ઇમામ હુસૈન(અ.સ.)ના કયામના કારણો અને સબબો, મરાજએ કેરામના ફત્વાઓ સાથે
ઇમામ હુસૈન(અ.સ.)ના કયામના કારણો અને સબબો, મરાજએ કેરામના ફત્વાઓ સાથે
કરબલાની ખૂન ભરેલી દાસ્તાન અને સય્યદુશ્શોહદા હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ની શહાદતની આગાહીઓ, હઝરત આદમ(અ.સ.)થી લઇને હઝરતે ખાતમ મોહમ્મદે મુસ્તફા(સ.અ.વ.), તમામ અંબીયા(અ.મુ.સ.)એ મખ્સૂસ રીતે બયાન કરી છે. અઇમ્મએ હોદા(અ.સ.)ની રિવાયતોમાં અમુક અંબીયા(અ.મુ.સ.)દ્વારા ટુંકમાં અને અમુક અંબીયા દ્વારા વિગતવાર કરબલાના બનાવ બનવાના બારામાં વર્ણન કરવામાં આવ્યુ છે. આ લેખમાં અમારો હેતુ અને મકસદ આ બનાવોની વિગત નથી, અલબત્ત ફક્ત એ યાદ રાખવુ જોઇએ કે કરબલાના બનાવ અને હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ની શહાદતના મૂળ બહુજ મજબૂત છે અને તેની મઝહબી તથા શરીઅતી હૈસીયત મજબૂત અને પ્રમાણિત છે. અલ-મુન્તઝરના મોહર્રમના જુદા-જુદા ખાસ અંકોમાં અમૂક હદ સુધી આ રિવાયતો પર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. આથી વાંચકો અગાઉના અંકો તરફ ચોક્કસ રજૂ થાય.
એક અન્ય વાત કહીએ કે જ્યાં અંબીયા અને અઇમ્મા(અ.મુ.સ.)ની રિવાયતો કરબલાના બનાવની આગાહીઓ અને પછી શહાદત બાદ અઇમ્મએ હોદા (અ.સ.)ના થકી અઝાદારીની રસ્મોનું કાયમ કરવુ તથા લોકોને આ રસ્મો કાયમ કરવા માટે તાકીદ કરવા પર મુતવાતિર હદીસો મૌજૂદ છે. તેમજ કુર્આને મજીદમાં પણ અઝાદારીની રસ્મના બારામાં એક નહી પણ પુષ્કળ સાબિતિઓ પ્રાપ્ત થાય છે. આથી કુર્આને મજીદની અસંખ્ય આયતોની રૌશનીમાં અઝાદારીની શરઇ હૈસીયત સાબિત છે. તેના માટે અમે આપ સૌને અલ-મુન્તઝરના માહે મોહર્રમના ખાસ અંકોનો અભ્યાસ કરવાની ભલામણ કરીએ છીએ.
જ્યારે કુર્આન અને હદીસ તેમજ સુન્નતના થકી અઝાદારીની રસ્મો અને આશુરાનું મહત્વ સાબિત છે, તો પછી વધારે કોઇ સાબિતિની જર નથી, પરંતુ સામાન્ય લોકો જે શરીઅતના કાનૂનો અને અહેકામોના કારણોથી સામાન્ય રીતે અજાણ હોય છે, તેઓ ક્યારેક જાણી જોઇને અથવા અજાણતા અથવા બહારની ગંદકીઓના લીધે અથવા નાસેબીઓની ગુમરાહ કરનારા વાંધાઓથી પ્રભાવિત થઇને અઝાદારીની રસ્મો પર એઅતેરાઝ કરવાનું શ કરી દે છે. અઝાદારી અને આશુરાના મહત્વને હલકુ કરવાની કોશિષ કરે છે અને અમુક પ્રસંગોએ તો ઘણી બધી હકીકતોનો ઇન્કાર કરી દે છે.
આથી અમે આ લેખમાં કોશિષ કરી છે કે હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ના કયામના કારણો અને સબબોના શીર્ષક હેઠળ આપણા બુઝુર્ગ મરાજેએ તકલીદ અને ખાસ કરીને હાલના સમયના મશહુર મરાજેઅના અભિપ્રાયોને લોકોની સામે રજૂ કરીએ.
મહાન મરાજેઅના અભિપ્રાયોને વર્ણવતા પહેલા હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ના કયામના અમૂક કારણો અને સબબોનો ઉલ્લેખ કરવો જરી સમજીએ છીએ.
કરબલાની ચળવળના કારણોનો ઐતિહાસિક દ્રષ્ટીબિંદુથી અભ્યાસ:
હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ના કયામના કારણો પર નજર કરવામાં આવે તો માલુમ પડશે કે આપના કયામની પાછળ ઘણી બધી દીની અને સામૂહીક જવાબદારીઓ હતી અને એટલાજ માટે આપે એ મહાન શહાદત પેશ કરી. અહીં અમે અમૂક જવાબદારીઓ અને કારણો ઉપર ટુંકમાં પ્રકાશ ફેંકીએ છીએ.
૧. દીની જવાબદારી:
દીની વાજીબાત અને જવાબદારીઓએ આપ(અ.સ.) પર કયામ કરવાને વાજીબ બનાવી દીધુ. કારણકે ઉમવી રાજકર્તાઓ અલ્લાહના હરામને હલાલ ગણતા હતા અને પોતાના વાયદા અને વચનને તોડી નાખ્યા હતા તેમજ સુન્નતે રસુલ(સ.અ.વ.)ની મુખાલેફત કરતા હતા.
૨. સામાજીક જવાબદારી:
સામુહિક અને સામાજીક દ્રષ્ટીએ ઇમામ(અ.સ.) એક કેન્દ્રીય હૈસીયત ધરાવે છે. આથી આપ (અ.સ.)એ ઉમ્મતના ઇમામ હોવાના કારણે જ્યારે આ જોયુ કે ઉમવી હુકૂમત વડે સમાજમાં ઝુલ્મ અને ગલબો ત્થા ફસાદ વધી ગયો તો આપ(અ.સ.)એ ઉમવી રાજકર્તાઓને રદ્દ કર્યા અને પછી આપ એક મોટી જવાબદારી લઇને ઉભા થયા અને પોતાના પૈગામને અમાનતદારી અને ઇખ્લાસની સાથે પહોંચાડ્યો અને પોતાને તથા પોતાના અહલેબૈત(અ.મુ.સ.)ને અને પોતાના અસ્હાબોને કુરબાન કરી દીધા, જેથી ઇસ્લામી અદાલત અને કુર્આનના હુક્મની સ્થાપના થાય.
૩. ઇત્મામે હુજ્જત:
કુફા તરફથી સતત પત્રો અને આમંત્રણો આવવાના લીધે આપ(અ.સ.)ને એલાને જેહાદ તથા બાગીઓની સાથે જંગ તથા લડાઇ કરવા પર તૈયાર કર્યા, તેમના પત્રો અને આમંત્રણોના જવાબ, ઇમામ હોવાના લીધે આપ(અ.સ.)એ હુજ્જત તમામ કરવા માટે તેમની દઅવતો અને પત્રોનો ખ્યાલ રાખ્યો અને તેમને ઉમવીઓના ઝુલ્મથી નજાત દેવા માટે નીકળી ગયા.
૪. ઇસ્લામની હિમાયત:
કારણોમાંથી એક કારણ જેને લીધે આપે શહાદત પેશ કરી તે ઉમવી હુકુમત તરફથી જે ઇસ્લામને ખતરો હતો અને તે લોકોની કોશિષ હતી કે ઇસ્લામને મિટાવી દે અને તેને જડમૂળમાંથી ઉખેડી નાખે. જ્યારે ખુદ યઝીદે પોતાના કુફ્રનું એલાન કરતા કહ્યુ હતુ:
“લએબત બનુ હાશિમો બિલ મુલ્કે
ફલા ખબન જાઅ વ લા વહ્યુન નઝલ
“બની હાશિમે હુકૂમત માટે ખેલ કર્યો, હકીકતમાં ન તો કોઇ ખબર આવી ન કોઇ વહી નાઝિલ થઇ
અને યઝીદ જાહેલીય્યતના સમયના અકીદાઓને માનતો હતો અને કહેતો કે ન તો કોઇ કિતાબ નાઝિલ થઇ છે અને ન તો જન્નત છે ન જહન્નમ. આથી આપ હઝરત(અ.સ.)એ તેઓની આ કોશિષ નિષ્ફળ બનાવવાનો ઇરાદો કરી લીધો.
૫. ખિલાફતની હિફાઝત:
સ્પષ્ટ કારણોમાંથી એક કારણ આ પણ હતુ કે જેના માટે ઇમામ(અ.સ.)એ કયામ કર્યો. જેથી ઇસ્લામી ખિલાફતને ઉમવીઓની નજાસતથી પાક કરી દેવામાં આવે કે જેના પર તેઓએ જબરદસ્તી કબ્ઝો કરી લીધો હતો. અને ઇસ્લામની સ્પષ્ટપણે વિધ્ધતા અને તૌહીન કરી રહ્યા હતા. આથી ઇમામ(અ.સ.) લોકોની વચ્ચે સામૂહીક ન્યાય સ્થાપિત કરવા ચાહતા હતા અને ફસાદને ખત્મ કરવા ચાહતા હતા.
૬. ઉમ્મતના ઇરાદા અને ઇખ્તીયારમાં આઝાદી:
મોઆવીયા અને યઝીદના સમયમાં મુસલમાન પોતાના ઇરાદા અને ઇખ્તીયારના ઉપયોગ માટે આઝાદ ન હતો. સખ્તીઓ અને કૈદ તથા પાબંદીઓનો સમય હતો. કોઇપણ પ્રકારની આઝાદી ન હતી. આથી જ ઇમામ હુસૈન(અ.સ.)એ જેહાદ અને જાંનિસારી માટે તલવાર ઉપાડી જેથી મુસલમાનોને ઇઝ્ઝત અને સન્માનથી જોડી દે અને અંતે આપ(અ.સ.)ની શહાદતે મુસલમાનોના ઇતિહાસ અને જીવનને સંપૂર્ણ રીતે બદલી નાંખ્યો.
૭. સામૂહીક ઝુલ્મો:
સંપૂર્ણ ઇસ્લામી રાજ્યમાં ઝુલ્મ ફેલાઇ ગયો હતો અને સમાજમાં તેમના ઝુલ્મો સિતમથી છુટકારો શક્ય ન હતો. આથી ઇમામ હુસૈન(અ.સ.)એ તલવાર ઉપાડી અને મુસલમાનો માટે ઇઝ્ઝત અને સન્માનના દરવાજા ખોલી નાંખ્યા.
૮. અલી(અ.સ.)ના શીઆઓ પર ઝુલ્મો:
ઉમવી હુકૂમત અલી(અ.સ.)ના શીઆઓની વિધ્ધ ચળવળ ચલાવી રહી હતી. શીઆઓ પર સતત ઝુલ્મ થઇ રહ્યા હતા. આથી ઇમામ હુસૈન(અ.સ.)એ તેમની હિમાયત તથા તેમને ઝુલ્મો જૌરથી નજાત દેવા માટે કયામ કર્યો.
૯. ઝિક્રે અહલેબૈત(અ.સ.)ને મીટાવી દેવુ.
એક ખૂબજ સ્પષ્ટ બાબત એ હતી કે ઉમવી હુકૂમત એ કોશીષમાં હતી કે એહલેબૈત(અ.મુ.સ.)ના ઝિક્રને મિટાવી દેવામાં આવે અને તેમના મનાકિબ અને આસારનો નાશ કરી નાંખવામાં આવે અને મોઆવીયાએ આ કાર્ય માટે આ ખરાબ તરીકો અપનાવ્યો. આપ(અ.સ.)એ જોયુ કે મીમ્બરો પરથી પોતાના વાલિદ અલી(અ.સ.) પર ગાળો દેવામાં આવી રહી છે. આથી આપ(અ.સ.)એ તેને મૂળમાંથી ઉખાડી દેવા ચાહતા હતા.
૧૦. ઇસ્લામી મુલ્યો અને વ્યવસ્થાને તબાહ અને બરબાદ કરવી:
ઉમવી હુકૂમત એ વાત પર તય્યાર હતી કે ઇસ્લામી વ્યવસ્થા અને ઇસ્લામી મૂલ્યોને તબાહ અને બરબાદ કરી દેય. આથી આપ(અ.સ.)એ ઇસ્લામી મૂલ્યો અને વ્યવસ્થામાં હ ફુંકવા માટે કયામ કર્યો.
૧૧. અમ્ર બિલ મઅફ:
સૌથી મજબૂત અને તાકીદ ભરેલ કારણોમાંથી એક આ કારણ છે. આપ(અ.સ.)એ પોતેજ પોતાની વસીય્યતમાં ફરમાવ્યુ કે હું અમ્ર બિલ માઅફ અને નહ્ય અનિલ મુન્કરના માટે કયામ કરી રહ્યો છું. જે આ દીનની બુનિયાદ છે અને દરેક ઇન્સાનના માટે પ્રથમ દરજ્જા પર છે.
૧૨. બિદઅતને ખત્મ કરવી:
આપ(અ.સ.)એ બસરાના લોકોને ઉમવી હુકૂમતના બારામાં લખ્યુ કે “ચોક્કસ સુન્નતને ખત્મ કરવામાં આવી રહી છે અને બિદઅતની શોધ કરવામાં આવી રહી છે. આથી અમે ઉમવીઓની બિદઅતોને કે જેના આધાર જેહાલત પર હતો, તેને ખત્મ કરવા માટે અને પોતાના જદ્દની સુન્નતને જીવંત કરવા માટે તેમજ પરચમે ઇસ્લામને બુલંદ કરવા માટે પોતાના ખૂનની કુરબાની પેશ કરી.
૧૩. ઇઝ્ઝત અને કરામત:
ઉમવીઓએ ચાહ્યુ હતુ કે ઇમામ હુસૈન(અ.સ.) અને એહલેબૈત(અ.મુ.સ.)ને ઝલીલ કરે પરંતુ ઇમામ હુસૈન (અ.સ.)એ તેમના આ મીશનને નિષ્ફળ કરી દીધુ અને આશુરાના દિવસે આપે પોતાના બીજા ખુત્બામાં ઇરશાદ ફરમાવ્યુ:
“અલા ઇન્નદ્ દએયબ્ન દએય્ય કદ રકઝ….
“આગાહ થઇ જાઓ કે આ દએય ઇબ્ને દએય (ઇબ્ને ઝિયાદ) (દએય એ શખ્સ છે જેના પર તેના વંશમાં હોવા બાબત તોહમત હોય-નીચ અને હલકો માણસ) એટલે કે આ હલ્કો શખ્સ અને હલ્કા માણસના દિકરાએ મને બે રસ્તા પર એટલે કે તલ્વાર અને ઝિલ્લતની દરમિયાન કરી દીધો છે, ખુદા અને તેના પયગંબર અને મોઅમીન એ વાતથી કે અમે ઝિલ્લત કબૂલ કરીએ તેનાથી મનાઇ કરી છે અને પાકદામન અને ગયરતદાર માતાના તથા શુજાઅતના માલિક પિતાના નફ્સો એ યોગ્ય નથી ગણતા કે પસ્ત અને હલ્કાની ઇતાઅતની ગવાહી તથા પોતાની નેક સ્વભાવ પર અગ્રતા આપે. આગાહ થઇ જાઓ કે મદદગારોનું ઓછુ હોવુ અને લોકોની મદદ માટે પીઠ દેખાડવા છતા હું મારા આ નાના સમુહની સાથે જેહાદ કરવા માટે તૈયાર છું. ઇમામ હુસૈન(અ.સ.)એ પોતાની શરાફત અને ઇઝ્ઝત અને કરામતનું એલાન પણ કર્યુ અને તહોમતદાર વંશ ઇબ્ને ઝિયાદની અસલીયતને બધાની સામે જાહેર કરી દીધી. તે ઇમામ હુસૈન(અ.સ.)ને ઝલીલ કરવા માંગતો હતો પરંતુ કયામત સુધી ખુદ ઝલીલ થઇ ગયો.
૧૪. ઉમવીઓની ખયાનત:
ઇમામ હુસૈન(અ.સ.) જાણતા હતા કે ઉમવીઓ કોઇ પણ રીતે ખયાનત અને ઝઘડાઓથી રોકાશે નહી. આથી આપે પોતાના ભાઇ મોહંમદે હનફીયાને ફરમાવ્યુ: અગર હું દરમાં દાખલ થઇ જાવ (તે કાતિલો) મને એ દરોમાંથી પણ કાઢશે અને મને કત્લ કરશે. હઝરત ઇમામ હુસૈન(અ.સ.)એ એ વાતની પણ સ્પષ્ટતા કરી દીધી કે આ લોકો પોતાના વાયદાઓને પુરા નહી કરે. મોઆવીયાએ અમીલ મોઅમેનીન (અ.સ.) અને હઝરત ઇમામ હસન(અ.સ.) સાથે વાયદા ખિલાફી કરી અને ખયાનત કરી અને એજ રીતે મોઆવીયા પણ એ જ તરીકા ઉપર અમલ કરશે.
આ અમૂક સબબો અમે વર્ણવ્યા છે કે જેને ઇતિહાસકારોએ નક્લ કર્યા છે. આ ઉપરાંત પણ ઘણા બધા કારણો અને સબબો લખવામાં આવ્યા છે. આ લેખમાં તેની ગુંજાઇશ નથી. એક ચીજ અહીં વર્ણવવી જરી છે કે ઇમામ હુસૈન(અ.સ.)ના કયામના વિશે આ તમામ સબબો અને કારણો જે વર્ણન થયા છે આ એક ખૂબજ સામાન્ય મત છે અને ઇતિહાસમાં આ સબબો મળી આવે છે. પરંતુ કોઇ એ ખ્યાલ ન કરે કે આ જ તમામ સબબો હુસૈની કયામના અંતિમ કારણો છે.
ઇમ્તેહાન:
આ જાહેરી સબબ પર વિચાર કરવાથી એ માલૂમ થાય છે કે બની ઉમય્યાએ ઇસ્લામને મિટાવવા ચાહ્યુ અને ઝુલ્મનો અંબાર લગાવી દીધો, આથી હઝરત ઇમામ હુસૈન(અ.સ.)એ ઇસ્લામની હિફાઝત અને ઝુલ્મને કચડી નાખવા માટે કયામ કર્યો. એમા કોઇ શક પણ નથી પરંતુ રિવાયતોમાં વિચાર કરવામાં આવે તો માલૂમ થાય છે કે ઇમામ(અ.સ.)ના આ જેહાદથી ગુમરાહ લોકોનું ઇમ્તેહાન લેવામાં આવ્યુ અને એહલેબૈત(અ.મુ.સ.)ના શીઆઓ માટે આપના મુકદ્દસ કુબ્બાને પનાહની જગ્યા ગણવામાં આવી. અલ્લામા મજલીસી (ર.અ.)એ શૈખે મુફીદ(અ.ર.)ના હવાલાથી ઇમામ જઅફરે સાદિક(અ.સ.)ની એક લાંબી હદીસ વર્ણવી છે કે જેમા વર્ણન છે કે જ્યારે હઝરત ઇમામ હુસૈન(અ.સ.)એ મદીનએ મુનવ્વરાથી કુચ ફરમાવી તો ફરીશ્તાઓની ફૌજ લડાઇના સામાનથી સુસજ્જ થઇને તથા તલવાર અને નેઝાથી હથિયારબંધ થઇ જન્નતના ઉંટો પર સવાર થઇ આસ્માનથી નાઝિલ થયા ઇમામની ખિદમતમાં આવ્યા તથા સલામ કરી અને કહ્યુ: અય હુસૈન(અ.સ.)આપ આપના જદ્દે બુઝુર્ગવાર અને પીદરે નામદાર તથા ઉચ્ચ મકામ ધરાવતા બિરાદરના બાદ હુજ્જતે ખુદા છો. અલ્લાહ તઆલાએ ઘણી બધી જેહાદમાં અમને આપના જદ્દે બુઝુર્ગવારની નુસ્રત અને મદદ માટે મોકલ્યા, હવે અલ્લાહ અઝ્ઝ વ જલ્લએ અમને આપની મદદ માટે મોકલ્યા છે. હઝરતે ફરમાવ્યુ: મારી વાયદાની જગ્યા તથા શહાદતની જગ્યા અને દફનની જગ્યા કરબલા છે જ્યારે ત્યાં પહોંચુ તો મારી પાસે આવજો. મલાએકાઓએ કહ્યુ: અય હુજ્જતે ખુદા! જે અમને હુક્મ આપશો તે બજાવી લાવીશુ. આ લાંબી રિવાયતના આગળના હિસ્સામાં ઇમામ જઅફરે સાદિક(અ.સ.) ફરમાવે છે કે હઝરત ઇમામ હુસૈન(અ.સ.)એ ફરમાવ્યુ:
“અગર હું મારા ઘરમાં રોકાઇ રહુ અને જેહાદ કરવા ન જઉ તો આ ગુમરાહ મખ્લૂકનું કઇ ચીઝથી ઇમ્તેહાન લેવાશે અને કોણ શખ્સ મારી કબ્રમાં કરબલાની જમીન પર દફન થશે? જે જમીનને અલ્લાહે ખિલ્કતની શઆતથી જ ચૂંટી છે અને મારા શીઆ માટે પનાહની જગ્યા બનાવી છે અને તેમના માટે દુનિયા અને આખેરતની અમાન બનાવી
(બેહાલ અન્વાર: ભાગ:૪૪ પાના:૩૩૦)
ખુલાસા તરીકે એક વાક્ય ફરી લખીએ છીએ કે ઉમવી હુકૂમત હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ના કયામનું સંપૂર્ણ અને આખરી કારણ નથી. કારણકે અસલ મકસદ તેનાથી વધીને છે. ખુદાવંદે આલમ પોતાના વલીએ અઅ્ઝમ હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ને તેમની કુરબાની થકી ઇસ્લામને સરબુલંદ કરવાનો ઇરાદો કર્યો અને તે હઝરતને કયામત સુધી આવવાવાળા શીઆઓની રાહનૂમાઇ અને હિદાયતના રાહનૂમા બનાવ્યા. તેઓ(અ.સ.)ની અઝાદારીને ઇમાનની હિફાઝતનો ઝરીઓ બનાવ્યો. આથી શીઆના મહાન આલિમ અહમદ ઇબ્ને ફહદે હીલ્લીએ પોતાની કિતાબ ઉદ્દતુદ્દાઇ (ફારસી તરજૂમો પેજ ૧૦૪) (આ કિતાબનો ઉર્દુ અનૂવાદ સહીફએ દુઆ, અનૂવાદક: હુસૈન મહદી હુસૈની, અન્સારીયાન પબ્લીકેશન)માં લખ્યુ છે કે રિવાયતમાં આવ્યુ છે કે હક સુબ્હાનહૂએ હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ની શહાદતના બદલે તેમને ચાર ખાસીયતો અતા કરી છે.
૧. તે હઝરતની મુબારક તુરબતમાં શફા રાખી છે.
૨. તે હઝરતના કુબ્બા નીચે દુઆઓ કબૂલ કરી છે.
૩. તે હઝરતના વંશમાં અઇમ્મએ માસૂમીન(અ.સ.)ને રાખ્યા છે.
૪. તે હઝરતના ઝાએરીનના દિવસોને તેમની ઉમ્રોમાં ગણવામાં નથી આવતા (એટલે કે તેમની જે ઉમ્ર અને વય નક્કી છે, તેમાં ઝિયારતના દિવસો ગણવામાં નથી આવતા પરંતુ તે ઉમ્રમાં તેનો વધારો કરી દેવામાં આવે છે.)
માનનીય મરાજેઅના ફતવાઓ અને માન્યતાઓ:
હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ના કયામના કારણો અને સબબો પર નજર કર્યા બાદ આવો જોઇએ કે આપણા મરાજેએ કેરામે પણ એ જાહેરી સબબોને સામાન્ય કારણ તરીકે બયાન કર્યા છે અને સાથો-સાથ ઇન્કેલાબે હુસૈની અને આશૂરા તથા અઝાદારીને તશય્યોઅની હ તથા જાન અને શઆએલ્લાહ તરીકે ગણી છે અને હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ની મોહબ્બતને નજાતની ઝમાનત ગણી છે અને અહીં મરાજેઅની માન્યતા અને દ્રષ્ટીબિંદુઓને વર્ણવીએ છીએ.
૧. મરહુમ આયતુલ્લાહુલ ઉઝમા સૈયદઅબુલ કાસિમ ખૂઇ(ર.અ.)નું દ્રષ્ટીબિંદુ:
હઝરત ઇમામ હુસૈન(અ.સ.)એ મોઆવીયાના સમયને પૂર્ણ થયા બાદ જોયુ કે તમામ લોકોએ એ નિહાળ્યુ કે મોઆવીયા જતા જતા કેવી કેવી બુરાઇઓ લોકોની ગરદનો પર ઠોકી બેસાડીને ચાલ્યો ગયો અને આ દીને ખુદાની સાથે જે કંઇ રમત રમવી હતી, તે રમીને ગયો. તો હઝરત ઇમામ હુસૈન (અ.સ.)એ કયામ ફરમાવ્યો. એટલા માટે કે તેઓ જાણતા હતા કે આ ઇલાહી હુકમ છે અને અલ્લાહના રસૂલ (સ.અ.વ.) ની વસીય્યતમાંથી છે. આપનો કયામ ઝમાનાના લોકો પર અને આવવાવાળી નસ્લો પર હુજ્જત બની ગયો, જેથી લોકો એ અકીદો ન બનાવી લે કે જે હાકિમ છે તેજ મુસલમાનોનો વલી છે અને તેની ઇતાઅત લોકો પર વાજીબ છે.
ખુલાસો એ કે હઝરત ઇમામ હુસૈન(અ.સ.)એ તે ચીજોને જીંદગી અતા કરી જેને બની ઉમય્યાએ ખત્મ કરી દીધી હતી. આપનું આ કાર્ય હુજ્જત બની ગયુ અને આપે એ લોકોને સાવચેત કરી દીધા કે ખિલાફતની ખુરસી પર પલોઠી વાળીને બેસી જાય તે ખિલાફતને લાયક નથી બની જતો અને ખિલાફત તેને જે લાયક હોય તેના માટે જ હોય છે. (વલ્લાહો અઅ્લમ)
(સિરાતુન્ નજાત, ભાગ:૩, પાના:૪૨૭,
મિર્ઝા જવાદ તબરેઝી)
૨. મરહુમ આયતુલ્લાહુલ મિર્ઝા જવાદ (ર.અ.)નો નઝરીયો:
દુશ્મનો અને ખિલાફતની ખુરસી પર બેસવાવાળાઓના હાથે હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ની શહાદતમાં મસ્લેહત એ છે કે આપ(અ.સ.)નો ઇરાદો હતો કે દુશ્મનો અને ખિલાફતના ગસ્બ કરવાવાળાઓના તમામ કાર્યોનો વિનાશ બરબાદ કરવા હતા અને આપ(અ.સ.)નો કયામ લોકોને ગફલતમાંથી જગાડવા માટે અને સાચા અકાએદને જાહેર કરવા માટે હતો, આ અકાએદનું અનુસરણ અને હિફાઝત વાજીબ છે અને આ રીતે આવનારી પેઢીઓ પણ આપના કયામથી ફાયદો લેતી રહે.
(સિરાતુન્ નજાત, ભાગ:૩, પાના:૪૩૩,
મિર્ઝા જવાદ તબરેઝી)
૩. હઝરત આયતુલ્લાહુલ ઉઝમા સૈયદ અલી સીસ્તાની હફઝલ્લાહોનું મંતવ્ય:
અત્યારના સમયમાં આખી દુનિયામાં હઝરત આયતુલ્લાહ સીસ્તાની સાહેબની તકલીદ કરવાવાળા સૌથી વધારે છે અને અલહમ્દોલિલ્લાહ આપ અત્યારે નજફે અશરફમાં રહીને પુરી દુનિયાના શીઆઓની રહનૂમાઇ ફરમાવી રહ્યા છે. આપને પુછવામાં આવ્યુ કે ઇમામ હુસૈન (અ.સ.)ના કયામનું વાસ્તવિક કારણ શું છે? અમે ઇમામ હુસૈન (અ.સ.)ની ઇમામત અને ઇસ્મત પર ઇમાન રાખ્યા પછી આ પ્રકારના સવાલોથી બેનિયાઝ છીએ. પરંતુ વિરોધીઓ આ બારામાં મુશ્કેલીઓ ઉભી કરી દે છે. આથી અમે મજબૂર થઇને આ સવાલના જવાબના ઇચ્છુક છીએ. આ બારામાં આપનો અભિપ્રાય શું છે?
જવાબમાં આપે ફરમાવ્યુ: ચોક્કસ ખુદ આપ(અ.સ.)એ ફરમાવ્યુ કે બેશક મેં મારા જદ્દની ઉમ્મતની સુધારણા માટે ખુજ કર્યો છે અને એજ રીતે આપ(અ.સ.)એ ફરમાવ્યુ કે મેં કયામ કર્યો છે અમ્ર બિલ મઅફ એટલે કે નેકીઓની તરફ દાવત દેવા માટે અને નહ્ય અનિલ મુનકર એટલે કે બુરાઇઓથી રોકવા માટે. વધુમા આપ ફરમાવે છે કે એ વાતમાં કોઇ શક નથી કે બુરાઇ અને ખરાબીઓનૂં ખુલ્લમ ખુલ્લા એલાન અને તે પણ ખલીફએ રસૂલ(સ.અ.વ.)ના નામથી, જે ઇસ્લામ અને મુસલમાનોના માટે મહાન ખતરો થઇ ચૂક્યો હતો. આથી ઇમામ(અ.સ.)એ તેની વિધ્ધ કયામ કર્યો. કોઇપણ ગૈરતદાર મુસ્લિમની જેમ કે તે સરકશ અને તાગૂતની વિધ્ધ કયામ કરે છે અને અગર તેને એ માલૂમ થાય કે તે તાગૂત તેના કત્લ માટે તૈયાર થઇ જાય છે, તો પછી તે અંબીયા અને મુરસલીનની સુન્નતને અપનાવે છે, કે જેમણે ઝુલ્મો જૌર અને કુફ્ર તથા હકના ઇન્કાર કરવાવાળાઓની વિધ્ધ કયામ કર્યો. ત્યાં સુધી કે શહીદ થઇ ગયા. સલામુલ્લાહે અલયહિમ અજમઇન.
(ઇસ્તેફાઆત, પાના:૪૮૭, સૈયદ સીસ્તાની દામઝીલ્લોહ)
૪. હઝરત આયતુલ્લાહ ખુમૈની(ર.અ.):
ઇસ્લામને જેમકે અત્યાર સુધી આપ જોઇ રહ્યા છો એમ સય્યદુશ્શોહદા(અ.સ.)એ મહફુઝ રાખ્યો છે.ખુદાના માર્ગમાં અને ઇસ્લામને મજબૂત બનાવવા માટે ઝુલ્મની વિધ્ધ આપ (અ.સ.)એ કયામ કર્યો. આપણી મિલ્લત આ મજલીસોનું મૂલ્ય જાણે, આશૂરાના દિવસોની આ મજલીસ એવી મજલીસ છે કે જે આપણી મિલ્લતની હિફાઝત કરે છે. અય્યામે આશૂરા સિવાય અઠવાડીયાની એક મજલીસ આપણા માટે હરકત અને ચેતના પૈદા કરે છે. લોકો એવુ ન સમજે કે આપણે એક મિલ્લતે ગિર્યા (એક રોવાવાળી કૌમ) છીએ. આપણે એક એવી મિલ્લત છીએ કે આ ગિર્યા થકી આપણે બે હજાર પાંચસો વરસની તાકતને ખત્મ કરી દીધી.
(સહીફએ નૂર, ભાગ:૧૬, પાના: ૨૦૭-૨૧૦)
૫. હઝરત આયતુલ્લાહ નાસિર મકારિમ શિરાઝી (દામઝિલ્લહુલ આલી):
યકીનની સાથે કહીએ છીએ કે હુસૈની અઝીમ નીશાનીઓ શ્રેષ્ઠ ઇસ્લામી નિશાનીઓ છે. જે અઇમ્મા(અ.મુ.સ.) થકી આપણા સુધી પહોંચી છે. અને કદાચ વહેલુ ગણાય કે આપણે આશૂરાએ હુસૈનીને સમજી શકીએ અને તેની ઉંડાઇ સુધી પહોંચી શકીએ.
“અસ્સલામો અલૈક યા અબા અબ્દીલ્લાહે વ રહમતુલ્લાહે વ બરકાતોહ
—૦૦૦—
Comments (0)