વિલાયતના નિગેહબાન શયખ સદ્દુક (રહ.) અને ઇમામ મહદી (અ.સ.)નો ઇન્કાર કરનારાઓ
વિલાયતની સરહદોનું રક્ષણ અને સારસંભાળ રાખનાર, શીયાઓના અલમબરદાર, ઇમામીયા મઝહબના જુદા તરી આવતા આલિમ, ઇસ્નાઅશરી ફીરકાના સરદારોના સરદાર, દીન અને હકના મિનારા, તીવ્ર બુદ્ધિશાળી શયખે અઅઝમ, અબુ જઅફર મોહમ્મદ બિન અલી બિન અલ હસન બિન બાબવયા કુમ્મી જે શયખ સદ્દુકના નામે જાણીતા છે, ચોથી સદી હિજરીમાં તેમણે શીયા મઝહબના રક્ષણ માટે એવા મહાન કાર્યો કર્યા જે કયામત સુધી ઇમામતની દિફા માટે બખ્તર અને ઢાલનું કામ કરશે.
‘અલ મુન્તઝર’ના જુદા જુદા અંકોમાં આપ્ના વ્યક્તિત્વ અને લખાણોનો ભરપુર ઝિક્ર થતો રહ્યો છે. આ અંકમાં આપ્નીજ કૃતિ ‘કમાલુદ્દીન વ તમામુન્નેઅમત’ની પ્રસ્તાવનામાંથી એક મુનાઝરા (વાર્તાલાપ)ના પ્રસંગને રજુ કરી રહ્યા છીએ. કનુદ્દૌલાના દરબારમાં એક મુલ્હીદે મરહમ શયખ સદ્દુક (રહ.) સાથે ઇમામતની સામે પોતાના વાંધાઓ રજુ કર્યા હતા અને આપે આ બેઠકમાં તેના જવાબો આપ્યા હતા. આ ચર્ચાને મુનાઝરા (સવાલ જવાબ)ના સ્વપે રજુ કરી રહ્યા છીએ.
મુલ્હીદ : તમારા ઇમામ ઉપર વાજીબ છે કે તેઓ નીકળે અને પરદામાંથી બહાર આવે. કારણ કે રોમના લોકો ટૂંક સમયમાં મુસલમાનો ઉપર વર્ચસ્વ જમાવી લેશે.
શયખ સદ્દક (રહ.) : અમારા નબી (સ.અ.વ.)ના જમાનામાં કાફીરોની સંખ્યા આજની સરખામણીમાં ઘણી વધારે હતી અને તે સમયે આં હઝરત (સ.અ.વ.)એ અલ્લાહના હકમથી પોતાની નબુવ્વતને ચાલીસ વરસ સુધી છુપાવી રાખી. ત્યાર પછી ફક્ત તે લોકોને પોતાની નબુવ્વતની જાણ કરી જેઓની ઉપર તેમને વિશ્ર્વાસ અને ભરોસો હતો. તે પછી ત્રણ વરસ સુધી જે લોકો ઉપર ભરોસો ન હતો તેમનાથી છુપાવી રાખી હતી. પછી સમય એ આવ્યો કે કુરૈશના કાફીરોએ એક બીજા સાથે કરાર કર્યો કે તેઓ આં હઝરત (સ.અ.વ.), બની હાશિમ અને આપ્ને મદદ કરનારા સૌનો બહિષ્કાર કરશે. તેથી આપ (સ.અ.વ.) શેઅબે અબી તાલિબમાં ચાલ્યા ગયા. તેઓ ત્રણ વરસ સુધી ત્યાં રહ્યા.
માટે સાંભળો! જો કોઇ તે સમય દરમ્યાન એમ કહેત કે શા માટે મોહમ્મદ (સ.અ.વ.) ખુરૂજ નથી કરતા. જ્યારે કે મુશરિકોએ મુસલમાનો ઉપર કાબુ મેળવ્યો હતો તો તે સંજોગોમાં તેઓ માટે અમારો જવાબ આ સિવાય બીજો કાંઇ ન હોત કે જ્યારે આં હઝરત (સ.અ.વ.) શેઅબે અબી તાલિબમાં ગયા ત્યારે અલ્લાહના હકમથી ગયા અને તેની જ પરવાનગીથી ગાએબ રહ્યા. અને જ્યારે અલ્લાહે તેમને ખુરૂજ અને ઝુહર કરવાનો હકમ કર્યો ત્યારે આપ (સ.અ.વ.) બહાર નીકળ્યા અને જાહેર થયા. હકીકત એ છે કે અલ્લાહે શેઅબે અબી તાલિબમાં જ આપ્ની ઉપર વહી મોકલી કે જે કરારનામુ કુરૈશના કાફિરોએ બાયકોટ કરવા અને સંબંધો તોડી નાખવા માટે લખ્યું હતું અને જેની ઉપર ચાલીસ મહોરો લગાડેલી હતી અને જે ઝમ્આ બિન અસ્વદની પાસે સાચવવા માટે રાખવામાં આવ્યું હતું તેને ઉધઇ ખાય ગઇ છે પરંતુ અલ્લાહ અઝ્ઝ વ જલ્લના નામ જ્યાં જ્યાં લખાએલા હતા તે સલામત છે.
પયગમ્બરે અકરમ (સ.અ.વ.)એ તેની જાણ પોતાના કાકા હઝરત અબુ તાલિબ (અ.સ.)ને કરી. જનાબે અબી તાલિબ (અ.સ.) શેઅબે અબી તાલિબમાંથી નીકળીને મક્કાએ મોકર્રમા આવ્યા. જ્યારે કુરૈશે તેમને જોયા ત્યારે તેઓ એવું સમજ્યા કે તેઓ એટલા માટે આવ્યા છે કે તે નબી (સ.અ.વ.)ને તેઓના હવાલે કરી દે. જેથી તે લોકો આં હઝરત (સ.અ.વ.)ને કતલ કરી નાખે અથવા નબુવ્વતના દાવાને છોડી દે.
એમ માનીને તે લોકોએ અબુ તાલિબ (અ.સ.)નું સ્વાગત કર્યું અને ખૂબ માનપૂર્વક તેમને બેસાડ્યા.
પછી આપ (અ.સ.)એ તેઓને કહ્યું : “એ કુરૈશની જમાત! મેં ક્યારેય પણ મારા ભત્રીજાને ખોટું બોલતા નથી સાંભળ્યા. તેણે જ મને જાણ કરી છે કે તેના પરવરદિગારે તેના ઉપર વહી નાઝિલ કરી છે કે તેણે ઉધઇને મોકલી છે જેથી તે તમામ વાતો જે કત્એ રહમીને લગતી છે તે ખાઇ જાય અને અલ્લાહના નામોને છોડી દે. અય કુરૈશ! ઉધઇ અલ્લાહ અઝ્ઝ વ જલ્લના નામ સિવાય બધું ખાઇ ગઇ છે. કુરૈશે જ્યારે કરારનામુ ખોલીને જોયું ત્યારે આપ (અ.સ.)એ કહ્યું હતું એવું જ જોયું. તે સમયે કુરૈશમાંથી અમૂક લોકો મુસલમાન બની ગયા અને થોડાં પોતાના કુફ્ર ઉપર બાકી રહ્યા. ત્યાર પછી પયગમ્બરે ખુદા (સ.અ.વ.) બની હાશિમની સાથે મક્કા પાછા ફર્યા.
બસ આજ પરિસ્થિતિ ઇમામે ગાએબ (અ.સ.)ની પણ છે કે જ્યારે અલ્લાહ તઆલા આપ્ને પરવાનગી આપશે ત્યારે આપ પરદામાંથી જાહેર થશે.
મુલ્હીદ : આપ્ના કહેવા મુજબ અલ્લાહ તઆલા, ઇમામ (અ.સ.)થી પણ વધુ કાફિરો ઉપર નિયંત્રણ અને શક્તિ ધરાવે છે. તો પછી તે પોતાના દુશ્મનોને શા માટે મોહતલ આપે છે અને શા માટે તેમને નિસ્તો નાબુદ નથી કરતો, જ્યારે કે તેઓ તેના અસ્તિત્વનો ઇન્કાર કરે છે અને તેનો શરીક બનાવે છે.
શયખ સદ્દક (રહ.) : અલ્લાહ સજા દેવામાં ઉતાવળ નથી કરતો કારણકે અલ્લાહ તઆલને એ ડર નથી કે લોકો તેની કુદરતના કબ્જામાંથી નીકળી જશે. અલ્લાહ જે કાંઇ કરે છે તેના વિષે તેનાથી સવાલ નથી કરી શકાતો, જ્યારે કે લોકોને તેઓના આમાલ વિષે જરૂર પૂછવામાં આવશે.
لَا یُسْــَٔـلُ عَمَّا یَفْعَلُ وَہُمْ یُسْــَٔــلُوْنَ۲۳
“જે કાંઇપણ તે (અલ્લાહ) કરે છે તેના વિષે તેનાથી સવાલ નથી કરી શકાતો જ્યારે કે તેઓને (લોકોને) જરૂર પુછવામાં આવશે.
(સુરએ અમ્બીયા : ૨૩)
અને અલ્લાહને શા માટે અને કેવી રીતે એવા સવાલ નથી કરી શકતા. તેવી જ રીતે ઇમામ (અ.સ.)ને જાહેર કરવાના બારામાં અલ્લાહની સામે કોઇ વાંધો નથી ઉઠાવી શકતું. તેણે આ હઝરત (અ.સ.)ને ગયબતમાં રાખ્યા છે અને જ્યારે તે ચાહશે ત્યારે પરવાનગી આપશે ત્યારે આપ (અ.સ.) જાહેર થઇ જશે.
મુલ્હીદ : હં તે ઇમામ ઉપર ઇમાન નથી ધરાવતો જેને હં જોઇ ન શકું અને જ્યાં સુધી હં તેમને જોઇ ન લઉં ત્યાં સુધી તેમને માનવું મારા માટે જરૂરી નથી.
શયખ સદ્દક (રહ.) : તો પછી તમારે એ પણ કહેવું જોઇએ કે અલ્લાહની હુજ્જત પણ તમારા માટે પુરી નથી કારણકે તમે તેને જોઇ રહ્યા નથી. તેવી જ રીતે તમારી ઉપર રસુલ (સ.અ.વ.)ની હુજ્જત પણ જરી નથી કારણકે તમે તેમને પણ જોયા નથી.
મુલ્હીદ : (કનુદ્દૌલાને સંબોધીને) અય અમીર! જુઓ આ શયખ શું કહી રહ્યા છે. એ કહે છે કે ઇમામ ગાએબ થયા અને જોઇ શકાતા નથી કારણકે અલ્લાહને પણ જોઇ શકાતો નથી.
કનુદ્દૌલા : તમે તેમની વાતને ખોટી રીતે રજુ કરી છે. તેમની ઉપર આક્ષેપ લગાડ્યો છે. આ જ તમારી હારની નિશાની છે તથા લાચારી અને નબળાઇનો સ્વિકાર છે.
અને આવી જ રીત અમારી સાથે મુનાઝરો કરનાર દરેક જણની છે. જે અમારી સાથે ઇમામ ઝમાના (અ.સ.)ના બારામાં વાદવિવાદ કરે છે અને તેમના અસ્તિત્વનો ઇન્કાર કરે છે. તેઓ જે કાંઇ કહે છે તે બકવાસ, વસવસાઓ, બેહુદી અને અંધશ્રદ્ધા ભરી વાતો સિવાય બીજું કાંઇ નથી હોતું.
(કમાલુદ્દીન – શયખ સદ્દક : મુકદ્દમા મુસન્નીફ, પાના નં. ૮૭-૮૮, ફારસી તરજુમો, ભાગ – ૧, પાના નં. ૧૭૯-૧૮૦, ઉર્દુ તરજુમો, ભાગ – ૧, પાના નં. ૧૧૦-૧૧૧)
નોંધ : આ મુનાઝરો (સવાલ – જવાબ) એક મુલ્હીદ સાથે થયો હતો. સામાન્ય રીતે મુલ્હીદનો અર્થ નાસ્તિક લેવામાં આવે છે માટે શયખ સદ્દક (રહ.)ની એ દલીલો જેમાં આપે અલ્લાહના ગાએબ હોવાથી ઇમામ (અ.સ.)ના ગાએબ હોવાની દલીલો કરી છે અને મુલ્હીદે આ દલીલોનો ગેરલાભ ઉઠાવીને શયખ સદ્દક (રહ.) ઉપર આક્ષેપ મૂકવાની કોશીશ કરી છે. તેના ઉપરથી એમ જણાય છે કે તે અલ્લાહ ઉપર અમૂક અંશે ઇમાન ધરાવતો હતો.
આ અનુસંધાનમાં વાંચકોની જાણ ખાતર લખી રહ્યા છીએ કે મુલ્હીદનો અર્થ નાસ્તિક સિવાય કાફીર, દીનથી ફરી જનારો, દીનમાં શંકા કરનાર અને દીનની વાતોને મારી મચડીને રજુ કરનારને પણ મુલ્હીદ કહેવાય છે. તેથી મુલ્હીદનો અર્થ માત્ર નાસ્તિક નથી તેથી આવી વ્યક્તિઓથી દૂર રહેવું જોઇએ જે કાફીર છે અથવા મુલ્હીદ છે અથવા બન્ને રીતે ગુમરાહ છે.
Comments (0)