હર્રાનો બનાવ
ઇસ્લામના ઇતિહાસમાં યઝીદની સરખામણી ઘણી વખત ફિરઔનની સાથે કરવામાં આવે છે, જે યોગ્ય નથી કારણકે યઝીદે એટલા ભયંકર અપરાધો કર્યા છે જેની સામે ફિરઔન જેવા ગુનેહગારના અપરાધોની કોઇ વિસાત નથી.
ઇમામ હુસૈન (અ.સ.)ની શહાદત બાદ યઝીદના ઝુલ્મ અને અત્યાચારના મુળિયા દૂર દૂર સુધી ફેલાઇ ગયા હતા. જ્યારે આ સમાચાર મદીનાના લોકોને મળ્યા ત્યારે તે લોકોએ તેની ખાત્રી કરવા માટે તેઓના અમૂક પ્રતિનિધિઓને સીરીયા મોકલ્યા. આ પ્રતિનિધિઓને યઝીદના ગુનાહીત ચારિત્ર્યના બારામાં જાણીને ઘણો આઘાત લાગ્યો અને તેના ગુનાહો અને અત્યાચારોના બારામાં મદીનાના લોકોને જાણ કરી. જેમકે શરાબખોરી, શતરંજ રમવી, નાચનારી સ્ત્રીઓ સાથે આનંદ માણવો, કુતરાઓ અને વાંદરાઓ સાથે રમવું તેમજ ર્માં, દિકરી અને બહેન જેવા મહેરમ સગાઓ સાથે બદકારી કરવી, નમાઝને તર્ક કરવી તથા આ બધાથી વધીને રસુલ (સ.અ.વ.)ના નવાસા ઇમામ હુસૈન (અ.સ.)ને ભૂખ્યા અને તરસ્યા શહીદ કરવા વિગેરે.
મદીનાના લોકો યઝીદ (લ.અ.)ની આ પ્રકારની ગંદી હરકતોને જાણીને ખૂબજ ડર્યા તથા ગમ અને ગુસ્સાથી ભરાઇ ગયા. તેઓ યઝીદને જાહેરમાં ખરાબ કહેવા લાગ્યા. તેઓએ મદીનાના તેના ગર્વનર ઉસ્માન બિન મોહમ્મદ બિન અબી સુફયાનની સાથે સાથે મરવાન બિન હકમ અને બીજા બની ઉમય્યાના લોકોને મદીનાથી બહાર હાંકી કાઢ્યા અને અબ્દુલ્લાહ બિન હન્ઝલાને ગવર્નર બનાવી દીધા અને તેમના હાથો ઉપર બયઅત કરી લીધી.
યઝીદ જેવા દુશ્મની પરસ્ત અને અત્યાચારી પ્રકૃતિ ધરાવનાર વ્યક્તિને આ બળવો પસંદ ન આવ્યો. તેણે મુસ્લિમ બિન અકબા (જેને હજર પણ કહેવામાં આવે છે)ની સાથે એક મોટું લશ્કર આ બગાવતને કચડી નાખવા માટે મોકલ્યું. જ્યારે મુસ્લિમ મદીના પહોંચ્યો ત્યારે તે મદીનાની બહાર ‘હર્રા’ (સંગીસ્તાન) નામના સ્થળે રોકાયો. આ સ્થળ સરવરે કાએનાત (સ.અ.વ.)ની મસ્જીદથી એક માઇલના અંતરે હતું. તેનો પ્રતિકાર કરવા મદીનાના લોકો પોતાના નાના મોટા હથિયારો લઇને શહેરની બહાર આવ્યા. જ્યારે કે લશ્કર અને શસ્ત્રોના આધારે તે બંનેની કોઇ સરખામણી થઇ શકે તેમ ન હતી. યઝીદનું લશ્કર તે બંને બાબતે તેઓ કરતા વધારે આગળ હતું. તેથી ઘણા મદીનાવાસીઓ મુકાબલા કરવામાં કત્લ થઇ ગયા. જ્યારે મદીનાના લોકો સમજી ગયા કે તેઓ આવા મોટા લશ્કરનો સામનો નહિં કરી શકે ત્યારે તેઓએ નાસીપાસ થઇને મસ્જીદે નબવીમાં આશ્રય લીધો. મરવાન બિન હકમ (લ.અ.) યઝીદના લશ્કરને મદીનામાં દાખલ થઇ લડવા માટે સતત ઉશ્કેરતો રહ્યો. મદીનાના લોકો ઉપર જીત મેળવ્યા પછી પણ મુસ્લિમને સંતોષ ન થયો. બલ્કે તે પણ યઝીદની જેમ મદીનાના લોકોને ઝલીલ કરવા અને ડરાવવા ચાહતો હતો કે જેથી ઇતિહાસમાં તેને પણ આ હલકટ કામગીરી માટે યાદ કરવામાં આવે. તેથી તે પોતાના મોટા લશ્કરને લઇને મદીનામાં દાખલ થયો. આ બનાવ ઇતિહાસમાં ‘હર્રાના બનાવ’ના નામથી મશ્હૂર છે. જે માહે ઝિલ્હજ્જ, હિ.સ. 63માં યઝીદના મૃત્યુના ત્રણ મહિના અગાઉ બન્યો હતો.
મદીના શહેરમાં દાખલ થયા પછી મુસ્લિમ અને તેના લશ્કરે રસુલ (સ.અ.વ.)ના રોઝાની બેહુરમતિ કરી કે જેની અપેક્ષા યઝીદીઓ પાસેથી કરી શકાતી હતી. તેઓ રસુલ (સ.અ.વ.)ના પવિત્ર રોઝામાં પોતાના ઘોડાઓ સાથે દાખલ થયા અને આ રોઝા મુબારકને ઘોડાનો તબેલો બનાવ્યો. જ્યાં જાનવરોએ ગંદકી કરી એટલે સુધી કે રસુલ (સ.અ.વ.)ના મીમ્બર અને કબ્ર મુબારકને પણ નજીસ કર્યું. તે પવિત્ર જગ્યાને હદીસોમાં જન્નતના બાગોમાંનો એક બાગ કહેવામાં આવ્યો છે.
આ લોકોએ માત્ર રસુલ (સ.અ.વ.)ના રોઝાની બેહુરમતી કર્યા ઉપર સંતોષ ન માન્યો પરંતુ ખૂબજ નિર્દયી રીતે મદીનાના લોકો ઉપર ઝુલ્મ અને અત્યાચાર ગુજાર્યો. જેમકે મુસ્લિમ અને તેના લશ્કરે મદીનાના લોકોને સખત અને ઘાતકી રીતે કત્લ કરવાનું શરૂ કર્યું. તેઓએ આ અત્યાચાર દરમ્યાન મોહાજેરીન, અન્સાર, રસુલ (સ.અ.વ.)ના અસ્હાબો, સ્ત્રીઓ અને બાળકો દરમ્યાન કોઇ ફર્ક ન રાખ્યો. બલ્કે જે મળે તેને કત્લ કરી નાખતા હતા. અમે આ ઝુલ્મ અને અત્યાચારથી ભરપૂર અંધકારમય ઐતેહાસિક બનાવને સુન્ની અને શીઆ બંને હવાલાથી અહીં નકલ કર્યો છે:
મદાએની ઝહરીથી રિવાયત ટાંકીએ છીએ કે મુસ્લિમના લશ્કરે 700 લોકોને કત્લ કર્યા કે જેમાં કુરૈશ, મોહાજેરીન અને અન્સારોનો પણ સમાવેશ થતો હતો. આ ઉપરાંત બીજા 10,000 મદીનાના લોકોને કત્લ કર્યા કે જેમાં યુવાન સ્ત્રીઓ, પુરૂષો, વૃદ્ધો, બાળકો, આઝાદ અને ગુલામોનો સમાવેશ થાય છે.
અબુલ ફરજ બયાન કરે છે કે અબુ તાલિબ (અ.સ.)ની ઔલાદમાંથી 200 વ્યક્તિઓને શહીદ કરવામાં આવ્યા, જેમાં અબ્દુલ્લાહ બિન જઅફરના બે પુત્રો અબુ બક્ર બિન અબ્દુલ્લાહ બિન જઅફર અને ઔન અસગર બિન અબ્દુલ્લાહ બિન જઅફર હતા. ઔન અકબર કરબલામાં ઇમામ હુસૈન (અ.સ.)ની સાથે શહીદ થયા હતા.
મસ્ઉદી લખે છે કે હર્રાના બનાવમાં જઅફર બિન મોહમ્મદ બિન અલી બિન અબી તાલિબ (અ.સ.)ને પણ શહીદ કરવામાં આવ્યા હતા. અબુ તાલિબ (અ.સ.)ના ખાનદાન ઉપરાંત બની હાશીમની ઘણી વ્યક્તિઓની કત્લે આમ કરવામાં આવી. આ ઉપરાંત કુરૈશના 4000 મશ્હૂર લોકો અને અન્સારોને પણ શહીદ કરવામાં આવ્યા તેમજ બીજા અનેક મદીનાવાસીઓને કત્લ કરવામાં આવ્યા. મુસ્લિમે પોતાના લશ્કર માટે ત્રણ દિવસ સુધી મદીનાના લોકોના માલ, દૌલત અને સ્ત્રીઓની ઇઝઝતને જાએઝ જાહેર કરી. આ દરમ્યાન તેના લશ્કરના લોકોએ મદીનાના લોકો સાથે મન ફાવે તેવું વર્તન કર્યું. તેઓએ મદીનાના લોકોના ઘરોને લૂંટ્યા અને સ્ત્રીઓના ચારિત્ર્યનું ખંડન કર્યું. તેઓમાં કોઇપણ પ્રકારનો ભય કે ડર ન હતો. તેઓ ફક્ત યઝીદને પોતાનો ખુદા માનતા હતા અને જે કાંઇ આસ્માન અને જમીનની વચ્ચે છે તેને જાએઝ સમજતા હતા. તેઓએ સ્ત્રીઓના ચારિત્ર્યને મસ્જીદે નબવીમાં તારાજ કર્યું કે જે મસ્જીદ મુસલમાનો માટે મસ્જીદુલ હરામ પછી સૌથી વધુ મોહતરમ મસ્જીદ છે.
એક બીજી રિવાયત જુઓ : તબરી તેની તારીખમાં લખે છે :
‘મદીનામાં જે કાંઇ હતું તે મુસ્લિમ બિન અકબાએ પોતાના લશ્કરવાળાઓ માટે ત્રણ દિવસ સુધી હલાલ કરી દીધું. લોકોને ખૂબજ નિર્દયી અને ઘાતકી રીતે કત્લ કર્યા. પયગમ્બર (સ.અ.વ.)ના જે અસ્હાબો મદીનામાં હતા તેઓને ફરિયાદ અને આક્રંદમાં નાખ્યા. યઝીદ બિન મોઆવીયા (લ.અ.)ના શામના લશ્કરે સૌથી વધુ શરમજનક અને નિર્લજ્જ કામ એ કર્યું કે તેઓએ સ્ત્રીઓ અને છોકરીઓ ઉપર અત્યાચાર ગુજાર્યા. જેના પરિણામે અસંખ્ય નાજાએઝ બાળકો પેદા થયા.’
(તારીખુલ ઉમમ, હી.સ. 63ના બનાવો)
હર્રાના બનાવ પછી મદીનાની સ્ત્રીઓથી પતિ વગર 1000 બાળકો પેદા થયા. બીજી રિવાયતમાં છે કે આવા 10,000 બાળકો પેદા થયા.
(તઝકેરએ સિબ્તે ઇબ્ને જવઝી, પાના નં. 289)
મદાએની નોંધ કરે છે કે હર્રાના બનાવ પછી હજારો સ્ત્રીઓએ બાળકોને જન્મ આપ્યો જેમના બાપનો કોઇ પત્તો ન હતો. તેથી આ બાળકોને હર્રાના બનાવની સાથે ગણવામાં આવે છે. અખ્બારૂ દ્દોલની નોંધ મુજબ યઝીદના લશ્કરે હજાર કુંવારી છોકરીઓના ચારિત્ર્યનું ખંડન કર્યું.
શૈખ સુલયમાન બલ્ખી નકશબંદી યનાબેઉલ મોવદ્દતમાં લખે છે કે મદીનાના લોકો ઉપર ઝુલ્મ અને અત્યાચારોનો આ સિલસિલો કેટલાય દિવસો સુધી ચાલતો રહ્યો. કોઇને પણ મસ્જીદે નબવીમાં પ્રવેશવાની પરવાનગી ન હતી. એટલે સુધી કે કુતરાઓ મસ્જીદે નબવીમાં દાખલ થતા હતા અને રસુલ (સ.અ.વ.)ના મીમ્બરને નજીસ કરતા હતા. આ એજ મીમ્બર હતું જેના ઉપરથી રસુલે ખુદા (સ.અ.વ.)એ ઘણા ખુત્બાઓ આપ્યા અને અલ્લાહના કલામ બયાન કરતા હતા.
ઇબ્ને હજર પણ કૂતરાઓ થકી મસ્જીદે નબવીને નજીસ કર્યાના બારામાં લખે છે અને એ પણ લખે છે કે મુસ્લિમે કેવી રીતે દબાણ અને જબરદસ્તીથી મદીનાના લોકો પાસેથી યઝીદની બયઅત લીધી અને તેઓને ખૂબજ ખરાબ રીતે ડરાવ્યા. જે લોકોએ તેની વાતનો સ્વિકાર ન કર્યો તેઓને કત્લ કરી નાખ્યા. ફક્ત ઇમામ સજ્જાદ (અ.સ.) અને અલી ઇબ્ને અબ્દુલ્લાહ બિન અબ્બાસ મુસ્લિમની બયઅતથી બચી શક્યા.
અલી બિન અબ્દુલ્લાહ બિન અબ્બાસ મુસ્લિમની બયઅતથી એટલા માટે બચી ગયા કે તેમના મોસાળ પક્ષના સગાઓ મુસ્લિમના લશ્કરમાં હતા. જેઓએ મુસ્લિમને તેમના માટે ભલામણ કરી હતી. ઇમામ સજ્જાદ (અ.સ.)એ રસુલે ખુદા (સ.અ.વ.)ની કબ્રને લપટીને આ દોઆ કરી:
‘અય સાત આસમાનોના રબ અને જેના ઉપર તેનો છાંયડો છે, અને અય સાત જમીનોના રબ જેના ઉપર વસ્તુઓ ટકેલી છે. અય રબ્બલ કુરસી હું તારૂં રક્ષણ માંગુ છું તેના શરથી (મુસ્લિમની બયઅત)થી, હું તારી પાસેથી ભલાઇ ચાહું છું અને તેના ઝુલ્મથી તારૂં રક્ષણ માગુ છું.’ આ દોઆ પઢીને પછી ઇમામ સજ્જાદ (અ.સ.) મુસ્લિમની નજીકથી પસાર થયા.
મુસ્લિમ ગુસ્સામાં હતો. તે ઇમામ સજ્જાદ (અ.સ.)થી નફરત કરીને તેમના મઅસુમ બાપદાદાની શાનમાં બેહુદા શબ્દો કહી રહ્યો હતો. પરંતુ જેવી તેની નજર ઇમામ સજ્જાદ (અ.સ.) ઉપર પડી કે તરતજ તે ઇમામ (અ.સ.)થી ભયભીત થઇ ગયો અને ધુ્રજવા લાગ્યો અને ઇમામ (અ.સ.)ની તઅઝીમ માટે ઉભો થઇ ગયો. તેણે ઇમામ (અ.સ.)ને પોતાની પાસે બેસાડ્યા અને તેમના આવવાનું કારણ પુછયું જેથી તે મદદરૂપ થઇ શકે. ઇમામ (અ.સ.)એ મદીનાના ઘણા બધા લોકોની ભલામણ કરી અને ઇમામ (અ.સ.)એ મુસ્લિમની બુરાઇથી ઘણા લોકોને બચાવ્યા.
મદીનાની તારાજી પછી આ લશ્કરના હાથે ઝુલ્મ અને અત્યાચારના વધુ એક ખૌફનાક બનાવની ઇતિહાસે નોંધ કરી છે.
અબ્દુલ્લાહ બિન ઝુબૈરે યઝીદની બયઅતથી ઇન્કાર કરી દીધો હતો અને તેણે મક્કામાં આશ્રય લીધો હતો. યઝીદે જ્યારે મુસ્લિમ બિન અકબાને મદીના ઉપર ચઢાઇ કરવા માટે મોકલ્યો ત્યારે હુકમ આપ્યો હતો કે મદીના ઉપર કબ્જો મેળવ્યા પછી મક્કા ચાલ્યો જાય અને અબ્દુલ્લાહ બિન ઝુબૈરને પકડી લે. પરંતુ જ્યારે તે મક્કાની તરફ આગળ વધ્યો ત્યારે રસ્તામાંજ તે જહન્નમ વાસીલ થઇ ગયો અને હસીન બિન નુમૈર લશ્કરનો સરદાર બની ગયો. આથી તેણે મક્કાને ઘેરી લીધું. તે વખતે અબ્દુલ્લાહ બિન ઝુબૈર મસ્જીદુલ હરામમાં હતા. તેઓ ખાનએ કા’બામાં આવ્યા અને ત્યાંજ આશ્રય લીધો. હસીન બિન નુમૈરે ખાનએ કા’બા ઉપર આગના ગોળા વરસાવ્યા અને પરિણામે ખાનએ કા’બાની દિવાલોને નુકસાન પહોંચાડ્યું.
(જુઓ લુગતનામા એ ઘખદા : 1, જુઓ શબ્દ યઝીદ, મુરૂજુઝ ઝહબ મસ્ઉદી, ભાગ – 2, પાના નં. 70)
Comments (0)