ઝાએરે હઝરત ઈમામ હુસયન (અ.સ.) ઝીયારતના ઈરાદાથી વતન પાછા ફરવા સુધી
અઈમ્મએ મઅસુમીન અ.સ.ની મુલાકાતનું સન્માન પ્રાપ્ત કરવું અને તેઓની બારગાહમાં ગૌરવ પ્રાપ્ત કરવાની તમન્ના રાખવી દરેક મોઅમીનના દિલમાં હોય છે. કુરઆને કરીમની સ્પષ્ટ આયતો, વિશ્વાસપાત્ર અને સનદથી મેળવેલી હદીસોના પ્રકાશમાં આ વાત સંપૂર્ણ સ્પષ્ટ છે કે ખુદાની રાહમાં શહીદ થનાર જીવતા છે. આપણા બધા ઈમામો યા તો તલ્વારથી શહીદ કરવામાં આવ્યા અથવા ઝહેર આપીને શહીદ કરવામાં આવ્યા. આ બધા હઝરતો અ.સ. બધા શહીદોના સરદાર અને તેઓના આગેવાન છે. અઈમ્મએ મઅસુમીન અ.સ. હાલમાં જીવંત છે. એટલુંજ નહિ બલ્કે આપણને જોઇ પણ રહ્યા છે. આપણી વાતોને સાંભળી પણ રહ્યા છે અને જવાબ પણ આપી રહ્યા છે જોકે આપણે એ લાયક નથી કે તેઓના પવિત્ર અવાજ સાંભળી શકીએ.
હાલમાં અઈમ્મએ મઅસુમીન અ.સ.ની કબ્રોની ઝિયારત કરવી તે જીંદગીમાં તેઓની ખિદમતમાં હાજર થવા સમાન છે. તેઓમાંથી એકની ઝિયારત કરવી તો દરેકની ઝિયારત કરવા સમાન છે. હઝરત મુસા કાઝિમ અ.સ.ની રિવાયત છે: “જો કોઈએ અમારા પહેલાની ઝિયારત કરી તો તેણે અમારા છેલ્લાની ઝિયારત કરી અને જેણે અમારા છેલ્લાની ઝિયારત કરી તેણે અમારા પહેલાની ઝિયારત કરી.” (બેહારૂલ અન્વાર, ભા. ૧૦૦, પા. ૧૨૨)
હઝરત ઈમામ જઅફર સાદિક અ.સ.ની રિવાયત છે “જો કોઈ અમારા દુનિયામાંથી જવા પછી અમારી ઝિયારત કરે તો તેણે અમારી ઝિયારત જીંદગીમાં કરવા બરાબર છે.” (બેહારૂલ અન્વાર, ભાગ. ૧૦૦, પા. ૧૨૪)
કેટલાય લોકો છે જેઓના દિલોમાં અઈમ્મએ મઅસુમીન અ.સ.ની કબ્રોની ઝિયારતની તડપ છે. આંખો હરમની એક ઝલક જોવા માટે બેચૈન છે. જ્યારે પણ કોઈ ઈમામના રોઝાની તસ્વીર સામે આવી જાય છે ત્યારે તડપ ઘણી વધી જાય છે અને આંખોમાં આંસુઓ ડબડબે છે અને ગાલ ઉપર રેલાતા આંસુઓ સચ્ચાઈની સાક્ષી પૂરે છે. પરંતુ પરિસ્થિતિ પગની બેડી સમાન બની જાય છે. સાધન-સામગ્રીનો અભાવ રૂકાવટો ઉભી કરી દે છે અને મોઅમીન વળ ખાઈને રહી જાય છે. દિલ ચિમળાય જાય છે. આપણા કરીમ બિન કરીમ આકાઓ અને ઈમામોને પોતાના ગુલામોની આ મજબુરીઓની જાણ હતી. તેઓએ તેનો ઈલાજ આ રીતે કહ્યો છે: બાબુલ હવાએજ હઝરત ઈમામ મુસા કાઝિમ અ.સ.મે ફરમાવ્યું “જો કોઈ અમારી ઝિયારતની શકિત નથી ધરાવતો તેણે અમારા નેક કામ કરનારા ભાઈઓની કબ્રોની ઝિયારત કરવી જોઈએ.”(બેહારૂલ અન્વાર, ભાગ. ૭૪, પા.૩૧૧)
હઝરત ઈમામ જઅફર સાદિક અ.સ.મે ફરમાવ્યું: જે અમારી ઝિયારત કરવાની શકિત નથી ધરાવતો તેણે અમારા નેક કાર્ય કરનારા દોસ્તોની ઝિયારત કરવી જોઈએ. તેને અમારી ઝિયારતનો સવાબ આપવામાં આવશે. (બેહારૂલ અન્વાકર, ભાગ. ૧૦૨, પા. ૨૯૫)
આ તે લોકોના માટે છે જેઓની સ્થિતિ ખરેખર એવી છે કે તેઓ મક્કા, નજફ, કરબલા, કાઝમૈન, સામર્રા, મશહદ, કુમ, વિગેરે સ્થળોએ જઈને મઅસુમીનની કબ્રોની ઝિયારત કરવા માટે સાધન-સંપન્ન નથી. પરંતુ તે લોકો જેઓને ખુદાવંદે આલમે સાધન-સંપત્તિ આપી છે તેઓએ જીવનમાં માત્ર એક વખત ઝિયારત કરીને સંતોષ ન માનવો જોઈએ. રિવાયતોમાં છે કે કાઈની પાસે સગવડ હોય તો તેણે વર્ષમાં બે વખત ઝિયારત માટે જવું જોઈએ. (કામિલુઝ્ ઝિયારાત, પા. ૧૮૮) અને ચાર વર્ષથી વધુ ગાળો રાખવો મઅસુમીન અ.સ.ને પસંદ નથી. (કામિલુઝ્ ઝિયારાત, પા. ૨૯૭). જે લોકો દૂર દૂરના દેશોમાં રહે છે તેઓએ ત્રણ વર્ષમાં એક વખત ઝિયારત માટે જવું જોઈએ. (કામિલુઝ્ ઝિયારાત, પા. ૨૯૭)
ઝિયારતનો શું સવાબ છે. ઝિયારત કરનારને કયામતના દિવસે શું શું મળશે. જો ખુદાએ તૌફીક આપી અને વાંચકોની દોઆઓનો સાથ મળ્યો તો તેની ચર્ચા ફરી કયારેક કરીશું. અત્યારે તો માત્ર એટલી વાત કરવા માંગીએ છીએ કે જ્યારે કોઈ ઈમામ હુસયન અ.સ.ની ઝિયારતની નિય્યતથી પોતાના ઘરેથી નીકળે છે, સફર કરે છે, કરબલા પહોંચે છે અને ઝિયારત કરીને પાછો ફરે છે ત્યારે તેના પગલે પગલા ઉપર કેવા કેવા ઈનામોથી નવાજવામાં આવે છે અને કેવા કેવા દરજ્જાઓ આપવામાં આવે છે. જો વ્યકિત આ પવિત્ર મુસાફરી પોતાના ઈમામે ઝમાના અ.સ. તરફથી કરે તો આ ઈનામોમાં અસંખ્ય વધારો કરવામાં આવે છે. કારણકે ઈનામ આપતી વખતે એ પણ ધ્યાન રાખવામાં આવે છે કે કોને ઈનામ આપવામાં આવી રહ્યું છે.
હઝરત વલી અસ્ર અ.સ.ની ઈનાયતોથી આ ચર્ચાની શરૂઆત કરીએ છીએ અને કદમ કદમ ઉપર તેમના માર્ગદર્શનની દરખાસ્ત કરીએ છીએ.
ફઈન્નક કરીમુન મેનલ અવલાદીલ કેરામ.
ઝિયારતનો ઈરાદો:
જ્યારે મોઅમીન હઝરત ઈમામ હુસયન અ.સ. ની ઝિયારતનો ઈરાદો કરે છે, તૈયારી પૂરી થઇ ચૂકી છે, હવે ઝિયારત માટે મુસાફરી કરવાનો ઈરાદો છે ત્યારે ઈમામ જઅફર સાદિક અ.સ. ફરમાવે છે કે: ખુદાવંદે આલમે અમુક મલાએકાઓને ઈમામ હુસયન અ.સ.ની કબ્ર ઉપર નક્કી કર્યા છે. જ્યારે કોઈ ઈમામ હુસયન અ.સ.ની ઝિયારતનો ઈરાદો કરે છે ત્યારે ખુદા તેના ગુનાહોને માફ કરી દે છે, જ્યારે પગ ઉપાડે છે ત્યારે ખુદા તેના ગુનાહોનો નાશ કરે છે. તેની નેકીઓમાં વધારો કરે છે અને ત્યાં સુધી વધારો કરતો રહે છે જ્યાં સુધી તે જન્નતને લાયક બની જાય છે. (વસાએલુલ મોહિબ્બન, પા. ૨૮૦)
ઝિયારતની મુસાફરીના સમયે ઝિયારતનું ગુસ્લ:
”જ્યારે કોઈ ઝિયારતનો ઈરાદો કરે છે અને તેની નિય્યતથી ગુસ્લ કરે છે ત્યારે હઝરત રસુલે ખુદા સ.અ.વ. તેને કહે છે: એ અલ્લાહના મેહમાનો! તમને એ વાતની ખુશ ખબર થાય કે તમે જન્નતમાં મારી સાથે હશો.”
હઝરત અમીરૂલ મોઅમેનીન અ.સ. તેને કહે છે: હું જામીન થાઉં છું કે તમારી હાજતો પૂરી થશે દુનિયા અને આખેરતની બલાઓ તમારાથી દૂર થશે.
તે પછી હઝરત રસુલે ખુદા સ.અ.વ. અને હઝરત અમીરૂલ મોઅમેનીન અ.સ. જમણી અને ડાબી બાજુએ તેનું રક્ષણ કરે છે ત્યાં સુધી કે તે પોતાના ઘરે પાછો આવી જાય. (કામિલુઝ્ ઝિયારાત, પા. ૧૩૩, બેહારૂલ અન્વાર, ભાગ. ૧૦૧, પા. ૧૪૭, હ. ૩૬)
૧) હઝરત રસુલે ખુદા સ.અ.વ.એ હઝરત ઈમામ હુસયન અ.સ.ના ઝવ્વારોને ખુદાના મહેમાન કહ્યા છે અને કેમ ન હોય. ઝિયારતે વારેસામાં બરાબર આ પડીએ છીએ: અસ્સલામો અલય્ક યા સારલ્લાહ અને ખુદા મેઝબાન હોય તો તે પોતાના મહેમાનોને શું નહીં આપે.
૨) ઝવ્વારને ન તો માત્ર જન્નતની ખુશખબર આપવામાં આવી રહી છે બલ્કે હઝરત રસુલે ખુદા સ.અ.વ.ની સાથે રહેવાની પણ ખુશખબરી આપવામાં આવી રહી છે અને દેખીતુ છે કે જન્નતમાં હઝરત રસુલે ખુદા સ.અ.વ.નો દરજ્જો સૌથી ઉંચો હશે.
૩) હઝરત અલી અ.સ. તે વાતની જામીનગીરી લઈ રહ્યા છે કે તેની હાજતો પૂરી થશે અને કેમ ન જામીનગીરી લે તે માટે તો મુશ્કીલ કુશા છે જ.
૪) હઝરત રસુલે ખુદા સ.અ.વ. અને હઝરત અલી અ.સ. તેને પોતાના રક્ષણમાં લઈ લેશે.
મુસાફરીનો સામાન તૈયાર કરતી વખતે:
હઝરત ઈમામ જઅફર સાદિક અ.સ.મે જ્યારે જાબીરે જોઅફીને પૂછયું: તમારી અને હઝરત ઈમામ હુસયન અ.સ.ની કબ્ર વચ્ચે કેટલું અંતર છે?
અરજ કરી: મારા માં-બાપ આપ ઉપર કુરબાન – એક દિવસ અથવા તેનાથી થોડું ઓછું અંતર છે.
ફરમાવ્યું: શું તમે તેમની ઝિયારત માટે જાવ છો?
અરજ કરી: હા.
ફરમાવ્યું: શું હું તમને ખુશખબર ન આપું અને તેના સવાબની વાત કરીને તમને ખુશ ન કરૂં?
અરજ કરી: હું આપ ઉપર કુરબાન થઇ જાવ. જરૂર કહો.
ફરમાવ્યું: જ્યારે તમારામાંથી કોઈ મુસાફરીના સામાનની તૈયારી કરે છે અને ઈમામ હુસયન અ.સ.ની ઝિયારત માટે તૈયારી કરે છે ત્યારે આસમાનના ફરિશ્તા તેની સાથે રહે છે.
ઘરથી નીકળતી વખતે:
જ્યારે તે ઘરની બહાર નીકળે છે, પછી તે પગે ચાલીને હોય કે વાહન ઉપર, ખુદાવંદે આલમ ચાર હજાર ફરિશ્તા તેની સાથે મોકલે છે. તેઓ તેના ઉપર દુરૂદ અને સલામ મોકલ્યા કરે છે. ત્યાં સુધી કે ઈમામ હુસયન અ.સ.ની કબ્ર સુધી પહોંચી જાય. (બેહારૂલ અન્વાર, ભાગ. ૧૦૧, પા. ૧૬૩, હ. ૮, કામિલુઝ્ ઝિયારાત, પા. ૨૦૬)
છ દિશાએથી ફરિશ્તાઓ રક્ષણ કરે છે:
સફવાન જમ્માલની રિવાયત મુજબ હઝરત ઈમામ જઅફર સાદિક અ.સ.મે ફરમાવ્યું: જ્યારે કોઈ હઝરત ઈમામ હુસયન અ.સ.ની ઝિયારતની નિય્યતથી પોતાના ઘરેથી નીકળે છે ત્યારે સાતસો ફરિશ્તા તેની સાથે સાથે રહે છે, ઉપરથી, નીચેથી, જમણેથી, ડાબેથી, સામેથી અને પાછળથી તેની સાથે રહે છે ત્યાં સુધી કે તે પોતાની મંઝીલ સુધી પહોંચી જાય. (કામિલુઝ્ ઝિયારાત, પા. ૧૯૦, બેહારૂલ અન્વાર, ભા. ૧૦૧, પા.૫૮, હ. ૬૨)
એક હજાર ફરિશ્તા સાથે રહે છે:
એક બીજી રિવાયતમાં આ રીતે છે: જ્યારે કોઈ હઝરત ઈમામ હુસયન અ.સ.ના હક્કને ઓળખીને ઝિયારતની નિય્યતથી તકબ્બુર ઘમંડ વગર ઘરેથી નિકળે છે ત્યારે એક હઝાર ફરિશ્તા જમણી બાજુએ અને એક હજાર ફરિશ્તા ડાબી બાજુએ તેની સાથે સાથે રહે છે અને તેને કોઈ નબી કે વસીની સાથે એક હજાર હજ અને એક હજાર ઉમરા કરવાનો સવાબ આપવામાં આવે છે. (બેહારૂલ અન્વાર, ભા. ૧૦૧, પા. ૯૧, હ. ૩૩)
આ રિવાયત રફાઆએ ઈમામ જઅફર સાદિક અ.સ.થી નકલ કરી છે.
જુદી જુદી રિવાયતોમાં ફરિશ્તાઓની જુદી જુદી સંખ્યા લખવામાં આવી છે તેનું કારણ કદાચ આ હોય:
૧) આ તફાવત ઝવ્વારની નિય્યત અને નિખાલસતા સંબંધે હોય. નિય્યત જેટલી વધુ નિખાલસ તેટલોજ ફરિશ્તાઓની સંખ્યામાં વધારો થશે.
૨) આ સંખ્યા ઝિયારતના ખાસ સમય અંગે હોય જેમકે કોઈ અરફા (૯ ઝીલ્હજ) ના દિવસે ઝિયારત માટે જાય ત્યારે એક ખાસ સંખ્યા સાથે હશે અને અરબઈનની ઝિયારતમાં જાય ત્યારે ફરિશ્તાઓની એક વધુ સંખ્યા સાથે હશે. કારણકે રફાઆની રિવાયત અરફાના દિવસની ઝિયારતના અનુસંધાનમાં લખવામાં આવી છે.
૩) આ સંખ્યાનો તફાવત ઈમામ હુસયન અ.સ.ની મઅરેફત અંગે છે. ઝવ્વારના દિલમાં ઈમામ હુસયન અ.સ.ની જેટલી મઅરેફત અને મોહબ્બત હશે તેટલો વધારો ફરિશ્તાઓની સંખ્યામાં થશે. રફાઆની રિવાયતમાં “આરેફન બેહક્કેહ” ની વાત પણ લખી છે.
૪) ઝવ્વારના ચારિત્ર્યના અંગે હોય. કારણકે આ રિવાયતમાં મઅરેફતની સાથે આ વાતની પણ ચર્ચા કરવામાં આવી છે કે તે અભિમાની ન હોય. ઝિયારતની તવફીક ઘમંડ, ગર્વ અને અભિમાનના કારણે ન હોય બલ્કે આ તૌફીક નમ્રતા અને વિનયમાં પરિણમવી જોઈએ.
આથી સ્પષ્ટ થઈ જાય છે કે ઈમામ હુસયન અ.સ.ની ઝિયારત માત્ર ગુનાહોથી પાકીઝગીનું કારણ બને છે એટલુંજ નહિ બલ્કે ખરાબ સંસ્કારો અને ખરાબ આદતોમાં પણ સુધારણા કરી દે છે.
જ્યારે સૂરજની ગરમી અસર કરે છે:
સફવાન જમ્માલે હઝરત ઈમામ જઅફર સાદિક અ.સ.થી આ રિવાયત કરી છે: જ્યારે ઈમામ હુસયન અ.સ.ના ઝવ્વારના ઉપર સૂર્યના કિરણો પડે છે તો તે તેના ગુનાહોને એવી રીતે ખતમ કરી દે છે જેવી રીતે આગ લાકડાને ખાઈ જાય છે. સૂરજ તેના શરીર ઉપર કોઈ ગુનાહ બાકી નથી રાખતો. જ્યારે તે પાછો આવે છે ત્યારે કોઈ ગુનાહ બાકી નથી રહી જતા. અને તેને તે દરજ્જાઓ આપવામાં આવે છે જે રાહે ખુદાની રાહમાં ખૂન વહેવરાવનારને પણ નથી મળતો. (કામિલુઝ્ ઝિયારાત, પા. ૨૯૮, બેહારૂલ અન્વાર, ભાગ.૧૦૧, પા. ૧૫, હ.૧૪.)
જ્યારે પસીનો નીકળે છે અને થાક લાગે છે:
ખુદાવંદે આલમ હઝરત ઈમામ હુસયન અ.સ.ના ઝવ્વારોના પસીનાના દરેક ટીપાથી ૭૦ હજાર મલાએકાને પૈદા કરે છે જે ખુદાની તસ્બીહ કરે છે અને કયામતની સવાર સુધી ઈમામ હુસયન અ.સ.ના ઝવ્વારો માટે ઇસ્તેગ્ફાર કરે છે. (મુસ્તદરક, ભા.૨, પા. ૨૦૪)
જ્યારે ઘરેથી પગ બહાર કાઢે છે:
જ્યારે ઝવ્વાર ઘરેથી પગ બહાર કાઢે છે ત્યારે જે જે વસ્તુ ઉપર તેનો પગ પડે છે તે વસ્તુ તેના માટે દોઆ કરે છે. (બે.અ., ભાગ.૧૦૧, પા. ૧૫, હ. ૧૪, કા.ઝી. પા. ૧૩૪). જ્યારે સવારી પર બેસી ઝિયારત માટે જાય છે ત્યારે સવારીના દરેક કદમ પર એક નેકી અતા કરવામાં આવે છે અને એક ગુનાહ માફ કરવામાં આવે છે. (સવાબુલ અઅમાલ, પા. ૧૧૬). બીજી એક રીવાયતમાં હ. ઈમામ સાદિક અ.સ. ફરમાવે છે, અમારો કોઈપણ શીયા ઈમામ હુસૈન અ.સ.ની ઝિયારત માટે જાય છે તે પાછો નથી ફરતો ત્યાં સુધી કે તેના બધા ગુનાહ માફ ન થઈ જાય. એક એક પગલા પર ૧૦૦૦ નેકીઓ લખાય છે અને ૧૦૦૦ ગુનાહ માફ થાય છે. હજાર હાજત પૂરી થાય છે. (બેહારૂલ અન્વાર, હ.૧૦૧, પા. ૨૫, હ. ૨૬, કામિલુઝ્ ઝિયારાત પા. ૧૩૪).
નેહરે ફુરાતમાં ગુસ્લ કરતી વખતે:
હઝરત ઈમામ જઅફર સાદિક અ.સ.ને એક માણસે પુછયું: જો કોઈ નેહરે ફુરાતમાં ગુસ્લ કરીને પછી ઝિયારત માટે જાય તો તેને શું સવાબ મળશે?
ઈમામે ફરમાવ્યું, જો કોઈ નેહરે ફુરાતમાં ગુસ્લ કરીને ઝિયારત માટે જાય તો તેના ગુનાહ એવી રીતે ધોવાઈ જાય છે જેવી રીતે તે હમણા તેની માના પેટમાંથી જન્મ્યો હોય. (કામિલુઝ ઝિયારત, પા.૧૮૫, બે.અ. ભાગ ૧૦૧, પા. ૧૪૫).
ગુસ્લ કરીને ઝિયારત માટે પગે ચાલીને જવાના સમયે:
હઝરત ઈમામ જઅફર સાદિક અ.સ.મે બશીર દહ્હાનને ફરમાવ્યું: જો તમારામાંથી કોઈ નહરે ફુરાતમાં ગુસ્લ કરીને ઈમામ હુસયન અ.સ.ની મઅરેફતની સાથે તેમની ઝિયારત માટે જાય તો તેના એક એક પગલા પાડવા અને એક એક પગ ઉંચો કરવા માટે સો કબુલ થએલી હજ અને સો પાક ઉપરા અને નબીની સાથે સો લડાઈમાં ભાગ લેવાનો સવાબ આપવામાં આવશે. (કામિલુઝ ઝિયારત પા. ૧૮૫)
મલાએકા સ્વાગત કરે છે:
આબાન બિન તબ્લગે ઈમામ જઅફર સાદિક અ.સ.થી રિવાયત કરી છે, ઈમામ અ.સ.મે ફરમાવ્યું: ઈમામ હુસયન અ.સ.ની પવિત્ર કબ્ર ઉપર ચાર હજાર ફરિશ્તાઓ છે, જેમના માથાઓ ઉપર ધૂળ છે તે કયામતની સવાર સુધી રડતા રહેશે. તેઓનો એક સરદાર છે જેનું નામ મન્સુર છે. જ્યારે કોઈ ઝવ્વાર ઈમામ હુસયન અ.સ.ની ઝિયારત માટે આવે છે ત્યારે આ ફરિશ્તા તેનું સ્વાગત કરે છે. (કાફી, ભાગ.૪, પા. ૫૮૧)
ફરિશ્તાઓ માત્ર નેકીઓ લખે છે:
હઝરત ઈમામ જઅફર સાદિક અ.સ.મે અલી બિન મયમુન અસ-સાએગને ફરમાવ્યું: ઈમામ હુસયન અ.સ.ની ઝિયારત કરો અને તે તર્ક ન કરો.
રાવીએ પૂછયું કે જો કોઈ ઝિયારત માટે જાય તો તેને શું સવાબ મળશે?
આપ અ.સ. એ ફરમાવ્યું: જો કોઈ પગે ચાલીને જશે તો દરેક પગલે તેના માટે એક નેકી લખવામાં આવશે અને એક દરજ્જો અતા કરવામાં આવશે. જ્યારે તે ત્યાં પહોંચશે ત્યારે ખુદા તેના માટે બે ફરિશ્તાને નિમશે જે તેની નેકીઓને લખતા રહેશે પરંતુ તેની બુરાઈઓ લખશે નહી. બીજી કોઈ બાબત પણ નહી લખે. જ્યારે તે પાછો ફરે છે ત્યારે તેને વિદાય કરે છે અને કહે છે: એ અલ્લાહના વલી! તમારા ગુનાહ માફ કરવામાં આવ્યા છે, તમે અલ્લાહના ગિરોહમાં – પક્ષમાં છો અને તેના રસુલના પક્ષમાં છો અને રસુલ સ.અ.વ. ની એહલેબય્તના પક્ષમાં છો. ખુદાની કસમ તમારે આગનો સામનો નહિ કરવો પડે અને ન તો તમને આગનો સ્વાદ ચાખવો પડશે. (કામિલુઝ્ ઝિયારાત, પા. ૧૩૪).
ઝિયારતની પછી જ્યારે પાછા ફરવાનો ઈરાદો થાય છે:
૧) ખુદાની તરફથી સલામ આવે છે: હઝરત ઈમામ જઅફર સાદિક અ.સ.ની એક રિવાયતમાં છે: ઝવ્વાર જ્યારે ઝિયારત કર્યા પછી વતન પાછા ફરવાનો ઈરાદો કરે છે ત્યારે એક ફરિશ્તો તેની પાસે હોય છે અને તેને કહે છે હું તમારા ખુદાની તરફથી સંદેશો લઈને આવ્યો છું, ખુદા તમને સલામ કહે છે અને ફરમાવે છે કે મેં તમારા તમામ અગાઉના ગુનાહોને માફ કરી દીધા છે નવેસરથી અમલ શરૂ કરો. (અત્-તહઝીબ, ભાગ.૬, પા. ૪૩, વસાએલ, ભાગ. ૧૦, પા. ૩૪૨)
૨) નબી કરીમ સ.અ.વ. તરફથી સલામ આવે છે:
હઝરત રસુલે ખુદા સ.અ.વ. તરફથી એક ફરિશ્તો આવે છે અને આ સંદેશો પહોંચાડે છે: હઝરત રસુલે ખુદા સ.અ.વ. એ તમને સલામ કહ્યા છે અને ફરમાવે છે કે ખુદાવંદે આલમે તમારા તમામ અગાઉના ગુનાહો માફ કરી દીધા છે અને હવે ફરીથી અમલ શરૂ કરો. (કામિલુઝ્ ઝિયારાત, પા. ૧૩૨)
૩) જીબ્રઈલ, મીકાઈલ અને ઈસરાફીલ સાથે સાથે હોય છે:
સફવાન બિન હરાન જમ્માલની રિવાયત છે: હઝરત ઈમામ જઅફર સાદિક અ.સ.મે ફરમાવ્યું, જે ઈમામ હુસયન અ.સ.ની કબ્રની ઝિયારત કરવા જાય છે અને તેની નિય્યત નિખાલસ હોય છે ત્યારે જીબ્રઈલ, મીકાઈલ અને ઇસરાફીલ તેની સાથે સાથે રહે છે ત્યાં સુધી કે તે ઘરે પાછો આવી જાય છે. (કામિલુઝ્ ઝિયારાત, પા. ૧૪૫, બે.અ. ભાગ. ૧૧, પા. ૨૦)
૪) સાતસો મલાએકાઓ તેને વિદાય કરે છે:
હઝરત ઈમામ જઅફર સાદિક અ.સ. ફરમાવે છે: જ્યારે માણસ ઈમામ હુસયન અ.સ.ની ઝિયારતની નિય્યતથી પોતાના ઘરેથી નીકળે છે ત્યારે ઉપર, જમણે, ડાબે, આગળ પાછળથી સાતસો મલાએકા તેની સાથે સાથે રહે છે ત્યાં સુધી કે તે પોતાના સ્થાને પહોંચી જાય છે અને જ્યારે ઈમામ હુસયન અ.સ. ની ઝિયારત કરે છે ત્યારે એક મુનાદી પોકારે છે, ખુદાએ તમને માફ કરી દીધા છે હવે નવેસરથી અમલની શરૂઆત કરો. પાછા ફરતી વખતે તેની સાથે તેના ઘર સુધી આવે છે અને ઘરે પહોંચીને તેને કહે છે અમે તમને ખુદાને સોંપીએ છીએ અને જ્યાં સુધી જીવતા રહે છે ત્યાં સુધી તેની ઝિયારત કરતા રહે છે અને દરરોજ ઈમામ હુસયન અ.સ.ની ઝિયારત કરે છે અને તેનો સવાબ તે માણસના આઅમાલ નામામાં લખવામાં આવે છે. (કામિલુઝ્ ઝિયારાત, પા. ૧૯૦)
(૫-૬-૭) બિમારીમાં ખબર પૂછવા આવે છે – જનાઝાની સાથે રહે છે – ઈસ્તીગ્ફાર કરે છે:
જો કોઈ ઝવ્વાર બિમાર થઈ જાય તો દરરોજ સવાર સાંજ તેની ખબર પૂછે છે અને જો તે મૃત્યુ પામે તો તેના જનાઝામાં હાજર રહે છે અને કયામતની સવાર સુધી તેના માટે ગુનાહોની માફી માગે છે અને આ સૌ હઝરત ઈમામ મહદી અ.સ.ના જાહેર થવાની રાહ જુએ છે. (ઈમામ જઅફર સાદિક અ.સ.ની રિવાયત) (કામિલુઝ્ ઝિયારાત, પા. ૧૯૨)
૮) દરવાજા ઉપર ઉભા રહીને તસ્બીહ કરે છે:
જ્યારે મલાએકા ઝવ્વારને તેના ઘર સુધી પાછા પહોંચાડી દે છે ત્યારે ખુદાની બારગાહમાં અરજ કરે છે કે પરવરદિગાર તારો આ બંદો તારા નબીના ફરઝંદની ઝિયારત કરીને પોતાના ઘરે સલામતિથી પહોંચી ગયો. હવે અમે કયાં જઈએ? આસમાનમાંથી તેઓના માટે એક અવાજ આવે છે: એ મારા મલાએકાઓ, મારા બંદાના દરવાજા ઉપર ઉભા રહો અને તસ્બીહ કરતા રહો અને જ્યાં સુધી મારો બંદો જીવે ત્યાં સુધી તેનો સવાબ ઝવ્વારના આઅમાલનામામાં લખતા રહો. (કામિલુઝ્ ઝિયારાત, પા. ૨૦૮, બેહારૂલ અન્વાર, ભાગ. ૧૦૧, પા. ૧૬૪)
ખુદા ખુદ રૂહ કબ્ઝ કરે છેઃ
જાબીરે જોઅફીએ હઝરત ઈમામ સાદિક અ.સ.થી રિવાયત કરી છેઃ જ્યારે ઝવ્વાર હુસયન અ.સ.ની ઝિયારત કરીને પાછો ફરે છે ત્યારે આસમાનમાંથી એક મુનાદી પોકારે છે, જો તમે તેનો અવાજ સાંભળી લેતે તો હંમેશા ઈમામ હુસયન અ.સ.ની કબ્ર પાસે રહેતે, તે અવાજ આ હોય છેઃ તને મુબારક થાય, તે ઘણો ફાયદો મેળવ્યો, દરેક રીતે સહી સલામત બની ગયો. ખુદાએ તારા અગાઉના ગુનાહો માફ કરી દીધા છે હવે ફરીથી અમલ શરૂ કર.
જો આ વર્ષમાં કે આ રાત્રે તે મૃત્યુ પામે તો ખુદ ખુદાવંદે આલમ તેની રૂહ કબ્ઝ કરે છે. (કામિલુઝ્ ઝિયારાત, પા. ૨૦૭, બેહારૂલ અન્વાર, ભાગ. ૧૦૧, પા. ૧૬૪)
આ એક મોટો મોઅજીઝો છે કે ખુદા ખુદ બંદાની રૂહને કબ્ઝ કરે અને ખુદ પોતાની બારગાહમાં લઈ જાય. આ મોઅજીઝો બંદાના વ્યકિતગત ગુણના કારણે નહિ પરંતુ હઝરત ઈમામ હુસયન અ.સ.ની ઝિયારતનો સદકો છે.
ગુસ્લ, કફન અને દફનમાં મલાએકા હાજર રહે છે:
ઈમામ મોહમ્મદ બાકિર અ.સ.ની રિવાયતમાં છે: જો ઝિયારતના વર્ષમાં ઝવ્વાર મૃત્યુ પામે તો રહેમતના ફરિશ્તાઓ તેના ગુસ્લ અને કફનમાં હાજર રહે છે. તેના માટે ઈસ્તિગ્ફાર કરે છે. કબ્ર સુધી તેના જનાઝામાં સાથે રહે છે અને તેની કબ્ર નજર પહોંચે ત્યાં સુધી પહોળી અને વિશાળ થઈ જાય છે. (કામિલુઝ્ ઝિયારાત, પા. ૧૪૩, બેહારૂલ અન્વાર, ભાગ. ૧૦૧, પા. ૧૮)
આપે જોયું કે જો કોઈ માણસ નિખાલસ નિય્યતથી ઈમામ હુસયન અ.સ.ની ઝિયારતનો ઈરાદો કરે છે, મુસાફરીની શરૂઆત કરે છે, એક પછી એક સ્થળો પસાર કરીને કરબલા પહોંચે છે, ઝિયારત કરે છે, પાછો આવે છે તો દરેક તબક્કે અને દરેક કદમ ઉપર તેને કેવા કેવા ઈનામો અને કેવા કેવા મોઅજીઝાઓથી નવાજવામાં આવે છે.
આ તો માત્ર કબ્રની મંઝીલ સુધીની વાત છે. બરઝખમાં, મહેશરના મૈદાનમાં, પુલે સેરાત ઉપર, જન્નતમાં … ઝવ્વારને કઈ કઈ વસ્તુઓથી નવાજવામાં આવશે અને કેટલો બદલો અને સવાબ આપવામાં આવશે. જો ખુદા તવફીક આપી અને ઈમામે ઝમાનાની મહેરબાનીઓની સાથે, આપની દોઆઓનો તેમાં ઉમેરો થશે તો હવે પછી તેની ચર્ચા કરશું.
ખુદાની બારગાહમાં દોઆ છે કે ખુદા આપણને સૌને ભરપુર નિખાલસ નિય્યત અને ઉચ્ચ કક્ષાની મઅરેફત સાથે હઝરત ઈમામ હુસયન અ.સ.ની પવિત્ર કબ્રની ઝિયારતની તક આપે અને વારંવાર આપે અને કરબલાના શહિદોની જેમ આપણને સૌને પણ આપણા ઝમાનાના ઈમામ હઝરત ઈમામ મહદી અ.સ.ની વફાદારી અને ખિદમત કરવાની તેમને ખુશ કરવાની અને તેમની હાજરીમાં તેમના તરફથી જેહાદ કરવાની અને શહિદ થવાની ખુશ નસીબી અર્પણ કરે. આમીન.
—————————————————————————————————————————–-
અન અબી અબ્દિલ્લાહ અલયહિસ્સલામ કાલ: કાલ રસુલુલ્લાહ સલ્લલ્લાહો અલય્હે વ આલેહી: મન અબગઝલ હસન વલ હુસયન જાઅ. યવ્મલ કેયામતે વ લય્સ અલા વજહેહી લહમુન વલમ તનલ્હો શફાઅતી.
ઈમામ જઅફર સાદિક અ.સ.થી મન્કુલ છે કે રસુલે અકરમ સ.અ.વ.એ ફરમાવ્યું: જે માણસ હસન અ.સ. અને હુસયન અ.સ. સાથે બુગ્ઝ કીનો રાખશે તો તે કાયમતના દિવસે એવી હાલતમાં આવશે કે ન તેના મોઢા ઉપર માંસ હશે અને ન તો તેને મારી શફાઅત મળશે.
Comments (0)