ઈમામ હુસયન અ.સ.નો પત્ર અમીરે શામ મોઆવીયાના નામે
ઈમામ હુસયન અ.સ.નો પત્ર અમીરે શામ મોઆવીયાના નામે
બીજા ખલીફા ઉમર બીન ખત્તાબના સમયમાં હુકમથી મોઆવીયાહ બીન અબુ સુફિયાને શામનો હાકીમ બનાવી દેવામાં આવ્યો અને આ સિલસિલો હઝરત ઈમામ હુસયન અ.સ.ના પવિત્ર જીવનના આખરી દિવસો સુધી ચાલુ રહ્યો. હઝરત ઈમામ હુસયન અ.સ.ની ઈમામતના દસ વર્ષ મોઆવીયાની ખીલાફત અને હકુમતમાં પસાર થયા.
બુઝુર્ગ મરતબો ધરાવતા ઈતિહાસકાર અને લડાઈઓના નિષ્ણાંત “કુશ્શી” એ તેના આધારભૂત પુસ્તક રેજાલમાં આ રીતે નોંધ કરી છે: (રેજાલ કુશ્શી પાનુ ૩૨, બેહાર ૪૪/૨૧૨, એઅયાનુશ્શીયા – ૧/૫૮૨)
મરવાન બીન હકમ જે મોઆવીયા તરફથી મદીનાનો ગર્વનર હતો તેણે મોઆવીયાને લખ્યું કે મદીનાના બુઝુર્ગ લોકો ઈમામ હુસયન અ.સ. સાથે નજીકના સંબંધો ધરાવે છે અને ઈમામ હુસયન અ.સ.ને ત્યાં આવતા જતાં રહે છે અને આ વાત આલે અબી સુફયાનની ખીલાફતના ભવિષ્ય માટે બહુજ ખતરનાક છે.
મોઆવીયાએ ભયથી બચવા માટે હ. ઈમામ હુસયન અ.સ.ના નામે એક પત્ર લખ્યો અને તેમાં ધમકી આપી. ઈમામ હુસયન અ.સ.એ જવાબમાં આ પત્ર લખ્યો.
ખુદાવંદે આલમની પ્રસંશા અને વખાણ અને રસુલે ખુદા સ.અ.વ. ઉપર દરૂદ અને સલામ પછી-
તમારો પત્ર મળ્યો. તમે એ લખ્યું છે કે તમારા સુધી મારા વિષે ખબર પહોંચી છે જેનાથી તમે ખુશ નથી થયા. અને તમારી દ્રષ્ટિએ આ વાતો મારા માટે યોગ્ય નથી. આ વાત પણ લખી છે કે માત્ર ખુદાજ છે જે નેકીની તરફ લોકોની હીદાયત કરે છે અને તેજ સૌનો સહારો અને મદદગાર છે.
તમને ખબર હોવી જોઈએ કે મારા માટે જે ખબર તમારા સુધી પહોંચી છે તે ચાપલુસ અને ચુગલખોરે તમારા સુધી પહોંચાડી છે. હું તમારી વિરૂધ્ધ કોઈ લડાઈ અથવા પગલા લેવાની ઈચ્છા ધરાવતો નથી. પરંતુ ખુદાની કસમ તમારી હકુમતની વિરૂધ્ધ જો કોઈ પગલા નથી ભરતો તેનું કારણ એ નથી કે તમારો વિરોધ કરવામાં ખુદાની ખુશ્નુદીનો વિચાર કરૂં છું અને વિરોધના માટે ખુદાથી ડરૂં છું બલ્કે મને તો એ વાતનો ભય છે કે તમારા અને તમારા અત્યાચારી અને અધર્મી દોસ્તો જે શયતાનના પક્ષ સાથે સંબંધ ધરાવે છે તેની સરખામણીમાં મારી ચુપકીદીને ખુદા કબુલ ન કરે અને મારા કારણ બતાવવાને માફ ન કરે.
શું તમે હજર બીન અદી અને તેમના નમાઝી અને પરહેઝગાર સાથીઓના કાતિલ નથીં? જે લોકોએ ઝુલ્મનો વિરોધ કર્યો બિદઅતોને ખરાબ અને ખુદાની રાહમાં ટીકા કરનારની ટીકાનો ખ્યાલ ન કર્યો? શું તમે તે લોકો માટે મોટી મોટી કસમો નથી ખાધી? અને મોટા મોટા વાયદા નહોતા કર્યા? શું તમે તેમનાથી વાયદો નહોતો કર્યો કે તમારી અને તેમની વચ્ચે જે વાતો થઈ છે તેના અનુસંધાનમાં તેમને નહી પકડો? તેમને નહિ સતાવો? પરંતુ આ બધા વાયદા કર્યા પછી શું તમે તે લોકોને કત્લ નથી કર્યા?
શું તમે રસુલે ખુદા સ.અ.વ.ના નેક કાર્ય કરનાર સહાબી ઉમ્ રૂ બીન હમક ખુઝાઈના કાતિલ નથી? ઈબાદતના શોખથી જેમનું શરીર વૃદ્ઘ અને કમજોર બની ગયુ હતું. તેમનો રંગ પીળો પડી ગયો હતો. શું તમે તેમને તમારૂં રક્ષણ નહોતુ આપ્યું? જો આ રીતનું રક્ષણ – અમાન કોઈ પક્ષીને આપ્યું હોત તો તે પણ પર્વતની ટોચ ઉપરથી નીચે ઉતરી આવતે. પરંતુ તમે તે વચન, કહેણ અને રક્ષણની આમાન્યા ન રાખી અને તેને પગની નીચે કચડી અને જરાપણ ખુદાનો ખૌફ ન કર્યો અને તેમને કત્લ કરી નાખ્યા.
શું તમે એ નથી કે જેણે “સુમૈયાના” પુત્ર “ઝીયાદ” કે જે બની સકીફાના એક ગુલામના બીછાના ઉપર જનમ્યો હતો. પયગમ્બરે ખુદા સ.અ.વ.ના હુકમ બેટો બાપના જેવો છે – બાપની સાથે નીસ્બત રાખે છે અને બદકાર માટે પથ્થર છે, નો વિરોધ કરીને પોતાના બાપ તરફ સંબંધિત કરીને હઝરત રસુલે ખુદા સ.અ.વ.ના હુકમનો જાહેરમાં વિરોધ કર્યો અને પોતાની ભૌતિક ઈચ્છાઓનું અનુસરણ કર્યુ. પછી તેને અરાકીન લોકો ઉપર છોડી દીધો, જેણે તેમના હાથ પગ કાપ્યા, આંખોના ડોળા બહાર કાઢયા અને તેમને ખજુરના ઝાડ ઉપર સૂળીએ લટકાવ્યા.
એવુ લાગે છે કે તમે ઈસ્લામની ઉમ્મતમાંથી નથી અને આ ઉમ્મતથી તમને કોઈ લેવા દેવા નથી. શું તમે એ નથી જોયુ જ્યારે સુમય્યાના પુત્ર (ઝીયાદ બીન અબીયા)એ તમને કબીલએ હઝરમીના લોકોના બારામાં લખ્યું કે આ લોકો હઝરત અલી બીન અબી તાલીબ અ.સ.ના દીન ઉપર છે, તો તમે જવાબમાં લખ્યું, જે કોઈ અલીના દીન ઉપર હોય તેને કત્લ કરો. તે પછી ઝીયાદે હઝરમીયોને કત્લ કર્યા અને તમારા હુકમથી તેઓના કાન અને નાક કાપી નાખ્યા. ખુદાની કસમ હઝરત અલી અ.સ.એ ખુદાને ખાતર તમારાથી અને તમારા બાપથી લડાઈ કરી અને તમે આજે એ દીનના લીધેજ હુકુમતના તખ્ત ઉપર બેઠા છો. જો આ દીન અને તેની ઉચ્ચતા ન હોત તો તમે અને તમારા બાપદાદાઓ ગરમી અને ઠંડીમાં ગલી કુચીમાં ફરતાં રહેતાં હોત. (અર્થાત: ગરમીની અને ઠંડીની રૂતુમાં જ્યાં ત્યાં ભટકતા રહેતા હોત અને ઘર ઘરની ઠોકર ખાતાં રહેતાં હોત.)
તમે તમારા પત્રમાં લખ્યું છે: તમારી જાનનું રક્ષણ દીન અને ઉમ્મતે મોહમ્મદી સ.અ.વ.ના રક્ષણ ખાતર આરામથી બેસી રહો. ફાટફૂટ અને સમાજમાં ફીત્ના ઉભા ન કરો. પરંતુ હું આ ઉમ્મત માટે તમારી હુકુમતથી મોટો કોઈ ફીત્નો નથી જાણતો. તમારી વિરૂધ્ધની લડાઈને મારા માટે અને મોહમ્મદ સ.અ.વ.ની ઉમ્મત માટે શ્રેષ્ઠ અને ઉચ્ચતર વસ્તું ગણું છું. જો તમારી વિરૂધ્ધ જંગ કરૂં તો ખુદાની નઝદીકીના શ્રેષ્ઠ વસીલો હશે અને જો જંગ ન કરૂં તો ખુદા પાસે મગફેરતનો તલબગાર છું અને મારા કાર્યમાં અલ્લાહ પાસે માર્ગદર્શનનો આગ્રહી છું.
તમે તમારા પત્રમાં આ વાત પણ લખી છે: જો હું તમારો વિરોધ કરૂં તો તમે મારો વિરોધ કરશો અને જો તમારી સામે પગલા ભરૂં, તો તમે મારી સામે પગલા ભરશો. તમે જે ઈચ્છો તે પગલાં મારી સામે ભરો. મને આશા છે કે તમારૂં જુઠ અને ફરેબ મને નુકસાન નહિં પહોંચાડે બલ્કે સૌથી વધુ નુકસાન તમારૂ જ થશે. એ માટે કે તમે અજ્ઞાનતાની સવારી ઉપર સવાર છો અને વચન અને વાયદો તોડવામાં પાવરધા છો. મારી જાનની કસમ તમે આજ સુધી કયારેય કોઈપણ શર્તનું પાલન કર્યું નથી. જે લોકો સાથે તમે તડજોડ કરી હતી, સુલેહ કરી હતી, કસમો ખાધી હતી, તેઓને કત્લ કર્યા અને એવી સ્થિતિમાં કત્લ કર્યા જ્યારે તેઓ તમારી વિરૂધ્ધમાં કોઈ લડાઈ કરવા ઈચ્છતાં ન હતાં અને ન તો તેઓએ કોઈને કત્લ કર્યા હતા. તેઓને માત્ર એટલા માટે કત્લ કરવામાં આવ્યા કે તેઓ અમારા ફઝાએલ બયાન કરતા હતા અને અમારા હક્કોની વિશિષ્ટાઓને જાણતા હતા. તમે તે લોકોને કત્લ કરી દીધા. જ્યારેકે બનવાજોગ હતું કે તેઓના કાર્યોનો પરિણામ સુધી પહોંચતા પહેલા તેઓને મૌત આવી જાત અથવા તમને મૌત આવી જાત.
એ મોઆવીયા, શરઈ બદલા માટે તૈયાર રહો અને ખુદાના હિસાબ અને કિતાબ ઉપર શ્રદ્ઘા રાખો અને એ જાણી લો કે ખુદાવંદે આલમની પાસે એક નોંધપોથી છે જેમાં તમામ નાના મોટો ગુનાહો લખેલા છે. કોઈ એક બાબત રહી ગઈ નથી. ખુદાવંદે આલમ હરગીઝ ભૂલી નહિ જાય કે તમે લોકોને માત્ર વહેમ અને ગુમાન ઉપર પકડી લીધા છે. ગીરફતાર કર્યા છે. ખુદાના અવલીયાને પાયા વગરના આક્ષેપો ઉપર કત્લ કર્યા છે. તેઓને તેઓના ઘરોની બહાર બીજા શહેરોમાં દરબદર ભટકતાં કર્યા છે. પોતાના શરાબી અને કુતરાથી રમનારા પુત્રને માટે લોકો પાસે બળજબરીથી બયઅત લેવડાવી છે.
હું જોઈ રહ્યો છું કે તમે નુકસાન ઉઠાવી રહ્યા છો, તમારો દીન બરબાદ કરી રહ્યા છો, અને પ્રજાની ખયાનત કરી રહ્યા છો. ખુદાની અમાનતોને તિરસ્કારી રહ્યા છો. મૂર્ખ અને અણસમજ લોકોની વાતોને સ્વિકારી રહ્યા છો અને તે નાદાન લોકોની ખાતર મુત્તકી, પરહેઝગાર અને ખુદા પરસ્ત લોકોને ડરાવી રહ્યા છો.
– વસ્સલામ.
આ આધારભૂત અને ઐતિહાસિક પત્ર – મુખાલેફત અને એઅતેરાઝોથી ભરપૂર પત્રમાં ઈ. હુસયન અ.સ. એ જે વાતો ઉપ વાંધા ઉઠાવ્યા છે તેનો ખુલાસો આ છે:
(૧) મોઅમીનોની વિરૂદ્ઘ ખણખોદ (ચાપલુસી) અને ચાડી ચુગલી ખાનારાઓની વાતો શા માટે સાંભળી?
(૨) તેના સમયના શ્રેષ્ઠ મોઅમીન હજર બીન અદી અને તેમના સાથીઓને શા માટે કત્લ કર્યા?
(૩) રસુલે ખુદા સ.અ.વ.ના પવિત્ર ચારિત્ર્યવાન સહાબી અમરૂ બીન હકમને શા માટે કત્લ કર્યા?
(૪) જે લોકોને રક્ષણ આપવામાં આવ્યું હતું અને જેઓને વાયદો અને વચન આપ્યા હતા તેઓની સાથે શા માટે છેતરપીંડી કરી – ગદ્દારી કરી? વાયદો અને વચન આપ્યા પછી તેઓને શા માટે કત્લ કર્યા?
(૫) હઝરત રસુલે ખુદા સ.અ.વ.ના હુકમનો જાહેરમાં વિરોધ કરીને ઝીયાદને શા માટે અબુ સુફયાન સાથે મેળવી દીધો?
(૬) ઝીયાદ બીન અબીયા જેવી નાપાક વ્યકિતને શા માટે મુસલમાનોના માલ અને જાન ઉપર ઠોકી બેસાડીયા?
(૭) અહલેબય્ત અ.સ.ની મોહબ્બતના આરોપમાં હઝરમીના માણસોને કત્લ કરવાનો શા માટે હુકમ આપ્યો?
(૮) શરાબખોર અને કુતરાથી રમનારા યઝીદ માટે લોકો પાસે શા માટે દબાણપૂર્વક બયઅત લેવડાવી?
ટૂંકમાં એ કે આ ગુનાહો અને કુકર્મોના કારણે હઝરત ઈ. હુસયન અ.સ.એ મોઆવીયાની હુકુમતનો વિરોધ કરવાને શ્રેષ્ઠ ઈબાદત ગણતા હતા. આ ઝુલ્મો અને બીદઅતોની સામે ચૂપ રહેવું જાએઝ ગણતા ન હતા. આ કારણથી ઈમામ અ.સ.એ મોઆવીયાને ખુદાના હિસાબ – કિતાબ અને તેના સૌથી સખત અઝાબ પ્રત્યે ધ્યાન દોર્યું છે.
Comments (0)