પાણી
પાણી
કુરઆનમાં અલ્લાહ તઆલા ફરમાવે છે: “શું તમે નથી જોતા કે ખુદાએ આસમાનમાંથી પાણી વરસાવ્યું અને તેમાંથી જમીનમાં ઝરણાં વહેતા કર્યા છે પછી તેમાંથી રંગ બે રંગી ઝાડ – વનસ્પતિ ઉત્પન્ન કર્યા પછી તે ઝાડ-લીલોતરી સુકાઈ જાય છે પછી લીલા થએલા પીળા દેખાવા લાગે છે. પછી તે કરમાઈને નરમ ભૂસા જેવા થઇ જાય છે. આ બધી વાતો બુદ્ઘિશાળીઓ માટે પાઠ અને શીખામણ છે કે દુનિયાના પૈદા કરનારને ઓળખે.” (ઝુમર : ૨૧)
સુરએ ફુરકાનમાં આયત ૪૮ અને ૪૯માં કુરઆને અઝીમે ફરમાવ્યું છે:
“અમે આસમાનમાંથી સ્વચ્છ અને પવિત્ર પાણી ઉતાર્યુ જે થકી મુરદા શહેરને જીવંત બનાવીએ અને પોતાના સર્જન – મખ્લુકાતમાંથી જાનવરો અને માનવીઓને તૃપ્ત કરીએ.”
સમગ્ર જગતમાં પાણીથી વધુ અન્ય કોઈ નેઅમત નથી. કારણકે આજ પાણી ઉપર માનવીનું જીવન નિર્ભર છે. માત્ર માનવીજ પાણીનો મોહતાજ નથી પરંતુ જાનવરો અને ઝાડ-પાનનું જીવન પણ આજ પાણી ઉપર આધારિત છે.
એક વ્યકિતએ ઈમામ જઅફરે સાદિક અ.સ.ને પૂછયું હતું કે: એ ઈમામ અ.સ. પાણીની મજા કેવી છે? આપે ફરમાવ્યું કે: પાણીની મજા એ જીવનની મજા છે. શું તે નથી સાંભળ્યું કે અલ્લાહ તઆલા ફરમાવે છે: વજઅલ્ના મેનલ માએ કુલ્લ શય્યીઈન હય્યીન – અમે દરેક જીવંત વસ્તુને પાણીથી ઉત્પન્ન કરી છે. (અંબીયા ૩૦)
સુબ્હાનલ્લાહ! પાણી પણ શું વસ્તુ છે જેની હકીકતમાં હકીમોમાં વિરોધાભાસ છે.
અગાઉ એમ માનતા હતાં કે પાણી એક જ મૂળ તત્વનું બનેલું છે અને આજના સમયના વિદ્ઘાનોનું કહેવું છે કે પાણી બે તત્વોનું બનેલું મિશ્રણ છે. પાણીમાં અજબ પ્રકારના જુદા જુદા વિરોધાભાસી ગુણો ભળેલા છે. પાણીથી આગ ઓલવાઈ જાય છે અને પછી પાણીનું આગની ગરમીથી પરિવર્તન થઇ જાય છે. પાણી અશસકત એટલું છે કે તણખલાથી જે કોઈ ચાહે તેના વહેણને ફેરવી દે છે અને શકિત એટલી છે કે પહાડોને પણ વહાવી દે છે, બલ્કે અમુક પહાડોને મૈદાનો સાથે મેળવીને નાશ કરી દે છે. માનવી પાણી પીવાથી મૃત્યુથી બચી જાય છે અને આજ પાણીમાં ડૂબીને મરી જાય છે. પાણી ભળી પણ જાય છે અને પોતાનામાં ભેળવી પણ લે છે, દાખલા તરીકે જે વસ્તુમાં ભેળવવામાં આવે કે તુરતજ તેનું સ્વરૂપ ધારણ કરી લે છે. તેથી વિરૂધ્ધ મીઠું, સાકર વિગેરે હજારો વસ્તુઓને તેમાં ઘોળવામાં કે મેળવવામાં આવે તો તેને પોતાના સ્વરૂપમાં ભેળવી દે છે. જ્યારે સૂર્યની ગરમી વધે છે ત્યારે પાણીની વરાળ થઈને ઉપર ચડે છે અને વાદળો બની વરસાદ રૂપે વરસે છે. સૂર્યની ગરમી બરફ વિગેરેને ઓગાળીને સાગરમાં પધરાવી દે છે. જો ઝાડ ભેજ વગરનું થઇ જાય તો સુકાઈ જાય છે માનવીના શરીરમાંથી પણ જો ભિનાશ ચાલી જાય તો તે મૃત્યુ પામે છે. માનવ શરીરમાં ત્રણ ભાગ પાણીના અને એક ભાગ સુકી વસ્તુઓનો છે. બાળકના જન્મ પછી જ્યારે તે માનું દુધ પીવાનું શરૂ કરે છે ત્યારે તે દુધના પાંચ ભાગમાંથી ચાર ભાગ પાણીના હોય છે અને એક ભાગ બીજી વસ્તુનો હોય છે માનવ શરીરમાં ખોરાક હજમ કરવા અને લોહીનું પરિભ્રમણ કરવા માટેનું તત્વ આ પાણીજ છે, માનવી ખોરાક વગર જેટલો સમય જીવંત રહી શકે છે તેટલો સમય પાણી વગર જીવી શકતો નથી. આટલાજ માટે દરેક શરીઅતમાં પાણી પીવરાવવાનો સવાબ ઘણો વધુ છે. સાહેબે ખસાએસે હુસ્યનિય્યાની નજરમાં: તમામ ઈબાદતોથી તેનો બદલો – સવાબ વધુ છે. ખાસ કરીને ઈમામ અ.સ. તશ્નાકામના નામ ઉપર પાણી પીવડાવવામાં આવે તો તેનો સવાબ તેથી પણ વધુ થઈ જશે. આજ કારણથી મોહર્રમના દસ દિવસ ઠેક ઠેકાણે પાણીની સબીલ આ મઝલુમના નામ ઉપર રાખવામાં આવે છે.
ઉસુલે કાફીમાં ઈમામ જઅફરે સાદિક અ.સ.થી મન્કુલ છે કે જનાબે હઝરત અલી બીન અબી તાલીબ અ.સ.એ ફરમાવ્યું:
કયામતના દિવસે જ્યારે સારા કાર્યોનો સવાબ સદ્કર્મીઓને આપવામાં આવશે ત્યારે તેની શરૂઆત તે લોકોથી કરવામાં આવશે કે જેઓએ આ ફાની દુનિયામાં કોઈ તરસ્યાને પાણીથી તૃપ્ત કર્યો હશે.
પછી એજ પુસ્તક અલી કાફીમાં મુસાદીફથી પ્રસ્તુત છે કે હું એક વખત ઈમામ જઅફર સાદિક અ.સ.નો સહ-પ્રવાસી હતો અને તે હઝરત અ.સ. મક્કા અને મદિનાની વચ્ચે સફરમાં હતાં. અચાનક રસ્તામાં જોયું કે એક માણસ ઝાડની નીચે પડયો છે. તેની સ્થિતિ એવી બદલાએલી હતી જેવી કોઈની રૂહ કબ્ઝ થવાની ઘડી આવી પહોંચી હોય.
હઝરતે મને કહ્યું: એ મુસાદીફ! મારી સાથે ચાલ, જોઈએ તે કેવી હાલતમાં સપડાએલો છે. તેની આ પરિસ્થિતિ શા કારણે થઈ છે. મને શંકા છે કે તરસની તીવ્રતાના કારણે તે આ રીતે બેચેન છે.
મુસાદીફ કહે છે, હું હઝરત અ.સ.ની સાથે તેની પાસે ગયો. ઈમામ અ.સ.એ ફરમાવ્યું: શું તું તરસ્યો છે? તેણે જવાબ આપ્યો, હા તરસ્યો છું. આ સાંભળી ઈમામ અ.સ.ને રહેમ આવી ગઈ, આપે ફરમાવ્યું: એ મુસાદીફ જલ્દી તેને તૃપ્ત કર. હું તરતજ ઘોડા ઉપરથી ઉતર્યો અને તેને પાણી પીવરાવ્યું. પછી સવાર થઈને હઝરત અ.સ.ની સાથે રવાના થયો. રસ્તામાં મેં ઈમામ અ.સ.ને સવાલ કર્યો: એ મવલા! આ માણસ તો ઇસાઈ જણાતો હતો. શું કાફરોને પણ પાણી પીવરાવવું જાએઝ છે? આપ અ.સ.એ ફરમાવ્યું: અલબત્ત! આવી હાલતમાં જાએઝ છે.
પાણી વગર માણસ જીવી નથી શકતો. જો કોઈને ત્રણ દિવસ માટે પાણી બંધ કરી દેવામાં આવે તો તેનો શું હાલ થશે. અફસોસ જે પાણી કાફરોને પીવરાવવું જાએઝ છે તે ફરઝંદે રસુલ માટે બંધ કરી દેવામાં આવે. ઉમર સઅદ મલઉને શરૂઆતથીજ ઈમામ હુસયન અ.સ. માટે પાણી બંધ કરી દીધું હતું, પરંતુ જ્યારે ઈમામ હુસયન અ.સ.એ કુવા ખોદાવ્યા અને થોડો સમય પોતાના સાથીઓને પાણી પીવરાવ્યું તો આ ખબર સાંભળીને ઇબ્ને ઝીયાદ મલઉને ઈબ્ને સાઅદને પાણીની પાબંદીની સખ્ત તાકીદ લખી અને લખ્યું:
એ ઉમરે સાઅદ! તું ઈમામ હુસયન અ.સ. અને તેમના સાથીઓ અને ફુરાતના પાણી વચ્ચે આડશ બની જા જેથી તે લોકોને એક ટીપું પણ પાણી પીવા ન મળે. (નફસુલ મહમુમ, પા. ૧૦૮-૧૦૯)
આ પત્ર વાંચીને તેજ સમયે ઉમરે સઅદે ઉમર બીન હુજ્જાજે ઝયદીને પાંચસો સવારોની સાથે ફુરાતના કિનારે મોકલી આપ્યો. તે લોકો ત્યાં ઉતર્યા અને પાણી રોકી દીધું. આ વાત સૌ જાણે છે કે આ સખ્તાઇથી હઝરત અ.સ. માટે કયારથી પાણી બંધ થયું. આશુરાના દિવસે તરસને લીધે ઈમામ હુસયન અ.સ.ની એ હાલત હતી કે આંખોમાં અંધારૂં છવાઈ ગયું, જે રીતે જીબ્રઈલ અ.સ.એ હઝરત આદમ અ.સ.ને કહ્યું હતું.
અય આદમ! અફસોસ કે તમે જોતે કે હુસયન અ.સ. મઝલુમ તરસના કારણે કેવી રીતે ફરિયાદ કરતાં હતાં. આ તરસની તીવ્રતાથી તેમની આંખોમાં જમીનથી આસમાન સુધી ધુમાડાની જેવું દેખાતું હતું. (નવાએજુલ અહઝાન, પાના ૨૬૫)
સાહેબે ખસાએસ હુસયનીય્યહ લખે છે કે તે તરસે ઈમામ અ.સ.ના ચાર અંગો ઉપર અસર કરી હતી. પરંતુ તેનો અર્થ એ નથી કે ચાર અંગો સિવાય બીજા કોઈ અંગો ઉપર તરસની અસર ન હતી કારણકે તરસ એવી વસ્તુ છે જેનાથી માનવીની શકિત ક્ષીણ થઈ જાય છે અને તે કમજોર થઇ જાય છે અને ખાસ કરીને આ ચાર અંગો પર તરસની અસર વધારે થાય છે. તે ચાર અંગો આ છે:
પહેલું જીગર, હઝરત અ.સ.નું જીગર પાણી ન મળવાથી ટૂકડે ટુકડા થઇ ગયું હતું. જેમકે ઈસ્તેગાસાના (મદદ માટે પોકારવાના) સમયે ખુદ અશ્કીયાઓને આ રીતે ફરમાવતાં હતા: એ લોકો! મને થોડું પાણી પીવરાવો કે તરસની સખ્તાઈથી મારૂં જીગર ટૂકડા ટૂકડા થઇ ગયું છે. (જીલાઉલ ઓયુન – પા. ૪૦૮)
બીજું હોઠ મુબારક છે, જે તરસના કારણે સુકાઈ ગયા હતા. જેમકે કવિ કહે છે:
મારૂં જીવન ન્યોચ્છાવર એ નાજુક હોઠોં ઉપર જે તરસની તીવ્રતાથી ફુલની કરમાએલી પાંખડીની જેમ સુકાઈ ને જીવ વગરના થઇ ગયા હતા અને જેના હોઠ સુધી પાણીનું એક ટીપું સુદ્ઘા મરતા દમ સુધી ન પહોંચ્યું.
ત્રીજું અંગ આંખો છે. જેમાં તરસના કારણે કુંડાળા પડી ગયા હતા અને ઉંડી ઉતરી ગઈ હતી, જેમકે શાયર કહે છે:
મારૂં જીવન ફીદા થઇ જાય એ આંખો ઉપર જેમાં પાણી ન મળવાના કારણે ખાડા પડી ગયા હતા અને જે હસરતથી (નિરાશાથી ભરપૂર) વારંવાર ફુરાતની તરફ જોયા કરતી હતી અને અંતિમ શ્વાસ સુધી પાણી ન મળ્યું.
ચોથું અંગ જેના ઉપર તૃષાએ અસર કરી તે હઝરત અ.સ.ની જીભ હતી. જે તરસથી સુકાઈ ગઈ હતી અને તેમાં કાંટા પડી ગયા હતા. ત્યાં સુધી કે તરસની સખ્તીના કારણે જરા જરા વારે જીભને ચાવતા હતા. વારંવાર ચાવવાના કારણે તે સુખી જીબ જખ્મી થઇ ગઈ હતી. આ સુકાએલી જીભની સ્થિતિ માત્ર અલી અકબરજ કરી શકે.
અલ્લાહો અકબર! શું તરસ હતી, ઈમામ હુસયન અ.સ.એ અંતિમ શ્વાસ સુધી યઝીદ પાસે પાણી માગ્યુ છે. છેવટે જ્યારે જઝરત જખ્મોથી ચૂર થઈને ઘોડા ઉપરથી જમીન ઉપર તશરીફ લાવ્યા તો નિર્લજ શીમ્ર ખંજર હાથમાં લઇ નઝદીક આવ્યો અને મુબારક છાતી ઉપર ઘુંટણ ટેકવીને બેસી ગયો અને ઝબ્હ કરવા લાગ્યો તો આપે કહ્યું: “એ શીમ્ર! તારે મને કત્લજ કરવો છે તો પહેલા થોડું પાણી પીવરાવી દે.”
પરંતુ શકીએ કોઈપણ ખયાલ ન કર્યો અને રસુલ સ.અ.વ.ના હૃદયના ટુકડાને તરસ્યાજ શહીદ કર્યા.
Comments (0)