શોહદાએ બની હાશિમ કમસિન બાળકો

આશુરાના દિવસે હઝરત સય્યદુશ્શોહદા અ.સ.ના તમામ અન્સાર અને દોસ્તો શહાદતના દરજા ઉપર પહોંચી ચૂકયા, હવે બની હાશિમ સિવાય કોઈ બાકી રહ્યું ન હતું તેમાં કમસિન બાળકોનો અને થોડા જવાનોનો સમાવેશ પણ થતો હતો. આ લેખ આવા શોહદાઓ અંગે લખવામાં આવ્યો છે જેમણે કમસીની હોવા છતાં પણ ઈમામે વકત ઉપર પોતાની જાન નિછાવર કરી દીધી. જો કે તેમના ઉપર જેહાદ કરવો વાજીબ ન હતો. તો પણ ઈમામે ઝમાનની મદદ કરવા માટે આ બાળકોએ બની હાશીમના જવાનો સાથે ખભે ખભા મેળવીને જેહદામાં શરીક થયાં.
(૧) ઔન ઈબ્ને અબ્દુલ્લાહ ઈબ્ને જઅફરે તૈયાર
આપ જનાબ અબ્દુલ્લાહ બીન જઅફરે તૈયારના પુત્ર હતા. આપના માતૃશ્રી જનાબે ઝયનબે કુબ્ર્રા હતા. જ્યારે ઈમામ હુસયન અ.સ. મક્કથી ઈરાકની તરફ રવાના થયા ત્યારે જનાબે અબ્દુલ્લાહે મદીનાથી એક પત્ર મોકલ્યો જેમાં એમ લખ્યું હતું કે આપ ઈરાકની મુસાફરી ન કરશો કારણકે કુફાના લોકો હંમેશા બે વફા સાબિત થયા છે. આ પત્ર ઔન અને મોહમ્મદ સાથે મોકલ્યો હતો. અબ્દુલ્લાહે મદીનાના હાકીમ ગવર્નર પાસેથી ઈમામ હુસયન અ.સ. માટે એક અમાનનામુ સુરક્ષા માટેની બાંહેધરી લખાવી લીધી હતી પરંતુ ઈમામે મદીના પાછા ફરવાની ના પાડી દીધી.
જનાબે અબ્દુલ્લા તે વખતે બિમાર હતા. તેમણે પોતાના બંને પુત્રોને ઈમામ હુસયન અ.સ.ની ખીદમતમાં મોકલી આપ્યા. તેઓને ઈમામ અ.સ. ઉપર પોતાની જાન કુરબાન કરવાનો હુકમ આપ્યો. આ રીતે ઔન અને મોહમ્મદ ઈમામ હુસયન અ.સ.ની સાથે થઇ ગયા. અને રોઝે આશુરા ઈસ્લામ ઉપર કુરબાન થયા. ઔન જ્યારે મયદાનમાં આવ્યા ત્યારે શૌર્યના અશ્આર પડયા. જેમા એમણે કહ્યું, હું શહિદે ઈસ્લામ હઝરત જઅફરે તૈયારનો પૌત્ર છું જેમને ખુદાએ જન્નતમાં જવા માટે વિશાળ પાંખો અતા ફરમાવી છે. તેની પછી આપે હુમલો શરૂ કર્યો. કિશોરાવસ્થા અને અતિશય તરસ્યા હોવા પછી પણ ૩૦ સવારો અને ૧૮ પગપાળા યોદ્ઘાઓને જહન્નમ વાસીલ કર્યા. અબ્દુલ્લાહ બીન કોતબા તાઈના હાથે શહિદ થયા. અબુ મખનફ.
આપની શહાદતની ખબર જ્યારે અબ્દુલ્લા બીન જઅફરને મળી તાપ આપે ખુદાનો શુક્ર અદા કર્યો અને ફરમાવ્યું, મારી કુરબાની ખુદાની બારગાહમાં કબુલ થઇ ગઈ.
(૨) મોહમ્મદ બીન અબ્દુલ્લાહ બીન જઅફર બીન અબી તાલીબ
જનાબે ઔનના ભાઈ, આપ ઈમામ હુસયન અ.સ.ના કાકાના દિકરા પુત્ર હતા. આપની માતાનું નામ ખવસા બીન્તે હફસા બીન સકીફ હતું અને તે બની બક્ર બીન વાએલના કબીલામાંથી હતા. આશુરાના દિવસે અબ્દુલ રહેમાન બીન અકીલ પછી આપ મયદાનમાં આવ્યા અને લડાઈ કરી.
બીજી રિવાયત મુજબ આપ આપના ભાઈ ઔન બીન જઅફરની પછી મયદાનમાં તશ્રીફ લાવ્યા. કમસિની અને તરસ હોવા પછી પણ અજોડ બહાદુરી દેખાડી અને ૧૦ દુશ્મનોને મૌતને ઘાટ ઉતારી દીધા આખરે દુશ્મનોએ આપને બધી બાજુથી ઘેરી લીધા અને આમીર બીન નેહશલ તમીમીના હાથે શહિદ થયા.
(૩) કાસિમ બીન હસન અ.સ.
જનાબે કાસિમ ઈમામ હસન અ.સ.ના પુત્ર અને ઈમામ હુસયન અ.સ.ના સગા ભત્રીજા હતા. આપની માતા રમલા હતા. હજી આપ પુખ્તતાની હદ સુધી પહોંચ્યા ન હતા કે કરબલાની ઘટના બની. કાસીમની સુંદરતા અને ખુબસુરતીથી દુશ્મનો એટલા બધા આકર્ષાયા કે જ્યારે કાસીમ લડવા આવ્યા, ત્યારે દુશ્મનો કહેતા હતા કે એવું જણાય છે કે જાણે ચાંદનો એક ટુકડો પ્રકાશિત થયો હોત.
આશુરાના દિવસે જ્યારે બની હાશિમની જવાનો એક પછી એક શહિદ થઈ રહ્યા હતા, જનાબે કાસિમે પણ ઈમામ હુસયન અ.સ.થી જંગની પરવાનગી માગી. ઈમામ હુસયન અ.સ.ના મુબારક હાથ ઉપર મોઢું રાખીને રડવા લાગ્યા. છેવટે ઈમામે રજા આપી.
કાસિમ જ્યારે લડાઈના મયદાનમાં આવ્યા ત્યારે તેમના શરીર ઉપર બખ્તર પણ ન હતું અને પગમાં જોડા પણ ન હતા આપે એવી લડાઈ કરી કે દુશ્મનો હિંમત હારી ગયા. હાથમાં માત્ર એક તલવાર હતી. પરંતુ હઝરતે ઈમામના જોશ આપવાથી એક એક પહેલવાનોનો સામનો સફળતાથી કર્યો. અઝરક શામી જેવા બહાદુરને આપે એવી રીતે કતલ કર્યો કે લોકો ચકિત થઈ ગયા. ઉમર બીન સઅદ બીન નફીલ અઝદીએ કાસીમને કતલ કરવાનો ઈરાદો કર્યો. અમુક લોકોએ તેને રોકવાની કોશીષ પણ કરી, પરંતુ જ્યારે કાસિમ ચારે તરફથી ઘેરાઈ ગએલા હતા ત્યારે ઉમરે આપના સરે મુબારક ઉપર તલ્વારનો વાર કર્યો. કાસીમ મોઢા ભેર જમીન ઉપર આવી ગયા. જમીન ઉપર આવતાની સાથેજ આપે પોતાના કાકાને મદદને માટે પોકાર્યા.
ઈમામ હુસયન અ.સ. ભત્રીજાનો અવાજ સાંભળીને મયદાન તરફ દોડી આવ્યા. ઈમામ હુસયન અ.સ.ના ગઝબનાક રીતે આવવાથી યઝીદના લશ્કરમાં ભાગ દોડે મચી ગઈ અને કાસિમનું કોમળ શરીર જીવતાંજ પામાલ થઈ ગયું.
એક રિવાયત મુજબ જ્યારે ઈમામ હુસયન અ.સ. મયદાનમાં પહોંચ્યા તો ઉમર બીન નફીલ જેણે કાસિમને કતલ કર્યા હતા, તે ત્યાં હાજર હતો. ઈમામે તેના ઉપર તલ્વાર ચલાવીને તેનો હાથ કોણીએથી કાપી નાખ્યો. શામનું લશ્કર તેની મદદ માટે ઈમામ અ.સ. ઉપર તૂટી પડયું. પરંતુ ચાલે તરફથી ઘોડાઓ એવી રીતે દોડયા કે તેને બચાવવાના બદલે પામાલ કરીને હલાક કરી દીધો. તે પછી જ્યારે ઈમામ હુસયન અ.સ. જનાબે કાસિમની પાસે આવ્યા તો કહેવા લાગ્યા
તારા કાકા માટે અસહ્ય અને કઠિન છે કે તું તેને મદદ માટે બોલાવે અને તે તારી ખબર ન લઈ શકે અથવા તારા અવાજ ઉપર આવ્યા પછી પણ કોઈ ફાયદો ન પહોંચાડી શકે. આમ કહીને ઈમામે કાસીમની લાશને લઈ જવાની તૈયારી કરી. અને રિવાયત મુજબ ઈમામે કાસિમને એવી રીતે ઉપડયા કે છાતીથી છાતી મળેલી હતી અને પગો જમીન ઉપર ઢસડાઈ રહ્યા હતા.
(૪) અબ્દુલ્લા ઈબ્ને હસન અ.સ.
અબ્દુલ્લાહ હઝરત ઈમામ હસન અ.સ.ના પુત્ર હતા. તેમની માતા બિન્તે સલીલ બીન અબ્દુલ્લાહ બજલી હતા. કરબલામાં આપની ઉમર આશરે નવ વરસની હતી.
ઈતિહાસકારોનું બયાન છે કે આપે મયદાનમાં આવીને જબરદસ્ત લડાઈ કરી અને ૧૪ દુશ્મનોને વાસીલે જહન્નમ કર્યા. આપને શહિદ કરનાર મલઉનનું નામ હાની ઈબ્ન શીસ હતું.
એક રિવાયત મુજબ આપની શહાદતનો બનાવ એ પ્રમાણે છે કે આપે જ્યારે ઈમામ હુસયન અ.સ.ને મુસીબતમાં ઘેરાએલા જોયા તો તેમની મદદનો ઈરાદો કર્યો. ઈમામે હુસયન અ.સ. દુશ્મનોથી ચારે તરફથી ઘેરાએલાં હતા. આપ ખયમાની એક લાકડી લઈને મયદાન તરફ રવાના થયા. જ્યારે અબ્દુલ્લા લડાઈને મયદાનમાં પહોંચ્યા તો જોયું કે એક મલઉને ઈમામ હુસયન અ.સ. ઉપર હુમલો કરવા માટે તલ્વાર ઉઠાવી લીધી છે. તે નાના બાળકે અચાનક આગળ વધીને પોતાના હાથોથી તલ્વાર રોકવાની કોશીષ કરી. તલ્વારે અબ્દુલ્લા બીન હસન અ.સ.ના બંને હાથોને શરીરથી જુદા કરી નાખ્યા. રિવાયતમાં તેમના કાતીલનું નામ ઈબ્ને કઅબ બતાવવામાં આવે છે.
(૫) મોહમ્મદ બીન અબી સઈદબીન અકીલ
આપ હઝરત અકીલ બીન અબી તાલીબના પૌત્ર હતા. જઝરત અલી અકબર અ.સ.ની શહાદત પછી આપે ઈમામ હુસયન અ.સ.ને એકલા જોયા તો આપ ખયામાની બહાર નીકળી આવ્યા. કમસીની અને અતિશય તરસ હોવા છતાં પણ આપ ઈમામની તરફ નીકળી પડયા. આપના હાથમાં ખયમાની એક લાકડી હતી. ઈતિહાસકારોનું કહેવું છે કે આપ ભરપૂર વ્યાકુળતાની હાલતમાં ઈમામ હુસયન અ.સ. તરફ દોડતા જઈ રહ્યા હતા અને આપના કાનની કડીઓ હલતી હતી. હજુ તો આપ ઈમામની નજદીક પહોંચ્યા ન હતા કે લકીત બીન યાસીરે આપની ઉપર હુમલો કર્યો. આપના મુબારક સર ઉપર તલવાર લાગવાથી આપ જમીન ઉપર પડી ગયા અને જામે શહાદત પી લીધો.
(૬) હ. અલી અસગર ઈબ્નુલ હુસયન અ.સ.
ઈમામ હુસયન અ.સ.ના સૌથી નાના પુત્રનું નામ અબ્દુલ્લાહ અલી અસગર હતું આપનો જન્મ ૧ રજબ હિજરી સન ૬૦ માં મદીનામાં થયો હતો આપની માદરે ગીરમીનું નામ રબાબ બિન્તે અમરૂ અયકસ હતું. તમામ સહાબીઓ, અઝીઝો અને કુટુંબીજનોની શહાદત પછી જ્યારે ઈમામ હુસયન અ.સ.એ ઈસ્તેગાસા મદદનો અવાજ બુલંદ કર્યો ત્યારે દીનના દુશ્મનો એમ સમજ્યા કે હવે ઈમામ હુસયન બધી કુરબાનીઓ અર્પણ કરી ચૂકયા. પરંતુ તેઓ જાણતા ન હતા કે ઈમામ હુસયન અ.સ.ના ખયમામાં હજુ એક મુજાહીદ બાકી છે જે મયદાનમાં આવીને આખા લશ્કરને રડવા ઉપર મજબુર કરી દેશે. ઈસ્તેગાસાનો અવાજ સાંભળીને અલીઅસગરે પોતાને ઘોડીયામાંથી નીચે પછાડી દીધા.
અલી અસગરનું જુલામાંથી પડી જવું અને ઈમામ હુસયન અ.સ.ના ખયમાઓમાં કોહરામ મચી ગયો. ઈમામ હુસયન અ.સ.એ જનાબે ઝયનબને પુછયુ કે શું કારણ છે. જનાબે ઝયનબ અ.સ.એ આપને હકીકતથી વાકેફ કર્યા. ઈમામે અલી અસગરને પોતાના ખોળામાં લઈ લીધા અને મયદાનની તરફ આવ્યા. ઉમરે સઅદના લશ્કર તરફ આવીને દે દુધમલ બાળકને પોતાના હાથો ઉપર ઉંચો કર્યો. બાળકની તરફ જોઈને શામની ફૌજમાં હલચલ મચી ગઈ. ઈબ્ન સઅદે જ્યારે આ જોતું તો હુરમલા બીન કાહીલ અસદીને હુકમ કર્યો કે આ બાળકને કતલ કરી નાખો. હુરમલાએ નાજુક ગળા ઉપર પોતાના તીરનું નિશાન લીધું અને તીર લાગતાજ અલી અસગર ઈમામ હુસયન અ.સ.ના હાથો ઉપર ઉછળી પડયા.
જનાબે અલી અસગરની શહાદતની ઘટના સાંભળીને દરેક કૌમ અને સમાજના ઈન્સાનો સાક્ષી આપવા માટે મજબુર થઇ ગયા કે યઝીદીઓને ઈન્સાનીય્યતથી કંઈ લેવા દેવા નથી.
અલી અસગર ઉપર ઝુલ્મનો સિલસિલો હજુ પુરો નથી થયો. એક રિવાયત પ્રમાણે જ્યારે ઉમરે સઅદે કરબલાના શહિદોના સરો નેઝાની અણી ઉપર ઉંચા કરવાનો હુકમ આપ્યો તો કોઈએ અલી અસગરની કબ્રની શોધખોળ શરૂ કરી. કબરની નીશાની મળ્યા પછી તેને ખોદી અને પવિત્ર શરીરથી મુબારક સરને જુદુ કરીને નેઝાની અણી ઉપર ઉંચુ કરી દીધું.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *