ગૈબતે કુબરાના કાળમાં ઇમામે ઝમાના (અ.સ.) ની જવાબદારીઓ
વાચકોને આ વિષયનું મથાળું વાંચીને આશ્ર્ચર્ય થશે એમ પણ બને કે કેટલાક લોકો આ વિષયને (ઐબદાર) ખામીયુક્ત ગણે એટલા માટે કે અત્યાર સુધી તો આપણે ‘ગૈબતે – કુબરામાં શિયાઓની જવાબદારીઓ’ એ વિષય પર વિવિધ કિતાબો અને સામયીકોમાં વાચ્યું છે. આ ઉપરાંત આ વિષય પર ઓલમાઓ અને ઝાકીર સાહેબો મારફતે મજલીસો અને મીમ્બરો પરથી શિયાઓની વિવિધ જવાબદારીઓનો ઉલ્લેખ સાંભળ્યો છે. અલબત, આ વિષયનો અગાઉ કોઇ ઝાકીરે ઉલ્લેખ કર્યો નથી. પણ આ ઉર્દુ સામયીકમાં પણ તેનો ઉલ્લેખ થયો નથી. પણ આ કોઇ નવો વિષય નથી મોઅતબર શિયા કિતાબોમાં આ વિષય ઉપર પુરતી ચર્ચા થએલી જોવા મળે છે. હા, આ વિષય પર સીધે સીધે ચર્ચા ન કરતા. “ઇમામે ઝમાના (અ.સ.) ની ગૈબતના જમાનામાં (તેમના) અસ્તિત્વના ફાયદાઓ” એ વિશે ઇમામ (અ.સ.) ની જવાબદારીનો પણ ઉલ્લેખ થઇ જાય છે. આ વિષયની પૂર્વ ભૂમિકા રૂપે થોડા વાત કર્યા બાદ હવે મૂળ વિષય પર આવીએ છીએ.
ગૈબતે – કુબરાના જમાનામાં ઇમામ મહદી (અ.સ.) ની જવાબદારીઓ સંપૂર્ણ રીતે આપ (અ.સ.) ના ઝુહુર વખતે એ હાલતમાં કે જ્યારે કોઇ અંતરાય ન આવે તો નીચે પ્રમાણે ગણાવી શકાય.
પહેલું :
મુસ્લીમ સમાજની હિદાયત અને માર્ગદર્શન કરવું તેમજ ઈસ્લામી હુકુમતની એવી રીતે સ્થાપ્ના કરવી કે આખી પૃથ્વી ઉપર એક સંપૂર્ણ અને જામેઅ અદલો ઇન્સાફની વ્યવસ્થા અસ્તિત્વમાં આવી જાય અને લોકો માર્ગદર્શકના ઉચ્ચતમ સિદ્ધાંતને સમજી શકે.
બીજું :
ઇસ્લામ સ્વીકારવાનું નિમંત્રણ : એવી રીતે કે કુફ્ર અને જહાલતમાં ડુબેલો સમાજ ઇસ્લામ તરફ આકર્ષાય. ભલ તે માટે આપ (અજ.) ને જંગનો આશરો લેવો પડે કે આ કામ સુલેહ અને સમજાવટથી થઇ જાય કે પછી બીજી કોઇ પણ રીતે અજમાવવી પડે.
ત્રીજું :
ઇસ્લામી સમાજનું રક્ષણ અને દેખરેખ કરવી. એ પરીસ્થિતિમાં ઇસ્લામની બે હરમતી થતી હોય તો સમય આવ્યે પોતાની જાન અને માલની કુરબાની આપવા માટે તૈયાર રહેવું.
ચોથું :
એવી પરિસ્થિતિમાં ઇસ્લામી સમાજની હીફાઝત. જ્યારે લોકો ચારિત્ર્યભ્રષ્ટ, વાસાના, લાલચ અને લંપટ કાર્યોની અસર તળે ધેરાઇ ગયા હોય, ત્યારે ઇમામ (અ.સ.) તેમની ખાસ પદ્ધતિ, રીત અને અંદાઝથી અમ્ર બીલ માઅરૂફ અને નહય અનીલ મુનકરની તાલમીને અંજામ આપશે.
એ વાત ધ્યાનમાં રહે, ઉમ્મતની ભલાઇ અને કલ્યાણ માટે બધા જ ઇમામોના જમાનામાં, બધી જગ્યાએ ઉપરની ચારેય જવાબદારીઓ સંપૂર્ણ રીતે ઇમામ ઉપર વાજીબ હોય છે. તેવા જ રીતે તમામ મુસ્લીમો (ઉમ્મત) ઉપર પણ વાજીબ છે કે તેઓ ઇમામ (અ.સ.) ની આવાઝ પર લબ્બૈક કહીને જરૂર પડે તો પોતાના જીવની કુરબાની આપવા તૈયાર રહે.
પાંચમું :
આ જવાબદારીને ઇમામ (અ.સ.) ખાસ સંજોગોમાં અદા કરે છે. જ્યારે ઉપર જણાવેલ ચારેય જવાબદારીઓ કોઇ ખાસ કારણસર અદા કરી શકાય તેમ ન હોય દાખલા તરીકે, ઇમામને સમાજથી દૂર રહેવા માટે સમાજે મજબુર કર્યા હોય. તેઓ (અ.સ.) ની ઉપર સખત દેખરેખ રાખવામાં આવતી હોય. તેઓ (અ.સ.) ની સામૂહિક અને રાજકીય જીંદગીને તંગ કરી દીધી હોય. આ પ્રકારના બનાવોથી ઇતિહાસ સાક્ષી પૂરે છે. આપણા અઇમ્મા અલયહેમુસ્સામે કઠીન સંજોગોમાં જીવન વ્યતીત કરેલ છે. તેવા સંજોગોમાં ઇમામ (અ.સ.) સમાજ સાથે સંપર્ક ચાલુ રાખવા અને ઇસ્લામી સમાજના અસ્તિત્વ માટે પોતાના મિત્રો અને શિયાઓ મારફત ઇસ્લામી તાલીમાત આપવાનું ચાલુ રાખવું, હા, જો શક્ય હોય અને કોઇ અડચણ ન હોય તો ઇસ્લામી તાલીમાતને વિશાળ રીતે પોતાના દોસ્તો મારફત તમામ ઇસ્લામી દેશો (વિસ્તારો) સુધી પહોંચાડવું.
છઠ્ઠું :
મઝલુમો, મુસીબત અને બલાઓમાં ઘેરાયેલા લોકોની મદદ કરવી.
દરેક મુસલમાનોની ફરજ :
છઠ્ઠી જવાબદારી માત્ર ઇમામ (અ.સ.) માટે ખાસ નથી પણ આ કામ દરેક મુસલમાન પર વાજીબ છે. હા, કોઇ એક માણસ મઝલુમ, મુસીબતઝદા કે બલાઓમાં ,ઘેરાએલાને મદદ કરે તો બીજા ઉપર આ કાર્ય વાજીબ રહેશે નહીં, (પણ સાક્તિ થઇ જશે.) ઇસ્લામમાં મઝલુમો અને મુસીબતમાં ઘેરાયેલા લોકોની મદદ કરવાની ખાસ તાકીદ કરવામાં આવી છે. બીજા મુસલમાનોની સરખામણીમાં શિયાઓ માટ તો આ જવાબદારી ખાસ મહત્વની છે. એટલા માટે કે પયગમ્બરે ઇસ્લામ (સ.અ.વ.) અને આપણા અઇમ્માએ (અ.મુ.સ.) તો અમલી રીતે આ કાર્યનો પાઠ આપણને શીખવ્યો છે.
આટલું જાણ્યા પછી આપણે એ વાત પણ જાણી શકીએ છીએ કે હઝરત બકીય્યતુલ્લાહીલ અઅઝમ (અરવાહોના ફીદાહ) પર આ બધી જવાબદારીઓ પહેલા તબક્કામાં વાજીબ છે. અને જ્યાં શક્ય હોય ત્યાં આની ઉપર અમલ કરવો જોઇએ અને જો કોઇ મસ્લેહતને કારણે જે સંભવિત ન હોય તો તેનાં પર અમલ કરવાનું છોડી દેવું જોઇએ. આપણા બીજા અઇમ્મા અલયહેમુસ્સલામે પણ આ જ પ્રમાણે અમલ કર્યો છે. એટલે કે જે શક્ય હતું તેની ઉપર અમલ કર્યો અને જે મસ્લેહતને કારણે છોડી દેવા જેવું હતું, તેની ઉપર અમલ કર્યો ન હતો.
પરંતુ ઇમામ મહદી અલયહીસ્સલામ અંબિયાઓ અને અઇમ્મા અલયહેમુસ્સલામના વારસ છે. તેઓએ ખુદાના વાયદાને પૂર્ણ કરવાનો છે. એટલે કે તેઓએ પૃથ્વી પર ઇલાહી હુકુમતની સ્થાપ્ના કરવાનો છે. ખુદાએ જે બાબત કરવાનો સંકલ્પ કર્યો છે. તેને પુરો કરવો તેઓ (અ.સ.) માટે વાજીબ છે. અને ખુદા જે રીતે ચાહશે તે રીતે તેનો વાયદો પુરો કરશે. ભલે તે મૌજૂદ હોય કે ન હોય. જે દિવસનો ખુદાએ વાયદો કર્યો છે તે દિવસ જરૂર આવીને રહેશે. અલબત, એ દિવસ ક્યારે આવશે તે આપણને કે બીજા કોઇને ખબર નથી. રિવયાતોથી એ વાત સાબિત થઇ ચૂકી છે કે “ઇમામ (અ.સ.) ના ઝુહુરના સમયની ખબર ખુદા સિવાય બીજા કોઇને પણ નથી.” ગૈબતે – કુબરાના અરસામાં ઇમામે ઝમાના (અ.સ.) ની જવાબદારીઓ છે કે તેઓ (અ.સ.) ધીરજપૂર્વક “ઝુહુરના સમય” અને “હકમે – ઇલાહી”ની રાહ જુવે.
અમે શરૂઆતમાં ઇમામ (અ.સ.) ની છ જવાબદારીઓ લખી છે તેને વિગતવાર અત્રે રજુ કરીએ છીએ અને કેટલાક જરૂરી મુદ્દાઓ તરફ આપનું ધ્યાન દોરીએ છીએ જે જવાબદારીઓની વિગત નીચે મુજબ છે.
ઉમ્મતની હિદાયત અને માર્ગદર્શન, ઇસ્લામી હુકુમતની સ્થાપ્ના, પૃથ્વી પર અદલો – ઇન્સાફ કાયમ કરવા, કુફ્રનો નાશ અને ઇસ્લામની દાવત, ઇસ્લામને બેહુરમતી થવાથી બચાવવો સમાજનું નૈતિક ધોરણ ઊંચું લાવવું, મઝલુમ અને મુસીબતઝદા લોકોની મદદ કરવી.
ઉપરની જવાબદારીઓ ઇમામ (અ.સ.) ગૈબતમાં રહીને પણ નીભાવી શકે છે, બલ્કે નિભાવી રહ્યા છે. કેટલાક લોકો એવો મુદ્દો ઉઠાવે છે કે ઇમામ જાહેરમાં ન હોય છતાં હીદાયત અને અદલો ઇન્સાફ કઇ રીતે કામય કરી શકે ?
આ બધી શંકાઓનો જવાબ એ છે કે ઇમામ માટે એ જરૂરી નથી કે તેઓ (અ.સ.) અચાનક આવીને આ બધા કામોને એકી સાથે બજાવે એટલેકે એક જ વખતમાં ઉમ્મતની હીદાયત કરીને તેમજ હુકુમત કામય કરીને બેસી જાય. પરંતુ બધા કામ ક્રમાનુસાર, એક પછી એક બજાવે છે. દાખલા તરીકે : ઉમ્મતના લોકોને એ વાતની જરૂર નથી કે ઇમામ (અ.સ.) આવીને દરેકને વ્યક્તિગત રીતે નમાઝ કેમ પડવી તે શીખવે, રોઝા કેમ રખાય, ખુમ્સ કેવી રીતે અપાય વગેરે શીખવે. આ બધી બાબતોથી ઉમ્મત સારી રીતે વાકેફ છે. હા. જો આ બાબતોમાં ઉમ્મતમાં કોઇ એવો મોટો મતભેદ ઊભો થાય જેનો નિવેડો આલીમો અને દાનીશમંદો લાવી ન શકે, ત્યારે ઇમામ (અ.સ.) મૌન રહી ન શકે પણ તેઓ (અ.સ.) ગૈબતમાં હોવા છતાં લોકોની હિદાયત કરવી અને તેઓની જવાબદારી થઇ પડે છે. ઇતિહાસ એ બાબતની સાક્ષી આપે છે કે કેટલાય આલીમોએ જ્યારે ઇમામ (અ.સ.) નો સહારો માંગ્યો હતો. ત્યારે ઇમામે (અ.સ.) તેમની મદદ કરી હતી. એટલું જ નહીં કેટલીક વખતે તો આલીમોએ ‘ઇજતેહાદી – ભૂલો’ કરી ત્યારે ઇમામે (અ.સ.) તે ભૂલોને સુધારી પણ દીધી હતી.
શૈખ મુફીદ (ર.અ.) નો એ મશહુર બનાવ, જેમાં તેઓએ એક ગર્ભવતી સ્ત્રીના ઇન્તેકાલ પછી તેને પેટમાના ગર્ભ સાથે દફનાવી દેવાનો ફત્વો આપ્યો. તે પછી ઇમામે (અ.સ.) તે ફત્વાને સુધારી દીધો. આ વાકેઆની વિગત વકાએઅુલ અય્યામ જીલ્દ શાઅબાન પા. 250 પર જોવા મળશે. આ પ્રકારના સેંકડો બનાવ નોંધએલા છે, પરંતુ આ સંક્ષિપ્ત લેખમાં તે સમાવી શકાય તેમ નથી. આ પ્રકારના બીજા બનાવ માટે ‘દિદારે – નૂર’ જોવા વિનંતી છે. દિદારે – નૂર નામની કિતાબ ગુજરાતી અને ઉર્દૂ બંને ભાષામાં એસોસીએશન ઓફ ઇમામ મહદી (અ.સ.) એ પ્રકાશિત કરી છે.
અત્રે એક માનવ બનાવ પ્રસ્તુત કરીએ છીએ. જેનાથી ઇમામે (અ.સ.) બેહરૈનના શિયાઓની મદદ કેવી રીતે કરી હતી તે સમજાય છે. બેહરૈન શહેર અંગ્રેજોના કબ્જામાં હતું. અંગ્રજો એ ત્યાંના હાકીમ તરીકે એક મુસ્લીમની નિયુક્તી કરી હતી. બેહરૈનનો હાકીમ નાસિબી (નાસીબી) હઝરત અલી (અ.સ.) નો વિરોધી હતો. તેના દરબારમાં જે વઝીર હતો તે તેની કરતા પણ પક્ષપાતી વલણ ધરાવતો હતો. બેહરૈનના રહેવાસીઓની વસ્તીનો મોટોભોગ એહલેબૈત (અ.મુ.સ.) ના ચાહવાવાળા શિયાઓનો હતો. વઝીર તે લોકોનો સખ્ત દુશ્મન હતો. અને એવું ઇચ્છતો હતો કે ગમે તેમ કરીને શિયાઓની વસ્તી ખત્મ થઇ જાય. આ માટે હંમેશા કંઇ ને કંઇ બહાના શોધ્યા કરતો હતો. એક વખત વઝીર એક દાડમ લઇને દરબારમાં ગયો. અને હાકીમ સમક્ષ દાડમ રજુ કર્યું. દાડમની છાલ પર લખેલું હતું. ‘લાએલાહ ઇલ્લલાહ મોહમ્મદુર રસૂલુલ્લાહ અબુબકર, વ ઉમર વ ઉસ્માન વ અલી ખોલકાએ રસુલુલ્લાહ’ હાકીમે તે દાડમને ધ્યાનથી જોયું. તેને આ અક્ષરો કુદરતી રીતે જ લખાયા હોવાનું લાગ્યું અને આ અક્ષરો કૃત્રિમ રીતે લખાયા હોવાનો અણુસાર સુધ્ધા ન આવ્યો. આ જોઇને હાકીમે વઝીરને કહ્યું કે આ બહુ જ સ્પષ્ટ દલીલ છે કે રાફઝીઓ (શિયાઓ) નો મઝહબ બાતિલ છે. આ બાબતમાં તમારો શો અભિપ્રાય છે ? વઝીરે તુરતજ જવાબ આપ્યો કે : આ શિયાઓ (મઝહબી બાબતોમાં) પક્ષપાતી સમૂહ છે. અને સ્પષ્ટ દલીલોનો પણ ઇન્કાર કરે છે. આપ હુકમ કરો તો બધા શિયાઓને અહીં ભેગા કરીને આ દાડમ દેખાડીએ આ જોઇને તેઓ આપણો (ગેર – શિયા) મઝહબ સ્વિકારી લેશે, તો આપને ઘણો સવાબ મળશે. અનેજો તેઓ આપણો મઝહબ સ્વિકારવાનો ઇન્કાર કરે તો તેમની સામે ત્રણ શરતો રજુ કરવી. અને હુકમ આપવો કે આ ત્રણમાંથી કોઇ એક શરત કબુલ કરો.
પહેલી શર્ત :
યહદીઓ અને ઇસાઇઓની જેમ ટેક્ષ (મોટી રકમ કરવેરા પેટ) આપે.
બીજી શર્ત :
આ સ્પષ્ટ દલીલોનો જવાબ લાવે જે તેમના ગજા બહારની વાત છે.
ત્રીજી શર્ત :
તેઓમાંના પરુષોને કત્લ કરી નાંખવામાં આવે તેમની સ્ત્રીઓ અને બાળકોને કૈદી બનાવવામાં આવે અને તેમની મિલ્કત જપ્ત કરવામાં આવે. હાકીમે વઝીરની આ વાતને સ્વિકારી લીધી અને તુરતજ શિયા આલીમો અને બુઝુર્ગોને દરબારમાં બોલાવામાં આવ્યા. તેઓને લખાણવાળુ દાડમ દેખાડવામાં આવ્યું અને તેનો સંતોષકારક જવાબ આપવાનું કહેવામાં આવ્યું અને તેઓ જવાબ આપી ન શકે તો ત્રણ શરતો રજુ કરવામાં આવી. તે દાડમ જોઇને શિયા આલીમો આશ્રર્યમાં ગરકાવ થઇ ગયા. અને તેનો કોઇ જવાબ આપી ન શક્યા, તેઓના ચહેરાનો રંગ ઉડી ગયો. તેમના શરીર ધ્રુજવા લાગ્યા અને તેમને પગ નીચેથી ધરતી સરકવા લાગી. શિયા બુઝુર્ગોએ હાકીમ પાસેથી ત્રણ દિવસની મુદ્દત માંગી અને કહ્યું કે જો તેઓ ત્રણ દિવસમાં કોઇજવાબ લાવી શકે તો હાકીમને યોગ્ય લાગે તે કરવાનો અધિકાર છે. મુદ્દત મળી ગઇ. તમામ શિયાઓની મીંટીંગ મળી. જેમાં તેઓમાંથી દસ મુત્તકી, પરહેઝગાર આલીમોને પસંદ કરી તેમાંથી ત્રણ આલીમોને પસંદ કરવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે ક્રમાનુસાર ત્રણેય આલીમો જંગલમાં જઇને ઇમામે ઝમાના (અ.સ.) ના વસીલાથી ખુદા પાસે મદદ માંગવી તેઓમાંના એકે જંગલમાં જઇને સવાર સુધી ઇબાદત મુનાજાત અને દોઆઓમાં રાત ગુઝારી. તેમણે સવારે ઉકેલ ન મળ્યો. બીજી રાતે, બીજા આલીમે જઇને તેવો જ અમલ કર્યો. તેમનેય ઉકેલ ન મળ્યો. ત્રીજી રાતે મોહમ્મદ બીન ઇસા નામના ત્રીજા આલીમનો વારો આવ્યો. મોહમ્મદ બીન ઇસાની ઉઘાડા પગે અંધારી રાતમાં જંગલ તરફ ચાલ્યા. આખી રાત ખુદાની મદદ માંગતા રહ્યા અને શિયાઓ પરથી આ અસાધરણ મોટી બલા ટળી જાય તે માટે દોઆઓમાં મશગૂલ રહ્યા. તેમણે ઇમામે ઝમાના (અ.સ.) ને ફરિયાદો કરી અને મદદ માગવી શરૂ કરી. રાત્રીના છેલ્લા પહોરમાં તેમની નજર એકાએક એક શખ્સ પર પડી. જેઓએ તેમને સંબોધીને કહ્યું : ‘અય મોહમ્મદ બીન ઇસા શું થયું ? હું તમોને કેવી હાલતમાં જોઇ રહ્યો છું. આવા વેરાન જંગલમાં શા માટે આવ્યા છો?” તેમણે જવાબ આપ્યો. અય ભાઇ, તું મને મારી હાલત પર છોડી દે. હું મોટી મુશ્કેલીમાં ફસાયો છું. હું મારી આ મુશ્કેલીને મારા ઇમામ (અ.સ.) સિવાય કોઇલને પણ નહીં કહું. તે શખ્સે કહ્યું. અય મોહમ્મદ બિન ઇસા હું જ ‘સાહેબુલ અમ્ર’ છું તમારા દિલનીવાત મને કહો તેણે કહ્યું ‘અય મારા આકા, જો આપ સાહેબુલ અમ્ર છો તો આપ જાણો છે કે હું કેટલી મોટી પરેશાનીમાં ઘેરાયલ છું. આપ અમારા ઇમામ છો અને અમને મુશ્કેલીઓમાંથી મુક્તિ અપાવનારા છો. ઇમામે (અ.સ.) ફરમાવ્યું અય મોહમ્મદ બિન ઇસા વઝીરના ઘરમાં દાડમનું એક વૃક્ષ છે. વઝીર દાડમના આકારનું માટીનું એક બીબુ (બ્લોક) બનાવેલ છે. જેના બે ભાગ છે. બંને ભાગોમાં તેણે એ અક્ષરો ઢાળેલા છે, જે બીબાને તેણે દાડમ સાથે લગાડી દીધા હતા. દાડમનું ફળ જરા મોટું થયું ત્યારે તે અક્ષરો તેની ઉપર કોતરાઇ ગયા. કાલે તમે હાકીમ પાસે જાવ ત્યારે કહેજો કે અમે જવાબ લાવ્યા છીએ. જે અમે વઝીરના ઘરમાં જઇને આપીશું. તમે વઝીરના ઘરે જાવ ત્યારે ઘરના જમણા ભાગમાં ઉપર એક ઓરડો છે. જ્યારે તે ઓરડામાં પહોંચ્યો ત્યારે હાકીમને કહેજો કે તમારો જવાબ આ ઓરડામાં છે. વઝીરના એવા પ્રયત્નો કરશે કે હાકીમ તે જુવે નહીં પણ તમે એ દેખાડવા માટે આગ્રહ કરજો. વઝીર ઉપર જાય ત્યારે તમે પણ સાથે જજો અને તેઓને એકલા મુક્તા નહીં. તમે જેવા તે ઓરડામાં દાખલ થશો કે તરતજ તમને દીવાલમાં એક બાકોરૂં દેખાશે. તેમાં એક સફેદ થેલી હશે તેમાંજ દાડમના અક્ષર કોતરવા માટેના બીબા છે. જે કાઢીને હાકીમની સામે રાખી દેજો. ત્યાર પછી દાડમને હાકીમ સામે રાખીને કહેજો કે અમે આપને એક બીજો મોજીઝો પણ દેખાડીએ છીએ. આ દાડમની અંદર માટી અને કીડીઓ સિવાય કંઇ નથી. જો આપ હકીકત જાણવા માંગતા હો તો વઝીરને આ દાડમ ખોલવાનું કહો. વઝીરના દાડમને તોડશે કે તરતજ તેનો ચહેરો માટી અને કીડીઓથી છવાઇ જશે.”
મોહમ્મદ બિન ઇસા ઇમામ (અ.સ.) ના પવિત્ર મુખેથી આ વાત સાંભળીને ખૂબજ રાજી થતાં થતાં ઘરે પાછા ફર્યા. સવારે લોકોની સાથે હાકીમનાં દરબારમાં જઇ પહોંચ્યા. અને ઇમામે (અ.સ.) સમજાવ્યા. મુજબની બધી બાબતો પર અમલ કર્યો. હાકીમ આ બધુ જોઇ, સાંભળીને આશ્ર્ચર્યમાં ડુબી ગયો અને તેણે મોહમ્મદ બિન ઇસાને પુછ્યું કે આ બધી માહિતી તને કોણે આપી ? તેણે જવાબ આપ્યો કે, અમારા જમાનાના ઇમામે. જેઓ ખુદાની હુજ્જત છે. હાકીમે પુછ્યું : તમારા ઇમામ કોણ છે ? ત્યારે તેણે એક એક કરીને બધા નામોને પરીચય કરાવ્યો. આ પછી હાકીમે મોહમ્મદ બિન ઇસાને કહ્યું કે તમારો હાથ લાવો જેથી હું ગવાહી આપું કે ખુદા સિવાય કોઇ અલ્લાહ નથી અને મોહમ્મદ (સ.અ.વ.) તેના બંદા અને પયગમ્બર છે. તેમના પછી હઝરત અલી (અ.સ.) બિલા ફસ્લ ખલીફા છે. અને હું તમામ અઇમ્મા (અ.મુ.સ.) પર ઇમાન લાવું છું. તે પછી હાકીમે વઝીરને કત્લ કરી નાખવાનો હુકમ આપ્યો. પછી તેણે બેહરૈનનાં લોકો (શિયાઓ)ની માફી માંગી અને તેમની સાથે સદ્વ્યવહાર કરવા માંડ્યો.
આ બનાવનું વર્ણન કરનારા કહે છે કે આ બનાવ બેહરૈનના નિવાસીઓમાં મશહુર છે. અને મોહમ્મદ બિન ઇસાની કબ્ર પણ ત્યાં મૌજુદ છે. અને લોકો ત્યાં ઝિયારત માટે પણ જાય છે. (નજમુસ્સાકીબ 314 બેહાર 178/52)
હઝરત ઇમામ મહદી અલયહીસ્સલામ ગૈબતે કુબરાના જમાનામાં પણ એક જાહેરી ઇમામની જેમ તેઓ (અ.સ.) ની જવાબદારીઓ કેવી રીતે અદા કરી રહ્યા છે અને લોકો કોઇ બાબતની ઓછપ અનુભવતા નથી એ વાત ઉપરના બનાવથી સ્પષ્ટ જાહેર થાય છે. અલબત, ઇમામ (અ.સ.) (ની ફઝીલત) નો ફાયદો એ જ લોકો મેળવી શકે છે જે દિલનાં ઉંડાણથી ઇમામ (અ.સ.) ને હંમેશા યાદ કરતા હોય. એટલે જ તો ઇમામ (અ.સ.) મોહમ્મદ બિન ઉસ્માનને તૌકીઅ (લેખિત સંદેશો)માં ફરમાવ્યું હતું. :
વ અમ્મા વજહુલ ઇન્તેફાએ બી ફી ગયબતી ફક્લ ઇન્તેફાએ બીશ શમ્સે એઝા ગયયબહા અનીલ અબસારીસ સહાબ વ ઇન્ની લ અમાનુન લે અહલીલ અર્ઝ (બેહાર – 92/52)
“જ્યારે સૂરજ વાદળાની પાછળ છુપાયેલો હોય છે ત્યારે પણ લોકો સૂરજનો ફાયદો ઉઠાવતા હોય છે. એવી જ રીતે અમારી ગૈબતમાં લોકો અમારો ફાયદો ઉઠાવશે અને બેશક જમીનના રહેવાસીઓ માટે હું રક્ષણ (નિર્ભયતા) છું.
સમીક્ષા :
આ હદીસના છેલ્લા ટુકડાથી સાફ જાહેર થાય છે કે ઇમામ (અ.સ.) જમીનના મહવર (ધરી સમાન) છે. આપ્નાં લીધે જ જમીન અને જમીનનાં રહીશો માટે અમાન છે. ઇમામ (અ.સ.) જાહેર હોય કે ગૈબતમાં હોય પણ તેમની જવાબદારી લોકોને ફૈઝ (ફાયદો) પહોંચાડવા અને દુનિયાને સમતોલ રાખવાની છે.
બીજી એક હદીસમાં નોંધવામાં આવ્યું છે કે જાબિર બિન અબ્દુલ્લાહ અન્સારીએ પયગમ્બર (સ.અ.વ.) ને પ્રશ્ર્ન પુછ્યો કે કાએમે આલે મોહમ્મદ (સ.અ.વ.) ની ગૈબતમાં શિયાઓ તેમનો ફાયદો કઇ રીતે મેળવી શકશે ? પયગમ્બરે (સ.અ.વ.) ફરમાવ્યું : એ જાતની કસમ, જેણે મને નબુવ્વત આપી છે. બેશક તેઓ ફાયદો મેળવશે અને તેઓ (અ.સ.) ની વિલાયતનાં નૂરથી તેજસ્વી બનશે. ઇમામ (અ.સ.) ની ગૈબતમાં એવી રીતે ફાયદો મેળવશે જેવી રીતે વાદળોની પાછળથી સૂરજનો ફાયદો મેળવવામાં આવે છે.
સ્પષ્ટીકરણ :
નૂરે વિલાયતથી ફાયદો ઉઠાવવાનો અર્થ એ થાય કે લોકો ઇમામનાં અસ્તિત્વથી ઇલ્મ અને હિદાયત મેળવશે અને તેમના વજૂદની બરકતથી શફાઅત મેળવશે અને તેમના વજુદથી જ લોકોના ઇલ્મ અને માઅરેફતમાં વધારો થશે, બલાઓ રદ થશે અને લોકો અઝાબથી સુરક્ષિત રહેશે.
હવે અમે ગૈબતમાં ઇમામ (અ.સ.) ની વધુ જવાબદારીઓ રહીં રજુ કરીએ છીએ.
(1) ઇલ્મ અને હિદાયત આપવી.
(2) શફાઅત અતા કરવી.
(3) લોકો પર ઇલ્મ અને માઅરેફત જાહેર કરવી.
(4) બલાઓને ટાળવી.
(5) લોકોને અઝાબથી સુરક્ષિત રાખવા.
આ ઉપરાંત પણ રિવાયતોમાં શોધવામાં આવે તો અઇમ્મા (અ.મુ.સ.)ની અનેક જવાબદારીઓ મળે છે. પરંતુ લેખને સંક્ષિપ્ત કરવા માટે અહીં માત્ર બે હદીસ રજુ કરીએ છીએ. જેમાં અમારા આ વિષયનો સારાંશ આવી જાય છે.
(1) કાલસ સાદેકો (અ.સ.) માઝાલતીલ અર્ઝો ઇલ્લા વ લિલ્લાહે ફી હલ હુજ્જતો યોઅરરેફુલ હલાલ વલ હરામ વયદઉન્નાસ એલા સબિલિલ્લાહ (ઉસુલે કાફી – 1 – બાબે ઇન્નલ અરઝ ફીલ હજ્જહ)
અલ્લાહ તરફ બોલાવનાર અને હલાલ તથા હરામ તથા વાકેફ કરનારથી (ઝમીન) ક્યારેય ખાલી નહી રહે.
લોકોને કાલ સાદીક (અ.સ.) – ઇન્નલ અરઝ લા તખલુ ઇલ્લા વ ફીહા એમામુન ક્યમાં ઇન ઝાદલ મઅમેનુન શયઅન રદદહુમ વઇન નકસુ શયઅન અતમ્મહ લહુમ. (ઉસુલે કાફી – 1 – ઉપરના હવાલા મુજબ)
બેશક, જમીન ક્યારેય ઇમામ (ના વજુદ)થી ખાલી નહીં રહે. જો કોઇ મોઅમીન દીનમાં કોઇ બાબત વધારી દે તો તેને (ઇમામ અ.સ.) રદ કરી દેશે અને કોઇ બાબત ઘટાડી દેશે તો આપ (અ.સ.) તેને પુરી કરી દેશે.
ઉપરોક્ત બન્ને હદીસોથી ઇમામ (અ.સ.)ની નીચે મુજબની જવાબદારીઓ પ્રતિપાદીત થાય છે.
(1) આ કાએનાતમાં (મેહવર) ધરી સમાન બનીને રહેવાની ઇમામ (અ.સ.) ની જવાબદારી.
(2) લોકોને હરામ અને હલાલથી પરિચિત કરાવવા.
(3) લોકોને ખુદા તરફ નિમંત્રીત કરવા.
(4) લોકો દીન (ના એહકામ) માં ફેરફાર, વધારો અથવા ઘટાડો કરે તો તેની સુધારણા કરીને દીનને વ્હેમો (શંકા – કુશંકા) અને ખોટી કલ્પ્નાથી સુરક્ષિત રાખવો.
અલ્લાહુમ્મ કમા જઅલ – ત કલ્બી બેઝીકરેહી મઅમુરન ફજઅલ સેલાહી બે – નુસ્રતેહી મશહુરા.
બારે ઇલાહા, જે રીત તે મારા દિલમાં તેઓ (ઇમામે ઝમાના (અ.સ.) નીયાદને જગા આપી તેવી જ રીતે અમારા હથિયારોને ઇમામ (અ.સ.) ના રક્ષણ માટે અજમાવવાની મને પ્રેરણા આપ.
Comments (0)