ઇન્તઝાર કોનો ? ઇમામનો કે નિશાનીઓનો?
હઝરત વલીએ અસ્ર ઇમામ મહદી અલયહીસ્સલામ વિશે ઘણીયે રિવાયતો છે, જેમાં હઝરતના ઝુહુરની નિશાનીઓનો ઉલ્લેખ છે. ઉચ્ચકક્ષાના મહાન મોહદ્દીસ જનાબ શેખ સદ્દુક (અ.ર.) અને અલ્લામા મજલીસી અલયહીર રહમા એ આ રિવાયતોનો ‘ઝુહુરની નિશાનીઓ’ના પ્રકરણમાં ઉલ્લેખ કર્યો છે. અહીં અમે નિશાનીઓની નાની નાની બાબતો વિશે ચર્ચા નહીં કહીએ પણ ઝુહુરની નિશાનીઓ વિશે સંપૂર્ણ ઇલ્મી ચર્ચા કરીશું.
(1) ઝુહુરની નિશાનીઓનું મહત્વ:
તમામ મુસલમાનો અને ખાસ કરીને શિયાઓ એક નિશ્ર્ચિત સમયથી હઝરત ઇમામ મહદી (અ.સ.) ના ઝુહુરનો ઇન્તેઝાર કરી રહ્યા છે. આ એક સર્વ સામાન્ય હકીકત છે કે કયામત આવવાના દિવસની જેમ હઝરતના ઝુહુરનો કોઇ ખાસ સમય નિશ્ર્ચિત નથી. અને તેનું જ્ઞાન ખુદાની ઝાત સાથે વિશેષ રીતે સંબંધિત છે. તેથી ઝુહુરના સમયની ઓળખ માટે જ બધું ધ્યાન (નિશાનીઓના જાહેર થવા પર) કેન્દ્રીત થયુ છે. ઝુહુરની નિશાનીઓને અલગ કરી તેની સત્યતાની પરખ કરવી એક ખાસ વિષય છે અને તે નિશાનીઓને હઝરતના ઝુહુરની નજદીક હોવાનો ક્રમ ગણવામાં આવે છે. આજ કારણોસર ઇમામના ઝુહુર પહેલાની નિશાનીઓની ચર્ચાને ખાસ મહત્વ આપવામાં આવે છે. આથી ઝુહુર પહેલાની નિશાનીઓની ચર્ચા હ. મહદી (અ.સ.) ના ઝુહુરના અનિશ્ર્ચિત સમયને નજદીક હોવાની પરખ માટેનું ખાસ માધ્યમ છે.
(2) બે પ્રકારની નિશાની:
એહલેબૈત (અ.મુ.સ.) ની રિવાયતોમાં જે નિશાનીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે બધી નિશાનીઓ એકજ પ્રકારની નથી. અઇમ્મહ અલયહેમુસ્સલામે અમૂક નિશાનીઓને વધારે ખાત્રીપૂર્વકની (નિશ્ર્ચિત) અને પુખ્ત ગણાવી છે. જ્યાર કેટલીક નિશાનીઓને સંપૂર્ણ ખાત્રીપૂર્વક ગણાવેલ નથી. હઝરત ઇમામ જઅફરે સાદિક (અ.સ.) ફરમાવ્યું કે કાએમ અલયહીસ્સલામના ઝુહુર પહેલા પાંચ ખાત્રીપૂર્વકની નિશાનીઓ જાહેર થશે.
(1) યમાનીનું જાહેર થવું (2) સુફયાનીનું નીકળવું (3) આસમાની આવાજ (4) (સફા અને મરવાની વચ્ચે) પવિત્ર હસ્તીની કત્લ (5) (મક્કા અને મદીનાની વચ્ચે) બેદાઅ નામની જગ્યાએ સુફયાનીના લશ્કરનું ધસી જવું . (બેહાલ અન્વાર 52/204)
અન્ય એક રિવાયતમાં હઝરત ઇમામ જઅફર સાદિક (અ.સ.) બીજી કેટલીક નિશાનીઓને યકીની ગણાવી છે જેમાં બની અબ્બાસનું જુદા જુદા જુથોમાં વ્હેચાઇ જવું અને આસમાનમાંથી ખુદાઇ હાથનું જાહેર થવું પણ છે. (બેહાર – 52/133-206) જ્યારે બીજી નિશાનીઓમાં આવુ અર્થઘટન જોવા મળતું નથી. આ રીતે બે પ્રકારની રિવાયતોમાં નજર સામે રાખતા એવા નિર્ણય પર પહોંચી શકાય કે ઝુહુર વિશેની અમુક નિશાનીઓ ખાત્રીપૂર્વકની (યકીની) નથી.
(3) જે વાતોની આગાહી કરવામાં આવી છે તેમાં કોઇ ફેરફાર શક્ય છે ખરો?
શિયાઓની ગુઢ તાલીમાતને ધ્યાનમાં રાખતા ઉપરના સવાલનો જવાબ છુપો નથી રહેતો, કારણ કે શિયાઓના બીજા અકીદાઓની સાથે એક અકીદો ‘બદા’ નો પણ છે. જેનો આધાર કુરઆની આયતો છે. જો કે એહલેસુન્નત બિરાદરો એહલેબૈત (અ.મુ.સ.) ની નેઅમતોથી વંચિત છે, તેથી તેઓ આવી આયતોના વાસ્તવિક ગૂઢાર્થ જાણી શક્તા નથી. અને તેથી જે મસાએલ, બનાવો અને અકસ્માતો હજુ સુધી બન્યા નથી તે વિશે આ અકીદામાં તેમની માન્યતા ન હોવાથી તેઓ સમજી શક્યા નથી. આ અકીદાની રોશનીમાં આવા હજુ સુધી નહીં બનેલ બનાવોમાં ફેરફાર થવાની શક્યતા છે. જેવા કે રિઝક, ઉમર, ઈઝઝત, અપમાન, દુષ્કાળ, ધરતીકંપ, જીવલેણ બિમારીઓ, ક્રાંતિ, જંગ ફીતનો ………. વગેરે. આ બધી બાબતોમાં ફેરફાર થઇ શકે છે. અથવા તો તેમાં વધારે ઘટાડો પણ થઇ શકે છે. કઝા અને કદ્રમાં ફેરફાર થઇ જવા અને બદા વિશેનું શ્રેષ્ઠ ઉદાહરણ જનાબ યુનુસ (અ.સ.) ની કોમ પર નાઝીલ થનાર અઝાબનું છે. કુરઆને કરીમે આ ઉદાહરણન બે જુદી જુદી જગ્યાએ ઉલ્લેખ કર્યો છે. જનાબે યુનુસ (અ.સ.) ની કોમ પર અઝાબ થવાનું લખાઇ ચુક્યું હતું અને તેથી જ જનાબે યુનુસ (અ.સ.) તે કૌમથી દૂર ચાલ્યા ગયા હતા. પરંતુ જ્યારે તે કૌમવાળાઓએ તેમની ગુનાહોથી ભરપુર જીવન જીવવાની પદ્ધતિની રીત બદલાવી નાંખી. કુફ્ર અને બગાવતને બદલે તૌબા અને ઇસ્તગફાર (ગુનાહોનું પ્રાયશ્ર્ચિત અને માફી) કરવા લાગ્યા અને ખુદાની બારગાહમાં સાચા દિલથી આજીજી કરવા (રડવા) લાગ્યા ત્યારે તેમના પર આવનારો અઝાબ ટળી ગયો. (સુ. યુનુસ આયત. 98)
બદા શિયાઓનો એક ખાસ અકીદો છે, જે એક બાજુ તો ખુદાને ‘મુખ્તારે કુલ’ (સર્વ શક્તિમાન) અને ‘ફઆલ – મીમ્મા – યશાઅ’ બયાન કરે છે તો બીજી બાજુ જબ્ર (જે કાંઇ કરે છે તે અલ્લાહ કરે છે, ઇન્સાન લાચાર છે તેવી માન્યતા) અને અટળ નસીબના અંધારા (ના અકીદાને) પણ દૂર કરે છે, અને આ રીતે દિલોની દુનિયાઓમાંથી નીરાશાના ગાઢ વાદળાઓને દૂર કરી દે છે. અને એ વાત સ્પષ્ટ કરે છે કે પરિસ્થિતિ ખરાબ થઇ જવા પછી પણ તેના હાથો (કાબુ) ની બહાર થતા નથી અને પરિસ્થિતિ સારી હોવાની હાલતમાં પણ સંપૂર્ણ રીતે તેના ઇખ્તેયાર (કાબુ) માં નથી.
એ વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે બદાનો અર્થ ખુદાની શરમીન્દગી (કે નબળાઇ) નથી કે ખુદાએ પહેલા જે નિર્ણય કર્યો હતો. તેમાં તેને ભોંઠપ અનુભવવી પડી હોય અને તેનથી તેણે પોતાનો નિર્ણય બદલયો હોય એવું હરગીઝ નથી. આમાં એવી વાત પણ નથી કે પહેલા તેને સાચું જ્ઞાન ન હતું અને પછી સાચી વાત જાણવા મળતા તેણે નિર્ણય બદલી નાખ્યો. આવી રીતે બદાનો સંબંધ ખુદાવન્દે આલમના (વ્યક્તિગત) ઇલ્મ અથવા તેના ગૈબી ખજાના સાથે નથી. પરંતુ અઇમ્મએ માઅસુમીન (અ.સ.) ની રિવાયત મુજબ બદાન સંબંધ “લૌહે – ઇલ્મુલ કિતાબ” સાથે છે. જે ઇલ્મે ગૈબનો એક સંપૂર્ણ ખજાનો છે. અને આ ખજાનાથી મલાએકા, અંબિયા, મુરસલીન અને અઇમ્મા અલયહેમુસ્સલામને ઇલ્મે – ગૈબ આપવામાં આવે છે. રિવાયતો પ્રમાણે લૌહે – ઇલ્મુલ કિતાબમાં કઝા અને કદ્રનાં ફેરફારનો ઉલ્લેખ નથી. આજ કારણથી જ. યુનુસ (અ.સ.) “લૌહે – ઇલ્મુલ – કિતાબ”ને જોઇને (પોતાની કૌમ પર અઝાબ થવાનો હવાથી) પોતાની કૌમથી દૂર ચાલ્યા ગયા હતા. અને તેઓ જ્યારે પાછા ફર્યા ત્યારે તેમને એ જોઇને ખૂબ જ આશ્ર્ચર્ય થયું કે તેમની કૌમ પર અઝાબ નાઝીલ થયો ન હતો. આ બનાવથી એ વાત સ્પષ્ટ થાય છે કે લૌહ (તખ્તી) માં હ. યુનુસ (અ.સ.) ની કૌમ પર અઝાબ નાઝીલ થવાનો ઉલ્લેખ તો હતો, પણ તેમાં ફેરફાર થવાનો ઉલ્લેખ ન હતો. અને તેથી જ આ ફેરફાર ને જોયા પછી હ. યુનુસ (અ.સ.) ને આશ્ર્ચર્ય થયું. અને માઅસુમીન (અ.સ.) ને ઇલ્મે – ગૈબ આપવામાં આવ્યું છે તે આ જ “લૌહે – ઈલ્મુલ – કિતાબ”માંથી આપવામાં આવ્યું છે. આના સંદર્ભમાં ઝુહુર પહેલાની જે નિશાનીઓનો ઉલ્લેખ ‘લૌહ’ માં છે. તે અઇમ્મએ માઅસુમીન (અ.સ.) વર્ણવી છે. અને એમાં કોઇ ફેરફારનો ઉલ્લેખ નથી, તેથી અઇમ્મએ માસુમીન અલયહેમુસ્સલામે પણ તેના કોઇ ફેરફારનો ઉલ્લેખ કર્યો નથી. પરંતુ બદાના અકીદા પ્રમાણે આ નિશાનીઓમાં પણ ફેરફાર થવાની શક્યતા રહેલી છે.
(4) શું નિશાનીઓમાં ફેરફાર થઇ શકે છે ?
આ વિષય ખૂબ જ મુશ્કેલ અને ઇલ્મી ચચર્નિો છે. આ વિષયમાં મહાન આલીમોના જુદા જુદા દ્દષ્ટિકોણ છે. આલીકદ્ર મોહદ્દીસ મિરઝા હુસૈન નૂરી, સાહેબે કિતાબ – મુસ્તદરક – અલ – વસાએલનો અભિપ્રાય છે કે : બીજી બધી બાબતોની જેમ આ (ઝુહુરની) નિશાનીઓમાં પણ ફેરફાર થઇ શકે. (નજમુસ સાકીબ પ્રકરણ – 11) બુઝુર્ગ મર્તબાવાળા આલીમ આયતુલ્લાહ સૈયદ મોહમ્મદ તકી ઇસ્ફહાની સાહેબે કિતાબ, “મીક્યાલુલ મકારીમ નો અભિપ્રાય આનાથી ઉલ્ટો છે. તેઓ આ નિશાનીઓમાં ફેરફાર થઇ શકે તેમ માનતા નથી. (મીક્યાલુલ મકારીમ જી. 1)
આ વિષયની આગળની ચચર્મિાં એ વાત સ્પષ્ટ થઇ જશે કે મોહદીસે નુરી (અલયહીર રહમા) નો અભિપ્રાય આ વિષયમાં વધારે યોગ્ય જણાય છે અને આ અગ્રતા આપવાનું કારણ વધારે મુશ્કીલ અને અઘં નથી. કારણ કે જ્યારે આ વાત સ્પષ્ટ થઇ ગઇ કે આપણા અઇમ્મા અલયહેમુસ્સલામે બે પ્રકારની નિશાનીઓનો ઉલ્લેખ કર્યો છે, અને કેટલીક નિશાનીઓને યકીની (ખાત્રીપૂર્વકની) ગણાવી છે, તો તેઓ અર્થ એ જ થયો કે કેટલીક ગૈરયકીની નિશાનીઓ ન હોત તો માત્ર કેટલીક નિશાનીઓ ખાત્રીપૂર્વકની ગણવામાં કોઇ ફાયદો ન હતો. અને તેઓ અર્થ પણ એ જ છે કે નિશાનીઓમાં ફેરફાર થઇ શકે છે. એટલે કે તેમાં બદા થઇ શકે તેમ છે. કમસે – કમ ગૈરયકીની અલામતોમાં તો ફેરફાર થઇ જ શકે છે. (જો કે હવે પછીની ચર્ચામાં એ વાત પણ સ્પષ્ટ થઇ જશે કે યકીની નિશાનીઓમાં પણ બદા થઇ શકે છે.)
(5) શું હઝરત મહદી અલયહીસ્સલામના ઝુહુરના સમયમાં ફેરફાર અશક્ય છે ?
ઝુહુરની નિશાનીઓમાં ફેરફાર માટે એ રિવાયતોને દલીલ તરીકે રજુ કરી શકાય છે, જેમાં ઇમામ (અ.સ.) ના ઝુહુરમાં વ્હેલું અથવા મોડું થવાનો ઉલ્લેખ જોવા મળે છે. ઝુહુરની નિશાનીઓ ઇમામ (અ.સ.) ના ઝુહુરના જમાનાથી વિશેષતાઓને બયાન કરે છે. જો એ વાત સાબિત થઇ જાય કે ખુદ ઝુહુરમાં “બદા થઇ શકે છે. અને તેમાં વ્હેલું અથવા મોડું થઇ શકે છે, તો ઝુહુરની નિશાનીઓમાં પણ મોટા ભાગે ‘બદા’ થઇ શકશે. ઝુહુરમાં ‘બદા’ થવા વિશે નીચેની રિવાયતોને બયાન કરી શકાય.
રાવી કહે છે કે મેં હઝરત ઇમામ જઅફર સાદિક (અ.સ.) ની ખિદમતમાં જઇને પૂછ્યું : “શું આ મુશ્કેલીઓનો કોઇ અંત પણ છે ? જો હોય તો ફરમાવો જેથી અમને શાંતિ અને આરામ થાય. ઇમામ જવાબ આપ્યો, “હા, પરંતુ તમે લોકોએ તે (રહસ્ય) ને જાહેર કરી દીધું છે તેના કારણે ખુદાએ તેમાં વિલંબ કરી દીધો.” (બેહાર : 52/105-117)
આ બાબતના વિવરણમાં એ છે કે અઇમ્મએ માઅસુમીન (અ.સ.) કેટલીક વખત આંશિક ઝુહુર (જીવલેણ ઝુલ્મો સિતમથી મુક્તિ, પરંતુ એ સંપૂર્ણ ઝુહુર નહીં જે હઝરત મહદી (અ.સ.)નો ઝુહુર છે.)ની ખબર આપતા હતા અને તે માટે નીશ્રીત સમય આપતા હતા. પણ કેટલાક તંગદ્દષ્ટિ અને હલકી મનોવૃતિવાળા શિયાઓ આ ગુપ્ત વાતોને દુશ્મનો સમક્ષ બયાન કરી દેતા હતા ખુદાવન્દે આલમને તેમની આ કાર્યવાહી પસંદ ન પડી તેથી ખુદાએ ઝુહુરના સમયમાં વિલંબ કરી નાંખ્યો.
બીજી એક રિવાયતમાં હઝરત ઇમામ જઅફર સાદિક (અ.સ.) ફરમાવે છે : “ઇન્ન – હાઝલ – અમર – કદ – અખરર – મરતૈન” આ વાત (મુશ્કીલોથી મુક્તિ) માં બે વખત વિલંબ થયો છે. (બેહાર – 52/117) અને અન્ય એક રિવાયતમાં ત્રણ વખત વિલંબનો ઉલ્લેખ છે. (બેહાર 78/289-291)
હઝરત ઇમામ મહદી અલયહીસ્સલામના પોતાના જ શબ્દોમાં નીચેની તૌકીઅ (આપ અ.સ. નો મહોર વાળો આદેશ) ને ત્રીજી દલીલ તરીકે રજુ કરી શકાય. તૌકીઅ પર ઉંડો વિચાર કરતા સ્પષ્ટ થશે કે ઝુહુરના સમયમાં વ્હેલું કે મોડું થઇ શકે છે. તૌકીઅના શબ્દો આ પ્રમાણે છે, “ફ અકસેદ – દોઆ – અ – બે તઅજીલીલ ફરજે – ફઇન્ન – ઝાલેક – ફરજોકુમ ઝુહુરમાં જલ્દી થાય તે માટે દોઆ કરો તેમાં તમારી ભલાઇ અને (તમારી) મુશ્કેલીઓ દુર થવાનો માર્ગ છે. (બેહાર – 53)
હઝરત ઇમામ જઅફર સાદિક (અ.સ.) થી રિવાયત છે કે જ્યારે બની ઇસરાઇલ પર ખૂબ જ લાંબા સમય સુધી અઝાબ આવ્યો ત્યારે તે લોકો સતત ચાલીસ દિવસ સુધી ખુદાની બારગાહમાં અઝાબ દૂર થવાની દોઆ સાથે આહોજારી, રૂદન, તૌબા અને ઇસ્તગફાર કરતા રહ્યા. ખૂબ જ આજીજી કરી ગળગળા થઇને દોઆ માંગી ત્યારે ખુદાવંદે આલમે હઝરત મુસા (અ.સ.) અને હારૂન ઉપર વહી કરી કે તે લોકોને ફીરઔનના અઝાબથી મુક્તિ અપાવે. અને ખુદાએ તેમના ઉપર અઝાબના 170 વર્ષ ઘટાડી દીધા અને તેમની મુશ્કેલીઓમાંથી વ્હેલા મુક્તિ આપી. તે પછી હઝરત ઇમામ જઅફર સાદિક (અ.સ.) એ ફરમાવ્યું : “હા – કઝા અન્તુમ – લવ ફઅલતુમ – લફરર જલ્લાહો – અનકુમ – ફઅમ્મા – એઝા – લમ તકુનુ – ફઇન્નલ અમ્ર – યનતહી – એલામુન્ત હેહા. (તફસીરે અયાશી – 2/154)
તમે પણ એ રીતે જ છો. તમે પણ આવી જ રીતે બની ઇસરાઇલની જેમ ખુદાની બારગાહમાં ફરિયાદ અને આજીજી કરો. તો ખુદા તમારી મુશ્કેલીઓને જલ્દી દૂર કરી દેશે. પરંતુ જો તમે લોકોએ એમ ન કર્યું તો ખુદા મુશ્કેલીઓને તેની પરાકાષ્ઠા સુધી પહોંચાડી દેશે.
આ હદીસથી એ વાત પણ સ્પષ્ટ થઇ જાય છે કે હઝરત ઇમામ મહદી અલયહીસ્સલામના ઝુહુરનો સંબંધ આપણા કાર્યો સાથે પણ છે. આપણે સાચા દીલથી દોઆ કરીએ. ખુદાની રાહમાં સાફ – ખુલુસ – નિય્યતથી આજીજી કરીએ આપણા જીવનમાં નોંધપાત્ર ફેરફાર લાવીએ. ગુનાહોથી બિલ્કુલ દુર રહીએ ખુદાની ઇતાઅતથી નઝદીકી મેળવીએ તો હઝરત (અ.સ.) નો ઝુહુર વ્હેલાસર થઇ શકે.
એ વાત સાબિત થઇ ચૂકી કે ઝુહુરમાં પણ બદા થઇ શકે છે તો પછી ઝુહુરની એ નિશાનીઓ જે ઝુહુર પહેલાના જમાનામાં જાહેર થવાની છે તેમાં પણ પરિવર્તન થઇ શકે તેમાં શંકાને કોઇ સ્થાન નથી.
(6) શું ઇમામના ઝુહુરમાં પણ પરિવર્તન થઇ શકે ?
બદા અને પરિવર્તનનો સંબંધ માત્ર નક્કી અને નિશ્ર્ચિત બની ગએલી બાબતો સાથે છે. ખુદાના વાયદામાં કોઇ પ્રકારનો ફેરફાર થઇ શકતો નથી. ખુદાવન્દે આલમે કુરઆનમાં ઇરશાદ ફરમાવેલ છે કે “ઇન્નલ્લાહ – લા યુખલેફુલ – મિઆદ” બેશક ખુદા વાદા ખિલાફી કરતો (વાયદાથી ફરી જતો) નથી.
એહલેબેત (અ.મુ.સ.) ની રિવાયતોના પ્રકાશમાં જે વાત અત્યાર સુધીમાં કહેવામાં આવી છે, તે માત્ર એ છે કે ઝુહુરની મુદ્દતમાં વ્હેલું કે મોડુ થઇ શકે છે. પરંતુ હઝરત મહદી અલયહીસ્સલામ ઝુહુર અંગે કોઇ પરિવર્તન કે બદા (ખુદાવન્દે કરીમના નિર્ણયમાં ફેરફાર) થઇ શકતા નથી. હઝરત ઇમામ મહદી (અ.સ.) નો ઝુહુર એ ખુદાના વાયદો છે અને તેમાં કોઇ પરિવર્તન ક્યારેય થઇ શકશે નહીં. ખુદાવન્દે કરીમે કુરઆને શરીફમાં ફરમાવ્યું છે, વઅદલ્લાહલ્લઝીન – આમનુ – મીન્કુમ – વ અમેલુસ્સાલેહાતે – લયસતખ લેફન્નહુમ – ફીલ અરઝે – કમસ તખલફલ્લઝીન મીન કબ્લેહીમ, વલ યો મક્કેનન્ન લહુમ દીનહોમુલ્લઝીર – તઝા – લહુમ – વલ યો બદદેલન્નહુમ – મીમ બઅદે ખૌફેહીમ અમના” (સુ. નુર) “તે સઘળા લોકોથી કે જેઓ તમારામાંથી ઇમાન લાવ્યા (છે) તથા સદકાર્યો કર્યા (છે) અલ્લાહે એવો વાયદો કર્યો છેકે તે તમને અવશ્ય ભૂમિમાં વારસ બનાવશે. જેમ કે તેમની આગમચના (લોકો) ઓને વારસ બનાવ્યા હતા, અને તેમના દીન (ઇસ્લામ) ને કે જે તેણે તેમના માટે પસંદ કર્યા છે તેમની ખાતા અવશ્ય મજબુત રીતે સ્થાપી દેશે અને તેમના ભયને તે પછી જરૂર શાંતિમાં બદલી નાખશે………… અને ખુદાવંદે આલમ ક્યારેય વચનની વિરૂદ્ધ અમલ કરતો નથી.
એક માણસે હઝરત ઇમામ મોહમ્મદ તકી (અ.સ.) ની ખિદમતમાં આવીને કહ્યું : મને એ વાતનો ડર છે કે ક્યાંક હઝરત મહદી અલયહીસ્સલામના ઝુહુરની બાબતમાં (બદા) ખુદાવન્દે કરીમના નિર્ણયમાં ફેરફાર ન થઇ જાય? હઝરત ઇમામ મોહમ્મદ તકી અલયહીસ્સલામે ફરમાવ્યું હઝરત ઇમામ મહદી અલયહીસ્સલામનો ઝુહુર એ ખુદાનો વાયદો છે. (અને ખુદા કદી વાયદાનું ઉલ્લંઘન કરતો નથી.) (બેહાર : 52/251)
(7) શું યકીની અલામતોમાં પણ ફેરફાર થઇ શકે છે ?
‘યકીની અલામત’ (નિશ્રિત નીશાનીઓ) એ નિશાનીઓને કહેવામાં આવે છે જેના વિશે ખુદાના ઇરાદો થઇ ચૂક્યો હોય. અને જેની વિશેષતા બયાન કરી દેવામાં આવી હોય. તેમજ તેના વિશે ખુદાનો હુકમ (કઝા) નિશ્રિત થઇ ગયો હોય. અને જે અનિશ્રિત નિશાનીઓ ‘ગૈર – યકીની અલામત’ કહેવામાં આવે છે. એટલે કે જેના વિશે ખુદાવન્દે આલમે ઇરાદો કર્યો હોય પણ તેઓ અમલ (જાહેર) થવાનો હુકમ કર્યો ન હોય. નિશાનીઓની બધી વિશેષતાઓનું વર્ણન કરી દેવામાં આવ્યું પણ તેનો હુકમ આપવામાં આવ્યો નથી. આ રીતે યમાનીનો ઝુહુર, સુફયાનીનું જાહેર થવું, લશ્કરનું ધસી જવુ, પાકિઝા વ્યક્તિનું કત્લ થવું, અને આસમાની આવાજ આ બધી એ નિશાનીઓ છે જે નિશાનીઓ આ તબક્કામાંથી પસાર થઇ ચૂકી છે અને તેને યકીની અલામત કહી શકાય છે.
ઉપરની વિગતે અલામતોનું યકીની કે ગૈર યકીની હોવું એ મહત્વની વાત નથી પણ જ્યાં સુધી યકીની કે ગૈર યકીની નિશાનીઓ જાહેરી (બાહ્ય) દુનિયામાં અસ્તિત્વમાં ન આવી જાય ત્યાં સુધી તે ‘બદા’ના ક્ષેત્રમાંથી બહાર નીકળી શકતી નથી. અને તેથી જ આ બંને પ્રકારની નિશાનીઓમાં કંઇ ફેર નથી.
હઝરત ઇમામ મોહમ્મદ તકી અલયહીસ્સલામની સામે સુફયાનીના જાહેર થવાનો ઉલ્લેખ થયો અને રિવાયતોમાં આ વાતને યકીની નિશાની ગણવામાં આવી છે, આ પછી એક માણસે ઇમામ (અ.સ.) ને પુછ્યું. શું આ યકીની અલામતોમાં પણ પરિવર્તન થઇ શકે છે. જવાબ મળ્યો. “હા (બેહાર : 151-250/52)
ઉપરના બયાન પ્રકાશમાં જોતા યકીની અને ગૈર યકીની નિશાનીઓમાં બદા (અલ્લાહના નિર્ણયમાં પરિવર્તન થવા) વિશે ખાસ ફેર નથી. અલબત, ગૈર યકીની નિશાનીઓમાં બદાની શક્યતા વધારે છે.
(8) ઝુહુરની નિશાનીઓમાં ‘બદા’નું અર્થઘટન શું છે ?
આ વિષયના ત્રીજા મુદ્દામાં એ વાતો ઉલ્લેખ થઇ ચૂક્યો છે કે બદા અને ખાસ મસ્લેહતોને કારણે પહેલી વાત બદલીને બીજી વાત લખવા સાથે સંબંધિત છે. અને અઇમ્મએ માઅસુમીન અલયહેસ્સલામનો ઇલ્મનો સંબંધ ‘લૌહે ઇલ્મુલ – કિતાબ’ સાથે છે. જેમાં (જે તે બાબતની) પ્રાથમિક વિશેષતા અને નિર્ણયો લખવામાં અવો છે. અને કેટલીક ખાસ મસ્લેહતોને લીધે આ પ્રાથમિક વિશેષતા કે નિર્ણયમાં ફેરફાર થઇ જાય છે. અઇમ્મએ માઅસુમીન અલયહેમુસ્સલામે ભવિષ્યમાં બનનારા બનાવોનું વર્ણન કર્યું છે તેમાં ઝુહુરની નિશાનીઓનો પણ સમાવેશ થાય છે. તેજ પ્રાથમિક વિશેષતાઓ અને નિર્ણયો છે જે ‘લૌહે – ઇલ્મુલ – કિતાબ’ માં મૌજૂદ છે. પરંતુ આ વાતનો અર્થ હરગીઝ એવો નથી. થતો કે આ નિશાનીઓ પ્રત્યે કંઇ ધ્યાન આપવું ન જોઇએ. (આવા વિચારો માત્રથી ખુદાની પનાહ માંગીએ છીએ.) પરંતુ જે રીતે ઇમામ અલયહીસ્સલામે ફરમાવ્યું છે કે : જો કાલે બનનારા કોઇ બનાવની ખબર આપવામાં આવે અને તે બનાવ ન બને તો આશ્રર્ય પામવું ન જોઇએ, અને ઇમામની વાતો ઉપર ભરોસો અને વિશ્ર્વાસ પણ ઓછો થવો ન જોઇએ. પણ એ હકીકત જાણી લેવી જોઇએ કે તે બનાવ એ બાબતો પૈકી હશે જેમાં ‘બદા’ થઇ શકે છે. આ રીતે સાચો મોમીન એ છે જે ‘બદા’ ના અકીદા પર ઇમાન રાખતો હોય. યકીની અને ગૈર યકીની (બદાઇ અને ગૈર બદાઇ) બનાવો તેના ઇમાન અને યકીન પર અસરકર્તા બનતા નથી. રિવાયતોમાં મળે છે કે જો અમે કોઇ બનાવની આગાહી કરી હોય અને પાછળથી તે બનાવ હુબહુ તે રીતે ન બને તો તેનો ઇન્કાર ન કરો. (તેને જેહલ – અજ્ઞાનતા – સાથે ન જોડો) પરંતુ અમે કહો કે ખુદાવન્દે આલમે ખરેખર ફરમાવ્યું છે …………. (એટલે કે જે તે બનાવની આગહી પ્રાથમિક નિર્ણયના આધાર પર કરાઇ હતી.) જો આમ કહેશો તો બમણો અજ્ર મળશે. (કાફી જી. 1 પાનું. 269)
જો કોઇ રિવાયતોના આધારે એવો અકીદો રાખે કે (જે બાબત ખુદાનો વાયદો નથી તેમાં ફેરફાર થઇ શકે છે. – લૌહે ઇલ્મુલ કિતાબમાં નિર્ણય નોંધવામાં આવ્યો છે.) હઝરત ઇમામ મહદી અલયહીસ્સલામના ઝુહુરની નિશાનીઓ જાહેર થવા પહેલા તેઓ ઝુહુર થઇ જાય તો તેને આશ્ર્ચર્ય નહીં થાય. કારણ કે તેઓને ઇમામ (અ.સ.) ના ઝુહુરનો ઇન્તેઝાર છે, ઝુહુર થવા પહેલાની નિશાનીઓનો ઇન્તેઝાર નથી. તે ઝુહુરની નિશાનીઓ પહેલા ઇમામ મહદી અલયહીસ્સલામને ઝુહુર થએલા જોઇને જરાયે આશ્રર્ય નહીં પામે.
(9) નિશાનીઓ (જાહેર થવા) નો હેતુ શું છે ?
ઇમામ (અ.સ.) ના ઝુહુરની નિશાનીઓની ચર્ચાથી શિયાઓના દિલોમાં આશાની જ્યોત જલતી રહે છે. ભગ્ન હૃદયોને ધરપત મળે છે. નિરાશાથી મુક્તિ મળે છે, અને ઝુહુરના ઇન્કારથી સુરક્ષિત રહેવાના ફાયદા શિયાઓને થાય છે. કારણ કે ઇમામ મહદી અલયહીસ્સલામના ઝુહુરના સાચા સમયની જાણ માત્ર ખુદાને છે. આ વિષયની શઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે મુજબ ઝુહુર (પહેલાની જે બાબતો) વિશે લોકો જે કાંઇ જાણે છે તે માત્ર નિશાનીઓ છે. આમાંની કોઇ પણ એક નિશાની જાહેર થતા મુર્દા દિલ જીવંત બની જાય છે. ઝુહુરનો અકીદો મજબુત થાય છે. ઇન્તેઝારની આતુરતા વધી જાય છે. હઝરત મુસા કાઝીમ (અ.સ.) ના મહાન સહાબી અલી બિન યકતીનના પિતા “યક્તીન બની અબ્બાસના તરફદારો પૈકીના હતા. અને તેમના ફરઝંદ અલી એહલેબૈતના ખાસ શિયાઓમાંથી હતા. તેઓની જન્નતની જામીનગીરી ખુદ ઇમામે લીધી હતી. એક દિવસ યકતીને તેમના ફરઝંદ અલીને મજાકમાં કહ્યું : મા બાલના – કિલ – લના – ફકાન – વકીલ – લકમુ – ફલમ – યકુન.
પયગમ્બરે અમારા વિશે (બની અબ્બાસની હુકુમત હશે.) જે કાંઇ ફરમાવ્યું હતું તે બધું બની ગયું. પરંતુ તમારા (હઝરત મહદી અલયહીસ્સલામના ઝુહુર અને શિયાઓની મુસીબતોમાંથી મુક્તિ) વિશે જે કાંઇ ફરમાવ્યું હતું તે હજુ સુધી બન્યું નથી ? અલી બિન યકતીને જવાબ આપ્યો : અમારા અને તમારા વિશે જે કાંઇ ફરમાવ્યું હતું તેનુ મુળ એક જ છે. (લૌહે ઇલ્મુલ કિતાબ) આમાં ફેરમાત્ર એટલો છે કે તેમને જે વાયદો કરવામાં આવ્યો હતો તેનો સમય આવી પહોંચ્યો અને તે વાયદો પુરો કરવામાં આવ્યો. પરંતુ અમારા વાયદા (પૂરા થવા) નો સમય હજી આવ્યો નથી. અમે એ દિવસનો ઇન્તેઝાર કરીએ છીએ. જો અમે કહ્યું હોત કે આ વાત બસો કે ત્રણસો વર્ષ પછી પુરી થશે તો લોકોના દિલ સખત થઇ જાત અને સામાન્ય લોકો દીનથી વિમુખ થઇ જાત. (એટલે કે હઝરત મહદી (અ.સ.) નો ઇન્કાર કરી દેત) આજ કારણોસર એવું કહેવામાં આવ્યું છે કે ઝુહુર જલ્દી થશે અને સફળતા કેટલી નજદીક છે એટલા માટે કે લોકોના દિલો સ્થિર રહે અને લોકો હંમેશા ઇન્તેઝાર કરતા રહે. (ગયબતે નોઅમાની પા. 158)
આ રીતે ઝુહુરની નિશાનીઓ ઇમાનનું રક્ષણ અકાએદની પુખ્તતા અને ઇન્તેઝારમાં ગંભીરતાનું ધારણ કરવાનું માધ્યમ છે.
(10) સારાંશ:
ઉપરની ચર્ચાના સારાંશ રૂપે નીચે મુજબનું પરિણામ મેળવી શકાય છે.
(1) ઝુહુરની યકીની અને ગૈર યકીની નિશાનીઓમાં બીજી બાબતોની જેમ પરિવર્તન થઇ શકે છે.
(2) પરિવર્તન અર્થ ખુદાના ઇલ્મમાં પરિવર્તન એવો નથી. પરંતુ આ ફેરફાર “લૌહે ઇલ્મુલ કિતાબ” ના પ્રાથમિક નિર્ણયમાં ફેરફાર છે. નહીંતર ખુદાને દરેક વાતનું પહેલેથી જ ઇલ્મ છે અને તેના ઇલ્મ છે. અને તેના ઇલ્મમાં કોઇ ફેરફાર થતો નથી.
(3) અંબિયા અને અઇમ્મા અલયહેમુસ્સલામનું ઇલ્મ ‘લૌહે – ઇલ્મુલ કિતાબ’થી સંબંધિત છે. તેના આધારે ગૈબની વાતોની ખબર આપવામાં આવે છે. અને આ (તખ્તી)માં ફેરફાર થનારા હુકમ કે બનાવનો ઉલ્લેખ હોતો નથી.
(4) ઇલાહી રહેબરોની દરેક વાત પર સંપૂર્ણ ઇમાન અને યકીન રાખવું જોઇએ. ક્યારેક આગાહી પ્રમાણે બનાવો ન બને તો તેનો સંબંધ ઇલાહી રહેબરો સાથે નહીં, પણ લૌહમાં થયેલ ફેરફાર સાથે છે.
(5) હઝરત ઇમામ મહદી અલયહીસ્સલામના ઝુહુરમાં વ્હેલુ કે મોડુ થઇ શકે છે. તેથી આપણી જવાબદારી છે કે આપણે હંમેશા દિવસ અને રાત દોઆઓ અને પવિત્ર કાર્યો દ્વારા હઝરતનો ઝુહુર જલ્દી થાય તે માટે કારણરૂપ બનવું જોઇએ. અને ઝુહુરને (કરીબુલ વોકુઅ) જે બાબતો ઝુહુરથી નઝદીક બને તે માટે નહીં બલ્કે (સરીહલ વોકુઅ) ઝુહુર ઝડપથી બને તે માટે દોઆ કરીએ.
(6) બદા માત્ર એ બાબતોમાં થઇ શકે છે. જેનો ખુદાવન્દે આલમે વાયદો કર્યો નથી. ખુદાવન્દે આલમે ઝુહુરનો વાયદો કર્યો છે. ઝુહુરના (નિશ્ર્ચિત) સમયનો વાયદો કર્યો નથી.
(7) ઝુહુરની નિશાનીઓ ઇમાનના રક્ષણ, અકીદાની પુખ્તતા, કાર્યોની પવિત્રતા, ચારીત્રયની સુધારણા વગેરે મા મહત્વનો ભાગ ભજવે છે.
(11) ઇન્તેઝાર કરનારાઓ માટે આ ચર્ચાની શું અસર થાશે ?
દરરોજ સવારે અને સાંજે ઇન્તેઝાર કરવાનો હુકમ રિવાયતોમાં આપવામાં આવ્યો છે. (બેહાર – 145-95/52) આપણે નિશાનીઓમાં બદા થઇ શકે તેમ માનતા હોઇએ તો જ આ રીતે દરરોજ ઇન્તેઝાર કરવો શક્ય બનશે, કારણ કે
(1) જો નિશાનીઓમાં ફેરફાર થવો શક્ય ન હોય તો ઇન્સાન હંમેશા ઇન્તેઝાર નહીં કરે, પણ જ્યારે નિશાનીઓ જાહેર થઇ જશે ત્યારે જ ઇન્તેઝાર કરશે. કેમ કે એ વખતે એવો પ્રચાર થશે કે જ્યારે નિશાનીઓ જ જાહેર થઇ નથી, તો પછી ઇન્તેઝારનો પ્રશ્ર્ન જ ક્યાં ઊભો થાય છે ? પરંતુ રિવાયતો આ ધારણાનું સમર્થન કરતી નથી તેથી નિશાનીઓમાં પરિવર્તન થવું શક્ય છે, તેવો અકીદો રાખનાર ઇન્સાન દરરોજ સવાર સાંજ ઇન્તેઝાર ઝુહુર કરશે અને ઇમામ (અ.સ.) ની ખિદમતમાં હાજર થવા માટે તૈયાર અને ઉત્સુક રહેશે.
(2) જે માણસ ઝુહુરની નિશાનીઓમાં ફેરફાર થઇ શકવાની વાત માનતો નથી તે હંમેશા ઇમામ (અ.સ.) નો ‘મુન્તઝિર’ બની શકે નહીં, કારણ કે જો નિશાનીઓમાં ફેરફાર ન થાય તો, (નફસે ઝકકીયાહ) પાકીઝા અને પ્રતિભાવાના વ્યક્તિના કત્લ અને હઝરતના ઝુહુર વચ્ચે પંદર દિવસનો ગાળો છે. (બેહાર 302/52) આ રીતે જોઇએ તો હજુ નફસે ઝકીય્યાહની કત્લ જ થઇ નથી તો હાલ તુરત ઝુહુરનો ઈન્તેઝાર કરવાનો કોઇ અર્થ રહેતો નથી. જ્યારે કે હંમેશા ઇન્તેઝાર કરવાની તાકીદ કરવામાં આવી છે. અને ઇન્તેઝારને શ્રેષ્ઠ અમલ ગણવામાં આવ્યો છે. અને નિશાનીઓમાં ફેરફાર થઇ શકે તો જ આ વાત શક્ય બને.
(3) ઝુહુરની નિશાનીઓમાં ફેરફાર થઇ શકે અને નિશાનીઓ જાહેર થવા પછી જ ઝુહુર થશે એવું માનનાર પહેલા નિશાનીઆનો ઇન્તેઝાર કરે છે. અને પછી ઇમામ (અ.સ.) નો ઇન્તેઝાર કરે છે. અને રિવાયતોમાં ઇમામ (અ.સ.) ના ઝુહુરની નિશાનીઓના ઇન્તેઝાર માટે નહીં પણ ઇમામ (અ.સ.) ના ઝુહુર માટે ઇન્તેઝાર કરવાની તાકીદ કરવામાં આવી છે.
(12) ઈન્તેઝાર – નિશાનીઓનો નહીં – ઇમામ (અ.સ.) ના ઝુહુરનો……………
ઉપરની છણાવટથી એ વાત બિલ્કુલ સ્પષ્ટ જાહેર થઇ ગઇ કે લોકોએ હઝરત ઇમામ મહદી (અ.સ.) ના ઝુહુર થવાની નિશાનીઓનો નહીં, પણ ઇમામ (અ.સ.) ના ઝુહુરનો ઇન્તેઝાર કરવો જોઇએ અને નિશાનીઓ જાહેર થવા પહેલા હઝરત (અ.સ.) નું ઝુહુર થવું અશક્ય છે, તેમ સમજવું ન જોઇએ. ઝુહુરની મૂળ અને પાયાની શર્ત ખુદાવન્દે આલમની ઇચ્છા અને ઇરાદો છે. અત્યાર સુધી ઇમામે (અ.સ.) ઝુહુર ફરમાવ્યું નથી, તેનો અર્થ એ થયો કે જેમાં હકીકતમાં ઇન્તેઝાર કરનારાઓ રાત અને દિવસ આહો – બુકા કરીને આજીજી પૂર્વક ગળગળા થઇને, રડતા – કકળતા, દોઆ અને ઇસ્તીગફાર મારફતે ખુદાની બારગાહમાં, ખુદાની હુઝુરમાં ઇમામ (અ.સ.) ના ઝુહુરમાં જલ્દી થવા માટે ગુઝારીશ કરી શકે છે. “ખુદાના હાથ ખુલ્લા છે, તે જેને પણ ચાહે તેને અતા કરે છે. જો ખુદા ઇચ્છે તો બધી નિશાનીઓ જાહેર થવા પહેલા ઝુહુરનો હુકમ આપી શકે છે. ખુદાને ઝુહુરનો હુકમ આપવા માટે (પ્રાથમિક) નિશાનીઓ જાહેર થવાની મર્યાદા નડતી નથી. ખુદાવન્દે આલમ ઝુહુર પહેલાની નિશાનીઓને બદલી પણ શકે છે. અને કોઇ પણ વખતે (તરતજ) ઝુહુરનો હુકમ પણ આપી શકે છે. તેના માટે દરરોજ નવી શાન અને રીત હોય છે. તેથી જ આપણે નિશાનીઓને નહીં પણ ઇમામ (અ.સ.) ના ઝુહુરનો ઈન્તેઝાર કરવો જોઇએ.
યા રબ્બલ – હુસૈન – બે હક્કીલ – હુસૈન ઇશફે
સદરીલ – હુસૈન – બે ઝુહરીલ – હજ્જહ.
અય હુસૈન (અ.સ.) ના પરવર દિગાર, હુસૈન (અ.સ.) ના હકની કસમ, હઝરત હુજ્જત (અ.સ.) ના ઝુહુરથી હુસૈન (અ.સ.) ના હૃદયને સાંત્વન આપ.
Comments (0)