મુન્તખબુ અલ-અસરે
મુન્તખબુ અલ-અસર મહદીઅ મુન્તઝર (અ.સ.)ની મઅરેફતની ખજાનો
અલ મુન્તઝરના વાંચકોને યાદ હશે કે હિ. સન ૧૪૦૮ના શઅબાનુલ મુઅઝ્ઝમના અંકમાં ‘કિતાબોની ઓળખ’ અથવા ‘ઇમામ (અ.સ.)ની મઅરેફતના માર્ગો’ શિર્ષક હેઠળ એક લેખમાં કિતાબો થકી ઇમામે અસ્ર (અ.સ.)ની મઅરેફતનું મહત્ત્વ રજુ કરી ચૂક્યા છીએ. એ પણ વર્ણવી ચૂક્યા છીએ કે ઇસ્લામના પ્રારંભકાળથી જ મુસલમાનોમાં સંપાદન અને સંકલનનો સિલસિલો ચાલ્યો આવે છે અને આવી રીતે આપણી સંસ્કૃતિ અને કલ્ચર ઇલ્મની દ્રષ્ટિએ માલામાલ છે.
જે રીતે બીજા વિષયો ઉપર ઘણી કિતાબો લખવામાં આવી છે તેજ રીતે મહદવીય્યતના અકીદા ઉપર પણ સેંકડો કિતાબો મૌજુદ છે. ‘અલ મુન્તઝર’ના અગાઉના અંકોમાં તેમાંની કેટલીક કિતાબોની સમીક્ષા થઇ ચૂકી છે.
આપણે આ લેખમાં આવી જ એક કિતાબની જાણકારી મેળવવા જઇ રહ્યા છીએ.
કિતાબનું નામ : મુન્તખબુ અલ-અસર ફી અલ-ઇમામે અસ્-સાની અશર (અ.સ.)
ભાષા : અરબી
લેખક : આયતુલ્લાહ લુતફુલ્લાહ સાફી ગુલપયગાની દામ ઝીલ્લોહુ આલી
પાના : ૫૨૫
પ્રકાશક : મકતબેસ, તહેરાન, ત્રીજી આવૃત્તિ
પ્રકાશનની
તારીખ : ૨૮મી માહે રમઝાન, હિ.સન ૧૩૭૩
વાંચકોને એ જણાવવું જરૂરી છે કે આ લેખમાં ‘કિતાબુલ મુન્તખબુલ અસર’ની એ આવૃત્તિ રજુ કરવામાં આવી છે જે એકજ ભાગમાં છે. તાજેતરમાં એક નવી આવૃત્તિ છપાઇ છે જે ત્રણ ભાગોમાં છે. જેમાં હદીસો ઉપરાંત પૃથક્કરણ અને ટીપ્પણોનો વધારો કરવામાં આવ્યો છે.
નોંધ: લેખકના અક્ષરોમાં જે ત્રીજી આવૃત્તિ મૌજુદ છે તેની ઉપર પ્રકાશનનું વરસ છપાયુ નથી. જો કે આ કિતાબ લેખક મારફતે ૨૮ રમઝાન ૧૩૭૩ હિજરીમાં એટલે કે આશરે ૫૨ વરસ પહેલા પ્રકાશિત થઇ. (જુઓ પ્રસ્તાવના) કિતાબના અંતમાં મોહતરમ લેખકે જ પુરૂં કર્યાની તારીખ શવ્વાલ હિ.સ. ૧૩૭૩ લખેલી છે. જો કે ૨૮ રમઝાન અને શવ્વાલમાં માત્ર એક બે દિવસનો ફેર છે.
કિતાબની સમીક્ષા કરતા પહેલા કિતાબના લેખક હઝરત આયતુલ્લાહ લુતફુલ્લાહ સાફી ગુલપયગાનીના વિષે જાણવું યોગ્ય ગણાશે.
આપનો જન્મ ઇરાનના ગુલપયગાન શહેરમાં ૧૯મી જમાદિયુલ અવ્વલ હિ.સન ૧૩૩૭ના રોજ થયો. આપના વાલિદ પણ એક પ્રખર આલિમે દીન હતા. તેમનું નામ મરહુમ આયતુલ્લાહ આખુન્દ મુલ્લા મોહમ્મદ જવાદ સાફી હતું. તેઓ પણ લેખક અને સંપાદક હતા. આપના માતા મશહૂર આલિમ હઝરત આયતુલ્લાહ આખુન્દ મુલ્લા મોહમ્મદ અલી મરહુમની પુત્રી હતા. તેણી પણ આલેમા અને શાએરે એહલેબૈત (અ.સ.) હતા.
પોતાના બુઝુર્ગ વાલિદ પાસેથી પ્રાથમીક ઇલ્મ હાંસિલ કરી લીધા પછી આપે ગુલપયગાનમાં મહાન આલિમ આખુન્દ મુલ્લા અબુલ કાસિમની પાસેથી પ્રાથમિક તબક્કે ‘રસાએલ’, ‘મકાસીબ’ અને ‘કિફાયા’ જેવી કિતાબોનું જ્ઞાન મેળવ્યું.
હિ.સ. ૧૩૬૦માં કુમ આવ્યા. કુમના હવ્ઝે ઇલ્મીયાના આપના ઉસ્તાદોમાં પાંચ મહાન આલિમો છે જેમના નામો નીચે મુજબ છે.
૧. હાજ આકા સય્યદ મોહમ્મદ તકી ખાનસારી (રહ.)
૨. હાજ આકા સય્યદ મોહમ્મદ હુજ્જત કોહકમરી (રહ.)
૩. હાજ આકા સય્યદ સદરૂદ્દીન સદ્ર આમેલી (રહ.)
૪. હાજ આકા સય્યદ મોહમ્મદ હુસયન બુરૂજર્દી (રહ.)
પ. હાજ આકા સય્યદ મોહમ્મદરઝા ગુલપયગાની (રહ.)
આપે કુમ ઉપરાંત નજફે અશરફના હવ્ઝે ઇલ્મીયામાં અમૂક મોટા મરજાઓ અને ઉસ્તાદો પાસેથી પણ ફ્યઝ લીધો છે. જેઓમાંના નોંધપાત્ર નામો નીચે મુજબ છે.
૧. હાજ આકા શયખ મોહમ્મદ કાઝિમ શીરાઝી (રહ.)
૨. હાજ આકા સય્યદ જમાલુદ્દીન ગુલપયગાની (રહ.)
૩. હાજ આકા શયખ મોહમ્મદઅલી (અ.ર.)
આપને મહાન આલિમ બનાવવા અને મરજઇય્યતના મહાન હોદ્દા સુધી પહોંચાડવામાં ઉસ્તાદે અઅઝમ, ફકીહે ઝમાના, ફખ્રે જહાને ઇસ્લામ, ઇલ્મ અને હિલ્મનો સ્ત્રોત, મરજએ આલી કદ્ર હઝરત આયતુલ્લાહુલ ઉઝમા હાજ આકા બુરૂજર્દી (રહ.) એ ચાવી રૂપ ભુમિકા અદા કરી છે.
આકા સાફી ગુલપયગાની, આકા બુરૂજર્દી (રહ.)ના ગર્વ લેવા જેવા વિદ્યાર્થીઓમાંના એક હતા. આપે આકાએ બુરૂજર્દીના વ્યાખ્યાનો પણ લખ્યા છે.
આકા સાફીના પ્રકાશનો અને ઇલ્મી લખાણોની સંખ્યા એક સો થી વધુ છે. જેના નામ અને વિશેષતા લખવા માટે એક જુદુ પુસ્તક જોઇએ. ખુદ ઇમામે ઝમાના (અ.સ.) વિષે ‘મુન્તખબુલ અસર’ ઉપરાંત કેટલીય કિતાબો લખી છે. જેવી કે
(૧) નવીદે અમનો અમાન (૨) અકીદએ આઝાદી બખ્શ (૩) બે સુએ દૌલતે કરીમા (૪) ફરોગે વિલાયત દર દોઆએ નુદબા (૫) વાબસ્તગી એ જહાન બા ઇમામે ઝમાના (અ.સ.) (૬) મઅરેફતે હુજ્જતે ખુદા દોઆ اَللّٰهُمْ عَرِّقْنِيْ نَسَکَની શરહ
આ કિતાબો ફારસી ભાષામાં લખવામાં આવી છે અને આ કિતાબોની ગણતરી શ્રેષ્ઠ કિતાબોમાં થાય છે. હવે આપણે આપણા મૂળ વિષય તરફ પાછા ફરીએ. જેમ કે આપણે શરૂઆતમાં વર્ણવી ચુક્યા છીએ કે આ કિતાબમાં ૫૦૦થી વધારે પાનાઓ છે. આ કિતાબમાં
૧. પહેલી પ્રસ્તાવના છે જે લેખકે પોતે લખી છે
૨. દસ વિભાગો છે.
૩. એકસો પ્રકરણો છે.
આ કિતાબમાં પુનરાવર્તનને ગણતા છ હજારથી વધુ હદીસોની નોંધ કરવામાં આવી છે.
એહલે સુન્નતના આલિમોની આશરે ૭૦ અને શિયા આલિમોની આશરે ૯ કિતાબોમાંથી હદીસોની ચકાસણી કરીને નોંધ કરવામાં આવી છે. કિતાબની શરૂઆતમાં જ مَصَادِرُ الِتَابِ مِنْ کُتُبِ اعلام العامَّۃِ……… اَعلامِ الکَاصَّۃِ ના શિર્ષક હેઠળ આ કિતાબોની યાદીને રજુ કરી શકાય છે.
કિતાબની પ્રસ્તાવના :
જે વ્યક્તિને ઇતિહાસ અને આખરી ઝમાનામાં હઝરત મહદી (અ.સ.)ના ઝુહુરના બારામાં પયગમ્બર (સ.અ.વ.)ની મુતવાતીર આગાહીઓ અને આપના અસહાબોએ ટાંકેલી હદીસોનું ઇલ્મ અને અનુભવ છે, તેનાથી એ હકીકત છુપી નથી કે ઇમામ મહદી (અ.સ.)ના અસ્તિત્વના સૂર્યનો ઉદય અજ્ઞાનતાના અંધકારને દૂર કરવા, જુલમ અને અત્યાચારનો અંત લાવવા, ન્યાયના ધ્વજને ફરકાવવા, સત્યના કથનને બુલંદ કરવા અને ઇસ્લામને બધા ધર્મો ઉપર વર્ચસ્વ અપાવવા માટે થશે, પછી ભલે મુશ્રીકોને આ હકીકત અણગમતી જ કેમ ન લાગે. આપ અલ્લાહના હુકમથી દુનિયાને અલ્લાહ સિવાયના ખુદાઓની બંદગીના અપમાનથી મુક્તિ અપાવશે, ખરાબ ચારિત્ર્ય અને ખરાબ આદતોનો અંત લાવશે અને એ કાનુનોને નાબૂદ કરી નાંખશે જેને લોકોએ પોતાના લાભ માટે ઘડી કાઢ્યા છે.
આપના ઝુહુર થકી અલ્લાહ પોતાના વાયદાને પૂરો કરશે. (પ્રસ્તાવના, પાના નં. ૧)
અલ્લાહના વાયદાના અનુસંધાનમાં માનનીય લેખકે કુરઆનની આયતોનો હવાલો આપ્યો છે જેના થકી માનવીની બુદ્ધિને ઢંઢોળી દીધી છે. આવો આ વિષય પરનો સાર જોઇએ.
આ વાયદો એવી બાબત છે જે અંગે મુસલમાનોના એકમત હોવાને અને તેના પરના ‘ઇજમાઅ’ને કોઇએ વ્યર્થ નથી ગણ્યો. પ્રાચીન કાળથી આજ સુધી જે લોકોએ મહદવીય્યતનો દાવો કર્યો છે તે લોકોએ પણ અલ્લાહના આજ વાયદા અને આગાહીઓને પોતાના દાવાના ટેકાપે રજુ કરી છે.
(પ્રસ્તાવના : ૧ અને ૨)
યાદી: ઇમામ મહદી (અ.સ.)ની અકીદતના મૂળ જો કુરઆન અને પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની રિવાયતોમાં ન હોત તો મહદવીય્યતના ખોટા દાવેદારો કેવી રીતે તેનો ફાયદો ઉપાડવાની કોશિશ કરત? ખોટા સિક્કાઓ અસલનીજ નકલ હોય છે.
પુરાવાઓ :
અમૂક લોકો મહદી (અ.સ.)ના ઝુહુરના બારામાં આવેલી હદીસો ઉપર શંકાઓ કરે છે અને હદીસની સનદોને ઝઇફ ઠરાવીને હદીસને ઝઇફ ગણે છે. આવી રીતે મુસલમાનોમાં અંદરો અંદર વિખવાદ, આપસમાં દુશ્મની અને પૂર્વાગ્રહના બીજ રોપાયા છે. લેખકે ‘ઇલ્મે હદીસ’ની રોશનીમાં જવાબ આપ્યો છે.
“સનદનું ઝઇફ હોવું ત્યારે જ માન્ય ગણાય છે જ્યારે ખબર મુતવાતીર ન હોય. પરંતુ મુતવાતીર ખબરના વિશ્ર્વસનીય હોવા માટે મજબુત સનદ શર્ત નથી.
(મુકદ્દમા, પાના નં. ૧)
તેવી જ રીતે ફરમાવે છે :
وَ لَيْسَ فِي المَسَائِلْ انقليۃ الَي……
“અને જે બાબતો રિવાયતમાં આવી છે તેની સાબિતિની કોઇ રીત નથી સિવાય કે સાંભળવું (સાંભળીને ઇમાન લાવવું). તે સાંભળવા ઉપર ઇમાન રાખવું, ઇમામ મહદી (અ.સ.)ના ઝુહુર ઉપર ઇમાન રાખવાથી બહેતર નથી. જો કે આપણે એમ નથી કહેતા કે મહદી (અ.સ.)ના ઝુહુર ઉપર ઇમાન રાખવું તે અમૂક મસઅલાથી અફઝલ છે. કારણકે મહદી (અ.સ.)ના ઝુહુરના બારામાં જે આગાહીઓ હદીસમાં આવી છે તે મુતવાતીર રિવાયતો તવાતુરની હદ સુધી પહોંચેલી છે. જ્યારે કે બીજા મસઅલાઓમાં જેની ઉપર ઘણા મુસલમાનોનો અકીદો છે તે મુતવાતીર નથી. બલ્કે તેઓએ માત્ર એકજ હદીસ ઉપર સંતોષ માની લીધો છે. તો પછી મુસલમાનો માટે એ જાએઝ નથી કે તેઓ ઇમામ મહદી (અ.સ.)ના ઝુહુરના સંબંધમાં મુતવાતીર હદીસોની ઉપર શંકા કરે.
આવી જ રીતે પ્રસ્તાવનાને વાંચતા જઇએ તો પુરાવા વધુને વધુ મજબુત બનતા જશે.
સંકલનનો હેતુ :
પ્રસ્તાવનાની ચર્ચાના અંતમાં અમે અહિં એ દર્શાવવાનું જરૂરી સમજીએ છીએ કે લેખકે આ કિતાબ શા માટે લખી:
وَ اِنَّما الباعث لقديم ھٰذَا الکتاب……
(મુકદ્દમા, પાના નં. ૬ અને ૭)
ખરેખર, આ કિતાબ ‘મુન્તખબુલ અસર’ને વાંચકો સમક્ષ રજુ કરવાનું કારણ ગયબતના ઝમાનાને રજુ કરવાનો છે. તેમાં પણ ખાસ કરીને આખર ઝમાનામાં મહદવીય્યત અને ઇમામતના દાવેદારોના દાવાઓને જુઠ્ઠા સાબિત કરવાનો છે. આજના સમયમાં મુસલમાનોને તેની સખત જરૂરત છે તેનું કારણ એ છે કે આપણા દુશ્મનો એવા હથિયારો અને માધ્યમોને કામે લગાડવાથી અટકતા નથી, જેથી મુસલમાનોમાં મતભેદ ઉભો કરી અને અદાવતની આગને ભડકાવી શકે તેમજ આંતરીક ઝઘડાઓમાં રચ્યા પચ્યા રાખે.
આવા હથિયાર માનું એક હથિયાર ઇમામ મહદી (અ.સ.) (અરવાહોના ફિદા)ને લગતા પ્રશ્ર્નો છે.
આ હેતુઓને પાર પાડવા માટે અમૂક દેશો જેવા કે ઇરાન, ભારત અને આફ્રીકામાં અમૂક હલ્કા અને સત્તા ભૂખ્યા, બદ અખ્લાકમાં મશ્હૂર, કમ અકલ અને તુચ્છ લોકોએ મહદવીય્યતનો દાવો કર્યો.
લેખક વિગતવાર વર્ણન કરતા લખે છે કે તે લોકોએ ઇમામ મહદી (અ.સ.) વિષે પયગમ્બરે અકરમ (સ.અ.વ.)એ બતાવેલી સિફતો, નિશાનીઓ, અને અસરોને બાજુ ઉપર મૂકી દીધી છે. આ રીતે તે લોકો કે જેઓ ઇમામ મહદી (અ.સ.)ના બારામાં વારીદ થયેલ હદીસોને નથી જાણતા તે લોકો તેઓની માયા જાળમાં ફસાઇ જાય છે.
“તેથી અમે આ હદીસોમાંથી અમૂકને ભેગી કરી છે. અને તે શીયા અને સુન્નીની વિશ્ર્વસનીય કિતાબોમાંથી લીધી છે.
(મુકદ્દમા, પાના નં. ૮)
દસ વિભાગ અને સો પ્રકરણની ચર્ચા :
પાંચસોથી વધુ પેજની આ કિતાબની ઓળખ કિતાબમાં આવેલ અર્થોની છણાવટ સાથે કરવી તે ખૂબજ અઘરૂં કામ છે. તેથી આપણે પોતે ઇમામે ઝમાના (અ.સ.) સાથે તવસ્સુલ કરીએ કે આં હઝરત (અ.સ.) આપણી મદદ કરે અને આપણે આ ભવ્ય કિતાબની ઓળખ સાથે તે હઝરત (અ.સ.)ની મઅરેફતના પાસાઓની છણાવટ કરી શકીએ.
ભાગ – ૧ : (પાના ૧૦ થી ૧૪૦)
ઇમામ બાર છે (اَلائمۃ اثنا عَشَر) આ ભાગમાં આઠ પ્રકરણો છે.
જાબીર બિન સમરહ કહે છે : મેં રસુલુલ્લાહ (સ.અ.વ.) પાસેથી સાંભળ્યું કે આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું છે :
“બાર અમીર હશે તે પછી એક વાક્ય બોલ્યા જે હું સાંભળી શક્યો નહિં. પછી મારા વાલિદે કહ્યું કે પયગમ્બર (સ.અ.વ.)એ ફરમાવ્યું : “તે બધા કુરૈશમાંથી હશે.
જાબીર બિન સમરહ – રસુલુલ્લાહે ફરમાવ્યું : “આ મઝહબ આવી જ રીતે સન્માન ભર્યો રહેશે. જ્યારે આપે કહ્યું કે બાર ખલીફા થશે ત્યારે લોકોએ અલ્લાહો અકબરનો નારો લગાવ્યો અને શોર મચી ગયો. ત્યાર બાદ એક વાક્ય બીજું કહ્યું જે હું સાંભળી ન શક્યો. મેં મારા પિતાને પુછયું “પયગમ્બર (સ.અ.વ.)એ શું ફરમાવ્યું : તેમણે કહ્યું કે આપ (અ.સ.)એ ફરમાવ્યું : “બધા કુરૈશમાંથી હશે.
(ફસ્લ ૧, બાબ : ૧, હ. ૬)
આ હદીસને લેખકે સહીહ અબી દાઉદના હવાલાથી (કિતાબુલ મહદી, ભાગ – ૨, પાના નં. ૨૦૭, મિસ્રના મત્બઉત્તાઝેઅથી છપાએલ) લખ્યું છે અને વાંચકોનું ધ્યાન આ તરફ દોર્યું છે.
“અબુ દાઉદે ‘કિતાબુલ મહદી’માં આ હદીસો ટાંકી તે સૂચવે છે કે તે ઇમામ મહદી (અ.સ.) ને તે બાર ખલીફાઓમાં ગણે છે. નહિં તો આ હદીસોને ત્યાં લખવાનો કોઇ સંબંધ ન હોત.
(મુન્તખબુલ અસર હાશીયા, પાના નં. ૧૨)
ધ્યાનમાં રાખો કે ‘હદીસે અઇમ્મતો ઇસ્નાઅશર’માત્ર ઇમામીયા શિયા મઝહબ ઉપર જ ખરી ઉતરે છે. તેનું કારણ એ છે કે અમૂક હદીસોનો અર્થ એવો થાય છે કે ઇસ્લામનો તે સમય સુધી અંત નહિં આવે જ્યાં સુધી મુસલમાનોમાં બાર ખલીફા ન થઇ જાય. અમૂકનો અર્થ એવો થાય છે કે ઇસ્લામની ઇઝઝત અને ફખ્ર ત્યાં સુધી છે જ્યાં સુધી બાર ખલીફાઓનું અસ્તિત્વ છે. અમૂકનો અર્થ એવો થાય છે કે દીન કયામતના દિવસ સુધી બાકી રહેશે અને ઇમામો (અ.સ.)નો સિલસિલો પણ દુનિયાના અંત સુધી બાકી રહેશે. અમૂકના અર્થ એવો થાય છે કે તેઓ બાર હશે અને તેઓ બની હાશિમમાંથી હશે.
બધી હદીસોનું તારણ એ નિકળે છે કે ખલીફાઓ બાર હશે અને એક પછી એક આવશે અને આ વાત જાહેર છે કે આ વિશેષતા માત્ર બાર ઇમામોમાંજ જોવા મળે છે.
(હાશીયા, પાના નં. ૧૪)
આ ભાગના બાકીના પ્રકરણોના થોડા શિર્ષકો આ પ્રમાણે છે :
આ ખલીફાઓની સંખ્યા બની ઇસરાઇલના સરદારોની સંખ્યા જેટલી છે. ઇમામ બાર છે તેમાં પહેલા અલી (અ.સ.) છે અને છેલ્લા મહદી (અ.સ.) છે.
ભાગ – ૨, પાના નં. ૧૪૧ થી ૩૧૯
આ ભાગમાં ૪૯ પ્રકરણો છે. આ પ્રકરણોમાં ઇમામ મહદી (અ.સ.)ના વિષે વિશ્ર્વાસપાત્ર સુન્ની અને શીયાઓની કિતાબોમાંથી હદીસોની નોંધ કરવામાં આવી છે. તેમાંના બધા વિષયોના નામોને અહીં નોંધવાનો અવકાશ નથી. અલબત્ત સામુહિક રીતે આ ભાગમાં ઇમામ મહદી (અ.સ.)ના ઝુહુરની ખુશખબરીઓ દર્શાવવામાં આવી છે કે જેમાં નોંધવામાં આવ્યું છે કે આપ (અ.સ.) એહલેબૈત (અ.સ.)માંથી છે, ઇમામ હુસૈન (અ.સ.)ના વંશમાંથી છે, ઇમામ સજ્જાદ (અ.સ.)ના વંશમાંથી છે, અને આજ રીતે બાકીના ઇમામો (અ.સ.)ના નામની નિસ્બતથી હદીસો વારીદ થઇ છે.
જનાબ ઉમ્મે સલમા (સ.અ.) ફરમાવે છે કે મેં પયગમ્બર (સ.અ.વ.) પાસેથી સાંભળ્યું છે કે :
هُوَ مِنْ وُلْدِ فَاطِمَة
“તે (મહદી અ.સ.) ફાતેમા (સ.અ.)ની ઔલાદમાંથી છે.
આઠમાં પ્રકરણની હદીસ નં. ૪નો ખુલાસો :
રસુલુલ્લાહ (સ.અ.વ.)એ ફરમાવ્યું : “તે જાતની કસમ કે જેની કુદરતના કબ્જામાં મારી જાન છે, બેશક જે મહદી (અ.સ.)ની પાછળ ઇસા (અ.સ.) નમાઝ પડશે તે અમારામાંથી છે. પછી ઇમામ હુસૈન (અ.સ.) ના ખભા ઉપર હાથ મૂક્યો અને ફરમાવ્યું. તે આમની વંશમાંથી થશે.
(પાના નં. ૧૯૯)
પ્રકરણ : ૨૭ની હદીસ નં. ૨
અસબગ બિન નોબાતાને અમીરૂલ મોઅમેનીન (અ.સ.)એ ફરમાવ્યું : “તે (મહદી) જરૂર ગાએબ થશે એટલે સુધી કે નાદાન કહેશે, અલ્લાહને આલે મોહમ્મદ (અ.સ.)ની જરૂર નથી.
(પાના નં. ૨૫૫)
ભાગ – ૩ : (પાના નં. ૩૨૦ થી ૩૫૭)
આ ભાગમાં ત્રણ પ્રકરણો છે. તેમાં ઇમામ મહદી (અ.સ.)ની વિલાદત, વિલાદતની તારીખ, આપના માતા (અ.સ.)ના હાલાત વર્ણવવામાં આવ્યા છે.
ઇમામ હસન અસ્કરી (અ.સ.) ફરમાવે છે :
“અલ્લાહના વલી, તેના બંદાઓ ઉપર તેની હુજ્જત અને મારી પછી થનારા ખલીફાનો ૧૫મી શાબાનની રાત્રે હિ. સન. ૨૫૫ના રોજ સુર્યોદયના સમયે ખત્ના થએલી હાલતમાં જન્મ થયો.
(પાના નં. ૩૨૦)
આ પ્રકરણમાં દર્શાવેલ હદીસની નીચે લેખકે આશરે ૮૨ પાનાનો એક લાંબો હાશીયો લખ્યો છે, જે એક પુસ્તક જેવો છે અને તે વાંચવા લાયક છે. લેખકે એહલેસુન્નતના ખૂબજ મશ્હૂર અને જાણીતા ૬૫ આલિમોએ ઇમામે ઝમાના (અ.સ.)ની વિલાદતના વિષયમાં તેઓના વર્ણનો લખ્યા છે. જેમાં મૌલવી અલી અકબર બિન અસફુલ્લાહ મવદુદી હિન્દી, શયખ અબ્દુલ રહેમાન હિન્દી, શાહ વલીયુલ્લાહ દહેલવી, (‘તોહફએ ઇસ્નાઅશરીયા’ના લેખક, શાહ અબ્દુલ અઝીઝના પિતા) ફાઝિલ રશીદુદ્દીન દહેલવી જેવા આલીમોનો સમાવેશ થાય છે. જે વાંચ્યા પછી એ સ્પષ્ટ થઇ જાય છે કે એહલે સુન્નતના પણ ઘણા આલિમો ઇમામ મહદી (અ.સ.) હિ. સન. ૨૫૫માં જન્મ્યા તેવી માન્યતા ધરાવે છે.
ભાગ – ૪ : (પાના નં. ૩૫૮ થી ૪૦૦)
આ ભાગમા ત્રણ પ્રકરણો છે. તેમાં ગયબતે સુગરા દરમ્યાન અમૂક લોકોની આપની સાથેની મુલાકાતો અને મોઅજીઝાનું વર્ણન છે. તેમજ ગયબતે સુગરામાં આપના પ્રતિનિધિ (નાએબ)નો ઉલ્લેખ છે. આ ભાગની બધી હદીસો ઘણું મહત્ત્વ ધરાવે છે. કોઇ એક પ્રકરણની એક હદીસ દર્શાવવા કરતા આ હદીસોનો સાર રજુ કરવો વધારે ઉપયોગી થઇ પડશે.
૧. ગયબતે સુગરાના સમયગાળા દરમ્યાન ચાર ખાસ નાએબોએ આપની મુલાકાતો કરી છે.
૨. ચાર ખાસ નાએબો સિવાય બીજા લોકોએ પણ આપની સાથે મુલાકાતો કરી છે.
૩. ખાને કાબાની નઝદીક ઘણી વખત ઇમામે ઝમાના (અ.સ.)ને જોવામાં આવ્યા છે.
૪. આપના કાકા જઅફરે ઘણી વખત આપને જોયા છે. ઇમામ હસન અસ્કરી (અ.સ.)ના માતા એટલે કે આપના દાદીના મૃત્યુના સમયે જઅફરે દફનના બારામાં ઝઘડો કર્યો ત્યારે ઇમામે ઝમાના (અ.સ.) તશ્રીફ લાવ્યા.
પ. અલી બિન ઇબ્રાહીમ બિન મેહઝિયાર અલ અહવાઝીની ઇમામે ઝમાના (અ.સ.) સાથે મુલાકાત,
૬. ત્રીસ વ્યક્તિઓને ઇમામે ઝમાના (અ.સ.) એ મક્કામાં મુસ્તજારની પાસે પડવાની દોઆ શિખવાડી.
આવા ભાવાર્થો ઉપરાંત લેખકે આ પ્રકરણના હાંસિયામાં કેટલાય મહત્ત્વના વિષયો ઉપર ચર્ચા કરી છે. ગયબતનું કારણ અને સરદાબ અંગે બીજા લોકોના મેણા ટોણા અને ટીકાઓનો જવાબ લખ્યો છે. તદ્ઉપરાંત ચાર ખાસ નાએબોની વિશ્ર્વસનીયતા, અમાનતદારી અને સચ્ચાઇને સાબિત કરી છે.
ભાગ – ૫ : (પેજ નં. ૪૦૧ થી ૪૨૦)
આ ભાગમાં બે પ્રકરણો છે. ગયબતે કુબરામાં આપનું જીવન, મોઅજીઝાઓ અને જે લોકોને આપની ઝિયારતનો શરફ મળેલ છે તેની વિગતો આપવામાં આવી છે. પહેલા જ પ્રકરણમાં ઇસ્માઇલ બિન અલ હસન હરકલીની ઇમામે ઝમાના (અ.સ.) સાથેની મુલાકાતના પ્રસંગનું વર્ણન છે. આ ભાગના પહેલા પ્રકરણમાં જે રિવાયતો વર્ણવવામાં આવી છે તેમાં ઇમામે ઝમાના (અ.સ.)ની મુલાકાતના એવા પ્રસંગોનું વર્ણન કરવામાં આવ્યું છે જેમને ઇમામ (અ.સ.)એ મોઅજીઝાથી શિફા આપી છે અથવા બાદશાહો અને હાકિમોના અત્યાચારમાંથી છોડાવ્યા છે. સાતમી હદીસમાંં અઇમ્મા (અ.સ.)ની સાથે તવસ્સુલ કરવાના ફાયદાઓ અને ખાસીયતો વર્ણવવામાં આવ્યા છે.
રબીયુલ અવ્વલ હિ. સ. ૪૪૨નો પ્રસંગ છે. અબુલ વફાઅ શીરાઝી કહે છે કે મને કીરમાનના હાકિમ અબુ અલી ઇલ્યાસે પકડીને કેદખાનામાં નાખી દીધો ત્યારે વકીલો મને કહેતા હતા કે તેણે તમને સજા કરવાનો નિર્ણય લઇ લીધો છે. તેથી હું ગમગીન રહેતો હતો અને હું નબી અને અઇમ્મા (અ.સ.)ના વસીલાથી અલ્લાહની બારગાહમાં મુનાજાત કરતો હતો. હું શબે જુમ્આ દોઆ કરીને સૂઇ ગયો. મેં સ્વપ્નમાં રસુલ (સ.અ.વ.)ને જોયા. આં હઝરત (સ.અ.વ.)એ ફરમાવ્યું :
“તમે કોઇ દુન્યવી બાબત માટે મારી સાથે, મારી પુત્રી કે મારા પુત્રો હસન (અ.સ.) અને હુસૈન (અ.સ.)ની સાથે તવસ્સુલ ન કરો સિવાય કે તે બાબતો માટે જેના થકી તમે અલ્લાહની ઇતાઅત અને તેની ખુશ્નુદી મેળવી શકો. હા! મારા ભાઇ અબુલ હસન તે માણસ પાસેથી બદલો લેશે જેણે તમારી ઉપર ઝુલ્મ કર્યો છે.
રાવી કહે છે કે મેં અરજ કરી : “યા રસુલુલ્લાહ! તેઓ તેનાથી કેવી રીતે બદલો લેશે જેણે મારી ઉપર ઝુલ્મ કર્યો છે? જ્યારે કે તેમના ગળામાં ફંદો પડ્યો હતો ત્યારે તેમણે બદલો ન્હોતો લીધો, તેમના હકને ગસ્બ કરી લેવામાં આવ્યો, ત્યારે તેમણે અવાજ ન ઉઠાવ્યો.
રાવી કહે છે કે આપ (અ.સ.)એ આશ્ર્ચર્ય સાથે મારી સામે જોયું અને ફરમાવ્યું :
“આ એક વચન છે જે મેં તેમની પાસેથી લીધું છે અને એક હુકમ છે જે મેં તેમને આપ્યો છે. તે તેને જરૂર અંજામ આપશે અને આ બાબતે હક અદા કરશે. હલાકત તે વ્યક્તિના માટે જ છે, જેણે ખુદાના વલી સાથે ઝઘડો કર્યો. જ્યાં સુધી અલી ઇબ્નિલ હુસૈન (અ.સ.)ની વાત છે તો તે બાદશાહો અને શૈતાનોના ફંદાઓમાંથી નજાત અપાવનારા છે. (બાદશાહો અને શૈતાનોના ફંદાઓથી નજાત મેળવવા માટે અલી ઇબ્નીલ હુસૈનથી તવસ્સુલ કરો) મોહમ્મદ બિન અલી (અ.સ.) અને (મોહમ્મદ બાકિર (અ.સ.)) જઅફર બિન મોહમ્મદ (અ.સ.) આખરેતના માટે છે. તમે તેમના થકી અલ્લાહની ઇતાઅત માગો. મુસા બિન જઅફર (અ.સ.)ના થકી ખુદા પાસે સારા અંતની માંગણી કરો. અલી બિન મુસા અર્રેઝા થકી જમીન અને દરિયામાં સલામતિ માગો. મોહમ્મદ બિન અલી (અ.સ.) થકી અલ્લાહની પાસે રોજી મેળવો અને અલી બિન મોહમ્મદ (અ.સ.) નાફેલા, બિરાદરો સાથે નેકી કરવી અને અલ્લાહની ઇતાઅત પ્રત્યે લગાવ પૈદા કરવા માટે છે અને હસન બિન અલી (અ.સ.) આખરેતના માટે છે. જ્યારે તમારા માથા ઉપર તલવાર હોય અને દુશ્મનોના હાથ તમારી ગરદન સુધી પહોંચી જાય ત્યારે તમે સાહેબુઝઝમાન (અ.સ.) પાસે મદદ માગો તે જરૂર તમારી મદદ કરશે.
રાવી કહે છે કે મેં સ્વપ્નામાં જ આવાઝ આપી يَا صَاحِبَ الزَّمَانِ أَدْرِكْنِي હકીકતમાં તો મારી શક્તિ ખતમ થઇ ચૂકી હતી. અબુલ વફાઅ કહે છે કે જ્યારે હું સ્વપ્નામાંથી જાગ્યો ત્યારે મેં જોયું કે ચોકીદારો મારી બેડીઓ ખોલી રહ્યા છે. (પાના નં. ૪૦૯)
બીજા પ્રકરણમાં તે લોકોની વાત છે જેમણે આપને ગયયબતે કુબરામાં જોયા છે. પહેલો પ્રસંગ મુકદ્દસે અર્દબેલીનો છે. હઝરત અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના હરમમાં હઝરત અમીર (અ.સ.)ની સાથે વાતચીત કરી અને મસ્જીદે કુફામાં ઇમામે ઝમાના (અ.સ.) સાથે વાતચીત કરી. આ પ્રમાણે ગયબતે કુબરામાં ઇમામે ઝમાના (અ.સ.) સાથે મુલાકાત કરનારાઓના આઠ પ્રસંગોને વર્ણવવામાં આવ્યા છે.
ભાગ – ૬ : (પાના નં. ૪૨૧ થી ૪૬૯)
આ ભાગમાં ૧૧ પ્રકરણો છે. તેમાં ઇમામે ઝમાના (અ.સ.)ના ઝુહુરની નિશાનીઓ અને ઝુહુર પહેલાના પ્રસંગોનું વર્ણન છે.
ઇમામ જઅફર સાદિક (અ.સ.) ફરમાવે છે :
أَمَّنْ يُجِيبُ الْمُضْطَرَّ إِذا دَعاهُ وَ يَكْشِفُ السُّوءَ
આ આયત કાએમે આલે મોહમ્મદ (અ.સ.)ની શાનમાં ઉતરી છે. જ્યારે તેઓ મકામે ઇબ્રાહીમમાં બે રકાત નમાઝ પડશે ત્યારે આપ મુઝતર (બેચૈન – વ્યાકુળ) હશે અને અલ્લાહ પાસે દોઆ કરશે. અલ્લાહ આપ (અ.સ.)ની દોઆને કબુલ કરશે અને તેમની મુશ્કેલીઓને દૂર કરશે અને તેમને આ દુનિયાના ખલિફા બનાવશે.
(ભાગ – ૬૪, પ્ર. ૧, હ. ૫)
હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)એ ફરમાવ્યું :
“તે સમયે તમારી હાલત કેવી હશે જ્યારે તમારી સ્ત્રીઓ તમારા કહ્યામાં નહિં હોય અને તમારા જવાનો બદકાર થઇ જશે. તમે સારા કામોનો હુકમ નહિં આપો અને ખરાબ કામોથી નહિં અટકાવો.
અરજ કરવામાં આવી : “અય અલ્લાહના રસુલ શું આવું પણ થશે?
આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું :
“હા!, તેનાથી વધુ ખરાબ તે જમાનો હશે કે તેમાં તમે સારી બાબતોને ખરાબ ગણશો અને ખરાબ બાબતોને સારી.
(ભાગ- ૬, પ્ર. ૨, હ. ૩,)
આ પ્રકરણની બધી હદીસો વાંચવી જોઇએ. તેમાંની અમૂક હાલતની આગાહીઓને આપણે જોઇ રહ્યા છીએ. અમૂક બની ચૂકી છે અને ભવિષ્યમાં એવી એવી બાબતો બનવાની છે કે જેની કલ્પનાથી આપણે ધ્રુજી ઉઠીએ છીએ.
ત્રીજા પ્રકરણમાં હઝરત અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ની એક હદીસ નોંધવામાં આવેલી છે.
“જ્યારે એક પોકાર કરનારો આસમાનમાંથી પોકાર કરશે ‘હક આલે મોહમ્મદમાં છે’ તે સમયે લોકોની જીભ ઉપર મહદી (અ.સ.)નું નામ હશે અને તેઓ અનહદ ખુશ થશે.
(ભાગ – ૬, પ્ર. ૩, હ. ૧૯)
ઇમામ સાદિક (અ.સ.) એ ફરમાવ્યું :
“હઝરત કાએમ (અ.સ.)ને એક પોકાર કરનાર (આસમાનમાંથી) આપના પિતાના નામ સાથે પોકાર કરશે… તેજ દિવસે હઝરત કાએમ (અ.સ.) જાહેર થશે.
(ભાગ – ૬, પ્ર. ૪, હ. ૨)
એક માણસે ઇમામ સાદિક (અ.સ.)ને પુછયું :
“આપના કાએમ (અ.સ.) ક્યારે ઝુહુર ફરમાવશે?
આપ (અ.સ.)એ જવાબ આપ્યો :
“જ્યારે ગુમરાહી ફેલાઇ જશે, હિદાયત ઓછી થઇ જશે, ઝુલ્મ અને અત્યાચાર વધી જશે, સુધારણા અને સારપ ઘટી જશે, પુરૂષો પુરૂષો અને સ્ત્રીઓ સ્ત્રીઓ થકી સંતોષ મેળવશે, ફકીહો દુનિયા તરફ આકર્ષાશે, મોટા ભાગના લોકો શેર અને શાયરીને પસંદ કરશે, બિદઅત કરનારાઓનો એક સમુહ મસ્ખ થઇને વાંદરાઓ અને સુવ્વરોના રૂપમાં બદલાઇ જશે, સુફીયાની કતલ થઇ જશે, દજ્જાલ જાહેર થશે….
(ભાગ – ૬, પ્ર. ૯, હ. ૫)
ભાગ – ૭ : (પાના નં. ૪૭૦ થી ૪૮૨)
આ ભાગમાં ૧૨ પ્રકરણો છે. તેમાં ઝુહુર પછીની પરિસ્થિતિ દર્શાવવામાં આવી છે.
ઇમામ મોહમ્મદ બાકિર (અ.સ.)થી રિવાયત છે કે:
اَللَّهُمَّ إِنَّ شِيعَتَنَا خُلِقَتْ مِنْ شُعَاعِ أَنْوَارِنَا وَ بَقِيَّةِ طِينَتِنَا وَ قَدْ فَعَلُوا ذُنُوباً كَثِيرَةً اتِّكَالًا عَلَى حُبِّنَا وَ وَلَايَتِنَا فَإِنْ كَانَتْ ذُنُوبُهُمْ بَيْنَكَ وَ بَيْنَهُمْ فَاصْفَحْ عَنْهُمْ فَقَدْ رَضِينَا وَ مَا كَانَ مِنْهَا فِيمَا بَيْنَهُمْ فَأَصْلِحْ بَيْنَهُمْ وَ قَاصَّ بِهَا عَنْ خُمُسِنَا وَ أَدْخِلْهُمُ الْجَنَّةَ وَ زَحْزِحْهُمْ عَنِ النَّارِ وَ لَا تَجْمَعْ بَيْنَهُمْ وَ بَيْنَ أَعْدَائِنَا فِي سَخَطِكَ
“અલ્લાહ મહદી (અ.સ.) અને તેમના સાથીઓને દુનિયામાં પૂર્વ અને પશ્ર્ચિમના માલિક બનાવશે. દીનનું વર્ચસ્વ સ્થાપી દેશે. અલ્લાહ તેમના તથા તેમના સાથીદારો થકી બિદઅત અને બાતિલનો એવી રીતે નાશ કરી નાખશે જેવી રીતે બેવકુફી અને અજ્ઞાનતા હકને પામાલ કરી દે છે પછી ઝુલ્મનું નામોનિશાન જોવા નહીં મળે, તેઓ નેક વાતોનો હુકમ આપશે અને ખરાબ બાબતોથી રોકશે પછી કાર્યનો અંંજામ અલ્લાહની પાસે જ છે.
(ભાગ – ૭, પ્ર. ૧, હ. ૧)
“જ્યારે કાએમે આલે મોહમ્મદ (અ.સ.) કયામ કરશે ત્યારે અલ્લાહ પૂર્વ અને પશ્ર્ચિમવાળાઓને ભેગા કરી દેશે. તેઓ એવી રીતે ભેગા થઇ જશે જે રીતે અષાઢના વાદળો ભેગા થઇ જાય છે.
(ભાગ – ૭, પ્ર. ૬, હ. ૧)
ઇમામ બાકિર (અ.સ.)એ ફરમાવ્યું :
“બેશક ઇસા (અ.સ.) કયામતની પહેલા આ દુનિયામાં આવશે….. હઝરત ઇસા (અ.સ.) મહદી (અ.સ.)ની પાછળ નમાઝ પઢશે.
(ભાગ – ૭, પ્રકરણ : ૮, હદીસ નં. ૧)
એક લાંબી હદીસમાં પયગમ્બરે અકરમ (સ.અ.વ.) એ ફરમાવ્યું :
“જે દિવસે દજ્જાલ જાહેર થશે તે દિવસે ૭૦ હજાર યહુદીઓ, ઝીનાથી પેદા થએલા લોકો, શરાબ પીનારા, ગાવા વગાડવાવાળા, મોજશોખમાં ડુબેલા લોકો, જાહીલ અરબ વણજારા અને સ્ત્રીઓ તેની સાથે થઇ જશે. તે વ્યભિચાર, લવાત (સૃષ્ટિ વિરૂદ્ધનું કામ) અને બધી મનાઇ કરવામાં આવેલી બાબતોને મુબાહ ગણશે. એટલે સુધી કે પુરૂષો સ્ત્રીઓ અને છોકરાઓની સાથે જાહેર માર્ગ ઉપર ખુલ્લંખુલ્લા બદકામ કરશે. મક્કા, મદિના અને ઇમામો (અ.સ.)ના હરમો સિવાય આખી ધરતી ઉપર કબ્જો જમાવી દેશે. જ્યારે તે હદ બહાર બંડપોકારી ચુકશે અને દુનિયા તેના અને તેના મદદગારોના અત્યાચારોથી ભરાઇ જશે ત્યારે તેને આપ (ઇમામ મહદી અ.સ.) કતલ કરશે. જેમની પાછળ ઇસા (અ.સ.) નમાઝ પઢશે.
(ભાગ – ૭, પ્ર. ૯, હ. ૨)
ઇમામ બાકિર (અ.સ.) ફરમાવે છે :
“જ્યારે અમારા કાએમ (અ.સ.) કયામ કરશે ત્યારે આપ (અ.સ.) અલ્લાહના બંદાઓના માથા ઉપર હાથ મુકશે. જેનાથી તેઓની અક્કલો પરિપૂર્ણ થઇ જશે અને શરીરો તંદુરસ્ત થઇ જશે.
(ભાગ – ૭, પ્ર. ૧૨, હ. ૧)
ભાગ – ૮ : (પાના નં. ૪૮૩ થી ૪૮૬)
આ ભાગમાં બે પ્રકરણો છે જેમાં આપના મદદગારો અને સાથીદારોની વિગતો આપવામાં આવી છે.
હઝરત અમીરૂલ મોઅમેનીન (અ.સ.)થી રિવાયત છે કે આપ (અ.સ.)એ ફરમાવ્યું :
“હઝરત મહદી (અ.સ.)ના સાથીદારો જવાન હશે તેમનામાં કોઇ વૃદ્ધ નહિં હોય સિવાય કે જેટલું આંખમાં સુરમો અને ખોરાકમાં મીઠું અને ખોરાકમાં સૌથી ઓછું મીઠું જ હોય છે. (વૃદ્ધોની સંખ્યા ઘણી ઓછી હશે)
(ભાગ – ૮, પ્ર. ૧, હ. ૩)
ભાગ – ૯ : (પાના નં. ૪૮૭ થી ૪૯૧)
આ ભાગમાં ત્રણ પ્રકરણ છે. જેમાં ઝુહુર પછી આપ (અ.સ.)ની ખિલાફતનો સમયગાળો અને આપ (અ.સ.)ની લોકોની દરમ્યાન જીવન જીવવાની રીતભાત દર્શાવવામાં આવી છે.
ઇમામ સાદિક (અ.સ.)ને રાવીએ પુછયું કે :
“કાએમ કેટલો સમય શાસન કરશે?
આપ (અ.સ.)એ ફરમાવ્યું :
“સાત વરસ જે તમારા સિત્તેર વરસો સમાન છે.
ભાગ : – ૧૦ (પાના નં. ૪૯૨ થી ૫૨૫)
આ ભાગમાં સાત પ્રકરણ છે.
પયગમ્બરે અકરમ (સ.અ.વ.)એ ફરમાવ્યું :
“જેણે મારા પુત્રોમાંથી કાએમ (અ.સ.)નો ઇન્કાર કર્યો, હકીકતમાં તેણે મારો ઇન્કાર કર્યો.
ઇન્તેઝારની ફઝીલત :
ઇમામ (અ.સ.)એ ફરમાવ્યું :
“અલ્લાહ તે બંદા ઉપર રહેમ કરે જેણે અમારા માટે પોતાના નફસને મેહસુસ કર્યો. ખુદા તે બંદા ઉપર રહેમ કરે જેણે અમારા અમ્રોને જીવંત કર્યા,
રાવીએ પુછયું :
“જો હું હઝરત કાએમ (અ.સ.)ના ઝુહુરની પહેલા જ મરી ગયો તો?
આપ (અ.સ.)એ ફરમાવ્યું :
“તમારામાંથી એ કહેનારા કે ‘જો હું હઝરત કાએમ (અ.સ.)ના ઝમાનામાં રહીશ તો તે હઝરતની મદદ કરીશ.’ તે એ માણસની જેવો છે જે આપ (અ.સ.)ની સાથે રહીને તલવારથી લડાઇ કરનારો છે અને તેમની નઝર સમક્ષ શહાદત પામનારો છે.
(ભાગ – ૧૦, પ્ર. ૨, હ. ૪)
તે પછીના પ્રકરણોમાં તે દોઆઓની વિગતો છે જેને પડવા માટે તાકીદ કરવામાં આવી છે. ઘણી દોઆઓ તેમણે નકલ કરી છે અને દોઆઓની બીજી કિતાબો તરફ રજુ થવાની તાકીદ કરી છે. સંપૂર્ણપણે આ એક શ્રેષ્ઠ કિતાબ છે. તાજેતરમાં તેનો ઉર્દૂ તરજુમો પણ પ્રકાશિત થયો છે તેમજ તેના અમૂક ભાગોનો અંગ્રેજી તરજુમો પણ પ્રકાશિત થઇ ચૂક્યો છે.
હાજી શયખ આકા બુઝુર્ગ તેહરાની ફરમાવે છે :
“આ વિષય ઉપર આજ સુધી મેં કોઇ કિતાબ જોઇ નથી.
શયખ હબીબ મોહાજીર આમેલી તેમની કિતાબમાં લખે છે : “દરેક મોઅમીન માટે જરૂરી છે કે આ કિતાબની એક પ્રત પોતાની પાસે રાખે.
અય અલ્લાહ! અમારી મઅરેફતમાં વધારો કર. અમારી ગણતરી આં હઝરત (અ.સ.)ના સાથીદારોમાં અને અન્સારોમાં કર. આમીન…..
Comments (0)