‘નહજુલ બલાગાહ’ માં ઇમામ મહદી (અ.સ.)

ગત વર્ષે શઅબાન મહિનાના ખાસ અંકમાં, ઇમામે ઝમાના (અ.સ.) વિશેની કુરઆનની આયતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. શીઆ અને સુન્ની બન્ને ફિરકાના મુહદિસોએ નકલ કરેલ આ આયતો વડે અમે પુરવાર કર્યું હતું કે હઝરત ઇમામ મહદી (અ.સ.) વિશેનો અકીદો (માન્યતા) એક ઇસ્લામી હકીકત છે, તે માત્ર શીઆઓનો જ અકીદો નથી.
આ અંકમાં અમે મવલાએ કાએનાત હઝરત અલી અબી તાલિબ (અ.સ.) ના એ અકવાલ (કથનો) રજુ કરી રહ્યા છીએ કે જે તેમણે ઇમામે ઝમાના (અ.સ.) વિશે પોતાના ખુત્બાઓમાં ક્યાંક ક્યાંક બયાન કર્યા છે. આના ઉપરથી જાણવા મળે છે કે ઇમામ મહદી (અ.સ.) એમના વંશમાં કેટલીક પેઢીઓ પછી જન્મશે. ટૂંકમાં અમે એમના બે ખુત્બાઓમાંથી કેટલાક અવતરણો રજુ કરીએ છીએ.
તે હઝરત ફરમાવે છે: ‘જમાનો વીતતો જશે, એટલે સુધી કે એ સમય આવશે, જ્યારે ખુદાનો ઇરાદો પ્રગટ થશે. તે એક માણસને જાહેર કરશે તે તમારી વેરવિખેરતા દુર કરીને તમને સંગઠ્ઠીત કરશે, માટે તમે લોકો, એ આવનારાની હકુમત સિવાય બીજા કોઇની હકુમતની ઇચ્છા કે લાલચ રાખશો નહિ. તેમજ ગૈબના પર્દામાં રહેનારાથી નિરાશ થશો નહિ. કેમ કે પર્દએ ગૈબમાં રહેનારાના હાથમાંથી – બે મુખ્ય થંભોમાંનો એક – જાહેરી હકુમત ચાલી પણ જાય, તો એક બાતેની હકુમત બાકી રહેશે જ, એટલે સુધી કે તેના ઝહૂરના ઝમાનામાં અલ્લાહના હુકમથી બન્ને સ્થંભો – જાહેરી અને બાતેની હકુમત – તેના હાથમાં આવશે અને તેના પવિત્ર અસ્તિત્વ વડે દીન અને દુન્યાના બધાય કામો વ્યવસ્થિત થઇ જશે.’
જાણી લ્યો આલે મોહમ્મદ સ.અ.વ. નો દાખલો આકાશના સિતારાઓ જેવો છે. એક સિતારા આથમે છે ત્યાં બીજા સિતારો ઉદય પામે છે. (એટલે કે આલે મોહમ્મદ સ.અ.વ. માંથી કોઇપણ જણ અલ્લાહના તેડાને ‘લબ્બૈક’ કહેશે ત્યારે બીજો કોઇ કોઇ એની જગ્યા સંભાળી લેશે – તેનો જાનશીન બનશે. આ ધરતી એક ક્ષણ માટે પણ એમના વજૂદ (અસ્તિત્વ) વગરની નહિ રહે) બસ એટલું જાણી લ્યો કે મહાન કૃપાળુ અલ્લાહની નેઅમતો તમારા ઉપર પુરી થઇ ગઇ છે અને જે વસ્તુની આશા રાખી રહ્યા છો તે, ખુદાએ તમને બતાવી દીધી છે. (એટલે કે ઇ. મહદી (અ.સ.) નક્કી – ખાત્રી પૂર્વક પધારશે અને સત્ય અને ઇન્સાફનું રાજ્ય સ્થપાઇને રહેશે. (ખુત્બા નંબર 98) બીજા એક પ્રસંગે ઇમામે ઝમાના (અ.સ.) ના ઝહુર થયા પછીના ઝમાનાની આછી એવી ઝલક બતાવતા ફરમાવે છે
‘તે ખ્વાહીશો (મનોચ્છાઓ) ને હિદાયત તરફ ફેરવી નાખશે, જ્યારે કે લોકોએ ‘હિદાયત’ ને ખ્વાહીશાતમાં પલટાવી દીધી હશે અને લોકોના મતો (વિચારો) કુરઆન તરફ ફેરવી નાખશે. જ્યારે કે તેઓએ કુરઆનને મારી-મચડીને અટકળ-ક્યાસ અને પોતાના અંગત અભિપ્રાય પ્રમાણે બનાવી નાખ્યું હશે.’ (ખુત્બા નં: 136)

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *