આલે ઝીયાદ … કોણ?
સમયની વાત હતી.
અલ્લાહ તબારક વ તઆલા પોતાની કુદરતની કરામતથી આયત અને બય્યનાની રોશની અને કયામતની સવાર સુધી તેનું અર્થઘટન અને સમજણ આપવાનો હેતુ હતો. નહિ તો નજાસતોથી ભરેલો, શયતાની વંશનું ફળ, ઝીયાદની અવલાદની કાળા મોઢાવાળી વ્યકિત ઓબૈદુલ્લાહ ઈબ્ને ઝયાદ કુફા અને બસરાનો ગવર્નર હોય અને પવિત્ર આલ માની ઉચ્ચ હસ્તી હુસયન ફરઝંદે રસુલ સ.અ.વ.ના ખાનદાનની ચારિત્ર્યવાન અને પવિત્ર સ્ત્રીઓને કૈદી બનાવીને કુફાના દરબારમાં લાવે! સમય પસાર થતો રહ્યો પરંતુ કરબલાની ઘટના જગતની કસોટીમાં એક પડકારની નિશાની આપતી રહી. જેના લીધે હક અને બાતીલ એક બીજામાં ભળી ન શકયા. હવે આ પછી ઝુલ્મ પોતાનો ચહેરો માનવતાના ઢોંગી મોહરા નીચે છુપાવી નહી શકે.
આલે ઝીયાદ એ વંશનું નામ છે જે ઝમાનાની બદનામ સ્ત્રી સુમય્યાથી આગળ વધી જે વંશની વ્યકિત અબ્દુલ્લા ઈબ્ને ઝીયાદ છે અને હુસયન તે છે કે જેના માટે રસુલે ખુદાનું કથન છે કે હુસયનો મીન્ની વ અના મીન હુસયન, હુસયન મારાથી છે અને હું હુસયનથી છું.
આજ સુધી પયગમ્બરનો વંશ ઈમામ હુસયનથી અસ્તિત્વમાં છે. ફરઝંદે રસુલ ઈમામ હુસયન અ.સ.ની પ્રસંશામાં કુરઆને મજીદ તઅરીફ કરે છે. ટૂંકમાં ઘણી આયતોમાંથી માત્ર યા અય્યોહન નફસુલ મુત્મઈન્નહ ઈરજઈ … ની આયત લઈ લો. તેની તફસીર વાંચીને મોટા મોટા બુદ્ઘિમાનોની અક્કલ આશ્ચર્ય ગરકાવ થઈ જાય છે. હઠધર્મી અને તીવ્ર સગાવાદને બાજુ પર રાખીને ફરઝંદે રસુલ, ઈમામ હુસયન અ.સ.ને નફસ; મુત્મઈન્નહ (સંપૂર્ણ શ્રદ્ઘા ધરાવનાર આત્મા)ના ગુણથી નવાજીને આપની શહાદતને ફુલોથી ગુંથીને તે હારોથી સજાવી દીધા છે, જેની ખુશ્બુ કયામતની સવાર સુધી માનવતાના ઉપવનમાં ફેલાતી રહેશે, વિદ્ઘાનો અને બુદ્ઘિમાનોને આશ્ચર્ય પમાડતી રહેશે. ઈલ્મ અને અમલને અડગતા બક્ષતી રહેશે. ઈમાન અને યકીનના સૌથી ઉચ્ચ દરજ્જાથી આપના પવિત્ર અબે બુઝુર્ગ ચહેરાનું નૂર, ભટકી ગએલ અને ગુમરાહ થએલ દરેક વ્યકિતને અલ્લાહ તઆલા સીધા માર્ગ ઉપર હિદાયત કરતો રહેશે.
પ્રિય વાંચકો! આલે ઝીયાદની હકીકતને સમજવા અને જાણવા માટે તેના નાપાક મનસુબાની પાછળ લોહી અને દુધની તાસીર, નજીસ ખોળાની ઉછેરના પરિણામ અને આબોહવામાં ઉછરેલી જાત, જ્યાં બેહયાઈ, બદકારી, મક્કારી અને ઝુલ્મો સીતમના સ્વભાવથી પોષણ થયું હોય તેનો અભ્યાસ કરી પૃથ્થકરણ કરવું જરૂરી છે. પરંતુ આ અભ્યાસ ત્યારેજ શકય બને જ્યારે તે પવિત્ર આત્માઓનું જ્ઞાન હોય જેનો વંશ અને ખાનદાનમાં એવી પવિત્રતા હોય જેના માટે અલ્લાહની મશીય્યત આયતે તત્હીરનો અરિસો દેખાડી રહી હોય, સનદ આપી રહી હોય તે માટે રસુલની પવિત્ર અવલાદની ચર્ચા કરવાથી એક પૂર્વ ભૂમિકા બંધાય છે. ખુદાવંદે મોતઆલએ દરેક વસ્તુમાં એક બીજા વચ્ચે તફાવત પૈદા કર્યો છે. જેનાથી તેને ઓળખી શકાય. બીજો સિદ્ઘાંત એ છે કે આ જુદી જુદી વસ્તુઓને એક બીજા સાથે ટકરાવાથી એક બીજાનું મુલ્ય, શકિત અને ગુણો જાણી શકાય. માનવીના સર્જનમાં આ સિદ્ઘાંતો અમલ તો કરવામાં આવ્યો છે તેમ છતાં સામુહિક તફાવત નક્કી કરવો મુશ્કેલ છે, ત્યાં સુધી કે વ્યકિત છળ-કપટ અને દગાખોરીની બુરાઈ, ચાલબાજી અને રાજકરણના દાવપેચથી પોતાનો ગુનાહિત ચહેરો છુપાવી રાખે છે. કમ-અક્કલ અને કંજુસ વ્યકિતને બેહકાવી દે છે. શયતાની શકિતઓ તેને ભરપૂર મદદ કરે છે. તે રીતે જે લોકો ગુમનામીના ગંદા વસવાટમાં પૈદા થાય છે તેઓ ઈતિહાસમાં પોતાની જગ્યા ઉભી કરી લે છે. તેઓ ઉઘાડા પડતા રહે છે અને તેઓના વિકૃત ચહેરાઓ દરેક ઈન્સાફ પસંદ અને હક પરસ્ત લોકોની સામે સંપૂર્ણ તિરસ્કારની સાથે ખુલ્લા પડી જશે અને તેઓ તેમની જેવું ચારિત્ર્ય ધરાવનાર લોકોથી દૂર ભાગશે.
જ્યારે આલે ઝીયાદની ચર્ચા થાય છે તો તે ઝમાનાની વાત પણ કરવામાં આવી છે જે મૈદાનમાં આ સૌથી વધુ ગંદા વંશના નાપાક લોકો મોઢા ઉપર હુકુમત અને બનાવટી મુખવટો રાખીને સૌથી શ્રેષ્ઠ વંશની વ્યકિતઓ સાથે ટકરાય ગયા. જે આજે પણ લઅનતની ભડકતી આગમાં સળગી રહ્યા છે. ઝીયાદ બદકાર સ્ત્રી સુમય્યાનો દિકરો હતો. અબ્દુલ્લાહ ઈબ્ને ઝીયાદ તેનાથી પૈદા થયો. જેની ચર્ચા હવે પછી આવશે. ઝીયાદ એ છે જેણે અલીના શીયાઓને વિણી વિણીને કત્લ કર્યા. કોઈની આંખોમાં લોઢાના ગરમ સળીયા ભોંકીને આંધળા બનાવી દીધા. કોઈને જેલખાનામાં કતલ કરી નાખ્યા. કોઈના હાથ પગ કપાવી નાખ્યા. મિમ્બરે રસુલ ઉપરથી અમીરૂલ મોઅમેનીન અ.સ. ઉપર બધા અત્યાચાર ગુઝારવાનું એલાન કરીને હુકમ આપ્યો. જ્યારે તે બસરાનો હાકીમ હતો ત્યારે તેના ભય અને ધાક ધમકીથી અહલેબય્તના મોહિબ્બોનું જીવવું મુશ્કેલ બની ગયું હતું. ઝીયાદના મરણ પછી ઓબયદુલ્લાહ બસરાનો હાકીમ થયો. તે પણ પોતાના બાપના પગલે ચાલ્યો. જ્યારે કુફામાં યઝીદનો હાકીમ બનીને આવ્યો ત્યારે કરબલાની ઘટના ઘટી, જેનાથી વધીને કયામત સુધી ઈતિહાસ કોઈ દર્દનાક કે ગમ અંગેઝ ઘટના રજૂ નહિ કરી શકે. હક અને બાતીલની આવી લડાઈ દુનિયાના પટ ઉપર ન થશે જેમાં ઝુલ્મ નીચતાના સૌથી ઉતરતી કક્ષામાં હોય અને મઝલુમ એટલો ઉચ્ચ મરતબો ધરાવતા હોય.
આવો આપણે જોઈએ કે આ ઓબયદુલ્લાહ બીન ઝીયાદ કયા વંશવેલાથી સંબંધ ધરાવે છે. આ ઝીયાદ કોણ છે. તેનું બીજ અને લોહી કેટલું નાપાક, મિશ્રિત અને તેહકીક કર્યા વગરનું છે. તેની માં કયાંની હતી? અરબસ્તાનમાં કેવી રીતે આવી? ઈસ્લામની હદોમાં તેનું નામ કેવી રીતે આવ્યું? તેનો ધંધો શું હતો? ઝીયાદે કયા બિસ્તર ઉપર જન્મ લીધો? અને ઝીયાદ સિવાય તેના બીજા નામ કયા હતા? એટલુંજ નહિ પરંતુ એ પણ તપાસીશું કે બની ઉમય્યાએ તેની નાપાક ફીતરતનો કેટલો ફાયદો ઉઠાવ્યો?
ઈતિહાસનો તે દૌર જે અંધકારથી ભરેલો હતો જેની વિગત જાણી શકાતી નથી. માત્ર અહિં એટલી વિગત મળે છે કે અબુલ ખયર, કસરા (અજમનો બાદશાહ)ની પાસે આવ્યો અને તેની મદદ કરવાની દરખાસ્ત કરી. તેણે થોડા અજમી સિપાહીઓને તેની સાથે મોકલી આપ્યા. પરંતુ આ સિપાહીઓ જ્યારે કાઝેમા પહોંચ્યા ત્યારે અરબોની જંગલી વર્તુણકને જોઈને ગભરાઈ ગયા અને પરેશાન થઈ ગયા. આ સિપાહીઓને અનુકુળ વાતાવરણ ન મળવાથી અબુલ ખયરને પાછા ફરવાની દરખાસ્ત કરી. વધુમાં કહ્યું કે કસરાના નામે એક કાગળ લખે. અબુલ ખયરે આ અજમીઓને જવાની રજા આપી દીધી અને કસરાના નામે એક કાગળ પણ લખી આપ્યો. તે દિવસોમાં અબુલ ખયર બિમાર રહેતો હતો. તેથી તે કાઝેમાથી તાએફની તરફ ચાલ્યો ગયો. ત્યાં જઈને તબીબ હારીસ બીન કલદહ પાસે ઈલાજ કરાવ્યો. સાજો થવા પછી અબુલ ખયર સમુય્યા સ્ત્રી અને અબીદ ગુલામને હારીસ બીન કલદહને બક્ષી આપ્યા. ઈબ્ન ખલ્કાન અને ઈબ્ન અબ્દ રબાએ આ રીતે નકલ કરી છે. પરંતુ ઈબ્ન અસીર કામીલમાં અને ઈબ્ન ખલ્દુન અબ્રમાં લખે છે કે સુમય્યા એક ગામડાની કનીઝ હતી. જે ઝીન્દા રૂદ, ઈસ્ફહાનની એક નદીનું નામના કાંઠે વસેલા એક ગામની હતી જેને અબુલ ખયરે ઈલાજના વળતર રૂપે હારીસ બીન કલદહને આપી દીધી હતી. પરંતુ શફાઉસ સોદૂરના લેખકે પહેલી વાત જે ઉપર લખી છે જે ઈબ્ન ખલ્દન અને ઈબ્ન અબ્દ રબાએ નકલ કરી છે તેને વધુ વિશ્વાસપાત્ર સમજે છે.
હારીસ ઈબ્ન કલદહની સાથે રહીને સુમય્યાએ નાફેઅને જન્મ આપ્યો. પરંતુ હારીસ બીન કલદહએ તેના બાપ હોવાનો ઈન્કાર કરી દીધો. એક વખત જ્યારે અબુ બકરહ નાફેઅને હારીસના બિસ્તરનું પરિણામ છે તેમ કહેવા માટે હારીસ પાસે ગયો ત્યારે તેણે પહેલા કરતા પણ વધુ મક્કમતાથી નાફેઅના બાપ હોવાનો ઈન્કાર કરી દીધો. ચોક્કસ રીતે ન કહી શકાય પરંતુ જ્યારે અબુ બકરહના કહેવાની પહેલાજ હારીસે નાફેઅના બાપ હોવાનો ઈન્કાર કરી દીધો ત્યારે અબુ બકરહએ સુમય્યા સાથે લગ્ન કરી લીધા. એક વખત ઔબેદ, સુમય્યા, અબુ બકરહ, શબલ બીન મોઅબદ, જે સુમય્યાનો પણ દિકરો હતો, તેઓ હ. ઉમરની પાસે ફરિયાદ લઈને ગયા કે મોગીરા બીન શોઅબાએ સુમય્યા સાથે ઝીના કર્યો છે. ઉમરે ઝીયાદની તરફ કંઈક ઈશારો કર્યો અને ઝીયાદે કાકલુદી અને કરગરીને કામ લીધું. તેથી ઉમરે તે સાક્ષીઓને સજા કરીને મોગીરાને છોડી મૂકયો. (આની સ્પષ્ટતા કિતાબે કલામીયામાં મૌજુદ છે.)
કિતાબ ઉકદુલ ફરીદ અનુસાર વેશ્યાનો ધંધો કરતી સ્ત્રી પોતાના ઘર ઉપર એક વાવટો રાખતી. જે જોઈને વ્યભિચારી પુરૂષ બદકારી માટે જતા હતા. અમુક લોકો પોતાની કનીઝોને પણ દુનિયાના માલ ખાતર આ કામ માટે રજા આપતા હતા અને તેણીની પાસેથી મહેનતાણું લઈ લેતા હતા. કુરઆને મજીદમાં આ શબ્દોમાં તેની સખત ઝાટકણી કાઢી છે.
“અને તમારી લોંડીઓ અગર પાક દામનીને ચાહનારી હોય તો તેમને તમે સંસારી લાભ મેળવવા કાજે બદકારી કરવાની ફરજ ન પાડો અને તેમને ફરજ પાડશે તો બેશક અલ્લાહ તેમને તેમ કરવાની ફરજ પાડયા પછી તેમના સંબંધમાં મોટો ક્ષમાવાન દયાળુ છે.” (સુ. નૂર આ.૩૩)
“મુરૂજઝ ઝહબ”માં છે કે સુમય્યા આ વાવટાવાળા ઘરની માલીકણોમાંથી હતી અને તે શરીર વેચવાના ધંધામાં મશહુર હતી. એક વખત અબુ સુફીયાને ખુબ વધારે દારૂ પી લીધો. પુરેપુરી મસ્તી તેની ઉપર ચડેલી હતી, તે જ સ્થિતિમાં તે અબુ મરયમ સલુલી જે પોત એક મોટો શરાબી હતો, તેની પાસે પહોંચ્યો અને કહ્યું કે અત્યારેજ કોઈ સ્ત્રીનો બંદોબસ્ત કર. અબુ મરયમ સલુલીએ કહ્યું કે અત્યારે તો બીજી કોઈ સ્ત્રી મળી શકે તેમ નથી સિવાય એક સુમય્યા. તેણે કહ્યું કે લઈ આવ. જો કે તેની બગલ અને મોઢામાંથી સખત બદબુ આવે છે. ટૂંકમાં અબુ મરયમ સલુલીએ અબુ સુફયાન પાસે સુમય્યાને મોકલી દીધી અને દરવાજો બંધ કરી દીધો. આ ઉપરથી ઈતિહાસકારે એવી તારવણી કરી કે અબુ સુફીયાન પણ તેણીની પાસે વારંવાર જતો હતો અને તેણીની બુરાઈયોને સારી રીતે જાણતો હતો.
સુમય્યાએ હિજરતના પહેલા વરસમાં જ્યારે તેણી ઓબૈદના ઉપયોગમાં હતી ત્યારે ઝીયાદને જન્મ આપ્યો. કારણકે તેના પિતા હોવાનો કોઈએ સ્વિકાર કર્યો ન હોવાથી તે ઈતિહાસમાં નીચે લખેલા નામોથી ઓળખાતો: (૧) ઝીયાદ બની ઓબૈદ, (૨) ઈબ્ને અમા, (૩) ઈબ્ને રબીયા અને ઈબ્ન સુમય્યા. જ્યારે વધારે પ્રગતિ કરી લીધી તો અબુ મુસા અશઅરીના કાતીબના (નકલ કરનાર લહીઓ) નામથી પણ જાણીતો થયો. ઝીયાદમાં લાયકાત, મોટી મોટી જવાબદારીઓને પૂરી કરવાની આવડત અને સમજણ, દુરાંદેશી અને નિર્ણય શકિત હતી. એક વખત ઉમરે તેને કોઈ કામની જવાબદારી સોંપી તેણે તે કામ ખૂબી પૂર્વક પુરૂ કર્યું. ઉમરે તેના વખાણ મસ્જીદના મીમ્બર ઉપરથી કર્યા. તેથી ઉમરે આસે કહ્યું: અફસોસ! આ માણસ કુરૈશી હોતે તો તેને રાજ્યની મોટી જવાબદારી સોંપી શકાતે. આ સાંભળી અબુ સુફયાને ઉભા થઇને કહ્યું: ખુદાની કસમ! મેં જ તેને તેની માના ગર્ભાશયમાં નાખ્યો હતો. કારણકે તેણીએ તે સમય સુધી કોઈ અવૈધ-ખરાબ કામ કર્યું નોહતું. પછી જ્યારે અમીરૂલ મોઅમેનીન અ.સ.નો ખિલાફતનો સમય આવ્યો ત્યારે આપે તેને ફારસનો હાકીમ નિમ્યો. તેણે પોતાની સમજ શકિત આવડતથી રાજ્યના હુકમોને ખૂબીપૂર્વક બજાવ્યા. આ અરસામાં મોઆવીયાએ ઝીયાદ તરફ ઘણુ ધ્યાન આપ્યું અને પોતાની બધી કોશીશો કરી જોઈ કે ઝીયાદને મૌલાએ કાએનાતથી ફેરવી લે. પરંતુ તે પોતાની જગ્યા ઉપર અડગ રહ્યો અને મોઆવીયાની બધી કોશીશો નિષ્ફળ નિવડી. તેણે મોઆવીયાના પત્રનો જવાબ આપીને પોતાના ખુત્બામાં અમીરૂલ મોઅમેનીનની શાનમાં પ્રસંગને અનુરૂપ ઉત્તેજનાપૂર્વકનું પ્રવચન કર્યું. તે અમીરૂલ મોઅમેનીન અ.સ.ના ખિલાફતના ઝમાનામાં સાબિત કદમ રહ્યો. તેણે મોઆવીયાને કયારે પણ મહત્વ ન આપ્યું. પરંતુ જ્યારે અમીરૂલ મોઅમેનીનની ખિલાફતનો દૌર પુરો થયો અને સમય બદલાઈ ગયો, ત્યારે મોઆવીયાએ ફરેબ શરૂ કર્યો અને પોતાની હુકુમત હેઠળ લાવવા માટે કોશીશો શરૂ કરી દીધી. છેવટે તેની ફીતરતની નાપાકી અને માં ના પેટની દબાએલી નજાસત ઉભરાઈ પડી અને તે મોઆવીયાની ચુંગાલમાં આવી ગયો એટલે કે પહોંચી વહીં પે ખાક જહાં કા ખમીર થા. તેના ભાઈને પોતાનો ભાઈ અને તેની બહેનને પોતાની બહેન માનવા લાગ્યો. આ ક્રાંતિ એવી રીતે આવી કે મોગીરા બીન શોઅબા જે એક નંબરનો દંભી અને ફસાદની જડ હતો, તેની મદદથી મોઆવીયાએ ઝીયાદને પોતાનો ભાઈ મુકર્રર કર્યો. જોવયરીય્યા, જે મોઆવીયાની બહેન હતી, તેણીને તેની પાસે મોકલી. તેણીએ તેને પોતાનો ભાઈ માનીને પોતાના વાળ તેની સામે ખુલ્લા કરી દીધા. મોઆવીયાએ મીમ્બર ઉપર ઝીયાદને એક પગથીયુ ઉપર બેસાડીને પોતે નીચે બેઠો અને તેણે જાહેરાત કરી કે આ મારો ભાઈ છે. જેના ઉપર અબુ મરયમ સલુલી જે તાઈફાનો શરાબી રહી ચૂકયો હતો, તેણે સાક્ષી પણ આપી અને તે બધા પ્રસંગો જે અબુ સુફયાન અને સુમય્યાની વચ્ચે બન્યા હતા, જેની વાત અગાઉ અપાઈ ચૂકી છે, તે વાત કહી દીધી. જ્યારે ઝીયાદની માં ની વાત આવી રીતે થઇ ત્યારે મોઆવીયા ખફા થઈ ગયો. પરંતુ અબુ મરયમ સલુલીએ કહ્યું: સારૂં થતે જો આપ તેની અસલીયતના બારામાં મને ન પૂછતે અને મને સાક્ષી બનાવી પ્રસંગને રજુ કરવા તૈયાર ન કરતે.
ઝીયાદ અમીરૂલ મોઅમેનીન અ.સ. સાથે રહી ચૂકયો હોવાથી બસરા અને કુફાના તમામ શીયાઓના મશહુર ખાનદાનોને ઓળખતો હતો. તેની નાપાક ફીતરત, મલઉન માંનું દુધ અને અજ્ઞાત નુત્ફાની તાસીર હતી. આવી વ્યકિતને અમીરૂલ મોઅમેનીન અ.સ.મે જે ગંદકીમાંથી બહાર કાઢયો હતો તેમાંજ જઈને ફરી પાછો પડયો. તે એવો ઝાલીમ અને ખુનામરકી કરવાવાળો થયો કે તેની બેરહમી અને અત્યાચારનો કોઈ જવાબ ન હતો. તેણે અબ્દુલ રહેમાન બીન હેસાનને અમીરૂલ મોઅમેનીનની મહોબ્બતના કારણે જીવતા દફન કરી દીધા. અહિં અવકાશ નથી નહિ તો બસરા અને કુફામાં તેણે શીયાઓ ઉપર જે ઝુલ્મો ગુઝાર્યા, જે સાંભળીને રૂવાંટા ઉભા થઇ જાય, તે પણ લખતે.
નોંધ:- ઈસ્લામની મઝલુમીય્યત તેથી વધીને બીજી શું હોય શકે કે દરેક તબક્કે તેની ઈસ્લામની સાથે મુસલમાન ઈતિહાસકારોએ અન્યાય કર્યો. તેની ઉપર ઝુલ્મો ગુજાર્યા અને એ ભુલી ગયા કે હિસાબ કિતાબ કરવાનો દિવસ હજી બાકી છે. ઈતિહાસના લખાણો ખુદ બ ખુદ તેની જાતેજ તેઓના દંભી અને જુઠાણા ઉપર લખેલા પ્રસંગો, દલીલો અને ઘડી કાઢવામાં આવેલા સિદ્ઘાંતોથી ટકરાઈને તેની નાપાક નિય્યતને જાહેર કરી દેશે. દાખલા તરીકે ઈબ્ને અસીરે અસદુલ ગાબામાં અને અબ્દુલ બર, ઈબ્ને મુન્ઝર અબુ નઈમ અને અબુ મુસાએ ઝીયાદને રસુલે ખુદા સ.અ.વ.ના સહાબીઓમાંથી ગણ્યો છે. જ્યારે તે હી.સ. ૧ માં ઓબૈદના ઘરમાં જન્મ્યો હતો. તેના વંશવેલાનો કોઈ પત્તો નથી. જ્યારે તે દસ વરસનો હતો ત્યારે રસુલે ખુદા સ.અ.વ.ની વફાત થઇ. આં હઝરત સ.અ.વ.ના મક્કાના વસવાટ દરમ્યાન તે હાજર પણ ન હતો. મદીના તેણે જોયુ પણ ન હતું અને તેની ગણના સહાબીમાં થઇ ગઈ. પછી આ જ હદીસકારોએ એક સિદ્ઘાંત ઘડયો, તે એ કે, અલી અ.સ.મે જ્યારે રસુલે ખુદાની રિસાલતની સાક્ષી આપી ત્યારે તે સમયે માત્ર નવ વરસના હતા અને ના બાલીગની સાક્ષી પર એમને સૌથી પહેલા ઈસ્લામ સ્વિકારનાર નથી કહી શકાતા તેથી અબુ બક્રને પહેલા ઈસ્લામ સ્વિકારનાર ગણાવ્યા. કયા મોઢે ઈતિહાસકારો ઝીયાદને રસુલના સહાબી કહે છે અને તેની નોંધ લઈને પોતાના માટે જહન્નમનું ઈંધણ પણ મેળવી લે છે.
આલે ઝીયાદમાં ઓબૈદુલ્લા ઈબ્ને ઝીયાદ એક કેન્દ્રીય હસ્તી છે જે ઉપરની શરૂઆતની ચર્ચામાં લખાઈ ચૂકયું છે કે યઝીદની તરફથી કુફાનો હાકીમ નિમાયો અને ફરઝંદે રસુલને કરબલાની ધરતી ઉપર ત્રણ દિવસની ભુખ અને તરસમાં શહીદ કર્યા અને પોતાના ઝુલ્મ અને અત્યાચારનો ઝંડો રોપી દીધો. પણ તે સિવાય ઝીયાદના બીજા પણ દિકારાઓ અને દિકરીઓ હતી. ઈબ્ન કુતૈબાએ મઆરીફમાં ઝીયાદના સંતાનોની યાદી આ રીતે ગોઠવી છે, અબ્દુલ રહેમાન, મોગીરા, મોહમ્મદ, અબુ સુફયાન, ઓબૈદુલ્લાહ, અબ્દુલ્લા આ બંનેની માં મરજાના હતી, મુસ્લિમ, ઉસ્માન, એબાદ, રબીઅ, અબુ ઓબયદહ, યઝીદ, અફીસા, ઉમ્મે મોઆવીયા, ઉમર, ગુસુન, ઉત્બા, જઅફર, સઈદ, ઈબ્રાહીમ – બધા મળીને ૨૧ દિકરા-દિકરીઓ હતા.
Comments (0)