ઝિયારતે નાહિયાની સમજુતી: ભાગ ૧
આ વર્ષે “અલ મુન્તઝર’ના મોહર્રમના વિશેષાંક માટે અમે ઝિયારતે નાહીયાની પસંદગી કરી છે.
પ્રસ્તાવના :
પવિત્ર ઝિયારતે નાહીયાના પરિચય માટે અમે એ ઓળખને પસંદ કરી છે જે શહીદે મેહરાબ મૌલાના સૈયદ મોહમ્મદ જઅફર સાહેબ ઝૈદી (રહ.) (જેમની શહાદત ૨૮ ઝીલ્હજ હિ.સ. ૧૪૦૦ મુજબ ૭ નવેમ્બર ૧૯૮૦માં લાહોરમાં થઇ હતી.) એ લખી છે. એક ટૂંકા ખુત્બા પછી આપે લખ્યું છે, “આ ઝિયારત હકીકતમાં સલામનો એ તોહફો છે અને અકીદાના શપથ છે જેને હઝરત સાહેબુલ્અમ્ર (અ.સ.)એ પોતાના મઝલુમ દાદા હઝરત સય્યદુશ્શોહદાની બારગાહમાં રજુ કરી છે અને સલામ તરીકે પોતાના મઝલુમ દાદાનો મરસીયો પઢ્યો છે અને તેમની ભયંકર મુસીબતો તેમજ દુ:ખોનું વર્ણન કરીને નૌહો કર્યો છે. આ ઝિયારતની બહુમૂલ્ય ભવ્યતા અને ઉચ્ચ સ્થાનની બાહેંધરી માટે એટલું જ પૂરતું છે કે આ કલેમતુલ્લાહીલ બાકેયહના કલામ છે.
“અમે કલેમતન બાકેયતનને તેમના વંશમાં મુકર્રર કર્યા.
(સુરએ ઝુખ્રૂફ : ૨૮)
ગયબતે સુગરામાં જે ચાર વિદ્વાન આલિમોએ ઇમામની નયાબતની ફરજો બજાવી છે અને ઇમામના ઉચ્ચતમ કથનો અને હુકમો જેઓના થકી એહલેબય્તને માનનારાઓ સુધી પહોંચ્યા છે આજ મહાનુભાવો આ ઉચ્ચતમ ઝિયારત માટે આપણી અને આપણા ઇમામની વચ્ચે મજબૂત કડી છે. આપણા ભવ્ય શાન ધરાવતા માનનીય આલિમોએ આ ઝિયારતને વિશ્ર્વસનીય ગણાવીને ઝિયારતોની કિતાબમાં લખી છે. અલ્લામા મજલીસી (રહ.)એ સૌપ્રથમ પોતાની કિતાબ “તોહફતુઝ ઝાએર’માં આ ઝિયારતને તે ઝિયારતોના અનુસંધાનમાં લખી છે જે મઅસુમ ઇમામો (અ.સ.)થી નકલ કરવામાં આવેલી છે. તેનું સંપાદન આલિમઓએ કરેલું નથી. અલ્લામા મજલીસીએ ઝિયારતે નાહીયાને સૈયદ બીન તાઉસ અને શૈખ મોહમ્મદ બીન અલ-મશ્હદીના હવાલાથી નકલ કરી છે. શૈખુત તાએફ, અબુ જઅફર તુસી (રહ.)એ પણ ઇબ્ને અયાશથી આ ઝિયારતે નાહીયાની રિવાયત કરી છે. જનાબ શૈખ મુફીદ (રહ.), કે જેઓ શૈખ અબુ જઅફર તુસી (રહ.) અને શૈખ નજાશી (રહ.)ના ઉસ્તાદ છે તેમણે પણ પોતાની કિતાબ “અલ – મઝાર’માં ઝિયારતે નાહીયાને લખી છે. સૈયદ ઇબ્ને તાઉસે પણ પોતાની કિતાબ “ઇકબાલ’માં ઝિયારતે નાહીયા રજુ કરી છે. ટૂંકમાં શીઆ ઓલમાઓએ એ સ્વિકાર્યું છે કે આ ઝિયારત ભરોસાપાત્ર અને આધારભૂત છે. અલ્લામા જનાબ સૈયદ સિબ્તુલ હસન હન્સવી સાહેબ એ “રિસાલએ જવાદ’ પ્રકાશન બનારસ, જાન્યુઆરી ઇ.સ. ૧૯૫૩માં ઝિયારતે નાહીયા વિશ્ર્વસનીય અને ભરોસાપાત્ર હોવાની ઘણી જબરદસ્ત વિદ્વવતાભરી ચર્ચા કરી છે. જે અત્યંત મૂલ્યવાન અને કદર કરવાને પાત્ર છે. સદ્ભાગ્યે હાલમાં આ લેખ મૌજુદ અને પ્રાપ્ય છે. તકરીર ઘણી જ વિસ્તૃત અને વિગતવાર છે. તેમાંના અમૂક વાક્યો જે આ હેતુ માટે પૂરતા છે તે રજુ કરવામાં આવ્યા છે. ઉપરોક્ત લેખમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે આ ઝિયારતે નાહીયાનો તરજુમો ઓલમાઓના તાજ મૌલાના સૈયદ અલી મોહમ્મદ સાહેબ તાબ સર્રાહો પછી મૌલાના મરહુમ સૈયદ મોહમ્મદ રઝા સાહેબ (રહ.) અને મરહુમ મૌલાના સૈયદ અલી મોહમ્મદ સાહેબે (રહ.) રજુ કર્યો છે અને મીર્ઝા દબીર (રહ.) અને મીર અશ્ક (રહ.)એ આ ઝિયારતનો વ્યવસ્થિત તરજુમો કર્યો છે.
(ખતીબે જામેઅ શીઆ કરશનનગર, લાહોર, ઇ.સ. : ૧૯૬૧)
ત્યાર બાદ મૌલાના સૈયદ હુસૈન મુરતઝા લખે છે કે આ મૂળ લખાણ જે અલ્લામા મોહમ્મદ બાકીર મજલીસી (રહ.)ની કિતાબ બેહારૂલ અન્વારમાં પ્રકાશન કંપાની તેહરાન, ઇરાન હી. ૧૩૦૩, ભાગ-૨૨, પાના નં. ૧૯૭ થી ૨૦૧ અને પ્રકાશન મોઅસ્સસએ અલ વફા બૈરૂત, લેબનોન હિ. ૧૪૦૩ ઇ.સ. ૧૯૮૩, ભાગ-૯૮, પાના નં. ૩૧૭-૩૨૮ મુજબ રજુ કરવામાં આવી રહ્યું છે.
(વાંચકોને એ જાણ કરવી જરૂરી સમજીએ છે કે ઇલ્મુલ હદીસમાં “રિવાયતુલ હદીસ અથવા ઇલ્મુર રિવાયતમાં જે શ્રેષ્ઠ અને સૌથી વધુ વિશ્ર્વાસપાત્ર રીત હદીસને નકલ કરવાની જે છે તે “કરાઅત બર મશીખાહ’ છે. એટલેકે એક શાર્ગીદ ઉસ્તાદની સામે હદીસ રજુ કરે છે અને ઉસ્તાદ તેની ખરી હોવાની ચકાસણી કર્યા પછી હદીસને નોંધ કરવાની પરવાનગી આપે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને આપ વધુમાં કહે છે.)
હદીસની રિવાયતના હુન્નર મુજબ હું મારી હદીસને મારા શિક્ષકો જેમ કે :
૧. બુઝુર્ગ ઉસ્તાદ શૈખુલ ફોકહાઅ વલ મોહદ્દેસીન હઝરત આયતુલ્લાહ સૈયદ શહાબુદ્દીન નજફી મરઅશી (રહ.)
૨. માનનીય ઉસ્તાદ શૈખુલ હદીસ હઝરત આયતુલ્લાહ સૈયદ મોહમ્મદ રઝા ગુલપાયગાની (રહ.)
૩. હદીસના ઉસ્તાદ હઝરત આયતુલ્લાહ મોહદ્દીસઝાદે કુમ્મી આયતુલ્લાહ શૈખ અબ્બાસ કુમ્મી (રહ.) મફાતીહુલ જીનાનના લેખકના ફરઝંદ.
૪. હદીસ અને ફીકાહના ઉસ્તાદ હઝરત આયતુલ્લાહ શૈખ મોહમ્મદ રઝા તબસી નજફી (રહ.)
૫. માનનીય અને બુઝુર્ગ ઉસ્તાદ આયતુલ્લાહ સૈયદ ઇબ્ને હસન નજફી (મદ્દઝીલ્લાહુલ આલી.)
તેમજ મારા વાલીદ મરહુમ અલ્લામા મોહક્કીક હઝરત આયતુલ્લાહ હાજ સૈયદ મુરતઝા હુસૈન સદરૂલ અફાઝીલ (રહ.)ની થકી આ બુઝુર્ગોની રિવાયતના સિલસિલાના માધ્યમથી હઝરત ઇમામે ઝમાના (અજ.)થી રિવાયતનું સન્માન મેળવીને હું મારા વતનના પ્રિય ભાઇઓની ખિદમતમાં રજુ કરૂં છું…. સૈયદ હુસૈન મુરતઝા નકવી નઝીલ શહેર મુકદ્દસ કુમ, ઇરાન.
ઉપરોક્ત પ્રસ્તાવના અને ઓળખાણથી પુરતી રીતે સ્પષ્ટ છે કે પવિત્ર ઝિયારતે નાહીયા અત્યંત ભરોસાપાત્ર ઝિયારત છે કે જેની માત્ર ઇરાન અને ઇરાકના બુઝુર્ગ અને વિદ્વાન આલિમોએ એજ નોંધ નથી કરી બલ્કે હિન્દુસ્તાન અને પાકિસ્તાનના આલિમોએ પણ તેની ઉપર ઘણું કામ કર્યું છે ઝિયારત ઘણીજ મોટી છે તેથી ટૂંકાણને ધ્યાનમાં રાખીને ચર્ચાની શરૂઆત તે વાક્યોથી કરીશું જે હઝરત સય્યદુશ્શોહદા (અ.સ.) સંબંધિત છે. અને ઝિયારતના શરૂઆતના વાક્યોને છોડી દેશું તે એટલે નહી કે શરૂઆતના વાક્યોનું મહત્ત્વ નથી મઆઝઅલ્લાહ પરંતુ ટૂંકાણને ધ્યાનમાં રાખીને તથા એટલા માટે કે આ અંક હઝરત સય્યદુશ્શોહદા (અ.સ.) સંબંધિત ખાસ અંક છે.
ઝિયારતની શરૂઆત મહાન નબીઓ, માનવંતા, રસુલો અને પંજેતને પાક (અ.મુ.સ.) ઉપર સલામથી થાય છે. પછી ઇમામે ઝમાના (અ.સ.) ફરમાવે છે.
(૧)
“સલામ થાય હુસૈન (અ.સ.) ઉપર જેમણે સંપૂર્ણ નિખાલસતાથી ખુદાની રાહમાં પોતાની જાન નિસાર કરી દીધી.’ ઝિયારતના આ વાક્યમાં ત્રણ મહત્ત્વના શબ્દો છે. સમેઅ, નફસ અને મોહજહ. “સમેઅ’નો અર્થ થાય છે અતા કરવાવાળો અને સખી હોવું. ઇસ્લામમાં અને ખાસ કરીને શીઆ મઝહબમાં સખાવત અને ઉદારતાની ઘણી તાકીદ કરવામાં આવી છે. અલ્લામા મોહમ્મદ બાકીર મજલીસી (રહ.)એ બેહારૂલ અન્વાર, ભાગ – ૭૧, પાના નં. ૩૫૦માં એક સંપૂર્ણ પ્રકરણ સખાવત અને ઉદારતા ઉપર લખ્યું છે. જેમાં આપે બાવીસથી વધુ હદીસોની નોંધ કરી છે. જેમકે :
“મૌલાએ કાએનાતે તેમના ફરઝંદ ઇમામ હસન મુજતબા (અ.સ.)ને સવાલ કર્યો. બેટા સમાહત શું છે? આપે જવાબ આપ્યો: મુશ્કેલીઓ અને આસાનીઓ બંનેમાં હાથ છુટો રાખવો અને સખી હોવું.’
(મઆનીલ અખ્બાર, પાના નં. ૨૫૫)
રાવી કહે છે કે મેં ઇમામ રઝા (અ.સ.) પાસેથી સાંભળ્યું કે આપે ફરમાવ્યું :
“સખી અલ્લાહ, જન્નત અને સાધારણ માણસોથી નજીક હોય છે. પરંતુ લોભી અને કંજુસ અલ્લાહ, જન્નત અને સાધારણ લોકોથી દૂર હોય છે.’
(ઓયુને અખ્બારે રેઝા, ભાગ – ૨, પાના નં. ૧૨)
બીજો શબ્દ છે “નફસ’. નફસ ઇન્સાનની એ હકીકતને કહે છે કે જેના ઉપર ઇન્સાનની (હું પણા)નો આધાર છે. જ્યારે આપણે કહીએ છીએ કે “હું’ ત્યારે આ હું થી મુરાદ આપણો નફસ છે.
બુઝુર્ગ આલિમ ઇબ્ને બાબવય કુમ્મી કે જેઓ શૈખ સદ્દુક (રહ.)ના નામથી મશ્હૂર છે તેમની કિતાબ “રેસાલતુલ અકાએદ’માં આ રીતે નોંધ કરે છે.
“નફસના બારામાં અમારો એ અકીદો છે કે નુફુસ તે રૂહોને કહે છે જેના કારણે જીવન છે.’
(બેહારૂલ અન્વાર, ભાગ – ૬૧, પાના નં. ૭૮)
અહિં સ્થળ સંકોચને કારણે જે વાંચકોને આ વિષય ઉપર વધુ અભ્યાસ કરવો હોય તેઓ બેહારૂલ અન્વાર, ભાગ – ૬૧ના જુદા જુદા પ્રકરણો વાંચી શકે છે. જેમકે નફસ અને રૂહની હકીકતો તથા તેની હાલતોનું પ્રકરણ, નફસની કુવ્વતો તેની જાહેર અને છુપી ઇન્દ્રીયો તથા બદનની બધી કુવ્વતોનું પ્રકરણ તથા નફસના દરજ્જાઓ અને નફસ ઉપર ભરોસો ન કરવો, નફસના શણગારો તેમજ નફસને સુશોભિત કરવાની બાબતોનું પ્રકરણ વિગેરે.
ખુલાસો એ કે જ્યારે આપણે કહીએ નફસ ત્યારે તેનાથી મુરાદ છે આપણી સંપૂર્ણ જાન.
ત્રીજો શબ્દ “મોહજત’ એટલેકે “લોહી’ અથવા “દિલનું લોહી’ અથવા “ઝીંદગી’ અથવા “રૂહ’.
હવે અગર ઝિયારતના વાક્ય ઉપર વિચાર કરીએ તો ખ્યાલ આવશે કે ઇમામ હુસૈન (અ.સ.)એ ઇસ્લામની રાહમાં સખાવતની જે જઝબો દેખાડ્યો છે તે અજોડ છે, અને બે મિસાલ છે. ખુદ આપની પવિત્ર ઝાત “હુસૈનુમ મીન્ની વ અના મેનલ હુસૈન’ની ફઝીલત ધરાવે છે. અને માત્ર એક કુરબાની પૂરતી હતી પરંતુ આપે સખાવત અને સમાહતને એક નવો અર્થ અને સમજ અર્પણ કરી છે અને દુનિયાને દેખાડી દીધું કે જુઓ અમે એહલેબય્ત જ્યારે ખુદાની રાહમાં સખાવત કરીએ છીએ ત્યારે માત્ર પોતાની જાનનું બલિદાનજ નથી આપતા બલ્કે સમોવડીયો ભાઇ, જવાન દિકરાઓ, નવયુવાન ભત્રીજાઓ અને એટલે સુધી કે પોતાના છ માસના માસુમ બાળકને પણ અલ્લાહની રાહમાં કુરબાન કરી દઇએ છીએ. ચાદર વગરની સ્ત્રીઓને ઠેકઠેકાણે ફેરવવામાં આવે તે પણ સહન કર્યું. આ બધું માત્ર અને માત્ર એટલા માટે કે દીને મોહમ્મદી કયામત સુધી બાકી રહે.
(૨)
“સલામ થાય તેની ઉપર જેણે જાહેરમાં અને એકાંતમાં તેમજ છુપાઇને તથા જાહેરમાં અલ્લાહની ઇતાઅત (તાબેદારી) અને બંદગી કરી.’
ઉપરના વાક્યથી સ્પષ્ટપણે જણાય છે કે ઇમામ હુસૈન (અ.સ.) અલ્લાહના અનુસરણ અને ફરમાંબરદારીનું ઉદાહરણ હતા. ખરેખર આ ઇતાઅત અને ફરમાંબરદારી જ ઇન્સાનના સર્જનનો હેતુ છે. પરંતુ (તેઓમાંથી મોટા ભાગના સમજતા નથી.) આવો એહલેબય્ત (અ.સ.)ના દરવાજા ઉપર જઇએ અને તેઓનેજ તેનું મહત્ત્વ પૂછીએ.
૧. શું ખુદાવંદે આલમ આપણી ઇતાઅત (તાબેદારી)નો મોહતાજ છે?
આ સવાલના જવાબમાં જ્યારે આપણે ઇલ્મના શહેરના દરવાજાને ખટખટાવીશું તો જવાબ મળશે કે :
“તેણે તમામ સર્જનોનું સર્જન કર્યું જ્યારે કે તે તેઓની ઇતાઅતનો મોહતાજ ન હતો અને તેઓની નાફરમાની અને ગુનાહોથી સુરક્ષિત હતો. કારણકે કોઇ નાફરમાનની નાફરમાની તેને ઇજા કે નુકસાન નથી પહોંચાડતી અને કોઇ ફરમાંબરદારની ફરમાંબરદારી તેને કોઇ લાભ નથી પહોંચાડતી.
(નહજુલ બલાગાહ, ખુત્બો : ૧૯૩)
૨. જ્યારે ખુદા આપણા દ્વારા તાબેદારીનો મોહતાજ નથી તો પછી તેણે આપણને તેના અનુસરણનો હુકમ શા માટે આપ્યો? મૌલાએ કાએનાત અમીરૂલ મોઅમેનીન અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.) ફરમાવે છે :
“જ્યારે તમે નફસને પરવરદિગારની ઇતાઅત અને ફરમાંબરદારી માટે તૈયાર કરો છો તો તમે તેને (નફસને) સન્માનિત અને પ્રતિષ્ઠિત કર્યો જ્યારે તમે ખુદાની નાફરમાની કરો છો તો તમે તમારા નફસને હલ્કો પાડ્યો અને બદનામ કર્યો.
(શર્હે નહજુલ બલાગાહ ઇબ્ને અબીલ હદીદ, ભા.૧૦, નં. ૧૮૯)
તો જાણવા મળ્યું કે ઇન્સાન અલ્લાહની જેટલી વધુ ઇતાઅત અને ફરમાંબરદારી કરે છે તો તેનો નફસ તેટલું જ વધારે સન્માનનીય અને આદરણીય બને છે અને તે જેટલી વધારે નાફરમાની અને ગુનાહ કરે છે તેનો નફસ તેટલોજ હલ્કો, નિંદિત અને બદનામ થાય છે.
૩. એવું ઘણીવાર બને છે કે દોસ્ત ચાહવાવાળા, સગા, સ્નેહી, સંબંધી અને રીતરિવાજોના કારણે આપણે ખુદાની નાફરમાની કરવી પડે છે અથવા એવા કાર્યો કરવા પડે છે જે શરીયતના હુકમ મુજબ નથી હોતા. આવા સંજોગોમાં શું કરવું જોઇએ? મૌલાએ કાએનાત અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.) આ સવાલનો જવાબ આ રીતે આપે છે.
“તમારા પરવરદિગારે તમને પોકાર્યા પરંતુ તમે ગણકાયર્ર્ંુ નહિ અને તમારી પીઠ દેખાડી પરંતુ જ્યારે શયતાને તમને આમંત્રણ આપ્યું તો તમે તેના આમંત્રણને સ્વિકાર્યું અને તમે આગળ વધ્યા. તમારો પરવરદિગાર તમને હંમેશા રહેવાવાળું ઘર, ત્થા હંમેશા રહેનારૂ રહેઠાણ અને નેઅમતો તથા અંબીયા અને નેક લોકોનો પડોશ તરફ બોલાવે છે પરંતુ તમે નાફરમાની કરી અને બેદરકારી દેખાડી અને દુનિયા તમને ખરાબી, અસફળતા, નાશ થવાની જગ્યા, ત્થા જુદી-જુદી બલાઓ અને મુસીબતોની તરફ પોકારે છે અને તમે તેની તાબેદારી કરો છો અને બહુ જ ઝડપથી તેની તરફ આગળ વધો છો.’
(ગોરરૂલ હેકમ વ દરરૂલ કલમ)
આ હદીસ સ્પષ્ટ કરે છે કે :
“અગર અલ્લાહની નાફરમાની થતી હોય તો તેવા સંજોગોમાં મખલુકાત અને બંદાઓની તાબેદારી વાજીબ નથી પછી ચાહે તે દોસ્ત હોય, સગાસંબંધી હોય કે કોઇ પ્રિય સ્વજન હોય.’
Comments (0)