કરબલાનો બનાવ હક્ક અને બાતિલનો અરીસો
અલ્લાહ તબારક વ તઆલાનું ફરમાન છે
“અમે તે (ઇન્સાન)ને સાચા માર્ગની દોરવણી આપી દીધી છે પછી (તેને અખત્યાર છે કે) શુક્ર ગુઝાર બને અથવા (તેને છોડીને) કુફ્ર અખત્યાર કરે.
અલ્લાહે દરેક ઇન્સાનને અક્કલ આપી છે. જેના આધારે તે હક્ક અને બાતિલ વચ્ચેનો તફાવત જાણે છે અને હક્કનો માર્ગ પસંદ કરીને તેવા ઉચ્ચ સ્થાને પહોંચી જાય છે કે તેના ચારિત્ર્ય અને કારકીર્દીમા મઅસુમ રહેબરોના ગુણો અને ખાસિયતોનું પ્રતિબિંબ ઝળહળે છે. તેનાથી વિરૂદ્ધ અગર ઇન્સાન બાતિલને અનુસરે તો અનહદ ઇલ્મ, ઉચ્ચ સ્થાન અને હોદ્દો ધરાવતો હોવા છતાં ઝિલ્લત અને રૂસવાઇની ખાઇમાં ગબડી પડે છે.
કરબલાના બનાવની એક વ્યક્તિગત વિશેષતા એવી છે કે જેમાં બંને પ્રકારના ચારિત્ર્યો જોવા મળે છે. જ્યારે ઇમામતના સૂરજે પોતાની કિરણો જમીન ઉપર ફેલાવી ત્યારે માટીમાં પડેલા હીરા અને માણેક ચમકવા લાગ્યા. તેની સાથોસાથ ઇન્સાનોના સ્વરૂપમાં રહેલા જંગલી પશુઓના ચહેરાઓ પણ દેખાવા લાગ્યા કે જેઓએ પોતાના ચહેરા ઉપર અંધકારનો ઓળો ઓઢી લીધો હતો.
આવો! કરબલાના બનાવના પ્રારંભથી આવા બે વિરોધાભાસી ચારિત્ર્યોને નિહાળીએ.
જનાબે કય્સ ઇબ્ને મસ્હરે સયદાવી :
આપનું નામ કય્સ બીન મસ્હર બીન ખાલીદ સયદાવી હતું (સયદા કુટુંબ અસદના કબીલાની એક શાખાનું નામ છે.) તેઓ કરબલાના પ્રારંભના શહીદોમાંના ચોથા શહીદ છે. જનાબે કય્સ બની સયદના ખાનદાનના માનનીય મર્દ અને બહાદૂર, મુખ્લીસ અને એહલેબય્તનાં ચાહવાવાળા હતા. મોઆવીયાના મૃત્યુ પછી કુફાના શીઆઓના એક નાના સમૂહે ઇમામ હુસૈન (અ.સ.)ને અમુક પત્રો લખી મોકલ્યા. જેમાંનો એક પત્ર જનાબે કય્સની સાથે મોકલવામાં આવ્યો હતો. તેઓ અબ્દુર રેહમાન અબ્દુલ્લાહ અરજીની સાથે સફરમાં રવાના થયા અને મક્કામાં ઇમામ હુસૈન (અ.સ.)ની ખિદમતમાં હાજર થવાનું બહુમાન પ્રાપ્ત કર્યું.
ઇમામ (અ.સ.)ની ખુશીમાં જનાબે કય્સનું બલિદાન :
હઝરત ઇમામ હુસૈન (અ.સ.)એ પત્રોના જવાબમાં જનાબે મુસ્લિમને બોલાવ્યા અને કુફા રવાના કર્યા. જનાબે કય્સ જનાબે મુસ્લિમની સાથે કુફા પહોંચ્યા. જનાબે મુસ્લિમે જ્યારે ઇમામ હુસૈન (અ.સ.)ની બયઅત માટે કુફાવાળાનો મોટો ઉત્સાહી સમૂહ જોયો ત્યારે જનાબે કય્સની મારફતે ઇમામ હુસૈન (અ.સ.)ને તેના સમાચાર મોકલ્યા. તેમની સાથે આબીસે શાકેરી અને તેમના ગુલામ શુઝબને પણ રવાના કર્યા. જનાબે મુસ્લિમે આ પત્ર તેમની શહાદતના સત્યાવીશ દિવસ પહેલા રવાના કર્યો હતો.
કય્સ ઇમામ (અ.સ.)ની ખિદમતમાં હાજર થયા અને હઝરતની સાથે કુફા જવાનો ઇરાદો કર્યો. રસ્તામાં બત્નેરમાના હાજીઝ નામના સ્થળે પહોંચ્યા ત્યારે તેમણે જનાબે મુસ્લિમ અને કુફાના આગેવાન શીઆઓના નામે એક પત્ર લખ્યો. આ પત્ર જનાબે કય્સને આપીને તેમને કુફા રવાના કર્યા.
જનાબે કય્સનની અંતિમ સફર :
આ તરફ ઇબ્ન ઝીયાદે ખફ્ફાનથી કાદસીયા સુધી તથા કીતફતાનાથી તઅલઅ સુધી હસીન બીન નમીરની આગેવાની હેઠળ લશ્કરનો પહેરો બેસાડી દીધો. જનાબે કય્સે સફર દરમ્યાન કાદસીયામાં રોકાણ કર્યું. જ્યાં હસીન બીન નમીરે આપને ગીરફતાર કર્યા. હસીન બીન નમીર જનાબે કય્સની તલાશી લ્યે અને તે પત્ર દુશ્મનોના હાથમાં જાય અને દુશ્મનો તે પત્રમાં લખેલા કુફાના સક્રીય આગેવાન શીઆઓના નામ જાણી લ્યે તે પહેલાં જનાબે કય્સે તે પત્રના ટુકડે ટુકડા કરી નાખ્યા. (બીજી રિવાયતો મુજબ પછી તેઓ તે ટુકડાઓ ગળી ગયા.)
ઇબ્ને ઝીયાદની સામે કય્સ :
આપને પકડીને ઇબ્ને ઝીયાદની સામે રજુ કરવામાં આવ્યા. તેણે સખ્તાઇ પૂર્વક આ રીતે પૂછપરછ કરી :
ઇબ્ને ઝીયાદ: ઇમામ હુસૈન (અ.સ.)નો પત્ર ક્યાં છે?
જનાબે કય્સ : મેં તે ફાડી નાખ્યો છે.
ઇબ્ને ઝીયાદ : કેમ ફાડી નાખ્યો ?
જનાબે કય્સ: જેથી તું તેમના લખાણને જાણી ન શકે.
ઇબ્ને ઝીયાદ : પત્ર ક્યા લોકોના નામે હતો?
જનાબે કય્સ : પત્ર જેના પણ નામે હતો તને શા માટે જણાવું?
ઇબ્ને ઝીયાદ આ સાંભળીને સળગી ઉઠ્યો. તેણે જનાબે કય્સને ઇમામ હુસૈન (અ.સ.)ની શાનમાં ગુસ્તાખી કરવાનો હુકમ આપ્યો. લોકોને એકઠા કરવામાં આવ્યા અને જનાબે કય્સ મીમ્બર ઉપર ગયા.
જનાબે કય્સની સ્વતંત્રતા અને હિમ્મત :
જનાબે કય્સે પ્રથમ તો અલ્લાહ તબારક વ તઆલાની હમ્દો સના કરી અને મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની આલ ઉપર દુરૂદ અને સલામ મોકલ્યા. પછી આ રીતે બયાન કર્યું :
“અય લોકો! હુસૈન ઇબ્ને અલી (અ.સ.) અલ્લાહના સર્જનોમાં સૌથી શ્રેષ્ઠ હસ્તી છે. ફાતેમા બિન્તે રસુલના ફરઝંદ છે. હું તેમનો કાસીદ (આંગડીયો) બનીને તમારી સમક્ષ આવ્યો છુંં. હું હઝરત ઇમામ હુસૈન (અ.સ.)ને હાજીઝના સ્થળે છોડીને આવ્યો છું. આથી તમે લોકો હઝરત (અ.સ.)ના અવાજ ઉપર લબ્બયક કહો. ત્યાર પછી ઇબ્ને ઝીયાદ અને તેના બાપ ઉપર લઅનત મોકલી અને અમીરૂલ મોઅમેનીન અલી બીન અબી તાલિબ (અ.સ.) ઉપર સલવાત મોકલી.’
જનાબે કય્સની શહાદત :
ઇબ્ને ઝીયાદ આ જોઇને ગુસ્સે થઇ ગયો અને હુકમ આપ્યો કે તેમને દારૂલ અમારાની છત ઉપર લઇ જાવ અને હાથોને પીઠ પાછળ બાંધીને જમીન ઉપર ફેંકી દો. આપને છત ઉપર લાવવામાં આવ્યા અને હાથ પગ બાંધીને જમીન ઉપર ફેંકી દેવામાં આવ્યા. જેના લીધે તેમના હાડકાના ચૂરેચૂરા થઇ ગયા. હજી તો તેઓ તડપી રહ્યા હતા કે અબ્દુર રેહમાન બીન અમીર મલ્ઉને તેમનું માથું કાપી લીધું.
જનાબે કય્સને જમાનાના ઇમામ (અ.સ.)ની શાબાશી અને પ્રસંશા :
જ્યારે જનાબ કય્સની શહાદતના સમાચાર હઝરત (અ.સ.) સુધી પહોંચ્યા ત્યારે ઇમામ (અ.સ.) અઝીબુલ હજાનાતના સ્થળે હતા. શહાદતના સમાચાર સાંભળીને ઇમામ (અ.સ.)ની આંખોમાં આંસુ આવી ગયા અને ફરમાવ્યું:
“તેમાંથી અમૂક એવા છે જેમણે પોતાની આવરદા પૂરી કરી લીધી અને અમૂક એવા છે જે રાહ જોઇ રહ્યા છે.’
તે પછી ફરમાવ્યું : “અલ્લાહ અમારૂં અને તે લોકોનું સ્થાન જન્નતમાં નિયુક્ત કરે. અમને અને તે લોકો પોતાની રેહમતના સ્થળોમાં જગ્યા આપે તથા બાકી રાખવામાં આવેલ અપેક્ષિત સવાબના સ્થળ ઉપર ભેગા કરે.’
જનાબે કય્સનું ઉદાહરણરૂપ ચારિત્ર્ય :
જનાબે કય્સ ખૂબજ બહાદૂર, શૂરવીર અને બળવાન ઇન્સાન હતા. જમાનાના ઇમામના એટલા બધા તાબેદાર અને ફરમાંબરદાર હતા કે ઇબ્ને ઝીયાદ જેવા ઝાલિમ અને અત્યાચારીની જાહોજલાલીની જરાપણ પરવા ન કરી અને ઇમામે ઝમાના (અ.સ.)ના રહસ્યને તે મલ્ઉન પાસે ખુલ્લુ ન કર્યું અને ન તો તે શરીફ શીઆઓના નામો જાહેર કર્યા જેઓના નામે તે પત્ર લાવ્યા હતા. મીમ્બર ઉપર જઇને મોહબ્બતનો હક્ક અદા કર્યો તથા જે કામની સોંપણી તેમને કરવામાં આવી હતી તે તેમણે સુંદર રીતે અને ખૂબીપૂર્વક પુરૂં પાડ્યું. હઝરત (અ.સ.)ની શાનમાં કોઇ ગુસ્તાખી કરવાને બદલે ખુદ ઇબ્ને ઝીયાદ અને તેના બાપ પર લઅનત મોકલી એ જાણવા છતાં કે ત્યાર બાદ તેમની સાથે કેવો વ્યવહાર કરવામાં આવશે.
બાતિલની કારકીર્દિ :
બાતિલને અનુસરનાર પણ બાતિલમાંજ ગણાય છે. પછી ભલે તેઓ ઇલ્મ અને ડહાપણના ઉચ્ચ સ્થાનો ઉપર પણ કેમ ન પહોંચ્યા હોય. આ પ્રકારના ઇલ્મ અને વિદ્ધાનતા ધરાવતા લોકોનો તે વર્ગ છે જેણે પ્રસંગોપાત બાતિલને પોતાની જબાન અને કલમ વેચી છે. આ ઇસ્લામી ઉમ્મતની બદ્નસીબી છે કે આ પ્રકારનો સમૂહ હંમેશા કાર્યશીલ રહ્યો છે. કારણકે આ વર્ગમાં રહેલી વ્યક્તિઓ ઇલ્મ અને વિદ્વાનતાના ઉચ્ચ સ્થાને રહ્યા છે તેથી તેમના કથનો અને કાર્યોથી ઇસ્લામના ઇતિહાસ ઉપર લાંબાગાળાની અસરો અંકિત થઇ છે. આવો, આવી જ એક વ્યક્તિની ઓળખ રજુ કરીએ છીએ.
કાઝી શરીહ :
નામ શરીહ બીન હારીસે કન્દી, અશ્અશ બીન કય્સના કુટુંબી. અત્યંત ચાલાક અને અભિમાની, આનંદી સ્વભાવ, ઇલ્મ અને સાહિત્યમાં ઉચ્ચકોટીમાં તથા શાયરીમાં એ કમાલ હતી કે તેના કલામ અજોડ ગણાતા હતા. સરવરે કાએનાત હઝરત મોહમ્મદ મુસ્તફા (સ.અ.વ.)ના જીવન દરમ્યાન યુવાન અને બાલીગ હતો પરંતુ આપના મુબારક દીદારથી પોતાની આંખો પ્રકાશિત કરી શક્યો ન હતો. તેમ છતાં અસ્હાબોની યાદીમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
કાઝી શરીહ કરબલાના બનાવ પહેલા :
બીજા ખલીફાના જમાનામાં કુફાનો કાઝી નિમવામાં આવ્યો. યઝીદ મલ્ઉનના શાસનકાળ સુધી તે સતત આ હોદ્દા ઉપર ચાલુ રહ્યો. સાંઇઠ વર્ષ સુધી કાઝી તરીકે રહ્યો. ઝીયાદ બીન અબીયા જે ચાલાકી અને છળકપટમાં કાઝી શરીહથી કેટલાય ડગલા આગળ હતો તેણે કોઇ ખરાબ શિર્ષક હેઠળ કુફાથી બસરા બદલી નાખ્યો. તે એક વર્ષ બસરામાં રહ્યો અને જ્યારે જોયું કે શરીહ વગર કામ નહિં ચાલે ત્યારે પરત બોલાવી લીધો.
કાઝી અને કરબલાની શરૂઆત :
જ્યારે ઇબ્ને ઝીયાદ કુફા પહોંચ્યો અને તેણે ચાહ્યું કે લોકોને યઝીદ મલ્ઉનની તાબેદારી કરવા ઉપર મજબુર કરે અને ઇમામ હુસૈન (અ.સ.)ને મદદ કરવાથી રોકે ત્યારે તેણે કાઝી શરીહને હુકમ આપ્યો કે ઇમામ હુસૈન (અ.સ.)ના તરફદારોને સખતમાં સખત સજા આપવામાં આવે. જેથી તેઓ રીસાલતના ખાનદાનને મદદ કરવાથી આપોઆપ દૂર રહે. કાઝીએ તે હુકમનું દિલો જાનથી પાલન કર્યું. બલ્કે તે તેનાથી પણ આગળ વધી ગયો અને એવી સજાઓ આપી કે અલ્લાહની પનાહ.
આ એજ કાઝી શરીહ છે જેણે થોડા દિવસો પહેલા જનાબે મુસ્લિમની મદદ કરી હતી અને તેમના બંને ફરઝંદો જનાબે મોહમ્મદ અને જનાબે ઇબ્રાહીમને પોતાના ઘરમાં રક્ષણ આપ્યું હતું. પરંતુ પરિસ્થિતિ બદલાતાં તેણે પણ પોતાનો રંગ બદલ્યો અને તેણે પોતાના પુત્ર અસદની સાથે બંને બાળકોને કુફાની બહાર કાફલાના બહાને મોકલી આપ્યા કે જેથી ઇબ્ને ઝીયાદની નઝદીકી પર આંચ ન આવે. અગર તે ચાહતો હોત તો કોઇ યોગ્ય બંદોબસ્ત કરીને કોઇ ખીદમતગાર મારફતે વતનથી દૂર રહેલા બંને યતીમ બાળકોનું રક્ષણ કરી શકતે. પરંતુ દીરહમ અને દીનારના ઝગમગાટે કાઝીને આંધળો કરી દીધો હતો અને લોભ અને લાલચે તેના દિલ ઉપર પરદો નાખી દીધો હતો.
કાઝીની ચાલબાજી :
જ્યારે ઇબ્ને ઝીયાદને ખબર પડી કે જનાબ હાનીએ જનાબે મુસ્લિમને રક્ષણ આપ્યું છે ત્યારે તેણે તેમને આ ગુનાહમાં શહીદ કરી નાખ્યા. જ્યારે તેમના કબીલા મઝહજને તેની જાણ થઇ ત્યારે ઉમર બીન હજ્જાજે (જે જનાબે હાનીના સસરા હતા) ચાર હજાર સીપાહીઓની સાથે દારૂલ અમારાને ઘેરી લીધું. આ જોઇને ઇબ્ને ઝીયાદ ગભરાઇ ગયો એટલા માટે કે તે સમયે દારૂલ અમારામાં ફક્ત ગણતરીના સીપાહીઓજ હાજર હતા. ઇબ્ને ઝીયાદે આવા કટોકટીના સમયે કાઝીની મદદ લીધી અને કાઝી દારૂલ અમારાની છત ઉપર આવ્યો અને મીઠા મધુર અવાજે કહેવા લાગ્યો; અય ખુદાના બંદાઓ! હાનીની સાથે કોઇ ગેરવર્તન કરવામાં નથી આવ્યું અને ન તો તેને કોઇ આંખ ઉઠાવીને જોઇ શકે છે. અમૂક લોકોએ કહ્યું કે આ બુઢ્ઢો વિશ્ર્વાસપાત્ર નથી. છેતરપીંડીની જાળ પાથરી રહ્યો છે તેની દગાબાજીમાં ન આવો. પરંતુ લોકો તેની સફેદ લાંબી દાઢીના તાણાવાણામાં ફસાઇ ગયા અને સમૂહ સંતોષ માનીને વિખેરાઇ ગયો.
હુસૈન (અ.સ)ના કત્લ ઉપર ઐતેહાસિક ફત્વો:
આ તે ફત્વો છે જેણે ઇસ્લામના ઇતિહાસના પાયા હચમચાવી નાખ્યા અને એહલેબય્ત (અ.સ.) પર ઝુલ્મનો એક કાયમી દરવાજો ખોલી નાખ્યો. વર્તમાન સમયમાં અઝાએ હુસૈન (અ.સ.)ની વિરૂદ્ધમાં અપાતા દરેક ફતવાઓની બાંગો અહિંજ આવીને તૂટે છેે.
આ ફત્વો કાઝી શરીહે ખૂબજ તૈયારી સાથે આપ્યો અને હુસૈન (અ.સ.)ના કત્લ માટે ઘણીજ બારીક યોજના બનાવી. તે એવી રીતે કે તેણે પહેલા ઇબ્ને ઝીયાદને ચેતવી દીધો કે કુફાવાળાઓની લઅનત અને ટીકા ટિપ્પણીથી બચવા માટે આપણે હુસૈન (અ.સ.)ના કત્લમાં આલિમો, ફાઝીલો, આબીદો, પરહેઝગારો, હાફીઝો અને હદીસના ઇલ્મના જાણકારોનો સાથ મેળવવો પડશે તથા એક અહદનામા ઉપર તેઓની સહીઓ લઇ લેવામાં આવે અને અગર કોઇ યઝીદની બયઅતનો ઇન્કાર કરે અથવા ફરી જાય તો તેને બાગી અને વાજીબુલ કત્લ એટલા માટે ગણવો કે હજારો અકલમંદ વિદ્વાનો અને ઇલ્મવાળા લોકોએ યઝીદની બયઅત કરી લીધી છે. આ અહદનામું આપણા માટે શરઇ રક્ષણ અને ઢાલનું કામ આપશે. આથી અહદનામું લખવામાં આવ્યું. ઉમરે સઅદ જેવી તમામ વ્યક્તિઓએ હોંશે હોંશે અને અમુકે દબાણને વશ થઇને તથા અમુકે મૃત્યુના ભયથી ટૂંકમાં દરેકે એક પછી એક સહીઓ કરી નાખી. કાઝી જે સૌથી ઉંચો ઓફીસર હતો તે પણ અહદનામામાં દાખલ થઇ ગયો. આ તેજ અહદનામું છે જે યઝીદીય્યતનું નિષ્ફળ કવચ બનેલું છે.
કાઝીનો અંત :
સમય ફરી પલ્ટાણો. પરંતુ હવે સમય કાઝીની વિરૂદ્ધ હતો. જેની સામે તેની ચાલબાજી અને છેતરપીંડી ચાલી નહિં. જનાબે મુખ્તારે બળવો પોકાર્યો અને ઇમામ (અ.સ.)ના કાતીલોને વીણીવીણીને કત્લ કર્યા. કાઝીને તેના ભંડકીયામાંથી પકડી લેવામાં આવ્યો અને ત્યાંજ જહન્નમ વાસીલ કરવામાં આવ્યો.
ખુદાની બારગાહમાં દોઆ છે કે અલ્લાહ તબારક વ તઆલા આપણને કય્સ જેવું ચારિત્ર્ય અપનાવવાની તૌફીક આપે અને પોતાની આખરી હુજ્જતના ઝુહુરમાં જલ્દી કરે કે જેથી તેઓ (અ.સ.) કરબલાના મઝલુમોનો ખરેખરો બદલો લે અને કાઝી શરીહ જેવા નાપાક વ્યક્તિઓથી આ દુનિયાને પાક કરી દે. આમીન.
Comments (0)