ઇમામે મઝલુમની અઝાદારીના વિરોધોના જવાબો

મુંબઇના મશ્હૂર વર્તમાન પત્ર ‘ટાઇમ્સ ઓફ ઇન્ડીયા’માં તારીખ 6 ફેબ્રુઆરી 2006માં એક પક્ષપાતિ શખ્સ અબુ બક્રનો લેખ ‘મોહર્રમને પવિત્ર શા માટે ગણવામાં આવે છે?’ પ્રકાશિત થયો હતો. પછી એજ સમાચાર પત્રમાં તે લેખનો ત્થા તેમાં કરવામાં આવેલ દાવાનો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો. જે નીચે મુજબ છે.

જનાબ અબુ બક્ર સાહેબ: કમનસીબે ઇસ્લામ દીનની તાલિમને સમજવાની આપની અજ્ઞાનતા અને અયોગ્યતા આપની કલમથી જાહેર થાય છે. આવો! આપણે જોઇએ કે આપે શું લખ્યું છે અને સત્ય શું છે.

તમે લખ્યું છે: મોહર્રમનો દસમો દિવસ આશુરા છે. મદીનાના યહુદીઓ આ દિવસે રોઝો રાખતા હતા. આ દિવસે હઝરત મુસા (અ.સ.) અને તેમના સાથીદારોએ મોઅજીઝાથી લાલ દરિયાને પાર કર્યો હતો. તેથી હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)એ મુસલમાનોને આશુરાના દિવસે રોઝો રાખવાનો હુકમ કર્યો.

જવાબ: જે હદીસ આપે નકલ કરી છે તે હકીકતમાં આ મુજબ છે.

‘આં હઝરત (સ.અ.વ.)એ જ્યારે મક્કાથી હિજરત કરી અને મદીના આવ્યા ત્યારે આપે જોયું કે યહુદીઓ 10 મોહર્રમના દિવસે રોઝો રાખે છે. આપે તેનું કારણ પુછયું તો જવાબ મળ્યો : આ એક મુબારક દિવસ છે. આ એ દિવસ છે જે દિવસે અલ્લાહે બની ઇસરાઇલને દુશ્મન (ફિરઔન)થી આઝાદ કરાવ્યા. તેથી મુસા (અ.સ.)એ તે દિવસે રોઝો રાખ્યો. આં હઝરત (સ.અ.વ.)એ ફરમાવ્યું: હું મુસા (અ.સ.)ની સાથે તમારા કરતાં વધુ નજદિકી ધરાવું છુંં, તેથી આપે તે દિવસે રોઝો રાખ્યો અને (મુસલમાનોને) રોઝાનો હુકમ આપ્યો.’

(સહીહ બુખારી, ભા.3, પ્રકાશન : મીસર, પા. 54, મિશ્કાતુલ મસાબીહ, પ્રકાશન : દિલ્હી, હિ.સ.1307, પાના નં. 172)

મિશ્કાતુલ મસાબીહના તફસીરકાર નોંધ કરે છે કે આ બીજા વરસે બન્યું કારણકે પહેલાં વર્ષે આં હઝરત (સ.અ.વ.) મદીનામાં આશુરાની પછી રબીયુલ અવ્વલમાં તશ્રીફ લાવ્યા હતા.

એ યાદ રહે કે યહુદીઓનું ખુદનું પોતાનું વર્ષ અને મહિના હતા. એ કહેવામાં કોઇ તર્ક નથી કે તેઓ 10 મોહર્રમના દિવસે રોઝો રાખતા હતા. જ્યાં સુધી કે એ સાબિત ન થાય કે આ તારીખો હંમેશા યહુદીના રોઝાના દિવસ સાથે આવતી હોય.

યહુદીઓનો પહેલો મહિનો (અબીબ, પછી જેને નિસાન નામ આપવામાં આવ્યું) અરબોના મહિના રજબની સાથે આવ્યો. ડબલ્યુ. ઓ. ઇ. ઓસ્ટરલી અને થિયોડોર એચ. રોબિન્સને લખ્યું છે કે અરબસ્તાનમાં નવા ચાંદના તહેવારોમાં સૌથી વધુ મહત્ત્વનો તહેવાર રજબ મહિનામાં આવતો. જે હિબ્રુ મહિનો ‘અબીબ’ સાથે આવે છે. કારણકે આ તે સમય હતો જ્યારે અગાઉના અરબો વસંત ઋતુ મનાવતા હતા.

(હિબ્રુ રીલીજીયન, એસ. પી. સી. કે. લંડન, 1955, પા. 128)

શાયદ જુના જમાનામાં અબ્રાહમના ઘરની બે શાખાઓ એક અધિક માસ ઉમેરવાની પદ્ધતિને અનુસરતા. આ રીતે યહુદીઓનો સાતમો મહિનો તિશરી – 1 મોહર્રમની સાથે આવતો અને મોહર્રમના આશુરા 10 તિશરીના દિવસે આવતા. તે દિવસે યહુદીઓનો તૌબાનો દિવસ આવતો એટલે કે રોઝાનો દિવસ.  જ્યારે ઇસ્લામે અધિક માસ (દિવસોની વધ ઘટ)ની મનાઇ કરી દીધી. ત્યારે આ બન્ને કેલેન્ડરનો મેળ ખતમ થઇ ગયો. અગર આપણે ઉંડાણથી જોઇએ તો આ સરખાપણું ઇસ્લામના આવવાના ઘણા સમય પહેલાંજ ખતમ થઇ ચૂક્યું હતું. કારણકે અરબ લોકો તેઓના અધિક માસના હિસાબમાં કોઇ ગણિતને અનુસરતા ન હતા. આજ કારણ છે કે બીજી હિજરીનો મોહર્રમ પાંચમી જુલાઇ ઇ.સ. 623થી શરૂ થયો. (અલ મુન્જીદ 21મી આવૃત્તિ) મહીનાઓ પહેલા તિશરી-1થી (જે સપ્ટેમ્બર અને ઓક્ટોબરની સાથે આવે છે). સ્પષ્ટ છે કે ત્યારે મોહર્રમના આશુરા (બલ્કે મદીનામાં આં હઝરત (સ.અ.વ.)ની આખી જીંદગી દરમ્યાન) યહુદીઓ માટે કોઇ મહત્ત્વ ધરાવતા ન હતા.

તમે લખ્યું છે: શરૂઆતમાં તે દિવસે રોઝો રાખવો વાજીબ હતો. પરંતુ પાછળથી રમઝાનના રોઝા વાજીબ કરવામાં આવ્યા. અને આશુરાના દિવસે રોઝો મુસ્તહબ કરવામાં આવ્યો.

વધુમાં આપે લખ્યું: તેમ છતાં આશુરાની પાકીઝગી આ સાથે જોડી ન શકાય. કારણકે મોહર્રમ અને આશુરાના દિવસની પાકીઝગી આં હઝરત (સ.અ.વ.)ના જમાનામાં હુસૈન (અ.સ.)ના જન્મ પહેલાંજ સ્થાપિત થઇ ચૂકી હતી.

જવાબ: સવાલ એ છે કે તે દિવસે તેઓ રોઝો શા માટે રાખતા હતા? યહુદીઓનું ‘મીડ્રેશીક’ સાહિત્ય સાતમા મહિનાના દસમાં દિવસ (યવ્મે હકીપ પુરીમ-તૌબાનો દિવસ)ને સીનાઇના પર્વત ઉપરથી અહદનામુ લાવવાના પ્રસંગ સાથે જોડે છે. જેમ કે ડો. મીશાઇલ મસવારી કપસીએ તેના એક પત્રમાં લખ્યું છે.

સવાલ એ છે કે જો યહુદી તિશરી 1 અને મોહર્રમની સમાનતા કે જે કેટલાય સમયથી ખોવાઇ ગઇ હતી તેને નજરમાં રાખવા ઇચ્છતા હોત તો એમ કેમ બન્યું કે તેઓ આં હઝરત (સ.અ.વ.)ને આ રિવાયત વર્ણવવાનું ભૂલી ગયા. જે મહિનામાં ખુદાએ ઇસરાઇલીઓને ફીરઔનથી નજાત આપી તે ‘અબીબ’ (એટલે કે રજબ) હતો. જેમકે બાઇબલમાં તે સ્પષ્ટ રીતે કહે છે: અબીબનો મહીનો મનાવો અને તારા રબ માટે રોઝો રાખો કારણકે અબીબના મહીનામાં તારો રબ તને ઇજીપ્તમાંથી રાત્રે બહાર લાવ્યો.

(ડ્યુટ, 1/16)

સવાલ એ છે કે યહુદીઓે અબીબના બનાવને (જે મૂળભૂત રીતે રજબની સાથે આવતો હતો) મોહર્રમમાં કેમ કરતા લઇ આવ્યા જે તૌરાતથી સ્પષ્ટ પણે વિરૂદ્ધ છે.

અહિં મુસલમાનોએ વિચારવા જેવી વાત છે. હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ને દિને ઇસ્લામની સાથે મોકલવામાં આવ્યા હતા. જેથી ભૂતકાળના બધા ધર્મો અને શરીઅતોને રદ કરી દે. તો પછી એ કઇ રીતે શક્ય છે કે તે યહુદીઓના રીત રિવાજને શોખથી અપનાવી લે?

આ હકીકતથી જણાઇ આવે છે કે યહુદીઓની પાસે એવું કોઇ કારણ ન હતું કે તેઓ તે જમાનામાં મોહર્રમના આશુરાના દિવસે રોઝો રાખે અને આ વાતને માત્ર આ કારણો ઉપર રજૂ કરવી તે માત્ર એક મનઘડત વાત છે. બેશક આ તે રાવિની શોધ છે જેને ખબર પડી કે એક વખત મોહર્રમ  યહુદીઓના તિશરી – 1 મહિનાની સાથે આવ્યો હતો. પરંતુ તે યહુદીઓના ધર્મ અને રીત રિવાજથી બિલ્કુલ અજાણ હતો.

હવે નાછુટકે એ કહેવું પડે છે કે આ અને આવા પ્રકારની બીજી હદીસો બની ઉમય્યાનું હિત ઇચ્છનારાઓએ ઇમામ હુસૈન (અ.સ.)ની શહાદત પછી ઘડી. જે દસમી મોહર્રમનો દિવસ ખુશીના દિવસમાં  બદલવાનો પ્રયાસ છે. આ રીતે બીજી ઘણી બનાવટી અને મનઘડત હદીસો કહી ગયા. જેમકે 10 મોહર્રમનો દિવસ જ હતો કે જે દિવસે હઝરત નુહ (અ.સ.)ની કશ્તી અરફાતના પહાડ ઉપર રોકાઇ હતી, હઝરત ઇબ્રાહીમ (અ.સ.) માટે આગ ઠંડી થઇ ગઇ હતી, હઝરત ઇસા (અ.સ.) ચોથા આસમાન ઉપર ગયા હતા. આજ કક્ષામાં બીજી હદીસો જોવા મળે છે જે મુસલમાનોને હુકમ આપે છે કે આશુરાને ખુશીનો તહેવાર માને, પોતાના ઘરમાં ખાવા પીવાની વસ્તુઓ ભેગી કરે જેથી રોજીમાં વધારો થશે અને અલ્લાહની બરકતો ઘરમાં દાખલ થશે.

તમે લખ્યું છે: હકીકતમાં એ હુસૈન (અ.સ.)ની ફઝીલત છે કે તેમની શહાદત તે દિવસે થઇ. બીજી ગેરસમજ એ છે કે આ મહિનો નહસ છે કારણકે હુસૈન (અ.સ.) મોહર્રમમાં કત્લ થયા. જેના કારણે લોકો આ દરમ્યાન લગ્ન નથી કરતા. આ પાયા વગરની વાત છે કે જો કોઇ મહાન વ્યક્તિ કોઇ ખાસ દિવસે મૃત્યુ પામે તેથી તે પછી તે દિવસ નહસ ગણાય. આ રીતે તો વર્ષનો કોઇ પણ દિવસ નહુસત વગરનો નહિં રહે. કુરઆને કરીમ અને નબી (સ.અ.વ.)ની સુન્નતે તો આપણને આ પ્રકારની અંધશ્રદ્ધાથી આઝાદ કર્યા છે.

જવાબ: આ દ્વેશ (પક્ષપાત) સિવાય બીજું કાંઇ નથી. હું આપને એ સવાલ કરૂં છું કે શું તમે તે દિવસે લગ્ન કરશો જે દિવસે આપના ર્માં-બાપ મૃત્યુ પામે કે પછી તમે તેના સન્માન ખાતર મુલ્તવી રાખશો? (મને આશ્રર્ય નહિં થાય અગર આપ કહો કે તેમાં કાંઇ વાંધો નથી.)

તમે લખ્યું છે: રડવું, માતમ કરવું અને હુસૈન (અ.સ.)ની શહાદત ઉપર ગમ કરવો ઇસ્લામમાં જાએઝ નથી. જો કે આ શહાદત દર્દનાક છે. પયગમ્બર (સ.અ.વ.)એ કોઇ માણસના મોત ઉપર અઝાદારીની મજલીસને હરામ ઠેરવી છે. જાહેલિય્યતના જમાનામાં લોકો પોતાના મરનાર લોકો ઉપર ગમગીન થતા હતા. હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)એ તેઓને અટકાવ્યા….

જવાબ: શું આપને નથી લાગતું કે જો અઝાદારી ન હોત તો ઇમામ હુસૈન (અ.સ.)ના રસ્તા અને યઝીદ (લ.અ.)ના રસ્તા વચ્ચેનો ફરક મટી જાત. યઝીદ (લ.અ.) અનંતકાળ સુધી એક ધૃણાસ્પદ માણસ ગણાશે અને જે નાપાકી, શરમ, અય્યાશી, અદ્યોગતિ, ચારિત્ર્યહીનતા, માનસિક ભ્રષ્ટતા અને દરેક પ્રકારની બુરાઇ જે શયતાનીયતની ઓળખ છે, યઝીદ (લ.અ.) તેની નિશાની તરીકે ઓળખાશે.

અમે અમારી અઝાદારી વડે એહલેબૈત (અ.સ.) પ્રત્યે ગમ વ્યક્ત કરીએ છીએ. એહલે સુન્નતના ઇમામ અલ્લામા ફખરૂદ્દીન રાઝીના આ વાક્યો ઘણા મહત્ત્વના છે. તેઓ કહે છે :

‘એ આપણો મજબુત અકીદો છે કે જે મોહમ્મદ (સ.અ.વ.)ની આલની મોહબ્બતની સાથે મૃત્યુ પામશે તે શહીદ મૃત્યુ પામશે.’

(તફસીરે કબીર, ભાગ – 7, પાના નં. 390, લીટી 9)

અલ બદાયા વન નહાયા ભાગ – 4, પાના નં. 45 બૈરૂત પ્રકાશનમાં આપણે આ રીતે વાંચીએ છીએ.

અબુ હોરયરા નકલ કરે છે કે રસુલે ખુદા (સ.અ.વ.) દર વર્ષે શહીદોની કબ્ર ઉપર ઝિયારત માટે જતા હતા. જ્યારે આપ પર્વતના પ્રવેશ પાસે પહોંચતા ત્યારે આપ (શહીદોને) કહેતા: ‘અસ્સલામો અલય્કુમ બેમા સબરતુમ’ અર્થાંત ‘તમારા ઉપર સલામ થાય તમારી સબ્રના કારણે અને તમે આ કારણથી એક સુંદર જગ્યા ઉપર પહોંચી ગયા.’ આં હઝરત (સ.અ.વ.) પછી અબુ બક્ર પણ દર વર્ષે આવતા તેમના પછી ઉમર પણ એજ રીતે કરતા અને પછી ઉસ્માને પણ એમજ કર્યું.

અલ બદાયા વન નહાયા, ભાગ – 6, પાના નં. 3, પર આપણે આ રીતે વાંચીએ છીએ.

ઉમરે કહ્યું: જ્યારે પણ હું સૂર્યોદય જોતો ત્યારે મને મારા ભાઇ ઝૈદ બિન ખત્તાબની યાદ આવતી.

તારીખે યાકુબી, ભાગ – 1, પાના નં. 3, ઉપર આપણે આ રીતે વાંચએ છીએ:

‘ઇન્સાનિય્યતના પિતા અને માતા (હઝરત આદમ (અ.સ.) અને જ. હવ્વા (અ.સ.)) તેમના દિકરા હાબીલ માટે એટલું બધું રડ્યા કે તેઓના આંસુ નહેરમાં બદલાઇ ગયા.’

રવઝતુશ્શોહદાઅના પાના નં. 30 ઉપર આજ બનાવ હુસૈન વાએઝ કાશફીએ નોંધ કર્યો છે. તે વધુમાં લખે છે:

‘આદમ (અ.સ.)ના આંસુ જમણી આંખમાંથી દજલા નદીની જેમ વહી રહ્યા હતા અને ડાબી આંખથી નહેરે ફુરાતની જેમ.’

કદાચ આ હદીસ આપને ખુબજ રસપ્રદ લાગશે:

‘……આં હઝરત (સ.અ.વ.)ના દફન થવા પછી અસ્હાબો ગમની  સ્થિતિમાં પોતાની જીંદગી અને જીવંત રહેવા ઉપર અફસોસ કરી રહ્યા હતા. રડવાના જોશનું કારણ તેઓના દુનિયા અને આખેરતના મહેબુબની જુદાઇ હતી. ખાસ કરીને જનાબે ફાતેમા (સ.અ.) સૌથી વધુ ગમગીન હતા. ઘણા એકાકી હતા અને ખુબ વધારે રોકકળ કરવામાં મશ્ગુલ હતા. તેઓ પોતાના પુત્રો ઇમામ હસન (અ.સ.) અને ઇમામ હુસૈન (અ.સ.)ના ચહેરાને જોતાં અને તેઓની હાલત અને પોતાની યતીમી ઉપર આહો ભરતા અને રૂદન કરતા. બીજી તરફ આયશા જ્યાં આં હઝરત (સ.અ.વ.)ની વફાત થઇ હતી એજ ઓરડામાં સતત રૂદન અને ફરિયાદ કરતા હતા. આ ઘરમાંથી દિવસ અને રાત રડવાની અને ગમગીનીના અવાજો સંભળાતા. જેના કારણે આ ઘર ગમ અને જુદાઇનું ઘર (બયતુલ હુઝન) બની ગયું હતું.

(મદારીજુન નબુવ્વહ, ભાગ – 2, પાના નં. 753-754)

મુલ્લા અલી કારી તેમની કિતાબ ‘અલ મિરકાત ફી શરહીલ મિશ્કાત’માં ઇમામ એહમદ ઇબ્ને હમ્બલથી નકલ ઇમામ હુસૈન (અ.સ.)એ ફરમાવેલા શબ્દો નોંધ કરે છે. ‘જે મારા દુખો અને મુસીબતને યાદ કરીને મારી ઉપર રડશે અને ફરિયાદ કરશે, અલ્લાહ તેને જન્નત અર્પણ કરશે.’

(અલ મિરકાત ફિ શરહીલ મિશ્કાત, તારીખે એહમદીના હવાલાથી, પાના નં. 277, પ્રકાશન: કાનપુર)

વધુમાં આપ કુરઆન જુઓ, એ હદીસ થકી જે એહલે સુન્નતની સ્વિકૃત તફસીર દુર્રે મન્સુર, ભાગ – 4, પાના નં. 31માં છે:

‘હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ને પુછવામાં આવ્યું : યઅકુબ (અ.સ.)ની તેમના દિકરાના ગમમાં શોકની પરાકાષ્ઠા શું હતી? આપે ફરમાવ્યું કે તેમનો ગમ 70 પુરૂષો અને સ્ત્રીઓના ગમની બરાબર હતો. પછી પુછવામાં આવ્યું : અને તેનો અજ્ર શું હતો? આપે ફરમાવ્યું કે સો શહીદોની બરાબર હતો.’

તફસીરે ખુઝરાન, ભાગ – 3, પાના નં. 253માં આ રીતે નોંધવામાં આવ્યું છે.

યુસુફ (અ.સ.)એ જીબ્રઇલને કહ્યુંં : ‘શું મારા પિતા ગમ મનાવે છે?’ જીબ્રઇલે કહ્યું : ‘યાકુબ (અ.સ.)નો ગમ 70 પુરૂષો અને સ્ત્રીઓના ગમની બરાબર છે.’ ફરી યુસુફ (અ.સ.)એ પુછયું: ‘આ ગમનો અજ્ર શું છે?’ જનાબે જીબ્રઇલ (અ.સ.)એ કહ્યું: ‘આ ગમનો બદલો સો શહીદોના ગમની બરાબર છે.’

તમે લખ્યું છે: આપ (અ.સ.)એ ફરમાવ્યું : રસુલે અકરમ (સ.અ.વ.)એ આ બધી વસ્તુઓ કરવાથી મનાઇ કરેલ છે અને હુકમ આપ્યો છે કે સબ્રથી કામ લે અને કહે: “ઇન્ના લિલ્લાહે વ ઇન્ના એલય્હે રાજેઉન.

આ વિષય ઉપર ઘણી બધી વિશ્ર્વાસપાત્ર હદીસો છે. તેમાંની એક આ મુજબ છે : તેઓ અમારા સમૂહમાંથી નથી જે પોતાના ગાલ ઉપર તમાચા મારે, પોતાના કપડાં ફાડે અને જાહેલિય્યતના જમાનાના લોકોની જેમ રડે.

(સહીહ બુખારી)

જવાબ: મહેરબાની કરીને કુરઆને કરીમની તરફ રજુ થાવ. જે રડવાની પરવાનગી આપે છે…..

“આ કહીને તેમણે તેમનાથી મોઢું ફેરવી લીધું અને કહ્યું કે અફસોસ છે યુસુફના હાલ ઉપર અને એટલું રડ્યા કે આંખો સફેદ થઇ ગઇ અને ગમના ઘુંટ પીતા રહ્યા.

(યુસુફ : 84)

જો આપ આ સુરાની તફસીરમાં જોશો તો એ સમજાઇ જશે કે હઝરત યઅકુબ (અ.સ.) પોતાના દિકરા માટે કેટલું રડ્યા કે અંધ થઇ ગયા.

સુરએ નહલની આયત નં. 53માં આ રીતે મળે છે:

“તમારા પર જે નેઅમતો (બક્ષવામાં આવે) છે તે અલ્લાહ તરફથી છે પછી જ્યારે તમારા પર મુસીબત પડે તો તેની પાસે મદદ માટે જરૂર રડો.

જ્યારે ઉમરે નોઅમાન ઇબ્ને મકરીનના મૃત્યુના સમાચાર જાણ્યા ત્યારે પોતાનું માથું પીટવા લાગ્યા અને ચીસો પાડવા લાગ્યા. ‘હાય અફસોસ નોઅમાન મરી ગયા.’

(કનઝુલ ઉમ્માલ, ભાગ – 8, પાના નં. 117, કિતાબુલ મવ્ત)

તબરી તેમની તારીખમાં ભાગ – 9, પાના નં. 183 ઉપર જ. અબ્બાસ (અ.સ.)થી રિવાયતની નોંધ કરે છે કે : મેં આયશા પાસેથી સાંભળ્યું: અલ્લાહના રસુલ મારા સીના ઉપર, મારે ત્યાં મૃત્યુ પામ્યા… એ મારી જેહાલત અને નાદાની હતી કે રસુલુલ્લાહ (સ.અ.વ.)એ મારા ખોળામાં રહેલત ફરમાવી. પછી મેં તેમના માથાને તકીયા ઉપર રાખ્યું અને ઉભી થઇ ગઇ અને બીજી સ્ત્રીઓની સાથે હું મારૂ માથુ પીટતી – મોઢા ઉપર તમાચા મારતી હતી.

આના અનુસંધાનમાં ઇબ્ને કસીરની અલ બદાયા વન નહાયા પણ જુઓ:

હઝરત રસુલ (સ.અ.વ.) મૃત્યુ પામ્યા જ્યારે કે તેઓ મારા દામન પર હતા. પછી મેં તેમનું માથું તકીયા ઉપર રાખ્યું અને ઉભી થઇ ગઇ અને બીજી સ્ત્રીઓ સાથે મારૂ મોઢું પીટતી હતી.

(અલ બદાયા વન નહાયા, ઇબ્ને કસીરે નાસેબી, ભા-5,પા. 420)

આવો હવે સહીહ બુખારીની તરફ નજર કરીએ. અનસ બિન માલિક રિવાયત કરે છે કે

અમે અલ્લાહના રસુલ (સ.અ.વ.)ની સાથે લુહાર અબુ સૈફ પાસે ગયા. જે ઇબ્રાહીમ (રસુલે ખુદા (સ.અ.વ.)ના દિકરા)ને ઉછેર કરનાર સ્ત્રીના પતિ હતા. અલ્લાહના રસુલે ઇબ્રાહીમને લીધા, તેને ચુંબન કર્યું, તેની ખુશ્બુ સુંધી અને પછી અમે અબુ સૈફના ઘરમાં દાખલ થયા. તે સમયે ઇબ્રાહીમ તેમના અંતિમ શ્ર્વાસ લઇ રહ્યા હતા. તેથી અલ્લાહના રસુલની આંખોમાં આંસુ ઉભરાવા લાગ્યા. અબ્દુર રેહમાન બિન અવફે કહ્યું : ‘અય અલ્લાહના રસુલ આપ પણ રડી રહ્યા છો.’ આપે ફરમાવ્યું: ‘અય ઇબ્ને અવફ, આ રહમ છે. પછી આપ વધારે રડવા લાગ્યા અને કહ્યું : આંખો આસુંઓથી ભરપુર છે અને દિલ ગમગીન છે. હું કાંઇ નહિં કહું સિવાય તે કે જેનાથી મારો રબ રાજી થાય. અય ઇબ્રાહીમ! યકીનન તમારી જુદાઇથી અમને ગમ થયો છે.’

(સહીહ બુખારી, ભાગ – 2, કિતાબ – 23, પાના નં. 390)

આ આશ્ર્ચર્યજનક વાત છે કે આપ તે લખો છો જે આપને પસંદ પડે છે. શું આ એજ સહીહે બુખારી નથી જે જણાવે છે કે રસુલે ખુદા (સ.અ.વ.) રોવાનું અને ગમ કરવાને કુદરતી અને જાએઝ સમજે છે?

આપણને હદીસોમાં રસુલે અકરમ (સ.અ.વ.)ના બારામાં આ પણ જોવા મળે છે.

‘રસુલ (સ.અ.વ.) એ હાલતમાં હતા કે પોતાની છાતીને પીટી રહ્યા હતા.’

હવાલો જુઓ:

1.   સહીહ બુખારી, ભાગ – 2, પાના નં. 50

2.   સોનને નેસાઇ, ભાગ – 3, પાના નં. 305

3.   અઝાનુલ મુફરીદ, પાના નં. 426

4.   સહીહ મુસ્લીમ, ભાગ – 1, પાના નં. 291

5.   મુસ્નદે અબુ અવાના, ભાગ-2, પાના નં. 292

પોતાના વ્હાલાના જુદાઇ ઉપર રડવું અને આક્રન્દ કરવો અને પોતાના દુ:ખને જાહેર કરવું હરગીઝ ઇસ્લામની વિરૂદ્ધ નથી.

(ફયઝુલ બારી ફી શરહે સહીહ બુખારી, ભાગ – 12, પાના નં. 462, મીસ્ર પ્રકાશન)

એહલે સુન્નતના વિશ્ર્વાસપાત્ર પ્રકાશન મઆરેજુન નબુવ્વત, પ્રકરણ: 1, પાના નં. 248માં આ રીતે મળે છે.

હઝરત આદમ (અ.સ.) એટલા દુ:ખી થયા કે પોતાના હાથ ઘુંટણ ઉપર મારતા હતા. તેથી હાથોની ચામડીમાં એવા જખ્મ થઇ ગયા કે તેમાંથી હાડકા દેખાવા લાગ્યા હતા.

‘બદાયા વન નહાયા’ના ભાગ-5, પાના નં. 423માં આપણે વાંચીએ છીએ કે:

જ્યારે પગમ્બર (સ.અ.વ.) પોતાના બિસ્તર ઉપર મૃત્યુ પામ્યા ત્યારે જે સ્ત્રીઓ આજુબાજુમાં હતી તેમણે પોતાના ચહેરાને મારી મારીને લાલ કરી દીધા હતા.

તમે લખ્યું છે: હુસૈન (અ.સ.)એ પણ પોતાની શહાદતના થોડાં સમય પહેલા પોતાની વ્હાલી બહેન ઝયનબ (સ.અ.)ને સમજાવ્યું હતું કે મારા મૃત્યુ ઉપર આ રીતે ગમ ન કરશો. તેમણે ફરમાવ્યું: ‘મારી વ્હાલી બહેન મારી કસમ આપું છું કે જો હું મરી જાઉં તો તમે તમારી બાંયોને ફાડી ન નાખતા અને ન ચહેરાને મારશો.’

જવાબ: જ્યારે યઝીદ (લ.અ.)ના લશ્કરે ઇમામ હુસૈન (અ.સ.)ના પડાવ ઉપર હુમલો કરવાનું નક્કી કરી લીધું ત્યારે જનાબે ઝયનબ (સ.અ.) ઇમામ હુસૈન (અ.સ.)ની પાસે આવ્યા અને પુછયું કે તંબુની બહાર આટલો શોરબકોર કેમ છે. ઇમામ (અ.સ.)એ જવાબ આપ્યો કે મેં હમણા રસુલે અકરમ (સ.અ.વ.)ને સ્વપ્નામાં જોયા કે તેઓ કહી રહ્યા હતા કે કાલે તમે મારી સાથે મુલાકાત કરશો. આ સાંભળીને જનાબે ઝયનબ (સ.અ.) રડવા લાગ્યા અને પોતાના ચહેરાને પીટવા લાગ્યા.

(અલ બદાયા વન નહાયા, ભાગ-8, પા. 176, પ્રકાશન બૈરૂત)

આ જ કિતાબમાં થોડું આગળ લખ્યું છે કે: જનાબે ઝયનબ (સ.અ.)એ ઇમામ હુસૈન (અ.સ.) પાસેથી મરસીયો સાંભળ્યો જેમાં કરબલાની ઘટના અને ઇમામ હુસૈન (અ.સ.)ની શહાદત હતી. આપ રડવા લાગ્યા, આક્રંદ કરવા લાગ્યા અને માથાને પીટવા લાગ્યા. એટલે સુધી કે બેભાન થઇ ગયા.

(અલ બદાયા વલ નહાયા, ભાગ – 8, પાના નં.177, પ્રકાશન બૈરૂત)

આવી જ રીતે સોનને ઇબ્ને માજાની ભાગ – 2, પાના નં. 285, પ્રકાશન મીસ્ર, હિ.સ. 1313માં આપણે આ રિવાયત વાંચીએ છીએ.

સઅદ ઇબ્ને અબી વક્કાસે રસુલે અકરમ (સ.અ.વ.)થી નકલ કર્યું છે કે આપે ફરમાવ્યું: ‘આંસુ વહાવો અને આક્રંદ કરો અને અગર રડી ન શકો તો રડવા જેવો ચહેરો બનાવો!’

ઇમામ હુસૈન (અ.સ.)નો ગમ એ છે કે આપના ઉપર ન તો ફક્ત ઇન્સાનો રડ્યા બલ્કે જીન્નાત, મલાએકા, પશુ-પક્ષીઓ, આસમાન અને વૃક્ષો બધા રડ્યા. તેથી લખ્યું છે કે આસમાન ઇમામ હુસૈન (અ.સ.) (ની શહાદત) ઉપર ચાલીસ દિવસ સુધી રડ્યું.’

(યનાબેઉલ મોવદ્દત, અલ્લામા શયખ સુલયમાન હનફી કુન્દુઝી, 392, પ્રકાશન કીસતન્તનીયાહ)

હાફીઝ અબુ નઇમ હિલ્યતુલ અવ્લીયામાં ઇમામ શઅબી, ઝહરી અને અબુ કતાદહની સનદથી લખે છે:

‘જ્યારે ઇમામ હુસૈન (અ.સ.)ની શહાદત થઇ ત્યારે સૂરજને ગ્રહણ લાગી ગયું (એટલે સુધી કે) તારા દેખાવા લાગ્યા.’

(વાકેઆતે કરબલા, પાના નં. : 75)

શાહ અબ્દુલ અઝીઝ દેહલવી એ તેમની કિતાબ ‘સિર્રૂ અલ-શહાદતૈન’ના પા. 96, ઉપર જીનોના માતમ અને રડવાની રિવાયત કરી છે. તેમણે એ મરસીયાની નોંધ પણ કરી છે જે જીન્નાતો માતમ અને રૂદન દરમ્યાન પડ્યા છે.

જનાબે ઉમ્મે સલમા (સ.અ.) કહે છે: ‘મેં ઇમામ હુસૈન (અ.સ.) ઉપર જીન્નાતોને માતમ કરતા સાંભળ્યા.’

(તારીખે કબીર (સહીહ બુખારી)ના સંપાદક) ભા:4, પ્રકરણ-1, પાના નં. 26, ફઝાએલે સહાબા એહમદ ઇબ્ને હમ્બલ કૃત, ભાગ – 2, પાના નં. 776, હદીસ નં. 1373, તબરાની, ભાગ – 3, પાના નં. 130-131, તહઝીબ, ભાગ – 7)

અલ્લામા સુયુતી નોંધ કરે છે : જ્યારે ઇમામ હુસૈન (અ.સ.) શહીદ થયા ત્યારે આસમાનના ખુણા ચાર મહિનાઓ રતાશ ભર્યા રહ્યા.

(તફસીરે દુર્રે મન્સુર, ભાગ – 6, પાના નં. 31)

શું ઇમામ હુસૈન (અ.સ.) ઉપર ફક્ત એટલા માટે રડવું જાએઝ નથી કે આપે ઝાલીમ અને અત્યાચારી મોઆવીયાના દિકરા યઝીદ (લ.અ.) સાથે લડાઇ કરી? બલ્કે આપણે હદીસોમાં જોઇએ છીએ કે પહેલા અને બીજા ખલીફાએ પણ મોટા અવાજે રડવાને ગૈર ઇસ્લામી કે સુન્નતની વિરૂદ્ધ નથી ઠેરવ્યું.

(કશફુલ ગુમ્મહ, પાના નં. 175)

અબુ બક્ર અને ઉમર એવી રીતે રડતા હતા કે પાડોશીઓ તેમને સાંભળતા હતા. આ જ કિતાબમાં આપણે વાંચીએ છીએ કે:

જ્યારે સઅદ ઇબ્ને મઆઝ મૃત્યુ પામ્યા ત્યારે પયગમ્બર (સ.અ.વ.), અબુ બક્ર અને ઉમર રડ્યા. આયશા કહે છે કે: ત્યારે હું ઘરમાં હતી તેમ છતાં અબુબક્ર અને ઉમરના રડવાને ઓળખી લીધાં.’

(કશફુલ ગુમ્મહ, પાના નં. 174)

ઉમ્મુલ મોઅમેનીન હઝરત આયેશાએ તેના પિતાના મરવા ઉપર લોકોને મરસીયા પડવા બોલાવ્યા અને પછી પોતે પણ રડી.

(તારીખે કામીલ, ભાગ – 2, પાના નં. 288, ઇકદુલ ફરીદ, ભાગ – 3, પાના નં. 65)

જે દિવસે અબુ બક્ર મૃત્યુ પામ્યા તે દિવસે એવી હાલત હતી કે લાગતું હતું કે મદીનામાં આંસુઓનું પુર આવી જશે.

(તારીખે ખમીસ, ભાગ – 2, પાના નં. 330)

આવી ઘણી હદીસો છે જે સાબિત કરે છે કે કુરઆનની રોશનીમાં અને રસુલુલ્લાહની તઅલીમ મુજબ અઝાદારી ઇસ્લામમાં જાએઝ છે. એ અલગ બાબત છે કે તમે તેને અવગણવાનું પસંદ કરો છો.

છેલ્લી વાત:

આ હકીકત નકારી શકાય તેમ નથી કે પયગમ્બરે ઇસ્લામ (સ.અ.વ.)એ મુસલમાનોને ઇસ્લામના નામ ઉપર જે બક્ષીસો અને મહેરબાનીઓ કરી છે તેનો બદલો આપણે સૌ સાથે મળીને પણ અદા કરી શકીએ તેમ નથી. તેનો રસ્તો ફક્ત એક છે અને તે એ છે કે કુરઆને કરીમનું અનુસરણ કરીએ જેમાં દર્શાવવામાં આવ્યું છે.

“અય પયગમ્બર! (તેઓને) કહી દો કે તમારી પાસેથી હું કોઇ બદલો નથી માગતો સિવાય એ કે મારા કુટુંબીજનો સાથે મોહબ્બત કરો.

(સુરએ શોઅરા : 23)

હઝરત રસુલે અકરમ (સ.અ.વ.)એ પણ ફરમાવ્યું: ‘હુસૈન મારાથી છે અને હું હુસૈનથી છું.’

આ હદીસ અને આયત કોઇપણ મુસલમાન જે ખરેખર મુસલમાન હોય તેને હકીકત કબુલ કરવા માટે પૂરતી છે. ઓછામાં ઓછું અગર આપ કાંઇ કરી શકો છો તો એ કે તેમને અને તેમના એહલેબૈત (અ.મુ.સ.)ને યાદ કરીએ અને મહોબ્બત કરીએ. નહિં કે જેઓ ઇસ્લામની શરૂઆતથીજ આં હઝરત (સ.અ.વ.)ને તકલીફો પહોંચાડવા માટે જવાબદાર છે જેમકે અબુ સુફયાન (લ.અ.) તેનો મલઉન દિકરો મોઆવીયા (લ.અ.) અને તેનો મલઉન દિકરો યઝીદને (લ.અ.).

શાહ અબ્દુલ અઝીઝ દહેલવી તેની કિતાબ સિર્રૂ અલ-શહાદતૈનની પ્રસ્તાવનામાં શહાદતની ફીલોસોફીને સમજાવતા લખે છે:

ઇમામ હુસૈન (અ.સ.)ની શહાદત હકીકતમાં આપના નાના મોહમ્મદ મુસ્તુફા (સ.અ.વ.)ની શહાદત છે.

અંતમાં રસુલે અકરમ (સ.અ.વ.)ની અમૂક હદીસો:

વિશ્ર્વાસપાત્ર હદીસોમાં છે કે આં હઝરત (સ.અ.વ.)એ ઘણી વખત ઇમામ હુસૈન (અ.સ.)નું માતમ કર્યું છે કે જે દેખીતું છે કે શહાદતની પહેલા હતું. દસમી સદી હિજરીના મશ્હૂર આલિમ અલાઉદ્દીન મુત્તકી હિન્દી તેમની કિતાબ ક્ધઝુલ ઉમ્માલમાં ઇબ્ને અબી શયબાથી નકલ કરે છે: જેમણે પયગમ્બરના પત્નિ ઉમ્મે સલમાથી રિવાયત કરી છે : એક વખત ઇમામ હુસૈન (અ.સ.), આં હઝરત (સ.અ.વ.)ની પાસે આવ્યા ત્યારે હું દરવાજાની નજીક બેઠી હતી. મેં જોયું કે હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ના હાથોમાં કંઇક છે. જેને તેઓ ફેરવી રહ્યા હતા અને આપ ચોધાર આંસુઓથી રડી રહ્યા હતા. હવે જ્યારે ઇમામ હુસૈન (અ.સ.) આપના ખોળામાં સૂઇ ગયા હતા ત્યારે મેં કારણ પુછયું તો આપે ફરમાવ્યું:

‘જીબ્રઇલ (અ.સ.) એ સ્થળની માટી લાવ્યા હતા જ્યાં હુસૈન (અ.સ.) શહીદ થશે અને મને જાણ કરી કે મારી ઉમ્મતના લોકો તેને કત્લ કરશે.’

(કનઝુલ ઉમ્માલ, ભાગ – 2)

હાકીમ નિશાપુરીએ ઉમ્મે ફઝલથી રિવાયત કરી છે કે એક વખત તેમણે આં હઝરત (સ.અ.વ.)ને સ્વપ્નામાં જોયા કે આપનું એક અંગ કપાયું અને તેમના (ઉમ્મે ફઝલના) ખોળામાં પડ્યું. તેમણે આ સ્વપ્નાની વાત આં હઝરત (સ.અ.વ.)ને કરી આપે ફરમાવ્યું: તમે ઘણું સારૂં સ્વપ્નું જોયું છે. ઇન્શાઅલ્લાહ મારી પુત્રી ફાતેમાને ત્યાં એક બાળક પેદા થશે અને તમે તેને ઉછેરશો. ઉમ્મે ફઝલ કહે છે કે થોડાજ દિવસ પછી જનાબે ફાતેમા (સ.અ.)એ ઇમામ હુસૈન (અ.સ.)ને જન્મ આપ્યો અને મેં તેમની પરવરીશ કરી. એક વખત હું તેમને (હુસૈન (અ.સ.)ને) આં હઝરત (સ.અ.વ.)ની પાસે લઇને ગઇ. જ્યારે આપે મને જોઇ ત્યારે આપની આંખોમાં આંસુ આવી ગયા જ્યારે મેં આંસુઓનું કારણ પુછયું ત્યારે આપે ફરમાવ્યું : જીબ્રઇલ મારી પાસે આવ્યા હતા અને કહ્યું કે મારી પછી મારી ઉમ્મત મારા દિકરાને કત્લ કરી નાખશે. મેં પુછયું : શું આ એજ દિકરો હશે? આપે હકારમાં જવાબ આપ્યો અને ફરમાવ્યું કે જીબ્રઇલ મારા માટે રાતી માટી પણ લાવ્યા હતા.

(મુસ્તદરકે સહીહૈન હાકીમ નિશાપુરી, ભાગ-3,પાના નં. 176)

ખુદા! ઇમામ હુસૈન (અ.સ.)ના વારિસના ઝુહુરમાં જલ્દી કરે જેથી વિરોધીઓની જીભ હંમેશના માટે ચૂપ થઇ જાય. આમીન……

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *