ઇમામે ઝમાના (અજ.) ના લકબ

ઇન્સાનના ગુણો અને વિશીષ્ટતાને તેના ઇલકાબ વડે જાહેર કરવામાં આવે છે. જો કે વર્તમાન યુગના માનવની વિશીષ્ટતા તેના ઇલકાબ મુજબની જ હોય તેવું ભાગ્યેજ બને છે. આના દાખલા તમે તમારી આસપાસની દુનિયામાં દરરોજ જોતા હશો. ક્યારેક તો એવું પણ બને છે કે લોકોને પોતાના ઇલકાબનો અર્થ શું થાય તેની ખબર હોતી નથી આ એક જુદી જ દાસ્તાન છે.
અંબિયા અને અઇમ્મા (અ.મુ.સ.) ને જે ઇલકાબ આપવામાં આવ્યા હતા, તે તેમની ખાસ વિશેષતાઓ પ્રમાણે આપવામાં આવ્યા હતા. જેમ કે જનાબે મુસા (અ.સ.) ને ‘કલીમુલ્લાહ’ કહેવામાં આવ્યા હતા જેનો અર્થ એ હતો કે ખુદાવંદે આલમે તેમની સાથે વાત કરી હતી. રસૂલે ખુદા (સ.અ.વ.) ને ‘રહમતુલ્લીલ આલમીન’ એ માટે કહેવામાં આપ્યો છે. આં હઝરત (સ.અ.વ.) ની ઝાતે બાબરકત અને આપની પવિત્ર શરિયત આખી દુનિયાને માટે રહમત છે. આ જ બાબત અઇમ્મા (અ.મુ.સ.) ને પણ લાગુ પડે છે.
હઝરત ઇમામે ઝમાના અલયહીસ્સલામનો દરેક લકબ એક ખાસ હકીકત સ્પષ્ટ કરે છે. જનાબે મોહદ્દીસ નૂરી અલયહી રહમહ વર રીઝવાને તેઓની કિતાબ ‘નજમુસ – સાકીબ’ માં ઇમામે ઝમાના (અ.સ.) ના 182 નામો અને ઇલકાબોનો હવાલા સાથે ઉલ્લેખ કર્યો છે.
જે લોકો જુદી જુદી દોઆઓ પડવાની શોખીન છે અને દોઆઓને માત્ર સવાબ મેળવવાની નિયતથી નહીં પણ એહલેબૈત (અ.મુ.સ.) ની ઉચ્ચ તાલીમની પ્રાપ્તિ માટે ખૂબજ ધ્યાનપૂર્વક પઢે અને વાંચે છે તેઓ જાણે છે કે આ દોઆઓમાં હઝરત ઇમામે ઝમાના (અ.સ.) ને ક્યા ક્યા ઇલકાબથી યાદ કરવામાં આવ્યા છે. આ બારામાં દોઆએ નુદબા, સલવાતે અબુલ હસન ઝરરાબ ઇસ્ફહાની, ઝીયારતે આલે યાસીન, દોઆએ અહદ, અને સલવાતે ખાસ્સા નોંધનીય છે. આ બધી દોઆએ મફાતીહલ જીનાનમાં મૌજુદ છે. (જે અરબીના ગુજરાતી લિપિયાંતર સાથે પણ પ્રસિદ્ધ થઇ છે.) આ વિષયના અનુસંધાને અત્રે માત્ર એક લકબનો ઉલ્લેખ કરીએ છીએ.
ઇમામે ઝમાના (અ.સ.) :
ઇમામ મહદી (અ.સ.) નો આ લકબ, આપણી રોજ બરોજની વાતચીત અને દોઆઓમાં વપરાય છે, તે ઇમામ (અ.સ.) ની પવિત્ર ઝાત માટે ખાસ છે. ઇમામ મહદી (અ.સ.) નો આ લકબ ‘ઇમામે ઝમાના’ કાને પડે છે કે તુરતજ આપણુ દિમાગ ઇમામે અસ્ર તરફ કેન્દ્રીત થઇ જાય છે. ઇમામે ઝમાના, સાહેબુઝઝમાન, ઇમામે અસ્ર, સાહેબે અસ્ર, વલીએ અસ્ર,…. આ બધા લકબ એક જ હકીકતનું નામ છે. આ બધા લકબ સાંભળી સાંભળીને આપણા કાન એટલા બધા ટેવાઇ ગયા છે કે આપણા દિમાગોમાં અનેક પ્રશ્ર્નો ઉદ્ભવતા હોય છે, તે હકીકત તરફ આપણું ધ્યાન જતુ નથી. જો આપણે આ લકબ અને તેના અર્થઘટનથી પરિચિત થઇ જઇએ તો આવા પ્રશ્ર્નો ઉદ્ભવવાની સંભવના જ રહેશે નહીં.
ઇમામે ઝમાના (અ.સ.) :
આ બે શબ્દનો સમૂહ છે. પહેલામાં ઇમામ, સાહેબ, વલી અને બીજામાં ઝમાના, અને અસ્ર ઇમામને ઇમામ એ માટે કહેવામાં આવે છે કે તેઓ લોકોથી આગળ ચાલનાર હોય છે, અને લોકો તેમની પાછળ ચાલતા હોય છે. ઇમામ (અ.સ.) લોકોની આગેવાની કરે છે. લોકો તેમનું અનુસરણ (પૈરવી) કરતા હોય છે. આ વાત નમાઝે જમાઅતમાં પેશ નમાઝની ઇમામતથી વધુ સ્પષ્ટ થાય છે. નમાઝે જમાઅત પઢતા નમાઝીઓ ઇમામને અનુસરતા હોય છે. જ્યારે ઇમામ નમાઝમાં રૂકુઅ કરે છે ત્યારે પાછળ નમાઝ પઢનારા રૂકુઅ કરે છે. અને સજદામાં જાય ત્યારે સજદામાં જાય છે. નમાઝે જમાઅતમાં ઇમામની પાછળ નમાઝ પઢનારા પેશઇમામને અનુસરે છે. પેશ ઇમામ તેમની પાછળના નમાઝીઓને અનુસરતા નથી. સાહેબ અને વલી એટલે માલીક, ઇરાદાઓનો માલીક, માલીકને તેની સૃષ્ટિ ઉપર પુરે પુરો અધિકાર આપવામાં આવ્યો છે.
આપણે આપણા ઇમામને ઇમામે ઝમાના (અ.સ.) કહીએ છીએ. જે અકીદાની રીતે નહીં પણ તે હકીકત છે, માટે કહીએ છીએ. ખુદા સિવાય જે કોઇ વસ્તુઓ છે તે બધી વસ્તુઓનો સમાવેશ ઝમાનામાં થાય છે. ઝમીન અને આસમાનની કોઇ વસ્તુઓ ‘ઝમાના’ ની ‘હદો’ ની બહાર નથી.
હકીકત આમ છે તો આપણા હઝરત મહદી આખેઝઝમાન અલયહીસ્સલામ આ સમગ્ર કાએનાત ઇમામ છે. અને ઇમામ છે તો આખી કાએનાત – જમીન, આસમાન, ચાંદ સિતારા.. બધા ઇમામના પૈરવ (અનુસરનારા) છે. અને ઇમામની પાછળ ચાલે છે. ઇમામ ઝમાનાની પૈરવી કરતા નથી પણ ઝમાનો ઇમાની પૈરવી કરી રહ્યો છે. ઇમામે વક્ત ઝમાના પર અસર અંદાઝ છે તેઓ ઝમાનાની અસરને કબુલ કરતા નથી આવો આ વાતની રૌશનીમાં સૂરએ ‘અસ્ર’ની તિલાવત કરીએ :
બિસ્મિલ્લાહ – હીર – હરમા – નીર – રહીમ
વલ અસ્રે ઇન્નલ ઇન્સાન લ ફી ખુસરીન ઇલ્લલ્લઝીન આમનૂ વ અમેલુસ સાલેહાતે વ તવાસવ બીલ હક્કે વ તવાસવ બીસસબ્ર.
આ સુરામાં જે ઇન્સાનોના નફા અને નુકસાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે એ ઇન્સાનો છે જે અસ્ર (ઝમાના) ની પછી છે. જે ઝમાનાના કાળચક્રના શિકાર થએલા છે. તેની સુંદરતામાં ફસાએલા છે. તે ઝમાનાની ગાંઠમાં ગુંથએલા છે. નફા અને નુકસાનની કલ્પ્ના તેવા લોકો વિશે જ થઇ શકે છે. પરંતુ ઇમામે અસ્ર, વલીએ અસ્ર બલ્કે તમામ અઇમ્મએ માઅસુમીન (અ.મુ.સ.) ની ઝાત ઝમાના પર શ્રેષ્ઠતા (ઉચ્ચતા – અગ્રતા) ધરો છે. તેઓ ઝમાનામાં રહેતા હોવા છતાં તેની હદો અને મર્યાદાના પાબંદ નથી. તેઓની ઝાત નફા અને નુકસાનની કલ્પ્નાથી પણ ઉચ્ચ છે તેમના વિશે આનો પ્રશ્ર્ન જ ઉપસ્થિત થતો નથી.
અહીં એ પ્રશ્ર્ન થઇ શકે છે કે એ ઝાત એટલી ઉચ્ચતમ છે જેની અઝમત ઇન્સાની કલ્પ્નાની પણ બહાર છે – દુનિયાની બધી જ વિશાળતાનું મહત્વ તેઓની સામે એક રજકણથી વધારે નથી. તેઓની ચરણ રજ દરેક તાલિબે હકની દ્દષ્ટિમાં આંતરદ્દષ્ટિની પ્રાપ્તિ માટેના કાજળ સમાન છે.
આવી અઝીમુશ્શાન હસ્તીને ખુદાવંદે આલમે શા માટે ગૈબતના પર્દામાં સંભાળીને રાખી છે ?
તમામ અંબિયા અને મુરસલીન હઝરત મોહમ્મદ મુસ્તુફા સલ્લલ્લાહો અલયહે વ આલેહી વસ્સલ્લમની બેઅસત અને આગમનની પૂર્વભૂમિકા રૂપે હતા. અને ખત્મી મરતબત હઝરત મોહમ્મદ મુસ્તુફા (સ.અ.વ.) ને એ માટે નીમવામાં આવ્યા કે તેઓ ઇન્સાનને તેની યોગ્યતાના અંતિમ (શ્રેષ્ઠતમ) બિંદુ સુધી પહોંચાડે અને આં હઝરતે (સ.અ.વ.) તે કામને અંજામ પણ આપ્યું. પરંતુ હુઝુર (સ.અ.વ.) પછી કાવત્રાઓનો કાફલો એટલો બધો ચુપચાપ અને ધીમેથી પ્રવેશી ગયો કે આપની તબ્લીગનો સંદેશો સામાન્ય જનતા સુધી પહોંચી શક્યો નહીં અને દરેક વ્યક્તિ પયગમ્બર (સ.અ.વ.) ની વાસ્તવિક તાલીમનો પૂરેપૂરો ફાયદો ઉઠાવીને શ્રેષ્ઠતાના તે અંતિમ બિંદુ સુધી પહોંચી ન શક્યો. આ માટે દરેક અઇમ્મા અલયહે મુસ્સલામનું આગમન આ હેતુ અને આશયો માટે યોગ્ય વાતાવરણમાં ઉભુ કરવા અને ઇમામ મહદી (અ.સ.) નો ઝુહુર આ અરમાન અને હેતુની પૂર્ણતા માટે છે.
“યમ્લઅુલ અર્ઝ કીસ્તન વ અદલા બઅદ મા મોલેઅત ઝુલ્મન વ જવરા.
તેઓ ઝમીનને એ રીતે અદલ અને ઇન્સાફથી ભરી દેશે જે રીતે તે ઝુલ્મ અને અન્યાયથી ભરેલી હશે. આ મુજબ હઝરત હુજ્જત અલયહીસ્સલામની પવિત્ર ઝાત ખલકત (ઉત્પતિ) અને બેઅસત (અંતિમ પયગમ્બરના કાર્યો) ની પરાકાષ્ઠા છે.
હવે જ્યારે એ વાત સ્પષ્ટ થઇ ગઇ કે ઇમામ મૂળ, અને કાએનાત ડાળી છે, ઇમામ મુકદ્દમ (મુખ્ય) છે અને કાએનાત મોવસ્સર (અંત) છે તો પછી એમ કહેવામાં જરાએ અતિશયોક્તિ નથી, પરંતુ મૂળ હકીકત છે કે, આખી કાએનાતને ઇમામે ઝમાના (અ.સ.) ની ઝાતથી જ અસ્તિત્વ અન આજીવિકા મળે છે.
“બે મોયેનેહી રોઝેકલ વરા વ બે વોજુદેહી સબતલ અર્ઝ વસ સમાઅ.”
તેઓ (અ.સ.) ની બરકતથી જ લોકોને રોજી મળે છે. અને તેઓને કારણે જ આસમાન અને ઝમીનનું અસ્તિત્વ છે.
એક હૃદયસ્પર્શી બનાવ અત્રે રજુ કરીએ છીએ. જેને ધ્યાનપૂર્વક વાંચજો. આ બનાવ હઝરત આયતુલ્લાહ આકાએ વહીદ ખુરાસાની, દામઝીલ્લહુ અઅલા, એ નોંધ્યો છે.
સાહેબે કીફાયહ આખુન્દી ખુરાસાની, અલયહી રહમહ વર રીઝવાન, ના ફરઝંદ મિરઝા એહમદ બયાન કરે છે કે : મારી માતા બિમાર પડ્યા હતા. તેમની બિમારી દિવસે દિવસે વધતી જતી હતી. અમે લોકો ખૂબજ ચિંતિત હતા. ડોક્ટરો પણ આ બિમારીના ઇલાજ માટે હૈરાન હતા. એક દિવસ અમને એવા સમાચાર મળ્યા કે : નજફે અશરફમાં એક બુઝુર્ગ પધાર્યા છે. જેઓ ‘ઇલ્મે રમલ’ જાણે છે. હું અને મારા ભાઇ મિરજા મોહમ્મદ તેમની પાસે ગયા અને હઝરત અરૂમીલ મોઅમેનીન (અ.સ.) ના પવિત્ર હરમમાં તેઓ સાથે મુલાકાત કરી. અમે કહ્યું અમે આપની પાસેથી એક વાત જાણવા માંગી છીએ. અમે નિય્યત કરીશું અને આપ તે વાતનો જવાબ આપજો. તેઓએ તેમની તસ્બીહના પારા ફેરાવ્યા અને કહ્યું કે જેની બિમારી વિશે તમે પૂછવા માગો છો, તેમના આખા શરીરમાં બિમારી ફેલાઇ ચૂકી છે. તેમને શફા (રાહત) થવાની કોઇજ શક્યતા નથી. બે દિવસમાંજ તેમનો ઇન્તેકાલ થઇ જશે. અમે અમારી માતાની બિમારી વિશે નિય્યત કરી હતી. ત્યાર પછી મારા ભાઇએ કહ્યું કે : હું નિય્યત કરૂં છું. આપ એ સવાલનો પણ જવાબ આપજો. તેઓએ ફરીથી તસ્બીહના પારા ફેરવ્યા કે તુરતજ તેમના ચહેરાનો રંગ ફીક્કો પડી ગયો. તેઓએ ફરીથી તસ્બીહના પારા ફેરવ્યા તો તેમના ચહેરાનો રંગ પહેલા કરતા વધારે ફીક્કો થઇ ગયો. તેઓએ કહ્યું : તમે જેના વિશે નિય્યત કીર હતી તેઓ પહેલા લેબેનોનમાં હતા, પછી જોયું તો કાઅબામાં હતા, અને અત્યારે મદીનામાં દેખાઇ રહ્યા છે. ફરી પાછી તસ્બીહ ફેરવીને કહ્યું કે : હું જોઇ રહ્યો છું કે સૂરજ તેઓના મસ્તકની આસપાસ ધૂમી રહ્યો છે અને તેઓ ઇમામે ઝમાના અલયહીસ્સલામ છે.
આ વાતા પાયા વગરની ન હોઇ શકે કેમ કે જ્યારે ઇમામે અસ્ર અલયહીસ્સલામની ઝાત (કુત્બે – આલમે – ઇમ્કાન) દુન્યાના અસ્તિત્વની ધરી સમાન છે. તો સૂરજ તેઓ (અ.સ.) ની આસપાસ ધુમે તો તેમાં નવાઇ પામવા જેવું કંઇ નથી.
વર્તમાન સમયમાં આપણે એ અઝીમુશ્શાન ઇમામની ઇમામતમાં જીવન વ્યતીત કરી રહ્યા છીએ. પરંતુ અફસોસની વાત છે કે આપણે એ ઇમામ (અ.સ.) થી કેટલા વિમુખ (દૂર) અને (નાઆશના) અપરિચિત છીએ. જો આપણે દિલના ઉંડાણથી તેઓની માઅરેફત મેળવીએ તો દીન અને દુનિયાની તમામ મુશ્કેલીઓનો નિવેડો આપ મેળેજ આવી જશે.
ઇમામે ઝમાના (અ.સ.) ના ચાર નાએબ (નવ્વાબે અરબાઅ)
હઝરત ઇમામ હસન અસ્કરી (અ.સ.) ની વફાત (સામર્રહ 8 રબીયુલ અવ્વલ હી. 260) પછી ઇમામતની કબા હઝરત મહદી અલયહીસ્સલામ પાસે આવી. તે જમાનામાં ખલીફાના સખ્ત ઝુલ્મને કારણે ઇમામ લોકોની નજરથી ઓઝલ થઇ ગયા અને ગૈબતની શરૂઆતના પ્રાથમિક તબક્કા (ગૈબતે સુગરા)માં શિયાઓના કેટલાક ખુબજ મહત્વના માણસોને એ વાતની પરવાનગી આપવામાં આવી હતી કે તેઓ જરૂરત પડે ત્યારે ઇમામની પાસે જઇને શિયાઓના પ્રશ્ર્નો અને દરખાસ્તો રજુ કરી શકે અને તેના જવાબ પ્રાપ્ત કરી શકે. આ માણસોને નવ્વાબે ખાસ્સહ, વાકેલા, (વકીલો અને દરવાઝએ – ઇમામના નામથી યાદ કરવામાં આવે છે. આ ઉચ્ચ હોદ્દા પર ચાર ઇન્સાનો નિમાયા હતા અને ચારેય બગદાદમાં નિવાસ કરતા હતા. આ ઉપરાંત પણ બીજા શહેરોમાં ઇમામ (અ.સ.) ના કેટલાક પ્રતિનિધિઓ મૌજુદ હતા. શિયાઓ તેમના પ્રશ્ર્નો તેઅ સમક્ષ રજુક રતા અને પોતાના હકુકે શરઇ આ પ્રતિનિધિઓ અથવા નવ્વાબે અરબાઅને પહોંચડતા. આ ચારેય નવ્વાબે અરબાઅના જમાનામાં તેઓની કેટલીય કરામતો જાહેર છે જે વિવિધ કિતાબોમાં મૌજુદ છે.
નવ્વાબે અરબઅ
પહેલા નાયબ :
અબુ અમ્ર ઉસ્માન બીન સઇદ અમ્રવી :
આ પહેલા નાએબ બની અસદના કબીલામાંથી હતા. તેઓ દાદાના કૌટુંબિક નામને લીધે અમ્રવી તરીકે ઓળખવામાં આવતા. એક રિવાયત પ્રમાણે હઝરત ઇમામ હસન અસ્કરી (અ.સ.) ના કહેવાથી તેમની કુન્નીયત અબુ અમ્રથી બદલાવીને અમ્રવી કરી નાખી હતી. તેઓ “અસ્કરી” તેમજ સમ્માન (તેલના વેપારી પણ કહેવાતા હતા. તેમની વિલાદતતી સાચી તારીખ જાણવા મળતી નથી. લોકો તેમને હઝરત ઇમામ અલી નકી (અ.સ.) ના વકીલ તરીકે પણ ઓળખતા હતા.
પહેલા નાએબ ઇમામ (અ.સ.) ની અમાનત અને માલને તેલના ડબ્બામાં રાખીને (ઇમામ અ.સ. ના હુકમ પ્રમાણે પોતાનો પરિચય વેપારી તરીકે આપતા હતા. જેથી તે સમયની સમક્ષ રજુ કરતા. જેથી આપ (અ.સ.) ને ‘સમ્માન’ કહેવાય છે. તેઓ હી. 254 સુધી ઇમામ અલી નકી (અ.સ.) ના વકીલ રહ્યા. ઇમામે (અ.સ.) તેઓ વિશે ફરમાવ્યું :
“આ અબુ અમ વિશ્ર્વસનીય અને અમાનતદાર છે. (તેઓ) જે કંઇ બયાન કરે છે તે મારા તરફથી બયાન કરે છે. અને જે કાંઇ પહોંચાડે છે તે મારા તરફથી જે પહોંચાડે છે. હીજરી 245 માં ઇમામ અલી નકી (અ.સ.) નો ઇન્તેકાલ થયા પછી તેઓ ઇમામ હસન અસ્કરી (અ.સ.) ના વકીલ નિયુક્ત થયા. ઇમામ હસન અસ્કરી (અ.સ.) એ તેમના વિશે ફરમાવ્યું : આ અમ (મારી) પહેલાના ઇમામના વિશ્ર્વસનીય અને અમાનતદાર છે. તેમજ મારી હયાતીમાં અને વફાત પછી મારા વિશ્ર્વસનીય અને અમાનતદાર છે. તેઓ તમારા માટે જે કાંઇ બયાન કરે છે (1) તે મારા તરફથી બયાન કરે છે, તેઓ તમારા સુધી જે કાંઇ પહોંચાડે છે તે મારા તરફથી પહોંચાડે છે. (2)
ઇમામ અલયહીસ્સલામે આમ પણ ફરમાવ્યું : એ વાત પર સાક્ષી રહેજો કે ઉસ્માન બિન સઇદ મારા વકીલ છે, અને તેમના ફરઝંદ મોહમ્મદ, મારા ફરઝંદ મહદી (અ.સ.) ના વકીલ છે. (3)
જ્યારે ઇમામ હસન અસ્કરી (અ.સ.) ને ત્યાં ફરઝંદ (ઇમામ મહદી અ.સ.) ની વિલાદત થઇ ત્યારે આપે અબુ અમરૂને દસ હજાર રતલ રોટી અને દસ હજાર રતલ ગોશ્ત બની હાશીમમાં વ્હેંચવાનો હુકમ આપ્યો અને અકીકામાં કેટલાય ઘેંટા ઝબ્હ કર્યા.
ઇમામ હસન અસ્કરી (અ.સ.) ની એક બેઠકમાં જેમાં ઇમામ (અ.સ.) ની ચાલીસ ખુજબ નજદીકના માણસો હાજર હતા તેમાં આપે (અ.સ.) હઝરત ઇમામ મહદી (અ.સ.) ને બતાવી તેઓ (અ.સ.) નો પરિચિય કરાવ્યો. અને તેઓ (અ.સ.) ની ઇમામત અને ગૈબતનો ઉલ્લેખ કર્યો. તે પછી ઇમામ મહદી (અ.સ.) તરફથી ઉસ્માન બિન સઇદ વકીલ હોવાની તાકીદ કરી. આમની વાતોને કબુલ કરજો, તે તમારા ઇમામના પ્રતિનિધિ છે અને ઇમામના હકમો અને કાર્યોની જવાબદારી તેઓના શીરે છે. (4)
ઇમામ હસન અસ્કરી (અ.સ.) ની વફાત પછી તેઓના ગુસ્લ કફનમાં હાજર રહ્યા અને તેઓ (અ.સ.) ના પ્રમાણેના કામ કરતા રહ્યા. હી. 260માં ઇમામ હસન અસ્કરી (અ.સ.) ની વફાત પછી તેઓ હઝરત મહદી અલયહીસ્સલામના પહેલા નાએબ ખાસ નિયુક્ત થયા પાંચ અથવા સાત વર્ષ સુધી નાયબ રહ્યા અને પોતાની વફાત પહેલા ઇમામ (અ.સ.) ના વકીલ તરીકે નિયુક્ત કર્યા, અને બધી જવાબદારી તેમને સોંપી. ઉસ્માન બીન સઇદની વફાત પછી તેઓના ફરઝંદે તેઓને ગુસ્લ કફન આપ્યું અને બગદાદના પશ્ર્ચિમ ભાગમાં દફન કર્યા. શેખ તુસી અલયહીરરહમા કહે છે કે હીજરી 447 સુધી લોકોતેઓને એક નેક મુત્તકી અને પરહેઝગાર ઇન્સાન તરીકે અથવા તો ઇમામ હુસૈન (અ.સ.) ના (રઝાઇ) દૂધ ભાઇ તરીકે ઓળખતા અને મુલાકાત કરતા હતા. પરંતુ ઇમામે ઝમાના (અ.સ.) ના નાએબ તરીકે તેઓનો કોઇને પરિચિય ન હતો. આનાથી એ વાત સ્પષ્ટ થાય છે કે બે શતાબ્દી પસાર થઇ જવા પછી પણ લોકો તેઓને ઓળખી શક્યા ન હતા. તેઓ અબ્બાસી ખલીફા મોઅતમદના સમકાલીન હતા.
(2) બીજા નાયબ:
અબુ જઅફર મોહમ્મદ બિન ઉસ્માન બિન સઇદ અમ્રવી:
તેઓના પિતાના ઇન્તેકાલ પછી તેઓ બીજા નાએબ બન્યા. તેમની વકીલાતનું સમર્થન ખુદ ઇમામ હસન અસ્કરી (અ.સ.) એ કર્યું હતું અને ઇમામે ઝમાના અલયહીસ્સલામે મોહમ્મદ બીન શહરયારના નામે જે તૌકીઅ (લેખિત સંદેશો મોકલી હતી. તેમાં મોહમ્મદ બીન ઉસ્માન વિશે ફરમાવ્યું હતું કે : ખુદા તેઓનું રક્ષણ કરે, તેઓ તેમના પિતાના જમાનાથી અમારા વિશ્ર્વસનીય છે. ખુદા તેમનાથી અને તેના પિતાથી ખુશ રહે અને તેના પિતાની રૂહને ખુશહાલ કરે. તેઓ તેમના પિતા પછી તેમના હોદ્દા પર છે. તેઓ જે કાંઇ બયાન છે તે અમારો કૌલ છે અને તેઓ અમારા હુકમ પર અમલ કરે છે. ખુદા તેમનું સમર્થન કરે, તેમની વાતોને કબુલ કરે છે અને અમારો અભિપ્રાય તેમની પાસેથી જાણો.
ઇસ્હાક બિન યાઅકુબની તૌકીઅમાં ફરમાવ્યું : “ખુદા મોહમ્મદ બિન ઉસ્માન અને તેના પિતાથી ખુશ થાય તેઓ મારા વિશ્ર્વસનીય અને ભરોસાપાત્ર છે. તેઓનું લખાણ મારા લખાણ સમાન છે. તેઓ આશરે ચાલીસ વર્ષ સુધી ઇમામ મહદી (અ.સ.)ના વકીલ રહ્યા. તેઓને સૌથી પહેલા જે તૌકીઅ (ઇમામે ઝમાના અ.સ. તરફથ તેમની સહી વાળુ લેખિત ફરમાન) મળી તેમા તેમના વાલીદના ઇન્તેકાલની દિલસોઝી વ્યક્ત કરવામાં આવી હતી. “આપણે ખુદાની તરફથી આવ્યા છીએ અને તેની જ તરફ પાછા ફરવાનું છે. તેના હુકમનો સ્વીકાર અને તેના હુકમ પર રાજી રહીએ છીએ. તમારા પિતાએ સત્યમય જીવન ગુજાર્યુ અને હક પર મૌત મેળવી. ખુદાવંદા તેમની ઉપર રહેમત કરે અને તેઓને તેમના દોસ્તો (અઇમ્મએ માઅસુમીન અલયહેમુસ્સલામ) સાથે મેળવી આપે. જે બાબત તેઓને ખુદાની બારગાહમાં ઉચ્ચ દરજ્જો અને અઇમ્માથી નજદીકી આપે તે માટે કોશિશ કરતા રહેતા હતા. ખુદા તેમને ખુશ કરે અને તેમનો દરજ્જો બુલંદ કરે. ખુદા તમારા અજ્રમાં વધારો કરે અને તમારી મુસીબતોને દૂર કરે. તમે ગમગીન થયા તેથી અમે પણ ગમગીન થયા. તેમના ઇન્તેકાલથી તમારી સાથે અમને પણ (એટલીજ) અસર થઇ છે. ખુદા તેઓને તેના (ખુદા તરફ) પાછા ફરવામાં ખુશ કરે. આ તેઓની સત્યતાનો કમાલ હતો કે તેઓને તમારા જેવા ફરઝંદ નસીબ થયા. તમો તેમના જાનશીન અને તમેના નાયબ બન્યા. ખુદા તેમની ઉપર રહેમત નાઝીલ કરે. હું અને ખુદાની પ્રસંશા કરૂં છું જેની બારગાહમાં નફ્સ પાકો પાકીઝા છે. ખુદાએ જે કાંઇ તમારામાં અને તમોને આપ્યું છે તેમાં તમારી મદદ અને રક્ષણ કરશે. અલ્લાહ વલી, અને સંરક્ષક છે તે તમને તૌફીક આપશે.”
ઇબ્ને – નુહે, અબુ નસ્ર હેબતુલ્લાહ ઉમ્મે કુલસુમ બિન્તે અબુ જઅફરે ભાણેજથી રિવાયત કરી છે કે મોહમ્મદ બિન ઉસ્માનની ઘણી કિતાબો હતી. તેમજ એક કિતાબ તેઓએ ફીકહના વિષયમાં સંપાદીત કરી હતી. (એક કિતાબમાં તેઓએ ઇમામે ઝમાના (અ.સ.) વિશેની તમામ બાબતો લખી હતી જે તેમણે તેમના પિતા ઉસ્માન બિન સઇદ પાસેથી સાંભળી હતી. આ કિતાબોમાં “કિતાબુલ અશરબ પણ છે, જે મોહમ્મદ બિન ઉસ્માનની વફાત પછી હુસૈન બિન રવ્હ. અને તેમના પછી સંભવત: અબુલ હસન સમરી સુધી પહોંચી છે.
શેખ સદ્દક મોહમ્મદ બિન ઉસ્માનથી રિવાયત નોંધે છે કે:
ખુદાની કસમ, સાહેબુલ અમ્ર અલયહીસ્સલામદસ વર્ષે હજની મોસમમાં મક્કામાં પધારે છે તેઓ લોકોને જુવે છે અને ઓળખે પણ છે, પરંતુ લોકો તેમને જુવે તો છે ઓળખતા નથી. (8)
મોહમ્મદ બિન ઉસ્માન (ર.અ.) ને પૂછવામાં આવ્યું કે તમે સાહેબુલ અમ્ર અલયહીસ્સલામને જોયા છે ? ફરમાવ્યું હા, છેલ્લે આપ (અ.સ.) ને ખાન – એ – કાબામાં જોયા હતા. જ્યારે આપ દોઆ કરી રહ્યા હતા. : અલ્લાહમ અનજઝલી મા વઅત્તની. ખુદાયા, મારા સાથે તે જે વાયદો કર્યો છે તે પૂર્ણ કર. અને જોયા કે મુસ્તજાર (ખાન – એ – કાઅબાના દરવાજાની બાજુનો ભાગ) પર ખાનએ કાઅબાનો પર્દો પકડીને ફરમાવ્યું : અલ્લાહમ્મ ઇન્તકુલ બી મિન અઅદાએક. ખુદાયા, તારા દુશ્મનોનો બદલો મારી મારફત લે. અબુ અલી, અબુલ હસન અલી ઇબ્ને એહમદ નોંધે છે કે : એક દિવસ મોહમ્મદ બિન ઉસ્માન મારો હાથ પકડીને લઇ ગયા અને પોતાની કબ્ર મને દેખાડી અને કહ્યું, ફલાણા – ફલાણા દિવસે મારો ઇન્તેકાલ થશે અને હું આ કબ્રમાં દફન થઇશ અને આ તખ્તી (જે તખ્તી ઉપર કુરઆનની આયતો અને આજુબાજુની કિનારીઓ પર અઇમ્મા અલયહેમુસ્સલામના નામો કોતરેલા હતા.) પણ મારી પાસે હશે.
તેમણે જ્યારે આ કબ્ર બનાવવાનું કારણ પૂછ્યું ત્યારે જવાબ આપ્યો : મને હુકમ મળ્યો છે કે હું મારા બધા કામ પૂરા કરીને સમેટી લઉ.
તેઓ (મોહમ્મદ બિન ઉસ્માન) ની વફાત પહેલા જે લોકો તેમના નાએબ વિશે પૂછતા તો તેમને ‘હુસૈન બિન રવ્હ’ ની પાસે મોકલતા હતા. જમાદીઉલ અવ્વલ હી. 305 ના અંતમાં તેમનો ઇન્તેકાલ થયો બગદાદમાં કુફાના દરવાજાની સામે તેમના પિતાની કબ્રની સામે તેમને દફન કરવામાં આવ્યા. બની અબ્બાસના મોઅતમદ મુક્તફી અને મુક્તદર તેમના સમયના ખલીફા હતા.
ત્રીજા નાએબ :
અબુલ કાસિમ હુસૈન બીન રવ્હ નવ બખ્તી :
આ ત્રીજા નાએબ, મોહમ્મદ બિન ઉસ્માનની પછી નાએબે ઇમામ (અ.સ.) બન્યા હતા. તેઓ ‘નવબખ્ત’ કુટુંબના માનનીય વ્યક્તિ હતા. તેઓની વિલાદતની સાચી તારીખ જાણવા મળતી નથી.
અલી ઇબ્ને મોહમ્મદ મુતૈલ તેમના કાકાના હવાલાથી કહે છે કે મોહમ્મદ બિન ઉસ્માનનો ઇન્તેકાલ થયો તે વખતે તેઓ તેમના સરાહને (માથા બાજુના ભાગમાં) બેસીને વાતો કરતા હતા. તે વખતે મોહમ્મદ બિન ઉસ્માન તેમની પાંગત પાસે બેઠા હતા. ત્યારે મોહમ્મદ બિન ઉસ્માને મને હુકમ આપતા કહ્યું : હું હુસૈન બિન રવ્હને વસીય્યત કં. હું તેમના સરાહનેથી ઉભો થયો. અને હુસૈન બિન રવ્હનો હાથ પકડીને તેઓને મારી જગ્યાએ બેસાડ્યા. અને હું પોતે તેમની પાંગતની જગ્યાએ બેસી ગયો.
મોહમ્મદ બિન ઉસ્માન કહેવા લાગ્યા : અય હુસૈન બિન રવ્હ બિન અબુ બહર નવબખ્તી, તમે લોકોની વચ્ચે મારા જાનશિન અને મારા નાએબે ઇમામ (અ.સ.) છો. તમે લોકો અને ઇમામે સાહેબુલ અમ્ર (અ.સ.) વચ્ચે સફીર (એલચી) વકીલ, વિશ્ર્વસનીય અને ભરોસાપાત્ર છો. તમે તમારા મસાએલ માટે તેમની પાસેથી જવાબ મેળવજો. અને તમારા કાર્યો માટે તેઓ (અજ.) પર ભરોસો રાખજો. તમને આ વાત પહોંચાડી દેવાનો મને હુકમ આપવામાં આવ્યો હતો. જે મેં પહોંચાડી દીધી. (9)
હુસૈન બિન રવ્હના હાથમાં ઇમામે ઝમાના (અજ.) તરફથી જે પહેલી તૌકીઅ આપવામાં આવી હતી, તેમાં નેચી પ્રમાણેનું લખાણ હતું.
અમે તેઓ (હુસૈન બિન રવ્હ) ને ઓળખીએ છીએ. ખુદા તેઓને દરેક રીતે નેકીઓ અને પોતાની ખુશનુદગીની માઅરેફત અને તૌફીક અતા કરે. તેઓનો પત્ર મળ્યો. તેઓ અમારા વિશ્ર્વસનીય છે. તેઓનો દરજ્જો અમારી પાસે એવો છે જેનાથી તેઓ ખુશ થશે. તેઓ પર ખુદા (તેના) એહસાનમાં વૃદ્ધિ કરે. બેશક, ખુદા વિલાયત અને કુદરતવાન છે. એ ખુદાની હમ્દ છે. જેનો કોઇ શરીક નથી. ખુદાના અધિક દુરૂદ અને સલામ મોહમ્મદ (અ.સ.) અને તેમની આલ પર હોજો. (રવિવાર, 6 શવ્વાલ હી. 305)
મોહમ્મદ બિન ઉસ્માન પછી હુસૈન બિન રવ્હને વકીલ બનાવવાના બે કારણ હતા.
(1) આ હોદ્દા પર એવા શખ્સની નિમણૂંક થઇ શકે જે એટલી હદ સુધી (નિખાલસતા અને) ગુપ્તતા જાળવી શક્તો હોયકે ઇમામ (અ.સ.) તેમના દામનની નીચે હોય અને તે જાણવા માટે તેના કાતરથી ટૂકડા કરી નાખવામાં આવે તોય તે ઇમામ (અ.સ.) ને જાહેર ન કરે. હુસૈન બિન રવ્હ ઇમામ (અ.સ.) ના આની કરતા પણ વધુ મુખ્લીસ હતા.
(2) એ શંકાને દૂર કરવાનો હેતુ હતો કે કોઇને એ ખબર પડે કે જે લોકો મોહમ્મદ બિન ઉસ્માનથી વધુ નજદીક હતા તે જ તેમના નાએબ બનશે. કોઇને એવી કલ્પ્ના પણ ન હતી કે હુસૈન બિન રવ્હ આ હોદ્દા પર નિમાશે. બની અબ્બાસના જાસુસોને પણ હુસૈન બિન રવ્હના નાયબ બનવાની કલ્પ્ના સરખી પણ ન હતી. તેમના સિવાય બીજા પણ લોકો હતા જે મોહમ્મદ બિન ઉસ્માનની નજદીક હતી.
હુસૈન બિન રવ્હ તમેના તરફદારો અને વિરોધીઓ બંનેની દ્રષ્ટિએ ‘સાહેબે – ઇલ્મ’ હતા. તેઓ તકયયામાં જીવન વ્યતીત કરતા હતા. તેમના જીવનની બાબતો તે વખતના હાકીમો જાણતા હતા. તેઓ તેમની જીવનશૈલીથી લોકોના જીતતા હતા. તેઓના ઘણા મુનાઝરોની નોંધ પણ મળી આવે છે. જેનું મૂળ માઅસુમ એહલેબૈત (અ.મુ.સ.) છે. એક ચર્ચા પછી આપે ફરમાવ્યું :
“મને આસમાન પરથી ફેંકવામાં આવે, પક્ષીઓ મારા ટુકડે ટુકડા કરી નાખે, હવા એક ઝપાટામાં ઉડાવી દે, તે વાત પસંદ છે. પરંતુ ખુદાની દીનમાં મારા તરફથી કોઇ ફેરફાર કરૂં અથવા મારો અંગત અભિપ્રાય જાહેર કરૂં (તે પસંદ નથી). હું જે કાંઇ કહ છું (તેમની પર ખુદાના દુદો સલામ થાય, તે) હુજ્જતે ખુદા પાસેથી મેળવેલું છે.
અબુ સાલેહ નવબખ્તીને પૂછવામાં આવ્યું કે આપની બદલે હુસૈન બિન રવ્હને નાએબ બનાવવામાં આવ્યા તેનું શું કારણ ? તેમણે જવાબ આપ્યો કે કોને પસંદ કરવા તે અઇમ્માએ માઅસુમીન (અ.સ.) વધારે સારી રીતે જાણે છે. શિયાઓના વિરોધીઓ સાથે હું ચર્ચા અને મુનાઝેરો કરૂં છું. અબુ કાસિમની જેમ મને હઝરત હુજ્જત (અજ.) ની જગ્યાની ખબર હોત તો મારી ચર્ચા દરમ્યાન હું કોઇ દલીલ જવાબ રજૂ ન કરી શકત તો મારી વાતને સાબિત કરવા માટે ઇમામ (અ.સ.) ને દેખાડી દેત. પરંતુ અબુ કાસિમ તેવા નથી. જો ઇમામ (અ.સ.) તેમના દામનની નીચે હોય અને તેમને કાતરથી કાપીને ટુકડે ટુકડા કરી નાખવામાં આવે તો પણ તે ઇમામ (અ.સ.) ઉપરથી તેમનો દામન ખસેડીને દુશ્મનની સામે ઇમામ (અ.સ.) ને જાહેર નહીં કરે.
હુસૈન બિન રવ્હ આશરે એકવીસ (21) વર્ષ સુધી ઇમામ મહદી (અ.સ.) ના નાયબ રહ્યા. તેમનો ઇન્તેકાલ શાઅબાન હી. 326 માં થયો. તેઓને બગદાદમાં અલી બીન અહમદ નવબખ્તીના ઘર પાસે દફન કરવામાં આવ્યા. બની અબ્બાસના ખલિફાઓ મુક્તદર અને રાઝીનાં તેઓ સમકાલીન હતા.
(4) ચોથા નાએબ:
અબુલ હસન અલી બિન મોહમ્મદે સૈમુરી :
તેઓ હુસૈન બિન રવ્હના ઇન્તેકાલ પછી ઇમામ મહદી (અ.સ.)ના નાયબ નીમાયા હતા. તેઓની વિલાદતની સાચી તારીખ જાણવા મળી નથી. તેઓને ઇમામ હસન અસ્કરી (અ.સ.)ના ખાસ અસહાબ તથા બગદાદમાં ઇમામ મહદી (અ.સ.) ના નાયબ તરીકે ઓળખવામાં આવે છે. તેઓ ત્રણ વર્ષ સુધી ઇમામ (અ.સ.) ના નાયબ તરીકેના હોદ્દા પર રહ્યા હતા. તેઓએ આ ટૂંકી મુદ્દત દરમ્યાન તેમની પહેલાના નાયેબોની જેવા કોઇ નોંધપાત્ર કાર્ય બનાવ્યા ન હતા. તેઓની એક કરામત એ છે કે તેમણે અલી બિન બાબવીયહના ઇન્તેકાલના સમાચાર આપ્યા હતા.
હઝરત હુજ્જત (અજ.) તરફથી જે છેલ્લી તૌકીઅ આપવામાં આવી તેમાં આ પ્રમાણે જણાવવામાં આવ્યું હતું કે ‘ગયબતે – સુગરા’ નો યુગ હવે પુરો થાય છે. :
બિસ્મિલ્લા હિર રહમા નિર રહીમ
અય અલી બિન મોહમ્મદ સૈમુરી, ખુદા તમારા વિશેની મુસીબતોમાં, તમારા ભાઇઓના અજ્રો સવાબમાં વૃદ્ધિ કરે. છ દિવસમાં તમારો ઇન્તેકાલ થશે. તમારા કામોને વ્યવસ્થિત પૂરા કરો. આટોપી લો. તમારા પછી કોઇને વસીયત કરતા નહીં. કેમ કે, હવે આ (નાએબ નીમવાની પ્રથાના) ક્રમનો અંત આવે છે. અને ગયબતે કુબરાનો આરંભ થાય છે. હવે ખુદાના હુકમથી ઝુહુર થશે. તે પણ જમીન ઝુલ્મો સિતમથી ભરાઇ ગયા પછી. લોકોના નિષ્ઠુર થઇ જવા અને એક લાંબી મુદ્દત પછી થશે. હા, એવા લોકો પૈદા થશે જે મારા દિદાર (નયાબતે ખાસ્સહ) નો દાવો કરશે. જે કોઇ સુફયાનીના બહાર આવવા અને “સિયાહ” (આકાશમાંથી અવાજ આવવા) પહેલા આવો દાવો કરે તે ખોટો હશે. મહાન અને બુઝુર્ગ ખુદા સિવાય કોઇ તાકાત અને શક્તિ નથી. (12)
ઇમામે ઝમાના (અ.સ.) નું આ અંતીમ સંબોધન છે, જે તેઓ (અ.સ.) એ ગૈબતે કુબરામાં તેમના ખાસ નાયબ મારફત કર્યુ હતું. અલી બિન મોહમ્મદ સૈમુરી ત્રણ વર્ષની નીયાબત પછી શાઅબાન હી. 329માં ઇન્તેકાલ ફરમાવી ગયા. (ખલીજ) ખાડીના રાજ્ય માર્ગ પર બાબુલ મહવલ નજદીક અલી એકાબ નહેર પાસે તેઓને દફન કરવામાં આવ્યા. તેઓના અંતિમ શબ્દો આ પ્રમાણે હતા. લિલ્લાહે અમ્ર હોવ બાલેગા. ખુદા માટે એ અમ્ર છે, જેને તે પોતે અંત સુધી પહોંચાડશે. તેઓ બની અબ્બાસના મુત્તકી નામના ખલીફાના સમકાલીન હતા.
હીજરી સન 260 થી 329 સુધી ચાર શખ્સ નાએબે ખાસના નામથી હઝરત ઇમામ મહદી (અ.સ.) અને લોકો વચ્ચે ‘સંપર્ક – સુત્ર’ રહ્યા. આ 69 વર્ષના સમયગાળાને ‘ગૈબતે – સુગરા’ નો જમાનો કહેવામાં આવે છે. કેટલાક લોકો આ સમયગાળો 74 વર્ષનો માને છે. તેઓ હીજરી 255થી એટલે ઇમામ (અ.સ.) ની વિલાદતથી ગૈબતે સુગરાની શઆત થઇ માને છે. જો કે એ હકીકત છે કે ઇમામ હસન અસ્કરી (અ.સ.) ના જમાનામાં ઇમામતની જવાબદારી ઇમામે ઝમાના (અ.સ.) પર ન હતી. ત્યારે ઇમામ (અ.સ.) સાથે સીધો સંપર્ક કરવાનો પ્રશ્ર્ન ઉપસ્થિત થતો ન હતો. તે રીતે ગૈબતે સુગરાનો આરંભ હી. 260 માં ઇમામ હસન અસ્કરી (અ.સ.) ના ઇન્તેકાલ પછી થયો હતો.
ખાસ નાએબોની એક સમાન વિશીષ્ઠતાઓ :
(1) તૌકીઆતમાં નાએબના નામોનો ઉલ્લેખ થયો ન હતો. તેનું કારણ એ હતુ કે અબ્બાસી હાકીમો તે વિશે જાણી ન શકે. આ ઉપરાંત આ ક્રમ ભરોસા અને વિશ્ર્વસનીયતાથી ચાલતો હતો. તેથી નાએબના નામોનો ઉલ્લેખ આવશ્યકતા પણ ન હતી.
(2) અલવીઐનને ઇમામે ઝમાના (અ.સ.) ની નિયાબતથી અલગ રાખવામાં આવ્યા હતા. અને બીજાઓને નાયબ બનાવવામાં આવ્યા હતા. તેનું કારણ એ હતુ કે તે લોકો સ્પષ્ટ રીતે ઓળખાઇ જતા હતા અને તે ઝમાનાના શાસનકર્તાની તેમના પર સખ્ત નજર રહેતી હતી.
(3) તમામ નાએબોએ તેમનું કામ બગદાદમાં બજાવ્યુ તેની દલીલ એ છે કે:
(અ) હઝરત ઇમામ હસન અસ્કરી (અ.સ.) ની વફાત ના સમયે જે લોકો કુમથી સામર્રા આવ્યા હતા, તેઓને કહેવામાં આવ્યું હતું કે બગદાદમાં તેમના માટે કોઇને નીમી દેવામાં આવે, જેમને તેઓ માલ સામાન પહોંચાડી દે, અને તેમના મારફત જ તૌકીઆત મેળવે.
(બ) તેઓનું જાહેરી (બાહ્ય) કામ વેપારી તરીકેનું હતું. તેથી તેઓને બગદાદથી બહાર જવાની તક મળતી ન હતી.
(ક) તઓ સામૂહિક પ્રકારના કાર્યો બહુ જ ઓછા પ્રમાણમાં કરતા હતા. તેના કારણો નીચે મુજબ છે. :
(1) સામુહીક કામોમાં ભાગ લેનાર માણસ ગુપ્તતા જાળવી શક્તા નથી. અને આ લોકો (નાએબો) ને વધારે જાહેર થવાનું ન હતું.
(2) જો આ લોકો સામૂહીક કાર્યોમાં વ્યવસ્થિત રીતે ભાગ લેતા હોત તો તેઓ નાએબે ઇમામે ઝમાના (અ.સ.) તરીકે ઓળખાઇ જાત. જ્યારે આ નાએબો માત્ર વેપારીઓ તરીકે જ ઓળખતા હતા. અને આજ કારણોસર નાએબો વિશે બહુ જ ઓછી વિગત જાણવા મળે છે. ઇતિહાસકારોએ પણ તેમના વિશે જીવન પ્રસંગોને બહુ જ ઓછો ઉલ્લેખ કર્યો છે. અથવા ઉલ્લેખ કરવાનું ટાળ્યું તેનું એક કારણ એ પણ હોઇ શકે કે ઇતિહાસકારોએ તેમની કિતાબોમાં આ બાબતે ઉલ્લેખ તો કર્યો હોય પણ ઇસ્લામના દુશ્મનોએ તે કિતાબોને નાબુદ કરી દીધી હોય. નાએબીન માત્ર એજ કામ કરતા જેનો તેઓને હુકમ મળતો.
(5) નાએબીન હઝરત વલીએ અસ્ર મારફત ઇલ્મે ગૈબ પણ જાણતા હતા.
તમામ નાએબીનના જમાનામાં જે તૌકીઆત મળી તે બધીના અક્ષરો એક સરખા હતા અને તેઓ આ અક્ષરથી પરિચિત હતા. અક્ષરો એક સરખા હોવા તે એ વાતી સાબિતિ છે કે, તેઓ જે ઇમામની પૈરવી કરતા હતા, તેમના તરફથી જ આ તૌકીઅ આપવામાં આવી છે.
(7) તૌકીઆત વિશે કહી શકાય કે : (ક) તૌકીઆત ની ભાષા એ રિવાયતની ભાષા છે. (ખ) પ્રશ્ર્નો પૂછ્યા બાદ તૌકીઆત મોકલવામાં આવતી હતી. (ગ) તૌકીઆતના અક્ષરો અને વિષય નિશ્રિત રહેતા હતા. (ઘ) પ્રશ્ર્નો મોકલવાના બે ત્રણ દિવસ પછી તૌકીઅ આવતી હતી.
(8) નાએબીનનું છુપુ અને તકયયામાં રહેવું દાખલા તરીકે, જ્યારે હુસૈન બિન રવ્હ તકયયામાં ખોલફાને અગ્રતા આપે છે તો તેઓને ઉચ્ચતા આપવામાં આવે છે તો તેમના હકમાં દોઆ કરવામાં આવે છે. અને હુકુમતને તેમની નીયાબતની જાણ પણ થતી નથી.
(9) લોકો નાએબીન સાથે સીધે સીધા સંપર્કમાં આવે તેવું જરૂરી ન હતું, પરંતુ તેમના ખાસ મિત્રો મારફતે સંપર્ક થઇ શક્તો હતો. અને નાઅબેના નામનો ઉલ્લેખ પણ થતો ન હતો. જેમ કે, મોહમ્મદ બિન ઉસ્માને બગદાદમાં માલ સામાન એકઠો કરવા માટે,દસ વકીલ નીમ્યા હતા, જેમના એક હુસૈન બિન રવ્હ પણ હતા.
ખાસ નાએબોના હેતુઓ સંક્ષિપ્તમાં નીચે મુજબ કહી શકાય.
(એ) લોકોને ગૈબતે કુબરાના યુગ માટે તૈયાર કરવા અને ઇમામના પર્દામાં રહેવાની બાબતથી પરિચિત બનાવવા.
(બી) શિયાઓના સામૂહિક પ્રશ્ર્નો અને તેની સુધારણા માટે પગલા ભરવા.
સંદર્ભ :
(1) શૈખુલ – તાએફા અબુ જઅફર મોહમ્મદ ઇબ્નલ હસનીત – તુસીની કિતાબ ‘અલ ગૈબત’ મકતબા નૈનવા તેહરાન – પા. 215.
(2) થી (10) એજ કિતાબ પાનુ 215, 216, 217, 220, 219,221,227, (11) અલી જાઅફર મોહમ્મદ બિન અલી બિન બાબવીયહ અલી – કુમી ની કિતાબ ‘કમાલુદ્દીન વ તમામુ – ન – નેઅમહ’ દાલ – ઇસ્લામીયા – તેહરાન પ્રકરણ 45 તૌકીઅ 37 (12) કિતાબુલ ગયબત પા. 242.
આ ઉપરાંત મોહમ્મદ અસ – સદરની કિતાબ તારીખુલ ગૈબતે સુગરા અને કિતાબ તોહફએ કુદસી અલાઇમે ઝુહુરે મહદી મવઅુદ (અ.સ.) (તરજુમા કિતાબુલ ગૈયબતે શૈખ તુસી) માંથી પણ રિવાયતો વિગેરેનો ફાયદો લેવામાં આવે છે.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *