે જબ્બારની બારગાહમાં હાજર થવા ચાહતો હોય તેના માટે યોગ્ય છે કે તેનો રંગ ઊડી જાય અને સાંધે સાંધા કાંપવા લાગે.

(અવાલીમ જી. 17 પે.62)

ઈબાદત એટલે ખુદાવંદે આલમની બારગાહમાં હાજર થવું હકીકી ઈબાદતના માટે માઅબુદની મઅરેફત જરુરી છે કારણ કે સામાન્ય રીતે લોકો ખુદાની વહદાનીયતનો ઈકરાર તો કરે છે પરંતુ મઅરેફ્ત નથી રાખતા, આના લીધે નમાઝ એક ફરજની અદાઈગી હકીકતમાં માલીકે જબ્બારની બારગાહમાં હાજરી નહિ. હઝરત ઇમામ હુસૈન (અ.સ.) અને અન્ય અઈમ્માહ(અ.મુ.સ.) ખુદાની મઅરેફતના બુલંદ તરીન દરજ્જા પર ફાએઝ હતા. ખુદાની અઝમતો તેમની નિગાહોની સામે હતી. તેની અઝમતોના સામે પોતાને ખુબ જ હકીર તસવ્વુર કરતા હતા એટલા માટે ઈબાદતના સમયે રંગ ઉડી જતો હતો, સાંધે સાંધા કાંપવા લાગતા હતા, ગીર્યા કરવા લાગતા હતા, ખુદાની અઝમતોની સિવાય બીજો કોઇ એહસાસ ન હતા કરતા. અઝમતે ખુદાવંદીની તરફ જ ફક્ત તવજ્જોહ રહેતી હતી.

હઝરત ઈમામ હુસૈન(અ.સ.)ની વિમ્રતા અને ખાકશારી:

મસ્અદહ બયાન કરે છે, હઝરત ઈમામ હુસૈન (અ.સ.) અમુક મીસ્કીનોની સામેથી પસાર થઇ રહ્યા હતા, જે પોતાની ચાદર બિછાવીને રોટીના ટુકડા ખાઇ રહ્યા હતા. તેઓએ આપને દરખ્વાસ્ત કરી કે ફરઝંદે રસુલ (સ.અ.વ.) તશરીફ લાવો. આપ તેમની સાથે ઝમીન ઉપર બેસી ગયા અને તેમની સાથે ખાવામાં શામિલ થઇ ગયા તે સમયે ઝબાન ઉપર આ જુમલો હતો “ઇન્નલ્લાહ લા યોહીબ્બુલ્ મુતકબ્બેરીન એટલે કે ખુદા તક્બ્બુર કરવાવાળાઓને દોસ્ત નથી રાખતો. ત્યાર પછી ફરમાવ્યું કે મેં તમારા લોકોની દાવત કબુલ કરી, તમે લોકો મારી દાવત કબુલ કરો. બધાએ કબુલ કર્યું અને હઝરત ઈમામ હુસૈન (અ.સ.) પોતાના ઘરે લાવ્યા અને કનીઝને ફરમાવ્યું જે કઈ બધું ઘરમાં હોય એ બધું લઇ આવો.

(અવાલીમ જી. 17 પે.65)

અમુક નાદાન, તકબ્બુર અને અક્કડમાં મોટાઈને તસવ્વુર કરે છે, જ્યારે કે મોટાઈ વિનમ્રતામાં છે.

હઝરત ઈમામ હુસૈન(અ.સ.)ની શહાદતની ખબર:

જેવી રીતે અરજ કરી ચુક્યા છીએ કે ખુદાવંદે આલમા ઇલ્મમાં હતું, યઝીદ દીને ખુદા ઇસ્લામને મીટાવવા માટે તમામ કાવતરાઓને અમલી કરશે અને આખરી સ્વરૂપ આપશે. તે હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ની જીંદગીમાં શરૂ થયું હતું. એમની વફાત બાદ આ વધારે વ્યવસ્થિત થઇ ગયું અને ધીરે ધીરે રંગ પકડવા લાગ્યું. આ કાવત્રાકારોને યકીન હતું કે દ્રશ્ય અને અદ્રશ્ય કાવત્રાઓ કામયાબ થઇ જશે અને ખુદાનુ નામ અને તેના દીનુ નામોનિશાન મટી જશે અને રેહમાન ઉપર શૈતાન ગાલીબ આવી જશે.

પરંતુ તેમને માલુમ ન હતું કે ખુદાવંદે આલમે પહેલા દિવસથી જ દીનને બાકી રાખવા માટે અને તેની સલામતી માટે હઝરત ઈમામ હુસૈન(અ.સ.)ને પસંદ કરી લીધા હતા અને પહેલા જ દિવસથી ફતહ અને કામયાબી હઝરત ઈમામ હુસૈન(અ.સ.)ના હકમાં લખી દીધી હતી. આવી રીતે લાનત અને અઝાબ, ઝીલ્લત અને રૂસ્વાયી યઝીદ અને એ લોકોના નામે લખી દીધી હતી, જેઆ કાવત્રાઓમાં શરીક હતા.

ખુદાવંદે આલમે જનાબે આદમ(અ.સ.)થી હઝરત રસુલે ખુદા(સ.અ.વ.) સુધી તમામ લોકોને હઝરત ઈમામ હુસૈન(અ.સ.)ની શહાદતથી અને યઝીદની હલાકતથી વાકિફ કરી દીધા હતા. હઝરત ઈમામ હુસૈન(અ.સ.)ની શહાદતના બારમાં અમ્બીયા(અ.મુ.સ.)ની ખબરો ખુદ એક સુનિશ્ચિત વિષય છે.

ખુદાવંદે આલમે, આલમે અન્વારથી હઝરત ઈમામ હુસૈન(અ.સ.)ને મુન્તખબ ફરમાવ્યા હતા અને ખુસુસિયત અતા ફરમાવી જે બીજા કોઇને નથી આપી. હઝરત ઈમામ હુસૈન(અ.સ.) એ પણ એ કરી દેખાડ્યું જે કોઈએ નહોતું કર્યું. આના આધારે તમામ અમ્બીયા, મુરસલીન, અવ્સીયા, શોહદા, સિદ્દીકીન, સાલેહીનમાં હઝરત ઈમામ હુસૈન(અ.સ.)ની ખાસ એક મંઝેલત, પ્રભાવ, ઇઝ્ઝત અને શરફ હાસિલ છે. આપ (અ.સ.)ની ઝીયારત અને આપના સંબંધિત તમામ કામોને ખુદાની બારગાહમાં એક ખાસ દરજ્જો અને મકામ હાસિલ છે. ખુદા આપણને સૌને હઝરત ઈમામ હુસૈન(અ.સ.)ની ખિદમતની મુસલસલ સતત બેહતરીન તોફીક અતા ફરમાવતો રહે અને આપના ફરઝંદે અઝીઝ હઝરત હુજ્જત ઇબ્ને હસન અલ અસ્કરી(અ.સ.)ના સાથે આપની ઝીયારત અને આપની અઝાદારીની ખુશનસીબી હાસિલ ફરમાવે. (ઈ.આ.)

જેવી રીતે ખુદાવંદે આલમે હઝરત ઈમામ હુસૈન (અ.સ.) થકી અગાઉના ઝમાનાના તમામ ઇસ્લામની વિરુધ્ધ કાવતરાઓને નાકામ કરી દીધા. દુશ્મને ઇસ્લામના તમામ પ્રપંચો અને ષડયંત્રો ઉપર પાણી ફેરવી દીધું અને ઇસ્લામને હમેશની જીંદગી અતા ફરમાવી.

એવી જ રીતે ખુદાવંદે આલમ હઝરત ઈમામ હુસૈન(અ.સ.)ના નવમાં ફરઝંદ હઝરત હુજ્જત ઇબ્ને હસન અલ અસ્કરી(અ.સ.) અર્વાહોના લહુલ ફિદાના ઝરીએ દીને મુકદ્દસે ઇસ્લામ એટલે કે ગદીરી ઇસ્લામ જે ઇમામી અને વિલાયતી ઇસ્લામના વિરુધ્ધ દુન્યાના તમામ મઝહબોના કાવત્રા, કોશિષોને નાકામ અને નામુરાદ કરાર દેશે. ફરઝંદે ઈમામ હુસૈન(અ.સ.) હઝરત ઈમામે ઝમાના (અ.સ.)ના ઝરીએ ગદીરી ઇસ્લામને મુર્તુઝાઇ ઇસ્લામ સંપૂર્ણ અને દુનિયાના તમામ દીનો ઉપર સ્પષ્ટ અને જાહેરી રીતે ગલબો અને ઉચ્ચતા અતા ફરમાવશે. આખી દુનિયાની તમામ મોટી મોટી તાકતો ગમે એટલી કોશિશો કરે, ઇસ્લામની વિરુધ્ધ કેટલો વધારે પ્રચાર કરી લેય, પરંતુ ખુદાના ઈરાદાને રાઇના દાણા બરાબર હલાવી નહિ શકે અને ન તેમાં ફેરફાર અને તબદીલી કરી શકે છે. દીને ઇસ્લામ, કરબલાની અને ગદીરી ઇસ્લામની ઉચ્ચતા અને સર્વશ્રેષ્ઠતાનો વાયદો હઝરત ઈમામ હુસૈન (અ.સ.)ના ફરઝંદ હઝરત વલીએ અસ્ર(અ.સ.)ના થકી ચોક્કસ અને ચોક્કસ પૂરો થશે. ખુદાનો વાયદો પોતાના ખાસ ફરિશ્તાઓથી છે.

જયારે આશુરના દિવસે હઝરત ઈમામ હુસૈન (અ.સ.) દુશ્મનોના ઘેરાવમાં ઘેરાઇ ચુક્યા હતા અને કોઈ મદદ કરવા વાળું ન હતું, તે સમયે આસમાનના ફરીશ્તાઓએ હઝરત ઈમામ હુસૈન(અ.સ.)ની મઝલુમી જોઈને અલ્લાહની બારગાહમાં ફરિયાદ કરી હતી.

ખુદાએ ફરમાવ્યું હતું કે હું આપના ફરઝંદ ઇમામે અસ્ર(અ.સ)ના થકી તેમનો બદલો લઈશ અને તેમના થકી પોતાની ઝમીનને તસ્બીહ અને તેહલીલથી આબાદ કરી દઈશ.

ગદીરી અને કરબલાઈ ઇસ્લામની ઉચ્ચતાનો વાયદો ખુદાએ પોતાના રસુલથી કર્યો હતો. જેવી રીતે હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)ના ઇન્તેકાલના ફૌરન બાદ, હઝરત અલી(અ.સ.)એ તલવાર ઉઠાવી નહી અને યોગ્ય સમયનો ઈન્તેઝાર કર્યો, એવી જ રીતે તેમના આખરી ફરઝંદ પણ યોગ્ય સમયનો ઈન્તેઝાર કરી રહ્યા છે.

હઝરત ઈમામ હુસૈન(અ.સ.) રબ્બુલ આલમીનના ચુંટાયેલા અને પસંદ કરાયેલા છે, એમ એમના ફરઝંદ પણ રબ્બુલ આલમીનના ચુટાયેલા અને પસંદ કરાયેલા છે. આ બારામાં ઇમામતના દરેક ફર્દ ખુદાના પસંદ કરાયેલા છે.

ખુદાનો કરોડો કરોડો એહસાન છે કે આપણે તેમના આ ચુંટાયેલા ખાનદાનના ચાહવાવાળાઓ અને તેમના દુશ્મનોથી નફરત કરવાવાળાઓમાંથી આપણને કરાર દીધા છે. અલ્હમ્દો લીલ્લાહે રબ્બીલ આલમીન.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *