અસ્સલામો અલયકા
સલામ, સલામ હો આપ પર ઓ હઝરત અબુઅબ્દલ્લાહ સલામ હો આપ પર ઓ શહીદોના સય્યદ અને સરદાર, સલામ હો, ઓ ‘ઝિબ્હે અઝીમ’ના સાચા અર્થ, સલામ હો ઓ ખુદાના બલંદ મરતબાવાળા બંદા સલામ હો ઓ ખુદાના અવસિયાઓના કાએદ આગેવાન અને સરદાર, સલામ હો તમારા પર ઓ ફાતેમાઝેહરા (સલામુલ્લાહે અલ્યહા)ના દિલબંદા, કે જેને દરવાજા અને દીવાલની વચ્ચે એવી રીતે કચડી નાખવામાં આવ્યાં કે પાંસળીઓ તૂટી ગઇ. સલામ હો તમારા પર ઓ હુસૈન (અ.સ.)ઓ પયગમ્બરે ઇસ્લામના બીજા નવાસા અને અમો શીયાઓના ત્રીજા ઇમામ એ પાંચમાં માઅસુમ, સલામ હો તમારા એ હોઠોને જેના ઉપર પ્યાસની શિદદતના (સખ્તાઇને) કારણે સુકાઇને તડો પડી ગઇ તે છતાં તમારાં હોઠો પર ઇમાનનો નગમો હતો અને દિલમાં ખુદાની યાદ હતી, માથા પર પયગમ્બરે અકરમ (સ.અ.વ.)નો અમામો અને શરીર પર એ જુનુ ફાટીને તાર – તાર થઇ ગએલું પહેરણ હતું જે તમારી માદરે ગિરામીની અમાનત હતી. સલામ હો તમારા પર ઓ બાગે નુબુવ્વતનાં ફૂલ અમે જાણીએ છે કે ધંધાદારી ગુનેહગારો યઝીદી ફૌજના સરદાર શિમ્ર લઇનની રહેબરીમાં તમારી તરફ તૂટી પડ્યા અને તેઓને ખુદા અને એના રસુલ (સ.અ.વ.)ની શરમ ન આવી. પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની રિસાલતનો આ કેવો ખરાબ બદલો આપ્યો. શું પયગમ્બરા (સ.અ.વ.)એ ખુદના હુકમથી નહોતું ફરમાવ્યું કે હું તમારી પાસેથી રિસાલતની તબ્લીગનો કોઇ બદલો નથી ચાહતો. મારી રિસાલતનો બદલો, મારા કરાબતદારો (નઝદીકી સગાઓ)ની સાથે દોસ્તી છે. સલામ હો તમારા પર અય એ શખ્સીયત જેના ખૂનનો બદલો ખુદા ચાહે છે. સલામ હો તમારા પર અય એ કે જેને બહુ દર્દનાક રીતે તડપાવી તડપાવીને શહીદ કરવામાં આવ્યો અને જેના ખૂનનો બદલો હજી સુધી લેવામાં નથી આવ્યો ત્યાં સુધી કે તમારો પ્યારો ફરઝંદ મહદી (અ.ત.ફ.શ.) લેશે. સલામ હો તમારા પર ઓ હુસૈન અને એ પાક રૂહો પર જે તમારી બાજુમાં હંમેશા હંમેશા માટે આરામ કરી રહ્યા છે.
સલામ હો તમારા પયગામના એલચી હઝરત મુસ્લીમ બિન અકીલ પર, કે જેને બદચલન કુફીઓ અને નામર્દ-બેરહેમ અને ગદ્દાર દાવત આપવાવાળાઓએ બહુ જ બેરહમી અને લાચારીની હાલતમાં શહીદ કરી દીધા. સલામ હો એ મુસ્લીમના યતીમો પર જેઓએ તમારી મોહબ્બતના કારણે પોતાના માથા એક બીજાની આંખોની સામે તમારી હુઝુરમાં નિસાર કરી દીધા. સલામ હો એ સરજમીન પર કે તમો અને તમારા બાવફા સાથીઓના સબબથી જેનું નામ કરબલા પડી ગયું અને તમારા લોહીએ જેને દુનિયાની સૌથી મુકદસ સરજમીન બનાવી દીધી.
સલામ હો એ કરબલા પર જે જન્નતનો એક ટુકડો છે.
સલામ હો એ બહાદૂરો પર જે કરબલામાં આરામ કરી રહ્યા છે. સલામ હો તમારી નવમી મોહર્રમ પર જે દિવસે તમે પોતાના અસ્હાબો પર ઇત્મામે હુજ્જત કરી.
સલામ હો તમારા એ ભાઇ અને એ લશ્કરના અલમ બરદાર પર જેણે ઘાટ પર કબજો જમાવીને પાણ પાણી ન પીધું બલ્કે આપની સકીના સુધી પાણી લાવવાની કોશીશમાં જેનું શરીર ટુકડે ટુકડા થઇને સરજમીને કરબલા પર વિખરાઇ ગયું.
સલામ હો તમારા એ આશુરના દિવસ પર, જે દિવસે સૂરજ લોહીના આંસુ રડી રહ્યા હતો અને ચાહતો હતો કે જેટલું વહેલું બની શકે તેટલું ડુબીને પોતાનો ચહેરો છુપાવી લે જેથી કરીને ન તો મૌજુદ રહે અને ન તો એ જાનવર સિફત ફક્ત નામના મુસ્લમાનોની બદઆમાલી જોઇને શરમીંદગી મહેસુસ કરવી પડે.
સલામ હો તમારા એ છ મહિનાના દૂધ પીતા બચ્ચાં પર કે જેની પ્યાસ ઠંડા પાણીને બદલે ત્રણ ફલના તીરથી બુઝવવામાં આવી અને એ માછલીની જેમ જે પાણીની બહાર નીકાળવામાં આવી હોય, તમારા હાથ પર તડપી તડપીને જાન આપી રહ્યા હતો.
સલામ હો તમારા એ અલી અકબર પર જે ખુદાના પયગમ્બર (સ.અ.વ.)થી સિરત. સુરતમાં સૌથી વધારે મળતા હતા, અને જેણે બેમિસાલ જંગ પછી, રોઝે આશુર આપની જાંધ મુબારક પર માથું મુકીને દમ તોડ્યો અને પછી ખુદાની રાહમાં એની કુરબાનીના તમે સાક્ષી બની ગયા.
સલામ હો તમારા એક એક સહાબી પર પોતાના લોહીથી ઇસ્લામનું ઝાડ સીંચ્યું. સલામ હો તમારા એ બુઢા સાથીઓ પર જેઓએ પોતાના લોહીથી પોતાની દાઢીઓને ખીઝાબ કરી. (રંગી)
સલામ હો તમારા એ માથા વગરના શરીર પર જેણે આપની માદરે ગિરામીની અમાનતને પોતા ઉપર ઓઢેલું હતું.
સલામ હો આપના એ શરીર વગરના માથા પર કે જેના બન્ને હોઠ કુરઆનની આયતોની તિલાવત કરી રહ્યા હતાં.
સલામ હો એ પાક અને પવિત્ર શરીરો પર જે શયતાની સિફતવાળા અને દીનનાં લૂટેરાઓના ઘોડાઓની એડીઓથી કચડી નાખવામાં આવ્યા.
સલામ હો આપની ખાકે પાક પર કે જેની માટી આલમ માટે સિજદગાહ બની ગઇ.
સલામ હો આપના અઝીઝોની એ શામે ગરીબાં પર જેઓ પોતાના આંસુઓથી બળતા ખૈમાઓની આગ બુઝાવી અને અર્ધા બળેલા ખૈમાઓની છાયામાં પનાહ લીધી.
સલામ હો આપના જીગરબંદ ઇમામ ઝયનુલ અબેદીન (અ.સ.) પર, આપના એ અઝીઝ ફરઝંદ પર જે બિમારીની હાલતમાં આપના કરબલાના ખૂની વાકેઆતનો ગવાહ હતો. જેથી આપના પછી ખુદાના હુકમથી ઇન્સાનો અને જીન્નાતોની રહેબરીની જવાબદારી પોતે લે.
સલામ હો આપની એ બહેન જે પોતાની માની નિશાનીથી હાથ ધોઇ બેઠી, સલામ હો એ શેરદિલ ખાતુન પર જેણે આપના અસીર (બંદીવાન) કાફલાની જવાબદારી લીધી પોતાના ખભા પર, પછી આપના પયગામને દુન્યાવાળાઓના કાનો સુધી પહોંચાડ્યો.
સલામ હો બીબી ઝયનબ પર જેને મેહમિલ વગરના ઉંટ પર બેસાડવામાં આવી, જેની આગ ઝરતી તકરીરે યઝીદીઓના મહેલોને ફૂંકી દીધા.
સલામ હો સકીના પર, આપની એ કમસીન યતીમ દિકરી પર જે મુસાફેરતની અને મુસીબતો ભરી હાલતમાં તૂટેલા હૃદયની સાથે શામના કેદખાનામાં બેવતન રહીને હંમેશા હંમેશા માટે ખાકની નીચે સૂઇ ગઇ.
સલામ હો આપ અને આપના ફિદાકાર અસ્હાબોના ચેહલુમ પર જે દિવસે તે પોતાના કુટુંબીઓ અને ઝાએરોની સરજમીને નયનવામાં મહેમાન નવાઝી કરી.
સલામ હો આપના એ અરબઇન પર, કે જે ‘અરબઇનની ઝિયારત’, મોમિનીનની નિશાની કરાર આપવામાં આવી છે. (નક્કી કરવામાં આવી છે.)
ઇતિહાસ સાક્ષી છે.
ગયા વરસે અમે ઇમામ હુસૈન (અ.સ.)ની જીંદગીના બારામાં વિલાદતથી શહાતદ સુધી બયાન કરી ચૂક્યા છીએ પણ આ વરસે ઇતિહાસના મહત્વપૂર્ણ અને ખુબસુરત દૃષ્ટિકોણને અમારા સંશોધનનો વિષય બનાવીએ છીએ. જેમાં ઇમામ હુસૈન (અ.સ.)નો હેતુ, કયામ અને ઇન્કલાબ (ક્રાંતિ) આવરી લેવામાં આવશે, અને એ પણ ખુદ હઝરત સય્યદુશ્શોહદા (આપણી જાન એમના પર ફીદા)ની ઝબાની હશે.
મોહતરમ વાંચકો! ઇમામ હુસૈન (અ.સ.)ના મકસદના બારામાં અસંખ્ય પુસ્તકો, લખાણો લખવામાં આવ્યા છે અને જુદા જુદા દ્રષ્ટિબિંદુથી આ વિષય પર સંશોધન કરવામાં આવ્યું છે. પણ સૌથી બહેતર અને અકલમંદ રાહ એ છે કે ભરોસાપાત્ર ઇતિહાસના પાનાઓ પર નજર કરતા જોઇએ કે ખુદ એ હઝરત (અ.સ.)એ પોતાના મકસદ અને કયામના બારામાં શું ફરમાવ્યું છે. તેથી અમે આપણા આકા ઇમામ હુસૈન (અ.સ.)ના અકવાલ અને ખુત્બાઓ જે આપે મદીનામાં બયઅતની માંગણીના સમયથી લઇને મક્કામાં આગમન થવા સુધી અને મક્કાથી લઇને કરબલા સુધી, તેમજ ખુદ કરબલાની જમીન પર આપે બયાન ફરમાવ્યા છે એની પર ધ્યાન આપીએ જેથી વિષયને એવી જ રીતે સમજીએ, જેવી રીતે તે છે. તે પહેલા એ વાત પર ધ્યાન દોરવાનું અમે. જરૂરી સમજીએ છે કે સમય તથા પૃષ્ટોમાં અવકાશ ન હોવા છતાં પણ એ વાતની અમે કોશીશ કરશું કે મહત્વની બાબતોનો અમે ઝિક્ર જરૂર કરીએ. આ અંકમાં ફક્ત પહેલો હિસ્સો એટલે હજરત સૈયદુશ્શોહદા (અ.સ.)ના એ ખુત્બા અકવાલ જે આપે ખુદ પોતના મકસદમાં ઇરશાદ ફરમાવ્યા છે અર્થાંત મદીનામાં બયઅતની માંગણીથી લઇને મક્કામાં પહોંચવા સુધી આપે પોતાની કૂચનાં મકસદના બારામાં જે વાતો કહી છે એને બયાન કરીએ અને ઇન્શાઅલ્લાહ આવતાં અંકોમાં આ બહેસને ચાલુ રાખશું.
જ્યારે આપણે ઇતિહાસના પાનાઓ ફેરવીએ છીએ અને ઇસ્લામ પર વિતેલા સમય, બનાવો અને ઘટનાઓની શોધખોળ કરીએ છીએ તો દેખાય છે કે પયગમ્બરે ખુદા (સ.અ.વ.)એ ખુદાના હુકમથી તૌહિદની બુન્યાદ મુકવાની જવાબદારી તથા ત્યાં તૌહિદના કીલ્લાના ચણતરીની ફરજ, જવાબદારી પોતાના માથે લીધી. હઝરત અલી (અ.સ.) એમના મદદગાર અને નાસીર હતા. ખદીજા (અ.સ.)ની હિમ્મત અને સખાવત, ફાતેમા ઝહેરા સલવાતુલ્લાહે અલયહાની કષ્ટ ઉપાડવાની સહનશીલતા, જ. હમ્ઝા અને બીજા રાહે તૌહિદના ફિદાકારોની મક્કમતા અને અને નીડરતાથી મદદ અને હુકમથી આ કિલ્લાનો પાયો મજબુત થયો. દુશ્મનો હંમેશા આ રાહમાં આડખિલીઓ અને અડચણો ઉભા કરતા રહેતા અને આ કામ માટે તેઓ શક્ય તેટલી શક્તિ લગાડી કે જેથી જેટલું જલ્દી થઇ શકે, તૌહિદની આ બુન્યાદને પાડી નાખવી, અને ફરી પાછા શિર્ક, જેહાલત અને ફિત્ના ફસાદની જડ અને બુન્યાદને મજબુત કરી દેવા માટે કોશિશ કરતા રહેતા. તેથી જ એ લોકોએ જુદા જુદા નામોથી અને બહુજ સુંદર રીતે દીને ખુદાના મુકબલામાં સફ તૈયાર કરીને ઉભા થઇ ગયા. નોબત મત્યાં સુધી પહોંચી ગઇ કે દીને ખુદાના મદદગાર, હામી, અને મુસ્લમાનોના બરહક ઇમામ હઝરત હસન ઇબ્ને અલી (અ.સ.)ને ઝેર આપીને શહીદ કરવામાં આવ્યા તે પછી ઇમામે હુસૈન (અ.સ.)થી બયઅત લેવા માટે મનસુબો બનાવવામાં આવ્યો. આવો આપણે ધીરે ધીરે ઇતિહાસના પાનાઓ ફેરવતા જઇએ અને વાકેઆત અને ઘટનાઓ પર વિચાર અને મનન કરીએ.
રજબ, ૬૦ હિજરીમાં મોઆવિયાના મરવા પછી તુરતજ એનો દિકરો યઝીદ ખિલાફતના તખ્ત પર બેસી ગયો અને તખ્તે ખિલાફત પર કદમ મુકતા જ પોતાના ગવર્નરો અને હાકીમોના નામે પોતાની હુકુમતના જુદા જુદા ઇલાકાઓમાં કાગળપત્રો રવાના કર્યા કે તેનો બાપ આ દુનિયાથી રૂખસત થઇ ગયો છે અને હવે લોકો અને તમામ પ્રજા પાસેથી એની (યઝીદ)ની ખિલાફત માટે બયઅત લેવામાં આવે. એ પત્રોમાંથી એક પાત્ર મદીનાના ગવર્નર વલીદ બિન ઓતબાના નામે રવાના કર્યા અને એની સાથે જ એક ચીઠ્ઠી પણ મોકલી. જેમાં લખ્યું કે ઇમામ હુસૈન (અ.સ.) અને બીજા ત્રણ શખ્સોથી બયઅત લેવામાં સખતીથી કામ લેવું અને એ બાબતમા: એ લોકોને જરા પણ મોકા આપવો નહિ. જ્યારે આ પત્ર મદીનામાં પહોંચ્યો તો વલીદ એ વાંચીને તુરતજ ભૂતપૂર્વ ગવર્નર મરવાન બિન હકમને સલાહ – મશ્વેરા માટે બોલાવ્યો. એણે પણ એજ સલાહ આપી કે હજી મોઆવિયાની મોતની ખબર મદીના શહેરમાં ફેલાઇ નથી. એ લોકોને બોલાવીને એ જ રાતે યઝીદ માટે એ લોકોથી બયઅત લેવામાં આવે. વલીદે પણ તુરતજ એક નોકરને મોકલીને એ ચારે શખ્સોને એક મહત્વની બાબત પર વાતચીત કવા માટે પોતાની પાસે બોલાવ્યા.
ઇમામ હુસૈન (અ.સ.) મસ્જીદે નબવીમાં વાતચીતમાં મશ્ગુલ હતા કે ગવર્નરના કાસીદે ઇમામ હુસૈન (અ.સ.)ને પયગામ પહોંચાડ્યો. ઇમામ (અ.સ.) પોતના થોડાં સગા સંબંધીઓ અને શીયાઓની સાથે ગવર્નરને મળવા રવાના થયા. વલીદે ઇમામ હુસૈન (અ.સ.)ને મોઆવિયાની મોતની ખબર સંભળાવી અને સાથે જ યઝીદને બયઅતની વાત પણ હઝરત (અ.સ.)ની સામે મૂકી. ઇમામ વલીદની પાસેથી જતી વખતે એને ખીતાબ કરીને ફરમાવ્યું : “ઓ વલીદ! અમે જ ખાનદાને નુબુવ્વત અને રિસાલતની ખાણ છીએ, અમારૂં જ ખાનદાન ફરિસ્તાઓની આવવા – જવાબની જગ્યા છે. અને ખુદાની રહેમતે ઉતરવાનું સ્થાન છે. ખુદાવંદે આલમે અમારા ખાનદાનથી ઇસ્લામની શરૂઆત કરી અને છેલ્લે સુધી ઇસ્લામ અમારા જ ખાનદાનમાં અમારી સાથે રહી આગળ વધશે. (હવે) રહી યઝીદની વાત, જેણે અમારી પાસેથી બયઅતની આશા રાખી છે, એ એવો શખ્સ છે જે શરાબી છે અને જેના હાથ બેગુનાહ લોકોના ખૂનથી રંગાએલા છે. આ એ જ શખ્સ છે જેણે ધર્મની પ્રણાલિકા અને એહકામ ઇલાહીને ઉપર – નીચે અને વેરણછેરણ કરી નાખ્યા છે. અને જાહેર અને ખુલ્લી રીતે લોકોની નજર સામે ફિસ્ક અને ગુનાહ બજાવી લાવે છે. શું મારા જેવા ઇન્સના માટે, જેનો ભૂતકાળ એટલો શાનદાર અને જેનું ખાનદાન એટલું ઇજ્જતવાળું અને દબદબાવાળું હોય, જાએઝ છે કે એવા ગુનાહોમા, તરબોળ ફાસિક અને લંપટ ફાજિર શખ્સની બયઅત કરે? તેથી આ વિષયને અમે અને તમે હવે પછી બીજા કોઇ મૌકા પર વિચાર વિનિયમ કરશું અને જોઇશું કે અમારામાંથી કોણ ખિલાફતને લાયક છે અને ઉમ્મતે ઇસ્લામની રહેબરી અને પ્રજાથી બયઅત લેવાનો હકદાર કોણ છે.
(હવાલો : તબરી, જી. ૭, ઇબ્ને અસીર, જી. ૩, ઇરશાદે મુફી, મુત્તસીર અલ ઇખ્વાન, મકતલ ખ્વારઝમી, લુહુફ)
આ વાતચીત પછી બયઅતે ઇમામ અને એ હઝરતની દરખાસ્ત અને વાતચીતથી વલીદ ઘણો જ નાઉમ્મેદ થઇ ગયો પછી ઇમામ હુસૈન (અ.સ.) એ જગ્યાએથી ઉઠીને ચાલી ગયા. ખતીબ ખ્વારઝમીની રિવાયત પ્રમાણે એજ રાત્રે ઇમામ (અ.સ.) વલીદની બેઠકમાંથી ઉઠીને રસુલે ખુદા (સ.અ.વ.)ના હરમમાં તશરીફ લાવ્યા અને આં હઝરત (સ.અ.વ.)ની કબ્ર મુત્તહરની પાસે આ શબ્દોની સાથે આં હઝરતની ઝિયારતમાં મશગુલ થઇ ગયા : આપ પર દરૂદ હો, ઓ ખુદાના રસુલ (સ.અ.વ.) હું આપનો ફરઝંદ અને આપની દિકરીનો દિકરો છું. હું આપનો નાનો નવાસો અને આપનો લાયક અને હકદાર ફરઝંદ છું તેણે ઉમ્મતની હિદાયત અને રહેબરી માટે આપે આપનો વારસદાર નિયુક્ત કર્યો હતો. એ ખુદાના પયગમ્બર (સ.અ.વ.) આજે એ લોકોએ મને મજબુર અને કમજોર કરી દીધો છે. અને મારા રૂહાની મરતબાનો આદરભાવ અને સન્માન નથી રાખ્યું. આપની આગળ મારી આ ફરિયાદ રજું કરૂં છું અને કરીશ જ્યાં સુધી હું આપની સાથે મુલાકાત કરવા ઉતાવળ કરૂં. (મૂળ : મકતલ ખ્વારઝમી, જી. : ૧, મકતલ અવાલિમ વગેરે)
ઇમામ હુસૈન (અ.સ.)એ મુસાફરીનો ઇરાદો કર્યો અને બીજી રાત્રે બીજી વાર પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની કબ્રે મુબારકની ઝિયારતથી મુશર્રફ થયા અને આ શબ્દો સાથે પોતાના નાનાની ઝિયારત શરૂ કરી : બારે ઇલાહા! આ તારા પયગમ્બર મોહમ્મદ (સ.અ.વ.)ની કબ્ર છે અને હું પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની દિકરીનો દિકરો છું. મારા માટે પરિસ્થિતિએ એવું રૂપ ધારણ કર્યું છે કે તું પોતે જાણે છે. ખુદાયા! હું ‘મારૂફ’ (અમ્ર-બીલ-મારૂફ) અને નેકીને દોસ્ત રાખું છું અને બુરાઇ અને નાપસંદ વાતોથી બેઝાર છું. ઓ જલાલના માલિક અને કરામત અને મહાનતા અતા કરવાવાળા ખુદા! આ કબ્રની હુરમત અને પાકીઝગીનો વાસ્તો અને જે આ કબ્રમાં આરામ ફરમાવી રહ્યાં છે એનો વસીલો બનાવી તારાથી દરખાસ્ત કરૂં છું કે કોઇ એવી રાહ મારા માટે ખોલી દે જે તારી અને તારા પયગમ્બર (સ.અ.વ.)ની પવિત્ર કબ્રની પાસે જ ઇબાદતમાં મશ્ગુલ રહ્યાં અને બારગાહે ઇલાહીમાં એ પ્રમાણે મુનાજાત કરતા રહ્યાં કે એ મુનાજાતમાં હઝરત અલી (અ.સ.)ના લાલ રણમેદાનના બહાદૂર યોદ્ધા, રાત્રીના એકાંતમાં રડતા રહ્યા અને ફરિયાદ અને ગિર્યાઝારી કરતા રહ્યાં જેને લોકો સાંભળતા રહ્યાં. (મૂળ : મકતલ ખ્વારઝમી મકતલ અવાલિમ વગેરે)
મરહુમ રાવન્દીની નકલ મુતાબીક (મૂળ:ખરાએજ) બહેરાની (મૂળ : મદીનતુલ મઆજીઝ) અને બીજા મોહદીસો રિવાયત કરે છે. જ્યારે રસુલુલ્લાહ (સ.અ.વ.)ની ઝવજા (પત્નિ) ઉમ્મે સલમાને ઇમામ હુસૈન (અ.સ.)ની મુસાફેરતની તૈયારીનો ખબર મળી તો આપ આં હઝરત (અ.સ.) (ઇમામ હુસૈન (અ.સ.)ની પાસે તશરીફ લાવ્યા અને અર્ઝ કરી : તમે ઇરાકની તરફ સફર કરીને મને ગમનાક રંજોગમમાં મુબતેલા ન કરો કેમ કે મેં તમારા જદ (નાના રસુલે ખુદા સ.અ.વ.)થી સાંભળ્યું છે કે : મારો ફરઝંદ હુસૈન સરજમીને ઇરાકમાં કરબલા નામે મકામ પર કત્લ કરવામાં આવશે. ઇમામ હુસૈન (અ.સ.)એ ફરમાવ્યું : માદરેગેરામી! હું આપથી બહેતર જાણું છું. જુલ્મો સિતમ અને અદાવતો દુશ્મનીના સબબથી મને કતલ કરવામાં આવશે અને મારૂં માથું શરીરથી જુદુ કરવામાં આવશે અને ખુદાએ મુતઆલની એજ મરજી છે. મારા દિકરાઓ તલવારથી કત્લ થશે, મારા હરમ અને એહલેબૈત (અ.સ.)ને અસીર અને કૈદી બનાવીને દર બદર ફેરવવામાં આવશે તે ઓ ફરિયાદ અને રડતા મદદ માટે ઉમ્મીદ રાખશે પણ કોઇ એમની નુસરત કે મદદ કે ફરિયાદ પુરી કરવા નહિ જશે.
વ્હાલા વાંચકો! ઇમામ હુસૈન (અ.સ.)ની આ વાતચીત અને બીજા મૌકાની વાતચીતથી, જે ઇતિહાસ અને મકાતિલના પુસ્તકોમાં મળે છે. તેનાથી ખબર પડે છે કે ઇમામ હુસૈન (અ.સ.) પોતાની ઇમામતના ઇલ્મથી તમામ ઘટનાઓ અને બાબતો જે સામે આવવાની હતી તે સારી રીતે જાણતા હતા.
Comments (0)