હઝરત ઇમામ હુસૈન(અ.સ.) અને હકનું બયાન

હઝરત ઇમામ હુસૈન(અ.સ.) અને હકનું બયાન

હઝરત ઇમામ હુસૈન(અ.સ.)નો અમુલ્ય ખુત્બો જે હિ.સ. ૫૯ અને ૬૦ ના દરમ્યાન હજના મૌકા ઉપર આપે ઇર્શાદ ફરમાવ્યો હતો. તેના નૂરાની જુમ્લાઓ પૂરી દુનિયાની ઇન્કેલાબી, આર્થિક, સામાજીક હાલતને એવી રીતે જાહેર કરી રહ્યા છે, જાણે કે આજે હઝરત ઇમામ હુસૈન(અ.સ.)નો અવાજ દરેક તરફ ગુંજી રહી રહ્યો છે. સરકારે રિસાલત મઆબના આ એલાનથી કોણ ઇન્કાર કરી શકે છે કે કુર્આન અને અઇમ્મએ મઅસૂમીન(અ.મુ.સ.) એકબીજાથી ક્યારેય જુદા નહી થશે. આ સેરાતે મુસ્તકીમ પર ચાલવાવાળાના એવા રક્ષકો છે જે હૌઝે કવસર સુધી રહેબરી કરતા રહેશે.

કુર્આને કરીમનો ફાયદામંદ હોવાનો એક અંદાઝ એ છે કે તે પોતાની દરેક વાત દલીલ અને બુરહાનથી સાબિત કરે છે. કુર્આન, આંધળુ અનુસરણ અને અયોગ્ય અકીદાનો વિરોધ કરે છે.

એહલેબૈત(અ.મુ.સ.) જે કુર્આનના શરીક અને સમાન વજન ધરાવે છે, તેમનો પણ અંદાજ આવો જ છે. તેઓ પણ પોતાની હક્કાનીયતને દલીલ અને પૂરાવા સાથે સાબિત કરે છે. અને એવી મજબૂત રીતથી સાબિત કરે છે કે બધાને લાજવાબ કરી દે છે. અઇમ્મએ મઅસૂમીન(અ.મુ.સ.) એ મૌકા અને સંજોગો મુજબ પોતાની હક્કાનીય્યતને સાબિત કરી છે.

હઝરત ઇમામ હુસૈન(અ.સ.) મોઆવીયાના મૃત્યુના એક વરસ પહેલા હજ માટે તશ્રીફ લઇ ગયા. જનાબે અબ્દુલ્લાહ ઇબ્ને અબ્બાસ અને જનાબે અબ્દુલ્લાહ ઇબ્ને જઅ્ફર આ સફરમાં આપ(અ.સ.)ની સાથે હતા.

તે સમયે ત્યાં હાજર તમામ બની હાશિમના મર્દો અને ઔરતો તથા ગુલામો તેમજ ત્યાં મૌજુદ શીઆઓને જમા કર્યા અને અન્સારમાંથી એ લોકોને બોલાવ્યા જેઓ હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ને ઓળખતા હતા.

ત્યારબાદ પોતાના પ્રતિનિધિઓ થકી પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ના એ તમામ અસ્હાબને બોલાવ્યા જે હજના પ્રસંગે ત્યાં હાજર હતા. તે સમયે મીનામાં ૭૦૦ થી વધારે લોકો પોતાના ખૈમામાં મૌજૂદ હતા. જેમાં ૨૦૦ અસ્હાબ હતા અને મોટા ભાગના તાબેઇન હતા. જ્યારે બધા લોકો ભેગા થઇ ગયા તો હઝરત ઇમામ હુસૈન(અ.સ.)એ આ રીતે ખુત્બો ઇરશાદ ફરમાવ્યો:

 

“અમ્માબાદ! તમે લોકો એ વાતથી સારી રીતે જાણકાર છો અને જોઇ રહ્યા છો અને સાક્ષી છો કે આ સરકશ અમારી અને અમારા કબીલાની સાથે કેવો વર્તાવ કરી રહ્યો છે. અને કેવી રીતે વર્તન કરે છે? હું તમને એક વાત પુછવા ચાહુ છુ કે અગર હું સાચો હોઉ તો મારી તસ્દીક કરજો, નહીતર ઇન્કાર કરી દેજો.

 

મારી વાતોને ઘ્યાનથી સાંભળો અને લખી લ્યો અને જ્યારે પોતાના શહેરો અને કબીલાઓમાં પાછા ફરો, તો જે લોકો તમારી નઝદીક ભરોસાપાત્ર હોય તેમને અમારા હકની તરફ બોલાવજો, જે તમે જાણો છો. મને ડર છે કે કયાંક આ હકીકતને ભૂલાવી દેવામાં ન આવે. હક નાબૂદ થઇ જાય અને બાતિલ હાવી થઇ જાય. “પરંતુ ખુદા પોતાના નુરને સંપૂર્ણ કરશે ભલેને પછી કાફીરોને અણગમતુ કેમ ન લાગે

 

ખુદાવંદે આલમને ગવાહ બનાવીને તેને હાજર અને જોનાર જાણીને તમને પુછવા ચાહુ છુ. શું તમે નથી જાણતા કે હઝરત અલી ઇબ્ને અબી તાલિબ(અ.સ.) રસૂલે ખુદા (સ.અ.વ.)ના ભાઇ છે. જે સમયે આપ (સ.અ.વ.)એ અસ્હાબને એકબીજાના ભાઇ બનાવ્યા હતા તે સમયે હઝરત અલી ઇબ્ને અબી તાલિબ(અ.સ.)ને પોતાના ભાઇ ગણાવ્યા અને ફરમાવ્યુ: “દુનિયા અને આખેરતમાં તમે મારા ભાઇ છો અને હું તમારો ભાઇ છુ.

બધાએ કહ્યુ: હાં, એવુ જ છે.

“તમને ખુદાની કસમ આપીને સવાલ ક‚ છુ કે શું તમે જાણો છો કે હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)એ મસ્જીદ અને પોતાના ઘર માટે જગ્યા ખરીદી તેમાં મસ્જીદ બનાવી અને દસ ઘર બનાવ્યા, નવ ઘર પોતાના માટે અને દસમું ઘર જે વચ્ચે હતુ તે મારા વાલિદના માટે બનાવ્યુ. ત્યારબાદ મારા પિતાના દરવાજા સિવાય બાકીના અન્ય તમામ દરવાજાઓ બંધ કરી દીધા તે સમયે લોકો અલગ અલગ પ્રકારની વાતો કરવા લાગ્યા કે જેના પર આં હઝરત(સ.અ.વ.)એ ફરમાવ્યુ:  “ન તો મેં તમારા દરવાજા બંધ કર્યા છે અને ન મેં તેમનો દરવાજો ખોલ્યો છે. પરંતુ ખુદાવંદે આલમે મને હુકમ દીધો છે કે તમારા દરવાજા બંધ કરી દઉ અને તેમનો દરવાજો ખુલ્લો રાખુ.

 

આ ઉપરાંત તેમના સિવાય દરેકને મસ્જીદમાં સુવાની મનાઇ કરી અને તેઓ મસ્જીદમાં કાયદેસર સૂઇ શકતા હતા. તેમનું ઘર રસુલે ખુદા(સ.અ.વ.)ના ઘરમાં હતુ. તેમના ઘરમાં બાળકોની વિલાદત થઇ.

બધાએ કહ્યુ: હા! બિલ્કુલ એવુ જ છે.

 

“શું તમને ખબર છે કે હ. ઉમરે આંખ જેટલુ ઘરની દિવાલ માં મસ્જીદની તરફ કાણુ કરવા ચાહ્યુ, તો તેની રજા ન મળી તે સમયે આં હઝરત(સ.અ.વ.)એ ખુત્બો ઇરશાદ ફરમાવ્યો: ચોક્કસ! અલ્લાહ તઆલાએ મને હુકમ આપ્યો છે કે હું મસ્જીદને પાકો પાકીઝા રાખું. આ મસ્જીદમાં હું, મારા ભાઇ અને તેમના ફરઝંદો સિવાય કોઇ અન્ય રહી શકતુ નથી.

બધાએ કહ્યુ: હાં, એવુ જ છે.

 

“તમને લોકોને ખુદાની કસમ આપીને સવાલ ક‚ છુ કે હઝરત રસૂલે ખુદા(સ.અ.વ.)એ હઝરત અલી(અ.સ.)ને ગદીરે ખુમમાં વલી બનાવ્યા હતા અને તેમની વિલાયતનું એલાન કર્યુ હતુ અને ફરમાવ્યુ હતુ કે હાજર લોકોની જવાબદારી છે કે આ સંદેશો એ લોકો સુધી પહોંચાડે જે અહીં હાજર નથી.

બધાએ કહ્યુ: હા, સાચુ છે.

“તમને લોકોને ખુદાની કસમ આપીને સવાલ ક‚ છુ, શું તમે જાણો છો કે જંગે તબૂકના મૌકા પર હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.)એ અલી(અ.સ.)ને ફરમાવ્યુ હતુ “તમારો મારી સાથે એવો જ સંબંધ છે જે હા‚નને મુસા સાથે હતો અને તમે મારા પછી દરેક મોમીનના વલી છો.

બધાએ કહ્યું: હાં, એવુ જ છે.

 

“તમને લોકોને ખુદાની કસમ આપીને સવાલ ક‚ છું કે શું તમે લોકો નથી જાણતા કે જ્યારે રસુલે ખુદા(સ.અ.વ.)એ નજરાનના ઇસાઇઓને મુબાહેલા માટે બોલાવ્યા તે સમયે તેઓ ફક્ત તેમને અને તેમની પત્નીને તથા તેમના ફરઝંદોને સાથે લઇને ગયા હતા.

બધાએ કહ્યુ: જી હાં, એવુ જ છે.

 

“તમને બધાને ખુદાની કસમ આપીને સવાલ ક‚ છુ કે શું તમને ખબર છે કે ખૈબરમાં તેમને જ અલમ દેવામાં આવ્યો અને આમ ફરમાવ્યુ “હું આ અલમ તે મર્દને આપીશ જેને ખુદા અને રસૂલ દોસ્ત રાખે છે, અને તે ખુદા અને રસૂલને દોસ્ત રાખે છે. તેઓ આગળ વધીને હુમલો કરશે, મૈદાનમાંથી ફરાર નહી થાય, ખુદાવંદે આલમ તેમના હાથો પર ફતેહ અને કામ્યાબી અતા ફરમાવશે.

બધાએ કહ્યુ: હાં, એવુ જ છે.

 

“શું તમને ખબર છે કે હઝરત રસૂલે ખુદા(સ.અ.વ.)એ તેમને સૂરએ બરાઅત લઇને મોકલ્યા અને આ ફરમાવ્યુ: આ સૂરાને કાં તો હું પહોંચાડુ અથવા મારો કોઇ આદમી

બધાએ કહ્યુ: ખુદાની કસમ એવુ જ છે.

 

“શું તમને ખબર છે કે હઝરત રસૂલે ખુદા(સ.અ.વ.)ને જ્યારે પણ કોઇ મુશ્કેલ પરિસ્થિતિ સામે આવતી તો તેમને આગળ વધારતા અને તેમના પર ભરોસો કરતા હતા અને તેમને પણ તેમના નામથી ન બોલાવતા બલ્કે ફરમાવતા હતા કે, મારા ભાઇ, મારા ભાઇને બોલાવો

બધાએ કહ્યુ: ખુદાની કસમ એવુ જ છે.

 

“શું તમને ખબર છે કે હઝરત રસૂલે ખુદા(સ.અ.વ.)એ તેમની દરમ્યાન અને જનાબે જઅફર અને ઝૈદની વચ્ચે ફેંસલો કર્યો અને ફરમાવ્યુ: “અય અલી તમે મારાથી છો અને હું તમારાથી છું. તમે મારા પછી દરેક મોમીનના વલી છો.

બધાએ કહ્યુ: ખુદાની કસમ, એવુ જ છે.

 

“શું તમને ખબર છે કે તેઓ દરરોજ દિવસે અને રાતે હઝરત રસૂલે ખુદા(સ.અ.વ.)ની સાથે એકાંતમાં મુલાકાત કરતા હતા. જ્યારે તેઓ સવાલ કરતા હતા તો અતા ફરમાવતા હતા અને અગર ખામોશ રહેતા હતા તો રસૂલે ખુદા (સ.અ.વ.) ચર્ચાની શ‚આત કરતા હતા.

બધાએ કહ્યુ: ખુદાની કસમ, હાં એવુ જ છે.

 

“શું તમને ખબર છે કે હઝરત રસૃૂલે ખુદા(સ.અ.વ.)એ તેમને જનાબે હમ્ઝા અને જનાબે જઅફર પર ફઝીલત આપી જે સમયે જનાબે ફાતેમા(સ.અ.)ને ફરમાવ્યુ: “મેં તમારી શાદી મારા ખાનદાનમાંથી બહેતર શખ્સની સાથે કરી છે જે ઇસ્લામમાં સૌથી આગળ છે, જે હિલ્મમાં સૌથી અઝીમ છે અને જેમનું ઇલ્મ સૌથી વધારે છે.

બધાએ કહ્યુ: ખુદાની કસમ એવુ જ છે.

 

“શું તમને ખબર છે કે હઝરત રસૂલે ખુદા(સ.અ.વ.)એ ફરમાવ્યુ: “હું આદમની અવલાદનો સરદાર છું અને મારા ભાઇ અલી(અ.સ.) અરબના સરદાર છે. ફાતેમા(અ.સ.) જન્નતની ઔરતોની સરદાર છે અને મારા બંને ફરઝંદ હસન (અ.સ.) અને હુસૈન(અ.સ.) જન્નતના જવાનોના સરદાર છે.

બધાએ કહ્યુ: ખુદાની કસમ, એવુ જ છે.

 

“શું તમને ખબર છે કે હઝરત રસૂલે ખુદા(સ.અ.વ.)એ તેમને હુકમ આપ્યો હતો કે તેઓ જ તેમને ગુસ્લ આપશે અને જીબ્રઇલ(અ.સ.)તેમની મદદ કરશે.

બધાએ કહ્યુ: હા, એવુ જ છે.

 

“શું તમને ખબર છે કે હઝરત રસૂલે ખુદા(સ.અ.વ.)એ પોતાન આખરી ખુત્બામાં ઇરશાદ ફરમાવ્યુ: હું તમારી દરમિયાન બે અમૂલ્ય વસ્તુઓ છોડીને જઇ રહ્યો છું, ખુદાની કિતાબ અને મારી એહલેબૈત. તે બંનેને વળગીને રહેશો તો હરગીઝ ગુમરાહ નહી થશો.

બધાએ કહ્યુ: હા, એવુ જ છે.

 

પછી તે લોકોને ખુદાની કસમ આપીને સવાલ કર્યો કે શું તેઓએ હઝરત રસૂલે ખુદા(સ.અ.વ.)ને ફરમાવતા સાંભળ્યા “જે એમ વિચારે કે તે મને મોહબ્બત કરે છે અને અલી (અ.સ.)થી નફરત કરે છે તે જુઠ્ઠો છે. એ નથી થઇ શકતુ કે મારાથી મોહબ્બત કરે અને અલી(અ.સ.)થી નફરત કરે.

 

તે સમયે એક શખ્સે પુછ્યુ: અય અલ્લાહના રસૂલ (સ.અ.વ.) આ કેવી રીતે થઇ શકે છે?

 

ફરમાવ્યુ: એટલા માટે કે તેઓ મારાથી છે અને હું તેમનાથી છુ. જે તેમને મોહબ્બત કરશે તે મને મોહબ્બત કરશે, અને જે મારી સાથે મોહબ્બત કરશે તે અલ્લાહથી મોહબ્બત કરશે અને જે તેમની સાથે નફરત કરશે તેણે મારી સાથે નફરત કરી અને જેણે મારી સાથે નફરત કરી તેણે અલ્લાહ સાથે નફરત કરી.

બધાએ કહ્યુ: હા, એવુ જ છે, અમે એવુ જ સાંભળ્યુ છે.

 

ખુદાવંદે આલમ જે બાબતોથી પોતાના અવલીયાને નસીહત કરે છે તેનાથી ઇબ્રત હાસિલ કરો. ખુદાએ અહબાર (યહુદી આલીમો)ના વખાણ કરવાની મઝમ્મત કરી છે. “તેમના ઓલમા અને અહબાર તેમને ગુનાહોથી શા માટે નથી રોકતા?

 

“જનાબે દાઉદ(અ.સ.) અને જનાબે ઇસા ઇબ્ને મરીયમની જીભે બની ઇસરાઇલના એ લોકો પર લઅનત કરવામાં આવી છે, એટલા માટે કે તેઓ નાફરમાન હતા અને સરકશ હતા. આ લોકો બુરાઇઓથી રોકતા ન હતા. એ લોકો કેટલુ બૂ‚ કામ અંજામ આપતા હતા.

(સુરએ માએદહ, આયત નંબર ૭૮, ૭૯)

 

ખુદાવંદે આલમે આ કારણે તેમની મઝમ્મત કરી છે. આ લોકો પોતાની આંખોથી ઝાલીમોને ઝુલ્મ અને બૂરાઇઓ કરતા જોતા હતા, પરંતુ તેમને રોકતા ન હતા. એ ચીજોની લાલચમાં, જે તેમને ઝાલીમો તરફથી મળતી હતી અને એ ચીજોના ડરથી જેનો છીનવાઇ જવાનો અંદેશેા હતો. જ્યારે કે ખુદાવંદે આલમ ફરમાવે છે કે “લોકોથી ડરો નહી. મારાથી ડરો. અને આમ પણ ફરમાવે છે “મોમીન મર્દ અને મોમીન ઔરત એક બીજા ના વલી છે. એકબીજાને નેકીનો હુકમ આપે છે અને એકબીજાને બુરાઇથી રોકે છે. ખુદાવંદે આલમે અમ્ર બિલ મઅ‚ફ અને નહ્ય અનિલ મુન્કરનો ઉલ્લેખ સૌ પ્રથમ કર્યો છે. અને તેને વાજીબ ગણાવ્યો છે. કારણકે ખુદા જાણે છે કે અગર આ વાજીબ અદા થઇ ગયુ અને આ વાજીબ પુરી રીતે સ્થાપિત થઇ ગયુ તો બાકીના તમામ સહેલા અને મુશ્કેલ વાજીબાત સ્થિર રહેશે અને આ એટલા માટે કે અમ્ર બિલ મઅ‚ફ અને નહ્ય અનિલ મુન્કર ઇસ્લામની તરફ દઅવત આપે છે. અને ઝુલ્મથી રોકે છે. ઝાલિમની મુખાલેફત કરે છે અને સામાન્ય દૌલત અને માલે ગનીમતની સહીહ રીતે વહેંચણી કરે છે. સદકા અને ટેક્સ વસૂલ કરે છે અને યોગ્ય જગ્યાએ ખર્ચ કરે છે.

 

અય અહીં ભેગા થવાવાળાઓ! તમે એ સમૂહ છો જે ઇલ્મના માટે મશ્હૂર છો. ભલાઇ અને નેકીઓમાં તમારો ઉલ્લેખ છે. નસીહતોમાં તમા‚ નામ લેવામાં આવે છે. ખુદાના લીધે તમારો રોબ છે. શરીફ તમારાથી ડરે છે. કમઝોર તમારો એહતેરામ કરે છે. જે લોકો પર તમને કોઇ ફઝીલત નથી, તેઓ તમને અગ્રતા આપે છે. જ્યારે કે તેઓ પર તમારો કોઇ હક નથી. જ્યારે તલબ કરવાવાળાઓની જ‚રતો પુરી નથી થતી તો તમે તેની સિફારિશ કરો છો. રસ્તાઓમાં બાદશાહોના રોબ અને પ્રભાવની જેમ ચાલો છો અને મોટાઓની જેમ વર્તન કરો છો.

 

શું આ બધુ એટલા માટે નથી કે તમારાથી ઇલાહી હક્કોના સ્થાપિત થવાની આશા બંધાયેલી છે. જ્યારે કે તમે મોટા ભાગે ઇલાહી હક્કોની અદાયગી કરવામાં બેદરકારી દાખવો છો.તમે લોકોએ ઇમામના હક્કોને હલ્કા સમજી લીધા છે. કમઝોરના હક્ક તમે બરબાદ કરી દીધા. પરંતુ પોતાના ખયાલમાં પોતાનો હક તલબ કરી લીધો છે. ન તો તમે કાંઇ માલ ખર્ચ કર્યો અને ન તો જે હેતુ માટે તમને પૈદા કરવામાં આવ્યા છે તેને પુરો કર્યો, અને ન તો તમે કોઇ કૌમ અને કબીલાની સાથે ખુદાની ખાતર દુશ્મની કરી. એ છતા પણ તમે ખુદાની જન્નતના ઉમ્મીદવાર છો. ઇલાહી અંબીયાની સાથે રહેવાના ઇચ્છુક છો, અઝાબે ખુદાવંદીના અઝાબથી સુરક્ષિત રહેવાના દાવેદાર છો.

 

અય ખુદાની તરફ મન્સૂબ લોકો! મને ડર છે કે ક્યાંક તમે ખુદાના મહાન અઝાબમાં ગિરફ્તાર ન થઇ જાવ. કારણકે ખુદાના ફઝલો કરમથી તમને મહાન ફઝીલત અને દરજ્જો નસીબ થયો છે. જે ખુદાની મઅરેફત રાખે છે, તમે તેનો એહતેરામ નથી કરતા અને અલ્લાહના બંદાઓમાં ખુદાના લીધે મોહતરમ થવા ચાહો છો. તમે જોઇ રહ્યા છો કે ખુદાના અહદ અને વાયદાને તોડવામાં આવી રહ્યો છે. એ છતા પણ તમે ડરતા નથી, અને તમારા બાપ-દાદાઓનો અહદ અને વાયદો તોડવામાં આવે તો તમે ખૂબ જ નારાજ થઇ જાઓ છો, ગુસ્સે થાઓ છો. રસૂલે ખુદા(સ.અ.વ.)નો અહદ અને વાયદો તોડવામાં આવી રહ્યા છે અને તેને નઝરઅંદાજ કરવામાં આવી રહ્યો છે.

 

શહેરોમાં આંધળા, મુંગા અને અપાહિજ લોકોની કોઇ સંભાળ લેવાવાળુ નથી, ન તો તમે તેઓ પર રહેમ કરો છો અને ન તો તમારા ઘરોમાં તેને જગ્યા આપો છો, અને ન તો તમારા પોતાના કોઇ અમલથી તેમની મદદ કરો છો.

પોતાની ચીકણી ચીકણી વાતો, રિયાકારીથી ઝાલીમોની નઝદીક સ્થાન બનાવી રહ્યા છો. જ્યારે કે ખુદાવંદે આલમે તમને આ તમામ બાબતોની મનાઇ કરી છે, અને તમે તેનાથી ગફલત વર્તી રહ્યા છો. લોકોની સૌથી મોટી મૂસીબત એ છે કે તમે લોકોએ ઓલમાની જગ્યા પર કબ્ઝો કરી લીધો છે. કાશ! તમને આ વાતનો એહસાસ હોત.

આનું કારણ એ છે કે હુકમો અને એહકામોનું જારી કરવુ અને લાગું કરવું એ ઓલમાના હાથોમાં છે જે ખુદાના હલાલ અને હરામ પર તેના અમાનતદાર છે. આ મંઝેલત અને હોદ્દો તમારી પાસેથી છીનવી લેવામાં આવ્યો છે. અને આ એટલા માટે છીનવી લેવામાં આવ્યો કે તમે હકના મસઅલામાં વેર-વિખેર છો, અલગ અલગ સમૂહમાં છો. સ્પષ્ટ દલીલો હોવા છતા સુન્નતના બારામાં એકબીજાથી અલગ અલગ છો.

અગર તમે અઝીય્યતો પર સબ્ર કરતે, ખુદાની રાહમાં ખુદા માટે તકલીફો સહન કરતે તો ઇલાહી બાબતો તમારી તરફ પલટી જાત અને તમારા થકી લાગું થતે અને તમારી તરફ પાછા આવત. પરંતુ તમે લોકોએ પોતાની મંઝેલત અને હોદ્દાથી ઝાલીમોની મદદ કરી અને ઇલાહી કાર્યો ઝાલીમોને સોંપી દીધા. તેઓ શંકાશીલ બાબતો પર અમલ કરે છે અને ખ્વાહીશાતના રસ્તા ઉપર ચાલે છે. મૌતથી તમારા ભાગવાએ જુદા થવાવાળી જીંદગીની મોહબ્બતે તેમને તમારા પર સત્તાવાન બનાવી દીધા. તમે લોકોએ કમઝોરોને તેમના હવાલે કરી દીધા. અમૂક એવા છે કે જેઓ કૈદખાનામાં તકલીફો ભોગવી રહ્યા છે. અમૂક એવા કમજોર છે કે બે ટંકની રોટલીના મોહતાજ છે. આ (ઝાલિમ) મુલ્કમાં પોતાની મનમાની કરે છે અને પોતાની ખ્વાહીશાતોથી ઝીલ્લતોને આબાદ કરી રહ્યા છે, બુરા લોકોની પૈરવી કરી રહ્યા છે. ખુદાની વિ‚ધ્ધતા કરવા માટે તૈયાર છે. દરેક શહેરમાં તેમનો એક ખતીબ છે જે મીમ્બર પરથી રાડો પાડી રહ્યો છે. ઝમીન તેમના ઝુલ્મથી ભરેલી છે. તેમના હાથ ખુલ્લા છે. લોકો તેમના ગુલામ છે. અને પોતાનો બચાવ નથી કરી શકતા. કમઝોરો અને તંગદસ્તો ઉપર ઝાલિમ અને જાબિર તથા સત્તાવાન લોકોની પકડ મજબૂત છે. આ એવા હાકિમ છે જેમને શ‚આત અને અંતની કોઇ ખબર નથી.

કેટલુ બધુ આશ્ર્ચર્ય છે અને હું આશ્ર્ચર્ય શા માટે ન ક‚? ઝમીન ઝાલિમોથી ભરેલી છે. બેરહેમ નિર્દય લોકોને મોમીનોના હાકિમ બનાવી દીધા છે.

ખુદા આપણા ઝઘડામાં ફેંસલો કરશે અને આપણા મતભેદો ઉપર તે ફેંસલો કરશે.

ખુદાયા! તુ જાણે છે કે અમારામાંથી કોઇને પણ બાદશાહત અને હુકૂમતની ખ્વાહીશ નથી, અને ન તો આ દુનિયાની કોઇ ઇચ્છા છે, અમે તો તારા દીનના પરચમને બુલંદ જોવા ચાહીએ છીએ, અને તારા શહેરોમાં સુધારણા કરવા ચાહીએ છીઅ. જેથી તારા મઝલુમ બંદાઓ અમ્નો અમાનમાં રહી શકે. તારા વાજીબાત, મુસ્તહબાત અને હુકમો પર અમલ થઇ શકે.

અગર તમે લોકોએ અમારી મદદ ન કરી અને અમારી સાથે ન્યાય ન કર્યો તો ઝાલિમ તમારી પર હજી વધારે સત્તાવાન બની જશે. તમારા નબીના નૂરને બુજાવવાની કોશીશ કરશે.

અને અલ્લાહ અમારા માટે કાફી છે. તેના પર ભરોસો કરીએ છીએ અને તેના તરફ પાછુ ફરવું છે અને તેની જ તરફ જવાનું છે.

(અલ ઇમામ અલ હુસૈન(અ.સ.) સેમાતોહુ વ સિરતોહુ સૈયદ મોહમ્મદ રેઝા જલાલી, પાના: ૧૦૬-૨૧૨)

(મિમ્માઝા મહફઝુલ અલ ઇમામ હુસૈન(અ.સ.), પાના: ૨૬-૩૧, અબ્દુસ્સાહેબ ઝદાલરીયાસ્તીન)

આ અઝીમુશ્શાન ખુત્બાને ધ્યાનથી વાંચો, અરીસો બનાવીને પોતાના ઝમાનાની તસ્વીર જુઓ ક્યાંક એવુ ન થાય કે આપણે પોતે એ લોકોમાંથી હોઇએ.

આવો પરિસ્થિતિનો સામનો કરીએ અને હઝરત વલીએ અસ્ર(અ.ત.ફ.શ.)ના પુરનૂર ઝુહૂરના માટે ઝમીન તૈયાર કરીએ અને હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ની ખુશ્નૂદી હાસિલ કરીએ.

—૦૦૦—

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *