કરબલાના એ અજ્ઞાત શહીદો તૌબા કરી શહાદત પામ્યા
કરબલાની કથા તે સંપૂર્ણ રીતે દુ:ખ દર્દ ભરી ઘટના છે જેમાં દુનિયાના કરોડો ઈન્સાનો આંસુ વહાવીને, સીનાઝની કરીને દુ:ખ અને દર્દ પ્રદર્શિત કરે છે. આ રંજ અને બલાને પ્રદર્શિત કરવું તે માનવતાની એક કુદરતી લાક્ષણિકતા છે જે હોવું કુદરતના નિયમ મુજબ જરૂરી છે. આ અઝાદારી, આ રોકક્કળ, આ ફર્યાદની બુમોને નૌહા અને માતમે શહાદત સરકારે શહાદતની અસર છે. સય્યદુશ્શોહદાની શહાદતનું કારણ, મકસદે હુસયન અથવા કરબલાના બનાવોના ફાયદાઓ સમજવા તે કોઈપણ રીતે સવાબથી ખાલી નથી.
ઈમામ હુસયન અ.સ.નો ઉચ્ચત્તમ ધ્યેય આપણી પાસે કોઈક બીજી વસ્તુની અપેક્ષા રાખે છે અને તે છે ઈમામ હુસયન અ.સ.ના એક માત્ર એમનાજ અંદાઝમાં એમની સીરતનું અનુસરણ ચારિત્ર્યનું ઘડતર અને કેરેકટર બીલ્ડીંગ છે. અલબત્ત ઈમામ હુસયન અ.સ.ની શહાદતની અસર એટલે અઝાદારી, હુસયની મકસદ પર સંપૂર્ણ રીતે આધારીત છે. ઈમામ હુસયન અ.સ.ના દુ:ખ અને દર્દભર્યા પ્રસંગો સાંભળીનેપ, તેના ઉપર આંસુ વહાવ્યા પછી માનવીના હૃદયમાં એ શકિતજ નથી રહેતી કે માનવતાને ખંદિત કરે તેવો અત્યાચાર ગુઝારે. આજ કારણ છે કે ઈમામ હુસયન અ.સ. ઉપર આંસુ વહાવવાવાળી કવ્મનો દામન ઈન્સાનિય્યત પર ઝુલ્મ કરવાવાળા રાજકરણથી પાક છે અને ઈન્શાઅલ્લાહ પાક રહેશે. અઝાદારીની આ બાકી રહેવાવાળી શાન છે જેને ખાલીકે આલમે મોઅજીઝા જેવા અંદાઝથી આન દિન સુધી કાયમ રાખી છે અને કયામત સુધી કાયમ રાખશે.
જો દુ:ખ અને મુસીબતના સમયે અલ્લાહ યાદ આવે છે અને શુક્ર ન કરવાવાળા માનવીઓ ખુદાને ભુલી જાય છે, તો ગમે હુસયન અ.સ. એટલા માટે છે કે ખુદાને ભૂલી જવાવાળા ઈન્સાન આ ગમ મારફતે અલ્લાહની બુઝુર્ગીને યાદ કરે અને પોતાના ચારિત્ર્યનું ઘડતર તે ખુદાપરસ્ત ઈન્સાનોના ચારિત્ર્ય જેવું કરે, જેમણે અતિશય ભૂખ અને તરસમાં ભરપૂર દુ:ખ અને અત્યાચારની પરિસ્થિતિમાં અને ભયાનક ઘટનાઓ વચ્ચે એવી ઈબાદત કરી કે જેનો નમૂનો રજુ કરવા માટે જગતનો ઈતિહાસ ખામોશ છે. મિર અનિસ અ.મ. એ આ ઈબાદતનું ચિત્ર આ રીતે રજુ કર્યું:
ઉસ તરફ તબલ બજા યહાં હૂઈ લશ્કરમે અઝાન
આએ સજ્જાદએ તાઅતપે ઈમામે દો જહાં
વો નમાઝીકે ઝબાન જીનકી હદીસ વ કુરઆન
વો મુકબ્બીર કે જો ઈમાં કે તને પાકકી જાં
ઝાહિદ અયસેથે કે મુમતાઝ થે અબરારો મેં
આબીદ અયસે થે કે સજદે કીયે તલ્વારો મેં
દુ:ખ અને દર્દ જો ઈન્સાની હમદર્દીના ઈચ્છુક છે તો ગમે હુસયન એટલા માટે છે કે આપણને મઝલુમથી હમદર્દી અને મોહબ્બત થાય અને ઝાલીમથી નફરત થાય અને આ રીતે મોહબ્બત અને નફરતની વિરોધાભાસી લાગણીઓના શરૂઆતના પગથિયાઓને પસાર કરીને ઈન્સાનના ચારિત્ર્યના ઉચ્ચતમ ધ્યેય સુધી પહોંચી આપણે આપણી સીરતને શોહદાએ કરબલાના સદાચાર અને સારા આચરણ સાથે મેળવી શકીએ. કરબલાના શહિદો આપણા માટે એક બેહતરીન નમૂનો છે, જેમણે મઝલુમની મોહબ્બત અને ઝાલીમની નફરતની સાબિતી કરબલાના લોહિયાળ મેદાનમાં આપી.
જો મહઝબની બધીજ ગતિ વિધીઓ ગુનાહોને દૂર કરવાની હોય અને ગમ, અસત્ય, બનાવટ, ઝુલ્મ અને અત્યાચારના કિલ્લાને જમીન દોસ્ત કરવા માટેનો સર્વ શ્રેષ્ઠ માર્ગ હોય, તો પછી ગમે હુસયન અ.સ. એટલા માટે છે કે ગુનાહોનો નાશ કરી દે. અસત્ય અને બનાવટને મિટાવી દે અને પાપનો નાશ કરે.
ઈમામ હુસયન અ.સ.એ કરબલાના લોહિયાળ મેદાનમાં પોતાના સ્વજનો, કુટુંબીઓ અને મિત્રોની કુરબાની એટલા માટે આપી છે કે માનવતા ઝૌર અને ઝુલ્મ, ગુનાહ, અત્યાચાર, જુઠ અને બનાવટથી મૂકિત મેળવી શકે. જે ઈન્સાન હુસયનની અઝાદારીમાં શિરકત કર્યા પછી પણ બુરા કાર્યો કરે છે અને શીયાના અમલને છોડીને ચારિત્ર્ય અને અનુસરણમાં ક્રાન્તિની સાબિતી રજુ નથી કરતો, તેને ન તો હુસયન અ.સ.ની શહાદતની ઓળખ છે ન તો મહાન કુરબાનીઓનો એહસાસ છે.
આ દુ:ખ અને દર્દની લાગણીજ છે જેનાથી માનવીનું ચારિત્ર્ય તેની સર્વોચ્ચ ટોચ સુધી પહોંચે છે.
ગાઝાહ હય આઈનએ દિલકે લીયે ગર્દો મલાલ
હાદેસાતે ગમસે હય ઈન્સાન કી ફીતરત કો કમાલ
(અલ્લામા ઈકબાલ)
સામાન્ય રીતે જ્યારે એમ કહેવામાં આવે છે કે આપણે સય્યદુશ્શોહદા (અરવાહોના લ ફીદા)ના દર્શાવેલા માર્ગ ઉપર ચાલવુ જોઈએ તેમનું અનુસરણ કરવું જોઈએ તો કહેવાવાળા સંપૂર્ણ ઈતમીનાનથી કહી દે છે કે આ કેવી રીતે શકય છે, હઝરત સય્યદુશ્શોહદા અ.સ.નું અનુસરણ કરી શકીએ. ઈમામ હુસયન અ.સ. ઈમામ હતા. મઅસુમ હતા ઉચ્ચ કક્ષાની ઈલાહી શકિત ધરાવતા હતા. આપણાથી તેમની પયરવી કેવી રીતે થઈ શકે?
આ માનવી પ્રકૃતિની બનાવટ છે. ફરેબ છે. કારણ કે હુસયન અ.સ. રિસાલતની આગોશમાં ઉછેર પામ્યા.
આપના મુરબ્બી સરકારે રિસાલત હઝરત મોહમ્મદે મુસ્તફા સ.અ.વ. છે. અલ્લાહ તઆલા એ પવિત્ર જાત અંગે કહે છે: લકદ કાન લકુમ ફી રસુલિલ્લાહે ઉસ્વતુન હસનહ. તમારા માટે રસુલુલ્લાહ સ.અ.વ.ની પવિત્ર જાત જીવનનો ઉચ્ચતમ ગુણનો નમુનો છે. જો આં હઝરત સ.અ.વ.નું જીવન આપણા માટે સુંદર ચાચિત્ર્યના અમલ માટેનો નમૂનો બની શકતુ હોય તો ઈમામ હુસયન અ.સ.નું જીવન શા માટે અનુસરણનો નમુનો ન બની શકે? જો તે પવિત્ર હસ્તીનું અનુસરણ અશકય હોત તો ખુદાએ અઝઝ વ જલ્લ કયારેય આવો હુકમ આપતજ નહિ જેનો અમલ કરવો અશ્કય હોય. અંતમાં કરબલાના શહિદો મઅસુમ ન હતા, ઈમામ ન હતા પરંતુ તેઓએ માનવીય અનુસરણ અને પયરવીને તેના ઉચ્ચતમ સ્થાન સુધી પહોંચાડી દીધી, જે જગતના અંત સુધી બાકી રહેશે. જો હકીકતમાં સાચી દ્રષ્ટીથી જોવામાં આવે તો અનુસરણ અને પયરવીને શ્રેષ્ઠ નમુનાઓથી સાબિત કરી દીધી છે અને આપણને દેખાડી દીધું છે કે જો તમે અઈમ્મએ મઅસુમીન અ.સ.નું અનુસરણ ન કરી શકો તો શોહદાએ કરવલાની પયરવી કરો, જે અનુસરણ ન કરી શકો તો શોહદાએ કરબલાની પયરવી કરો, જે ન તો ઈમામ હતા ન તો મઅસુમ હતા હબીબ ઈબ્ને મઝાહિરની પયરવી કરો, મુસ્લિમ બીન અવસજાની પયરવી કરો ઝોહૈર ઈબ્ને કયનની પયરવી કરો. કરબલાની ઘટનામાં જે લોકો શહિદ થયા છે તેમાં શરણે આવવાવાળાનો એક ખાસ્સો સમૂહ છે, જે સિરતની ક્રાન્તિનો જીવંત નમુનો છે. આ એ લોકો છે જે તવબા કરીને કરબલાના સમૂહમાં ભળી ગયા હતા. ૬ મોહર્રમથી આશુરાની રાત સુધી એક એક બે બે કરીને યઝીદના લશ્કરમાંથી આવ્યા અને સરકારે સય્યદુશ્શોહદાની ખીદમતમાં હાજર થયા. તેઓની ઈચ્છા ફળી અને કોશીશો કામે લાગી. તેઓએ સંઘર્ષ કર્યો અને અલ્લાહે તેઓની હિદાયત કરી. તેઓ તૌબા કરીને શહાદતના ઉચ્ચ દરજ્જા ઉપર પહોંચ્યા. અબ્સારૂલ અયન ફી અન્સારીલ હુસયન, અલ્લામા સમાવી નજફી, તે લોકોની તવબા હુસયન અ.સ.નો ભવ્ય વિજય છે. આપણી ફરજ બને છે કે આપણે પણ તેઓના માર્ગ ઉપર ચાલીએ. જુઠ અને બનાવટથી નફરત કરીએ. ગુનાહોથી વિમુખ થઇ જઈએ. જોર અને ઝુલ્મ અને અન્યાય, અત્યાચારનો તિરસ્કાર કરીએ. જો આપણા ચારિત્ર્યમાં ક્રાન્તિ આવી જાય અને ચારિત્ર્ય કુન્દનની જેમ ચમકવા લાગે તો આ અઝાએ હુસયન અ.સ.ની શાન ભરી જીત હશે. હવે આવો, આ શરણે આવેલાઓની સ્થિતિ ઉપર વિચાર કરીએ. આ સંપૂર્ણ રીતે બલિદાન આપવાવાળા ઈન્સાનોની બારગાહમાં મુબારકબાદ પેશ કરીએ. જેમની તકદીરો હજારો ગર્વને લાયક છે.
તમીમ કબીલાની છ વ્યકિતઓ યઝીદના લશ્કરમાંથી નીકળીને ઈમામ અ.સ.ની ખીદમતમાં હાજર થયા હતા અને જેહાદ કરીને શહાદતનો ઉચ્ચ દરજ્જો મેળવ્યો હતો.
(૧) જાબીર બીન અલ-હુજ્જાજ મવલા આમીર બીન નેહસીલ તમીમી ઘોડે સવારીની કળામાં નિષ્ણાંત હતા. ઘણા મોટા બહાદુર હતા. તેઓ તૈમુલ્લાહ બીન સોઅલબાના કબીલામાંથી આમીર બીન નેહસીલ તમીમીના આઝાદ કરેલા ગુલામ હતા. ઉમર ઈબ્ને સાઅદના લશ્કરમાં કરબલા આવ્યા. હદાએકે વરદિયાના લેખકે તેમનો ઉલ્લેખ કરતા લખ્યું છે કે ઝોહરની નમાઝની પહેલા ઉમરે સઅદે જે હુમલો કર્યો હતો તે હુમાલામાંજ તેઓ શહાદતના દરજ્જે પહોંચ્યા.
(૨-૩) મસ્ઉદ બીન હુજ્જાજ તયમી અને તેમના પુત્ર અબ્દુલ રહેમાન બીન મસઉદ બીન હુજ્જાજ આ બંને પિતા-પુત્ર મોહર્રમની નવમી તારીખ સુધી, જે મોહલતનો સમય હતો, એક દિવસે યઝીદના લશ્કરમાંથી નીકળી ઈમામ અ.સ.ના લશ્કરમાં આવી ગયા અને પહેલાજ હુમલામાં બંને શહીદ થઈ ગયા.
(૪) બક્ર બીન હય તૈમુલ્લાહ બીન સોઅલબા તૈમી, ઈતિહાસકારો એ મતભેદ વગર લખ્યું છે કે તે ઈબ્ન સઅદના લશ્કરમાં કુફાથી આવ્યા હતા. આશુરાના દિવસે જ્યારે લડાઈ શરૂ થઈ ત્યારે ઈમામ હુસયન અ.સ.ની ખીદમતમાં હાજર થયા અને હઝરત અ.સ. ઉપર પહેલો હુમલો થયો એજ હુમલામાં શહિદ થઈ ગયા.
(૫) જવોન બીન માલિક બીન કયસ બીન સોઅલબીલ તૈમી પણ યઝીદના લશ્કરમાં હતા. જ્યારે ઈમામ હુસયન અ.સ. અને ઉમર સાઅદની વચ્ચે સુલેહની વાતચીત પૂરી થઈ ગઈ અને સારા અને ખરાબ વચ્ચે લડાઈ નક્કી થઈ ત્યારે તેમણે આશુરાની રાત્રે પોતાના કબીલાના લોકો સાથે ઈબ્ન સઅદના લશ્કરથી જુદા પડીને ઈમામ અ.સ.ની ખીદમતનો શરફ મેળવ્યો અને આશુરાના દિવસે પહેલા હુમલામાં શહિદ થયા.
(૬) ઉમર બીન સબીઆ બીન કયસ બીન સોઅલબીલ સબીઈ તૈમી. આ ખૂબજ શુજાઅ, બહાદુર અને સવારીના નિષ્ણાંત હતા. યઝીદના લશ્કરમાં હતા. ઈમામની ખીદમતમાં હાજર થયા. મયદાને જંગમાં બહાદુરી દેખાડી અને પહેલા હુમલામાં શહિદ થઇ ગયા.
(૭) કાસિમ બીન હબીબ બીન બુશરાી, કુફાવાળાઓમાં શહસવાર અને બહાદુર હતા. ઉમરે સઅદના લશ્કરમાં કરબલા પહોંચ્યા, પછી હુસયન અ.સ.ના નાસીરોમાં જોડાઈ ગયા અને શહાદતના દરજા ઉપર ફાએઝ થયા.
(૮) ઝોહયર બીન સલીમ અઝદી યઝીદના લશ્કરમાં હતા. જ્યારે સુલેહની આશા તૂટી ગઈ ત્યારે શબે આશુર ઈમામ અ.સ.ની ખીદમતમાં હાજર થયા. પહેલા હુમલામાં શહિદ થયા.
(૯) હલાસ બીન અમરૂ રાસબી અમીરૂલ મોઅમેનીન અ.સ.ના અસ્હાબોમાંથી હતા. આપના, અલી અ.સ.ના રાજ્યકાળ દરમ્યાન કુફામાં પોલીસ ઓફીસર હતા. આ સમયની ક્રાન્તિ છે કે તે ઉમર સાઅદની ફોજમાં કરબલા આવ્યા. અંતરાત્માના અવાજ ઉપર લબ્બયક કહીને સુલેહની વાતચીત નિષ્ફળ જતા, શબે આશુર છુપી રીતે ઈમામ અ.સ.ની ખિદમતમાં ચાલ્યા આવ્યા અને શહાદતના દરજ્જે પહોંચ્યા.
(૧૦) નોઅમાન બીન ઉમર અઝદી રાસબી, હલાસના સગા ભાઈ હતા. રાસીબ કબીલો અઝદ કબીલાની શાખા છે. તેની નીસ્બતથી રાસબી કબીલો અઝદ કબીલાની શાખા છે. તેની નીસ્બતથી રાસબી કહેવાય છે કુફાના રહીશ અને અમીરૂલ મોઅમેનીન અ.સ.ના અશહાબમાંથી હતા. ઉમર સઅદની ફવજમાં કરબલા આવ્યા. સુલેહની શરતો તૂટી પડવાથી અન્સારે હુસયન અ.સ.માં ભળી ગયા અને પહેલા હુમલામાં શહાદતના દરજા ઉપર પહોંચ્યા.
(૧૧) હારિસ બીન અમ્ર અલ-કયસ બીન આબીસઅલ કિન્દી પોતાના જમાનાના એક બહાદુર આબીદ અને ઝાહીદ હતા. ઈસ્લામની કેટલીક લડાઈઓમાં સારો દેખાવ કરી ચૂકયા હતા. તેમનો મઝહબી એહસાસ અને તેમની મહાન દાદને પાત્ર એક યાદગાર પ્રસંગ મુસલમાનોના ઈતિહાસમાં એક સોનેરી વરક છે. તેઓ કિલ્લાના ઘેરાવામાં હાજર હતા. મુરતદો, દુશ્મનોને જ્યારે કિલ્લામાંથી બહાર કાઢીને કતલ કરવા લાગ્યા, તો આપે પોતાના સગા કાકકા ઉપર હુમલો કર્યો. તેણે કહ્યું હું તમારો કાકો છું, હારિસે કહ્યું, અલ્લાહ મારો પરવરદિગાર છે. તેનો હુકમ સર્વોપરી છે. આમ કહીને તેને કતલ કરી નાખ્યા. આ પણ જમાનાની એક ક્રાન્તીજ તો છે કે આવા ઈબાદત કરનારા અને અલ્લાહની રાહમાં લડનારા વ્યકિત પણ યઝીદના લશ્કરના એક સભ્ય હતા. સુલેહની શરત ભાંગી પડવાથી પોતાના રાહત અને આરામને છોડી દઈને ઈમામ અ.સ.ની ખીદમતમાં હાજર થયા અને શહાદતનો મરતબો મેળવ્યો.
(૧૨) ઝરગામા બીન માલિક સોઅલબી-પહેલા કુફામાં હઝરત મુસ્લિમ બીન અકીલની બયઅત કરી. તેમની, મુસ્લીમની શહાદત થઇ તેથી મોઢું છુપાવી દીધું અને યઝીદના લશ્કરમાં કરબલા આવ્યા. અંતે ઈમામે મઝલુમની ખીદમતમાં હાજર થયા અને શહાદતનો મરતબો નસીબ થયો.
(૧૩-૧૪) સઅદ બીન અલ-હરસ-અલ-અન્સારી દલઅજલાની અને તેના ભાઈ અબુલ હતુફ બીન અલ-હરસ દલઅજલાની બંને કુફાના રહીશ હતા અને કાર્યલયનાં કર્મચારીઓમાંથી હતા. હકાએકે દરદિય્યામાં લખેલું છે કે જ્યારે રોઝે આશુરા ઈમામ હુસયન અ.સ.ના અસ્હાબો શહિદ થઇ ચૂકયા અને હઝરતે ઉંચા અવાજે પોકાર્યુ શું કોઈ અમારી મદદ કરવાવાળું છે? અને હઝરતનો અવાજ સાંભળીને સ્ત્રીઓ અને બધા બાળકો રોતા પીટતા બહાર નીકળી આવ્યા. સઅદ અને તેના ભાઈ આ હાલતને સહન ન કરી શકયા. હઝરતની તરફથી પોતાનાજ લશ્કર એટલે કે યઝીદની ફવજ સાથે લડવાનું શરૂ કરી દીધું. અને ઘણા યઝીદીઓને તલ્વારના નીશાન બનાવીને બંને ભાઈઓ એકી સાથે શહિદ થયા.
(૧૫) અબ્દુલ્લા બીન બુશર અલ-હતઅમી તેમના પિતા બુશર બીન રબીઅ પોતાના જમાનાના મશહુરોમાંથી હતા. ઘણા બહાદુર અને શ્રેષ્ઠ શેરસવાર હતા. કુફાનો મશહુર વિસ્તાર જબાના બીન બુશર કહેવાતો હતો, તે તેમના નામથી સંબોધિત હતો. કાદસીયાની લડાઈમાં તેમણે સક્રિય ભાગ લીધો હતો. તેમના પુત્ર અબ્દુલ્લા બદરી હતા, યઝીદી ફવજમાંથી નીકળીને હુસયની સૈનિકોમાં આવી ગયા અને પહેલા હુમલામાં શહાદતના દરજ્જે પહોંચ્યા.
(૧૬-૧૭-૧૮) સૈફ બીન હારિસ બીન સરીઅ, માલિક બીન અબ્દ બીન સરીઅ અને તેમના ગુલામ શબીબ, સહાબીએ રસુલ સ.અ.વ., સયફ અને માલિક બંને કાકાના દિકરા ભાઈઓ હતા. તે બંને એક માના સંતાન હતા. કરબલામાં સુલેહની મંત્રણા પડી ભાંગી તે પછી ઈમામ અ.સ. સાથે મળી ગયા. તેના ગુલામ શબીબ જે રસુલ સ.અ.વ.ના સહાબી હતા તેમની સાથે આવી ગયા. રોઝે આશુરા શહાદતની વારદાર ગરમ થઈ, આ બંને નવજવાન ઈમામની ખીદમતમાં હાજર થયા અને આપની પાસે ઉભા રહીને રડવા લાગ્યા. એ તેઓના દિલની બેચૈની હતી, જેણે આંસુઓનું સ્વરૂપ લીધું હતું. દુ:ખની લાગણી એટલી તીવ્ર હતી કે મોઢામાંથી વાત નીકળતી ન હતી. પરંતુ શું કહેવું ઈમામના સંતુષ્ટ હૃદયનું, આપે ફરમાવ્યું: કેમ મારા ભાઈના પુત્રો! શા માટે રડો છો? જુઓ થોડીજ વારમાં તમારા માટે ખુશીજ ખુશી હશે. બંને એ અરજ કરી, અમારી જાન આપ ઉપર કુરબાન થાય, અમે અમારા માટે નથી રડતા. અમને તો હુઝુરની બેકસી ઉપર રડવું આવે છે. અમે જોઈ રહ્યા છીએ કે આપને ચારે તરફથી ઘેરી લેવામાં આવ્યા છે, અમારા માટે આપના રક્ષણની તક નથી રહી. આં હઝરત અ.અ.એ ફરમાવ્યું, ખુદા તમને બંનેને જઝાએ ખયર આપે એ મારા ભાઈના ફરઝંદો! તમારો આ શોક જે મારા કારણથી છે અને હમદર્દી જે તમને મારી સાથે છે, ખુદા તમને શ્રેષ્ઠ બદલો આપે. હનઝલા બીન અસદની શહાદત પછી આ બંનેએ ઈમામને અંતિમ સલામ કરી અને લડીને શહિદ થયા.
(૧૯) ઝોહયર ઈબ્ને કયન બીન બજલ્લી – અરબના શરીફોમાંથી હતા, ઘણા બહાદુર અને મયદાનના મર્દ હતા. જમલ અને સિફફીન પછી મુસલમાનોમાં ઉસ્માની અલવી નામના ફાંટા પડયા. જે લોકો મોઆવીયાની તરફેણમાં હતા તેઓને ઉસ્માની કહેવામાં આવતા. અને જેઓ જનાબે અમીર અ.સ.ની મદદ કરતા હતા તેઓને અલ્વીના નામથી યાદ કરવામાં આવતા હતા. કરબલાના બનાવ પહેલા ઝોહર ઉસ્માની હતા. તેથી તે અહલેબય્તથી કોઈ સંબંધ ધરાવતા ન હતા. ઝોહયરે હિજરી સન ૬૦ માં પોતાના કુટુંબ સાથે હજ કરી પાછા ફરતા ઈમામ હુસયન અ.સ.ની સાથે થઈ ગયા. ઝોહયર જો કે વિરૂધ્ધ ગ્રુપ સાથે સંબંધ ધરાવતા હતા, પરંતુ તેઓ ઈમામ અ.સ.ના વ્યકિતત્વની અસર હેઠળ હતા. તેમને ખબર હતી કે જો ઈમામ અ.સ. મને મદદ કરવા માટે બોલાવશે તો હું તેમને મદદ કરવાથી પોતાની જાતને રોકી શકીશ નહિં. પરિણામ એ હતું કે તે ઈમામ અ.સ.ના કાફલાથી દૂર દૂર રહેતા હતા. પરંતુ ઈમામ અ.સ.ને તેમના ફીતરતી ગુણોની જાણ હતી અને હુઝુર આવાજ ગુણોની ક્રાંતી માટે કોશીશ કરતા હતા. એક જગ્યાએ જ્યાં ઈમામે મુકામ કર્યો હતો ત્યાં ઈમામ અ.સ.એ ઝોહયરને બોલાવ્યા. તેની પત્નિ વયલમ ક્રાન્તિકારી વલણની તરફદાર હતી અને હવે ઝોહયર તૌબા કરીને મઝલુમ હુસયન અ.સ.ના અલમબરદારો પૈકી એક અલમબરદાર હતા.
(૨૦) જનાબ હુર બીન યઝીદ બીન રિયાહી – તેમના પ્રસંગોનું વર્ણન સૌ જાણે છે. ટુંકમાં એ છે કે વિરોધ કરવામાં અનહદ હિંમતનો દેખાવ કર્યો. પરંતુ જ્યારે તવફીક નસીબ થઈ ત્યારે એવી રીતે ઉચ્ચ દરજ્જો મેળવ્યો કે હુર હતા અને જનાબે ફાતેમતુઝ-ઝહરા સલામુલ્લાહે અલયહાનો રૂમાલ હતો.
આજે પણ દુનિયામાં અધમતા અને ગુમરાહીનું ઘટાટોપ અંધારૂ છે અને કરબલાના અઝીમુશ્શાન અને અનંતકાળ સુધીના અજોડ શહિદ ઈમામે મઝલુમ અ.સ.ની મદદ માટેનો અવાજ બુલંદ છે, દુનિયાની હાલત આ છે:
યહ હુસયની નિસ્ત તા ગરદદ શહિદ
વરના બિસીયાર અનદ દર દુનિયા યઝીદ
વર્તમાન યુગનાં યઝીદીયોના અત્યાચારોમાં આજે પણ ઈમામ હુસયન અ.સ. આપને મદદ માટે બોલાવી રહ્યા છે. આજે પણ આપ હઝરત સય્યદુશ્શોહદા અ.સ.ની નુસરત અને મદદ કરી શકો છો. મઝલુમ હુસયન અ.સ.ની જંગ સુધી યઝીદથી નહિ યઝીદીય્યતથી હતી અને આજે પણ છે. જ્યાં સુધી યઝીદી જુઠ અને બનાવટ યઝીદી જબ્ર અને સખ્તી, યઝીદી ગુનાહો અને પાપલીલાઓ દુનિયામાં અસ્તિત્વ ધરાવે છે ત્યાં સુધી હલ મીન્નાસેરીન યન્સોરોનાનો અવાજ બુલંદ થતો રહેશે. શહિદે અઅઝમની સૌથી વધુ મદદ પોતે ગુનાહોને તજી દે અને ગુનાહની વિરૂધ્ધ મોરચો ઉભો કરવાનો છે. જો આપ પોતાના ચારિત્ર્યથી પોતાના કાર્યોથી, પોતાના વચનોથી હુસયનિય્યતની મદદ પોતાનો ધ્યેય બનાવી લો, તો તે મદદથી હજારો ગણો ઉચ્ચ છે. જે આપના શબ્દો કહી રહ્યા છે.
આવો હિજરી સન ૧૪૧૭ના આ મોહર્રમમાં સરકારે સય્યદુશ્શોહદા, અરવાહોના વ અરવાહુલ આલમીન લકલ ફીદાથી વાયદો કરીએ કે ઈન્સાનથી જેટલુ બની શકે છે તે હદ અને મર્યાદા સુધી સિરતની ક્રાન્તિનો દેખાવ કરીશું. પોતાના ગુનાહોની તૌબા કરીને કરબલાના તૌબા કરવાવાળાઓની સિરતને અપનાવીશું અને અઝાદારીના ઝરીઆથી આપણે હુસયન અ.સ.ની શહાદતના ધ્યેયને પૂરો કરવા માટે છેવટ સુધી સંપૂર્ણ કોશીશ કરીશું. ઈન્શાઅલ્લાહ.
Comments (0)