“વસીય્યત”
મોહમ્મદ ઈબ્ને હનફીયા રઝી.ના નામે ઈમામ મઝલુમ અ.સ.ની વસીય્યત
વસીય્યત એક શ્રેષ્ઠ અમલ છે. જેના થકી હક્કોનું રક્ષણ થાય છે અને મૃત્યુ પછી સદ્કાર્યોનો સિલસિલો ચાલુ રહે છે. મરનાર પોતાના માલના બારામાં અરમાન અધુરા રાખીને નથી જતો. ઈસ્લામે તેની ઘણી તાકીદ કરી છે અને ખાસ સંજોગોમાં તે વાજીબ પણ કરી છે.
આ કારણે કુરઆને મજીદમાં તેની તાકીદ કરવામાં આવી છે. ખાસ કરીને સુરા બકરહની આયત ૧૮૦-૧૮૧ માં આ હુકમના બારામાં ચોખ્ખા શબ્દોમાં તાકીદ કરવામાં આવી છે. જેમકે બારી તઆલા ઈરશાદ ફરમાવે છે: તમારી ઉપર એ પણ લખી દેવામાં આવ્યું છે કે જ્યારે તમારામાંથી કોઈનું મૃત્યુ સામે આવી જાય તો જો કોઈ માલ પાછળ મુકયો હોય તો પોતાના માં-બાપ અને સગાવહાલાઓ માટે વસીય્યત કરી દો. આ પરહેઝગાર લોકો ઉપર એક પ્રકારનો હક છે. તેની પછી વસીય્યતને સાંભળીને જે માણસ તે ફેરવી નાખે તેના ગુનાહ ફેરવી નાખનારા ઉપર છે, તમારા ઉપર નથી. ખુદા વધુ જાણવાવાળો અને સૌની હાલતથી ખબરદાર છે.
આ સુન્નત ઉપર તમામ અંબીયાએ કેરામ અને અઈમ્મએ તાહેરીન અ.સ. કાયદેસર અમલ કર્યો છે. આ પવિત્ર હસ્તીઓ પોતાના સંતાનો, સગા સંબંધીઓ અને ચાહક-વર્ગને સતત વસીય્યત કરીને તેઓને પોતાની પછી આવનારી પરિસ્થિતી અને જીવનના સિદ્ઘાંતોને જણાવતા રહેતા હતા. આ વસીય્યતનામામાં હઝરત ઈમામ હુસયન અ.સ.ની વસીય્યતો પણ જોવા મળે છે. જે આપે આશુરાના દિવસે કરબલાના તપતા રણમાં લડાઈ દરમ્યાન જુદી જુદી વ્યકિતઓને કરી હતી. આ સિલસિલાનું સૌથી પહેલું વસીય્યતનામું આપે મદીનામાં મક્કાની તરફ રવાના થતા પહેલા પોતાના ભાઈ જનાબે મોહમ્મદે હનફીયાના નામે લખ્યું હતું. જેમાં પોતાના અભિયાનનો હેતુ અને બીજા મહત્વના મુદ્દાઓ લખ્યા હતા. જેનો તરજુમો આપની ખિદમતમાં રજુ કરીએ છીએ.
બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ
આ વસીય્યતનામુ હુસયન ઈબ્ને અલી અ.સ.એ પોતાના ભાઈ મોહમ્મદ હનફીયા માટે લખ્યું છે. હું સાક્ષી આપું છું કે અલ્લાહ એક છે તેનો કોઈ સાથી નથી અને મોહમ્મદ સ.અ.વ. તેના મોકલેલા પયગમ્બર છે. જે આં હઝરત સ.અ.વ.એ ફરમાવ્યું તે બધુ સાચું છે. બેહિશ્ત અને દોઝખ બરહક છે. કયામત આવવાની છે. તે થવામાં જરા પણ શંકા નથી. અલ્લાહ તઆલા તમામ માણસોને કબ્રમાંથી જીવતા કરીને ઉઠાડશે. હું હુસયન અ.સ. છું. કોઈ ઝુલ્મ, ફસાદ, તમન્ના કે બે તરફના હકના ભયથી મદીનાથી બહાર નથી જઈ રહ્યો, બલ્કે માત્ર મોહમ્મદ સ.અ.વ.ની ઉમ્મતના ફાયદા માટે જાઉં છું અને ચાહું છું કે નેકીની હિદાયત અને બદીની મના કરવાની શરતોની લોકોને જાણ કરૂં. મેં જનાબ મોહમ્મદ મુસ્તફા સ.અ.વ.ની વાત સાંભળી છે કે હુસયન અ.સ.ની ઉમરનો ખાતેમો કત્લથી થશે.
જ્યારે આપ અહિં સુધી વસીય્યત કરી ચૂકયા ત્યારે અબ્દુલ્લાહ ઈબ્ને અબ્બાસે કહ્યું: મારો મત છે કે આપ યઝીદની બયઅત અખત્યાર કરી લો અને જે રીતે મોઆવીયાના ઝમાનામાં સબ્ર કરી, યઝીદના સમયમાં પણ સબ્ર કરતા રહો ત્યાં સુધી કે ખુદાના હુકમથી કોઈ એવો મોકો પૈદા થઈ જાય જેનાથી આપને ફાયદો થાય.
હઝરત ઈમામ હુસયન અ.સ. એ ફરમાવ્યું: આ તમે શું કહો છો? હું એ માણસ નથી કે યઝીદની બયઅત અખત્યાર કરી લઉં. અને તેના કહેવા ઉપર ચાલું. હઝરત રસુલે ખુદા સ.અ.વ.એ તેને અને તેના બાપના માટે જે ફરમાવ્યું તે જાહેર છે. અબ્દુલ્લાહ ઈબ્ને અબ્બાસે કહ્યું: યા અબા અબ્દીલ્લાહ! આપે જે કાંઈ ફરમાવ્યું તે સાચું છે. મેં પણ આં હઝરત સ.અ.વ. પાસેથી સાંભળ્યું છે કે આપ ફરમાવતા હતા કે, એ યઝીદ: મારો તારી સાથે શું મામલો આવી પડયો છે? ખુદા યઝીદને બરકત ન દે કારણકે તે મારા પુત્ર અને દિકરીના ફરઝંદ હુસયન ઈબ્ને અલી અ.સ.ને કત્લ કરશે. ખુદાની કસમ જેની કુદરતના કબ્જામાં અને અખત્યારમાં મોહમ્મદ સ.અ.વ.ની જાન છે મારા ફરઝંદને બીજી કોઈ કોમ કત્લ નહિં કરે કારણકે અલ્લાહ તઆલા તેઓના દિલોમાં વિરોધ નાખી દેશે.
પછી અબ્દુલ્લાહ ઈબ્ને અબ્બાસે કહ્યું: એ ખુદા! સાચું છે. એ હુસયન! હું દુનિયામાં કોઈ માણસને જનાબ રસુલે ખુદા સ.અ.વ.ના ફરઝંદ આપની સિવાય કોઈને નથી જોતો અને આ ઉમ્મત ઉપર હુઝુર સ.અ.વ.ની મદદ અને નુસરત એવી ફરજ છે કે તેની સિવાય અલ્લાહ તઆલા પોતાના મોઅમીન બંદાઓની ઝકાત અને નમાઝને કબુલ નહી કરે.
હઝરત ઈમામ હુસયન અ.સ.એ ફરમાવ્યું એ ઈબ્ને અબ્બાસ! તું આ જમાત ગરોહને શું સમજે છે જે જનાબે રસુલે ખુદા સ.અ.વ.ના ફરઝંદને તેના ઘર, વતન અને જન્મ સ્થળથી કાઢી નાખે અને હરમમાં રહેવા અને રસુલ સ.અ.વ.ની કબ્રની ઝીયારતથી દૂર કરી દે અને એ રીતે ડરાવે કે તે કોઈ ગામ કે શહેરમાં ન રહી શકે. પછી તેના કત્લનો ઈરાદો કરે જ્યારે તેની કોઈ ભુલ કે કસુર ન હોય અને ન તો તે મુશ્રીક હોય?
અને વસીય્યતનામુ ઘડી કરીને પોતાના ભાઇ મોહમ્મદ હનફીયાને આપી દીધું અને તેમને વિદાય આપીને પોતે રાતના સમયે એહલેબય્ત અ.મુ.સ., અઝીઝો અને દોસ્તો સહિત મક્કાની તરફ રવાના થયા.
Comments (0)