ઇમામે વક્ત (અ.સ.) અને સય્યદ ઇબ્ને તાઉસ (રહ.)

ઇમામ (અ.સ.)ની નઝરે એક મોઅમીનનું માન અન મર્તબો એટલો બધો છે જેટલો આપણી નઝરમાં ઇમામ (અ.સ.)નું માન અને મર્તબો છે.
(મિક્યાલુલ મકારીમ, ભાગ – ૨, પાના નં. ૪૦૦)
માણસની હકીકત તેની લતીફ રૂહને ગણવામાં આવી છે. જેને અલ્લાહ તઆલાએ પાક અને પવિત્ર બનાવી છે અને દરેક પ્રકારની ગંદકીથી દૂર રાખી છે. આ રૂહને એવી રીતે પેદા કરવામાં આવી છે કે એક તરફ તેમાં હિદાયત અને તરબિયતની ક્ષમતા હોવાની સાથે સાથે રૂહાની ખુબીઓ પ્રાપ્ત કરવાની શક્તિ પણ જોવા મળે છે. જ્યારે બીજી બાજુ ગુનાહોમાં રચ્યા પચ્યા રહેવાના કારણે પડતીની ખીણમાં પડી જવાનો ભય પણ જોવા મળે છે.
જો આ રૂહ નફસની પાકીઝગી, કુરઆનની તાલિમ, અહલેબયત (અ.સ.)ના ફરમાનોના માર્ગદર્શન હેઠળ પોતાની જાતને આગળ વધારે તો દુનિયા અને આખરેતની ખુશનસીબી અને સૌથી મોટી સફળતા એટલે કે પરવરદિગારે આલમની ખુશ્નુદી મેળવી શકે છે. પરંતુ જો રૂહ આ બાબતોથી દૂર રહે તો તે ગફલત અને અંધકારની જેલમાં કૈદ થઇ જશે. આ માટીના પુતળામાં રૂહની હાજરીને જ તેનું જીવન કહેવામાં આવે છે.
તેથી આ નાશવંત જગતમાં બન્ને પ્રકારના જીવનના નમૂના જોવા મળે છે. જો એક તરફ વાસના ભુખ્યા અને દુનિયાની મોહબ્બત ધરાવનારા બની ઉમૈયા અને તેને અનુસરનારા અબુ જહલ, અમ્રે આસ, હજ્જાજ બિન યુસુફ, યઝીદ મલઉન અને તેઓના ઇશારાઓ ઉપર ચાલનાર બુરા આલિમો જેવા લોકોનું સૌથી હલ્કુ જીવન જોવા મળે છે. તો બીજી તરફ બની હાશિમનું ખાનદાન અને તેઓને અનુસરનાર જનાબ અબ્દુલ મુત્તલિબ (અ.સ.), જનાબ અબુ તાલિબ (અ.સ.), જનાબ સલમાન (અ.ર.) અને જનાબ અબુઝર (અ.ર.), જનાબ મીસમ (અ.ર.) અને જનાબ કોમયલ (અ.ર.) અને તેમનો માર્ગ દેખાડનારા ઓલમાએ રબ્બાની પણ જોવા મળે છે. અહિં વાંચકો માટે એ જ ઓલમાએ રબ્બાનીમાંથી માત્ર એક સાર્થક નમૂનાનું જીવન રજુ કરવા ચાહિએ છીએ. જેમણે નફસની પાકીઝગી, કુરઆનની તાલીમ અને અહલેબયત (અ.સ.)ના જ્ઞાન સ્ત્રોતો થકી એવું પાક અને પવિત્ર જીવન વિતાવ્યું અને પોતાના ઝમાનાના ઇમામ (અ.સ.) સાથે મોહબ્બતનું એ ઉદાહરણ રજુ કર્યું કે ઇમામ (અ.સ.)એ પણ તેમને પોતાના ફરઝન્દ કહીને સંબોધન કર્યું. આ પવિત્ર હસ્તીનું નામ રઝીયુદ્દીન અલી સય્યદ ઇબ્ને તાઉસ (રહ.) છે.
સય્યદ ઇબ્ને તાઉસ (રહ.)નું ખાનદાન
સય્યદ ઇબ્ન તાઉસ (રહ.)ને પોતાના હસબ અને નસબ ઉપર ગર્વ હતો. પોતાના ખાનદાનના સિલસિલાને ગર્વથી લખ્યો છે અને સાચું પણ છે. એટલા માટે કે આપની વંશાવળી તેમના પિતા તરફથી તેરમી પેઢીએ હઝરત હસને મુજતબા (અ.સ.)ની સાથે મળે છે અને માતાની તરફથી હઝરત ઇમામ હુસૈન (અ.સ.) સુધી પહોંચે છે. તેથી કેટલાક આલીમોએ આપને “ઝુલ હસનૈન’ના લકબથી યાદ કર્યા છે. સય્યદ બિન તાઉસ (રહ.) ફરમાવે છે :
પરવરદિગારે આલમે અમારા બાપ દાદાઓને ઇઝ્ઝત, શરાફત, ઇલ્મ તથા ફઝલ ધરાવનારા અને લોકોને માટે વિશ્ર્વાસપાત્ર બનાવ્યા છે. લોકો તેઓના વખાણ કરતા હતા, જાણતા હતા અને આજે પણ તેઓની મહાનતા અને બુઝુર્ગીને સ્વિકારે છે. દરેક ખાનદાન ચાહે છે કે તે અમારા ખાનદાનમાંથી હોય જ્યારે હું એ તમન્ના નથી કરતો કે હું બીજા કોઇ ખાનદાનમાંથી હોઉં.
(અલ ઇસ્તફા, રવઝાતુલ જન્નાત, ભાગ – ૨, પાના નં. ૨૭૦)
સય્યદ ઇબ્ને તાઉસ (રહ.) અને તેમનો રૂહાની દરજ્જો :
જ્યારે માનવીની રૂહ અને દિલ અજ્ઞાનતાના પરદામાંથી બહાર નિકળીને આંતરિક પાકીઝગી અને પરવરદિગારની ઉબુદીયત (બંદગી)ના માર્ગે જાય છે ત્યારે અલ્લાહના અનવારને પોતાની અંદર સમાવી લેવાની ક્ષમતા પેદા કરી લે છે અને નુરે હક ઇબાદત ગુઝાર બંદાઓના દિલો ઉપર છવાઇ જાય છે. સય્યદ ઇબ્ને તાઉસ (રહ.)એ પોતાના અંતરને પાક કરીને પોતાને અંધકારના પરદાઓમાંથી બહાર કાઢીને નુરાની માર્ગો ઉપરથી પસાર થઇને પવિત્ર જીવનના એ તબક્કા ઉપર પહોંચાડી દીધી હતી જ્યાં પોતાના ઇમામે વક્ત હઝરત વલીએ અસ્ર અરવાહોના ફીદા સાથે રૂહાની સંપર્ક સ્થાપિત કરી લીધો હતો. તેથી આલિમોએ આપના વિષે લખ્યું છે કે આપ અસંખ્ય કરામતો ધરાવતા હતા.
સય્યદ બિન તાઉસ (રહ.) ખુદ પોતાના માટે કહે છે: “હવે હું મારા પુસ્તકને પુરૂં કરૂં છું.જે ઇલાહી ભેદો અને રહસ્યોથી ભરેલ દોઆઓનો સંગ્રહ છે. જેને અલ્લાહ તબારક વ તઆલાએ અમૂક પરિસ્થિતિઓમાં મારા પર ઇલ્હામ કર્યું હતું.
(મહજ્જુદ્ દઅવાત, પાના નં. ૪૦૦ અને ૪૧૩)
કિતાબ “રવઝાતુલ જન્નાત’ના લેખક લખે છે : સય્યદ બિન તાઉસ (રહ.)ની જીભ ઉપરથી જે દોઆઓ અને ઝિયારતો સાદર થઇ છે તે અહલેબયત (અ.સ.)ની દોઆઓ સાથે ખૂબજ મળતી આવે છે. “મીસ્બાહુલ્ ઝાએર’ વિગેરેમાં સાલેહ બંદાઓ માટે વઝીફાઓ અને અમલની રીતો આપવામાં આવી છે. જેમ કે મસ્જીદે કુફા વિગેરે માટે આમાલ લખવામાં આવ્યા છે જેની મિસાલ આપણા આલિમોની દોઆની કોઇપણ કિતાબમાં જોવા નથી મળતી. આ માટે તેઓ પોતાને અધિકૃત અને હક તરફ સમજતા હતા.
(રવઝાતુલ જન્નાત, ભાગ – ૫, પાના નં. ૧૩૮)
બીજી એક જગ્યાએ ખુદ સય્યદ બિન તાઉસ (રહ.) ફરમાવે છે :
પરવરદિગારે આલમે જે નેઅમતોને જાહેર કરવાનો અને આદર કરવાનો હુકમ આપ્યો છે તે એ કે તેણે મારા દિલમાં મઅરેફત એવી રીતે ઉતારી છે કે ભૂલ, શંકા અને ગુમરાહીનો અવકાશ પણ નથી રહેતો. જે મારી જાતને ઇમાનના નુર અને ખુલ્લી આંખોથી જોશે તો તે મારી વાત અને મારા અમલમાં એક સુત્રતાનો અનુભવ કરશે. મને જોઇને દરેક પૂરાવા અને દલીલથી બે પરવા થઇ જશે.
(કશ્ફુલ મોહજ્જહ, પાના નં. ૧૭)
ઇમામે વક્ત (અ.સ.) સાથે રૂહાની સંપર્ક :
ગયબતના સમયમાં ઇમામે ઝમાના (અ.સ.) સાથે સંપર્ક કેળવવો તે ઇન્સાનની અને ખાસ કરીને મોમીનની સૌથી વધુ મહત્ત્વની ફરજ છે. જ્યારે ઇમામ (અ.સ.)ની મઅરેફત પ્રાપ્ત થઇ જાય છે ત્યારે આપની સાથેનો એક નાજુક સંબંધ સ્થાપિત થઇ જાય છે. દિલ તેની ક્ષમતા પ્રમાણે ઇમામ (અ.સ.)ના ગુણો અને ચારિત્ર્યનું પ્રતિબિંબ બની જાય છે.
ખુદાવન્દે આલમ ફરમાવે છે :
یٰٓاَیُّھَا الَّذِیْنَ اٰمَنُوا اصْبِرُوْا وَصَابِرُوْا وَرَابِطُوْا ۝۰ۣ وَاتَّقُوا اللہَ لَعَلَّکُمْ تُفْلِحُوْنَ۝۲۰۰ۧ
“હે ઇમાનલાવનારાઓ! સબ્ર કરો અને એક બીજાને સબ્ર કરવાની ભલામણ કરો અને રાબેતો કાએમ કરો અને અલ્લાહનો તકવા ઇખ્તેયાર કરો. કદાચને તમે સફળતા પામો.
(સુરએ આલે ઇમરાન : ૨૦૦)
એહલેબયત (અ.સ.) તરફથી ઘણી બધી તફસીરોમાં આ આયતે કરીમાની તફસીર આ પ્રમાણે કરવામાં આવી છે.
“અય ઇમાનવાળાઓ! પોતાના ઝમાનાના ઇમામ (અ.સ.)ની ગયબતના ઝમાનામાં સબ્ર કરો અને અડગ રહો, દુશ્મનોના મુકાબલામાં સાબિત કદમ રહો અને જેમના ઝુહુરનો ઇન્તેઝાર કરી રહ્યા છો તેમની સાથે રાબેતો કાએમ કરો. અલ્લાહ તઆલાના એહકામો અને હુકમોની પૈરવી કરો. તેમાંજ તમારી સફળતા છે.
(તફસીરે બુરહાન)
અમૂક લોકો એમ માને છે કે આપણે ગયબતે કુબરામાં જીવન પસાર કરી રહ્યા છીએ તેથી આપણા માટે ઇમામ (અ.સ.) સુધી પહોંચવું, રાબેતો કાએમ કરવો અશક્ય છે. ઇમામ (અ.સ.) સુધી પહોંચવાનો કોઇ માર્ગ નથી. આ વાત કેટલી હદે સાચી છે તેની સ્પષ્ટતા જરૂરી છે. રીવાયતમાં આવ્યું છે કે ગયબતે કુબરાના ઝમાનામાં જે કોઇ એવો દાવો કરે કે તે આં હઝરત (અ.સ.)ને જ્યારે ચાહે ત્યારે મળી શકે છે તો તેવો દાવો કરનાર જુઠ્ઠો છે. તેની સાથે એ પણ જોવા મળે છે કે ઇમામ (અ.સ.)ની સાથે મુલાકાતનું સન્માન પ્રાપ્ત કરનાર અસંખ્ય રૂહાની અને પવિત્ર હસ્તીઓ છે. જરા ઉંડો વિચાર કરવાથી આ બાબત સ્પષ્ટ થઇ જાય છે. કારણકે આ સન્માન તો આં હઝરત (અ.સ.)ની મોહબ્બત અને ઇનાયતના લીધે મળે છે. બીજુ એ કે સંપર્કનો અર્થ આવવું જવું અને મુલાકાત જ નથી પરંતુ રૂહાની અને દીલના સંપર્કને પણ સંપર્ક કહેવામાં આવે છે. આ જ સંપર્ક એવો છે જે હકીકતમાં માણસની સંપૂર્ણતા દર્શાવે છે. આ સંપર્ક દરેક મોમીન સાધી શકે છે જેના થકી મોઅમીન મઅરેફત અને કમાલના તે દરજ્જા પર પહોંચી જાય છે કે હર પળે પોતે ઇમામે અસ્ર (અ.સ.)ની હાજરીનો અનુભવ કરે છે અને આપ (અ.સ.)ના માન અને મરતબાને જાળવી રાખે છે. જેમ કે સય્યદ બિન તાઉસ (રહ.)એ જુમ્આની દોઆમાં લખ્યું છે:
اَللَّهُمَّ إِنِّي أَتَقَرَّبُ إِلَيْكَ بِقَلْبٍ خَاضِعٍ وَ إِلَى وَلِيِّكَ بِبَدَنٍ خَاشِعٍ وَ إِلَى الْأَئِمَّةِ الرَّاشِدِينَ بِفُؤَادٍ مُتَوَاضِع‏
“પરવરદિગાર! હું તારી પાસે વિનમ્ર દિલથી (તારી સામે મારી જાતને હલ્કી ગણું છું.) તારી નજદિકી મેળવવા ચાહુ છું અને તારા વલી (ઇમામે ઝમાના અ.સ.)ની સામે મારા જુકેલા બદનની સાથે નજીક થાઉં છું (એટલે મારૂં શરીર ઇમામે ઝમાના (અ.સ.)ના હુકમ મુજબ અનુસરનાર અને તાબેદાર છે અને તે રીતે મારા અંગ ઉપાંગોનો ઉપયોગ કરૂ છું કે મારા ઇમામ મારાથી રાજી થઇ જાય) અને મારા પવિત્ર ઇમામો (અ.સ.)થી વિનમ્ર દિલ સાથ નજીક થાવ છું (એટલે કે હું મારી રૂહને તેમને હવાલે કરૂં છું) અને તેઓનો તાબેદાર ઠરાવું છું.
(જમાલુલ ઉસ્બુઅ, પાના નં. ૧૫૨)
સય્યદ બિન તાઉસ (અ.ર.)એ ઝમાનાના ઇમામ (અ.સ.) સાથે સંપર્ક સાધવાની રીત દર્શાવી છે અને જણાવ્યું છે કે ઇમામ (અ.સ.) પાસેથી પોતાના સવાલનો જવાબ કેવી રીતે મેળવવો? પોતાના પુત્રને ફરમાવે છે : “જ્યારે તમને કોઇ ચીજની જરૂર પડે અને હઝરત બકીયતુલ્લાહ (અ.ત.ફ.શ.)ના સાથે તવસ્સુલ થકી તેનો ઉકેલ મેળવવા માંગતા હો તો યાદ રાખો તે રિવાયતને કે જે મોહમ્મદ બિન યઅકુબે કુલયની (રહ.)એ પોતાની કિતાબમાં વર્ણવી છે કે એક દિવસ એક માણસે હઝરત અબુલ હસન (અ.સ.)ની ખિદમતમાં અર્ઝ કરી કે એક માણસ ચાહે છે કે પોતાની હાજતો અને સવાલો પોતાના ઇમામે વક્ત (અ.સ.)ની ખિદમતમાં બયાન કરે જેવી રીતે ખુદાની બારગાહમાં રજુ કરે છે, તો તેણે શું કરવું જોઇએ? ઇમામ (અ.સ.)એ જવાબમાં લખ્યું:
“જો કોઇ હાજત હોય તો ફક્ત તમારા હોઠોને હલાવો, તમને જવાબ મળી જશે.
ઇમામ (અ.સ.)નું આ વાક્ય સ્પષ્ટ કરવું જરૂરી છે. આપ (અ.સ.) એ ચાહે છે કે પોતાના ચાહનારાઓને જાણ કરે કે જો કોઇ જરૂરત ઉભી થાય તો તેને દોઆ, તવસ્સુલ, દિલથી વાતચીત કરીને રજુ કરે અને પોતાની માગણીને જાહેર કરે. ઇમામ (અ.સ.) દિલની છુપાએલી વાતોને જાણતા હોય છે પરંતુ તેઓ ચાહે છે કે તે પોતાની જીભથી પોતાની આજેઝીની કબુલાત કરે.
સય્યદ બિન તાઉસ (રહ.)ના ઇમામે વક્ત (અ.સ.)ની સાથેના સંપર્કની ખાસિયત અને ઇમામ (અ.સ.) સાથેની નજદિકીની હાલત એવી હતી કે આપ (અ.સ.)એ પોતાની ખાસ ઇનાયતો અને કૃપાદ્રષ્ટિથી તેમને ઘણા બધા ઇલ્મો અને ગૈબી હિકમતોથી માહિતગાર કરી દીધા હતા. તેઓ આં હઝરત (અ.સ.)ની ઉદારતાના મહાન ઝરણામાંથી તૃપ્ત થતા રહેતા એટલે સુધી કે ઇમામે અસ્ર (અ.સ.)ના ઝુહુરના સમયના બારામાં મઅરેફતના કમાલ તરફ ધ્યાન દોરતા પોતાના પુત્રને સંબોધીને કહે છે:
یَمْحُوا اللہُ مَا یَشَاۗءُ وَیُثْبِتُ۝۰ۚۖ وَعِنْدَہٗٓ اُمُّ الْکِتٰبِ۝۳۹
“અલ્લાહ (લવ્હે મહફૂઝમાંથી) જે ચાહે છે તે ભુંસી નાખે છે અને જે ચાહે છે તે સ્થાપિત કરી દે છે, અને ઉમ્મુલ કિતાબ તેનીજ પાસે છે.
(સુરએ રઅદ : ૩૯)
જો ઉપરોક્ત આયએ કરીમા નહોત તો હું તમને ખાત્રીપૂર્વક જાણ કરત કે તે કઇ કલાક અને ક્યો દિવસ હશે કે જ્યારે હઝરત હુજ્જત ઇબ્નિલ હસન (અ.સ.) જાહેર થશે.
(કશફુલ હુજ્જહ, પાના નં. ૧૯૮)
સય્યદ બિન તાઉસ (રહ.) અને ઇમામ (અ.સ.)ના માટે દોઆ :
સય્યદ બિન તાઉસ (રહ.) પરવરદિગારે આલમની બારગાહમાં દોઆ કરવા અને મઅસુમો (અ.સ.) સાથે રાઝો નિયાઝ કરવાને ઘણું મહત્ત્વ આપતા હતા. અહિં અવકાશ નથી નહીંતર તો સય્યદ બિન તાઉસ (રહ.)ને દોઆઓના અરીસામાં જોવામાં આવે તો તે માટે એક સંપૂર્ણ પુસ્તક લખાય. તેમની સૌથી મહત્ત્વની કિતાબ “જમાલુલ ઉસ્બુઅ’માં દોઆઓના આદાબના બારામાં સય્યદ બિન તાઉસ (રહ.) આ રીતે લખે છે.
દોઆઓના આદાબોમાંથી એક આદાબ એ છે કે પોતાની બધી દોઆઓ ઉપર હઝરત બકીયતુલ્લાહ ઇમામે ઝમાના (અ.સ.) માટેની દોઆને પ્રાથમિકતા આપે. આપ ફરમાવે છે :
મોઅમીન પોતાની હાજત રજુ કરતી વખતે સૌથી પહેલા આં હઝરત (અ.સ.)ની હાજતોને રજુ કરે તે પછીજ પોતાની હાજતોને માગે. તમારી નમાઝો, રોઝાઓ, દોઆઓ વિગેરે અખતરો કરવા માટે કે અજમાઇશ કરવા માટે બિલ્કુલ ન હોવા જોઇએ. કારણ કે કોઇ કામ અથવા અમલ વડે તેને અજમાવવામાં આવે છે જેના બારામાં બદગુમાની હોય અને જેના ઉપર ભરોસો ન હોય. તમારી નમાઝો અને દોઆઓ પહેલા ઇમામ (અ.સ.)ના માટે હોવી જોઇએ પછી પોતાના માટે કારણકે આ દુનિયા અને દુનિયાની બધી વસ્તુઓનું બાકી રહેવું આં હઝરત (અ.સ.)ના મુબારક અસ્તિત્વના કારણે છે. જ્યારે તમારૂં અસ્તિત્વ બીજી કોઇ વ્યક્તિના અસ્તિત્વને લીધે સુરક્ષિત છે તો પછી પોતાની જાતને આપ (અ.સ.) કરતા અગ્રતા આપવી તે ક્યાંનો ન્યાય ગણાશે? બલ્કે જરૂરી છે કે આપ (અ.સ.)ની ઇચ્છાઓને પોતાની ઇચ્છાઓ ઉપર, આપ (અ.સ.)ની હાજતોને પોતાની હાજતો ઉપર અગ્રતા આપો. અને આજ આપણી ઇબાદત અને ઇતાઅતનો તકાઝો પણ છે. નહીંતર તેઓ આપણી નમાઝો, રોઝા, દોઆઓ અને અમલના મોહતાજ નથી, તેઓ આ બધાથી બેનિયાઝ છે. આપણને પોતાને તેમની જરૂર છે. આનાથી આપણા કાર્યોની સુધારણા થશે, આપણને ખુશનસીબ જીવન પ્રાપ્ત થશે.
સય્યદ ઇબ્ને તાઉસ (રહ.)એ માહે રમઝાનના આમાલના બારામાં લખેલ કિતાબ “મિઝમાર’માં સહેરીની દોઆઓ પછી ફરમાવે છે:
દરેક રાત્રે જરૂરી એ છે કે ઇન્સાન દરેક દોઆ અને અમલની શરૂઆતમાં અને અંતમાં એ પવિત્ર હસ્તીનો ઉલ્લેખ કરે જેમના બારામાં તે અકીદો ધરાવે છે કે તેઓ આ ધરતી ઉપર અલ્લાહની મખ્લુક દરમ્યાન અલ્લાહના વલી અને રહેમાનના ખલીફા છે. કારણકે દરરોજ તેને જે વસ્તુઓની જરૂરત છે તે તેમનીજ પાસે છે. અલ્લાહે બધા જ કામો તેમને હવાલે કર્યા છે.
(કિતાબે ઇ. ઝમાના (અ.સ.) વ સય્યદ ઇબ્ને તાઉસ, પા.નં. ૯૦-૯૧-૯૩)
સય્યદ બિન તાઉસ (ર.અ.)એ જે દોઆઓને ઇમામ (અ.સ.) સુધી પહોંચવાનું માધ્યમ દર્શાવી છે તે ઘણી છે, જેનો ઉલ્લેખ જુદી જુદી દોઆઓની કિતાબોમાં કરવામાં આવ્યો છે અને ઇમામ (અ.સ.) સાથેની મુલાકાતના વર્ણનો કર્યા છે. આલિમો કહે છે કે જો મુલાકાત કરનારનું નામ દર્શાવવામાં ન આવ્યું હોય તો તેનાથી મુરાદ સય્યદ બિન તાઉસ (રહ.) પોતે છે.
હઝરત હુજ્જત (અ.સ.) અને દોઆ :
આં હઝરત (અ.સ.) પોતાના ચાહનારાઓ સાથે કેટલી મોહબ્બત કરે છે અને પોતાની દોઆઓમાં તેઓ માટે કેટલી કાળજી રાખે છે તેનો અંદાજ મરહુમ અલ્લામા મજલીસી (અ.ર.) અને અલ્લામા મોહદ્દીસ હુસૈન નુરી (અ.ર.)ના લખાણોથી ખૂબજ સારી રીતે આવી જાય છે.
અલ્લામા મજલીસી (અ.ર.) અને અલ્લામા નુરી (અ.ર.) વર્ણવે છે કે સય્યદ બિન તાઉસ (રહ.) ફરમાવે છે:
એક દિવસ સહેર વખતે પવિત્ર સરદાબમાં ઇબાદત માટે ગયો તો મેં જોયું કે ઇમામે અસ્ર (અ.સ.) અરવાહોના ફીદાહો અલ્લાહની બારગાહમાં આ મુનાજાત કરી રહ્યા છે.
اَللَّهُمَّ إِنَّ شِيعَتَنَا خُلِقَتْ مِنْ شُعَاعِ أَنْوَارِنَا وَ بَقِيَّةِ طِينَتِنَا وَ قَدْ فَعَلُوا ذُنُوباً كَثِيرَةً اتِّكَالًا عَلَى حُبِّنَا وَ وَلَايَتِنَا فَإِنْ كَانَتْ ذُنُوبُهُمْ بَيْنَكَ وَ بَيْنَهُمْ فَاصْفَحْ عَنْهُمْ فَقَدْ رَضِينَا وَ مَا كَانَ مِنْهَا فِيمَا بَيْنَهُمْ فَأَصْلِحْ بَيْنَهُمْ وَ قَاصَّ بِهَا عَنْ خُمُسِنَا وَ أَدْخِلْهُمُ الْجَنَّةَ وَ زَحْزِحْهُمْ عَنِ النَّارِ وَ لَا تَجْمَعْ بَيْنَهُمْ وَ بَيْنَ أَعْدَائِنَا فِي سَخَطِكَ
“અય અલ્લાહ! અમારા શિયા અમારા નુરના કિરણો અને વધેલી તીનતમાંથી પેદા થયા છે. તેઓએ અમારી મોહબ્બત અને વિલાયત ઉપર ભરોસો કરીને ઘણા ગુનાહ કર્યા છે. જો તેઓના ગુનાહ તારી ઝાતથી સંબંધિત છે તો તુ તેઓને માફ કરી દે અમે ખુશ થઇશું અને જો તેઓના ગુનાહો તારા બંદાઓના હક્કોને લગતા છે તો તું તેમની સુધારણા કર. અને ખુમ્સનો જે ભાગ અમારો હક થાય છે તે તેઓને આપી દે જેથી તેઓ રાજી થઇ જાય. તેઓને જહન્નમની આગથી મુક્ત કર, તેઓને તારા અઝાબમાં અમારા દુશ્મનોની સાથે ન રાખજે.
(અનીસુલ આબેદીન વ નજમુસ્સાકિબ)
જો ઇમામ (અ.સ.)ના ઉપરોક્ત વાક્યો ઉપર વિચાર કરીએ અને આપણી જીંદગીનો હિસાબ લગાડીએ તો ઇમામે વક્ત (અ.સ.)થી કેટલી શરમ અનુભવીશું. જેમના અસ્તિત્વની બરકતથી આ દુનિયા બાકી છે, તે આપણા ગુનાહોની માફી માગે છે, જેઓ આલમે ઇમકાનના સ્તંભ હોય તે આપણી નાફરમાની માટે જહન્નમની આગથી છુટકારાનો સામાન મેળવે. શું આ જ ન્યાય છે કે જેમના આટલા બધા એહસાનો હોય તેમને આપણા દિલ અને દિમાગના કોઇ ખુણામાં ન વસાવીએ? પણ હોવું તો એમ જોઇએ કે આપણા દિલ અને દિમાગના ખુણે ખુણામાં આં હઝરત (અ.સ.)ની યાદ અને તેમના માટેની દોઆઓ સિવાય બીજું કશું જ ન હોય.
પરવરદિગાર! અય અલ્લાહ! અમને અમારા ઇમામ (અ.સ.) સાથે મોહબ્બત ભર્યા અંદાજ સાથે મોહબ્બત પેદા કરવાની તૌફીક આપ. આમીન!…

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *