ઇમામ હુસૈન (અ.સ.)નું વસીયતનામું
હઝરત સય્યદુશ્શોહદા અરવાહનાફિદા (અમારી જાન આપ ઉપર ફીદા) જ્યારે મદીનાથી મક્કાની તરફ રવાના થયા તો આપ (અ.સ.)એ નીચે પ્રમાણે વસીયત લખી અને પોતાની મહોરથી, મહોરબંધ (સીલ) કરીને પોતાના ભાઇ મોહમ્મદે હનફીયાને હવાલે કરી : બિસ્મિલ્લાહ હિર્રહમા નિર્રહીમ – આ વસીયત હુસૈન ઇબ્ને અલીની પોતાના ભાઇ મોહમ્મદ હનફીયાને છે. હુસૈન (અ.સ.) ગવાહી આપે છે ખુદાની વહેદાનિયત અને એક હોવા પર અને એ વાતની ગવાહી આપે છે કે ખુદાના માટે કોઇ શરીક (ભાગીદાર) નથી અને એ અમ્રની પણ ગવાહી આપે છે કે મોહમ્મદ (સ.અ.વ.) એના રસુલ છે, અને આઇન (કાનુને ઇસ્લામ)ને ખુદાની તરફથી લાવ્યા હતા અને એ વાતની ગવાહી પણ આપે છે કે જન્નત અને દોઝખ હક છે અને જઝાનો દિવસ (કયામત) યકીનન (નક્કી) આવશે જેને માટે કોઇ શક અને શંકા નથી, અને ખુદાવંદે આલમ તમામ ઇન્સાનોને એ દિવસે ફરીવાર જીવતા કરશે. (ઇમામ હુસૈન (અ.સ.) પોતાના વસીતનામામાં તૌહિદ, નબુવ્વત અને મઆદ (કયામત)ના બારામાં પોતાનો અકીદો બયાન કર્યા પછી પોતાની એ સફરનો મકસદ અને હેતુને આ રીતે બયાન ફરમાવે છે.) હું ન તો મારી ઇચ્છાઓ અને ખુદપસંદગી યા એશઆરામની તલાશમાં સફર ઇખ્તેયાર કરૂં છું અને ન તો ફિત્નાફસાદ અને જુલ્મોસિતમ માટે મદિનાથી નીકળી રહ્યો છું. બલ્કે આ સફરથી મારો મકસદ અમ્ર બિલ મારૂફ અને નહિ અનીલ મુન્કર છે. આ સફરનો મકસદ એ પણ છે કે ઉમ્મતની દરમ્યાન ફેલાયેલા ફસાદને હું ખત્મ કરૂં અને મારા જદ રસુલે ખુદા (સ.અ.વ.)ની સુન્નત અને કાનૂન અને મારા પિદરે બુજુર્ગવાર અલી બિન અબી તાલિબ (અ.સ.)ના તૌર – તરીકાને ફરીવાર જીવતા કરૂં. પછી જે શખ્સ આ હકીકતને મારાથી કબુલ કરે એણે ખુદાની રાહને અપનાવી છે. અને જેણે એને કબુલ ન કર્યું (એટલે મારી વાત ન માની) હું સબ્ર અને સાબીત કદમની સાથે પોતાની રાહને પુરી કરીશ ત્યાં સુધી કે ખુદાવંદે આલમ મારા અને એ લોકોની વચ્ચે કોઇ ફેંસલો કરે કેમ કે તે બહેતર ઇન્સાફ કરવાવાળો છે. અને ભાઇ, તમને મારી આ વસીયત છે અને તૌફીક ખુદાએ અઝ્ઝ વ જલ્લની તરફથી છે. એની પર ભરોસો કરૂં છું અને એની તરફ જ મારે પાછા ફરવાનું છે. આ હતી ઇમામ હુસૈન (અ.સ.)ની વસીયત જે એ હઝરત (અ.સ.)એ પોતાના ભાઇને કરી હતી. આ વસીયત મકતલે ખ્વરઝમી જીલ્દ : ૧ અને મકતલે અવાલિમ જેવા ઇતિહાસના પુસ્તકોમાં લખેલી જોવા મળે છે.
ઇમામ હુસૈન (અ.સ.) રવિવારના દિવસે જ્યારે માહે રજબ પુરો થવામાં બે દિવસ બાકી હતા ત્યારે, પોતાના દિકરાઓ અને ખાનદાનમાં બીજા લોકોની સાથે મક્કાની તરફ રવાના થયા અને જ્યારે મદીના પાછળ રહી ગયું તો એ જ આયાતે કરીમાની તિલાવત ફરમાવવા લાગ્યા જે હઝરત મુસા બિન ઇમરાનની મિસરની તરફ રવાનગી અને ફિરઔનીઓની સાથે મકાબલાની તૈયારીના સંબંધમાં નાઝીલ થઇ હતી. પોતાની મુસ્તફેરત માટે આપે (અ.સ.) એજ માર્ગ પસંદ કર્યો, જેનો બધા જ મુસાફરો અને કાફલાવાળાઓ સામાન્ય રીતે ઉપયોગ કરતા હતા. અજાણ્યા અને વેરાન રસ્તા પર ન્હોતા ચાલતા. પાંચ દિવસનો મદીના અને મક્કાનો માર્ગ પાંચ દિવસમાં જ પુરો કર્યો. શબે જુમ્મા, શાબાન મહિનાની ૩જી તારીખે મક્કાની સરજમીન પર પહોંચ્યા.
Comments (0)