ઇમામે ઝમાના (અ.સ.)ની જુમ્આના દિવસની ઝિયારતની સમજુતી
દર વર્ષની મુજબ આ વર્ષે પણ આપણે હઝરત હુજ્જત (અ.સ.)ને લગતી એક ઝિયારતની સમજુતી અને વિશ્ર્લેષણને જોઇશું. આ વર્ષે જે ઝિયારતની પસંદગી કરવામાં આવી છે તે છે ઇમામે ઝમાના (અ.સ.)ની જુમ્આના દિવસે પઢવાની ઝિયારત. પરંતુ જુમ્આના દિવસની ઝિયારતની ચર્ચા શરૂ કરતાં પહેલાં જુમ્આના દિવસની અમુક ફઝીલતોની ચર્ચા કરવી યોગ્ય ગણાશે.
જુમ્આના દિવસની ફઝીલત :
ઇસ્લામમાં જુમ્આના દિવસનું ઘણું મહત્વ છે. સામાન્ય રીતે બધા દિવસો અલ્લાહના જ છે પરંતુ જુમ્આનું એક ખાસ મહત્ત્વ અને સ્થાન છે.
(૧) ઇમામ કાઝિમ (અ.સ.) ફરમાવે છે :
“જુમ્આના દિવસે અલ્લાહે નબીઓ અને વસીઓને પેદા કર્યા.
(બેહાર, ભાગ – ૧૫, પાના નં. ૨૨, નકલ અઝ બસાએરૂદ્દરજાત)
(૨) ઇમામ બાકિર (અ.સ.) ફરમાવે છે :
“જુમ્આને જુમ્આ એટલા માટે કહેવામાં આવે છે કે અલ્લાહે જુમ્આના દિવસે તમામ મખ્લુકને ભેગી કરી જેથી તેઓની પાસેથી તૌહીદ, હઝરત મોહમ્મદ (સ.અ.વ.)ની નબુવ્વત અને હઝરત અમીલ મોઅમેનીન અલી બિન અબી તાલિબ (અ.સ.)ની વિલાયતનું વચન લે.
(તહઝીબુલ એહકામ અઝ શયખ અત્તાઇફ અત્તુસી, ભાગ – ૩, પાના નં. ૩)
(૩) હઝરત રસુલે અકરમ (સ.અ.વ.) ફરમાવે છે :
“જુમ્આનો દિવસ ઇબાદતનો દિવસ છે. તેથી આ દિવસે અલ્લાહ અઝ્ઝ વ જલ્લની (વધુમાં વધુ) ઇબાદત કરો.
(બેહાર, ભાગ – ૫૯, પાના નં. ૧૮-૧૯)
(૪) ઇમામ સાદિક (અ.સ.) ફરમાવે છે :
“જુમ્આનો દિવસ મુસલમાનોની ઇદ છે અને આ ઇદ, ઇદુલફીત્ર અને ઇદુઝ્ઝોહાથી અફઝલ છે. ઇદોમાં અફઝલ ઇદ, ઇદે ગદીર છે જે ૧૮ ઝીલ્હજના આવે છે. તે પણ જુમ્આનો દિવસ હતો. અમારા કાએમ (અ.ત.ફ.શ.)નો ઝુહર પણ જુમ્આના દિવસે થશે અને કયામત પણ જુમ્આના દિવસે બરપા થશે.
(બેહાર, ભાગ – ૫૯, પાના નં. ૨૬)
(પ) હઝરત નબીએ અકરમ (સ.અ.વ.)એ ફરમાવ્યું:
الْجُمُعَةُ سَيِّدُ الْأَيَّامِ
“જુમ્આ બધા દિવસોનો સરદાર છે.
(બેહાર, ભાગ – ૪૦, પાના નં. ૪૭)
(૬) ઇમામ બાકિર (અ.સ.) ફરમાવે છે :
“માહે રમઝાનના જુમ્આની ફઝીલત બીજા મહિનાઓના જુમ્આની સરખામણીમાં એવી છે જેવી હઝરત રસુલ (સ.અ.વ.)ની ફઝીલત બીજા રસુલો ઉપર છે.
(વસાએલુશ્શિયા, ભાગ – ૧૦, પાના નં. ૩૬૩)
(૭) જુમ્આનો દિવસ હઝરત વલીએ અસ્ર (અ.સ.) અરવાહોના ફીદા સાથે જોડાએલો છે. સકર બિન અબી દલફ ઇમામ અલી નકી (અ.સ.)ની પાસે એ સમયે હાજર થયા જ્યારે આપ્ને મોતવક્કીલ અબ્બાસી (લા.અ.)એ કેદ કર્યા હતા.
સકરે પુછયું : “મારા પેશ્ર્વા અને માલિક! એક હદીસ પયગમ્બરે અકરમ (સ.અ.વ.)થી નકલ થઇ છે. પરંતુ હં તેનો અર્થ નથી જાણતો.
ઇમામ (અ.સ.)એ સવાલ કર્યો :
“તે કઇ હદીસ છે?
તેણે અરજ કરી : “આ હદીસ
لَا تُعَادُوا الْأَيَّامَ فَتُعَادِيَكُم
‘દિવસોની સાથે દુશ્મની નહીં કરતા, નહીંતર તે તમારી દુશ્મની કરશે.’
“આનો અર્થ શું થાય છે?
ઇમામ અલી નકી (અ.સ.)એ ખુલાસો કરતા ફરમાવ્યું :
“હા, જ્યાં સુધી આસમાન અને જમીન બાકી રહેશે ત્યાં સુધી આ હદીસમાંના દિવસોથી મુરાદ અમે છીએ. સાતમો દિવસ (શનિવાર) (થી મુરાદ) રસુલ (સ.અ.વ.) છે, વાહીદ (રવિવાર) થી મુરાદ હઝરત અમીલ મોએમેનીન (અ.સ.) છે. અલ ઇસનૈન (સોમવાર)થી મુરાદ હસન (અ.સ.) અને હસૈન (અ.સ.) છે. અસ્સલાસા (મંગળવાર)થી મુરાદ અલી બિન હસૈન (અ.સ.), મોહમ્મદ બિન અલી (અ.સ.), અને જઅફર બિન મોહમ્મદ (અ.સ.) છે. અલ અરબઆ (બુધવાર)થી મુરાદ મુસા બિન જઅફર (અ.સ.), અલી બિન મુસા (અ.સ.), મોહમ્મદ બિન અલી (અ.સ.) અને હં (અલીયુનનકી (અ.સ.)), અલ ખમીસ (જુમેરાત)થી મુરાદ મારા પુત્ર હસન અસ્કરી (અ.સ.) છે અને જુમ્આથી મુરાદ મારા પૌત્ર (મહદી (અ.સ.)) છે કે જેમની આસપાસ હક અને હકવાળા સમુહો એકઠા થશે.
આમ દિવસોનો અર્થ આ છે. આથી તેઓની દુશ્મની નહિં કરતા, નહીંતર આખેરતમાં તેઓ તમારાથી દુશ્મની કરશે.
(બેહાર, ભાગ – ૧૦૨, પાના નં. ૨૧૦, નકલ અજ જમાલુલ ઉસ્બુઅ અઝ અસ્ સૈયદ બિન તાઉસ, પાના નં. ૨૫)
ઉપરોક્ત પ્રસ્તાવના પછી દોઆઓ અને ઝિયારતોને રાએજ કરનારા મહાન આલિમ સય્યદ બિન તાઉસ (રહ.)એ દિવસો પ્રમાણે મઅસુમો (અ.સ.)ની ઝિયારતો નકલ કરી છે. આ જ ઝિયારતોને મહાન હદીસકાર મરહમ હાજ શયખ અબ્બાસ કુમ્મી (તાબ સરર્હિ)એ પોતાના અજોડ પ્રકાશન ‘મફાતીહલ જીનાન’માં પ્રસ્તુત કરી છે.
ઇમામે ઝમાના (અ.સ.)ની જુમ્આના દિવસની ઝિયારતની સમજુતિ :
(૧) اَلسَّلَامُ عَلَيْكَ يَا حُجَّةَ اللَّهِ فِي أَرْضِهٖ
“સલામ થાય આપ્ના પર, અય અલ્લાહની ધરતી પર તેની હુજ્જત.
શબ્દ ‘સલામ’ ઉપર ‘અલ મુન્તઝર’ના અગાઉના અંકોમાં આ જ દોઆઓ અને ઝિયારતોની સમજુતી દરમ્યાન વિગતવાર ચર્ચા થઇ ચૂકી છે. તેથી અહિં માત્ર એટલું કહેવું પુરતું છે કે પોતાના ઇમામ (અ.સ.)ને મોમીનના સલામ, ઇમામ (અ.સ.)ની સલામતિ માટેની મોમીનની તમન્ના દર્શાવે છે. આ વાક્યમાં શબ્દ ‘હુજ્જત’ ઘણું મહત્ત્વ ધરાવે છે. ‘હુજ્જત’ એટલે દલીલ અથવા સાબિતી. તેનું બહવચન ‘હોજજ’ છે. આ શબ્દ (હુજ્જત) કુરઆને મજીદમાં અનેક જગ્યાએ વપરાયો છે. જેમકે સુરએ બકરહની ૧૫૦મી આયત, સુરએ નિસાની ૧૬૫મી આયત અને સુરએ શુરાની ૧૫મી આયત, આ ત્રણેય જગ્યાએ આ જ અર્થમાં વપરાયો છે. જેમકે સુરએ નિસાની આયતમાં અલ્લાહ તઆલા ફરમાવે છે.
رُسُلًا مُبَشِّرِينَ وَ مُنْذِرِينَ لِئَلَّا يَكُونَ لِلنَّاسِ عَلَى اللَّهِ حُجَّةٌ بَعْدَ الرُّسُل
“અમે તેઓને રસુલ બનાવ્યા છે (તેમજ) ખુશખબરી આપ્નારા અને ડરાવનારા, જેથી કરીને રસુલોને મોકલ્યા પછી લોકોની પાસે અલ્લાહની સામે એક પણ દલીલ બાકી ન રહે.
જેવી રીતે બધા નબીઓ (અ.સ.) અને રસુલો (અ.સ.) અલ્લાહની હુજ્જતો હતા તેવી રીતે આપણા મઅસુમ ઇમામો (અ.સ.) પણ અલ્લાહની હુજ્જતો છે. એક રિવાયતમાં નબીઓ, વસીઓ અને ઇમામો (અ.સ.)ને ‘હજ્જતે જાહેરી’ કહેવામાં આવ્યા છે. જ્યારે અક્કલને ‘હજ્જતે બાતિન’ કહેવામાં આવી છે. આ હદીસ ‘ખબરે ઇબ્ને અસ્સિક્કીત’ના નામથી જાણીતી છે. ઇબ્ને અસ્સિક્કીત વિશ્ર્વસનીય શિયા અને ભાષાના નિષ્ણાંત હતા. તેમણે પોતાના ઝમાનાના ઇમામ હઝરત અલી બિન મુસા અર રેઝા (અ.સ.)ને પુછયું : “અલ્લાહે નબીઓને જુદા જુદા મોઅજીઝા શા માટે આપ્યા હતા?
જ્યારે ઇમામ (અ.સ.) જવાબ આપી ચૂક્યા ત્યારે ઇબ્ને અસ્સિક્કીતે સવાલ કર્યો : “(અત્યારે નબીઓ (અ.સ.) તો નથી) તો પછી આજે દુનિયામાં અલ્લાહની હુજ્જત કોણ છે?
ઇમામ (અ.સ.)એ ફરમાવ્યું : “અક્લ. કારણ કે અક્લથી તમે સાબિત કરી શકો છો કે અલ્લાહનો સાચો પ્રતિનિધિ કોણ છે. અને પછી તમે તેને માનો અને અક્લ વડે તમે સાબિત કરી શકો છો કે કોણ ખોટો દાવો કરે છે. અને પછી તમે તેને જુઠલાવો.
(કાફી, ભાગ – ૧, પાના નં. ૨૪, બેહાર, ભાગ – ૧, પાના નં. ૧૦૫, હ. ૧)
આ હદીસ પરથી સ્પષ્ટ થઇ જાય છે કે ઇમામ (અ.સ.) ‘હજ્જતે જાહેરી’ છે અને ‘હજ્જતે બાતેની’ અક્લ છે. તેનો અર્થ એ થયો કે જે વ્યક્તિ અક્કલ અને સમજશક્તિ ધરાવતો હશે તે નિશ્ર્ચિત રીતે ઝમાનાના ઇમામ (અ.સ.)ની ઇમામતને માનશે. જેઓ ઇમામે ઝમાના (અ.સ.)ના શિયા હશે તેઓ જરૂર અક્લ અને સમજ શક્તિ ધરાવતા હશે. માત્ર તે લોકો કે જેમની અક્લો ઉપર પરદા પડી ચૂક્યા હશે તેઓ જ ઇમામે હક (અ.સ.)નો ઇન્કાર કરશે. તેથી ઇમામ (અ.સ.) અલ્લાહની એ હુજ્જત છે કે જેમના પવિત્ર અસ્તિત્વ પછી અલ્લાહની સામે લોકોનું કોઇ બહાનું રહેશે નહિ.
એક મહત્ત્વની વાત :
વાક્યમાં શબ્દ اَرْضِهٖ નો અર્થ ‘અલ્લાહની જમીન’ છે. સર્વનામ ‘هٖ’ અલ્લાહની તરફ પલ્ટે છે. આથી સર્વનામ ‘هٖ’ અલ્લાહની તરફ ઇશારો કરી રહ્યું છે. પરંતુ જમીનનો અર્થ માત્ર આજ જમીન અથવા આ પૃથ્વી જ મુરાદ નથી જેને આપણે જોઇ રહ્યા છીએ પરંતુ તેનાથી મુરાદ સઘળી આલમે ઇમકાન છે. તેની દલીલ નીચે દર્શાવેલ હદીસ છે.
ઇમામ સાદિક (અ.સ.) ફરમાવે છે :
“બેશક અલ્લાહ અઝ્ઝ વ જલ્લ માટે બાર હજાર દુનિયાઓ છે. તેમાંની દરેક દુનિયા સાત આસમાનો અને સાત જમીનોથી મોટી છે. દરેક કાએનાત એવું ગુમાન ધરાવે છે કે અલ્લાહ અઝ્ઝ વ જલ્લની પાસે બીજી કોઇ કાએનાત નથી અને (તે બધી કાએનાતો) તેના ઉપર હં (અર્થાંત : ઇમામે વક્ત (અ.સ.)) અલ્લાહની હુજ્જત છું.
(તફસીરે નુસ્સકલૈન, ભાગ – ૧, પાના નં. ૧૬, હ. ૭૨, કિતાબુલ ખેસાલમાંથી)
દુનિયા અલ્લાહની હુજ્જતથી ખાલી નથી રહી શક્તી.
આપણા શીયાઓનો આ સર્વ સ્વિકાર્ય અકીદો છે કે દુનિયા અલ્લાહની હુજ્જતની વગર ખાલી નથી રહી શકતી. એક પળ માટે પણ અલ્લાહની હુજ્જત ન હોય તો આખી દુનિયા, બલ્કે સમગ્ર આલમે ઇમકાન નિસ્તો નાબુદ થઇ જશે.
ઇમામ સાદિક (અ.સ.) ફરમાવે છે.
لَوْ بَقِيَ الْاَرْضُ بِغَيْرِ اِمامِ لَسَاخَتْ
“અગર દુનિયા અલ્લાહની હુજ્જત વગરની થઇ જાય તો નિસ્તો નાબુદ થઇ જશે.
(અલ કાફી, ભાગ – ૧, કિતાબુલ હુજ્જત)
આ હદીસની મૌલાએ કાએનાત (અ.સ.)એ આ રીતે સ્પષ્ટતા કરી છે.
“અય અલ્લાહ! આ દુનિયામાં તારી હુજ્જતોમાંથી એકના પછી બીજાનું હોવું જરી છે. જેથી તે લોકોની તારા દીન તરફ હિદાયત કરે અને તારા ઇલ્મની તેઓને તાલીમ આપે જેથી તારા વસીઓ (અ.સ.)ને માનનારાઓ વિખરાય ન જાય. (તારી હુજ્જત દરેક હાલતમાં જરી છે) ભલે પછી તે જાહેર હોય અને તેમની તાબેદારી કરવામાં ન આવતી હોય અથવા તો છુપાએલી હોય, ભયમાં હોય, (પરંતુ) તેમના ઝુહરની આશા હોય. જો તેમની શખ્સીયત બાતીલની હકુમતમાં લોકોની નજરોથી ગાએબ હોય, તો તેમના તે ગાળા દરમ્યાન તેમના ઇલ્મનો ફેલાવો તેમનાથી ગાએબ નહીં હશે તેમના આદાબ મોઅમીનોના દિલોમાં સ્થાપિત થએલા હશે. અને તેઓ તેની ઉપર અમલ કરનારા હશે જે બાબતથી જૂઠલાવનારા લોકો ડરતા હશે અને હદ ઓળંગનારાઓ અને સરકશ લોકો ઇન્કાર કરતા હશે, તે બાબત તેઓ જાણતા હશે (ઇમામના) કલામ કે જેની કિંમત આંકી નથી શકાતી, જે કોઇ તેમને સાંભળશે તે તેમને સમજશે અને તેમને ઓળખશે અને તેમના પર ઇમાન લાવશે અને તેમને અનુસરશે અને તેમના રસ્તા પર ચાલશે અને તેની સુધારણા થશે.
પછી ફરમાવ્યું :
“આમાથી અમૂક છે જે તે (ઇલ્મના) લાયક છે. અને જેમના માટે ઇલ્મ છે ઇલ્મ ઓછું થઇ જાય છે જ્યારે તેના હામીલ નથી મળી શકતા કે જેઓ તેની હિફાઝત કરે અને જેવી રીતે આલીમ પાસેથી સાંભળ્યું હતું તેવી જ રીતે અદા કરે.
પછી ઘણા લાંબા ખુત્બા બાદ કહ્યું :
“અય અલ્લાહ! હં જાણું છું કે સમગ્ર ઇલ્મ ગાએબ નથી થયું અને ન તો તેના સ્ત્રોતો બંધ થયા છે. તું ક્યારેય પણ દુનિયાને મખલુક ઉપર તારી હુજ્જત વગર ખાલી નથી રાખતો. ચાહે પછી તે હુજ્જત એવી રીતે મૌજુદ અને જાહેર હોય કે તેની તાબેદારી કરવામાં આવતી હોય અથવા તે ભયના લીધે છુપાએલી હોય જેની ઇતાઅત કરવામાં ન આવતી હોય. તું આ એટલા માટે કરો છો કે તારી હુજ્જત બાતિલ ન થઇ જાય અને તારી હિદાયત મેળવ્યા બાદ ગુમરાહ ન થાય.
(કાફી, ભાગ – ૧, પાના નં. ૩૩૯, બેહાર, ભાગ – ૨૩, પાના નં. ૫૩)
(વધુ ઇન્શાઅલ્લાહ આવતા વરસે.)
Comments (0)