બયઅત
…..અલ્લાહુમ્મ – ઇન્ની – ઓજદદેદો – ફી – સબીહતે – યવ્મી – હાઝા – વમા ઇશ્તો – મીન – અય્યામી – અહદન – વ અકદન – વ – બયઅનત – લહુ – ફી – ઓનોકી.
….. બારે ઇલાહા, બેશક, હું આજના દિવસે, આજના પ્રભાતે અને જ્યાં સુધી હું જીવિત રહીશ ત્યાં સુધી એ હઝરત સાથે પ્રતિજ્ઞાપૂર્વક વચનથી બંધાઉ છું. અને તે વચનનો પુનરોચ્ચાર કરૂં છું. અને કરતો રહીશ અને તે હઝરતની બયઅતનો તોક મારા ગળામાં પહેરી રાખીશ…..
(દુવાએ અહદ, મફાતિહુલ જીનાન, પાના નં. ૫૪૨)
પ્રવર્તમાન યુગમાં હઝરત મહદી અલયહિસસલામની મઆરેફત દરેક મુસલમાન માટે વાજીબ છે. જેઓ એ હઝરતની મઆરેફત ન મેળવી હોય તે કુફ્રની મોતે મરશે.
મશહૂર સુન્ની આલિમ હાફીઝ તયાલસીએ હદીસ નોંધી છે કે :
અન ઇબ્ને ઉમ્ર, સમેઅતો – રસુલુલ્લાહ (સ.) યકૂલો : – મન – નઝઅ – યદા – મિન – તાઅતે – જાઅ – યવ્મલ – કેયામતે – લા હુજ્જત – લહુ.
(મુસ્નતદે હાફીઝ તયાલસી હયદ્રબાદમાં પ્રકાશીત, પાના નં. ૨૫૯)
ઇબ્ને ઉમર કહે છે કે : મેં રસુલે ખુદા સલ્લલાહો અલયહે વ આલેહી વસલ્લમને કહેતા સાંભળ્યા કે આપે (સ.અ.વ.) ફરમાવ્યું : જે કોઇ ઇમામ (ઇમામે વક્ત)ની ઇતાઅત ન કરે તો કયામતને દિવસે તે રીતે ઉઠશે કે તે પોતાનું રક્ષણ નહીં કરી શકે. આ હદીસને યનાબીઉલ મવદ્દત (ઇસ્તંબૂલમાં પ્રકાશિત)ના પાના નં. ૧૧૭ અને સહીહ હાફીઝે કુશયરી નૈશાપૂરી ભાગ – ૮, પાના નં. ૧૦૭, ઉપર સાધારણ ફેરફાર સાથે જોઇ શકાય છે.
સમીક્ષા
ઉપરની હદીસથી એ વાત સ્પષ્ટ થાય છે કે કયામતમાં નજાત પ્રાપ્ત કરવા માટે દુનિયામાં ઇમામની મઅરેફત અને બયઅત જરૂરી છે, નહીંતર મહેશરના દિવસે તેવા માણસની શફાઅત કરનાર કોઇ જ નહીં હોય. આ વાતનું સમર્થન કુરઆને મજીદની આયતમાં નીચે પ્રમાણે થયું છે.
યવ્મ – નદઉ – કુલ્લ – ઓનાસીમ – બે ઇમામેહીમ.
(સુરએ બની ઇસ્રાઇલ , આયત નં. ૭૧)
જે દિવસે (કયામતના દિવસે) અમે બધા લોકોને (દરેક ટોળાને) તેના ઇમામ (આગેવાન) સાથે બોલાવીશું.
કયામતના દિવસે કોઇ પણ માણસને ઇમામ વગર બોલાવવામાં નહી આવે.
બયઅતનો અર્થ અને તાત્પર્ય તેમજ ઇસ્લામમાં બયઅતના મહત્ત્વને સ્પષ્ટ કરવા માટે અમે અત્રે શબ્દોકોષ, કુરઆન અને હદીસની મદદથી કેટલીક જરૂરી બાબતો પ્રસ્તુત કરી રહ્યા છીએ.
બયઅત અને તેનો અર્થ:
જ્યારે ઇન્સાન પોતે કોઇનો તાબેદાર અને આજ્ઞાકિત બનવા ઇચ્છતો હોય ત્યારે તે પોતાની તાબેદારી અને આજ્ઞાપાલનને વિવિધ રીતે સાબિત કરવાનો પ્રયત્ન કરે છે. ક્યારેક તે પોતાની તાબેદારીને શબ્દો દ્વારા વ્યક્ત કરે છે, તો ક્યારેક પોતાની માલો – દૌલત જેની તાબેદારી કરવાની હોય તેની ઉપર ન્યોછાવર કરી દે છે, તો ક્યારેક પોતાની અવાલદ તેની ઉપર કુરબાન કરી દેવા માટે તૈયાર થાઇ જાય છે, ટૂંકમાં સામેવાળી વ્યક્તિની જે ઇચ્છા હોય તેને પુરી કરવા માટે તે હંમેશા તૈયાર રહેતો હોય છે.
બયઅત, એ એવું કાર્ય છે જેનાથી ઇન્સાન કોઇના પ્રત્યે પોતાની વફાદારી અને ઇતાઅતનું એઅલાન કરે છે. બયઅત એ માત્ર મુસલમાનોમાં જ નહીં, બલ્કે ઇસ્લામની પહેલા અરબોમાં પણ પ્રચલિત હતી. તેથી ઇસ્લામના પ્રારંભમાં પણ ઔસ અને ખઝરજ કબિલા હજના પ્રસંગે મદીનાથી મક્કા આવ્યા અને ઉકબા નામની જગ્યા ઉપર પયગમ્બર (અ.સ.)ના હાથો ઉપર બયઅત કરી. આમ અરબોમાં બયઅતની પ્રથા ચાલતી હતી. ઇસ્લામના ઇતિહાસનો અભ્યાસ કરતા એ વાત જોવા મળે છે કે પયગમ્બરે અકરમ સલ્લલ્લાહો અલયહે વ આલેહી વસલ્લમે જુદા જુદા પ્રસંગોએ મુસલમાનો પાસેથી બયઅત લીધી છે અથવા તો બયઅતનું પુનરાવર્તન કરાવ્યું છે. કોઇ પણ ખલીફા કે અમીર (બાદશાહ)ની બયઅત કરવી તે તેની તાબેદારી અને તેના પ્રત્યે વફાદારીની દલીલ બનતી હોય છે. તેથી જ પહેલા અને બીજા એ અમીરૂલ મોઅમેનીન અલયહીસ્સલામને ઘરની બહાર કાઢવાના પ્રયત્નો કર્યા. રસુલ (સ.અ.વ.)ના દિલના ટૂકડા સમાન, માઅસૂમએ – કોનૈન, સૈયદતે નીસાઇલ આલમીન, ફાતેમા ઝહેરા સલામુલ્લાહે અલયહાને પડખામાં ઇજા પહોંચાડવામાં આવી અને જનાબે મોહસીન શહીદ થયા. એ ઘર કે જેમાં પયગમ્બર (સ.અ.વ.) નિવાસ કરતા હતા તે ઘરને સળગાવી નાખવાની ધમકી આપવામાં આવી.
ઇબ્ને જરીરથી મનકુલ એક રિવાયતમાં છે કે : ઉમર બિન ખત્તાબ અલી (અ.સ.)ના દરવાજા પર આવ્યા. બુઝુર્ગોને કોમ અને મુહાજીરોનો એક સમુહ હાજર હતો. તેમણે (ઉમરે) કહ્યું : ખુદાની કસમ, (અબુ બકરની) બયઅત માટે બહાર નીકળો નહીંતર ઘરને સળગાવી દઇશ. (અલ – મુન્તઝર (ઉર્દુ) જમાદીઉસ્સાની, હીજરી ૧૪૧૧, પાના નં. ૨૮)
આમ જો મોઆવિયાને એ વાતનો ડર ન હોત કે લોકોનું ખુદાની અસલ હુજ્જત હઝરત હસન અલયહિસ્સલામ તરફ આકર્ષણ થશે અને લોકો તેઓ (અ.સ.)ની બયઅત કરી લેશે તો તે દગો કરીને ઇમામે હસન (અ.સ) ને ઝેર ન આપત. તેવી જ રીતે જો બયઅતનું એટલું બધું મહત્વ ન હોત તો યઝીદ ઇમામ હુસૈન (અ.સ.)ને બયઅત માટે (એટલો બધો) આગ્રહ ન કરત. પરંતુ એ બધા સત્તાધીશ જાણતા હતા કે જો મુસલમાનો એહલેબયત અલયહેમુસ્સલામની બયઅત કરી લેશે તો તેમની પોતાની હુકુમતના પાયા હચમચી જશે.
બયઅતનો શાબ્દીક અને પારિભાષિક અર્થ
બયઅત શબ્દ અરબી ભાષાના બે – યે – અયન, બયઅથી બનેલો છે. જેનો શાબ્દીક અર્થ કોઇ સંધી કરાર વખતે હાથમાં હાથ આપવો તેવો થાય છે. ત્યાર પછી પારિભાષિક અર્થમાં કોઇની તાબેદારી અને પ્રતિજ્ઞા લેવા કે વચન આપવાના અર્થમાં આ શબ્દ વાપરવામાં આવવા લાગ્યો. એટલે કે જ્યારે કોઇ માણસ કોઇ પ્રત્યે પોતાની વફાદારીનું એઅલાન કરતો અને કાયદેસર રીતે સ્વિકારી લેતો અને તેના હુકમનું (સંપૂર્ણપણે) પાલન કરતો ત્યારે તે તેની બયઅત ગણાતી.
ઇબ્ને ખલ્દુન તેના મુકદ્દમામાં લખે છે :
કાનૂન એઝા – બાયેઅલ – અમીરે – જઅલ – અયદીહીમ – ફી – યદેહી – તાકીદન – ફઅશબહો – ઝાલેક – ફેઅલલ – બાયેઅ – વલ – મુશ્તરી.
જ્યારે કોઇ હાકીમની બયઅત કરતા ત્યારે તાકીદ માટે હાથ ઉપર હાથ રાખતા હતા અને આ કામ વેચનાર અને ખરીદનારના કામ જેવું છે.
(તફસીરને નમૂના, ૨૨-૭૦ ઇલ્મે ખલ્દુનના મુકદ્દમહમાંથી, પાના નં. : ૧૭૪)
બયઅત એટલે અહદ પયમાન (વચન આપવું) (નાઝેમુલ – ઉત્બા) બયઅત એટલે હુકમનું પાલન કરવું, વચનનું શુદ્ધ ભાવનાથી પાલન કરવું, બીજાની દોસ્તીમાં વફાદાર રહેવું અને તેના મુરીદ બની રહેવું.
(ગીયાસુલ લોગત)
કુરઆનમાં બયઅતના પ્રસંગોનો ઉલ્લેખ :
કુરઆને મજીદમાં બયઅતના બે મહત્વના પ્રસંગોનો ઉલ્લેખ છે.
(૧) બયઅતે રિઝવાન અને
(૨) ફત્હે મક્કા પછી ઔરતો પાસેથી લેવાયેલી બયઅત છે.
(૧) બયઅતે રિઝવાન : કુરઆને મજીદમાં બયઅતે રિઝવાનનો ઉલ્લેખ આ પ્રમાણે છે.
લકદ – રઝેયલ્લાહે – અનીલ – મોઅમેનીન – ઇઝ – યોબાયેઉનક – તહત – શશજરતે.
(સુરએ ફત્હ, આયત નં. ૧૮)
‘ખુદાવંદે આલમ એ મોમીનોથી રાજી અને ખુશ્નુદ થયો જ્યારે કે તેઓએ વૃક્ષની નીચે (અય પયગમ્બર સ.અ.વ.) તારા હાથ ઉપર બયઅત (પ્રતિજ્ઞા) કરી.’
હિજરતના છઠ્ઠા વર્ષે હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) સ્વપ્ન જોયું કે ખુદાના હુકમથી અમુક અસ્હાબ સાથે (તેઓ) મક્કા પધાર્યા ખાનએ કાઅબાનો તવાફ કરીને ઉમરહ બજાવી લાવ્યા. આપ (સ.અ.વ.) તે સ્વપ્ન ઉપર અમલ કરવા માટે ચૌદસો વ્યક્તિઓને લઇને મદીનાથી નીકળી પડ્યા. જ્યારે તેઓ મક્કા પાસે પહોંચ્યા ત્યારે મક્કાના મુશ્રીકોએ પયગમ્બર (સ.અ.વ.) અને તેઓના સાથીદારોને દાખલ ન થવા દેવાનો નિર્ણય કર્યો. તેથી આપ હુદૈબીયા નામના સ્થળે રોકાયા. એજ સમયે આપે (સ.અ.વ.) આપના પ્રતિનિધિને કુફ્ફારે કુરૈશ સમક્ષ મોકલ્યા. ત્યાર પછી સુલ્હે હુદૈબીયા થઇ.
સુલ્હે હુદૈબીયા પહેલા જ્યારે પયગમ્બર (સ.અ.વ.)એ પોતાના એલચી ઉસ્માન બીન અફ્ફાનને કુફ્ફારે કુરૈશની પાસે મોકલ્યા ત્યારે એવી અફવા ફેલાઇ ગઇ કે ઉસ્માન કત્લ થઇ ગયા. આ સમાચાર પ્રસર્યા પછી હઝરત રસુલ (અ.સ.)એ એઅલાન કર્યું કે આપણે અહીંથી ક્યાંય જશું નહીં. અને આપે (અ.સ.) લોકોને એક ઝાડની નીચે ભેગા કર્યા. જેથી તમામ મુસલમાનો તેમની એ બયઅતનો પુનરોચ્ચાર કરે કે : મયદાનમાંથી ભાગી નહીં જાય. અને તેમનો જીવ બાકી હહશે ત્યાં સુધી દુશ્મનો સાથે જંગ કરતા રહેશે. આ બયઅતને. બયઅતે રિઝવાન કહેવામાં આવે છે. આ સમાચાર મક્કાના મુશ્રીકો સુધી પહોંચી ગયા ત્યારે તેઓમાં ભય પ્રસરી ગયો અને તે કારણે તેઓ સુલેહ માટે તૈયાર થઇ ગયા. આ હતી બયઅતની અસર.
અત્રે વાચકોને યાદ દેવરાવવા માટે એક વાતનો ઉલ્લેખ જરી છે કે : ઇમામે ઝમાના અલયહિસ્સલામની બયઅત અન એ હઝરત અલયહિસ્સલામની મદદ માટેના વાયદા અને પ્રતિજ્ઞા ઉપર આપણે અડગ રહ્યા હોત તો અત્યાર સુધીમાં હઝરત ઝહુર ફરમાવી ચુક્યા હોત. અને ઇસ્લામના એ દુશ્મનો જે આજે આપણી ઉપર પ્રભાવિત થવાની કોશીશ કરી રહ્યા છે તે હડધૂત અને તિરસ્કૃત થઇ જાત. એટલુંજ નહીં, તેમનું નામો નિશાન પણ ન હોત.
ઇમામે ઝમાના અલયહિસ્સલામ પોતે ફરમાવે છે કે :
વલવ – અન્ન – અશ્યાઅના – વફફકહોમુલ્લાહો – લે તાઅતેહી – ઇજતેમાઇન – મેનલ – કોલૂબે – ફીલ વ ફાએ- બીલ – અહદે – અલયહીમ – કમા – તઅખ્ખર – અન્હોમુલ – યુમ્નો – બે – લેકાએના.
જો અમારા શિયાઓ (ખુદા તેઓને તેની ઇતાઅત કરવાની તૌફીક અતા ફરમાવે) એ વાયદો જે (પુરો કરવાની) તેઓની જવાબદારી છે, તે વફા કરવા માટે પોતાના દિલોને એકઠા કરી લેત તો અમારી મુલાકાતની બરકતમાં વિલંબ ન થાય.
(૨) ઔરતો પાસેથી બયઅત લેવી
ફત્હે મક્કાના દિવસે નાઝીલ થયેલી સુરએ મુમ્તહેનાની આયત નં. ૧૨માં ખુદાવંદે આલમે પોતાના પયગમ્બર (સ.અ.વ.)ને મોમીન ઔરતો પાસેથી બયઅત લેવાનો હુકમ આપ્યો છે.
અય પગમ્બર, જ્યારે તારી પાસે મોમીન સ્ત્રીઓ એવી શરતે બયઅત કરવા માટે આવે કે : તેણીઓ ખુદાની સાથે કોઇને શરીક નહીં કરે, ચોરી નહીં કરે, વ્યભિચાર નહીં કરે, પોતાના સંતાનોને કત્લ નહીં કરે, પોતાના હાથ તથા પગની વચ્ચે બોહતાન (આળ) નહીં ચઢાવે, અને ન તો નેક કામોમાં તારી નાફરમાની કરશે તો તેમની બયઅત સ્વિકારી લે. અને તેઓ માટે અલ્લાહ પાસે બક્ષિસ માંગ. બેશક, ખુદા મહાન ક્ષમાવાન અને મહા દયાવાન છે.
આ આયતના અનુસંધાનમાં તફસીરકર્તાએ નોંધ્યું છે કે : ફત્હે મક્કાના દિવસે જ્યારે કોહે – સફા (સફા નામના પહાડ) ઉપર પયગ્મ્બર (સ.અ.વ.) પુરૂષો પાસેથી બયઅત લઇ ચૂક્યા ત્યારે ઇમાનદાર સ્ત્રીઓ પયગમ્બર (અ.સ.) પાસે બયઅત કરવા માટે પહોંચી. કઇ કઇ બાબતો માટે બયઅત લેવામાં આવી તે વાત આયતમાં સ્પષ્ટ છે. તેથી ઔરતોની બયઅત કઇ રીતે લેવામાં આવી એજ વાત અમે અત્રે પ્રસ્તુત કરીએ છીએ.
“…. પયગમ્બરે ઇસ્લામ (અ.સ.) એ એક વાસણમાં પાણી લાવવાનો હુકમ આપ્યો. ઔરતોએ પોતાના હાથો તે વાસણમાં રાખ્યા અને પયગમ્બર (સ.અ.વ.)એ પોતાના હાથ તે વાસણમાં નાખી દીધા. એ રીતે બયઅત લેવામાં આવી.
બયઅતની શરતો
બયઅત કરનાર અને બયઅત લેનાર વચ્ચે, બયઅત એ એક પ્રકારની સંધી અથવા કરાર છે. જેનો સૌથી મહત્ત્વનો મુદ્દો જેની ઇતાઅત કરવામાં આવે તેની ઇતાઅત, પૈરવી, હિમાયત અને રક્ષણ છે. બયઅતની વિવિધ શરતો પ્રમાણે તેના જુદા જુદા દરજ્જા હોય છે. કુરઆન અને હદીસોથી સાબિત છે કે બયઅત એ અતૂટ કરાર છે. તેથી બઅયત કરનાર ઉપર તે પ્રતિજ્ઞા ઉપર અમલ કરવો વાજીબ છે.
બયઅતના કરારમાં બયઅત કરનારને બયઅત તોડી નાખવાનો અધિકાર હોતો નથી. પરંતુ બયઅત લેનારને પોતાની બયઅત તોડાવી નાખવવાનો (પોતાની બયઅત – ઇતાઅતમાંથી મુક્ત કરી દેવાનો અધિકાર છે અને તેમ કરતાં બયઅત કરનારાં, બયઅતમાંથી મુક્ત થઇ જશે. જેવી રીતે શબે આશુરના ઇમામે હુસૈન અલયહિસ્સલામે પોતાના ખુત્બામાં ફરમાવ્યું હતું કે : “આ રાત્રીના અંધકારમાં જેને જવું હોય તે જઇ શકે છે. મેં મારી બયઅત તમો ઉપરથી ઉઠાવી લીધી છે. પરંતુ અસ્હાબ તેમનો વાયદો વફા કરતા રહ્યા.
(કામિલ ઇબ્ને અસીર, ૫૭-૪ તફસીરે નમૂના ૭૧ ૨૨)
પયગમ્બરે ઇલાહી અને અઇમ્મએ માઅસૂમીન અલયહેમુસ્સલામ ખુદા તરફથી મનસુબ હોય છે. તેથી તેઓની ઇતાઅત કરવી વાજીબ છે પછી ભલે કોઇ ઇન્સાન તેઓની બયઅત કરે કે ન કરે. બીજા શબ્દોમાં કહીએ તો નબુવ્વત અને ઇમામતના હોદ્દાનો તકાઝો જે તેમની ઇતાઅત અને ફરમાબરદારી છે.
કુરઆને મજીદમાં છે કે :
અતીઉલ્લાહ વ અતીઉર રસુલ વ ઉલીલ અમ્રે મીન્કુમ
(સુરએ નિસા : આયત નં. ૫૯)
અય ઇમાન લાવનારાઓ! અલ્લાહની આજ્ઞા માનો તથા તેના રસુલની અને તમરામાંના સત્તાધારીઓ (ઉલીલ અમ્ર)ની પણ. અહીં એવો એક પ્રશ્ર્ન ઉપસ્થિત થાય છે કે જો એવું છે તો પયગમ્બરે ઇસ્લામે એકથી વધારે વખત નવા મુસલમાનો પાસેથી બયઅત શા માટે લીધી? આ પ્રશ્ર્નનો જવાબ એ છે કે એ બયઅત એ એક પ્રકારની તાકીદ હતી, જે વફાદારીની સાબિતી આપતી હતી. આ બધી બયઅત હંમેશા અને દરેક સ્થળે નહીં પણ વિવિધ પ્રસંગોએ લેવામાં આવી હતી.
ફીકહી દ્રષ્ટિકોણથી બયઅતનો અર્થ
શિયા ફોકહાના મતે માત્ર ઇલાહી પયગંબરો અને અઇમ્મએ માઅસુમીન અલયહિસ્સલામની જ બયઅત કરી શકાય છે. માઅસુમીન (અ.સ.) સિવાય બીજા કોઇ બયઅત કરવાનો પાત્ર નથી. બયઅત ઇમામે ખુદા (ખુદાના ઇમામ) માટે હોવી જોઇએ. બયઅતમાં કુર્બતનો ઇરાદો હોવો જરૂરી છે.
પગમ્બરે ખુદા (સ.અ.વ.) ફરમાવે છે કે : કયામતના દિવસે ખુદા ત્રણ પ્રકારના લોકો સાથે વાતચીત નહીં કરે અને તેમને પાકીઝા નહીં કરે, તેઓ માટે દર્દનાક અઝાબ છે. પહેલે એવો માણસ કે જેણે માત્ર દુન્યવી હેતુઓ પુરા કરવા માટે બયઅત કરી હોય જો તેની ઇચ્છા પ્રમાણે હદીયો તથા ઇનામો ઇકરામ મળતું રહે તો તે પોતાની બયઅત ઉપર ટકી રહે છે. જો તેમ ન થાય તો બયઅત તોડી નાખે છે.
બયઅત તોડવી ગુનાહે કબીરા છે.
ઇમામ મુસબ્ને જાફર અલયહીસ્સલામ ફરમાવે છે કે :
સલાસતો – – મુબકાતીન – નફસુસ – સફકત – વ – તરકુસ – સુન્નહ – વફીરાકુલ – જમાઅત.
(બેહાર, ભાગ – ૬૭, ૧૮૫)
ત્રણ પ્રકારના ગુનાહ એવા છે જે ઇન્સાનને હલાક કરી નાખે છે (અને તે સખ્ત અઝાબને પાત્ર ને છે.)
(૧) બયઅતને તોડવી
(૨) સુન્નતો છોડી દેવી (અહીં પયગમ્બરે ઇસ્લામ (સ.અ.વ.)ના લાવેલા કાનૂનો પ્રત્યે નિર્દેશ છે. અને
(૩) જમાઅત (સમૂહ)થી દૂર રહેવું.
બયઅત અને આપણી જવાબદારી :
અમીરૂલ મોઅમેનીન અલયહિસ્સલામ ફરમાવે છે કે : અય લોકો, એક હક તો મારો તમારી ઉપર છે અને એક તમારો હક મારી ઉપર છે કે હું તમારી ખેર ખ્વાહીને લક્ષમાં રાખું અને બયતુલ માલમાંથી તમને પુરે પુરો ભાગ આપું. તમને તાલીમ આપું તેથી તમે જાહિલ ન રહો. એ રીતે તમને તહઝીબ (શિષ્ઠતા) શિખવાડું જેની પર તમે અમલ કરો.
વઅમ્મા – હક્કી – અલયકુમ – ફલ – વફાઓ – બિલ – બયઅતે – વન્નસીહતો – ફીલ – મશહદે – વલ મગીબે.
અને મારો તમારી ઉપર આ હક છે કે તમે બયઅતની (જવાબદારીઓ)ને વફા કરો અને સામે અને પીઠ પાછળ ખૈર ખ્વાહી કરો.
વલ – એજાબતો – હીન – અદઉકુબ – વત્તાઅતો – હીન – આમોરોકુમ.
(હું) જ્યારે બોલાવું ત્યારે મારો અવાજ સાંભળીને લબ્બૈક કહો અને જ્યારે કોઇ હુકમ આપું ત્યારે તેનું પાલન કરો.
(નહજુલ બલાગાહ (સબ્હી સાલેહ) ખુત્બા નં. ૩૪. નહજુલ બલાગાહ (ગુજરાતી – હાજી નાજી – ખુત્બા નં. ૩૩)
હઝરત અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ની હદીસથી સ્પષ્ટ જાહેર થાય છે કે બયઅત કર્યા પછી તેનું પાલન કરવું જરી છે અને ઇમામ જાહેર હોય કે પીઠ પાછળ (પરદએ ગયબમાં) બધી હાલતમાં તેમની ખૈર ખ્વાહી કરવી જોઇએ. આ વિશેની વિવિધ દુવાઓ વારીદ થઇ છે જેમાં ઇમામ (અ.સ.)ની તંદુરસ્તી, સલામતી, અને તેઓના કાર્યોમાં સરળતા માટે દોઆઓ કરવામાં આવે છે.
હોંશિયાર
વર્તમાન યુગના ઇમામ હઝરત હુજ્જત ઇબ્ને હસન અસ્કરી (.અસ.) છે અને એ હજરત (અ.સ.)ની બયઅત અને ઇતાઅત આપણી ઉપર વાજીબ છે. (અલ મુન્તઝરનાં વિવિધ અંકોમાં અમે સાબિત કરી ચૂક્યા છીએ કે હજરત હુજ્જત ઇબ્ને હસન અલ અસ્કરી (અ.સ.) જ આ યુગના ઇમામ છે. ખાસ કરીને અલ – મુન્તઝર (ઉર્દુ) શાઅબાનુલ મોઅઝઝમ હિજરી સન ૧૪૧૨ના પાના નં. ૪ થી પ વચ્ચેનો અભ્યાસ કરવા વિનંતી છે.)
બયઅતનો પુનરોચ્ચાર:
વિવિધ રિવાયતોથી જાણવા મળે છે કે ગયબતના ઝમાનામાં જ્યારે ઇમામ (અ.સ.) આપણી નઝરોથી ઓઝલ છે ત્યારે આપણે આપણી બયઅતને દરરોજ તાઝી કરવી જોઇએ એટલે કે ખાસ દુઆઓ જે દુઆએ અહદના નામે જાણીતી છે તે અથવા જે દુવાઓ જે મખ્સુસ દિવસોમાં પઢવાઢની તાકીદ કરવામાં આવી છે તે જેમ કે જુમ્માના દિવસે દુવાએ નુદબહ અને જુમ્માના દિવસની ખાસ દુઆ જે મફાતીહુલ જીનાન (ઉર્દુ) પાના નં. ૫૩૬ ઉપરની તેમજ દુવાએ નુદબહ પાના નં. ૫૯ ઉપરાંત ઝિયારતે ઇમામે ઝમાના (અ.સ.) પઢવી જોઇએ.
દુવાએ અહદ જે દરરોજ નમાઝે સુબ્હ પછી પઢવી જોઇએ તે પણ મફાતિહુલ જિનાનના પાના નં. ૫૪૨ ઉપર જુઓ. આ દુવા અલ મુન્તઝરના ઉર્દુ ભાષામાં શાઅબાનુલ મોઅઝઝમ હિ.સ. ૧૪૦૯ના અંકના પાના નં. ૮ અને ૯ ઉપર અનુવાદ સાથે ગુજરાતીમાં પ્રસિદ્ધ કરવામાં આવી છે. (અલ્લાહુમ્મ રબ્બલ – નુરલ – અઝીમ)
ઐતરાઝ અને તેનો જવાબ
અમુક લોકો એવો ઐતરાઝ કરે છે કે ઇમામ મહદી અલયહિસસલામ સિવાય બાકીના તમામ અઇમ્મા અલયહેમુસ્સલામે (નઉઝોબિલ્લાહ) હાકીમે વક્તની બયઅત કરી હતી અને એ ઇતિહાસકારો જે દરેક ઇમામ અલયહિસસલામની ઐતીહાસિક બાબતો બયાન કરે છે કે : અઇમ્મા અલયહિસ્સલામે હાકીમે વક્તને સહકાર આપ્યો હતો. અને આજ બયઅતની દલીલ છે. આના અનુસંધાનમધાં તેઓ ઇમામે. હસને મુજતબા (અ.સ.)ની મશહૂર હદીસનો હવાલો સંદર્ભ આપે છે કે :
ઇમામે હસન (અ.સ.) એ ફરમાવ્યું : અમે (અઇમ્મા)માંથી એવા કોઇ નથી કે જેની ઉપર તાગયાને વક્ત (જે તે યુગના વિદ્રોહીઓ)ની બયઅત ન હોય પરંતુ એ કાએમ કે જેની પાછળ ઇસા બિન મરીયમ (અ.સ.) નમાઝ પઢશે અને ખુદાવંદે આલમ તેઓ (અ.સ.)ની વિલાયતને ગુપ્ત રાખશે, તેઓ ગયબતમાં રહેશે, એટલે સુધી કે ઝુહુર સુધી તેઓની ગરદન ઉપર કોઇની બયઅત નહીં હોય અને તેઓ મારા ભાઇ હુસૈન (અ.સ.)ના નવમાં વંશમાંથી હશે.
(કમાલુદ્દીન, ૧/૩૧૬, પ્રકરણ : ૨૯, હદીસ નં. ૨)
એતરાઝ કરનારાઓ કહે છે કે ઇમામે પોતેજ ફરમાવ્યું કે : અમારી ઉપર હાકીમે વક્તની બયઅત હતી તેવી જ રીતે ઇમામે અલી (અ.સ.) મે બધી રીતે શયખયનની હિમાયત કરી હતી. આના જવાબમાં લખીએ છીએ કે મજકુર એક લાંબી હદીસ છે. આ હદીસના વર્ણનથી સ્પષ્ટ જણાય છે કે : દરેક ઇમામ ઇમામે મુફતરેઝુ – ત્તાઅહ (ઇમામની ઇતાઅત દરેક ઉપર વાજબી અને જરૂરી) હોય છે. કોઇ તાકત અને મક્કારીના બળ ઉપર પોતાને હાકીમ બનાવી દે, તે એક અલગ વાત છે.
ઉપરોક્ત હદીસ નીચે પ્રમાણે નોંધવામાં આવી છે કે : ઇમામે હસન અલયહિસ્સલામ અમુક લોકો સાથે બેઠા હતા તેવામાં અમીરે શામ પ્રવેશ્યો. અમુક લોકોએ તેમની બયઅત કરી ત્યારે ઇમામ અલયહિસ્સલામે ફરમાવ્યું :
અલા – તઅલમૂન – ઇન્નની – ઇમામોકુમ – મુફતરેઝુત – તાઅત – અલયકુમ?
શું તમે નથી જાણતા કે બેશક હું તમારા મટો ઇમામે મુફતરેઝુત્તાઅ છું (એટલે કે જેઓની ઇતાઅત કરવી આપણી ઉપર વાજીબ છે) જાણે કે હઝરતે લોકો ઉપર એઅતેરાઝ કર્યો કે જેમની ઇતાઅત તમારી ઉપર વાજીબ છે તેમની ઇતાઅત કરવાનું છોડીને બીજાની ઇતાઅત કરો છો.
તમામ અઇમ્મા અલયહેમુસ્સલામે મસ્લેહતના કારણે તકય્યા ઇખત્યાર કરેલ હતા. જે બયઅત ન હતી. મરહુમ સૈયદ સદુદ્દીન સદ (રહ.) તેમની કિતાબ અલ – મહદીમાં લખે છે કે : જે માણસ કોઇ ઇસ્લાહ (સુધારણા કરવા) માટે બહાર આવે છે તે ઇસ્લાહ દુન્યવી કામનો લગતી હોય કે દીની કામોને લગતી, તેને હમેશા એવા સાથીદારો અને મદદગારોની આવશ્યક્તા રહે છે જે વાયદાના પાકા અને હંમેશા તેના અવાજ ઉપર લબ્બૈક કહે તેવા હોય. આ વાત તર્ક સંગત છે. એટલું જ નહીં, ખુદ ઇમામ હસન અલયહીસ્સલામે કહ્યું કે : જો મારા સાથીઓ ધિરજવાન હોત અને મારા હકને ઓળખતા હોત તો હું હરગીઝ તમોને સ્વીકારત નહીં, અને તમે જે બાબતોનો ઇરાદો કર્યો છે તે તમને હરગીઝ ન આપત.
(બેહાલ અન્વાર, ૪૪/૪૫)
આજ પરિસ્થિતિ હઝરત અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ની હતી. અલબત્તા એ વાત સર્વ સ્વીકૃત છે કે અઇમ્મએ માઅસૂમીન અલયહેમુસ્સલામ તેમજ અંબિયા અલયહુમસ્સલામ કોઇ હાકીમના તાબેદાર ન હતા બલ્કે તેઓ પોતે મુફતરેઝુતતાઅહ હતા.
તેઓનું મૌન અને એકાંતવાસ એ તે યુગમાં અનીવાર્ય હતું. સંજોગો અનુકુળ ન હતા. તેમજ જેઓના આધારે જાહેરમાં કયામત કરી શકાય તેવા અડગ સાથીદારો પણ ન હતા.
બયઅતનું પુનરાવતન કરવાના ફાયદાઓ
(૧) બયઅત ઇમામ મહદી (અ.સ.)ની ઇમામત અને તેઓના અસ્તિત્વ વિશેની દરેક પ્રકારની શંકા – કુશંકા દૂર કરી દે છે એટલું જ નહીં તેનાથી ઇમામ (અ.સ.)ની મઆરેફત મજબુત બને છે.
(૨) જે દિવસે ઇમામ અસ્ર ગયબતના પરદામાંથી એમ કહેતા બહાર આવશે કે અના – બકીયતુલ્લાહ ફી અરઝેહી, ત્યારે જે માણસે દરરોજ સવારમાં ઇમામની ઇતાઅત અને વફદારીનો વાયદો કર્યો હશે તે ઇતાઅતમાં ગફલત નહીં કરે. ઇન્શાઅલ્લાહ….
અલ્લાહુમ્મ – અરેનીત – તબઅતર – રશીદહ
બારે ઇલાહા! મને જમાલે હિદાયત અને રોશન અને ઝળહળતી પ્રકાશિત પેશાનીના દીદાર કરાવી દે.
Comments (0)