ઇમામે ઝમાના (અ.સ.) ની મુલાકાત
કેટલાક લોકોનું માનવું છે કે ઇમામે ઝમાના (અ.સ.) હઝરત હુજ્જત ઇબનીલ હસન (અ.સ.) ની મુલાકાત અશક્ય છે. પરંતુ હકીકતમાં એવું નથી. આપ, આપના ઘણા ચાહકો, આશિકો અને આપ પર મુગ્ધ – લોકો આપની ખિદમતમાં હાજર થઇ ચૂક્યા છે અને તે મહેરબાન આકા, તેજસ્વી ચહેરાના માલિક અને મહાન હસ્તીના દીદાર કરી ચૂક્યા છે. ખુદ એ હઝરત (અ.સ.) નો કૌલ છે કે મારી લાંબી ગૈબતના દિવસોમાં જો કોઇ મારી મુલાકાતનો અને મારી સાથેના સંપર્કનો દાવો કરે તો તે તદ્દન જુઠ્ઠો છે. આ હદીસ – શરીફનો અર્થ એ છે કે કોઇ પોતાનો પરિચય એ રીતે આપે કે તે હઝરત (અ.સ.)નો ખાસ પ્રતિનિધી છે, અને નિયમીત રીતે મુલાકાત કરે છે અને લોકોના પ્રશ્ર્નો અને મુશ્કેલીઓને આપ (અ.સ.) સુધી પહોંચાડે છે અને તેના જવાબ પણ લાવી શકે છે, તો તે જુઠ્ઠુ બોલનારો છે. આવો દાવો કરનાર તકસાધુના ફરેબમાં લોકોએ આવવું ન જોઇએ તેનું કારણ એ છે કે ગૈબતે સુગરાની મુદ્દત પુરી થયા પછી અને ઇમામે ઝમાના (અ.સ.) ના છેલ્લા નાયબે ખાસની વફાત પછી ઇમામ (અ.સ.)નો તેમના ખાસ નાયબ સાથેનો સંપર્ક પૂરો થઇ ગયો છે અને હઝરત વલીએ અસ્રની લાંબી ગૈબત (ગૈબતે – કુબરા) નો જમાનો શરૂ થઇ ગયો છે. આ ગૈબતના જમાનામાં હઝરતના નાએબે – ખાસ કોઇ જ નથી, પરંતુ હઝરત મહદી (અ.સ.) (અજ્જલલ્લાહો તઆલા ફરજહ) ના કેટલાક ચાહકો જે આપના આશિકો હતા એટલું જ નહી આજે પણ છે અને આપ (અ.સ.) ની યાદથી પોતાના દીલોને સતત આબાદ રાખે છે. ઇમામે ઝમાના (અ.સ.) ની યાદમાં હંમેશા રૂદન કરતા રહે છે. આપ (અ.સ.) ના કયામ અને ઇન્કલાબ માટે સતત દુઆવઓ કરતા રહે છે. આપ (અ.સ.) સિવાય બીજા કોઇ પાસે આશા રાખતા નથી. માત્ર અલ્લાહ પાસે હઝરત (અ.સ.) ના ઝુહૂરના ઇચ્છુક છે અને આપના આદેશો પર અમલ કરીને પોતાને હઝરત (અ.સ.) ના દોસ્ત માને છે.
બેશક, ઇમામે ઝમાના (અ.સ.) પણ તેવા દોસ્તો અને આશિકોથી વિમુખ નથી. આપ (અ.સ.) પણ પોતાના દોસ્તો પર કૃપા અને માયાની દૃષ્ટિ રાખે છે. એટલે સુધી કે આપના ખરા ચાહકો ઇમામ (અ.સ.) ના નૂરાની ચેહરાના દીદાર કરવાનું સન્માન સફળતાથી પ્રાપ્ત કરી શકે છે. પરંતુ શું એ ઇમામ (અ.સ.) ના દીદાર કરનારાઓ ઇમામ (અ.સ.)ના ગુણોનું વર્ણન કરવા માટે શક્તિમાન છે ખરા? શું તેઓ એ વાતને કલમ વડે કાગળ ઉપર લેખિત સ્વરૂપ આપી શકે તેમ છે. ખરા ? ગળું રૂંધાય છે, આંખમાંથી આંસુઓનો સમૂહ ઉમટી પડે છે, હાથ ધ્રૂજવા માંડે છે, કલમ ગતિમાન થવા લાચાર બની જાય છે ઇમામે-ઝમાના (અ.સ.)નું હૃદય સોસરવું ઉતરી જતું સ્મિત જે મોટા મોટા પર્વતોને પણ ધ્રૂજાવી દે તેવું હશે તો તેની સામે એક માણસના દિલની શું વિસાત? એક આશિકનું દિલ, એક મુગ્ધ – આસકતની રૂહ ચક્કર ખાઇ જાય છે. એક એવા નફસ માણસની રૂહ જે પોતાના મહેબુબને ખોઇ જે મુંજવણ અને પરેશાની સાથે ઇન્તેઝાર કરતી હોય તેને મૂર્ત સ્વરૂપ આપી શકાય ખરૂ? શું તમે પાણીની તરસથી બેચેન હોય એવા માણસના હલકનું વર્ણન કરી તેનો સ્પષ્ટ ચિતાર રજુ કરવા માટે શક્તિમાન છો ખરા? શબ્દો, લખાણ, વાતીચીત વાચન લેખન એવી કોઇ પણ બાબતથી તરસ્યા માણસની તરસનું સ્પષ્ટ વર્ણન થઇ શકતું નથી.
તેને સમજવા માટે તમારે પોતે જ ચોવીસ કલાક તરસ્યા રહેવું પડે. ત્યાર પછી પણ પાણી ન પીવો તો તરસનું પ્રમાણ અધિક થશે. ત્યારે એવું લાગશે કે કલેજું શેકાય રહ્યું છે બેચેની વધી રહી છે. એવા સંજોગોમાં માત્ર એક ગ્લાસ પાણી માટે કેટલો બધો પ્રેમ અને દીવાનગી હશે! ત્યારે પાણી પાછળ કેવા દોડવા લાગશો! તમે જ્યાં પણ જશો ત્યાં પાણી માગશો અને કોઇ સ્થળે તમારી સૌ પહેલી માગણી પાણીની જ હશે. તે હાલતમાં તમે કોઇ ખાલી ગ્લાસ કે વાસણ જોશો તો તમને તરત જ એક ઘૂંટ પાણીની કલ્પના આવશે. અને તે વાસણને તમારા હાથમાં તુરત જ ઉપાડી લેશો.
જો તમે ઘર, શહેર કે ગામડાથી દૂર થઇને એક રેતાળ પ્રદેશમાં ગયા હો જ્યાં દૂર – સુદૂર સુધી રેતાળ રણ જ રેતી દેખાતી હોય તો શું હાલત થાય? તેવા વખતે પાણી માટે કેવા બેબાકળા થઇ જવાય? પાણીની શોધમાં માનસિક રીતે અસ્થિર થઇ જવાની સ્થિતિ ઉભી થઇ જાય છે. દુવા કરવા માટે જીભ તાળવે ચોંટી જાય છે. વાત કરવાના હોશ – હવાસ રહેતા નથી. છાતીમાંથી નીકળતા દરેક શ્ર્વાસની ગરમી સાથે એક જ ઇચ્છા – એક ઘૂંટ પાણીની ઉભરી આવે છે. સૂકાય ગએલા હોઠોથી એક માત્ર દુવા દીલમાંથી નીકળશે. માલિક રહમ કર, મૌલ કરમ કર, એક વાદળું પૈદા કર જેમાંથી પાણી વરસાવ જેમાંથી થોડા ટીપા શેકાયેલા હોઠ અને સળગતા જીગર ઉપર પડે… એ વખતે જન્નત, દોઝખ, કિતાબ ઇમાન કે બીજી કોઇ વાત નહી પણ એક ટીપું પાણી ક્યાંથી મળી જાય તેની જ ઇચ્છા હોય છે.
કાશ! અમે ઇલાહી વાદળોની વર્ષાના દર્શનાતુર, મહેબુબે – ખુદાની ઝીયારતના પ્યાસા બનીએ અને તે જીવનસર બક્ષનાર ઝરણાની શોધમાં તે ખુદાની મહેરબાનીની શોધમાં રહીએ જેની ઝીયારત દીલોને જીવંત કરે છે. જેમાં નૂરથી પ્રકાશિત આંખોની નઝર દીલોને ખુશ – ખુશ અને આનંદીત રાખે છે. ઇન્સાનોને જીવન અર્પે છે આશા અને નૂર આપે છે. એ માણસોનો દરજ્જો કેવો અજોડ છે જેણે એ નૂરે – ઇલાહીના દીદાર કર્યા કેટલા સદભાગી હતા. ઈસ્માઇલ હરકલી, જે પોતાના પગના ઝખ્મની સારવાર માટે ગયા અને હઝરત (અ.સ.) ના દીદારથી મુશર્રફ થયા કેટલા સદનસીબ હચતા અલ્લામા બેહરૂલ ઉલૂમ! જેના ઘરમાં એ હજરત તશરીફ લાવ્યા હતા. અને એ હઝરતની હુઝુરમાં જીવનદાયક પ્રેરણા મેળવી. ઇબ્રાહીમ ઇબ્ને મહઝયાર કેટલા ભાગ્યશાળી હતા, જે મહેબૂબે ઇલાહી અને મઝલુમોના મદદગારની ઝીયારતથી મુશર્રફ થયા એ લોકો પણ કેટલા ભાગ્યશાળી છે જેઓએ પોતાની પવિત્ર કાર્યોથી હઝરત (અજ.) ને ખુશ કર્યા અને આપ (અ.સ.) ના દીદાર મુબારક કરવા પામ્યા.
આપણે પણ હઝરત મહદીયે દૌરાં અલયહે સલાતો – વ – સ્સલામની યાદમાં રહીએ, ગુનાહો અનેદરેક પ્રકારની બૂરાઇઓથી દૂર રહીએ. આપણે એ હઝરત (અ.સ.) ની ઝીયારત માટે તૂષાતુર રહીએ તેમના દુનિયામાં આગમન અને ઇન્કલાબ માટે દુવા કરતા રહીએ. આપણે દરરોજ તેમના પર દુરૂદ અને સલામ મોકલતા રહીએ. પ્રેમાળ અને રૂંધાએલા હૃદયથી એ હઝરત (અ.સ.) સાથે સતત સંબંધ જાળવી રાખીએ, એ હઝરત વીશે વધુમાં વધુ જાણકારી મેળવીએ અને આપણા સમગ્ર અસ્તીત્વ સાથે એ હઝરતના દીદારની તમન્ના કરીએ. દીલોના ઉંડાણથી તેમના જ બની જઇએ એ હઝરતના ધ્યાનપૂર્વકના કેન્દ્ર અને તેમની અપાર કૃપાઓના હકદાર બની જઇએ. તો જ ખુદાના વલી, મુસ્તુફા (સ.અ.વ.) ન દીલના ટૂકડા, અલીએ મુરતુઝાના જીગરન ટુકડા અને ફાતેમાં ઝહેરાના (સ.અ.) નૂરે નજરના દીદારના આશા અચૂક પૂરી થશે.
આ તકે અમે હઝરત (અ.સ.) ના દીદારના પ્યાસા એવા એક શખ્સનો પ્રસંગ રજુ કરીએ તો અસ્થાને નહી ગણાય. આ પ્રસંગ અલ્લામા મજલીસી (ર.અ.) એ શેખ સદ્દુક (ર.અ.) ના હવાલાથી નોંધ્યો છે. આ હઝરત મહદી (અ.સ.)ના એક આશિકનો પ્રસંગ છે. જેનું નામ ઇબ્રાહીમ ઇબ્ને મહઝીયાર હતું. જે ઇમામ મહદીએ – ઝહેરાની દીદારની ઉત્સુકતામાં દુનિયાની બધી વાતોને ભૂલી ગયો હતો એ પ્રસંગ અત્રે તે આશિકે ઇમામ (અ.સ.) ના પોતાના શબ્દોમાં જ પ્રસ્તૃત છે.
“એક વરસ મેં હઝરત ઇમામ હસન અસ્કરી (અ.સ.) ની અવલાદ ઇમામે ઝમાના (અ.સ.) વીશે ખાત્રી કરવા મદીનાનો પ્રવાસ ખેડ્યો. પરંતુ મને કંઇ જાણવા મળ્યું નહી. ત્યાંથી મક્કા ગયો પણ મારા ઇમામ વીશે કઇ જાણવા ન મળ્યું એક દિવસ હું ખાનએ કાબાનો તવાફ કરી રહ્યો હતો. ત્યારે એક ખૂબ સૂરત અને ઘઉવર્ણ રંગના યુવાનનું મારી તરફ ધ્યાન ખેંચાયું મને કંઇક મદદરૂપ થઇ શકશે તેમ માનીને હું તેમની તરફ ગયો. તેને સલામ કરી, તેણે મારી સલામનો જવાબ ખૂબ જ સારી રીતે આપ્યો પછી તેણે મને પુછયું તમે ક્યાંના રહેવાસી છો? મેં કહ્યું અઝવાઝનો આ વાતચીત શરૂ થઇ, ત્યાર પછી તે યુવાને કહ્યું કે ‘હું તમારા માટે એક ખબર પણ લાવ્યો છું જો તમે તમારા ઇમામ (અ.સ.) ની ઝીયારત સાથે એ ઇચ્છતા હો કે તમારી આંખો એ હઝરતના નૂરાની પ્રકાશનો ઝગમગાટ જુવે તો મારી સાથે તાયફ સુધી ચાલો. પરંતુ મારી સાથે આવવાની તમારી સફરને તમારા મિત્રોથી ખાનથી રાખજો.’ હું તેમની સાથે તાયફ જવા રવાના થયો જ્યારે અમે એક મોટા રણમાંથી પાર થઇ રહ્યા હતા, ત્યારે દૂરથી એક તંબુ નજરે પડ્યો જેના નૂરથી આખુ રણ ઝળહળી રહ્યું હતું.
તે યુવાન તંબુમાં મને અંદર જવા માટેની પરવાનગી મળવવા ગયો. એટલામાં મે જોયું કે તે તંબુમાંથી અજોડ પ્રભાવશાળી અને નૂરાની બુઝુર્ગ બહાર પધાર્યા. તેમની ખૂબસૂરતી અવર્ણનીય હતી. હું ખૂબજ આવેશ અને અર્ધ પાગલપણાની હાલતમાં તેમની તરફ દોડ્યો અને તેમના હાથ – પગ ચૂમવા લાગ્યો. તે બુઝુર્ગે ફરમાવ્યું : તારૂ આગમન મુબારક થાય. આ સમય પહેલા તારી મુલાકાતનું વચન આપવામાં આવ્યું હતું. તારી અને મારી વચ્ચે રૂહાની સંબંધ સ્થાપિત છે. આપણા બેની વચ્ચે રસ્તાનું લાંબુ અંતર અને આપણી મુલાકાતના વિલંબ છતાં મે હંમેશા તને મારી નજરોમાં મૂર્ત રાખલ છે. ત્યાર પછી આપે એક લાંબી વાતચીત કરતા કહ્યું : “મારા પિતાજી એ મને કહ્યું હતું : અય ફરઝંદ, જે લોકો ખુદાની ઇબાદત કરે છે અને તેની પૈરવી અને તાબેદારી કરવા સતત પ્રયત્નશીલ રહે છે, અલ્લાહ તઆલા તેને બંદાઓ માટે નમૂનારૂપ બની રહે એ માટે માર્ગ દર્શક વગરના રાખતો નથી…
ઇબ્રાહીમ બીન મહઝયારનું કહેવું છે ! “એક સમયગાળા સુધી હું ઇમામ મહદી (અ.સ.) ની ખિદમતમાં રહ્યો. તેજસ્વી સત્યો, નૂરાની હુકમો અને કેટલીયે ઇલ્મ અને હીકમતની વાતો શીખ્યો. જે બાબતો ખુદાએ તઆલાએ આપની છાતીમાં ઊંડાણથી ભરી હતી તેનો ખૂબ જ ફાયદો મેળવતો રહ્યો… અને આહ…! પછી જવા માટે પરવાનગી માંગી, છેવટે જ્યારે છૂટા પડવાની તૈયારી કરી ત્યારે હઝરત (અ.સ.) ની ખિદમતમાં પહોંચ્યો. આપની સાથે વફાદારના વચનને દોહરાવીને જવાની તૈયારીમાં હતો. ત્યારે આપે ફરમાવ્યું :ખુદાવંદે અઝઝવજલે જે વસ્તુને તારા માટે આસાન અને બરકતપૂર્ણ કરી, તેને સાલેહ લોકોના શ્રેષ્ઠ સવાબ અને પોતાના ખાસ બંદાઓની જઝા આપી. બધી વસ્તુઓ તેનાથી જ છે અને જે કંઇ જોઇતું હોય તે – તે જ આપી શકે છે. ખુદાવંદે આલમ તને તેની અપાર નેઅમતો, સલામતી અને ખુશહાલી સાથે તારા મિત્રો સુધી પહોંચાડે તને રસ્તામાં કોઇ તકલીફ ન પડે…. હું તને ખુદાને હવાલે કરૂં છું. ઇન્શાઅલ્લાહ ખુદાવંદાની કૃપાળું છાયામાં તને કોઇ આફત નહી આવે.
ઇબ્રાહીમ બીન મહઝયાર કહે છે કે હું હઝરત મહદી અજ્જલલ્લાહો તઆલ ફરજહુશ શરીફ પાસેથી વિદાય થયો. હું ખુદાવંદે મુતઆલનો બેહદ શુક્રગુઝાર હતો. કે તેણે મારા સાચા હેતુ સુધી પહોંચવામાં મારી મદદ કરી અને સાથો સાથ એ વાતથી વાકેફ થઇ ગયો કે ખુદાવંદે આલમ પોતાની જમીન કોઇ પણ સમયે માઅસુમ ઇમામ (અ.સ.) વગર ખાલી રાખતો નથી. મેં આ પ્રસંગ યકીન અને ઇમાન ધરાવતા લોકોની જાણકારીમાં વિશેષ વધારો થાય તે હેતુસર રજુ કરેલ છે. *
Comments (0)