ઇમામે ઝમાના (અજ.)ના ઝુહુરની નિશાનીઓ
અઇમ્મએ માઅસૂમીન અલયહેસ્સલામે ઇમામે ઝમાના અલયહીસ્સલામના ઝુહુરની જે નિશાનીઓ બયાન કરી છે તે વાસ્તવમાં મહદવીયતનો દાવો કરનારાઓ સામે એક એવી દિવાલ છે જેને તેઓ કોઇ પણ સીડી દ્વારા કુદી શકે તેમ નથી. ઇતિહાસ એ વાતની સાક્ષી પૂરે છે કે : મહદવીયતના દાવેદારોએ પોતાના દાવા સિદ્ધ કરવા માટે ક્યારેક પોતાનું નામ ‘મોહમ્મદ’ રાખ્યું, ક્યારેક ‘અબ્દુલ્લાહ’ રાખ્યું. ક્યારેક કાઅબાથી એઅલાન કર્યું. ક્યારેક પોતાના અસ્હાબના નામ અબુ બકર, ઉમર અને ઉસ્માન તો ક્યારેક પત્નીનું નામ આએશા રાખ્યું. પરંતુ અઇમ્મએ માસૂમીન અલયહેમુસ્સલામે જે સ્પષ્ટ અને ખાત્રી પૂર્વકની નિશાનીઓનું વર્ણન કર્યું છે તે ક્યારેય પણ લાવી શક્યા નથી. આજે ચાંદ ઉપર પહોંચી જનારો માણસ પશ્ર્ચિમ દિશામાંથી સૂરજનો ઉદય કરાવવા માટે અશક્ત છે.
આ ઉપરાંત એ વાત બિલ્કુલ સાફ અને સ્પષ્ટ છે કે સેરાતે – મુસ્તકીમ (સીધા માર્ગ) માટે બે (દ્રષ્ટિ) બિંદુઓ જરૂરી છે. જો આપની પાસે માત્ર એકજ બિંદુ હોય તો તેનાથી સરળતાપૂર્વક સીધી લીટી દોરી શકાતી નથી. તેની રેખા બદલાઇ જવાની શક્યતા રહે છે. જો આપી દીન ઉપર દ્રષ્ટિપાત કરશો તો એ વાતનો અંદાજ આવી જશે કે અલ્લાહે હિદાયત માટે બે બિંદુઓ (મુદ્દાઓ) મુક્યા છે. જેનો અંદાજ ‘હદીસે સકલૈન’દ્વારા સારી રીતે કાઢી શકાશે કે ‘જો તમે તે બંનેને મજબૂતીથી પકડી રાખશો તો કદી પણ ગુમરાહ નહી થાવ.’ કદાચ આજ રીતે ઝુહુરે મહદી અલયહિસ્સામ માટે અખત્યાર કરવામાં આવી છે. ફક્ત નામ અને વંશ દર્શાવવાનું પરંતુ ગણવામાં આવ્યું નથી કે નામ રાખો અને (મહદવીયતનો) દાવો કરો. આમ કરવાથી રેખા ખોટી થઇ જશે. બારગાહે ખુદાવંદીમાંથી તિરસ્કૃત થઇ જશો. તેથી મહદી અલયહિસ્સલામના ગુણોની જાણકારી મેળવવાની સાથો સાથ ઝુહુરની નિશાનીઓ જાણવી પણ આવશ્યક છે. નહીંતર જેવી રીતે લોકો મહદવીયતના ખોટા દાવેદારના સકંજામાં ફસાઇને નાહક જીવ ગુમાવી બેઠા તેવાજ પ્રકારના બીજા અકસ્માતોનો ભોગ બની જશે.
એ નિશાનીઓના મુખ્ય બે પ્રકાર છે. (૧) એક તો એવી નિશાનીઓ જે અવશ્ય બનશે એટલે કે નિશ્ર્ચિત નિશાનીઓ અને (૨) બીજી અનિશ્ર્ચિત નિશાનીઓ, અલબત્ત બન્નેમાં ‘બદાઅ’ થવાની શક્યતા રહેલી છે. (નિશાનીઓનાં મૂળભૂત) વિભાજન – પ્રકાર ઉપરાંત બીજા પણ કેટલાક પ્રકાર હોઇ શકે છે. ઇન્શાઅલ્લાહ તેનો ઉલ્લેખ હવે પછી કરવામાં આવશે. હમણાં તો નિશ્ર્ચિત (અચૂક થનારી) નિશાનીઓને જાણવી જરૂરી છે. જેથી (મહદવીયતના) તમામ ખોટા દાવેદારને પારખી શકાય અને તેના સકંજામાં ફસાઇ ન જવાય. અત્રે પ્રસ્તુત કરવામાં આવેલી કેટલીક હદીસોના પ્રકાશમાં એ નિશાનીઓને સમજવી સરળ અને સહીહ થશે.
ઇમામ અલયહીસ્સલામે ફરમાવ્યું : સુફીયાનીનું બહાર આવવું, આસમાનમાંથી અવાજ આવવો, સૂરજનો પશ્ર્ચિમ દિશામાંથી ઉદય થવો બની ફૂલાન વચ્ચે મતભેદ થવો, નફસે-ઝકીય્યહનો કત્લ, અને કાએમનું જાહેર થવું, આ તમામ બાબતો નિશ્ર્ચિત છે. રાવીઓ પુછયું કે : આ (આસમાનમાંથી આવનાર) અવાજ શું છે? ઇમામ અલયહિસ્સલામે ફરમાવ્યું કે : દિવસના પ્રારંભમાં એક જાહેરાત કરનાર અવાજ બુલંદ કરશે જે અવાજ દરેક કૌમને પોત પોતાની ભાષામાં સંભળાશે કે : બેશક, હક અલી અને તેના શિયાઓની સાથે છે. તે પછી દિવસના અંતિમ ભાગમાં ઇબ્લીસ જમીન ઉપરથી અવાજ કરશે કે : હક ઉસ્માન (અત્રે ઉસ્માન એટલે સુફીયાન છે જેનું નામ ઉસ્માન બિન અન બસત હશે.) અને તેના શિયાઓ સાથે છે.
(બેહાર, ભાગ – ૫૨, પાના નં. ૨૮૮, પાના નં. ૩૧, કમાલુદ્દીન પાના નં. ૬૫૨, ૧૪, કશફુલ ગુમ્મહ ૪૫૯/૨ અસ્સેરાતલ મુસ્તકીમ, ૨૪૮/૨ અઅલામુલ વરા, ૪૨૬, ગૈબતે તુસી, ૪૨૫, ૪૩૫)
અમીરૂલ મોઅમેનીન અલયહીસ્સલામે રસુલે ખુદા (સ.અ.વ.)થી રિવાયત કરી છે કે ‘અસ્સઆહ’થી પહેલા દસ વસ્તુઓ બનવી જરૂરી છે. અને તે સિવાય કોઇ રસ્તો નથી, સુફીયાની, દજ્જાલ, ધુમાડો, દાબ્બહ કાએમ (અ.સ.)નું જાહેર થવું, સૂરજનો પશ્ર્ચિમ દિશામાં ઉદય, ઇસા અલયહીસ્સલામનું નાઝીલ થવું, પશ્ર્ચિમનું નેસ્તો નાબુદ થઇ જવું, અરબ દ્વિપનું નેસ્તનાબુદ થવું, અદન બાજુથી એક એવી આગ નીકળશે જે લોકોને મહેશર તરફ લઇ જશે.
(બેહાર, ૧૦, ૧૦૫/૫૨, મુસ્તદરકુલ વસાઇલ, ૨૦૦/૧૨, પાના નં. ૩૩, ગયબતે તૂસી ૪૨૬,૪૩૬)
વાચકો માટે અત્રે એ વાતની સ્પષ્ટતા કરી દઉં કે રિવાયતોમાં ‘અસ્સાઅહ’નો અર્થ ક્યારેક કયામત થાય છે અને ક્યારેક કાએમ અલયહીસ્સલામનો ઝુહુર થાય છે. આ હદીસમાં કઇ નિશાનીઓ ઝુહુર પહેલાની છે તે વાત નીચેની હદીસથી સ્પષ્ટ થાય છે.
ઇમામ (અ.સ.) ફરમાવે છે કે : ‘અલામતો (નિશાનીઓ)માંથી પાંચ નિશાનીઓ કાએમ (અ.સ.)ના જાહેર થવા પહેલા થશે : ચીખ, સુફયાની, સૂજરનું મગરીબથી નીકળવું, યમાનીનું નીકળવું, નફસે – ઝકીય્યહનું કત્લ થવું.’
(બેહાર, ૨૦૯/૫૨….૪૯, અસ્બાતુલ હોદાત, ૭૨૬/ ૩…૪૬, ગયબતે શૈખ તૂસી ૪૩૩ ….૪૨૭)
સુફીયાની વિશે હદીસોમાં મળે છે કે પહેલી નિશાની સુફીયાનીનું બહાર આવવું તે છે. જે પોતાના ત્રીસ હજારના લશ્કરને મક્કા શહેરને કબ્ઝે કરવા માટે મોકલશે. અને તે લશ્કરનાં બે માણસો સિવાય આખું લશ્કર રણમાં દટાઇ (ઘસી) જશે. તે લશ્કરમાંથી માત્ર બે જ માણસ બચશે. તે માત્ર આઠ મહિના સુધી હુકુમત કરશે. અને તે જ વર્ષ ઇમામ મહદી અલયહિસ્સલામ ઝુહુર ફરમાવશે.
કર્બ અલ અસ્નાદમાં ઇબ્ને અસ્બાતથી એક હદીસ નકલ થયેલી છે જેમાં રાવીએ ઇમામે રઝા અલયહિસ્સલામને પુછયું કે શું સુફીયાની પહેલા બહાર આવશે? ઇમામે ફરમાવ્યું : હા. રાવીએ સુફીયાનીના બહાર આવવાનો (ચોક્કસ) સમય પુછયો ત્યારે ઇમામે ફરમાવ્યું : જ્યારે ખુદા ચાહશે. ખુરાસાનની પશ્ર્ચિમ બાજુએથી ‘દજ્જાલ’બહાર આવશે અને ચારે બાજુ ફિત્નો અને ફસાદ ફેલાવશે. તુર્ક અને યહુદી કૌમના લોકો તેની ઇતાઅત કરશે. પોતાની પાસેના તમામ ખજાનાઓ તેના માટે ખોલી દેશે. દજ્જાલ ઠીંગણો અને જમણી આંખે કાણો હશે. તેની બંને આંખોની વચ્ચે અરબીમાં ‘કાફ-અલીફ-ફે-રે’ (કાફર) લખેલું હશે. તે ચાલીસ દિવસ સુધી દુનિયામાં ઇમામત કરશે. તેના સમયમાં એક દિવસ એક મહિના જેટલો લાંબો હશે અને એક મહિનો એક વરસ જેટલો લાંબો હશે. દજ્જાલને હઝરત ઇસા ઇબ્ને મરિયમ ‘લદદ’ (પેલેસ્ટાઇન) શહેરના દરવાજા ઉપર કત્લ કરશે. દજ્જાલ કત્લ થઇ જવા પછી પૃથ્વી ઉપર કોઇ મુશ્રીક જીવતો નહી રહે. રસુલે ખુદા (સ.અ.વ.)એ ફરમાવ્યું : કે જે માણસ દજ્જાલને જુવે તો તેના મોઢા ઉપર થૂંકે અને તેના જાદુથી સુરક્ષિત રહેવા માટે સુરએ ફાતેહા (અલહમ્દની સુરા) પઢે. જેથી તેના જાદુની અસર ન થાય. આને ‘ખુરાસાનીનું બહાર આવવું’ પણ કહેવામાં આવે છે.
શયખ અબ્બાસ રહમતુલ્લાહ અલયહ ‘મુન્તહલ અઅમાલ’માં ફરમાવે છે કે આસમાનમાંથી પહેલા અવાજ ૩૦મી માહે રમઝાનના બલંદ થશે. ઝરારહે પુછયું કે શું આસમાનમાંથી આવનાર અવાજ હક છે? આપે ફરમાવ્યું : હા. દરેક કૌમના લોકો તે અવાજને પોતપોતાની ભાષામાં સાંભળશે. (બેહાર ભાગ – ૫૨, પાના નં. ૨૪૪) તફસીરે અલી ઇબ્ને ઇબ્રાહીમમાં, સુરએ સબાની આયત નં. ૫૦ની તફસીરમાં અબુલ જાદ ઇમામ બાકીર અલયહિસ્સલામથી નોંધે છે કે : તે આસમાની અવાજથી લોકો ડરી જશે અને જમીન તે લોકોને પોતાનામાં સમાવી લેશે. મકાતિલે તેમની તફસીરમાં લખ્યું છે કે : ઝુહુરની નિશાનીઓ પૈકીની એક નિશાની અવાજ પણ છે અને આ અવાજ માહે રમઝાનની શબે જુમ્આના થશે. ત્યાર પછી એક સર્વ સામાન્ય અવાજનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે એક અવાજ બુલંદ કરનાર ૨૩મી માહે રમઝાનુલ મુબારકના અવાજ બુલંદ કરશે કે : અય લોકો, જાણી લો કે ઇમામે અસ્ર ઝુહુર ફરમાવી ચુક્યા છે. આ અરજ સાંભળીને જે લોકો ઉભા હશે તે બેસી જશે અને બેઠા હશે તે ઉભા થઇ જશે. અબુ બસીરે ઇમામ સાદિક અલહિસ્સલામને પુછયું કે તે અવાજ શું હશે? ત્યારે આપે (અ.સ.) ફરમાવ્યું કે : તે અવાજ તેઓના નામ અને તેઓના વાલીદે બુઝુર્ગવારના નામ સાથે બુલંદ કરવામાં આવશે કે ફુલાન ઇબ્ને ફુલાન કાએમે આલે મોહંમદ અલયહિસ્સલામ છે તેઓની ઇતાઅત અખત્યાર કરો….
આ અવાજ બુલંદ થતી વખતે જે માણસ સુતો હશે તે તુરતજ ઉઠીને ઉભો થઇ જશે અને ઘરની બહાર (પ્રાંગણમાં) અવાજ બુલંદ કરનારને ચારેબાજુ શોધવા લાગશે. કુંવારી છોકરીઓ પરદાની આડસમાં રહીને અવાજ બુલંદ કરનારને શોધશે. અને ત્યાર પછી હઝરત ઝુહુર ફરમાવશે અને તે અવાજ બુલંદ કરનાર જીબ્રઇલ હશે.
ઉપરની નિશાનીઓ નિશ્ર્ચિત ગણવામાં આવી છે. જે નિશાનીઓ જાહેર થવા પહેલા આપણે કઇને પણ ઇમામ મહદી કબુલ કરી શકીએ નહીં. અને ઇતિહાસ એ વાતની સાક્ષી પૂરે છે કે : આજ સુધીમાં મહદવીયતના જેટલા પણ દાવેદાર આવ્યા તેમના પહેલા કોઇનામાં પણ ઉપરની નિશાનીઓ જાહેર થઇ નથી.
હવે અમે કેટલીક એવી નિશાનીઓનો ઉલ્લેખ કરીએ છીએ જે શક્ય છે કે આ પહેલા જાહેર થઇ ગઇ હોય અથવા ન થાય અને ‘બદાઅ’ થઇ જાય. આ વિશેની હઝરત અમીરૂલ મોઅમેનીન અલયહિસ્સલામની હદીસ છે જે આપે સઅસઅના એ પ્રશ્ર્નના ઉત્તરમાં ફરમાવી હતી કે : દજ્જાલ ક્યારે આવશે? હઝરતે ફરમાવ્યું : જ્યારે લોકો નમાઝને ભુલવા માંડશે, લાંચ રૂશ્ર્વત ખાવી અને સામાન્ય વાત થઇ જશે, દુનિયા માટે દીન વેચી નાખવામાં આવશે, કતએ રહમ કરવામાં આવશે, ખ્વાહીશાતે નફસાનીનું અનુસરણ કરવામાં આવશે, મારામારી અને હત્યાને સામાન્ય ગણવામાં આવશે, ઝુલ્મ કરવો ગર્વની વાત ગણાશે, ખુલ્લેઆમ ખોટી સાક્ષી આપવામાં આવશે, કોઇ ઉપર આળ (આક્ષેપ) મુકવાને ખરાબ વાત સમજવામાં નહીં આવે, ગુનાહ અને (ખુદાની) નાફરમાની ડગલેને પગલે જોવા મળશે, કુરઆન સારા (સુશોભીત) જોવા મળશે, મસ્જિદો આકર્ષક બનાવવામાં આવશે. મસ્જિદોના મીનારાઓ ઉંચા હશે, ખરાબ (ચારિત્ર્યવાળા) લોકોનો આદર કરવામાં આવશે, વચનભંગ કરવો એ સાધારણ વાત લેખાશે, દુનિયાની મોહબ્બત એટલી બધી વધી જશે કે સ્ત્રીઓ પુરૂષોની ખભે – ખભા મેળવીને વેપાર કરવા માંડશે, સ્ત્રીઓ ઘોડે સવારી કરશે.
ઉપર દર્શાવેલી નિશાનીઓ વાંચીને આપણે એ બોધ ગ્રહણ કરવો જોઇએ કે અલ્લાહ તઆલા આપણને એ તમામ બાબતોથી દૂર રાખ અને હઝરત (અ.સ.)ની નારાઝગીનું કારણ ન બને. નિશંક હઝરત (અ.સ.) એવા બુરા લોકોનો નાશ કરવા માટે આવશે અને તેવા લોકોને હરગીઝ સાથ નહીં આપે.
મોમિનો માટે ઘણા આનંદદાયક સમાચાર હશે. પહેલી ખુશ ખબર તો એ કે મોમિન પોતાના ઇમામે – વક્ત અને મહેરબાન રઉફ આકાની સાથે હશે. જેઓ તેની મુશ્કેલીઓને આસાન કરી દેશે. અને તમામ ઝુલ્મો સિતમથી તેને મુક્તિ અપાવશે.
અબ્દુલ મલિક બિન અઅયન કહે છે કે હું ઇમામ બાકિર અલયહિસ્સલામની સામે ઉભો હતો. હઝરતે ફરમાવ્યું કે : શું તું એ વાતથી ખુશ નથી કે તારા દુશ્મનો પરસ્પર લડી લડીને ખત્મ થઇ જાય અને તું તારા ઘરમાં શાંતિથી રહે. જ્યારે આપણા કાએમનો ઝુહુર થશે ત્યારે તમારામાંથી દરેકની (એક એક માણસની) ચાલીસ માણસ જેટલ તાકત થઇ જશે. તમારા હાથ લોખંડ જેટલા મજબુત થઇ જશે. કે તમે પહાડ ઉપર હાથ મારો તો તેમાં પણ ખાડો પડી જાય અને ઝમીનના ખજાનાઓ તમારા માટે હશે.
(બેહાર, ૩૩૫/૫૨)
સુજ્ઞ વાચકો, એટલું જ નહી પણ ઇમામે સાદિક અલયહિસ્સલામે ફરમાવ્યું : કોઅમના ઝુહુર ફરમાવવા પહેલા લોકો ઇલ્મના માત્ર બે ભાગ જાણતા હશે. અને કાએમનો કયામ થવા બાદ લોકોને ઇલ્મના બીજા ૨૫ (પચ્ચીસ) ભાગ જાણવા મળશે. (બેહાર, ૩૩૬/૫૨) ઇસ્બાતુલ હોદાહ, ભાગ – ૬, ગયબતે નોઅમાની).
આ ઉપરાંત હદીસોથી એ વાત સ્પષ્ટ થાય છે કે : ઇમામ અલયહિસ્સલામના ઝુહુર થવા પછી જો કોઇ તેઓ સમક્ષ મોઅજીઝો જોવાની ઇચ્છા કરશે તો આપ મોઅજીઝો પણ બતાવશે. મહદવીયતના બીજા દાવેદારોની જેમ તેઓ મોઅજીઝો બતાવવા માટે લાચાર નહીં હોય. ઇમામે અલી ઇબ્ને અબી તાલિબ અલયહિસ્સલામની ઝુર્રીયતમાંથી એક માણસ ઇમામ મહદી અલયહિસ્સલામ સાથે મુલાકાત કરશે ત્યારે તેની પાસે બાર હજારનું લશ્કર હશે તે માણસ ઇમામે ઝમાના અલયહિસ્સલામને કહેશે કે : અય પિતરાઇ ભાઇ, હું તમારા કરતા ‘ઉલીલ-અમ્ર’બનવા માટે વધારે યોગ્યતા ધરાવું છું. કારણકે હું અમીરૂલ મોઅમેનીનના મોટા સંતાનોમાંથી છું. ઇમામ મહદી અલયહીસ્સલામ તેમને પુછશે કે શું તને ખબર છે કે હું મહદી છું. તે કહેશે કે જો એમ હોય તો આપ (તે વાત) સાબિત કરો. હઝરત આસમાન તરફ નજર કરશે એક ચકલી ઉડતી હશે જે ઉતરી આવશે અને આપ (અ.સ.)ના હાથ ઉપર બેસી જશે. તે ચકલી આપની ઇમામતનું સમર્થન કરશે. પછી ઇમામ (અ.સ.) એક સુકાય ગયેલી લાકડીને એક દિવસ રાખશે. જે એક દિવસમાંજ ફુલ આપવાનું શરૂ કરી દેશે. આ જોઇ સૈયદે હસની પોતાના લશ્કરની સાથે હઝરતની ‘બયઅત’ કરશે. અને કહેશે કે : આપજ ‘ઉલીલ અમ્ર’ હોવા માટે વધારે હકદાર છો.
(ઇલ્ઝામુન નાસીબ, ભાગ – ૨, પાના નં. ૨૦૫, અકદ-દુર, પાના નં. ૯૭)
ઇતિહાસ ગવાહ છે કે મહદવીયતના દાવેદાર ઉપર જણાવેલ કે બીજા કોઇ પ્રકારન મોઅજીઝા કરી શક્યા નથી. એટલું જ નહીં તે લોક પાસે કોઇએ મોઅજીઝાની માગણી કરી હોય તો પણ મોઅજીઝો કરી શક્યા નથી.
આ ઉપરાંત હદીસોની મોઅતબર કિતાબોમાં મળે છે કે હઝરતના આવવા પહેલા એવી બે નિશાનીઓ જાહેર થશે જે જોઇને જ્યોતિષશાસ્ત્રના નિષ્ણાંતો પણ આશ્ર્ચર્ય પામશે. ઇમામ મોહમ્મદ બાકિર (અ.સ.)એ ફરમાવ્યું : હઝરત આદમ (અ.સ.)થી માંડીને આપણા કાએમ (અ.સ.)ના ઝુહુર સુધી ક્યારેય એવું થયું નહીં હોય પણ એ વખતે થશે કે (ઇસ્લામી) ૧૫ તારીખે સૂર્યગ્રહણ થશે અને (ઇસ્લામી) ૨૫ તારીખે ચંદ્રગ્રહણ થશે.
(કમાલુદ્દીન, ભાગ – ૨, પાના નં. ૬૫૫)
શયખ મુફીદ અલયહરહમાએ એક લાંબી હદીસમાં નોંધ્યું છે કે હઝરતના ઝુહુર પહેલા જમાદીઉસ્સાની (જમાદીયુલ આખર)નો આખો મહિનો અને માહે રજબના ૧૦ દિવસ મુશળધાર વરસાદ થશે. જે મૃત જમીનને લીલીછમ બનાવી દેશે. અંતમાં, બારગાહે ઇલાહીમાં દુઆ ગુજારીએ છીએ કે માલિક હઝરતના ઝુહુર માટે આ જમીનને અનુકુળ બનાવવા માટે સારા કાર્યો કરવાની આવશ્યકતા હોય તે કરવાની અમોને તૌફીક ઇનાયત ફરમાવ અને હઝરત (અ.સ.)ને નાપસંદ હોય અને તેઓના ઝુહુર પછી તેઓની નારાજગીનું કારણ બને તેમ હોય તેવા દુષ્ટ કૃત્યોથી અમોને બચાવ. અમને હકને ઓળખવાની અને બાતિલને પારખીને તેને રદ કરવાની શક્તિ અતા ફરમાવ. માલિક, અમારી જીંદગીમાં હઝરતના ઝુહુરને નિશ્ર્ચિત ફરમાવ. હઝરતના સાથીઓ અને મદદગોરમાં અમારી ગણત્રી ફરમાવ.
Comments (0)