ઇમામે ઝમાના (અ.સ.) ની યાદ
આપણા બારમા ઇમામ (અ.સ.) ની યાદમાં મગ્ન રહેવું, તેમના પવિત્ર ઝહૂર માટે દૂવાઓ માગવી એ સૌથી શ્રેષ્ઠ ઇબાદત અને ખુદાવંદે – આલમની નીકટતા પ્રાપ્ત કરવાનું માધ્યમ છે.
અય શીયાઓને આલે મોહમ્મદ! ફાતેમા ઝહેરા (સ.અ.) ની આરઝુના કેન્દ્ર, એ ઇમામે ઝમાં (અ.સ.) ની યાદ અમને કેટલી આવે છે? અય શીયાઓ દરરોજ ચોવીસ કલાકમાં ભલે થોડા કલાક નહી પણ થોડી મિનિટ પણ આપણે ઇમામે ઝમાના (અ.સ.) ની યાદમાં મશગૂલ રહી નથી શકતા? અય ઇમામે ઝમાના (અ.સ.) ના દીદાર માટે તરસતા લોકો! અય હઝરત વલીયે અસ્ર પ્રત્યે એઅતેકાદ ધરાવનારાઓ, આપ એ હઝરત (અ.સ.) ની ખુશી માટે કોઇ રીતે પ્રયત્નશીલ છો? શું તમે એ માટે કોઇ કોશિશ કરો છો ખરા? આપણે એ હઝરતના દીલને દુ:ખ ન થાય તે માટે કેટલા જાગૃત છીએ? ઇમામે ઝમાં (અ.સ.)ની રઝામંદી અને ખુશી ન હોય તેવું કોઇ કામ આપણાથી થઇ ન જાય તે માટે આપણે કોઇ પ્રયાસ કરીએ છીએ ખરા?
શું આપણે એ નથી ઇચ્છતા કે કબ્રની સૂમસામ વિરાન, નિરાશ અને ભયજનક જગ્યામાં જ્યારે દુનિયા છોડી જવા પછીની શરૂઆતની ઘડીઓ હશે ત્યારે આપણા ઇમામ ઝમાં (અ.સ.)ની દયા અને કૃપાના એવી રીતે વર્ષા થાય કે આપણને કબ્રમાંનો ભય અને બેચેની દૂર થઇ જાય!
આ માટે આપણી ફરજ છે કે આપણે ઇમામે ઝમાના (અ.સ.) સાથે વધુમાં વધુ પ્રેમ અને નીકટતા કેળવીએ. ઇમામે ઝમાના (અ.સ.) ની યાદ માનસિક શાંતિ અર્પનારી ખુશી અને પ્રફુલ્લતા બક્ષનારી જીવનને રચનાત્મક પ્રેરણા આપનારી અને પ્રેમ-ઉન્માદની લાગણી આપનારી છે. આ ઉપરાંત ઇમામે ઝમાના (અ.સ.) ની યાદ અલ્લાહની નીકટતા અને મૌતની ભયાનક પળોમાં ઉપયોગી ભેટ સમાન હોય છે, શું આપણને રૂહાની પવિત્રતા, નફસની શાંતી અને શૈતાની વસવસાનો સામનો કરી શકાય તેવી (લડવાની) શક્તિ નથી જોઇતી? શું આપણે ગુનાહોથી પસ્તાઇને નજાત મેળવવા નથી માગતા? શું આપણે ખુદાવંદે – આલમની બારગાહમાં નીકટતાનું માધ્યમ શોધીએ છીએ? શું આપણને રૂહાની બિમારીઓ અને આંતરિક ઉતાર – ચઢાવનો અંત આણી દેવાની ઇચ્છા નથી? જો આપણે આ બધી ઈચ્છાઓ રાખતા હોઇએ તો ઇમામે ઝમાં (અજ્જતલલ્લાહો તઆલા ફરજહુશ શરીફ) ની યાદને અગ્રતા આપવી જોઇએ અને તેમના તરફ વલણ દાખવવું જોઇએ. આપણા માટે એ જરૂરી છે કે આપણા જમાનાના ઇમામ (અ.સ.) નો દામન પકડીએ તમેની મોહબ્બતનો આધાર લઇને તેમનો જ માર્ગ ગ્રહણ કરીએ.
જ્યારે આપણને ખાત્રી છે કે આપણા ઇમામ (અ.સ.) હયાત છે, પરદએ – ગૈબતમાં છે, આપણને જોઇ રહ્યા છે, આપણી નીયતો અને કાર્યોથી વાકેફ છે. એટલું જ નહીં આપણા આખા શરીર અને રૂહથી પણ વાકેફ છે…. જરા સમજો, ઇમામે ઝમાના (અ.સ.) આપણી યાદમાં છે ખુદાના ફઝલો કરમ મહેરબાની અને કૃપાઓ આપણા સુધી ઇમામે ઝમાના (અ.સ.) મારફત પહોંચે છે. તેઓ ખુદાવંદે આલમની કૃપાઓનું પ્રવેશદ્વારા છે. તો હવે આપણી એ ફરજ થઇ પડે છે કે આપણે એ પ્રવેશદ્વારને ખટખટાવીએ અને એ દરવાજાને મુક્તિનું દ્વાર સમજીને તેમાં પ્રવેશીએ. તેજ નજાતનું મૂળ સાધન છે. તેનાથી જ આપણું અસ્તિત્વ છે. તેઓની મદદથી તમામ દુખો – તકલીફોનું નિવારણ થઇ શકે છે. તેમના આદેશોને વળગી રહેવાથી જ તમામ પ્રશ્ર્નો ઉકેલી શકાય. તેથી આપણા માટે જરૂરી છે કે એ નામ અને યાદના સહારે દિવસ અને રાત વીતાવીએ.દરેક મજલીસો અને મહેફીલોમાં દરેક પ્રસંગે ઇમામે ઝમાના (અ.સ.) નો ઝીક્ર કરવામાં આવે. આ માટે લોકોનું ધ્યાન આ અતિ મહત્વની બાબત તરફ દોરવું જરી છે. સમાજમાં ઇમામ (અ.સ.) ની યાદ હંમેશા કાયમ કરવા પ્રયત્નો કરીએ. ઓછામાં ઓછું દિવસમાં કેટલીક વખત તો ઇમામે ઝમાના (અ.સ. )ને પુકારીએ. તેમની સમક્ષ ફરિયાદ કરીએ. તેમના ઉપર સલવાત મોકલીએ. તેમની ખિદમતમાં સલામ કરીએ. તેમના પ્રત્યે દીલી લગાવ દર્શાવીએ અને જ્યારે ઇમામે ઝમાના (અ.સ.) ની યાદ આવે ત્યારે દીલના ઉંડાણથી કહીએ.
અસ્લામો અલયક યા સફીનતન નજાત
Comments (0)