માહે શઅબાન – માહે પયગમ્બર (સ.અ.વ.)
બિસ્મિલ્લાહ હીર રહમાનીર રહીમ
માહે શઅબાન – માહે પયગમ્બર (સ.અ.વ.)
અસ્સલામો અલયક યા અબા અબ્દીલ્લાહીલ હુસયન બે અબી અન્ત વ ઉમ્મી અસ્સલમો અલયક યા સાહેબદ દઅવતીન નબવીય્ય. યા હુજતતબનલ હસન અજ્જલલ્લાહ તઆલા ફરજહ.
આ મહિનો બુદ્ધિ અને સમજણ, અંત:કરણ, પ્રકૃતિ તથા ઇમાન અને અમલની જાગૃતિ, ખુશી અને પ્રસન્નતાનો તથા રસૂલે ખુદા હઝરત મોહમ્મદ બની અબ્દુલ્લાહ (સ.અ.વ.) નો મહિનો છ. આ એ મહિનો છે જેની ત્રીજી તારીખે શીયાઓના ત્રીજા ઇમામ સૈયદુશ્શોહદા હ. ઇમામ હુસૈન (અ.સ.) એ દુનિયામાં આંખ ખોલી અને આ જ મહિનાની પંદરમી તારીખે બારમા જાનશીને પયગમ્બર, ખુદાની હુજ્જત અને આપણા હાલના ઝમાનાના ઇમામની વિલાદત થઇ. બે માઅસુમ (અ.સ.) ની વિલાદતના બરકતભર્યા તથા ખુશી અને પ્રસન્નતાથી ભરપૂર પ્રસંગે અમે શીયાઓને – આલે મોહમ્મદની ખિદમતમાં મુબારબાદીનો હદીયો અને તોહફો રજુ કરીએ છીએ.
માહે શાઅબાનના આગમનની સાથે એક એવો બરકતભર્યો પ્રસંગ પ્રાપ્ત થાય છે જેમાં ઉમ્મીદે – જહાં, માલિક અને આકાએ ઝમા (અ.સ.) વિશે વધુમાં વધુ જાણકારી મેળવીને તેનો ઝીક્રે – ખૈર કરીએ.
શીયાઓને આલે – મોહમ્મદ (સ.અ.વ.) માટે, દરેક હાલમાં અને દરેક જગ્યાએ હુજ્જતે ખુદા (અ.ત.ફ.) નો ઉલ્લેખ ચાલુ રહે તેનાથી વધુ સારી અને યોગ્ય બીજી કઇ વાત હોઇ શકે? હુજ્જતે ખુદા (અ.ત.ફ.) ના નામનું રટણ અને તેમની યાદ હંમેશા જાળવી રાખવી એ આપણા જીવનની જામીનગીરી અને ખુદાની રાહમાં અથાક પ્રયત્નો અને કોશિશો આપણી મુક્તિનો આધાર છે. હઝરત (અ.ત.ફ.)ની વિલાદતનો દિવસ એ માટે વધુ યોગ્ય છે, કારણ કે તે દિવસે બીજા દિવસોની સરખામણીમાં તેમનો ઝીક્ર વધુ થશે.
ઇન્શાઅલ્લાહ અમે આ સંક્ષિપ્ત સામયિકના માધ્યમથી આપણા સમાજના લોકોનું ધ્યાન આ પાયાના અને વિષય તરફ દોડવા માટે પ્રયત્નશીલ છીએ અને અમને આશા છે કે અમે તેમાં સફળ થાશું.
પયગમ્બરે ઇસ્લામ હઝરત મોહમ્મદ (સ.અ.વ.) એ ફરમાવ્યું : “મન માતા વલમ યઅ’રીફ’ એમા ઝમાનેહી માત મીત – તલ જાહેલીય્યહ” (ઉસૂલે કાફી) એટલે કે “જે કોઇ પોતાના ઇમામે – વક્તને ઓળખ્યા વગર મૃત્યું પામે તો તેની મૌત જાહેલીયતની (અજ્ઞાનતાની) મૌત થશે.”
સુજ્ઞ વાચકો, આ ફઝીલતવાળા મહિનામાં અમો ઇમામે ઝમાં (અ.સ.) ના મુન્તઝીરની ખિદમતમાં જે કાંઇ રજુ કરી રહ્યા છીએ. ઇમામે ઝમાના (અ.સ.) ની યાદ અને પ્રેમની ઝળહળતી જ્યોત અને તેની વિલાયત આપણા દિલોમાં હંમેશા જીવંત રાખીશું તેવી આશા રાખીએ છીએ. અલ – મુન્તઝર (અજ.) મેળવવામાં અને વાંચવામાં આપને રસ છે કે કેમ તે જાણવા માટે અમે આપના પત્રોના ઇન્તેઝાર કરીએ છીએ અને આપને ખાત્રી આપીએ છીએ કે આપના અમૂલ્ય સૂચનો અને અભિપ્રાયનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવા અમો પ્રયત્ન કરીશું.
ખુદાવંદે – આલમ આપણને બધાને ઇમામે – ઝમા (અ.સ.) ના ખિદમત ગુઝારોમાં શામીલ કરે.
– આમીન……….
Comments (0)