શફાઅતલ હુસૈન અ.સ. યવ્મલ વોરૂદ : ગુનાહોની માફીની સિફારીશ
શફાઅત ઇસ્લામની રગોમાં વ્યાપેલી એ ખુશ્બુને કહે છે, જેનું નામ ઉમ્મીદ છે. આ ઉમ્મીદના સહારા વડે દરેક મુસલમાન, પછી ભલે તે ગમે તે ફીરકાનો હોય, પોતાનું જીવન પસાર કરવામાં ખુદને સાંત્વન અને દિલાસો આપતાં આપતાં આ નાશવંત દુનિયામાંથી ચાલ્યો જાય છે. દરેક વ્યક્તિ જે ઇસ્લામના વર્તુળમાં છે તે રિસાલત મઆબ (સ.અ.વ.) શફીઉલ મુઝનેબીન, (ગુનેહગારોને માફી બક્ષવા માટે ભલામણ કરનાર) હોવાનું મજબુત યકીન ધરાવે છે. અર્થાંત, આપ (સ.અ.વ.) તેમની ઉમ્મતના ગુનેહગાર બંદાઓની બખ્શીશ માટે ખુદાને સિફારીશ કરશે. જ્યારે આપણે સિફારીશના તલબગાર હોઇએ છીએ ત્યારે મુશ્કેલીઓ દૂર કરવા માટેની ચિંતા, મદદ મેળવવા માટેના સાધનોની શોધખોળમાં સંઘર્ષ કરવા માટે સતત પ્રયત્નશીલ થઇ જઇએ છીએ. આ સિફારીશ માટે ત્રણ પ્રકારના વ્યક્તિ અથવા સમૂહનું હોવું જરૂરી છે. એક તે કે જેને સિફારીશની જરૂર છે બીજા એ કે જેની એટલી શક્તિ હોય કે તે બીજાની સિફારીશ કરવાની હૈસીયત ધરાવતો હોય. અર્થાંત, તેની સિફારીશ અલ્લાહની બારગાહમાં કબુલ થવાનું સન્માન ધરાવતી હોય, જે મુશ્કેલીઓને દૂર કરી શકે છે.
ઉદાહરણરૂચિત્ર :
આ દુનિયામાં મુશ્કેલીઓ, જીવનમાં કશમકશ, વિકટ પ્રશ્ર્નો, મુસીબતો અને બલાઓ આવતી રહે છે.
કોઇ માણસ એવો નહીં હોય જે આ દુનિયામાં રહીને દુનિયાની મુશ્કેલીઓ અને મુસીબતોથી બચીને નિકળી ગયો હોય. દરેક માટે મુશ્કેલ મુસીબત છે જેનાથી બચવા માટે દરેક કોશિશ કરતા રહે છે તથા સૌ હાથ પગ ચલાવતા હોય છે. જેઓની આંખો ઉપર પરદા પડેલા હોય છે તેઓ ઝુલ્મ અને અત્યાચાર, જાએઝ અને નાજાએઝ, સીધું અને ઉલ્ટું, હરામ અને હલાલમાં કોઇ ભેદભાવ કરતા નથી, પોતાની સલામતિ અને મોજશોખ માટે સમગ્ર માનવતાની હદોને તોડી નાખે છે, આવા લોકો પણ સિફારીશની વ્યક્તિ રાખે છે. તેઓના પણ બાતિલ ઇમામો હોય છે. પરંતુ આ પણ એક કોયડો છે કે દરેક એવો માણસ પોતાની ચાલબાજીમાં તેની અક્કલને પછી ખુદને છુપાવીને એક સારા માણસ તરીકે પોતાને રજુ કરે છે. સવાલ એ પેદા થાય છે કે શું તે પોતાને ખુદને દગાખોરીના આંચળ હેઠળ છુપાવી લે છે? શું તે આફતોથી મુક્તિ મેળવી લે છે? શું આ સાચું નથી કે જો ‘ચુપ રહેગી ઝબાં ખંજર લહુ પુકારેગા આસ્તીંકા.’ ઝાલિમ પણ આક્રોશ વ્યક્ત કરે છે, તેને પણ દર્દ ઉપડે છે, તે પણ તડપે છે, તેની છાતી ઉપર પણ કોઇ હુમલો કરનાર પેદા થઇ જાય છે, તે પણ ચાહે છે કે કોઇ રસ્તો નિકળે જે તેની રાહતનું કારણ બને.
માનવતાના ઇતિહાસમાં યઝીદ જેવો અત્યાચારી ન પેદા થયો છે ન તો કયામતની સવાર સુધી પેદા થશે. તે પણ તરફડી તરફડીને આ દુનિયામાંથી જહન્નમ વાસીલ થયો. જ્યારે તેની આંખો મીંચાતી હતી ત્યારે તે રસુલે ખુદા (સ.અ.વ.)ને સામે ઉભેલા જોતો હતો, આપ (સ.અ.વ.) ફરમાવી રહ્યા છે કે ‘યઝીદ! મારા હુસયને તારૂ શું બગાડ્યું હતું? મારા આ હર્યા ભર્યા ખાનદાનને શા માટે આટલી ક્રુરતાથી કત્લ કર્યું?’
અર્ધી દુનિયાનો બાદશાહ યઝીદ ઇબ્ને મોઆવીયા (લ.અ.) ક્યારે મર્યો? ક્યાં મર્યો? તેનો જનાઝો કઇ જગ્યાએથી પસાર થયો? તેની કબ્ર ક્યાં બની? ઇતિહાસ ક્યાંય આનો નિર્દેશ નથી કરતો. તેની પરેશાનીની તે આક્રંદ કરતી પળો જે મહેલમાં પસાર થઇ તે તેની સારા ચારિત્ર્યવાળી પત્નિ હિન્દા થકી ઇતિહાસના પાનાઓ ઉપર સાંભળવા મળે છે.
મુશ્કેલીઓનું વાસ્તવિક અને કાયમી સ્વરૂપ:
મુશ્કેલીઓની પરંપરાનો બંદિવાન માનવી જ્યારે આ દુનિયાના કૈદખાનામાંથી મૂક્તિ મેળવી મૃત્યુના માર્ગમાંથી પસાર થાય છે. સકરાતની પરિસ્થિતિમાં હોય છે. આંખ ખુલ્લી રહે છે પરંતુ જીભ બંધ થઇ જાય છે. તે કહી નથી શક્તો કે તેની હાલત કેવી છે? તેના ઉપર શું વિતી રહ્યું છે? તે શું જોઇ રહ્યો છે? અંતમાં દુન્યવી જીંદગીનો ગરમાવો ખત્મ થઇ જાય છે. કબ્રની ભીંસમાંથી પસાર થાય છે અને બરઝખની દુનિયાનો મુસાફર આમાલની સાથે જકડાઇને કયામત તરફ પોતાને ઢસડીને લઇ જાય છે. વાસ્તવિક મુશ્કેલીઓનું સ્વરૂપ કયામતના દિવસે દેખાશે. કયામત, આખેરત, મઆદ, હશ્ર અને નશ્રનો દિવસ, જઝા અને સજાના દિવસ સંબંધિત પુષ્કળ હદીસો દ્વારા આપણા રસુલ (સ.અ.વ.) ‘તબીબે નોફુસેના’ (‘નફસોના ઇલાજ કરનાર’) અને શફીએ ઝોનુબેના (‘ગુનાહોની શફાઅત કરનાર’) એ દરેક રીતે આગાહી કરી છે અને ચેતવ્યા છે. તે દિવસને ‘યવ્મુદ્દીન’ પણ કહેવામાં આવ્યો છે. દરેક નમાઝી દરરોજ આ શબ્દને દોહરાવે છે. કોઇ પળ એવી નથી કે આ અવાજ આ દુનિયામાં કોઇને કોઇ જગ્યાએથી ન આવતી હોય. આ દિવસ ‘યવ્મુલ વોરૂદ’ છે. આ દિવસે મેહશરના મૈદાનમાં દરેક માણસ દાખલ થશે. લાખો વર્ષોથી આ દુનિયા પોતાની માટીમાં વિંટાળેલા કેટલાય માણસોને આ હશ્રના મૈદાનમાં લાવીને ઉભા કરી દેશે. આ યવ્મુલ વોરૂદના ઘણા વિશાળ અર્થો છે. આ શબ્દમાં એક મોટી જબરદસ્ત આગાહી સમાએલી છે. આ શબ્દમાં ઘણી વિશાળતા અને સમજુતી છે. કુરઆને કરીમમાં ઇરશાદ છે.
“અને તમારામાંથી કોઇ એવો નથી કે જે જહન્નમ ઉપરથી પસાર ન થાય (કારણકે તેના ઉપર જ પુલે સેરાત છે) આ તમારા પાલનહારનો દ્રઢ અને જરૂર પુરો થવાવાળો વાયદો છે. પછી અમે પરહેઝગારોને બચાવીશું અને નાફરમાનોને તેમના ગોંઠણ ભેંર તે (જહન્નમ)માં છોડી દેશું.
(સુરએ મરયમ : 71-72)
માનનીય વાંચકો! માનવીના જીવનની સફર આ દુનિયામાં આવ્યા પછીશરૂ થાય છે અને તે એક લાંબી મુદ્દત સુધી ચાલે છે. ત્યાં સુધી કે ધીરે ધીરે એ દિવસ આવી જશે, જ્યારે આ માનવી એક એવા વિશાળ મૈદાનમાં દાખલ થશે જેની લંબાઇ અને વિશાળતાની કલ્પના માણસની વિચાર શક્તિ અને સમજણ મર્યાદાની બહાર છે. ત્યાં કાદીરે મુત્લક અલ્લાહનો બંદોબસ્ત અને વ્યવસ્થા હશે. દરેક વ્યક્તિ ઉપર તેની નજર હશે. દરેકનું આમાલનામું તેઓની પોતાની ડોકમાં પહેરેલું હશે, આજ મૈદાનમાં દાખલ થવાના દિવસને યવ્મુલ વોરૂદ કહેવામાં આવે છે. શું એ દિવસ કે જેને દાખલ થવાનો દિવસ કહેવામાં આવે છે ત્યાં અગર અગણિત વ્યક્તિઓ કે જેનું ચારિત્ર્ય યઝીદી ચારિત્ર્યના માપદંડ ઉપર પરખવામાં આવશે અને બીજા લોકોની સામે અઝાબના તબક્કાઓ હશે. શું ત્યાં ક્યાંક ઠંડો છાયડો પણ હશે? કોઇ એવું પણ હશે કે જેની આજુબાજુ પાક માટીવાળા વ્યક્તિઓ હશે. હઝરત રસુલ (સ.અ.વ.)ના તમામ કથનોથી સાબિત છે કે તે હુસૈન (અ.સ.)નો સમૂહ હશે. તે હુસૈન (અ.સ.) કે જેણે યઝીદના ઝુલ્મનું કાંડુ સબ્રથી મરડી નાખ્યું હતું. એવી એવી અજોડ કુરબાનીઓ આપી હતી કે જેનું ઉદાહરણ હવે દુનિયા રજુ નહિં કરી શકે. પરંતુ યઝીદના ઘમંડ અને અભિમાનના ચૂરે ચૂરા ઉડાવી દીધાં. તે કરબલાનું મૈદાન હતું જે આ નાશવંંત દુનિયાની કસોટીનું સ્થળ હતું. જેણે હુસૈન (અ.સ.)ના ઇસ્તેગાસા (મદદ માટેની પોકાર) ઉપર લબ્બૈક કહી તે સફળ અને વિજયી થયા. પછી જ્યારે મેહશરના મૈદાનમાં દાખલ થશે ત્યારે એ દિવસ હશે જેને યવ્મુલ વોરૂદ કહે છે. ત્યાં હુસૈન (અ.સ.)નો ઇખ્તેયાર, શક્તિ, અસરો અને બરકતોનો માહોલ અને વાતાવરણ હશે.
અલ્લાહના જમાલના કિરણોનું નૂર ચારે તરફ વરસી રહ્યું હશે, મલાએકાઓ રક્ષણ કરતા હશે. અલ્લાહના જલાલ (રોઅબ)થી કાફિરો, મુશ્રિકો, અપરાધીઓ, ઝાલિમો, દગાબાજી અને છેતરપીંડી કરતા ખૂંખાર લોકો, જેમણે દુનિયામાં મોટા મોટા અત્યાચારો ગુજાર્યા હશે તેઓ ધુ્રજી રહ્યા હશે. અલ્લાહના અઝાબમાં સપડાએલા લોકોના દિલ દૂર દૂર સુધી લબકારા મારતા હશે. પરંતુ કોની હિંમત થશે કે તે આ તરફ નજર ઉંચી કરીને જોઇ શકે. સિવાય તે લોકો કે જેઓને મઅસુમ ઇમામ (અ.સ.)એ ઝીયારતે આશુરા નજાતના પરવાનાના સ્વરૂપે અતા કરી છે અને ફરમાવ્યું છે કે આ હદીસે કુદસી છે. આ ઝિયારત નજાતનો રસ્તો છે. જે કંઇ બયાન કરવામાં આવ્યું તે તેની તફસીર અને સમજુતિ છે. સૌએ પુલે સેરાત ઉપરથી પસાર થવું પડશે. ફક્ત એજ બચીને પસાર થશે જે આખી જીંદગી ઝિયારતે આશુરા પઢીને રડ્યો હોય. પોતાના દિલને પાક કર્યું હોય અને પછી સજદહમાં આ દોઆ માંગી હોય. અય અલ્લાહ! અમને હુસૈન (અ.સ.)ની શફાઅત યવ્મલ વોરૂદ નસીબ ફરમાવ.
મહત્ત્વ :
યાદ રહે કે આ ઝિયારતે આશુરા જનાબે ઝહરા (સ.અ.)ના ફરઝંદ, હુસૈન (અ.સ.)ના ફરઝંદ, તાહા અને મોહકમાતના ફરઝંદ, સેરાતે મુસ્તકીમના ફરઝંદ પણ પઢે છે. એ બુર્ઝુગ અને મહાન હસ્તી જેમને ઇમામે ઝમાના, ઇમામે અસ્ર (અજ.) કહેવામાં છે, જેઓ આપણા આકા છે, આપણા મૌલા છે. જે આપણને નકારાત્મક વિચાર, લોભ અને લાલચ, નિફાકની જાળથી બચાવીને પોતાના માયાળું પાલવમાં રક્ષણ આપે છે તેઓ પણ ઝિયારતના અંતમાં પોતાના મઅબુદની બારગાહમાં સજદહમાં જઇને ફરમાવે છે.
‘અલ્લાહુમ્મર્ઝુકની શફાઅતલ હુસૈન (અ.સ.) યવ્મલ વોરૂદ’
જ્યારે આપના પવિત્ર હોઠો ઉપરથી આ વાક્ય અદા થતું હશે ત્યારે હરપળ જે આખેરત, અર્થાંત યવ્મલ વોરૂદના ઇન્તેઝારમાં પસાર થતી હશે. આમીન, આમીન કહીને પસાર થતી હશે. આ સજદહ આપણને તાલિમ આપે છે કે દુનિયાના જીવનના માર્ગોને આવા સજદહના ચિરાગો વડે રોશન રાખો, વચન ભંગ કરવાથી દૂર રહો, જે પણ માંગો દિલના ઉંડાણથી માંગો, અને પોતાની જાતને તેના લાયક બનાવવાની હંમેશા કોશિશ કરો. અગર દિલની ઘડકનોમાંથી અવાજ આવવા લાગે કે ‘અય અલ્લાહ! તું અમને યવમુલ વોરૂદ હઝરત હુસૈન (અ.સ.)ની શફાઅતનું રીઝક અતા કરજે.’ તો દુનિયાના દુષણોથી મુક્તિ મેળવી એટલે કે ઇન્સાન જે શ્રેષ્ઠ સર્જન છે તે ઉચ્ચત્તર સ્થળોથી સાંભળવા લાગશે કે જાણે હુસૈન (અ.સ.)ના વાલેદા ફરમાવી રહ્યા છે કે નિરાશ ન થશો, આશા છોડી ન દેશો, પરેશાન ન થશો, આઘાત ન પામશો, મારો હુસૈન (અ.સ.), તરસ્યો હુસૈન (અ.સ.), શહીદે કરબલા હુસૈન (અ.સ.), મારો કરીમ હુસૈન (અ.સ.) હુસૈન (અ.સ.)ના અઝાદારોને, હુસૈન (અ.સ.)ના માતમદારોને, હુસૈન (અ.સ.)ના સોગવારોને પોતાની સિફારીશ અને શફાઅતથી યવ્મલ વોરૂદ ક્યારેય વંચિત નહીં કરે. કારણકે આ કૌમની દરેક વ્યક્તિ મારી દોઆની અસરનું એક જીવતું જાગતું સ્વરૂપ છે. શર્ત ફક્ત એ છે કે મારા બાબાની ઉમ્મતની દરેક વ્યક્તિ ખુદાની બારગાહમાં સજદહ કરવાની એ પ્રણાલિકા અપનાવે જેની તાલિમ મઅસુમ ઇમામો (અ.સ.)એ આપી છે. દિલમાં એટલી નમ્રતા પેદા થઇ જાય કે સજદહ કરતી વખતે અલ્લાહની બારગાહમાં ભરપૂર યકીન સાથે હુસૈન (અ.સ.)ની સિફારીશના શબ્દો જીભ ઉપર આવે તો તે અવાજથી અલ્લાહની રેહમતનો દરિયો જોશમાં આવી જાય અને કુરઆનના અવાજમાં જવાબ મળે કે ‘લા તકનતુ મિન રહમતિલ્લાહ’ (અય મારા હુસૈનના માનનારા બંદાઓ) મારી રહમતથી નિરાશ ન થતા.
અય હુસૈન (અ.સ.)ના ફરઝંદ, અય ગૈબના પરદામાં રહેનાર, આપને આપની દાદી જનાબ ફાતેમા (સ.અ.)નો વાસ્તો અમારી કૌમની દરેક વ્યક્તિને ઝિયારતે આશુરાના મહત્ત્વ અને એજ ઝિયારતના ફૈઝ અને બરકતોથી ભરપુર રીતે માહિતગાર કરી દો. અમને આપના જદ્ હુસૈન (અ.સ.)ની શફાઅતના લાયક બનાવી દયો. આમીન.
Comments (0)