એ ફુરાત!
એ ફુરાત! તારૂં નામ આવવાથી, તરસ, નાના માસુમ બચ્ચાઓનાં સુકાઇ ગયેલા, કમજોર હોઠ અને પ્યાસી, તરસભરી સદા, તાળવામાં જકડાઇ ગયેલી ઝબાનથી ‘અલ અતશ’ના બહુ જ મુશ્કેલીથી અદા થતા શબ્દો, સામે આવે છે.
એ સરઝમીને કરબોબલાની વહેતી નદી! તારા ઠંડા અને મુકદદસ પાણીથી લોકો તૃપ્ત થાય છે અને શફા મેળવે છે. તું રણના ગરમ અને બળતા ખોળાને ચિરતી, કિનારાઓને તૃપ્ત કરતી પોતાની જાતને ‘ફારસના અખાત’ને હવાલે કરે છે. પણ આલે મોહમ્મદ (અ.સ.)ના ખૈમાઓ સુધી ન પહોંચી, જે ખૈમાઓએ ત્રણ દિવસનાં ભુખ્યા તથા પ્યાસાઓને ઢાંકી રાખ્યા હતા.
શું તને યાદ છે કે રસુલ (સ.અ.વ.)ની ઇતરતને (કુટુંબીજનો) બીજી મોહર્રમથી તારા કિનારાચથી દૂર કરી દેવામાં આવ્યા, અને સાતમી મોહર્રમથી એમના ખૈમાંઓમાં એક ટિપું પાણીનું ન હતું?
શું તે તારા મહેમાનોની સરભરા કરી?
માટીને ભીનાશ આપી, ઝાડ, પાનને તાજા કર્યા એટલે સુધી કે તારૂં પાણી સૂરજની સખ્ત ગરમીને ઉડી જતું હતું તે છતાં તું એજ હતીને જેણે પ્યાસાઓને વળ ખવરાવીને ટટળાવી રહી હતી.
એ ફુરાત….. એ જો સામે નાનાં નાનાં બાળકો પોતાના કુમળા હાથોમાં ખાલી પ્યાલાઓને લઇ ફરી રહ્યાં છે, ક્યારેક કાકા પાસે, ક્યારેક ભાઇ પાસે. એમના ફુલ સમા ચહેરાઓ એમની ભુખ અને તરસની સાક્ષી પુરે છે. તું તો હૂરની જેમ આઝાદ છો…..
તારા પર તો વાજીબ અને જરૂરી હતું કે એમના ખૈમાઓ સુધી, લહેરાતી, વળ ખાતી, પોતાના માથાને પટકતી આવી જતે અને જેટલી રાહત થઇ શકતે એટલી એ માસુમ બચ્ચાઓને પહોંચાડતે.
એ ફુરાત…. અગર હૈદર (અ.સ.) અને જઅફર (અ.સ.)ના વારિસ ઔન અને મોહમ્મદ તારા પાણીથી તૃપ્ત થઇ જતે, તો બેઉ મળીને મેદાન સર કરી લેતે… પણ અફસોસ એ બન્ને તારા કીનારા સુધી પહોંચી ન શક્યા અને તારાથી દૂર થતા ગયા….. તારી લ્હેરોની ઠંડક સુધી ન જઇ શક્યા.
એ ફુરાત… કાસીમનો કુમળો ચહેરો, એના સુકા હોઠ, શુજાઅત અને બહાદૂરભરી અને ચકળ – વકળ થતી આંખાને તો જો…. એ જેને મોત મધથી પણ વધારે ગળ્યું લાગે છે, તારી સામે આશભરી મીટ માંડી રહ્યો છે.
એ ફુરાત! અતિશય પ્યાસને લીધે જ હુસૈન (અ.સ.)નાં મદદગારો મકતલમાં (કતલ – ગાહમાં) પોતાની શુજાઆત અને બહાદૂરીના કમાલ ન દેખાડી શક્યા. એ બધા મદદગારોએ તારાથી આંખો ફેરવીને આબે કવસર પીવાનું પસંદ કર્યું.
બસ હવે એ જો સામે… એ અલી (અ.સ.)નો શેર આવી રહ્યો છે. તું ભાગ્યશાળી છો કે “સાકી એ કવસરનો લાલ, પાણી લેવા આવી રહ્યો છે. જા…. આગળ વધ…. અને એની સુકાઇ ગયેલી મશ્કમાં સમાઇ જા….. એણે સીકના, સાકીએ કવસરના લાલની લાડલી દિકરી માટે પાણી લાવવાનો વાયદો કર્યો છે. તું એ વાયદાને વફા કર, નહી તો ક્યાંક એ તારા કીનારા પર કબજો જમાવી હંમેશાની નીંદરમાં પોઢી ન જાય અને તારા મોજાઓને કયામત સુધી બેચેન અને તડપતા છોડી જાય.
એ ફુરાત…. શું તે એ દ્રશ્ય નથી જોયુ….. જ્યારે દુશ્મનોને જહન્નમમાં ધકેલી અકબર તરસ્યા, તશ્નકામ પાછા ફર્યા અને ઇનામમાં પોતાના પિતા પાસેથી થોડુંક એવું પાણી માંગ્યું. શું તું શરમથી પાણી પાણી ન થઇ ગઇ. જ્યારે એના બુઢા બાપે કાંટા જેવી સુકી જબાન, જવાન દિકરાના મોઢામાં આપી, ત્યારે કેવી રીતે ઉમ્મે લયલાના ફીદયાએ પોતાની ઝબાન ખેચી લીધી અને એનું દિલ કટકે કટકા થઇ ગયું.
એ ફુરાત….. એ વખતે તને શું થયું હતું, જ્યારે રસુલ (સ.અ.વ.)ના નવાસાએ પોતાના ૬ મહિનાનાં અલી અસગર માટે દુશ્મનોને પાણી માટે સવાલ કર્યો હતો? દુશ્મનોએ તો એ નાનકડા મુજાહિદે પોતાના સુકાએલા હોઠોં પર જીભ ફેરવતા જ પોતાના મોઢા ફેરવી લીધા અને રડવા લાગ્યા. પછી તો એ પોતાના જ લોહીમાં નાહી ઉઠ્યો અને તું તારા કિનારા પર વળ ખાતી, લહેરાતી રહી.
એ ફુરાત…. તે એ દ્રશ્ય કેવી રીતે જોયું હશે જ્યારે તમામ નબીઓનો વારિસ, દુશ્મનોમાં ઘેરાયેલો હતો, સૂરજ પોતાની બધી જ શક્તિ સાથે આગ વરસાવી રહ્યો હતો, આવા ગભરાવી, મુંજવી નાખે એવા, ગમગીન વાતાવરણમાં એ સબ્ર કરવાવાળો, તરસ્યો રહી ગયો, જેની માતાએ (જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)) તને કુદરતની તરફથી ‘મહેર’માં લીધી હતી.
બસ તું તો એક એક ભાલા જેટલી ઉંચી ઉછળતી રહી ગઇ, જ્યારે તારા આકા, તારા મૌલાનું માથું શરીરથી જુદું કરી, ભાલાની અણી ઉપર ઉંચું કરવામાં આવ્યું.
ઓ ફુરાત…. ઓ ફુરાત…… હવે તો ખૈમાઓ પણ બળવા લાગ્યા…. શામે ગરીબાં પણ આવી ગઇ…… દરેક દિશાઓમાં હલ ચલ છે…. ચાદરો ખેંચાઇ ગઇ છે… શું તું બેવાઓની પોકાર અને રડતા અવાજોને નથી સાંભળતી? જા ખૈમાઓની આગ તો બુઝાવ, અગર પ્યાસાઓની પ્યાસ ન બુઝાવી શકી. અરે જરા કતલ ગાહની તરફ તો નજર કર…. જો કોઇ નાનકડી છોકરી, બળતા ખૈમાઓમાંથી નીકળી નીચાણવાળી જગ્યાની પાસે બાબા, બાબા કહેતી જઇ રહી છે…. ક્યાંક એ સકીના તો નથી? અરે એના દામનમાં આગ લાગી ગઇ… તારા વ્હેતા પાણીને હુકમ કર કે આગ તો બુજાવી દે! મકતલમાં ચારે તરફ સન્નાટો, ખામોશી છે અને બળી રહેલા ખૈમાઓમાં પણ ખામોશી છે હવે તો ખૈમાઓની પાસે તું જઇ શકે છે. કદાચ એ માટે જ તારા મોજાઓ ઉછળી ઉછળીને આ તરફ ખૈમાઓ પાસે જવા થનગની રહ્યાં છે.
પણ…. થોભી જા…. હવે એમની પાસે ન જતી કેમ કે આ બચ્ચાઓ હમણાં જ થાકીને સૂઇ ગયા છે…. અને કાલે તો નબીની આલ લુંટાઇને, તારાથી દૂર થઇ જશે….. હા….. દૂર….. ઘણાં જ દૂર……. ઘણા દૂર…..
Comments (0)