કાએનાતનું ધબકતું હૃદય
નાના રજકણો એક કેન્દ્રિય શક્તિ ધરાવે છે અને તેની આજુબાજુ ઝડપથી ફરતા – ઘુમતા રહે છે. તેનાથી શક્તિનું કેન્દ્ર ક્યારેય અલગ નથી પડતું.
સૂર્યમંડળના ગ્રહો તેની આસપાસ ફરતા રહે છે. તેની શક્તિ અને ખેંચાણના આધારે પોતાનું સ્થાન – જગ્યા જાળવી રાખે છે. એના નૂરે – પ્રકાશનો લાભ લઇ પોતે ઝળહળતા રહે છે.
આપણા શરીરમાં પણ એક લાગણીશીલ કેન્દ્ર છે, જેને ‘દિલ’ કહેવામાં આવે છે. તે આપણા આખા શરીરને શક્તિ અને ગરમી પહોંચાડતું રહે છે. તે જો એક ક્ષણ પુરતુંય કામ કરતું બંધ થઇ જાય તો આપણું જીવન સમાપ્ત થઇ જાય.
આ મહાન અને વિશાળ કાએનાત (બ્રહ્માંડ) પણ તેના સર્જનહારના હુકમથી એક હકીકી અને મૂળભૂત કેન્દ્ર પાસેથી શક્તિ અને બળ મેળવી રહી છે અને તેની રૂહાની શક્તિ વડે રૂહાની ખેંચાણ (ગુત્વાકર્ષણ)ના કેન્દ્ર ફરતી ફરી રહી છે. હંમેશા આ ભૌતિક દુન્યામાં એક મહાન રૂહાની વ્યક્તિત્વ – જે અલ્લાહ તરફથી તેના પ્રતિનિધિ અને કાએનાતના તંત્રમાં કાર્યરત રહે છે. તે – મૌજુદ છે. જેના અસ્તિત્વ (વજૂદ) ના પ્રતાપે કાએનાતનું તંત્ર ચાલી રહ્યું છે. અલ્લાહના એ મેહબુબની બરકતના કારણે પ્રકૃતિના નિયમો અને તેનું પુરૂં વ્યવસ્થાતંત્ર એની આસપાસ ધૂમી રહ્યું છે. દરેક યુગમાં અલ્લાહ તરફથી એની એક હુજ્જત કાએનાતનો બંદોબસ્ત તેના રૂહાની કાર્યોની વ્યવસ્થા માટે મૌજુદ રહે છે. આજે – અત્યારે કાએનાતનું ધબકતું હૃદય હઝરતે ઇમામ મહદી (અ.સ.) એટલે કે આપણા ઇમામે ઝમાના (અ.સ.) આ દુન્યાના ધરતીપટ પર ઉપર અલ્લાહ તરફથી તેના ખલીફા અને જાનશીન છે તેઓ પોતાના વજુદની બરકતથી કાએનાત અને તેમાં રહેનારાઓને અલ્લાહની અસીમ કૃપા અને નેઅમતો નવાજતા રહે છે. ‘ઉસુલે કાફી’ ના બાબુલ હુજ્જતમાં એક હદીસ અબુહમઝાથી નકલ થઇ છે. તેમણે હઝરત ઇમામ જઅફરે સાદિક (અ.સ.) ને પુછ્યું : ‘શું જમીન ઇમામ વગર રહી શકે છે?’ હઝરતે જવાબ આપ્યો : ‘જો જમીન ઇમામ વગરની થઇ જાય તો નાશ પામે.’ (તેનું બધુંય વ્યવસ્થાતંત્ર વેરવિખેર થઇ જાય.) ઇમામે ઝમાના (અ.સ.) ની ઇલાહી હકુમત અને ગયબતની સત્તાને એક બાજુએ રાખીને વિચારવામાં આવે, તો પણ આજે તે હઝરત આપણા હાની કાર્યો અને મામલાઓની વ્યવસ્થા અને બંદોબસ્ત કરે છે. તદ્ઉપરાંત કુરઆને કરીમને બચાવનાર અને એહકામે ઇલાહીનું રક્ષણ કરનાર છે. અલ્લાહનો વાયદો છે કે તે ઇસ્લામ અને કુરઆનનું રક્ષણ કરશે. જેમ કે તેણે ફરમાવ્યું છે : અમે કુરઆનના નાઝિલ કરનારા છીએ અને નિશંક અમે તેનું રક્ષણ કરનાર છીએ. (સુરે હિજ્ર આયત 9)
ભરોસાપાત્ર ઇસ્લામી હદીસો અને રિવાયતો પ્રમાણે કુરઆને કરીમનું રક્ષણ કરનાર અને સાચો રૂહાની રહબર (મરજઅ) ઇમામે ઝમાના (અ.સ.) છે. જે હંમેશા આપણા વાણી ને વર્તન ઉપર નજર રાખે છે અને આપણા આમાલનો બધોય એહવાલ તે હઝરતની પવિત્ર સેવમાં રજુ કરવામાં આવે છે.
આ જ વાતની એ ઇમામે ઝમાના (અ.સ.) કાએનાતનું ધબકતું દિલ, કાએનાતમાં અલ્લાહના એહકામનું રક્ષણ કરનાર તેનું ધ્યાન રાખનાર અને શરીઅતને કુરઆને હકીમના ઉસુલને નિયમોનો રક્ષક હોય છે.
અલ્લાહના પયગમ્બરો સાથે
અલ્લાહના પયગમ્બરો સાથે હઝરત ઇમામ મહદી (અ.સ.)ની સરખામણીઃ
પયગમ્બરો અને વલીઓનો કાફલો ‘બશરીય્યત’ વજૂદ (અસ્તિત્વ) માં આવે તેની પહેલી ક્ષણથી જ પોતાનો પ્રવાસે આરંભી દે છે. હ. આદમ (અ.સ.) એ અલ્લાહની પહેલી હુજ્જત તરીકે ધરતી ઉપર પગલા માંડ્યા. ત્યાર પછી ખુદાની બીજી હુજ્જતોએ એક પછી એકે, હિદાયત અને ખાલિક – મખ્લૂક વચ્ચે સંપર્કની જવાબદારીનો ભાર પોતાના ખભા ઉપર, ઊંચક્યો. એટલે સુધી કે આપણ પયગમ્બર હ. મોહમ્મદ મુસ્તુફા (સ.અ.વ.) ના આગમન સાથે આ સિલસિલો (પરંપરા) પૂરો થયો. ત્યાર પછી તેમના બરહક જાનશીનો એટલે કે હઝરત અલી (અ.સ.) અને એમના અગીયાર પુત્રોને હિદાયત અને રિસાલતનો પયગામ પહોંચાડવા માટે મુકર્રર કરવામાં આવ્યા છેવટે અગિયારમા ઇમામે પણ જાવેદાની (હમેશ માટેની) દુન્યા તરફ કુચ કરી તેમના મહાન સુપુત આ કારવાનના છેલ્લા બાકી રહા ખલીફા બન્યા અને આ ઇલાહી ખલીફાઓના મૂલ્યવાન વારસોના માલિક બન્યા.
હ. ઇમામ જઅફરે સાદિક (અ.સ.) ફરમાવે છે : ‘અલ્લાહના પયગમ્બરો અને ખલીફાઓનો કોઇ પણ એવો મોઅજીઝો નહિ હોય કે જે અલ્લાહે હ. કોઅમ (અ.સ.) ને આપ્યો ન હોય – તેમનાથી પ્રગટ થયા વગરનો નહિ હોય, જેથી દુશ્મનો પર હુજ્જત પુરી થાય’ (અસ્બાતુલ હોદાત જી.7, પાના નંબર . 257)
અલ્લાહના આ છેલ્લા ખલીફાની વિશિષ્ટતાઓમાંથી એક ઉઘાડી વિશિષ્ટતા એમની લાંબી ગયબત છે, જે રીતે ઘણા પયગમ્બરોને લાંબી ગયબતમાંથી પસાર થવું પડ્યું છે. માટે ઇરશાદ થયો છે.
‘નિશંક, ઘણા પયગમ્બરોની ‘ગયબત’ની જે સુન્નતો અને તરીકાઓ હતા તે અમો અહલેબૈત (અ.મુ.સ.) ના કાએમ (અજ.) ના સંબંધમાં પ્રગટ થશે.’ (મિકાયાલુલ મરારિમ, જી. 1, પા 168)
હ. મહદી (અ.સ.) ના પયગમ્બરો અને બીજા અવલિયાઓ સાથેના મળતાપણાની વાત કરીએ તો તે ઘણી છે એબધાય મળતાપણાનો ઉલ્લેખ આ ટૂંકા લખાણમાં કરવો શક્ય નથી, માટે એમની વિશિષ્ટતાઓ સાથે મળતાપણામાંના કેટલાક દાખલાઓ રજુ કરીએ છીએ.
હ. આદમ (અ.સ.) અને હ. નૂહ (અ.સ.) સાથે મળતાપણા વિષે હ. ઇમામ સજ્જાદ (અ.સ.) ફરમાવે છે કે, ‘… હ. આદમ (અ.સ.) અને હ. નૂહ (અ.સ.) સાથે તેમની (હ. ઇમામ મહદી (અ.સ.) ની ) સુન્નત અને મળતાપણું એ છે કે તેઓની ઉંમર લાંબી હતી’ (કમાલુદ્દીન, પાના. 322)
હ. ઇબ્રાહીમ (અ.સ.) સાથે ના મળતાપણા વિષે હ. ઇમામ ઝયનુલ આબેદીન (અ.સ.) ફરમાવે છે કે, ‘તેમનો જન્મ છુપી રીતે થયો અને લોકોથી દૂર રહેવું, એ હ. ઇબ્રાહીમ (અ.સ.) સાથે મળતું આવે છે.’ (મિક્યાલુલ મકારિમ, જી. 1, પા.88)
હ.ઇ. મોહમ્મદ બાકિર (અ.સ.) ફરમાવે છે કે ‘ખુદાવન્દે આલમે હ. યુસુફ (અ.સ.) ની જેમ તેમના કાર્યો (ઝહુર)ને એક રાતમાં દુરૂસ્ત કરી આપશે.’(કમાલુદ્દીન, પા. 329)
હ.ઇમામ સજ્જાદ (અ.સ.) ફરમાવે છે કે, ‘કષ્ટ અને આપદાઓ પછી આરામ ને રાહત નસીબ થવામાં તેઓ હ. અય્યુબ (અ.સ.) ને મળતા આવે છે.’ (કમાલુદ્દીન, પા. 322)
હ.ઇ. સાદિક (અ.સ.) ફરમાવે છે કે, ‘ખુદાવન્દે આલમ જાણતો હતો કે કેટલાંક લોકો તેમની લાંબી વય (ઉંમર) ના કારણે તેમના વજૂદ (અસ્તિત્વ) નો ઇન્કાર કરશે, એટલા માટે અબ્દે સાલેહ હઝરત ખિઝર (અ.સ.) ની ઉમરને કોઇ પણ દલીલ વગર લાંબી કરી દેવાઇ, જેથી તે હઝરત મહદી (અ.સ.) ની લાંબી ઉમર માટે સાક્ષી બની શકે. અને દુશ્મનો માટે દલીલ કરવાના રસ્તા બંધ થઇ જાય.’ (કમાલુદ્દીન, પા. 357)
હ. જાફરે સાદિક (અ.સ.) ફરમાવે છે કે, ‘વાત બાકી રહી તેમ હ. મુસા (અ.સ.) સાથે મળતાપણાની, તો જાણવું કે તેમને પણ હ. મુસા (અ.સ.) નીજેમ જાન જવાનો ડર હેતો હતો. હ. મુસા (અ.સ.)ની જેમ તેમની ગયબત પણ ઘણી લાંબી છે, હ. મૂસા (અ.સ.) નો જન્મ છુપો રહ્યો અને એજ રીતે હ. મુસા (અ.સ.) ન ગયબતના સમયમાં તેમના માનનારાઓ કષ્ટો અને મુશ્કેલીઓ વેઠતા રહ્યા એજ રીતે આં હઝરત મહદી (અ.સ.) ના શીઆઓ પણ તેમની ગયબતમાં મુશ્કેલીઓ અને કષ્ટો સહન કરશે, એટલે સુધી કે અલ્લાહ તેમના ઝહુરનો હુકમ કરે અને એમના દુશ્મનો વિરૂદ્ધ એમની મદદ કરે.’
હ. ઇમામ ઝયનુલ આબેદીન (અ.સ.) ફરમાવે છે કે હ. ઇસા (અ.સ.) સાથે એમનું મળતાપણું એ છે કે મતભેદ ઊભો કરનારાઓએ હઝરત (અ.સ.)ના વજૂદ વિશે ઇખ્તેલાફ કર્યો છે. તેઓમાંનો એક વર્ગ કહે છે કે ‘તેમનો ઇન્તેકાલ થઇ ગયો છે.’, કેટલાંકો માને છે કે ‘તેઓને કતલ કરી નાખવામાં આવ્યા છે. – શૂળી ઉપર ચઢાવી દેવાયા છે.’ (મુન્તખબુલ અસર, પાના 284)
હવે હઝુરે (સ.અ.વ.) સાથેનું મળતાપણું જોઇએ. હ. ઇમામ મોહમ્મદ બાકિર (અ.સ.) ફરમાવે છે : તે હઝરતનું આં હઝરત (સ.અ.વ.) સાથે ‘કયામ’ માં મળતાપણું એ છે કે તેઓ તલવાર લઇને ઊભા થશે, ખુદા અને રસૂલના દુશ્મનો માથાભારે માણસો અને ઝાલિમોને કતલ કરશે. ‘તલવાર’ અને ‘ખૌફ’ વડે તેમની મદદ કરવામાં આવશે. અને પછી તેમની સામે કોઇનો ધ્વજ નહિ ફરકી શકે (આનો અર્થ એ કે તેમને હારવું નહિ પડે.) (મુન્તખબુલ અસર પા. 284)
પયગમ્બરે ખુદા (સ.અ.વ.) તેમના સંબંધે ફરમાવે છે : ‘મહદી મારી અવલાદમાંથી હશે, તેનું નામ મારા નામ પરથી હશે અને તેમની કુન્નિયત મારી કુન્નીયત પરથી હશે. શારીરિક અને અખ્લાકી રીતે અને વિશિષ્ઠતાઓ (ખુસૂસિયાત) ના હિસાબે બીજા બધાય લોકોમાં વધારે મળતાપણું ધરાવે છે.’ (યનાબીઉલ મવદ્દહ પાના – 488 અને પાના – 493; મુન્તખબુલ અસર પાના – 182)
Comments (0)