અસ્રારે શહાદાત
આ લેખમાં એક કિતાબનો પરિચય રજુ કરવામાં આવ્યો છે. અલ મુન્તઝરના મોહર્રમના વિશેષ અંકોમાં જે લેખો લખવામાં આવે છે તે લેખોમાં મોટા ભાગના વાંચકોએ કિતાબ ‘અસ્રારે શહાદાત’નું નામ જરૂર વાંચ્યુ હશે.
એક ટુંકા લેખમાં એક દળદાર પુસ્તકનો પરિચય આપવો તે માત્ર મુશ્કેલજ નહિં બલ્કે અશક્ય છે. કદાચ તેનો પૂરેપૂરો હક્ક અદા ન થઇ શકે. પરંતુ ઇન્શાઅલ્લાહ અલ મુન્તઝરના વાંચકો અમૂક હદ સુધી જરૂર આ કિતાબના મહત્ત્વ, તેની ઉપયોગિતા અને તેના વસ્તુવિચારથી માહિતગાર થઇ શકશે. બસ, માત્ર આ આશા સાથે હઝરત અબા અબ્દીલ્લાહીલ હુસૈન (અ.સ.)ની બારગાહમાં તવસ્સુલની સાથે આ લેખની શરૂઆત કરીએ છીએ.
કિતાબનું નામ | : | ઇકસીરુ અલ-એબાદાતે ફી અસ્રારુ અશ્-શહાદાતે |
સંપાદક | : | અલ્લામા અલ ફકીહ અશ્શયખ આગા બિન આબિદ અશ શેરવાની અલ – હાએરી. |
પ્રખ્યાત | : | અલ ફાઝલુદ દરબન્દી |
ભાષા | : | અરબી, ત્રણ ભાગમાં |
પ્રકાશનનું વર્ષ | : | હિ. સન. 1415, ઇ. સન. 1994 |
પ્રકાશક | : | શીરકતુલ મુસ્તફા લીલ ખિદમાતીસ સેકાફેયહ અલ મનામહ, બહરયન. |
થોડું લેખક વિષે:
આપનું આખુ નામ ઉપર લખી ચૂક્યા છીએ. આપનો સંબંધ શેરવાન, હાએર અને દરબન્દી તરફ દર્શાવવામાં આવ્યો છે. હાએરથી મુરાદ ઇમામ હુસૈન (અ.સ.)નું હરમ છે. કારણકે લેખકે તેમની જીંદગીની એક લાંબી મુદ્દત હુસૈન (અ.સ.)ના હરમના મુજાવર તરીકે પસાર કરી છે. તથા તેમને ઇમામ હુસૈન (અ.સ.)ના હરમમાં ‘બાબુસ સાકી’માં દફન કરવામાં આવ્યા છે. તેથી તેઓ હાએરી કહેવાયા. તેહરાનની નજીક શહેર દરબન્દમાં હી.સ. 1208માં તેમનો જન્મ થયો, તેથી દરબન્દી કહેવાય છે. પ્રાથમિક તાલિમ દરબન્દમાં હાસિલ કરી. પછી કઝવીનમાં શયખ મોહમ્મદ સાલેહ અલ બરગાની અલ હાએરીના નમ્ર શાર્ગીદ બની ફીકહનું ઇલ્મ, ઉસુલ અને હદીસનું ઇલ્મ મેળવ્યું. હિકમત અને ફીલોસોફીનું ઇલ્મ આખુન્દ અલ મવલા આગા અલ હકીમી કઝવીની પાસેથી પ્રાપ્ત કર્યું.
હિ.સ. 1242માં કરબલામાં મશ્હૂર ઉસ્તાદો પાસેથી દર્સ શીખ્યા. ખાસ કરીને શયખ મોહમ્મદ માઝનદરાનીના દર્સમાં હાજરી આપી. પછી તેમના મૃત્યુ બાદ હિ.સ. 1246માં નજફે અશરફમાં બાબે મદીનતુલ ઇલ્મમાં મુજાવર રહ્યા અને ઇલ્મ પ્રાપ્ત કરવામાં પણ મશ્ગુલ રહ્યા. એટલે સુધી કે શયખ અલી બિન જઅફર કાશેફુલ ગેતા (રહ.)ના ફીકહના દર્સમાં હાજરી આપી. ફીકહ, ઉસુલ, મઅકુલ, મનકુલ, હદીસ, રેજાલ અને બીજા બધા ઇલ્મના ક્ષેત્રોમાં આપે એટલી બધી નિપુણતા પ્રાપ્ત કરી કે ઇલ્મ, તકવા અને ફઝલની મંઝીલોને પસાર કરતાં કરતાં ઇજતેહાદના દરજ્જા ઉપર પહોંચી ગયા. પછી કરબલામાં સ્થાયી થયા અને ત્યાંજ ઇલ્મી તાલિમ, દર્સ આપવા અને મીમ્બર ઉપરથી અમ્ર બીલ મઅરૂફ અને નહી અનીલ મુન્કર કરવામાં મશ્ગુલ થઇ ગયા.
અલ દરબન્દી વલ હુસયન (અ.સ.):
આકા દરબન્દી ઇમામ હુસૈન (અ.સ.)ની મજલીસોને ઘણુંજ મહત્ત્વ આપતા હતા. આલે મોહમ્મદ (અ.સ.)ના મસાએબ ઉપરનું આપનું રૂદન, ફરિયાદ અને માતમ ખૂબજ મશ્હૂર છે. તેમાં પણ સય્યદુશ્શોહદાના મસાએબ અને કરબલાના બનાવની એક ખાસ અસર ધારણ કરતી આપની અંદર સય્યદુશ્શોહદાના ખુનનો બદલો લેવાની ભાવના તરવરી ઉઠતી હતી. મોહર્રમના દિવસોમાં જ્યારે દસ મજલીસોમાં ઇમામે હુસૈન (અ.સ.)ની શહાદતનું વર્ણન કરતા ત્યારે મીમ્બર ઉપરજ ઘણું રડતા અને માથા ઉપર ઘણું માતમ કરતા હતા. તેની અસર એટલી જબરદસ્ત થતી કે લોકો પણ તેમની સાથે રડવા અને માતમ કરવા લાગતા હતા. આપે આ કિતાબમાં એક હદીસની નોંધ કરી છે અને આ હદીસ લેખકને માટે સાચી ઠરે છે.
રિવાયત :
રાવી કહે છે કે અમે ઇમામ સાદિક (અ.સ.)ની બેઠકમાં હાજર હતા. ઇમામ (અ.સ.)એ અમારી સમક્ષ હુસૈન બિન અલી (અ.સ.)નો ઝીક્ર કર્યો અને તેમના કાતિલો ઉપર લઅનત મોકલી. પછી ઇમામ (અ.સ.) રડવા લાગ્યા અને અમને પણ રડાવી દીધા. પછી ઇમામ સાદિક (અ.સ.)એ પોતાનું માથું ઉંચું કર્યું અને ફરમાવ્યું કે ઇમામ હુસૈન (અ.સ.)એ ફરમાવ્યું:
‘મને રડાવી રડાવીને કત્લ કરવામાં આવ્યો છે, મોઅમીન મને યાદ નહિં કરે સિવાયકે રડીને.’ (અર્થાંત મોઅમીન જ્યારે પણ મને યાદ કરશે ત્યારે રડશે.)
(અસ્રારૂસ શહાદાત, ભાગ – 1, પાના નં. 102)
આ લેખમાં એક કિતાબનો પરિચય છે. તેથી સંપાદકની બીજી ઇલ્મી બાબતોની ચર્ચા અસ્થાને નહિં ગણાય. અમે અહિં વિષયને અનુરૂપ અમૂક કિતાબોની ચર્ચા કરીશું. વિષય ફીકહમાં આપે નીચે દર્શાવેલ કિતાબો લખી છે.
(1) ખઝાએનુલ એહકામ.
(2) અર રેસાલતુલ અમલીયાહ.
(3) અલ મસાએલુલ તમરીનીયહ.
ઇલ્મે ઉસુલના વિષયમાં નીચે મુજબની કિતાબો લખી છે. (1) ખઝાએલુલ ઉસુલ (2) અલ અનાવીન (3) હુજ્જીયતુલ ઉસુલ અલ મુશ્તબતુલ બે અકસામેહા
આપે વિષય અકાએદમાં : ‘અલ ફન્નુલ અઅલા ફીલ એઅતેકાદાત’નામની કિતાબ લખી છે.
વિષય રેજાલ અને દેરાયામાં (1) અલ કવામીસ ફી ઇલ્મુરૂ રેજાલ (2) રેસાલત ફીદ દેરાયત.
વિષય મકાતીલમાં (1) જવાહેરૂલ અય્કાન (ફારસી) (2) સઆદાતે નાસિર (ફારસી) આ કિતાબ ‘અસ્રારૂશ્શહાદાત’નો ખુલાસો અને ફારસી તરજુમો છે. (3) ઇકસીરુ અલ-એબાદાતે ફી અસ્રારુ અશ્-શહાદાતે. (જેનો પરિચય આપની સમક્ષ રજુ થઇ રહ્યો છે.)
આ કિતાબ સૌ પ્રથમ તબરેઝ (ઇરાન)માં હિ.સ. 1279માં છપાઇ. બીજી વખત કરબલામાં થોડા વધારા સાથે છાપવામાં આવી અને ત્રીજી આવૃત્તિ હિ.સ. 1415 ઇ.સ. 1994માં બહરયનમાં છપાણી. આ લેખમાં આજ ત્રીજી આવૃત્તિમાંથી લાભ લેવામાં આવ્યો છે.
પહેલા ભાગનો વિષય:
600થી વધુ પાનાઓ ધરાવતા આ ભાગના બધા વિષયોને રજુ કરવામાં આ લેખ ઘણો લાંબો થઇ જશે તેથી મહત્ત્વના વિષયોની ચર્ચા કરીએ છીએ.
ઇમામ હુસૈન (અ.સ.) શા માટે કુટુંબીજનો સાથે મક્કાથી નીકળ્યા તે અંગે આલિમો અને ઇતિહાસકારોના મંતવ્યો, મુસીબતનો અર્થ અને નબીઓ અને ઇમામો (અ.સ.) ઉપરની મુસીબતોના કારણો. આજ કારણોને અનુલક્ષીને અહિં એક નાનકડા પ્રસંગનું વર્ણન કરી રહ્યા છીએ.
ઇમામે ઝમાના (અ.ત.ફ.શ.)ના નાએબે ખાસ હુસૈન બિન રવ્હ (કુદસ સર્રહ)ની પાસે એક શખ્સ આવ્યો અને કહ્યું કે મારે આપને અમૂક સવાલો કરવા છે. આપે કહ્યું, સવાલ કરો.
તે શખ્સે કહ્યું : હુસૈન બિન અલી (અ.સ.)ની બાબત ફરમાવો કે શું તેઓ વલીયુલ્લાહ હતા?
આપે જવાબ આપ્યો : હા.
તેણે કહ્યું : શું તેમના કાતીલો ખુદાના દુશ્મનો હતા?
આપે કહ્યું : હા.
તેણે કહ્યું : શું તે યોગ્ય છે કે અલ્લાહ પોતાના દુશ્મનને પોતાના વલી અને દોસ્ત ઉપર કાબુ આપી દે? આપે કહ્યું : (અમે અહિં તેમના જવાબનો સારાંશ લખી રહ્યા છીએ) અલ્લાહે લોકોની સાથે ન તો પ્રત્યક્ષ રીતે વાતચીત કરી છે ન તો તેઓની સામે આવ્યો છે. તેના બદલે નબીઓને લોકોની તરફ ‘બશર’ બનાવીને મોકલ્યા, તેઓને મોઅજીઝા આપ્યા અને નિશાનીઓ આપી. લોકોએ તેમના મોઅજીઝા જોયા, તેઓની અસામાન્ય શક્તિને નિહાળી પરંતુ તેમાંથી અમૂક લોકો તેઓની ઉપર ઇમાન લાવ્યા જયારે અમૂકે ઇન્કાર કરી દીધો. એટલે સુધી કે તેઓની ઉપર અત્યાચાર કર્યો, તેઓને કત્લ કર્યા અને તેઓની ઉપર કાબુ મેળવી લીધો. અગર નબીઓ હંમેશા કાબુ મેળવતા હોત અને વર્ચસ્વ હાંસિલ કરતા હોત અને તેઓને ક્યારેય કોઇ મુસીબતમાં સપડાવવામાં ન આવતા હોત અને અગર તેઓની કસોટી કરવામાં ન આવતી હોત તો લોકો ક્યારેય પણ ખુદાની સિવાય બીજા ખુદાને પોતાના માટે પસંદ ન કરતા. બીજા ખુદાઓની ઇબાદત ન કરતા. અર્થાંત દબાણપૂર્વક અલ્લાહ ઉપર ઇમાન લાવત. તો પછી ધીરજ, કસોટી અને ઇખ્તેયારની કોઇ વાત જ ન રહેત.
ટૂંકમાં એ કે અલ્લાહે નબીઓ અને વલીઓની સ્થિતિને સામાન્ય લોકોની જેમજ રાખી જેથી તે લોકો મુસીબત અને કસોટીના સમયે ધીરજ ધરે અને દુશ્મનોના મુકાબલામાં શુક્ર કરે અને દરેક સ્થિતિમાં વિનમ્ર રહે કે જેથી ખુદાના બંદાઓ એ જાણી લે કે તેઓનો ખુદા છે. એ જ તેઓનો પેદા કરનાર છે. એ જ તેઓનો આયોજનકાર છે. તેથી તેઓ તેનીજ ઇબાદત કરે અને તેના રસુલોની તાબેદારી કરે. આ રીતે અલ્લાહની મોહબ્બત અને તેની દલીલો તે લોકો ઉપર સાબિત થાય જેઓ હદને ઓળંગી જાય છે. આ રીતે જે મૃત્યુ પામે તે પણ બય્યેનહ (પુરાવાના)ના કારણે અને જે જીવન મેળવે તે પણ બય્યેનહના કારણે.
(અસ્રારૂર શહાદાત, પાના નં. 67 થી 69)
બીજા વિષયો:
આલે મોહમ્મદ (સ.અ.વ.)ની મુસીબતો ઉપર ગમ અને રૂદન કરવા વિષેની રિવાયતો. અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.)ની મોહબ્બત દરેક ઉપર ફરજ છે. ઇમામ હુસૈન (અ.સ.) ઉપરનું રૂદન અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ની મોહબ્બત અને તેમની વિલાયતની દલીલ છે. એહલેબૈત (અ.સ.)ના મસાએબનો ઝીક્ર કરનારા ઝાકીરોનો મરતબો, એહલેબૈત (અ.મુ.સ.)ની મુસીબત પર અને તેમની પ્રશંસામાં શેઅર કહેનાર શાએરોને શેરની દરેક પંક્તિ ઉપર જન્નતમાં એક મકાન અને આવા શાએરોને રૂહુલ કુદુસની મદદ મળે છે. નૌહા, મરસીયા અને વિલાપ કરવો શું છે? શબીહ અને અઝાદારીના મખ્સુસ પોષાક આ બધુંજ કિતાબો અને સુન્નતના ઉસુલ અને કાયદાઓમાંથી લીધેલ છે. મજલીસે અઝામાં તંબુરા અને તબલાનો ઉપયોગ, અઝાદારીના દૂશ્મનોના માટે અમૂક બોધપાઠવાળા પ્રસંગો, મજલીસે અઝાની વ્યવસ્થા ઇમાનની નિશાનીઓમાંથી છે. અઝાએ હુસૈન (અ.સ.)માં મામૂલી રકમનો પણ ખર્ચ કરવો એ અલ્લાહને ખૂબજ પસંદ છે.
આશુરાના મૌકા ઉપર કાળા કપડાં પહેરવાં મુસ્તહબ છે. અર્શ અને કુરસીના મલાએકાઓ સૌથી પહેલા સય્યદુશ્શોહદા ઉપર મરસીયા પઢનાર અને રૂદન કરનાર છે. પાણી પીવડાવવાનો સવાબ, પાણી પીતી વખતે ઇમામ હુસૈન (અ.સ.)ના કાતીલો ઉપર લઅનત કરવી અને ઇમામ હુસૈન (અ.સ.)નો ઝીક્ર કરવાનો સવાબ, ઇમામ રેઝા (અ.સ.)ની હદીસ: ‘ઇમામ હુસૈન (અ.સ.)ને એવી રીતે ઝબ્હ કરવામાં આવ્યા જેવી રીતે ઘેટાને ઝબ્હ કરવામાં આવે છે.’નો મતલબ, નબીઓ અને રસુલોનું કરબલામાંથી પસાર થવું, નબીઓનું ઇમામ હુસૈન (અ.સ.) ઉપર રૂદન કરવું, નબીઓનું આલે મોહમ્મદ (સ.અ.વ.)ના સબ્ર ઉપર આશ્ર્ચર્યચક્તિ થવું, યઝીદ અને મદીનાવાસીઓની કત્લે આમ, યઝીદના તિરસ્કારમાં સુન્ની આલીમોની રિવાયતો, ઇમામ હુસૈન (અ.સ.)ની શહાદત ઉપર મલાએકાનો રસુલે ખુદા (સ.અ.વ.)ને પુરસો આપવો, ઇમામ હુસૈન (અ.સ.)ની કબ્રની ઝિયારતની ફઝીલત, કરબલાની જમીનની ફઝીલત અને મરતબો, ઝિયારતના આશ્ર્ચર્યજનક પ્રસંગો તથા મોઅજીઝાઓ, ઇમામ હુસૈન (અ.સ.)ની મદીનાથી મક્કા અને મક્કાથી કરબલાની સફર, જનાબે મુસ્લિમ (અ.સ.)ની શહાદત, આશુરાની અજાયબીઓ, ઇમામ હુસૈન (અ.સ.)ની લડાઇ અને તેમની શહાદત.
બીજા ભાગનો વિષય:
ઇમામ હુસૈન (અ.સ.)નું મદીનાથી રવાના થવાનું કારણ, ઇમામ હુસૈન (અ.સ.) વલીદના મકાનમાં, મરવાનની સેવા, કબ્રોમાં હુજ્જતે ઇલાહીના શરીરનું બાકી રહેવું, જ. મુસ્લિમ ઇબ્ને અકીલની શહાદત, ઇમામ હુસૈન (અ.સ.)ને હાની બિન ઉરવાહના કબીલાના પત્રો, ઇમામ હુસૈન (અ.સ.)નો પત્ર બસરાના શરીફો પર, જ. મુસ્લિમના ફરઝંદોની શહાદત, ફરઝદકની ઇમામ હુસૈન (અ.સ.) સાથેની મુલાકાત, મક્કામાં ઇમામ હુસૈન (અ.સ.)નો ખુત્બો, ઇબ્ને અબ્બાસ, અબ્દુલ્લાહ ઇબ્ને જઅફર અને અબ્દુલ્લાહ બિન ઓમર સાથે ઇમામ હુસૈન (અ.સ.)ની વાતચીત, તઅલીયાના સ્થળે ઇમામ હુસૈન (અ.સ.)નું સ્વપ્નું, હઝરતે હુર્રની પરિસ્થિતિ, ઇબ્ને ઝીયાદની ભુમિકા, ઇબ્ને સઅદની ભુમિકા, અઇમ્મા (અ.મુ.સ.) મલાએકાઓને જોઇ શકે છે તેની મજબુત દલીલો, શબે આશુરનો ઇમામ હુસૈન (અ.સ.)નો ખુત્બો અને બીજા પ્રસંગો, હઝરતે અબ્બાસ અને જ. સકીનાના પ્રસંગો, સય્યદુશ્શોહદાના અસ્હાબોની શહાદતના બનાવો, ઇમામ હુસૈન (અ.સ.)ના વ્હાલા સગાવહાલાની શહાદત, ઇમામ હુસૈન (અ.સ.)ના ખૈમાઓને સળગાવવા અને સ્ત્રીઓ તથા બાળકોની બેહુરમતી, હઝરતે અબ્બાસ (અ.સ.), હઝરતે કાસીમ (અ.સ.), જનાબે અલી અકબર (અ.સ.)ની જલાલત અને અઝમત, દૂધ પીતા બાળકની શહાદતનું રહસ્ય, ઇમામ સજ્જાદ (અ.સ.)નું ઇમામ હુસૈન (અ.સ.)ની મદદ માટે નિકળવું, ઇમામ હુસૈન (અ.સ.)ની ઇમામ સજ્જાદ (અ.સ.)ને વસીય્યત, જઅફરે જીનનો કિસ્સો.
ત્રીજા ભાગનો વિષય:
ઇમામ હુસૈન (અ.સ.)નું મકતલના મૈદાનમાં જવું તથા તેમની વિદાયના વેળા તેમના એહલેબૈત (અ.સ.)ની તે હઝરત (અ.સ.) સાથેની વાતચીત, જ. ફાતેમા બિન્તે હુસૈનનો પત્ર આવવો. અબ્દુલ્લા બિન હુસૈનની શહાદત, ઇમામ હુસૈન (અ.સ.)નું કરબલાની જમીન ઉપર પડી જવું. શીમ્રનું તે હઝરત (અ.સ.)ને કત્લ કરવું, જનાબે ઝયનબ (સ.અ.)નું મૈદાનમાં આવવું, ઇમામ બાકીર (અ.સ.)ના મુબારક મુખે શહાદતના બનાવોનું વર્ણન, શહાદતના સમયે આસમાનમાંથી પોકાર થવો, જ. જીબ્રઇલનું આવવું, શહાદતના સમયે સૂરજ તથા જમીનની પરિસ્થિતિ, આસમાનમાંથી લોહી વરસવું, ઇમામ હુસૈન (અ.સ.)ની શહાદતના પ્રસંગે હઝરત ઝહરા (સ.અ.)નું રૂદન.
ઇમામ હુસૈન (અ.સ.)ની શહાદત ઉપર બધી વસ્તુઓના રડવાનો અર્થ, આલે મોહમ્મદ (અ.સ.)ના ખૈમાઓનું લુંટાવવું, શહરબાનુનો બનાવ, કરબલાના રણમાં એક સિંહનું આવવું અને ઇમામ હુસૈન (અ.સ.)ના મુબારક શરીર પાસે રૂદન કરવું, જમીન અને આસમાનના રડવાની મુદ્દતનું વર્ણન, જ. ઝહરા (સ.અ.)નું રૂદન, ખયામે હુસૈનીને સળગાવવા માટે ઇબ્ને સાદે પોતાના લશ્કરની ઉશ્કેરણી કરવી, હઝરત અમીરૂલ મોઅમેનીન (અ.સ.) ઉપર અપશબ્દો કહેનારની આંખો આંધળી થઇ ગઇ.
ઇમામ સજ્જાદ (અ.સ.)નું કરબલા આવવું અને શહીદોની લાશોનું દફન કરવું. ઇમામ સજ્જાદ (અ.સ.)નું પોતાના માનનીય પિતાની ઝિયારત માટે લોકોને તાકીદ કરવું. કબ્રમાં નબીઓ અને અઇમ્મા (અ.મુ.સ.)ના મુબારક શરીરોની પરિસ્થિતિ, ઇમામ હુસૈન (અ.સ.)ના મુબારક સરના જુદા જુદા સ્થળોએ દફન થવાની સ્પષ્ટતા, કરબલાની જમીન કાબાની જમીનથી અફઝલ છે. મેહશરના દિવસે જનાબ ફાતેમા (સ.અ.)ની શફાઅત, કરબલાના શહીદોની સંખ્યા, એહલેબૈત (અ.સ.)નું કુફા આવવું, સ્ત્રીઓની પરિસ્થિતિ, જનાબે ઝયનબ (સ.અ.)નો ખુત્બો, જ. ફાતેમા સુગરાનો ખુત્બો, જ. ઉમ્મે કુલ્સુમનો ખુત્બો, ઇમામ સજ્જાદ (અ.સ.)નો ખુત્બો, એ પહેલી વ્યક્તિ જેણે ઇમામ હુસૈન (અ.સ.)ની શહાદત ઉપર શેઅર કહ્યા. ખુત્બાઓનું વાક્યચાર્તૃય અને અલંકારીક ભાષાનું બયાન.
એહલેબૈતે અત્હાર (અ.મુ.સ.)નું ઇબ્ને ઝીયાદના દરબારમાં આવવું, હવાર ઇબ્ને ઝીયાદનું જનાબે ઝયનબ (સ.અ.) અને સય્યદે સજ્જાદ (અ.સ.)ને મળવું, ઇબ્ને સાદ અને રય પ્રદેશ, ઇમામ હુસૈન (અ.સ.)ના મુબારક સરનું તિલાવત કરવું, ઇમામ હુસૈન (અ.સ.)ના સરનું ઇબ્ને વકીદા સાથે વાતચીત કરવું, ઇમામ હુસૈન (અ.સ.)ના સરનું વાતચીત કરવાનું રહસ્ય અને સુરએ કહફની તિલાવતનું રહસ્ય.
શહાદત પછીના બનાવો, ઇમામ હુસૈન (અ.સ.)ની શહાદતની ખબરનું મદીના પહોંચવું, મદીનાના અમૂક બનાવો, શામના બનાવો, કાદસીયા, વાદીયુન નખલહ, મવસુલ, હદીસે રાહીબ, બઅલબકમાં આવવું, હલબના બનાવો, દમિશ્કની પરિસ્થિતિ , કત્લે હુસૈન (અ.સ.) ઉપર યઝીદનું ખુશ થવું, યઝીદના દરબારમાં ઇમામ સજ્જાદ (અ.સ.)નો ખુત્બો અને વિરોધ, એહલે હરમ કૈદખાનામાં, ઇમામ સજ્જાદ (અ.સ.) અને મીન્હાલ, એક ઇસાઇ અને સરે હુસૈન (અ.સ.), નબીઓ અને મલાએકાઓનું સરે હુસૈન (અ.સ.)ની ઝિયારત માટે આવવું, યઝીદની પત્નિ ઉમ્મે હબીબાનો બનાવ, ઇમામ હુસૈન (અ.સ.)ની પ્રસંશા અને વખાણ કરવાના કારણે યઝીદના દરબારમાં વિરોધના બનાવો, હિન્દના સ્વપ્નનો બનાવ, કૈદમાંથી છુટકારાના બનાવો, શામથી મદીનાના માર્ગમાં શું બન્યું, અરબઇનના પ્રસંગે કરબલા પહોંચવું, કરબલાથી મદીનાના બનાવો, બશર બિન ઝરલુમ દ્વારા ખબર સંભળાવવી, જ. ઉમ્મે કુલ્સુમ અને જનાબે ઝયનબ (સ.અ.)નું રસુલ (સ.અ.વ.)ની કબ્ર ઉપર રૂદન, જનાબે મુખ્તારની હાલત, હજરે અસવદનું ઇમામ સજ્જાદ (અ.સ.)ની ઇમામત ઉપર વાતચીત કરવું, જનાબે મુખ્તારના હાથે હલાક થનાર વ્યક્તિઓના બનાવો, યઝીદ કેવી રીતે જહન્નમ વાસીલ થયો, સરે હુસૈન (અ.સ.)નું ઇમામ સજ્જાદ (અ.સ.)ને સલામ કરવું, ઇમામ હુસૈન (અ.સ.)નું ખૂન ત્યાં સુધી શાંત નહિં થાય જ્યાં સુધી ઇમામ મહદી (અ.સ.) તેમનો બદલો ન લઇ લે, તમામ મહાન આલિમોની કિતાબોમાં ઇમામ હુસૈન (અ.સ.)ના કાતિલોનો અંજામ.
કિતાબના અંતમાં લેખકે અમૂક વસીય્યતો કરી છે તેમાંથી થોડી અમે અહિં ટાંકી રહ્યા છીએ.
આપ કહે છે : હું તમને અલ્લાહનો તકવા ઇખ્તેયાર કરવાની વસીય્યત કરૂં છું અને ઉરવતુલ વુસ્કા અને હબ્લુલ્લાહીલ મતીન અર્થાંત અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.)ની વિલાયત અને એહલેબૈત (અ.સ.)ને વળગી રહેવાની વસીય્યત કરૂં છું. જોડાએલા રહેવાથી મુરાદ સય્યદુશ્શોહદા (અ.સ.)ની અઝાદારીને કાયમ રાખવી છે અને તેમના મસાએબ ઉપર નૌહા, માતમ અને રૂદન કરવાની છે.
‘અસ્સલામો અલય્ક યા અબા અબ્દિલ્લાહ, અસ્સલામો અલય્કુમ વ રહમતુલ્લાહે વ બરકાતોહ.’
અય પોતાના બુર્ઝુગ દાદા ઉપર રૂદન કરનાર, અમારા ઝમાનાના ઇમામ, અમે આપના ઝુહુર માટે ઇન્તેઝાર કરી રહ્યા છીએ કે આપનો નૂરથી ભરપૂર ઝુહુર જલ્દી થાય અને આપ આપના બુર્ઝુગ દાદાના ખૂનનો બદલો લો. આમીન.
Comments (0)