ઝિયારતે નાહીયાની સમજુતી
ઝિયારતે નાહીયાની સમજુતી
ઝિયારતે નાહીયા મુકદ્દેસાની સમજુતીના સિલસિલાને આગળ વધારતા આવો તેના આગળના જુમ્લાઓને સમજવાની કોશિશ કરીએ.
અસ્સલામો અલય્ક યા મૌલાય વ અલલ મલાએકતીલ મરફુફીન હવ્લ કુબ્બ્તેકલ્ હાફ્ફીન બેતુર્બતેકત્ તાએફીન બે અર્ સેકલ્ વારેદી લે ઝિયારતેક.
આકા અમારા સલામ, અદબ, કબુલ ફરમાવો, આપના કુબ્બાની આજુ બાજુ પરવાનાની જેમ ફિદા થવા વાળા આપની તુરબતને હંમેશા ઘેરી રહેવાવાળા, આપની ઝરીહે અક્દસનો હંમેશા તવાફ કરવાવાળા અને આપની ઝીયારત માટે આવવાવાળા એ ફરીશ્તાઓ પર પણ અમારા સલામ મોકલી રહ્યા છીએ.
ઝીયારતે નાહીયા મોક્દ્દેસાના આ ફકરામાં હઝરત ઈમામ હુસૈન(અ.સ.)ના ઝાએર અર્ઝે અદબ અને સલામ ન ફક્ત પોતાના ઈમામ(અ.સ.)ને મોકલી રહ્યા છે, બલ્કે એ ફરીશ્તાઓને પણ મોકલી રહ્યા છે, જેઓને આપની ઝરીહ મુબારક પર નિયુક્ત કરવામાં આવ્યા છે. શબ્દ મલાએકા મલકનુ બહુવચન છે એટલે કે ફરિશ્તાઓ. એહલેબૈત(અ.મુ.સ.)ના આસારમાં ફરિશ્તાઓ પર ખાસ રિવાયાતો વારીદ થઇ છે અને આપણા માટે એ મુમકીન નથી કે એ તમામ વિગતોને અહી બયાન કરીએ. જે લોકો સંશોધન અને અભ્યાસ કરવાના વધારે ઈચ્છુક હોય તેઓના માટે જરુરી છે કે તેઓ બેહારુલ અન્વારના 56 માં ભાગનો અભ્યાસ કરે. આ ભાગમાં અલ્લામા મોહમ્મદ બાકીર મજ્લીસી (અ.ર.) અબ્વાબુલ્ મલાએકાના નામથી એક વિભાગ લઇને આવ્યા છે અને આ વિભાગમાં ત્રણ પ્રકરણ જે આ રીતે બયાન થયા છે.
બાબ: 23 હકીકતુલ મલાએકા વ સીફાતેહીમ વ શોઉનેહીમ વ અત્વારેહીમ (ફરિશ્તાઓની હકીકત, તેઓની સીફત, તેઓની શા અને તેઓના પ્રકાર)
બાબ: 24 આખેરો ફી વસફીલ્ મલાએકતીલ્ મોકર્રબીન (મુકર્રબ ફરિશ્તાઓની સિફત અને ખુસુસિયાત વિશે બીજુ પ્રકરણ)
બાબ: 25 ઇસ્મતુલ્ મલાએકતે વ કીસ્સતો હારુત વ મારુત (ફરિશ્તાઓની ઇસ્મત અને હારુત અને મારુતની દાસ્તાન)
આ ત્રણેય પ્રકરણોમાં અલ્લામા મજ્લીસી(ર.અ.)એ સૌથી વધારે હદીસો નકલ કરી છે. આ રિવાયતો ઉલુમે આલે મોહમ્મદ(અ.મુ.સ.)ના અનમોલ મોતી છે. જે ફક્ત અને ફક્ત તેમના જ દરથી હાસિલ થાય છે.
ફરિશ્તાઓનું આલે મોહમ્મદ(અ.મુ.સ.)ની ખિદમતમાં હાજર થવું કોઈ નવું અને આશ્ચર્યની વાત નથી. પયગંબર(સ.અ.વ.) પર તેમના નુઝુલને તો દરેક મુસલમાન બાળક પણ જાણે છે પરંતુ તે જ ફરિશ્તાઓનું નુઝુલ આલે મોહમ્મદ(અ.મુ.સ.) પર એ હકીકત છે કે જેને એહલેબૈત(અ.મુ.સ.)ના અન્ય ફઝાએલની જેમ છુપાવવાની કોશિશ કરવામાં આવી છે.
ફરીશ્તાઓનું શેહઝાદીએ કોનૈન(સ.અ.)ની ખિદમતમાં હાજર થવું:
એહલે તસન્નુનના મોઅતબર અને જલીલુલ કદ્ર આલીમ હાકીમ નિશાપુરી પોતાની કિતાબ મુસ્તદરકુસ્સહીહૈન ભાગ: 3, પાના: 57 ઉપર આ રિવાયત વર્ણવે છે. જ્યારે રસુલે ખુદા(સ.અ.વ.)ની વફાત થઇ ચુકી, ફરિશ્તાઓએ આલે મોહમ્મદ (અ.મુ.સ.)ને તાઝીયત પેશ કરી એવી રીતે કે તેઓ ફરિશ્તાઓની અવાજ સાંભળતા હતા પરંતુ જોતા ન હતા અને તેઓ એમ કહી રહ્યા હતા કે સલામ થાય આપ પર અય એહલેબૈત(અ.મુ.સ.) અને અલ્લાહની રહેમત અને બરકતો થાય. અલ્લાહ આપની દરેક મુસીબતો પર તાઝીયત પેશ કરે છે.
આ જ હાકીમ નીશાપુરી ભાગ: 3 પે. 172 પર વર્ણવે છે કે અમીરુલ મોઅમેનીનની શહાદતના બાદ ઈમામ હસન(અ.સ.)એ ખુત્બો ઈર્શાદ ફરમાવેલ કે જેમાં આપ(અ.સ.)એ કહ્યું હું આ એહલેબૈત(અ.સ.) માંથી છુ જેના ઉપર જીબ્રઈલ નાઝીલ થયા કરતા હતા અને અમારી પાસેથી જ તેઓ ઉપર જતા હતા.
શેખ કહે છે કે અમુક પક્ષપાતી લોકો આ ફઝીલત પર વાંધો ઉપાડે તો તેમનો ટુંકમાં જવાબ એહલે તસન્નુનના ઓલમાએ સહાબીએ રસુલ ઇમરાન ઇબ્ને હસીમની શાનમાં આ રિવાયત મળે છે કે જયારે તેમનો ઇન્તેકાલ થયો તો ફરિશ્તાઓ તેમના ઉપર સલામ મોકલી રહ્યા હતા અને આમાલ લખવાવાળા ફરિશ્તા તેઓથી ગુફ્તગુ કરી રહ્યા હતા.
(અલ ઇસ્તીઆબ, ભાગ: 3, પાના: 1202, અસદુલ ગાબહ ભાગ: 4, પાના: 138)
જયારે એક સહાબીની આ શાન થઇ શકે છે તો આલે મોહમ્મદ(અ.મુ.સ.) પર વાંધો શા માટે?
અલ્ મર્ ફુફીન
ઇસમે મફઉલ છે અને તેનો મૂળ શબ્દ રફ્ફ છે જેનો મતલબ છે કે આ ફરિશ્તાઓ પરિંદાઓના ગિરોહની જેમ આપના રોઝાના ગુંબજની આજુ બાજુ નાઝીલ થતા રહે છે.
અલ હાફ્ફીન બેતુર્બતેક
આ ફરિશ્તા આપની ક્બ્રે મોતહ્હરને ઘેરી રહેલા છે. હાફ્ફીન ઇસમે ફાઈલ છે હેફેફે કે જેનો મતલબ છે ઘેરી રહેવું. તુરબતનો મતલબ ખાક અને તેનાથી મુરાદ કબ્ર છે.
અત્તાએફીન બેઅરસતેક
એટલે કે આ ફરિશ્તા આપના હરમે મોતહ્હરનો તવાફ કરે છે.
અલ્ વારેદીન લેઝીયારતેક
એટલે કે આ ફરિશ્તા આપની ઝીયારતના માટે વારીદ થયા છે એટલે કે તેમના નુઝુલનો હેતુ આપની ઝિયારત અને આપની અઝાદારીમાં મશ્ગુલ થવું છે. હઝરત ઈમામ હુસૈન(અ.સ.)ની ઝીયારતની ફઝીલત કોઈ સામાન્ય માણસ સમજી નથી શકતો, એની સમજણ શક્તિની બહાર છે. વાંચકોથી વિનંતી છે કે હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ની ઝીયારતની ફઝીલતના બારામાં મશહુર અને મઅરુફ કિતાબ કામીલુઝ ઝીયારત બુઝુર્ગ મર્તબત મોહદ્દીસ અને આલીમ ઇબ્ને કવ્લીયાની સંકલિત કરેલી કિતાબનો અભ્યાસ જરૂર કરે અને ઝીયારતે સય્ય્દુસશોહદા (અ.સ.)ની એહમિયત, અઝમત અને સવાબની મઅરેફત હાસિલ કરે.
અસ્સલામો અલય્ક ફઇન્ની કસદ્તો એલય્ક વ રજવ્તુલ્ ફવ્ઝ લદય્ક
સલામ થાય આપ ઉપર ચોક્કસ મારી મંઝીલ અને મારો મકસદ આપ છો અને આપની હુઝુરમાં કામયાબી અને સફળતાની ઉમ્મીદ રાખીને હાજર થયો છુ.
આ જુમલાની અંદર ઝાઈર સલામના બાદ પોતાની અરજી પેશ કરી રહ્યોં છે કે, ‘અય મારા મૌલા આપજ મારી મંઝીલ, મકસદ અને જીંદગીનો હેતુ છો’એટલે કે હું મારા પુરા વુજુદની સાથે આપની તરફ મુતવજ્જેહ છુ. આપ મારી આ અદના કોશિશને કબુલ ફરમાવો અને મને રદ ન કરો. હું જાણું છુ કે મારા આમાલ એવા નથી કે આપની બારગાહમાં કબુલીયતનો શરફ હાસિલ કરુ પરંતુ આપ કરીમ ઇબ્ને કરીમ છો. આપ મારા હેતુમાં મને કામયાબી અને સફળતા અપાવો અને માયુસ પાછો ન ફેરવજો. કુરઆને કરીમમાં શબ્દ અલ્ ફવ્ઝુલ અઝીમ 14 વખત ઇસ્તેમાલ થયો છે અને તેના ઉપરાંત અલ્ ફવ્ઝુલ કબીર અને અલ્ ફવ્ઝુલ મોબીન પણ ઉપયોગ કરવામાં આવ્યું છે.
અહી એક સવાલ પૈદા થાય છે કે કામયાબી અને સફળતાથી મુરાદ શું છે? બીજા શબ્દોમાં કામયાબીનું માપદંડ શું છે? આમ તો આ સવાલના જવાબ માટે વિગત જરુરી છે પરંતુ ટુંકાણને ધ્યાનમાં રાખતા અરજ કરીએ છીએ.
અમીરુલ મોઅમેનીન (અ.સ.) ફરમાવે છે:
મય્ યોતીઇલ્લાહ વ રસુલહુ ફકદ્ ફાઝ ફવ્ઝન અઝીમા વ નાલ સવાબન જઝીલા, વ મય્ યઅ્સીલ્લાહ વ રસુલહુ ફકદ્ ખસેર ખુસરાનન મોબીના, વસ્તહક્ક અઝાબન અલીમા.
જેણે અલ્લાહ અને તેના રસુલની ઇતાઅત અને ફરમાબરદારી કરી તેણે ખુબ જ અઝીમ કામયાબી હાંસિલ કરી અને બેપનાહ અજ્ર અને સવાબ સુધી પહોચી ગયો અને જેણે તેના અલ્લાહ અને રસુલની નાફરમાની કરી તો પછી બેશક તે ખુલ્લા નુકશાનમાં છે અને એક દર્દનાક અઝાબે પાત્ર છે.
(અલ કાફી જી. 1/ પે. 141/ પ્ર. જવામેઉત્ તૌહીદ)
આ તે દીને ઇસ્લામમાં સફળતા અને કામયાબીનુ માપદંડ સૌ પ્રથમ તેના અલ્લાહ અને રસુલની ફરમાબર્દારી છે બીજા શબ્દોમાં ઇન્સાન પોતાના ઉસુલે દીનને સહી કરે અને ફુરુએ દીનને પાબંદીથી અંજામ આપે તો આ જ કામયાબીની દલીલ છે. અલબત આ વાત જરુર ઝહેનમાં રહે કે રસુલલ્લાહ(સ.અ.વ.)ની ઇતાઅત ફક્ત તેમના સુધી માર્યાદિત નથી, બલ્કે આ હઝરત(સ.અ.વ.)ના જાનશીનોની ઇતાઅત પણ એટલી જ વાજીબ અને જરુરી છે, જેટલી ખુદ રસુલુલ્લાહ(સ.અ.વ.)ની. કુરઆનની આયતો અને રીવાયાતે કરીમાં તેની ગવાહી હદ્દે તવાતુર સુધી આપે છે, બલ્કે એ કેહવું પણ જરૂરી છે કે અગર કોઈ તેના અલ્લાહ અને રસુલની સાચી મઅરેફત ઇચ્છતો હોય તો એના પર વાજીબ છે કે તે ઉલીલ અમ્રથી તમસ્સુક કરે અને તેમના અક્વાલ અને અહાદીસની સામે સંપૂર્ણ રીતે તસ્લીમ થાય.
એક અન્ય રિવાયતમાં હઝરત અમીરુલ મોઅમેનીન(અ.સ) ફરમાવે છે:
મા બાલો અક્વામીન્ ગય્યરુ સુન્ત રસુલીલ્લાહે(સ.અ.વ.) વ અદલુ અ્ વસીય્યેહી લા યતખવ્વફુ અય્ યન્ઝેલ બેહેમુલ્ અઝાબો સુમ્મ તલા હાઝેહીલ્ આયત. અલમ્ તર એલલ્લઝી બદ્દલુ નેઅ્મતલ્લાહે કુફરન વ અહલ્લુ કવ્મહુમ્ દારલ્ બવારે જહન્નમ સુમ્મ કાલ નહનુન નેઅ્મતુલ્લતી અન્ અમલ્લાહો બેહા અલા એબાદેહી વ બેના યફુઝો મન્ ફાઝ યવ્મલ્ કેયામહ
આ ઉમ્મતને શું થઇ ગયું છે? તેઓએ રસુલ (સ.અ.વ.)ની સુન્નતને બદલી નાખી અને તેમના વસીથી મોઢું ફેરવી લીધું, શું તેઓનો ડર નથી કે તેના ઉપર અઝાબે ઇલાહી નાઝીલ થશે? પછી આપ(અ.સ.)એ આયતે કરીમાની તિલાવત ફરમાવી, “શું તમે એ લોકોને નથી જોયા? જેઓએ અલ્લાહની નેઅમતે નાશુક્રીના કારણે અઝાબમાં તબદીલ કરી દીધી અને પોતાની કોમને જહન્નમમાં નાખી દીધી પછી આપ(અ.સ.)એ ફરમાવ્યું, “અમે એ નેઅમત છીએ જેને અલ્લાહે પોતાના બંદાઓ પર નાઝીલ કરી છે અને અમારા જ ઝરીએ કામયાબ થવા વાળા કામયાબ થશે.
(અલ કાફી જી. 1, પાા: 217, હદીસ: 1)
હઝરત ઈમામ મોહમ્મદ બાકીર(અ.સ.) એ સાદુલ ખૈરને એક પત્રમાં લખીને ફરમાવ્યું:
બીત્તકવા ફાઝસ્સાબેરુન
સબ્ર કરવાવાળાઓ તકવા અને પરહેઝગારીના વસીલાથી કામયાબી મેળવે છે.
(અલ કાફી જી. 8/ પે. 52/હ. 16)
તો જાણવા મળ્યુ કે અગર ઇન્સાનનો અકીદો સહી છે અને સાથે સાથે તે ગુનાહોથી પરહેઝ કરે છે, તો પછી તેની કામયાબી નિશ્ચિત છે પરંતુ સૌથી મોટી કામયાબી એ છે કે ઇન્સાનને પોતાના ઈમામે વક્તની નુસરતનો મોકો મળે અને પોતાના ઈમામ(અ.સ.)ની સામે શહાદતનો શરફ હાસિલ કરે. જેવી રીતે શોહદાએ કરબલાને ખિતાબ કરતા આપણે ઝીયારતોમાં પઢીએ છીએ:
ફુઝતુમ્ વલ્લાહે ફવ્ઝન અઝીમા યા લય્તની કુન્તો મઅકુમ ફ અફુઝો મઅકુમ
આપ સૌ કામ્યાબ થઇ ગયા ખુદાની કસમ એક અઝીમ કામયાબી, અય કાશ હું પણ આપની સાથે હોત અને આપની સાથે કામયાબી મેળવત.
આખીરમાં કામયાબીની એક ટુકી ચર્ચાને ઝીયારતે જામેઆ કબીરાના આ જુમલાથી પુરી કરીએ છીએ.
વ ફાઝ મન્ તમસ્સક બેકુમ
(અય મારા મૌલા!) જેણે આપથી તમસ્સુક કર્યું એટલે કે આપનો દામન મજબૂતીથી પકડી લીધો તે કામયાબ થઇ ગયો.
તેનો મતલબ એ છે કામયાબી અને સફળતાની સૌથી મહત્વની શરત એહલેબૈત(અ.મુ.સ.)થી તમસ્સુક છે. તમસ્સુકથી મુરાદ તેઓની તાલીમાતને સારી રીતે પઢવી અને સમજવી અને તેના ઉપર અમલ કરવો.
અસ્સલામો અલય્ક સલામલ્ આરેફે બે હુરમતેકલ્ મુખ્લેસે ફી વલાયતેકલ મોતકર્રેબે એલલ્લાહે બે મહબ્બતેક્લ્ બરીએ મીન્ અઅ્દાએક
સલામ થાય આપ પર, તેના સલામ જે આપની હુરમત અને ઇઝ્ઝતથી આગાહ છે આપની વિલાયતમાં મુખ્લીસ, આપની મોહબ્બતથી અલ્લાહની કુર્બત અને નઝદીકીનો ચાહક અને આપના દુશ્મનોથી બરી અને બેઝાર છે.
આરીફ તેને કહે છે જે પોતાના ઈમામ(અ.સ.)ની મઅરેફત રાખતો હોય તેમાં કોઈ શક નથી કે અવલીયાની મઅરેફત અતા કરવી અલ્લાહનુ કાર્ય છે અને બંદાઓનો તેમાં કોઈ દખલ નથી પરંતુ આ મઅરેફતની તસ્દીક અને તેના ઉપર ઈમાન લાવવું અને તેના ઉપર અમલ કરવું બંદાઓનું ઇખ્તીયારી કાર્ય છે. આથી જયારે પણ રિવાયતોમાં મઅરેફત હાસિલ કરવાનો હુકમ દેવામાં આવ્યો છે તો તેનાથી મુરાદ આ મઅરેફત ઉપર ઈમાન લાવવું છે. મઅરેફતના દરજ્જાતમાં એટલો ઈઝાફો થશે જેટલો ઇન્સાન પોતાના ઈમામ(અ.સ.) એટલે કે વલીએ ખુદાથી તમસ્સુક કરે, તેમની વાતોને માને અને તેમની સામે સંપૂર્ણ રીતે તસ્લીમ થાય. જાહેર છે કે ઈમામ(અ.સ.)ની મઅરેફતનો લાઝેમો આપની હુરમત, ઇઝ્ઝત અને એહતરામની મઅરેફત છે. જેટલો વધારે કોઈ શખ્સ પોતાના ઈમામ(અ.સ.)ની મઅરેફત રાખતો હશે, એટલી વધારે તેની ઇઝ્ઝત કરશે અને તસ્લીમ થશે.
અલ્ મુખ્લેસો ફી વિલાયતેક
એટલે કે હું આપની વિલાયતમાં મુખ્લીસ છુ. વિલાયતનું મફ્હુમ હક્કે તસર્રૂફ છે એટલે કે આપણે યકીન હોવું જોઈએ કે અઈમ્મે માસૂમીન(અ.મુ.સ.)નો આપણા ઉપર પૂરો હક્કે તસર્રૂફ છે, એમના હકના મુકાબલામાં આપણી કોઈ એહમીયત નથી. આપણે ક્યારેય એ કહેવાનો હક નથી કે આપણે એ હુકમ ઉપર કેવી રીતે અમલ કરીએ જયારે કે આપણે તેની હિકમતને સમજ્યા નથી. અઈમ્મે માસૂમીન(અ.મુ.સ.)ની વિલાયત, વિલાયતે મુત્લકા એટલે કે કોઈ પણ પ્રકારની શર્ત અને કૈદ વગરની છે અને આ વિલાયતનુ વર્તુળ આઅલમે તક્વીનની સાથે સાથે આઅલમે તશ્રીઇમાં પણ છે. બીજા શબ્દોમાં હક એ છે, જેનાથી ઈમામ(અ.સ.) રાઝી છે અને બાતીલ એ છે, જેનાથી ઈમામ(અ.સ.) નારાઝ છે. અમ્ર બીલ્મઅરુફ એ છે જેનો ઈમામ(અ.સ.)એ હુકમ આપ્યો અને નહ્ય અનીલ મુન્કર એ છે જેનાથી ઈમામ (અ.સ.)એ મનાઈ કરી. અહી ચું કે ચાંની કોઈ ગુંજાઇશ નથી. બીજી મહત્વની વાત એ છે કે ઇન્સાનને પોતાની વિલાયત અને ઇઝહારે મોહબ્બતમાં મુખ્લીસ હોવું જોઈએ. રીયાકારી અને દેખાવ આપણા તમામ આમાલને બરબાદ કરી દે છે. હઝરત ઈમામ સાદિક(અ.સ.) ફરમાવે છે:
વલ્ અમલુલ્ ખાલેસુલ્લઝી લા તોરીદો અય્યહમદક અલય્હે અહદુન ઇલ્લલ્લાહો અઝ્ઝ વ જલ્લ
ખાલિસ અમલ એ અમલ છે, જેમાં તમે કોઈની પણ તારીફ અને વખાણની અપેક્ષા નથી રાખતા સિવાય અલ્લાહ(અ.જ.)ની
(અલ કાફી, ભાગ: 2, પાા: 16, હદીસ: 4)
ઝીયારતના આ વાક્યોથી એક હકીકત સામે આવે છે અને એ છે કે ખુદાવંદે મોતઆલથી કુરબતનો એક માત્ર તરીકો એ છે કે આલે રસુલ(સ.અ.વ.)થી મોહબ્બત અને તેમના દુશ્મનોથી બેઝારીનો ઇઝહાર છે. સ્પષ્ટ રહે કે આ મફ્હુમના જુમ્લાઓ ઝીયારતે આશુરા અને અન્ય ઝીયારતો અને રિવાયતોમાં પણ જોવા મળે છે. કેમકે ઝીયારતે આશુરા જે હદીસે કુદ્સી છે તેમાં ઈર્શાદ થાય છે:
ઇન્ની સીલ્મુન લેમન્ સાલમકુમ વ હર્બુન લેમન્ હારબકુમ્ મોવાલીન લેમન્ વાલાકુમ વ અદુવ્વુન લેમન્ આદાકુમ ફ અસ્અલુલ્લાહલ્લઝી અક્રમની બે મઅ્ રેફતેકુમ વ મઅ્ રેફતે અવ્લેયાએકુમ્ વ રઝકનીલ્ બરાઅત મીન્ અઅ્દાએકુમ્ અય્યજ્અલની મઅકુમ્ ફીદ્દુન્યા વલ આખેરહ
હું એનાથી સુલેહ કરુ છું, જેનાથી આપે સુલેહ કરી, હું એનાથી લડું છુ, જેનાથી આપની જંગ છે, હું એનો દોસ્ત છુ, જે આપનો દોસ્ત છે, હું એનો દુશ્મન છુ, જે આપનો દુશ્મન છે, પછી હું અલ્લાહથી દોઆ કરુ છુ કે અલ્લાહ જે આપ એહલેબૈત (અ.મુ.સ.)ની મઅરેફત અને આપના દોસ્તોની મઅરેફતના ઝરીએ મારો એહતરામ કર્યો અને આપના દુશ્મનોથી બરાઅતના ઇઝહારનું રુહાની રીઝક અતા ફરમાવ્યું અને દુનિયા અને આખેરતમાં આપની સાથે કરાર આપે.
(મફાતીહુલ જિનાન / કામેલુઝ ઝીયારતથી વર્ણન કરતા)
આ વાત ઝહેનમાં રહે કે તબર્રા વગર તવલ્લા કબુલ નથી. બિલકુલ એવી રીતે કે કે જ્યાં સુધી પહેલા લા એલાહ ઈલ્લાહનો ઈકરાર ન કરે તે સમય સુધી અલ્લાહને માનવાનો કોઈ ફાયદો નથી. અલ્લાહનો અકીદો એ સમયે કાબિલે કબુલ છે, જ્યારે બાકી તમામ ખુદાઓને રદ કરવામાં આવે. આલે મોહમ્મદ (અ.મુ.સ.)ના દુશ્મનોથી નફરત જ તવલ્લાની પેહલી ઇંટ અને બુનિયાદ છે. જ્યાં સુધી આ બુનિયાદ નહિ રાખવામાં આવે ત્યાં સુધી આ વિલાયત કોઈ કામની નથી. જે લોકો એમ કહે છે કે આલે મોહમ્મદ (અ.મુ.સ.)ની રવીશ, સમાધાન અને શાંતિની રવીશ છે. તે હકીકતથી બેખબર છે. જયારે ખુદાની આ રવીશ નથી તો આલે મોહમ્મદ (અ.મુ.સ.)ની આ રવીશ ક્યાંથી હોય શકે. આ કુરઆને મજીદને ઉઠાવીને જોઈ લ્યો, તમને સેંકડો આયતો ખુદાવંદે મુતઆલના દુશ્મનોની મઝમ્મત અને તેમના પર લાનતના શીર્ષકથી મળશે.
ખુદ આલે મોહમ્મદ (અ.મુ.સ.)એ ફરમાવ્યું:
હલીદ્ દીનો ઈલ્લલ્ હુબ્બો વલ્ બુગ્ઝ
શું દીન મોહબ્બત અને નફરતના સિવાય બીજું કઈ છે?
(તફ્સીરે ફુરાત પાના: 428, બેહારુલ અન્વાર ભાગ: 65, પાના: 63, હદીસ: 114, મુસ્તદ્રકુલ વસાએલ ભાગ: 12, પાના: 226, હદીસ: 13950)
ખુદ લાનત શબ્દનો મૂળ શબ્દ કુરઆને કરીમમાં 45 વખત ઉપયોગ થયો છે. જો કે આમ તો આ ચર્ચા ખુબ જ લાંબી છે પરંતુ તેને અહી એક વાક્યથી પુર્ણ કરીએ છીએ કે આપણે પોતાના વ્યવહારમાં કોઈને જલ્દી માફ નથી કરતા અને જ્યાં એહલેબૈત (અ.મ.સ)ની મઝલુમીયતનો સવાલ આવે છે તો તરતજ સુલેહ અને શાંતિની વાત કરવા લાગીએ છીએ. ફઅ્તબેરુ યા ઉલીલ અબ્સાર, અય બસીરતવાળાઓ ઇબ્રત હાંસીલ કરો.
લય્સન્નાસેબો મન્ નસબ લના અહ્લલ્બૈતે લે અન્ક લા તજેદો અહદન્ યકુલો અના ઉબ્ગેઝો મોહમ્મદન વ આલ મોહમ્મદીન વલા કીન્નન્નાસેબ મ્ સબ લકુમ્ વ હોવ યઅ્લમો અન્કુમ તતવલ્લવ્ના વ અન્કુમ્ મી્ શીઅતેના.
તે નાસેબી નથી જે અમો એહલેબૈત (અ.મુ.સ.)થી દુશ્મની રાખતો હોય કારણ કે તમો કોઈ પણ કલમો પઢવાવાળાને કહેતા નહિ પામશો કે હું મોહમ્મદ વ આલે મોહમ્મદથી બુગ્ઝ અને નફરત રાખું છુ. પરંતુ નાસેબી એ છે, જે તમો શિયાઓથી દુશ્મની કરે છે કારણ કે તે જાણે છે કે તમો અમારી વિલાયતને કબુલ કરો છો અને તમો અમારા શિયાઓમાંથી છો.
(મઆનીલ અખબાર, પાના: 365, હદીસ: 1)
સલામ મન્ કલ્બોહુ બે મોસાબેક મક્હુ વ દમ્ઓહુ ઇન્દ ઝીક્રેક મસ્ફુહુ સલામલ્ મફ્જુઅીલ્ મહ્ઝુીલ્ વાલેહીલ્ મીસ્કીને.
આકા એવા ગુલામના સલામ કબુલ ફરમાવો, જેનું દિલ આપની મુસીબતોના કારણે ઝખ્મોથી ચારણીની જેમ છીદાય ગયેલું છે અને આપની યાદમાં ખૂનના આંસુ વહાવે છે. એ ચાહવાવાળાઓના સલામ જે આપના ગમમાં ડૂબેલા બેહાલ અને બેચૈન છે.
ઝીયારતે નાહીયાના આ વાક્યો પર ધ્યાન આપો. એક અઝાદારી શું કેફિયત હોવી જોઈએ? દિલ જખ્મોથી ચારણી અને આંખો ખૂન વહાવી રહી છે અને દિલ બેહાલ અને બેચૈન થયું છે. અલ્લાહો અકબર શું અય્યામે અઝામાં આપણી આ કૈફીયત થાય છે? એક ઝમાનો હતો કે અય્યામે અઝામાં આલે મોહમ્મદ(અ.મુ.સ.)ના ચાહવાવાળા કાળા લિબાસના સિવાય કશું જ પહેરતા ન હતા, સ્વાદિષ્ટ ખોરાકોથી પરહેઝ કરતા હતા. ઘરમાં ઉદાસીનો માહોલ રહેતો હતો. અત્તર ખુશ્બુ વગરેનો તો દુર દુર સુધી તસવ્વુર ન હતો. આપણે જોઇએ કે આપણા બચ્ચાઓની તરબીયત એવી રીતે કરીએ કે તે ઈમામ હુસૈન (અ.સ.)નો હકીકી સોગવાર બને. તેઓમાં એવી અસરો જોવા મળે જે આપણા બુઝુર્ગોમાં જોવા મળતી હતી. જેવી રીતે ઝીયારતે નાહીયા જે ખુદ આપણા ઈમામે ઝમાના(અ.ત.ફ.શ.)થી મનકુલ છે એમાં બયાન કરવામાં આવ્યું છે.
નોંધ: એક વિનંતી:
જેવી રીતે કે આપણે સૌ જાણીએ છીએ કે અઝાદારીએ સય્યદુશ્શોહદા(અ.સ)ના હકીકી વારીસ પરદએ ગય્બમાં છે અને સવાર સાંજ પોતાના જ્દ્દે બુઝુર્ગવાર પર ગીર્યા કરે છે અને પરવરદિગારે આલમ પાસે પોતાના ઝુહુરની દુઆ કરી રહ્યા છે, જેથી પોતાના જદ્દે મઝલુમનો ઇન્તેકામ લઇ શકે અને ઈમામ હુસૈન (અ.સ.)ની માદરે બુઝુર્ગવાર હઝરત ઝહરા (સ.અ.)ની સાથે સાથે હકીકી પુરસાદાર છે. તો આપણે શા માટે એક અભિયાન શરુ કરીએ જેનાથી આપણે પુરસો દઈ શકીએ. આ અદના કોશિશ આપની ખિદમતમાં કાબિલે કબુલ થાય અને તે એ છે પુરા હિન્દુસ્તાન અને પાકિસ્તાન અને જે પણ મુલ્કોમાં લોકો રહે છે દરેકના ઘરમાં એક ખૂણામાં એક ઈમામ બારગાહ જરૂર રહે છે. હા તેઓની અકીદતની બેહતરીન નિશાની છે પછી જેમ જેમ શક્તિ અને હેસિયત વધતી જાય છે તેમ ઈમામ બારગાહની સાઈઝમાં પણ વધારો થતો જાય છે.
પરવરદિગાર! હુસૈન(અ.સ.), ઔલાદે હુસૈન (અ.સ.) અને અસહાબે હુસૈન(અ.સ.)ની મઝલુમીયતનો વાસ્તો, મુન્તકીમે ખૂને હુસૈનના ઝુહુરમાં જલ્દી ફરમાવ. પરવરદિગાર! જનાબે ઝયનબ (સ.અ.) અને તેના એહલે હરમની ચાદરોનો વાસતો ઈમામે ઝમાના(અ.સ.)ના ઝુહુરમાં જલ્દી કર!
વ આખેરુ દઅવાના અનીલ હમ્દોલીલ્લાહે રબ્બીલ આલમીન. બાકીનું ઇન્શાઅલ્લાહ આવતા અંકે…
Comments (0)